ગાદીપુરાણ – દ્વિતીયોધ્યાય


(ખાસ સૂચના : આ લેખમાળામાં ઉલ્લેખીત વૈદકીય બાબતોને ગંભીરતાથી કે સંદર્ભ તરીકે ન લેતા માત્ર હળવા હાસ્ય પ્રયોજનાર્થે જ લેવા. લખનાર શરીર વિજ્ઞાન કે વૈદકશાસ્ત્રોનો જરા પણ જાણકાર નથી.)

‘અથ વાંચનયાત્રા બ્લૉગે ગાદીપુરાણે દ્વિતીયોધ્યાય’

પ્રથમ અધ્યાયમાં આપણે ગાદીપુરાણનો મહિમા અને પ્રસ્તાવના પર ચિંતન કર્યું. આજે આપણે ગાદી ખસવાનાં કારણોની યથામતિ સમીક્ષા કરીશું. જો કે કારણોનો ક્રમ માણસે માણસે અલગ હોવા સંભાવના ખરી પણ મહત્વનાં કારણો તો આદિઅનાદિકાળથી એના એ જ હોવાનું જણાય છે. અંગત રીતે, મારા દાખલામાં, પ્રથમ અને મહત્વનું કારણ ખોળી કઢાયું એ છે ‘કમ્પ્યુટર’ ! જી હા. જો કે ન્યાય ખાતર એમ કહેવું પડે કે કમ્પ્યુટર પરોક્ષ કારણ ખરું બાકી પ્રત્યક્ષ કારણ તો કમ્પ્યુટર સામે શોભાયમાન એવી આપણી ગાદી (કમ્પ્યુટર ચેર) ગણાય. એ ગાદી આપણાં શારીરિક બંધારણને અનૂકુળ ન હોય (કે આપણે એ ગાદીને અનુકૂળ ન હોઈએ !) તો ગાદી ખસવાની સંભાવના સર્વાધિક રહે છે. મુમુક્ષોએ માત્ર કમ્પ્યુટર સામે સ્થિત ગાદીનાં અનુકૂલન વિશે ઊંડાણપૂર્વક જાણવું હોય તો ‘અહીં’ કે ‘અહીં’ ક્લિકી અને માહિતીયાત્રા કરી શકે છે. અન્ય પ્રકારની ગાદીઓના અનુકૂલન વિશે જિજ્ઞાસા જાગે તો ગાંધીનગર કે દિલ્હીની ટિકિટ સત્વરે કપાવવી !!

બીજું કારણ આવે દ્વિચક્રી વાહનચાલનનો અતિરેક. અહીં પણ ન્યાય ખાતર એટલું કહેવું પડે કે, બે પૈડાં વાળા વાહનો તો પરોક્ષ કારણ છે, મુખ્ય કારણ છે મોહમાયા ! એમ કહો કે રસ્તાઓની સંભાળ રાખવાની જેની જવાબદારી છે એ જીવોનો માયામોહ ! અને એમાં વળી ભળે અબૂધ અને અજ્ઞાની જીવની ગંતવ્યસ્થાને શિઘ્રાતિશિઘ્ર પહોંચવાની ઉતાવળ. આપણે ત્યાં કહેવત છે કે, ‘ઉતાવળા સો બહાવરાં, ધીરા સો ગંભીર’. જીવની ગંતવ્યસ્થાને પહોંચવાની તીવ્ર લાલસા અને મારગમાં એ જીવને રોકી પાડવાનાં ઈરાદે મોં ફાડીને પડેલાં, આસુરીવૃત્તિના પ્રતીક સમા ખાડાઓ. સફર સફરીંગ થઈ જાય ! ગાદી ખસવાનો યોગ અહીં રચાય છે. ઇતિહાસ સાક્ષી છે કે ક્યારેક તો ગાદી પામવાની ઉતાવળ ગાદી ખસવાનું કારણ બની બેસે છે ! અગાઉનાં સઘળા સત્‌શાસ્ત્રોએ ઇચ્છાને દુઃખનું કારણ ગણાવી છે. સંભવ છે કે એ દુઃખ ગાદી ખસવારૂપે પ્રગટે ! આથી મુમુક્ષોએ ‘ઝડપની મઝા, મોતની સજા’ એવું સરકારી સૂત્ર યાદ રાખવું અને પોતાની ગાદી બચાવવી.

