Tag Archives: કાવ્ય

ચાબખા

નમસ્કાર, મિત્રો.
વળી ઘણાં દહાડે મળ્યા ! સાંભળ્યું છે કે અમારા સ્થાનભ્રષ્ટ (ખુરશીભ્રષ્ટ ! ) થવા વિશે કંઈક અફવાઓ પણ ફેલાયેલી છે ! જો કે મહાન લોકોમાં સમાવેશ થયાની આ નિશાની છે. રાજકારણ હોય, ચલચિત્રજગત હોય, ક્રિકેટજગત હોય કે ઉદ્યોગજગત, અને એમાં હવે બ્લૉગજગત પણ જોડો, એ સઘળે મહાનુભાવોને માટે ‘અફવા’ સામાન્ય બાબત છે ! જેટલી વધુ અફવાઓ, એટલો મોટો માણસ ! અને મોટા માણસો ક્યારેય અફવાઓનું ખંડન-મંડન કરવાનું કષ્ટ લેતા નથી. અમો પણ એમ તો હવે ‘મહાન’ જ છીએ ! માટે, નો કમેન્ટ !! 🙂

એ વાત પછી, આજે તો આપણે વાત કરવી છે ‘ચાબકા’ની. જો કે ‘ચાબખા’ પણ કહેવાય. શબ્દકોશમાં બંન્નેનો અર્થ સમાન છે : ‘શિખામણરૂપે રજૂ થયેલું માર્મિક કટાક્ષ કાવ્ય (એક સાહિત્યપ્રકાર)’. ગઈકાલ, વૈશાખ સુદી પૂનમે આ ચાબકાનાં ધણી ભોજા ભગતનો પ્રાગટ્ય દિવસ હતો. ભોજાભગતને જગતે સંતશ્રી ભોજલરામ એવું બિરદ પણ આપ્યું છે. આજથી આશરે બસો વર્ષ પહેલાં આ સંતપુરુષે કુરિવાજોનાં અંધકારમાં આથડતી પ્રજાને જગાડવા ચાબકાઓ સબોડેલા, આજે પણ એ ચાબકા એટલા જ પ્રાસંગિક અને અસરકારક છે. ભોજા ભગતના ચાબકાઓ ઉપરાંત ‘કીડીબાઈની જાન’ નામક રચના પણ બહુ પ્રસિદ્ધ છે. સંતશિરોમણી જલારામબાપા અને વાલમરામના ગુરૂવર્ય એવા આ ભક્તકવિનાં ચાબકાઓ જાણે મીઠામાં બોળાઈને વિંઝાતા હોય અને ચામડી પર જ નહિ પણ હૃદયમાં ચચરાટ કરાવી જાય છે. બસો બસો વર્ષ વહી ગયા, છતાં આજે પણ આ ચાબકા સમાજના ઘણાં લોકોની ચામડીએ ચચરાવી નથી શક્યા. કેવી જાડી ચામડી હશે ! જો કે આ ચાબકાઓમાં કટાક્ષ છે પણ કડવાશ નથી ભળાતી. અખા ભગત હોય કે ભોજા ભગત. આ જ સમાજે પોતાને સબોડનારાઓનાં પણ સન્માન કીધાં છે. કદાચ શુદ્ધ ધ્યેયને સમાજનો સમજદાર વર્ગ પિછાણી જ લે છે.

