Tag Archives: ખેડૂત

ચિત્રકથા – સાતમ આઠમ

મિત્રો, નમસ્કાર.
હમણાં જન્માષ્ટમીનાં તહેવારો ગયા, સૌરાષ્ટ્રમાં આ બહુ મહત્વના તહેવારોમાંનો એક ગણાય. લોકબોલીમાં તેને ’સાતમ-આઠમ’નો તહેવાર કહેવાય. ઘરે ઘરે મીઠાઈ-ફરસાણ બને, ગામે ગામ લોકમેળાઓ ભરાય, એકંદરે નાના-મોટા, સ્ત્રી-પુરુષ-બાળકો, અમીર-ગરીબ, શહેરીજનો-ગ્રામ્યજનો સૌનો માનીતો આ તહેવાર. એક કહેવત છે કે ’ઊંટનું મોં મારવાડ ભણી’ તેમ અમને સાતમ-આઠમ આવે એટલે વતનનું ગામડું યાદ આવે. તો આજે લાંબી કથા નથી કરવી ! આપને ચિત્રોના માધ્યમે અમારી સાતમ-આઠમની સફરના સંભારણાઓમાં સહભાગી બનવા આમંત્રણ જ આપી દઉં.

આ છે પોરબંદરના મેળાની નાનેરી ઝલક. અને હવે ઊપડીએ ગામડે.

રક્ષાબંધન તો ભાઈ-બહેન મળે ત્યારે પણ થાય ! અમે સાતમનાં દિવસે કરી ! મારો વીરો ઘરે આવ્યો લાવ ’બરેવળું’ બાંધી આપું. ખમ્મા મારા વીરા. (અમારા પ.પૂ.પિતાશ્રી અને તેમનાં બહેન એટલે કે અમારા ફઈબા કમ સાસુમાં ! ચોંકશો નહીં, અમારે મામા-ફુઈના મળે તો બહાર ક્યાંય લગ્ન કરે જ નહીં ! વધુ ક્યારેક ડાયરામાં ચર્ચા કરીશું.)

અને આ છે ગામ બહાર નાનકડી ટેકરીની ઓથે આવેલું શીતલામાતાનું મંદિર, જેને લોકો શીતળાઆઈનું ડેરું કહે છે અને સાતમના દિવસે ચોખાના લોટની કુલેરનો પ્રસાદ ધરાવે છે જે અમે બાળક હતા ત્યારે ધરવ કરીને ખાતા ! હવે ’મોટા’ કહેવાઇએને એટલે જરા અમથો ખાઈને મોટપની ’મઝા’ માણીએ છીએ !! લોકો માને કે શીતલામાતાને કુલેર ધરાવીએ તો શીતળાનો રોગ (chickenpox કે smallpox ?) ના થાય, જો કે પછી રસીકરણ શોધાયું અને માતાજી આ જવાબદારીમાંથી નિવૃત થયા ! હવે એમના થકી વર્ષે એકવાર આ આરોગ્યપ્રદ કુલેર ખાવા મળે છે એટલો એમનો અનુગ્રહ રહ્યો.

અહીં બાજુમાં નાનકડી ટેકરી આવેલી છે જે ’હિણાજીયા કોઠા’નાં નામે ઓળખાય છે. તે પર પણ તેન્ઝિંગની અદાથી આરોહણ કર્યું ! (આ તેન્ઝિંગ નોર્ગે સાથે અમારે એક અંગત સંબંધ છે, અમે ’ટીન’ (nineteen) વટાવ્યું તે જ દહાડે આ વીરપુરુષે આ જગત વટાવ્યું) આ ટેકરી પર ગ્રામ્યલોકો દેશી ઊપચારોમાં વાપરે તેવી કેટલીએ વનસ્પતિ છે, બધીને તો અમે પણ નથી ઓળખતા પણ જોડેનાં સાથીદારે કેટલીકની ઓળખ કરાવી, થોડા ચિત્રો એ હર્બલ મેડીસિન્સનાં. (ઓળખ અને ઉપયોગ જાણકાર મિત્રો અહીં જણાવશે તેવી વિનંતી.)

