Tag Archives: કૉપીરાઇટ

વિકિસ્રોત (Wikisource) ગુજરાતી

મિત્રો, નમસ્કાર.
આગળ આપણે વિકિપીડિયા પર પ્રાથમિક જાણકારીઓ જોઇ  (વિકિપીડિયા (wikipedia) ગુજરાતી).  આજે આપણે વાત કરીશું વિકિપીડિયાનાં જ એક સંલગ્ન પ્રકલ્પ “વિકિસોર્સ” ની. ગુજરાતી ભાષામાં પણ ચાલતા આ પ્રકલ્પને આપણે “વિકિસ્રોત” તરીકે  ઓળખશું. વિકિપીડિયાએ આમતો નવેમ્બર-૨૦૦૩માં આ વિકિસોર્સ નામક પ્રકલ્પ શરૂ કર્યો, જે ખરેખર તો  “પ્રોજેક્ટ સોર્સબર્ગ” તરીકે ઓળખાવ્યો હતો. કશુંક જાણીતું નામ લાગ્યું ? હા, ’પ્રોજેક્ટ ગુટૅનબર્ગ’ સાથે  પ્રાસાનુપ્રાસ મળતો લાગે છે ને ? જે રીતે ’પ્રોજેક્ટ ગુટૅનબર્ગ’ દ્વારા છાપકામ કરાયેલા પુસ્તકોને ઇન્ટરનેટ પર, વિનામુલ્યે, ઉપલબ્ધ કરાવવાનો પ્રકલ્પ ચાલ્યો તે પરથી પ્રેરણા લઈ અને આ મુળભુત સ્ત્રોતને જીજ્ઞાસુઓની સમક્ષ મૂકવાનો પ્રકલ્પ વિચારાયો. જે પછીથી “વિકિસોર્સ” તરીકે જાણીતો થયો. પ્રથમ તો  અંગ્રેજી ભાષામાં જ ઉપલબ્ધ આ પ્રકલ્પના સપ્ટેમ્બર-૨૦૦૫ થી અન્ય ભાષાઓનાં સબડમૅન પણ શરૂ થયા.

અહીં આપણે એક આડવાત પણ કરી લઇએ. આપણી માતૃભાષા ગુજરાતી પણ સસંદર્ભ સાહિત્યથી ભરપુર  છે. આપણી પાસે પણ જ્ઞાનનો અમુલ્ય ખજાનો પડેલો છે. પરંતુ આપણી આળસ હોય કે પછી વેપારીવૃત્તિ,  વિકિસોર્સ પર ગુજરાતીને હજુ અંગત સબડમૅન મળ્યું નથી. વિકિના નિયમાનુસાર, અમુક સંખ્યામાં સાહિત્ય,  અને સંતોષકારક વિનંતીઓ મળે તો જ, જે તે ભાષાનું અંગત સબડમૅન આપવામાં આવે છે. જો કે વિકિસોર્સનાં ’વિવિધભાષા પ્રકલ્પ’  હેઠળ આપણે ગુજરાતી સાહિત્ય કે લેખોનું સંકલન કરી શકીએ છીએ. ત્યાં સંતોષકારક  કાર્ય થવા માંડે તો આપણે ’ગુજરાતી વિકિસોર્સ’ (વિકિસ્રોત) મેળવી શકીશું. આ માટે આપણે કશો આર્થિક  ફાળો આપવાનો પણ નથી, બસ થોડો સમય આપવાનો છે. તો અહીં આપણે વિકિસ્રોત પર શું શું પ્રવૃત્તિઓમાં યોગદાન કરી શકીએ અને કઈ રીતે કરી શકીએ તેની આછેરી ઝલક મેળવીશું.