વાત કરીએ ત્રીજા કારણની, તો એ છે અયોગ્ય શારીરિક છટા. કેટલાંક નિષ્ણાંતોના જણાવ્યાનૂસાર ઊઠવા, બેસવા, ચાલવા, લોટવા જેવી ક્રિયાઓમાં શારીરિક છટા (પોશ્ચર) યોગ્ય ઢબનું ન હોય તો મણકાઓને ખોટી તાણ પડે અને ગાદી ખસી શકે છે. ટટ્ટાર બેસવું નહિ, ટુંટીયું વળીને સૂવું, કમરથી ઝૂકીને વજન ઉપાડવું, ડોક સતત ઝૂકાયેલી રાખવી જેવા ખોટી શારીરિક છટા નૂકશાનકારક છે. ગરદનનાં દાખલામાં જ લઈએ તો, કોઈ કવિ સરસ લખી ગયા છે કે, ‘સર કટા શકતે હૈ લેકિન સર ઝૂકા શકતે નહિ..’ (આ ગીતમાં “આઝાદી”ની જગ્યાએ “આ ગાદી” લગાડી ગાવ !). વારંવાર સર ઝુકાવવાની (કુ)ટેવ ગાદી માટે જોખમી છે ! કળિકાળમાં ભારતવર્ષની એક સરકારના ‘સરદાર’ની આવી કુટેવ તેની ગાદીનો ભોગ લેશે એવો શાસ્ત્રોનો વરતારો છે !!

જો કે શાસ્ત્રો ગૂઢ હોય છે. અહીં પણ સર ઝુકાવવાને ‘નમ્રતા’ના પર્યાયરૂપે અને સર ઊઠાવવાને ‘વાવડા (વાતપ્રકોપ !)’ના પર્યાયરૂપે સમજવાની ભૂલ ન કરવી. અન્યથા સર ઝુકાવનારની ગાદી તો ખસશે જ પણ સર ઊઠાવનારનાં ભાગે કશું નહિ આવે ! બે બિલાડીની લડાઈમાં વાંદરો ફાવ્યો એ પંચતંત્રી કથા તો સૌને યાદ હોય જ. (અહીં મૂળ વાત મણકાની ગાદીની છે એટલે ચોખવટ કે, દાક્તરોએ આ “ફાવેલા” તરીકે પોતાને ન જોડવા !!)

