અમોને લાધ્યો અતિ કિંમતી ખજાનો !


પ્રિય મિત્રો, નમસ્કાર.

હમણાં અમે મરજીવાઓની સંગાથે મહેરામણને તાગવાનો તાકડો કીધો છે ! (જો કે આ વાત અમારા પિતાશ્રીને કાને ન જાય એ જોવું, એ પણ ’મહેરામણ’ છે ! રખેને ક્યાંક ચેકબુક્સ સંતાડી દે ! 🙂 ) અને એ વાત તો સૌને વિદિત હોય જ કે જેટલી ઊંડી ડૂબકી મારો એટલાં કિંમતી રતન હાથ લાગે !

ઝાઝી વાતના ગાડાં ભરાય. લ્યોને ઈ ખજાનાના સગડ જ ચીંધાડી મેલુ !

અતિ કિંમતી ખજાનો : સાક્ષર–ગોષ્ઠિ

વેબગુર્જરીનો વિચાર એક બાજુ વૈશ્વિક સ્તરે નેટ પર લખતાં–વાંચતાં ગુજરાતીઓની પ્રવૃત્તિઓને એકબીજાંની સાથે સાંકળવામાં મદદરૂપ બનવાનો છે તો બીજી બાજુ ગુજરાતી ભાષા અને સાહિત્યના પ્રચાર, પ્રસાર તથા રસાસ્વાદનો પણ રહ્યો છે. આ બન્ને બાજુના વિચારોને વેબગુર્જરીના મૂળભૂત હેતુ તરીકે સ્વીકારીને તેના અમલીકરણની જે રૂપરેખા બની તેને વેગુનાં કાર્યક્ષેત્રો/કાર્યક્રમો તરીકે અમે સૌ સમક્ષ મૂકી ચૂક્યાં છીએ.

આ મૂળભૂત હેતુ તથા કાર્યક્રમોના અનુસંધાને વેબગુર્જરી પર કેટલીય નવી નવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. જેમાંની એક પ્રવૃત્તિ કે જેનું મહત્ત્વ વેગુને માટે સવિશેષ છે તે છે સાહિત્યિક, શૈક્ષણિક, સામાજિક વગેરે ક્ષેત્રે અતિ મહત્ત્વનું કાર્ય કરનાર મહાનુભાવોનો પરિચય વૈશ્વિક સ્તરે કરાવવો અને તેમની પાસેથી નેટ પરનાં લેખકો–વાચકોને ઉપયોગી થાય તથા વીશ્વભરમાં ફેલાયેલાં ગુજરાતી કુટુંબોની ગુજરાતીતાને મદદરૂપ થાય તેવી અનુભવવાતો મેળવીને સૌમાં વહેંચવી.

આજે ‘વેબગુર્જરી’ પોતાની સાઈટ પર ‘પાનું’ના વિભાગે એક અતિ કિંમતી ખજાનો “સાક્ષર–ગોષ્ઠિ” નામે ગૌરવભેર ખુલ્લો મૂકી રહ્યું છે. સૌ વાચક સહયાત્રીઓને આ વિભાગનો લાભ લેવા નિમંત્રણ છે.

આ સમગ્ર કાર્યક્રમ ત્રણ સ્તરે જોવા મળશેઃ ૧) દૃષ્ય–શ્રાવ્ય, ૨) કેવળ શ્રાવ્ય તથા ૩) વાચનરૂપે. જેમને જે રીતે આ ગોષ્ઠિ માણવી હશે તે રીતે તેઓ જોઈ–સાંભળી–વાંચી શકશે !!

મુખ્ય પાનું “સાક્ષર–ગોષ્ઠિ”ને ક્લિક કરીને ખોલ્યા પછી સાક્ષરો–મહાનુભાવોની યાદી મળશે; તેમના નામ પર ક્લિક કરવાથી તેમણે કહેલી વાતોના વિષયવાર વિભાગો ખૂલશે અને જે તે વિભાગમાં જઈને ઉપરોક્ત ત્રણેય સ્તરોએ તેમના અનુભવ–વિચારોનો લાભ લઈ શકાશે.

આશા રાખીએ કે આ નવો કાર્યક્રમ સૌને પ્રેરણાદાયી બની રહેશે.

– વેબગુર્જરી પરિવાર.

(પ્રતિભાવો  “સાક્ષર–ગોષ્ઠિ” પાના પર જ !)

ટિપ્પણીઓ બંધ છે.