સૌ પ્રથમ તો આપ ’વિકિપીડિયા’ના સભ્ય હોય તો, (જો કે ’સભ્ય’ન હોય તો પણ યોગદાન તો આપી જ  શકો પરંતુ આપે આપેલ યોગદાન આપનાં નામે રહેશે નહીં, અજાણ્યા યોગદાનકર્તા તરીકે નોંધાશે) તે જ  સભ્યનામ અને પાસવર્ડથી આપ “વિકિસ્રોત” પર પણ લોગઇન થઈ અને કામ કરી શકો છો. આપણને હજુ  ત્યાં, વિકિપીડિયા ગુજરાતીની જેમ, સીધું જ ગુજરાતીમાં લખવાની સગવડ પ્રાપ્ત ન હોવાથી અન્યા કોઈ  પ્રોગ્રામમાં ગુજરાતી લખાણ કરી ત્યાં પેસ્ટ કરવાનું રહેશે. ત્યાં હાલમાં ઉપલબ્ધ થોડા લેખ અને સાહિત્યનો  અભ્યાસ કરી અને આપ આપના રસનાં વિષય કે આપની પાસે ઉપલબ્ધ માહિતીઓના આધારે યોગદાન  આપી શકો છો. અને માત્ર બરાડા પાડવાને બદલે માતૃભાષાની કંઈક નક્કર સેવા કર્યાનો સંતોષ પામી  શકો છો.

તો હવે આપણે વિકિસ્રોત પર પહોંચી ગયા, ત્યાં શું કરવું અને શું ન કરવું તેનાં થોડા માર્ગદર્શક સિદ્ધાંતો પણ સમજી લઇએ. (જેથી ત્યાં પણ કાર્યરત એવા, સેવાભાવી, સંયોજકોને જરા કામનું ભારણ ઘટે !)

# વિકિસ્રોત પર શું લખી શકાય :
* ગુજરાતી ભાષાની, કોપિરાઇટ મુક્ત એવી સાહિત્યકૃત્તિઓ. જેમાં, વાર્તા, નાટકો, નવલિકા, નવલકથા,  કાવ્યો, જેવા અગણિત પ્રકારોથી આપ વિશ્વનાં ગુજરાતીઓ કે ગુજરાતીના જાણનારાઓને ગુજરાતી સાહિત્યનો  પરિચય કરાવી શકો. (પરંતુ !! ફરી યાદ અપાવું, માત્ર કોપિરાઇટ મુક્ત સાહિત્ય જ !!! અને સંદર્ભ સાથે.)
* આંતરરાષ્ટ્રીય નિયમાનુસાર, સામાન્ય રીતે, સનેઃ ૧૯૨૩ પહેલાંનું કોઇપણ સાહિત્ય ત્યાં મૂકવામાં આવે તો  ચાલશે. (ભારતમાં નિયમાનુસાર ૬૦ વર્ષ પછી કોઇપણ સાહિત્યકૃતિ કોપિરાઇટ મુક્ત થાય છે, જરૂર જણાય  તો મારા “કોપિરાઇટ” વિષયક લેખ (કોપીરાઇટ (૧) તથા કોપીરાઇટ (૨) – ક્રિએટિવ કોમન્સ લાઇસન્સ) અને કડીઓનો થોડો અભ્યાસ કરવો)
* લગભગ તમામ, પ્રાચીન ધાર્મિક સાહિત્ય કૃતિઓ.
* લોક સાહિત્યની વિવિધ કૃતિઓ (જેમ કે ગરબા, લોક્ગીતો, લોકવાર્તા વગેરે, જે સામાન્યરીતે કોપિરાઇટ  મુક્ત હોય છે, કે હોવાની આપણને ખાત્રી હોય.)
* દેશનાં બંધારણને લગતું આધારભૂત સાહિત્ય, જે સામાજિક વેલ્યૂ ધરાવતું હોય કે અધિકૃત દસ્તાવેજી  નકલો વગેરે. (જેમ કે ભારતનું બંધારણ, સમાજને અસરકર્તા સરકારી ઠરાવો કે એ પ્રકારનું સમાજલક્ષી  સરકારી સાહિત્ય)
* ઐતિહાસિક મૂલ્ય ધરાવતું સાહિત્ય, જેમ કે ઐતિહાસિક ગણનાપાત્ર મહાનુભાવનાં પ્રવચન, લખાણો,  પત્રવ્યવહાર (જે જાહેર કરાયેલ હોય) વગેરે. (જેમ કે ગાંધીજીનાં કે વિવેકાનંદજી નાં પ્રવચન, પત્રો, ક્યાંય  અપાયેલા સાક્ષાત્કાર (ઈન્ટર્વ્યુ !)ની લેખિત યાદી વગેરે)
* અન્ય ભાષાનાં સાહિત્યનું ભાષાંતર કાર્ય.
* વિકિસ્ત્રોત પર જેમની કૃતિઓ હોય તેવા લેખકો-સર્જકોનો પરિચય, કાર્યકૃતિઓની ઝલક વગેરે.
* તે ઉપરાંત પણ ઘણું ઘણું લખવાના વિષયો મળી રહેશે, અહીં માત્ર શરૂઆત પૂરતું માર્ગદર્શન કરવાનો  પ્રયાસ કર્યો છે.