હવે ચોથા કારણ પર ચિંતન કરીએ તો, ખાન-પાનની કુટેવો પણ ક્યારેક પ્રત્યક્ષપણે તો ક્યારેક પરોક્ષપણે ગાદીને ઘસારો પહોંચાડે છે (સં:આયુર્વેદ). મારી અલ્પ જાણકારી અનુસાર શરીરમાં વાયુનો પ્રકોપ ગાદી ખસવા માટે કારણભૂત બની શકે છે. જ્યારે મનુષ્યનાં દેહમાં વાતપ્રકોપ ઉદ્‍ભવે છે ત્યારે દેહની વિવિધ ગાદીઓ ખસવાનો યોગ સર્જાય છે. વાતપ્રકોપ મગજમાં ઉદ્‍ભવે ત્યારે દેહની બહારની વિવિધ ગાદીઓ ખસવાનો યોગ બની શકે છે. એક કાઠિયાવાડી રૂ.પ્ર. વડે આ ઘટનાને “બહુ વાવડો ભરાઈ ગયો છે” એમ કહી દર્શાવાય છે. આ જૂઓને, અમારી મણકાની ગાદી શરીરમાં ભરાયેલા ‘વાવડા’એ ખેસવી જ્યારે મગજમાં એવો વાવડો ભરાયો હતો કે જાણે બ્લૉગજગતે, વિકિજગતે, સંપૂર્ણ નેટજગતે અમારા વિના ઘોર અંધાર પથરાઈ જશે ! બસ, વાવડો ભરાયો અને ગાદી ખસી ! ત્રણ ત્રણ મહિના થઈ ગયા, નેટજગતને તો જવા દો આ અમારા બ્લૉગને પણ અમારા વિના અણોહરૂં ન લાગ્યું, બોલો ! જો કે ગાદી ખસે છે ત્યારે પગ ફરી ધરતી પર આવી જાય છે. પણ એ મુદ્દો આપણે ગાદી ખસવાનાં લાભાલાભ વાળા અધ્યાયમાં વિગતે વિચારશું. અત્યારે તો એટલું જ વિચારવાનું કે ખાન-પાનની કુટેવોથી સાવધાન રહેવું. ક્યારેક અબજો અને કરોડોનું નહીં, કેટલાક લાખનું ખાવું પણ ગાદી ખસવા માટે કારણભૂત બની શકે છે ! જો કે આ બાબત વ્યક્તિ વ્યક્તિએ અલગ હોય છે. સરવાળે જીવ કેટલું ખાય છે એ કરતાં શું અને કેટલું પચાવી (કે છુપાવી !) શકે છે એના પર ગાદીના ટકી રહેવાનો આધાર હોય છે.

આટલાં મુખ્ય કારણો ઉપરાંત, ક્ષમતા કરતાં વધુ બોજો ઢસડવો, વિસામો લીધા વગર નીચું ઘાલીને સતત કામ કરવું, સૂતા સૂતા વાંચવું કે ટી.વી. જોવું, પોતાની ક્ષમતા કરતાં મોટું ઓશીકું કે બે ઓશીકાં રાખવા, વધુ પડતી પોચટ પથારીમાં પડ્યા રહેવું, કસરત કે કસરતની ગરજ સારે એવા શારીરિક કામ તજીને સાવ આરામપ્રિય બની રહેવું અર્થાત્, સદા રંગરાગમાં રમમાણ રહેવું વગેરે વગેરે પણ ગાદી ખસવાનાં નાના-નાના કારણો મનાય છે. ક્યારેક એકાદ મોટા કારણને બદલે આવા નાના-નાના કારણોનો સરવાળો પણ ગાદીની બાદબાકી કરી નાખે છે. માટે હે જીવ ! સાવધાન ! જગતમાં ગાદી છે તો સઘળું છે, ગાદી ગઈ એટલે સ્વયં તારી ગલીનું કૂતરું પણ તને જોઈ પૂંછડી પટપટાવશે નહિ ! માટે મોહ, માયા, લાલચ, ખાનપાનના ધખારા જેવા સઘળા દુર્ગુણ ત્યજી અને એકમાત્ર ગાદીને ભજ ! ગાદી સાજી હશે તો સઘળો સંસાર તારા ચરણોમાં હશે. અન્યથા તું વૈદ અને દાક્તરનાં ચરણ પખાળતો થઈ જઈશ ! સઘળા જીવ આ થોડા કારણોને ઘણાં કરી વાંચજો, વંચાવજો, સમજજો, સમજાવજો. તમારી ગાદી સલામત રહેશે.

‘ઇતિ વાંચનયાત્રા બ્લૉગે ગાદીપુરાણે દ્વિતીયોધ્યાય’

20 responses to “ગાદીપુરાણ – દ્વિતીયોધ્યાય

 1. ગાદી ગઈ એટલે ગલીનું કૂતરું પૂંછડી પટપટાવશે નહિ !

  આ વાક્ય બધાએ કપાળે લખવા જેવો છે.

  કુતરાથી પ્રેમ હોય અને લાંબેથી કુતરું કે ગલુડીયું દોડતું આવે અને પુંછળી પટપટાવે તો ખસકી ગયેલી ગાદી પાછી મળવાના ચાન્સ સો નહીં સવાસો ટકા છે.