T-1સને: ૧૯૦૮માં પ્રસિદ્ધ થયેલાં એક પુસ્તકમાંથી ( બૃહત્‌ કાવ્યદોહન, “ગુજરાતી” પ્રીંટીંગ પ્રેસ, મુંબઈ, સંગ્રહ કરી પ્રગટ કરનાર – ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ) નીચેની રચનાઓ મળી આવી છે. આમ તો વિકિસ્રોત માટે અમે સૌ મિત્રો આવા ખાંખાખોળા કરતા રહીએ છીએ. મિત્ર વ્યોમભાઈ બહુ મહેનતે આ સો વર્ષ જૂનું, એક હજાર પાનાનું, પુસ્તક શોધી લાવ્યા અને એમાંથી આ ચાબકાઓનો હવાલો અમે સંભાળી લીધો ! આપ પણ આ રચનાઓ જાણો, માણો, પિછાણો. પુસ્તક માંહ્યલી વધુ રચનાઓ તો સમયે સમયે વિકિસ્રોત પર માણવા મળશે જ. જો કે આ ચાબકાઓ માંહ્યલી ઘણી રચના નેટજગતે વિદ્યમાન હોવાનું જણાય છે પણ તેમાં ક્યાંક ક્યાંક પાઠભેદ પણ છે. અમોએ અહીં જે ઉતાર્યું છે એ સસંદર્ભ છે. ઉપર ઉલ્લેખાયેલાં પુસ્તકમાં નીચે પ્રમાણેની રચનાઓ મળે છે. આ સાથે મૂળ પુસ્તકનાં પાનાનું ચિત્ર પણ છે.

પદ ૧ લું.
દેસિ સંતતણી લાવીરે, ભેળાં ફરે બાવો ને બાવી. – ટેક.
મોટાં કપાળે ટિલાં કરે ને, વળી ટોપી પટકાવી;
કંથો ને ખલતો માળા ગળામાં, કાને મુદ્રા લટકાવીરે.  દેસિ.
સંત સેવામાં સુખ ઘણુંને, કરે સેવા મન ભાવી;
તન મન ધન સોંપો એ સંતને, પ્રીતિયો લગાવીરે.  દેસિ.
એવું ને એવું જ્ઞાન દિયે, બહુ હેતે બોલાવી;
ભોજો ભગત કહે રાખ્યા ચાહુમાં, ભેખે ભરમાવીરે.  દેસિ.

પદ ૨ જું.
ભેખ તો ભાવર થકી ભુંડારે, મેલા અંતરમાં ઉંડા. – ટેક.
ટકો પૈસો ટેલ ગામ ગામ નાંખે, વળી ખેતર ખેતર ડુંડાં;
જેની વાંસે ધાય તેનો કેડો ન મેલે, જેમ કટકનાં લુંડારે.  ભેખ.
ત્રાંબિયા સારુ ત્રાગું કરે ને વળી, કામ ક્રોધના ઉંડા;
ધન ધુતવા દેશ દેશમાં ફરે, જેમ મલકમાં મુંડારે.  ભેખ.
ગામ બધાની ચાકરી કરેને, ઘેર રાખે અગન કુંડા;
ભોજો ભગત કહે કર્મની કોટી, પાપતણાં જુંડારે.  ભેખ.

પદ ૩ જું.
જોઇ લો જગતમાં બાવારે, ધર્યા ભેખ ધુતિને ખાવા. – ટેક.
જ્યાં પ્રેમદા ઘણી પાણી ભરે, જ્યાં જાય નિત નિત નાવા;
રાંડી છાંડી નારનો નર ઘર ન હોય ત્યારે, બાવોજી બેસે ગાવા રે.  જોઇ લો.
લોકનાં છોકરાંને તેડી રમાડે, વળી પરાણે પ્રીત થાવા;
ગૃહસ્થની સ્ત્રી રીસાવી જાય ત્યારે, બાવોજી જાય મનાવારે.  જોઇ લો.
રૂપ કરે ને બાવો ધ્યાન ધરે, ભોળા લોકને ભરમાવા;
ભોજો ભગત કહે ભાવેસું સેવે એને, જમપુરીએ જાવારે.  જોઇ લો.

પદ ૪ થું.
ભરમાવી દુનિયાં ભોળીરે, બાવો ચાલ્યો ભભુતી ચોળી. – ટેક.
દોરા ધાગા ને વળી ચીઠ્ઠી કરીને, આપે ગણકારુ ગોળી;
જીવને હણતાં દયા ન આણે, જેમ ભીલ કાફર કોળીરે.  ભરમાવી.
નિત નિત દર્શન નીમ ધરાવે, ઘેર આવે ત્રિયા ટોળી;
માઇ માઇ કરીને બાવો બોલાવે, હૈયે કામનાની હોળીરે.  ભરમાવી.
સઘળા શિષ્યને ભેળાં કરી ખાય, ખીર ખાંડ ને પોળી;
ભોજો ભગત કહે ભવસાગરમાં, બાવે માર્યા બોળીરે.  ભરમાવી.

