ડાયરો – મળવા જેવા માણસો


મિત્રો, નમસ્કાર.

ડાયરાની શરૂઆતમાં એક (કે બે-ત્રણ-ચાર !) ચોખવટ; ‘હમણાં કેમ દેખાતા નથી ?’ એ પ્રશ્ન અમાન્ય ઠરશે ! મેં અદૃશ્ય થવાની શુદ્ધ વૈજ્ઞાનિક ફોર્મ્યુલા શોધી કાઢી છે ! 🙂 હવે બીજી (ચોખવટ જ !), આ ડાયરો કોઈની બદબોઈ કરવાના ઇરાદે કે માઠું લગાડવાના ઇરાદે ભર્યો નથી. જેમને પણ અહીં યાદ કરાયા તે બધાં મારા મિત્રો જ છે અને વળી સમજદાર પણ છે (લ્યો બોલો !). એટલે કોઈ માઠું લગાડશે નહિ.

તો, વાત છે માન. પી.કે.દાવડા સાહેબની, એમણે એવો (સુ)વિચાર કીધો કે આ વિશાળ બ્રહ્માંડમાં પરસ્પર માત્ર નામ કે કામથી ઓળખતા હોય એવા તો ઘણાં હશે. પણ જરા ઊંડાણે જઈ પરસ્પરની ઊંડેરી ઓળખાણ કેળવવાનો પ્રયાસ કરીએ તો ઓળખાણ હીરાની ખાણ બની જાય. જો કે માત્ર ઓળખાણ કરાવવી એ એક વાત છે અને “મળવા જેવા” એવો અભિપ્રાય આપવો એ અલગ વાત છે. માત્ર ઓળખ તો કોઈક ટી.વી. કાર્યક્રમનો પેલો બિહામણો યજમાન, બિહામણા અવાજ અને અંદાજમાં, ‘ઓળખી લો આ #$@%&#….ને’ એમ કહીને પણ કરાવે જ છે ને ? પણ એવા ઓળખીતાને મળવાની આપણી તો હિંમત ન ચાલે ! અહીં તો દાવડા સાહેબે પોતાના ઉમદા તોલમાપે તોલીને કેટલાંક મહાનુભાવોને “મળવા જેવા” તરીકે ઓળખાવ્યા છે. મારા મતે દાવડા સાહેબે આ શ્રેણી માટે જે અંગત તોલમાપ ઘડ્યા હશે, શરતો બાંધી હશે, તેમાંની પહેલી શરત એ જ હશે કે, “મળવા જેવા”ની વ્યાખ્યામાં ફીટ બેસવા માટે “માણસ” હોવું ફરજીયાત છે ! (અને આ શરત જ સૌથી અઘરી ગણાય !)

ડાયરાની શૈલીમાં કહું તો, ગધેડાને કદી કહેવું નથી પડતું કે ‘ગધેડો થા !’ કે ભેંશને કદી કહેવું નથી પડતું કે ‘ભેંશ થા !’ માણસ સિવાયના કોઈ જનાવરને કહેવું પડતું નથી કે તું જે છે તે થા. એક માણસને વારંવાર કહેવું પડે છે કે, ‘માણસ થા ! માણસ થા !’ અહીં દાવડા સાહેબે આપણને “માણસો”ની ઓળખાણ કરાવી છે. એમાં વિધવિધ ક્ષેત્રનાં, આપણ સૌ માટે સહજ એવા સારા-નરસા સંજોગોમાંથી પસાર થયેલાં, છતાં માણસ બની રહેલાં, સામાન્ય અને એટલે જ અસામાન્ય અને આપણાં જેવા એટલે જ આપણાં લાગતા માણસોની ઓળખાણ કરાવી છે. અને હજુ આગળ પણ કરાવતા રહેશે. આ “મળવા જેવા માણસો”ને અહીં મળ્યા પછી આપણને પણ એમના જીવનમાંથી બે નવી વાતુ શીખવા મળશે, પ્રેરણા મળશે. અને એ જ તો મોટી વાત છે.