આ ટેકરી પરનો એક પથ્થર જોતાં, વળી એ ’નાના’ હતા ત્યારનાં સંસ્મરણો તાજાં થયા. આ પથ્થર પર કોતરેલું ચિત્ર (હવે ઝાંખું પડી ગયેલું !) ’નવકૂકરી’ નામક એક ટાઈમપાસ દેશી રમતનું છે. બસ ગમે ત્યાં આ ચિત્ર બનાવો, થોડી કાંકરીઓ એકઠ્ઠી કરો અને મંડી પડો. આમ તો શૂન્યચોકડીની રમત જેવા નિયમો હોય છે, હવે પાકેપાયે યાદ નથી રહ્યા, કોઈ વડીલ જાણતા હોય તો થોડું માર્ગદર્શન કરે તેવી વિનંતી. એક દેશી રમત ફરી સજીવન થાય.

અને આ છે લીલુડી ઓઢણી ઓઢેલી ધરતીનું વિહંગાવલોકન.

અને આ થોર (ક્રેક્ટસ)નો એક પ્રકાર છે, અહીં તેને ’કટારો’ કહે છે. ખેતર ફરતે આની વાડ કરાય છે, કાંટેદાર વાડ બાહ્ય, ઘૂસણખોર પશુઓને ખેતરમાં આવતા રોકે છે, કહો કે ઈકોફ્રેન્ડલી વાડ ! આપણે ત્યાં ભાઈ બહેન પર હાથ ઉગામે (મારામારી કરે) તો વડિલો બીક બતાવે કે બહેનને હેરાન કરીશ તો તારા હાથમાં કટારો ઉગશે ! (હવે જોઈ લ્યો, આવા હાથનું પોસાણ થાય ?) 

 અને સાથે આ સફેદ અને જાંબલી રંગનાં પુષ્પને તો ઓળખી જ ગયા હશો ! બસ એ જ, બજરંગબલીને ચઢાવાતો ’આકડો’. (આપણે ગુજરાતીમાં નબળી, બહુ મજબૂત નહીં એવી રીતે ગોઠવાયેલી કોઈ ચીજ માટે કહેવાય છે ’આકડાનો માંડવો’, આ કહેવત આ બટકણા આકડાને ધ્યાને રાખીને બનાવવામાં આવી હશે !)

અને આ છે આપણા “જગતના તાત”નું જીવન ! જો કે તેને કશી ફરિયાદ નથી, કેમ કે તેને માટે તો કર્મ છે, ધર્મ છે. પણ લોક બધું મેળામાં મહાલે, અમે દુકાનને થોડા દહાડા તાળા મારી દઈએ, નોકરિયાત બે રજાને બે-ચાર હક્ક રજાનો મેળ પાડી નીકળી પડે પરંતુ માંડવી (મગફળી) સુકાતી હોય તેમાં કંઈ હક્ક રજાની જોગવાઈ ન હોય ! એ તો સાતમ હોય આઠમ હોય કે પછી દિવાળી, કામ પહેલાં. જગતનાં તાતનું બિરુદ કંઈ એમ અમથું જ નથી મળતું ! (અગાઉ અમે એક ’કર્મણ્યે વાધિકારસ્તે’ નામક ચિત્રકથા કરેલી તે પણ સમયાનૂકુલતાએ જોઈ જવા વિનંતી). પણ પછી એય ને ફુવારાઓ ચાલુ થયા અને તેની ઠંડકની શું વાત કરૂં !! પણ મોજ પડી ગઈ (પડે જ ને ! મારે ક્યાં ફુવારાના પાઈપ ફેરવવા પડ્યા હતા ! મારે તો આરામથી ફોટા પાડવાની મહેનત જ હતી !! આમે અમારે ગામડામાં બે દહાડા તો મહેમાન પાસે કામકાજ ન કરાવે ! એટલાં ભલા માણસો ખરા 🙂 )

અને આ ખેતરને શેઢે ખીજડો. લોકો તેને પવિત્ર વૃક્ષ ગણે, તેમાં ’મામા’ (એક પ્રકારનાં લોકદેવતા)નો વાસ મનાય. ચાલો એ બહાને વૃક્ષોનું રક્ષણ તો થાય !

આ છે મગફળીનો ફાલ, લગભગ પંદરેક દિવસમાં ઓળા ખાવા મળશે. અત્યારે તો આ દૂધે ભરાતી, નરમ નરમ અને મીઠી મીઠી માંડવીનો ધરવ કીધો. અને હા આ નવું મકાન દિવાળીએ તૈયાર થઈ જશે, હવે પછી રજાઓમાં આ બનશે અમારું નવું ઠેકાણું ! (છોકરાંઓનાં મામાનું ઘર છે એટલે આપણને પણ બે દહાડા ઓશરીમાં પડ્યા રહેવા તો દેશે જ ને ?! એમ તો માણસો ભલા છે 🙂 ) લોક સાહિત્યમાં વિવિધ પ્રકારનાં દુઃખ વર્ણવ્યા છે, એમાનું એક દુઃખ અમે પણ પાળ્યું છે !
’અંધારી રાત ને બળદીયા કાળા,
વઢકણી વહુ ને ગામમાં સાળા.’ 🙂 આખું કવિત ક્યારેક ડાયરામાં માંડીશું.

