Tag Archives: ચિત્રકથા

જ્ઞાન-વિજ્ઞાનની સફર

મિત્રો, નમસ્કાર.
અમોએ તો વિજ્ઞાન વિષયમાં કોઈ એવું નોંધપાત્ર શિક્ષણ કે ડિગ્રી મેળવેલાં નથી છતાં વારે તહેવારે વિજ્ઞાન વિષયે બે વાત કરવા જેટલી લાયકાત તો ધરાવીએ જ છીએ. આજે વાત આ આછેરી લાયકાત પ્રાપ્તિમાં સહાયક એવા કેટલાક સદ્‍ગુરુઓની.

શ્રી.રજનીભાઈએ થોડા દહાડા પૂર્વે ’એક ઘા બે કટકા’ પર એક પુસ્તક ’આસાન અંગ્રેજી’નો પરિચય કરાવ્યો. અને અમે યાદો તાજી કરી. સૌ પ્રથમ આ લેખમાળા ’સફારી’માં પ્રગટ થતી હતી. પછી પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ. અત્યુત્તમ કાર્ય. પણ રજનીભાઈનાં એ પરિચય લેખે વિજ્ઞાન પ્રકાશનો સાથેની પુરાતન મિત્રતા તાજી કરાવી.

કબાટ ખોલ્યો. સંગ્રહમાં ગુજરાતી સ્કોપ, સફારી, વેવલેન્થ, વિજ્ઞાનદર્શન, ધૂમકેતુ, અંકુર અને અંગ્રેજીમાં સાયન્સ ટુડે તથા ૨૦૦૧ નામક પ્રકાશનો, જે અમો બહુ જિજ્ઞાસાપૂર્વક વાંચતા અને હજુ વાંચીએ છીએ, દર્શન દે છે. ’વેવલેન્થ’ નામક વિજ્ઞાન સામયિકનો નવેમ્બર ૧૯૮૮માં પ્રથમ અંક પ્રકાશિત થયો. કુલ ૨૨ અંક બહાર પડેલા. ૨૨મો અંક જુલાઈ ૧૯૯૨નો દેખાય છે. આ બધાં અંક સંગ્રહમાં છે. ’સફારી’ વાળા શ્રી.નગેન્દ્ર વિજયજી પ્રથમ ’સ્કોપ’ નામે ઘણું જ ઉમદા વિજ્ઞાન સામયિક પ્રકાશિત કરતા. તેનો બીજો અંક ડિસેમ્બર, ૧૯૭૭માં બહાર પડેલો. પ્રથમ અંક સંગ્રહમાં નથી પણ પછીથી મે, ૧૯૮૫માં તેનું પુનર્મુદ્રણ થયેલું તે દેખાય છે. સ્કોપનાં કુલ ૩૬ અંક બહાર પડેલા. ૩૬મો અંક નવેમ્બર, ૧૯૯૩માં બહાર પડેલો. જો કે મારા સંગ્રહમાં ૧૦ અંક નથી (અંક: ૩ થી ૭, ૯ થી ૧૧, ૧૬ અને ૨૮ નથી). એ જ પ્રમાણે અન્ય વિજ્ઞાન સામયિકોનાં સઘળા નહિ પણ કેટલાંક અંકો સચવાયેલા પડ્યા છે. સૌથી વધુ અંકનો સંગ્રહ થયો હોય તો એ છે ’સફારી’. કેમ કે, તેનાં કુલ ૨૨૫ અંક પ્રકાશિત થઈ ચૂક્યા છે (પ્રથમ અંક ઓગસ્ટ ૧૯૮૦ અને ફેબ્રુ. ૨૦૧૩માં ૨૨૫મો અંક). એમાંના અંક: ૧ થી ૬, અને ૧૭ એમ સાત અંકોને બાદ કરતાં અન્ય સઘળા અંક સંગ્રહમાં દેખાય છે. ખેર આજકાલ તો ગુજરાતીમાં એકમાત્ર સફારી સિવાય અન્ય કોઈ આવું સામયિક પ્રકાશિત થતું હોવાનું જાણમાં નથી. આ એકમાત્ર સફારીએ સુખેદુઃખે સાથ જાળવી રાખ્યો છે એ એમને માટે તો ગૌરવની વાત છે જ પણ વાંચવામાં પૈસા ન ખરચતા હોવાની તદ્દન ખોટી છાપ ધરાવતા ગુજરાતીઓ માટે વિશેષ ગૌરવની વાત છે. આમ તો સફારી એટલે જ જ્ઞાન ઉપાર્જનની યાત્રા. એક સમે ભૌગોલિક અને પ્રાકૃતિક જ્ઞાન મેળવવા માટે જે સાહસ સફરો થતી તે સફારી કહેવાતી. આવી સફર કરનારા એટલે સફરી અને એ સફરીઓ વળી જે ખાસ પોશાક પહેરતાં એ પણ કહેવાયોDSC08365b સફારી ! આપણે તો રાજેશ ખન્નાનાં જમાનામાં આવા સફારી સૂટ બહુ પ્રખ્યાત થયેલાં. પરણવા ઊપડતા વરરાજા માટે તો આ સફારી સૂટ ફરજિયાત ગણાતો. કદાચ લગ્ન એ પણ એક પ્રકારે સહજીવનની સાહસ સફર જ ને ?! (કે પછી, આ સાહસ કરવા જેવું નહોતું એવા જ્ઞાનપ્રાપ્તિની સફર !) લો આપણે પણ ક્યાં આડીઅવળી કેડીએ ચઢ્યા ! ચાલો પાછાં મુખ્ય મારગે.