પદ ૫ મું.
મૂરખો રળી રળી કમાણો રે, માથે મેલસે મોટો પાણો. – ટેક.
ધાઇ ધુતીને ધન ભેળું કીધું, કોટિધ્વજ કહેવાણો;
પુણ્યને નામે પા જૈ ન વાવર્યો, અધવચેથી લૂટાણોરે.  મૂરખો.
ભર્યા કોઠાર તારા ધર્યા રહેશે, નહિ આવે સાથે એક દાણો;
મસાણની રાખમાં રોળઇ ગયા કઇક, કોણ રંકને કોણ રાણોરે.  મૂરખો.
મંદિર માળિયાં મેલી કરીને, નીચે જઈ ઠેરાણો;
ભોજો ભગત કહે મુવા પુઠે જીવ, ઘણો ઘણો પસ્તાણોરે.  મૂરખો.

પદ ૬ ઠું.
મૂરખો માની રહ્યો મારું રે, તેમાં કાંઇયે નથી તારું. – ટેક.
સાત સાયર જેની ચોકી કરતા, ફરતું નીર ખારું;
ચૌદ ચોકડીનું રાજ્ય ચાલ્યું ગયું, રાવણાદિક વાળું રે.  મૂરખો.
દુઃખને તો કોઇ દેખે નહીં, ને સુખ લાગે સારું;
વેળા વેળાની છાંયડી તારી, વળિ જાશે વારું રે.  મૂરખો.
હરિ ભજનમાં હેત જ રાખો, સ્મરણ કરો સારું;
ભોજો ભગત કહે રાખો હૃદયમાં, પ્રભુનું ભજન પ્યારું રે.  મૂરખો.

પદ ૭ મું.
ભક્તિ શિશતણું સાટુંરે, આગળ વસમી છે વાટુ. – ટેક.
એક દિવસ તો આવી બની, રાજા મૂરધ્વજને માથે;
કાશિએ જઇને કરવત મુકાવ્યું, હરિજનને હાથે રે.  ભક્તિ.
સત્યને કાજે ત્રણે વેચાયાં, રોહિદાસ ને રાણી;
ઋષિને વાસ્તે રાજા વેચાણો, ભરવાને પાણી રે.  ભક્તિ.
પેરો પટોળાં પ્રેમનાં રે તમે, શૂરવિર થઇ ચાલો;
ભોજો ભગત કહે ગુરુ પરતાપે, આમરાપર માલોરે.  ભક્તિ.

પદ ૮ મું.
દુનિયાં દીવાની કહેવાશેરે, ભુંડી ભિતોમાં ભટકાશે. – ટેક.
પાપ જ્યારે એનું પ્રગટ થશે ત્યારે, ભૂવા જતિ ઘેર જાશે;
ધુણી ધુણી એની ડોક જ દુઃખસે, ને લેનારો લેઈ ખાશેરે.  દૂનિયાં.
સ્વર્ગમાં નથી સૂપડું ને, નથી ખાંડણિયો ને ઘંટી;
દુધ ચોખાના જમનારા તમે, કેમ કરી જમશો બંટીરે.  દૂનિયાં.
ઢોંગ કરીને ધુતવાને આવે ત્યારે, હાથ બતાવા સૌ જાશે;
ક્યારે આના કર્મનું પાનુંરે ફરશે, અને ક્યારે પુત્ર જ થાશેરે.  દૂનિયાં.
કીમિયાગર કોઇ આવી મળે ત્યારે, ધનને વાસ્તે ધાશે;
ભોજો ભગત કહે ભ્રમણામાં ભમતાં, ગાંઠની મૂડિ ગમાશેરે.  દૂનિયાં.

(શબ્દો, જોડણી, વાક્યરચના, મૂળ પુસ્તક પ્રમાણે)

B-1B-2