  બધાની ગાદી સલામત રહો !!!!

  Like

 2. ગાદી ખસે એનો વાંધો નહિ, પણ ગાદીનો મોહ નથી થયો એ જોતા રહેજો… (કમરની) ગાદી સલામત તો (તશરીફ નીચેની) ગાદીઓ બહુત…

  Like

 3. વા વાયો’ને નળિયું ખસ્યું . . . તે જ ન્યાયે ( શરીરમાં ) વા વધ્યો ને ગાદી ખસી રે લોલ ( LOL ) .

  . . અને છેલ્લે કહેવાય છે ને કે , પીડામાંથી જ સર્જન થાય . . . તે ન્યાયે આ સર્જન ( અદભુત ) થયું અને આપને પણ સર્જન’ને ( ડોક્ટર ) મળવાના સંજોગો ઉભા થયા અને આખરે આપ ઉભા થયા ! અને અમને વાંચવા બેસાડ્યા !! અને અમારી ગાદી’ને પણ નાનકડું કષ્ટ આપ્યું 🙂

  Like

  • આલે…લે !!
   કહેવતોનાં કચ્ચરઘાણમાં એકલા ધવલભાઈ જ નથી ! 😉
   નિરવભાઈ, પ્રથમ તો આપની ‘ગાદી’ને પડેલાં કષ્ટ બદલ ક્ષમાપ્રાર્થના ! પણ ભાઈ, મિત્રનાં દુઃખે દુઃખી થવું એ આપણી પરંપરા છે. (અને મારા જેવાને મિત્ર બનાવો તો વળી તમારે દુઃખી ન થવું હોય તોયે હું ધરાર દુઃખી કરૂં ! પરંપરા તે કંઈ એમ થોડી ત્યજી દેવાય !!) બાકી આપનું આ “સર્જન” વાળું ‘સર્જન’ ભારે ગમ્યું. ક્યા બ્બ્બાત હૈ !! ધન્યવાદ.

   Like

 4. “માટે હે જીવ ! સાવધાન ! જગતમાં ગાદી છે તો સઘળું છે, ગાદી ગઈ એટલે સ્વયં…માટે મોહ, માયા, લાલચ, ખાનપાનના ધખારા જેવા સઘળા દુર્ગુણ ત્યજી અને એકમાત્ર ગાદીને ભજ ! ગાદી સાજી હશે તો સઘળો સંસાર તારા ચરણોમાં હશે. અન્યથા તું વૈદ અને દાક્તરનાં ચરણ પખાળતો થઈ જઈશ !”

  શ્રી શ્રી.પ.પુ.ધ.ધુ.૨૦૧૩ અ_શોક મહારાજ સાહેબ કી જય હો…..મહારાજ આપના દર્શનાર્થ તેમજ આપશ્રી દ્વારા રચિત “ગાદીપુરાણ”નાં મર્મસ્પર્શી અભ્યાસ અર્થે આપની સમક્ષ ઉપસ્થિત થવાની મહેચ્છા છે !
  – “અન્ય પ્રકારની ગાદીઓના અનુકૂલન વિશે જિજ્ઞાસા જાગે તો ગાંધીનગર કે દિલ્હીની ટિકિટ સત્વરે કપાવવી !!”

  મહારાજ મે દિલ્હી કે ગાદીનગર ! ને બદલે જુનાણાની, અગ્નિરથની, ટિકિટ કપાવી છે ! અસ્તુ !
  [તો અશોક xxx! શાબાશી માટે વાંહા ને હાચવ જે, નહીં તો પાછી તારી ગાદીનું જોખમ !]