અને અંતે આ ચિત્રો છે જન્માષ્ટમીની રાત્રે, ગામમાં આવેલાં સુંદર મંદિરોનાં સંકુલમાં ભજવાતા ભવાઈવેશનું. અહીં સાતમથી શરૂ કરી નોમની બપોર સુધી ભવાઈ રમાય છે. (લોકભાષામાં ’ભવાયા રમ્યા’ તેમ કહેવાય) આ ભવાઈમાં સ્ત્રીનો વેશ પરિધાન કરી અને ગીત, ગરબા, લોકગીત (અને હવે તો ફિલ્મીગીત પણ)ના તાલે ખાસ પ્રકારનું નૃત્ય કરવામાં આવે. નાના નાના નાટક જેવું પણ કરાય. રંગલા રંગલીનાં ફારસ પણ હોય. જોનારા ખુશ થઈ અને કંઈ કંઈ આપે તેમાંથી તેની આજીવિકા ચાલે. એક પ્રાચીન કલા છે જે હવે બહુ ઓછી જોવા મળે છે. (આપણા યશવંતભાઈએ નેટ પર, લખાણોમાં, આ કલાને જીવંત રાખવાનું સત્કાર્ય કર્યું છે, અહીં યશવંતભાઈને વાંચનારા મિત્રો તો આ ભવાઈ, રંગલો, રંગલી જેવા પાત્રોથી પરિચિત હોય જ.) અને પછી બરાબર મધ્યરાત્રીએ એ પૂર્ણપુરુષ, પુરુષોત્તમ, લોકનાયક, કૃષ્ણ કનૈયાનો જન્મોત્સવ ઊજવાયો. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કિ. અમે તો માખણ-મિસરી અને પંજરીનો ધરવ કર્યો. આપણા એકે ભગવાને ભુખ્યા રહેવાનું કે અકારણ દુઃખી થવાનું શીખવ્યું નથી ! નરસિંહનાં શબ્દોમાં કહીએ તો; ’આ જીવન એક અનંત ઉત્સવ છે’.

તો આ હતી અમારી ’સાતમ-આઠમ’. આ ઉપરાંત પણ ઘણું જોવા-જાણવા-માણવા જેવું રસપ્રદ હોય છે. જેમ કે ખાસ સાતમ માટે બનતા ’થેપલાં’ (આ થેપલાં એટલે આપ ગળી પુરી કહી શકો જે ખાસપણે ત્રિકોણ આકારની અને ચાર પડ વાળી હોય છે), ’વાનવા’ (જે ફરસાણ હોય છે, આપે ખાખરા તો ખાધા હશે, આ તેનું દેશી સ્વરૂપ !), અને મોહનથાળ કે ઠોર કે સાટા (ગળી ખાજલી) જેવી મીઠાઈ તો ખરી જ. અમુક શોખીન રજનીભાઈને યાદ કરીને મંડી પડેલા પણ દેખાય !! અને અમુક વળી વિવિધ રંગનાં આલ્હાદક ?? પીણાઓ પર પણ મંડાયા હોય ! (પહેલાં માત્ર પાણીકલરનું પીણું જ દેખાતું, જેને ’દેશી’ એવું નામાભિધાન કરાયું છે, પણ કોઈ કોઈ લોકો ભુપેન્દ્રસિંહજીને વાંચી ગયા હશે તે હવે રંગોની ભાન પણ આવી છે !) જેવો જેનો શોખ અને જેવી જેની સગવડ. અમે તો એક રાત્રે વાડીએ ભજિયા અને એક દા પકોડાની પાર્ટી કરેલી ! પીણાઓ અને પાનાઓ (બાવન જ સ્તો !)બાબતે તો જે શી ક્રિષ્ના !! પચે પણ નહીં અને પરવડે પણ નહીં ! (અહીં ’પરવડે’ શબ્દ મહત્વનો ગણવો ! અર્થાત્ કોઈ સ્વખર્ચે સલાહ કરશે તો પાચનશક્તિ તો અમે કેળવી લેશું 🙂 ) તો લ્યો સર્વે મિત્રોને જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ. આભાર.