જે જમાનામાં કૉમ્પ્યુટર તો ઠીક કૅલ્ક્યુલેટર પણ અમોને માટે દૂરની કોડી હતાં, ગુગલ કે વિકિ મહારાજનું હજુ ગર્ભમાં અવતરણ પણ નહોતું થયું, ત્યારે આ બધા જ્ઞાનવિજ્ઞાન સામયિકોનાં વાંચનનો શોખ અમારી ગણતરી વિદ્વાનોમાં કરાવતો ! (ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન !). વધુમાં આમાં દેશ વિદેશનાં લેખકોની કેટલીક બાળવિજ્ઞાનકથાઓ અને સાહસકથાઓની ચોપડીઓ પણ ગણવી. જો કે આ સામયિકો તો વાર્તા નહિ પણ નક્કર વાતો જણાવતા. એમાંયે શ્રી. નગેન્દ્ર વિજયજીનાં લખાણ-સંપાદનમાં અઘરા વિષયને સરળ કરી ગળે ઉતારી દેવાની જે કલા રહી છે તે તો અદ્ભુત છે. મારી જાણકારી ખોટી ન હોય તો, તેઓશ્રીનાં પિતાશ્રી, આદરણીય લેખકશ્રી વિજયગુપ્ત મૌર્યજી પણ પોરબંદરનાં. (આ ગામે વિશ્વને પથ્થરથી માંડી અણમોલ રતન સુધીનો ખજાનો આપ્યો છે.)

તો હવે, હસ્તકંકણને આરસી શું, અને ભણેલગણેલને ફારસી શું ? નીચેના ચિત્રો પર પણ નજર નાંખી લો. કબાટનું આ ખાનું, આટલું જ ઠસાઠસ, ’નોટો’ વડે ભરેલું હોત તો ? કદાચ અમો ગમે ત્યાં હોત પણ આપ સમા ગુણીજનો વચ્ચે તો ન જ હોત ! છટ્‍ ! એવો ખોટનો ધંધો ગાંધીનાં ગામનો આ ’દોઢવાણિયો’ ન જ કરે !!

જ્ઞાન વિજ્ઞાનનો ખજાનો

’સફારી સંગ્રહ’, જ્ઞાન વિજ્ઞાનનો ખજાનો

વધુ જ્ઞાન અર્થે આ જરૂર વાંચો:

સફારી (વિકિપીડિયા)
વિજયગુપ્ત મૌર્ય (વિકિપીડિયા)
સફારી વેબસાઇટ
સફારી સૂટ વિષયક લેખ (ધ નૅશનલ)