અને લ્યો ! મને તો પ્રેરણા મળી પણ ગઈ ! આ તો તમે સંધાય ભાગ્યશાળી છો કે “મળવા જેવા માણસો”નો પરિચય દાવડા સાહેબ જેવા વિદ્વાન અને સજ્જન માણસ કનેથી માણવા મળ્યો. બાકી મેં તો મારા એક મિત્રને પૂછ્યું કે: ‘તું મળવા જેવા માણસની યાદીમાં કોને ગણે ?’ તો જવાબ મળ્યો કે, ‘હું તો ન મળવા જેવા માણસોની યાદી બનાવું અને એમાં સૌથી ઉપર ઉઘરાણી વાળાઓને રાખું !’ ઉફ …! જો કે આ પરથી મને વિચાર આવ્યો કે, કોને ‘મળવા જેવા’ ગણવા અને કોને ‘ન મળવા જેવા’ એ બાબત સાપેક્ષ બની જાય છે.  પરિસ્થિતિ પ્રમાણે રાજકારણીથી લઈ ગુંડા-મવાલી (ભાષાશાસ્ત્રીઓએ અહીં પુનરુક્તિદોષ ધ્યાને આણવો નહિ !!) સુધીનાં સૌ મળવા જેવા ગણાઈ શકે ! તમે ક્યાં અને કેવા સલવાણા છો એ પર બધો આધાર છે ! પણ મેં કહ્યું ને, તમે ભાગ્યશાળી છો (ભલે હું ભાગ્યવેતા ન હોય). અહીં આપને ખરેખરા મળવા જેવા માણસોનો મેળાપ જ થશે. એક વખત મળો તો ખરા. ‘માણસજાત’ પ્રત્યે (પણ) માન થઈ જશે.

લ્યો તંઈ, વળી ભેળા થાહું ક્યાંક દમદાર ડાયરામાં. ન્યાં લગણ સૌ ડાયરાને ઝાઝેરા રામ રામ ને સીતારામ.

17 responses to “ડાયરો – મળવા જેવા માણસો

  1. ડાયરા માટે પહેલાં ઘણી વાર ડોકિયું કરી જતો. પછી તો એ ટેવ પણ નીકળી ગઈ. હવે ફરી તમે ડાયરો જમાવ્યો છે તો થવા દ્યો માણસોને ભેગા, ત્યાં સુધી મારી તમાકુ ને ચૂનો ઘરે ભૂલી ગયો છું તે લઈ આવું બસ, ગયો ને આવ્યો !

    Like

    • પ્રભુ ! તમાકુ આપણે ચરોતરથી મંગાવી લેશું અને ચૂનો તો અમારે પોરબંદરનો વખણાય જ છે ! કહો તો ડાયરામાં હુક્કાપાણીનો બંદોબસ્ત પણ કરીએ અને વધુમાં નીચે સુરેશદાદાએ ’બેવડા’નો ઉલ્લેખ તો કરી જ દીધો છે ! હવે આ કસુંબલ ડાયરામાં બીજું શું ઘટે છે ? બસ, આપ પધારો.

      Like

  2. ઘણી વાર એવું થતું હોય છે કે જેને આપણે બહુ જ મળવું હોય, મનથી યાદ પણ બહુ જ કરતાં હોઇએ, પણ એક યા બીજાં કારણસર મળી ન શકાય . આનું ઊલટું પણ સાચું પડે – ન મળવું હોય, ન મળવાના ગમે એટલા ઉધામા કરો, પણ મળી જ જવાય !
    હવે વાત આવે છે આ પ્રકારની શ્રેણીઓની.
    આપણાં સાહિત્યમાં આ પ્રકારના અનેક પ્રયોગો થયા છે- હું ભૂલતો ન હોઉં તો આમાંના મોટા ભાગના પ્રયોગોમાં દાઢમાં કાંકરો જોવા મળે.
    શ્રી પી કે દાવડાએ તો તમને મળવા જેવાં લાગતાં દરેક વ્યક્ત્તિત્વની બહુ જ લાગણીથી ઓળખ રજૂ કરી છે. જે સામેની વ્યક્તિને આટલા પ્રેમથી મળે તે પોતે પણ મળવા જેવી જ વ્યક્તિ હોય. એટલે આશા કરીએ કે તેમને બહુ સારી રીતે જાણતું હોય, તેવું કોઇ તેમની સાથે આપણી પણ આટલી જ સારી મુલાકાત કરાવી આપે.