  Like

  • “શ્રી શ્રી.પ.પુ.ધ.ધુ.૨૦૧૩” — આ ૧૩ની આગળ ૨૦ લખવાની જરૂર નહોતી !! (પનોતી !)
   અને જુનાણાંમાં શું દાટ્યું છે ? અહીં અમારે પણ “ગાદી”ઓનાં ફાંફા છે ને તારે ગાદીજ્ઞાનાર્થે અહીં ગુડાવું છે !! ચાલ હવે ટિકિટ કપાવી જ લીધી છે તો આવી જા ! ગાદી ગઈ તેલ લેવા. ભજીયાપાર્ટી કરીશું !!!! (ગાદી તેલ લઈને આવે તેમાંથી જ હોં ! 🙂 )

   (ઉપરોક્ત પ્રતિભાવમાંથી ‘અસંસદીય’ શબ્દો હટાવ્યા છે !! 😉 અને વાંહે હળદર ભરવી પડે એવો વાંહો થાબડનારા મિત્રપ્રેમ વિશે આપણે આવતા લેખમાં (પુરાણને બ્રેક મારીને !) વાતો કરીશું જ. મિત્રો બધાં સાવધાન !!!!!!!!)

   Like

 5. ગાદીખસ પુરાણમાં કોઈ અંદરના બળુકા હાથનો હાથ લાગે છે. હહાહાહાહાહાહા

  Like

  • વચ્ચે સમાચાર ચેનલમાં સાંભળેલું કે “CIA”માં એક જગ્યા ખાલી છે. આપનો મેળ પડી ગયો લાગે છે ! 🙂
   (હવે તો મને પણ શંકા જાય છે કે, ભારતમાં વિદેશી જાસુસો કાર્યરત છે. અન્યથા આવી અતિ મહત્વની, ખાનગી બાતમીઓ, છે…..ક અમેરિકે કેમ કરીને પહોંચી જાય ?!)

   ધન્યવાદ, બાપુ. આ દુઃખ-સુખમાં હસતા રહેવાનું થોડું શિક્ષણ આપ પાસેથી પણ પામ્યો છું. આપનો સ્નેહ સદા વરસતો રહે તેવી અભ્યર્થના. આભાર.

   Like

 6. અશોકભાઈ

  તમારા અનુભવો આધારિત ગાદી પુરાણ ઘણાં માણસોની ગાદી ખસતી બચાવશે .એનું પુણ્ય તમોને મળશે .

  ગાદી ખસ્યાનો મને પણ એકવાર અનુભવ થઇ ચુક્યો છે . આંખમાં પાણી લાવી દે એટલી પીડા થતી હોય છે .

  અહીં સાન ડિયેગોમાં ડોક્ટરને ત્યાં જઈને કમ્પ્યુટર સંચાલિત મશીન ઉપર સ્લીપ-ડિસ્ક માટેની ડી-કોમ્પ્રેસ ટ્રીટમેન્ટ લીધી પછી ગાદી ઠેકાણે આવી હતી .

  લેખ વાચવાની મજા આવે એવી તમારી શૈલી ગમી . ધન્યવાદ .

  Like

 7. આદરણીય . શ્રી અશોકભાઇ,

  ” ગાદી પુરાણ” પ.ધ.ધુ.૧૦૦૮ અશોક બાપુના લેખનમાં વાંચી એવો

  વિચાર આવ્યો કે ભરત ભરમાં આ ગાદીપ્રાણ સપ્તાહનું આયોજન કરીયે

  કેમ કે’ ત્યાં રાજનેતાઓ બાપુઓ મહંતો સંતો ને બાવાઓ બધાય્ને ગાદીની

  ફિકર અત્યંત રહે છે . તેમને ગાદી કેમ બચાવવી ..ખસી ગયેલી પાછી

  મેળવવા ક્યા ઉપાયો કરવા તેનું બ્રહ્મજ્ઞાન લાધશે અને એનું સઘળું પુન્ય

  આપને મળશે.

  Like

 8. ગાદીમાં શું શું તકલીફ થઈ શકે તે ભરતને ખબર હતી, એટલે એણે પોતે ગાદી ઉપર બેસવાને બદલે રામની પાદુકા ગાદી ઉપર મૂકી દીધી અને પોતે રાજ કર્યું !!