# હવે વિકિસ્રોત પર શું ન લખી શકાય તે જોઇશું :
* આગળ વાત થઈ તેમ, અર્વાચીન સાહિત્યકારોની, પૂર્વમંજુરી રહિત, કોપિરાઇટયુક્ત  સાહિત્યકૃતિ.
* ગણિતીય આંકડાઓ, સમીકરણો, ફૉર્મ્યુલાઓ કે ટેબલો (કોષ્ટક) ને લગતું સાહિત્ય.
* આંકડાકીય માહિતીઓ આપતું કે સર્વે, સંશોધનને લગતું સાહિત્ય. જેમ કે વસ્તી ગણતરીનાં આંકડાઓ કે તે વિષયક લેખો વગેરે. (આ પ્રકારનાં લેખો અહીં કેમ નહીં ? તેવો પ્રશ્ન ઊઠે તો જવાબ છે કે આ પ્રકારના લેખ માટે તો વિકિપીડિયા છે જ ને !!)
* લેખક કે યોગદાન કર્તાની પોતાની કૃતિઓ !!! એટલે કે આપ આપના દ્વારા રચાયેલ કોઇપણ સાહિત્યકૃતિને વિકિસોર્સ પર મૂકી શકો નહીં. (તે માટે તો આપણા બ્લોગ છે જ !!) વિકિનાં પ્રકલ્પનો આ એક સામાન્ય  સિદ્ધાંત દેખાશે કે તેમાં વ્યક્તિગત વિચારો કે માન્યતાઓને કોઈ સ્થાન નથી. કેમ કે મૂલઃતયા આ એક  જ્ઞાનકોષ છે. જે છે, જેવું છે, તેવું મૂળ સ્વરૂપે અહીં રજૂ કરવા પર ભાર મુકાય છે. હા, કોઈ કૃતિઓની  ભાષા-શબ્દોની અર્વાચીન સમજ પૂરતું આપ તેમાં વધારાની માહિતીઓ આપી શકો. બાકી તેનો સાર સમજવાનું કામ વાચક પર જ છોડવાનું રહે છે ! (એટલે તો તેને વિકિસ્રોત કહેવાયું છે)

તો આ મેં મારી સમજણ મુજબ આપ સૌને આ એક ઉમદા પ્રકલ્પથી માહિતગાર કર્યા. માતૃભાષાની સેવા અર્થે અને કંઈ નહીં તો સ્વનાં આનંદ અર્થે પણ થોડું યોગદાન સૌ કરશે તો આવતી પેઢી માટે આ એક મહત્વનું  યોગદાન રહેશે. (ઓછામાં ઓછું ઇન્ટરનેટ યુગ આથમે નહીં ત્યાં સુધી તો ખરું જ ને !)

અંતે એક અપીલ : આપ વિકિનાં સભ્ય હોય કે બનો તો… Requests_for_new_languages/Wikisource_Gujarati  પર જઈ અને “ગુજરાતી  વિકિસ્રોત” માટેની, ગુજરાતી વિકિપીડિયાનાં પ્રબંધકશ્રી ધવલ સુધન્વા વ્યાસજીએ કરેલી અપીલ પર માત્ર બે લીટી ગુજરાતી વિકિસ્રોત મળવાની તરફેણમાં લખી આપનો મત જરૂર આપશો, જેથી આપણું આ મુળભુત  સ્ત્રોતને એકઠ્ઠો કરી રાખવાનું કાર્ય આગળ ધપે. સાથે ત્યાં હજુ ગુજરાતી ડમૅન મળવા માટેની બાકી રહેતી શરતો પર પણ અહીં ક્લિક કરી નજર નાખજો, અને સંભવિત યથાયોગ્ય સહકાર આપશોજી.  વધુ માહિતીની આપ-લે માટે અહીં નીચેના પ્રતિભાવ બોક્ષનો ઉપયોગ કરી આભારી કરશો. આભાર.