    Like

    • આભાર અશોકભાઈ,
      હું તો કહું છું કે આપની દરખાસ્ત પર સત્વરે ધ્યાન આપી અને શ્રી દાવડા સાહેબ સાથે જેને ‘ પીકે ક્યા પીકે આયે? ‘ કહેવાનો ગાઢ મૈત્રીપૂર્ણ વહેવાર છે એવા સુરેશદાદાએ જ આપણને એમની મુલાકાત (વધુ ગાઢ મુલાકાત) કરાવવી જોઈએ. (જો કે દાદા પોતાના ગાઢ મિત્રો સાથે આપણી મુલાકાત કરાવશે કે મુક્કાલાત એ બાબતની કોઈ જવાબદારી હું લેતો નથી ! 🙂 એક વખત હું એમનો સારથી બની ચૂક્યો છું, અને માંડ માંડ બચ્યો છું !!! જુઓ અહીં)
      @ દાદા, now ball is in your court !

      Like

  3. “સૌથી ઉપર ઉઘરાણી વાળાઓને રાખું !” –
    એક ચોખવટ રહી ગઈ…. ક્યા ? લેવા આવનારા કે દેવા જવાનું હોય તેવા ? 😉

    Like

    • પરથમ તો આપનો આભાર જગદીશભાઈ. ડાયરામાં આપનું હાર્દિક સ્વાગત છે.
      બીજું કે ઈવડો ઈ મારો મિત્ર છે (!) એને ન્યાં કયો અભાગિયો “લેવા” આવે ? અને આવડો આ “દેવા” જાય તો તો સૂરજ મા‘રાજ પશ્ચિમમાં નો ઊગે !! ટૂંકમાં, આવડા આ મિત્રનું નામ જ ‘ન મળવા જેવા’ માં રાખવું !

      Like

  4. આ ડાયરો છે – એટલે ચપટીક ‘પ્રતિ વિચાર’ હોય તો ઠીક જામે એ ‘સત્ય’ના આધાર પર આ થોડીક અવળચંડાઈ સાંખી લેશો !!! અને એ પહેલાં એક રિક્વેસ્ટ… આ પછીની ત્રણ લીટીઓ ‘એડિટ’ કરીને ‘બોલ્ડ’ / ઇટાલિક/ બને તો લાલ ચટ્ટાક રંગની બનાવી દેશો ને ?!
    —————-
    મળવા જેવા માણસો
    અને…
    ઓળખાણ હીરાની ખાણ

    જો ખાણના હીરા પર જ નજર હોય- તો આપણે એવા માણસોને ના મળીએ તો જ ઠીક! બાકી ડાયરો બસ મજા માટે જ હોય. ભાઈ ‘પીકે’ માં મને ‘કામનો’ નહીં પણ ખરેખર ઝગમગતો હીરો દેખાણો છે. અને તેમની સાથે ફોન પર હમ્મેશ મજાકમાં કહેવાની ટેવ છે કે, ‘ પીકે ક્યા પીકે આયે? ‘ –
    એમનામાં ખાણના લાભ ખાટવા વગરની – સાચી મિત્રતાનો બેવડો છે !!!

