Tag Archives: ગ્રામ્યજીવન

ચિત્રકથા – હાલોને આપણાં મલકમાં

પ્રિય મિત્રો, નમસ્કાર. દેવદિવાળીની હાર્દિક શુભકામનાઓ.

ગિરનારની લીલી પરકમ્મા ચાલુ થઈ ગઈ છે. હવે તો સમય પ્રમાણે દેખાવ પણ બદલાયો છે. બાકી થોડા વર્ષો પહેલાં, અમારા એક શિક્ષક વર્ણન કરતાં તેમ, બસ સ્ટેશન રોડ પર;

માથે શંકુ આકારનાં પોટલાં અને હાથમાં જોડાં,

ભાતીગળ વેશ અને ટોળેટોળાં.

સમજી જવાનું કે પરકમ્માની શરૂઆત થઈ ગઈ છે ! (આજે પૂર્ણ પણ થઈ.)

પરિક્રમાર્થીઓ ભલે ગરવા ગિરનારની પરિક્રમા કરતાં, આપણે આજે કાંઠાળ બાજુ નીકળીએ. દિવાળી પછી ચાર-પાંચ દહાડા ’વતન’માં જવા મળે, દરિયાનાં દર્શન થાય, એટલે મનમાં પણ મોજનાં દરિયા ઉછળવા માંડે. અહીં એક આડવાત, આ અમે જનમભોમકાથી સો સવા સો કી.મી. છેટા હોઈએ, ઈ ની ઈ જ ભોમકા માથે હોઈએ, ઈ ના ઈ જ રાજ્યમાં, ઈ ના ઈ જ દેશમાં હોઈએ, તો પણ જનમ્યા હોયે ઈ ભોમકાને ’વતન’ કહીએ ! પર રાજ્યમાં વસતા મિત્રોને વળી ’ગુજરાત’ એટલે વતન અને પરદેશે બેઠેલા મિત્રોને તો વળી ’ભારત’ એટલે વતન. કેમેરાના વાઈડ એંગલની જેમ, દૂર જતા જઈએ એમ દૃષ્ટિફલક વિસ્તાર પામતું જાય. જો કે દિલની ભાવનામાં કોઈ ખોટ નહિ ! બસ સામાન્ય માનવસહજ ટેવ.

તો શરૂઆત કરીએ માંડવી (મગફળી)ના ઓળાથી. આમ તો મગફળીનો પાક લેવાઈ ગયો છે. ક્યાંક પાથરા પડ્યા છે તો ક્યાંક ઓપનરેથી કઢાઈને ઢગલા પણ થઈ ગયા છે. છતાં હજુ કોઈ કોઈ શોખીન ખેડુએ, ઓળા ખાવા ખવડાવા અર્થે, થોડાં ઝાડવાં લીલા રાખી મેલ્યા હોય. મે‘માન આવે તંયે શેકવા થાય ! સદ્‌નસીબે અમને પણ ઓળા ખાવાનો લહાવો મળી ગયો.

આ વર્ષે કોઈએ અગાઉથી સઘળા યજમાનોને જાણ કરી દીધી હોય કે કેમ પણ જ્યાં ગયા ત્યાં દૂધપાકનાં ભોજન જ પ્રાપ્ત થયા. જો કે દૂધપાક (એ પણ ઘરના દૂઝાણાનો) પણ અમારી પ્રિય વાનગી. પણ બેઉ ટંક અને ચારે દિવસ દૂધપાક ?! (અમને આ કાવતરામાં વિદેશી હાથ હોવાની પાક્કી શંકા છે !)