  Like

 9. વાહ અશોકભાઈ! મસ્ત રહ્યો દ્વિતીયાધ્યાય . કોઈ “શિલ્પી”નાં હથોડા પડે તો પણ ગાદી કોઈ પણ શરમ વગર “આસારામ”ને “એશો-આરામ” વગરના કરી દે!

  Like

 10. મઝા આવી ગઇ
  અમારા પડોશીને ડૉકટર પાસે લઇ ગયા.
  હજુ હકીકત કહીએ તે પહેલા જ ડૉકટરે કહ્યું કે
  માજીની ગાદી ખસી છે.માજી એ ખુરશીની ગાદી ઠીક કરી
  ડૉકટર તરફ જોયું
  ડૉ એ કહ્યું સ્લીપ-ડિસ્ક છે!
  માજી કહે એમ ગુજરાતીમા કહોને!
  પૂંછડી પટપટાતા ડૉગીથી બચવા દોડવા ગઇ ત્યારે સ્લીપ થઇ ગઇ હતી.
  ત્યારથી સ્લીપ નથી આવતી.તમે ગાદીપતિઓની જેમ ગાદી બરોબર
  ચોંટાડી આપો કે જીવનભર ઉખડે નહીં.
  ડૉકટરને હજુ ખબર પડતી નથી કે ગાદીના જીવનભર કે ગાદીપતિના ?

  Like

 11. આદરણીયશ્રી. અશોકભાઈ

  ગાડી મળે પછી મોટેભાગે દગો દેતી હોય છે,
  ચેતવા વાળા ચેતી જાય તો સારૂ…..- 2014

  આ બાબત ઘણાંની ગાદી ખસતી બચાવશે.

  ખુબ જ સરસ

  Like

 12. દીવાળી વાઘ કે વાક બારસથી શરુ થાય અને લાભ પાંચમના પુરી થાય. ધન, સુખ, તંદુરસ્તી, મન શાંતી થાય એટલે ફરી વાઘ બારસ અને લાભ પાંચમની ઉજવણી થાય….

  Like

 13. …દીલ્લીમાં કોંગ્રેસ અને ભાજપાની લોકસભા ચુંટણી પહેલાંની મોટી કારોબારી મીટીંગો થઈ ગઈ. ક્યાંક ઉપવાસ ચાલુ છે. ઠંડીની મોસમ છે એટલું વાતાવરણ ધુધુળું છે. મુંબઈમાં આ ધુમ્મસ મુંઝાઈ ગયું છે એટલ મુંબઈના ૧૦૦-૨૦૦ કીલોમીટરના વીસ્તારમાં વરસાદ જેવું વાતાવરણ બપોર સુધી છે અને સાધારણ વરસાદ ચાલુ છે. આવા ધુધુળા વાતાવરણમાં કોમેન્ટનો વરસાદ થવાની પુરી શક્યતા છે.

  Like

 14. આ કોમેન્ટ પછી લાગે છે બધું શાંત થઈ ગયું છે. લોકસભા ચુંટણી પરીણામ માટે હજી ૨-૪ દીવસ ઉંઘ નહીં આવે. થયું એકલો જાગુ એના કરતાં ક્યાંક મીત્રો સાથે ગપ હાંકુ અને સમય પસાર કરું.

  મીત્રોને આમંત્રણ છે કોમેન્ટ મુકવા.

  દીલ્લીની ગાદીને બદલે આપણે ચર્ચા કરીશું ડાયાબીટીઝ, કમરના દુખાવાની કે થાપ્પા હાડકાની સર્જરીની.

  જહોનસન અને જહોન્સન દવાની કમ્પનીએ દાવેદારોને ૧૫૦૦૦ કરોડ ચુકવવાનું નક્કી કરેલ છે. એ હીસાબે બધાને થોડોક તો નફો જરુર મળશે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s