    Like

    • આપ પધાર્યા એટલે ડાયરામાં ચાર ચાંદ લાગી ગયા ! (અન્ય ત્રણ ઉપર છે જ ને !)
      ધન્યવાદ.
      આપની આજ્ઞાનુસાર લાલ ચટ્ટાક રંગોળી કરી કાઢી છે. આપની વાત સાચી છે કે, ‘ખાણના હીરા પર જ નજર હોય- તો આપણે એવા માણસોને ના મળીએ તો જ ઠીક’. પણ આ તો માત્ર ઉતારથની વાત હતી (આ “ઉતારથ” શબ્દ પ્યોર ગામઠી શબ્દ છે. અર્થ: ઉદાહરણરૂપ વાત, અમસ્તી વાત), બાકી આપણને જે હીરા જેવા મિત્રો લાધ્યા છે એની સામે હીરાની ખાણની પણ શું વિસાત !
      અને હા, જરાક ઉપરની કોમેન્ટુ પર ફરી એક નજર મારી લેજો ! અમોએ આપને માટે ત્યાં એક કામ કાઢી રાખ્યું છે ! આગોતરો આભાર.

      Like

  5. આ ડાયરામાં પ્રવેશ માટે વીધીમાં વર્ડપ્રેસ.કોમમાં લોગ ઈન થતું ન હતું. આવા ડાયરા નેટ ઉપર થવા જોઈએ. કાવા, કસુંબા, ચા, બીડી, માચીસ બધું નેટ ઉપર લખીને ફ્રી ઓફ ચાર્જ.

    Like

  6. અશોક તારા દાયરામાં બીડી બાકસ ચા શરાબ બધું મફત રાખેતો ધુંવાડાના ગોટે ગોટા દેખાય અને દારૂડિયા તોફાને પણ ચડી જાય. તો મારા જેવાને દાયરામાં પગ મુકતા વિચાર કરવો પડે.
    એકંદરે તારો ડાયરાની જમાવટ કરવાનો વિચાર મને ગમ્યો છે.

    Like

    • ડાયરામાં સ્વાગત, આતા
      હું ને મફત ? રામ રામ ભજો ! આપણે તો ધુવાડાના ગોટાનીય કિંમત લઈ મેલીશું ! જેણે અડધી ચા પીવી હોય એણે એક શાયરી તો ફટકારવી જ પડશે, જેણે ‘પેગ’ મારવો હોય એણે તો ગઝલ જ ઠપકારવી જોશે !! આવું કંઈક રાખીશું. અને આતા સાટુ તો ઊંચુ સિંહાસન ઘડાવીશું જ્યાં ધુમાડો પહોંચે જ નહિ ! બાકી ડાયરે પગ ન ભરો ઈ ન પોહાય. આતા વિનાનો ડાયરો એટલે જાણે ઘી વિનાનો શીરો ! (મેં તમારા ભાગનો ખાધો તો, યાદ છે ને ?) આભાર, આતા.

      Like

  7. ઉમદા વ્યક્તિત્ત્વ…શ્રી અશોકભાઈની નમ્રતા એટલે ફળ આવે ત્યારે ઝૂકતા વૃક્ષ જેવું. ડાયરાએ વિચાર વૈભવ ખીલે એથી રુડું શું? સૌ મિત્રોને મીઠી યાદ.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  8. અશોકને સલામ ને ડાયરા ને રામ રામ

    મળવા જેવા ને મલાવે દાવડાજી કલમ

    Like

  9. પ્રિય ડાયરાના મિત્રો
    તમને હું અશોકથી છાનું રાખીને વાત કહું તો અશોકતો મારો દીકરો દાયરામાં મારી બહુ કાળજી લેશે મને ઉંચે આસને ગીરના સાવજના મોરા વાળા આસને બેસાડશે .અને મારા મોઢા સામું લાઉડ સ્પીકર ગોઠવશે અને વિનંતી કરશે કે આતા એક શેર તમારા બુલંદ અવાજમાં વહેતો કરો અને પછી હું ખોંખારો ખાઈને જવા દઈશ કે
    जब तक रहे तू ज़िंदा कुछ काम करते रहना
    इतना न करना ज्यादा : खुद काम तुझको मारे
    દાયરો મને ઘણો ગમ્યો . એ। ..એ ડાયરાને ઝાઝા રામ રામ

    Like

Leave a comment