અંતે અમારા મનપસંદ ઠેકાણે, સમુદ્રકિનારે, પહોંચ્યા. દિવાળી આસપાસ અહીં દરિયો ઓટમાં હોય છે. સામાન્ય દિવસો કરતાં બસો ત્રણસો મીટર પાછો હટી જાય. સમુદ્રતળ ખુલ્લું પડે અને આડે દહાડે દૃષ્ટિગોચર ન થતી જીવ અને વનસ્પતી સૃષ્ટિ જોવા મળે. હંમેશા ભરદરિયો જોવા ટેવાયેલી આંખોને જો કે આ ઓટાયેલો દરિયો થોડો અસુંદર લાગે. શાંત પણ બહુ હોય. એક પણ મોજું ઉછળતું ન દેખાય. પણ એ સામે સૌથી મોટી મજા કિનારે કિનારે ચાલવાની. એક વહેલી સવારે, ૪-૩૦ વાગ્યે, ઊઠીને અમોએ ચાલવાનું શરૂ કર્યું તે છેક ૧૫ કિ.મી. દૂર ખાડીના કાંઠા સુધી (હર્ષદની ખાડી) ચાલી નાખ્યું ! ઘોર અંધકારમાં સમૂદ્રકિનારે, નિરવ શાંતિ અને માથે ટમટમતા તારોલીયાના સાનિધ્યે, બસ ચાલતા જ રહેવું. ચાલતા જ રહેવું. એ આલ્હાદક અનુભૂતિ છે. પગને આંખ હોવી એટલે શું એ ત્યાં સમજાય. ફોટોગ્રાફી શક્ય ન હતી, અમારા નાનકડા કેમેરાની નાનકડી ફ્લેશ એ અતિસુંદર અંધકારને કચકડે કંડારવા સમર્થ ના જ બને.

વાત નીકળી છે તો, વિદ્વાન મિત્રોને રસ પડે એમ માની, સૌરાષ્ટ્રના આ કાંઠાળ વિસ્તારમાં બોલાતા કેટલાક શબ્દોનો ઉલ્લેખ કરું. સમુદ્રમાં ઓટ હોય ત્યારે અહીં દરિયો “ઓર” કહેવાય અને ભરતી ટાણે “ભર”. સમૂદ્ર પરથી વાતો પવન “અવર” કહેવાય અને જમીન પરથી વાય ત્યારે “ભવર” કે “ભૂર”. (દિવાળી ટાણે મોટાભાગે “ભવર” જ વાય.)

અને હવે કેટલાંક વધુ ચિત્રોનો આનંદ માણો. જે ’આપણાં મલકમા’ મહાલતાં ઝપટે ચઢ્યાં !

જગતાતનો આવાસ.

વઢિયારો !

અને એક ભેંશ ભરોસાની ન હતી ! એટલે પાડી આવી !!

આવળ, અને અહીં આવળનાં ઔષધિય ગુણો વિશે માહિતી મળશે.

ભોંપાથરી કે ભોંયપાથરી કે ગળજીભી (સં:गोजिव्हा કે अधपातः કે खरपर्णिनी), (અં:Lisanusaur), (બોટનિકલ નામ:onosma bracteatum).
ઔષધીય ઉપયોગ

સાટોડી (સં: पुनर्नवा), (અં: Common Hogweed, red spiderling), (લેટિન નામ: Boerhaavia Diffusa)
એક હસવા જેવી વાત; હિન્દીમાં આને गधा कंद પણ કહે છે ! અને આપણી જાણીતી બુગનવેલની આ માસીયાઈ બહેન ગણાય !
જાણો ઔષધીય ગુણ.

ડાંડલીયો થોર. ખેતરની વાડ કરાય છે. (છે કોઈ પાસે વધુ માહિતી ?)

ઘાબુરી. રક્તપાત રોકવા માટેનું આ એક હાથવગું ઔષધ છે. સીમશેઢે કામ કરતાં ઘા વાગે અને રક્ત વહેવા માંડે એટલે આના પાન મસળી ઘા પર લગાવતાં રક્ત વહેવું બંધ થાય છે અને રૂઝ આવે છે. (કાશ જગતમાં ચાલતા નાહકના ભિષણ રક્તપાતને પણ રોકી શકતી હોત !)

અને અંતે; એક પ્રશ્ન આપ મિત્રોને. (અરે ભ‘ઈ અમે આટલું કષ્ટ લીધું તો થોડું આપ પણ લો !)

બુદ્ધિનો પ્રયોગ કરી નીચેનાં ચિત્રમાં દર્શાવેલી ગોળમટોળ વસ્તુ (વજન ૫-૭ kg)નું નામ જણાવો.  ધન્યવાદ.

“?”