એ…હાલો ! વેબગુર્જરીની વાટે


નમસ્કાર મિત્રો

સૌ પ્રથમ તો આદરણીય જુગલભાઈ અને સૌ મિત્રોને ધન્યવાદ કે તેઓએ ગુજરાતી ભાષામાં, નેટનાં માધ્યમ દ્વારા, કાર્યરત એવા લોકોને એક સહિયારા મંચ પર એકઠા કરવાનું, એકમેવને પોતપોતાનાં કાર્યો, આવડત, સમસ્યાઓ અને સમાધાન સાથે એકબીજાની નજીક લાવવાનું  વિચારબીજ ફણગાવ્યું. હવે આ વિચારબીજને રોપવાનો સમય છે. મળતી માહિતી પ્રમાણે, આજે રાત્રે (એટલે કે તા: ૨૬, જાન્યુઆરી, ૨૦૧૩નાં આરંભની ક્ષણે), ભારતીય માનક સમય ૦૦.૦૦ કલાકે (કહો કે રાત્રે ૧૨.૦૦ કલાકે) આ સહિયારાં સહકાર્યનું બીજ રોપાશે. એનાં સંવર્ધનનો શુભપ્રારંભ થશે. જુ.ભાઈનાં બ્લૉગ પર, ‘રે પંખીડાં, સુખથી ચણજો’, “web-gurjari” પ્રદેશે !!’ પરનાં પ્રતિભાવોથી જાણવા મળ્યું કે “http://webgurjari.in/” નામક વેબપ્રદેશ પણ સૌ પંખીડાઓને ચણવા માટે ખુલ્લો મુકાઈ રહ્યો છે. જો કે પંખીડાં માટે તો ખેડૂત વાવે અને આવડાં આ ચણે, પણ અહીં તો ‘રામકી ચિડીયા, રામકા ખેત, ખા લો ચિડીયા, ભર ભર પેટ’ ! પણ પરથમ દાણાં ઉગાડવાની મહેનત પણ આપણાં રામે જ કરવાની રહેશે. અર્થાત, આ તો આપણું સૌનું સહિયારું કાર્ય છે. સૌ થકી, સૌ માટે.

તો, ભારતીય ઉપખંડમાં વસવાટ કરતાં મિત્રો એક દહાડો અધરાતનો ઉજાગરો કરીને, અન્ય ખંડોમાં વસતા મિત્રો પોતાનાં સમયાનુસાર, આપણાં ઉપરોક્ત વેબપ્રદેશે ઉપસ્થિત રહે. રાત્રે ૧૨-૦૦ કલાક પછી શુભકામનાઓ પાઠવે. જે મિત્રો સંચાલનકાર્યમાં સેવારત છે એ મિત્રો કંઈક ધ્યાનાકર્ષક કાર્યક્રમ આપે તો એ પણ માણીએ અને આમ એક ઉમદા પ્રવૃત્તિનું બીજારોપણ કરીએ. (પછી ચણવા પણ આપણે જ જશું ને !)

આ તકે મને એક સૂચન કરવાનું મન થાય છે. શક્ય બને તો કોઈ જાણકાર મિત્ર ’સ્કાઈપ’નાં માધ્યમ દ્વારા એક દૃશ્ય-શ્રાવ્ય સભાનું આયોજન પણ કરી શકે. રાત સુધીમાં એ સભામાં જોડાવાની કડી પ્રસારીત કરે અને જેઓ જોડાઈ શકે તે એ માધ્યમે શુભેચ્છાઓની આપ-લે કરે. લેખીત સંદેશાઓ તો આપણે મેલી જ શકીએ. પોતપોતાનાં બ્લૉગ, ફેસબૂક વેબસાઇટ જેવા માધ્યમો પર પણ આ ઉમદાકાર્યને વધામણીઓ આપતા સંદેશાઓ પાઠવીએ. સરવાળે આ કાર્ય કોઈ એકલ દોકલ વ્યક્તિનું નહિ, સૌનું સહિયારું છે. આપણું જ છે. આપણાં થકી જ થવાનું છે. વડીલો આપણું માર્ગદર્શન કરશે પણ કાર્યભાર તો સૌનાં ખભે સરખો જ રહે છે. તો મળીએ પ્રજાસત્તાક પર્વ અને આપણી ભાષાનાં આદરણીય કવિશ્રી કલાપીનાં જન્મદિવસ ઉજવણીની પ્રથમ ક્ષણે. આજે રાત્રે ૧૨-૦૦ કલાકે. વેબગુર્જરી પર. શુભેચ્છાઓ અને અભિનંદન.

8 responses to “એ…હાલો ! વેબગુર્જરીની વાટે

  1. ચોક્કસ, ચોક્કસ….
    મળીએ પ્રજાસત્તાક પર્વ અને આપણી ભાષાનાં આદરણીય કવિશ્રી કલાપીનાં જન્મદિવસ ઉજવણીની પ્રથમ ક્ષણે. આજે રાત્રે ૧૨-૦૦ કલાકે. વેબગુર્જરી પર. શુભેચ્છાઓ અને અભિનંદન.

    Like

  2. મળીયે રાત્રે ૦૦ કલાકે ” http://webgurjari.in ” પર.
    ’સ્કાઈપ’ વાળુ સૂચન વિચારવા જેવું છે ! કોઈ નિષ્ણાત ગોઠવી શકે તો !

    Like

  3. પ્રિય અશોક
    સ્કાયપ દ્રારા આપણે બધા રૂબરૂ મળીને વાતો કરી શકીએ કેવી મઝા, આ તારી વાત મને બહુ ગમી છે . મારો સ્કાયપ
    “aataawaani ” કે જે સંબોધન “આતા ” તેં સૌ પ્રથમ કરીને મને આતા વાણીનો આતો બ્લોગ જગતમાં પ્રસિદ્ધ કર્યો .મારો સ્કાયપ મેં એજ નામથીરાખ્યો છે . એક વાત એ છે કે હું અમુક સમયેજ કમ્પ્યુટર પાસે હોઉં છું . તારા વિચારો મને પસંદ છે .

    Like

  4. ખુબ જ સરસ સાહેબ

    ચોક્કસ મળીશું. એ આવજો ………….. આવજો.

    Like

  5. માનનીય મિત્રો,
    સ્થાનિક સમયાનુસાર અત્યારે રાત્રીનાં ૧૨-૫૩ થવા આવી છે. સરવાળો કરો તો એક અને એક અગીયાર થાય ! વેબગુર્જરીનો ધમાકેદાર પ્રારંભ થઈ ચૂક્યો છે. અને હા, આપણે સૌ સાથે જ છીએ ! હાર્દિક અભિનંદન અને ધન્યવાદ.
    || આઝાદી અમર રહો ||

    Like

  6. પ્રિય અશોક
    મારો ઓલ ભવ નો દિકરો ક્રિશ (અમેરિકન જુવાન આને સુરેશ જાની મળ્યા છે .)પોતાનું કમ્પ્યુટર 24 કલાક ચાલુ રાખે છે .અને એનું ઘર મારા ઘર સામેજ છે .એ ઘરે હોય ત્યારે મને બોલાવીને વાત કરાવી શકે। કુલદીપ ગાંધીનગર રહે છે . મારો ગ્રેટ ગ્રાન્ડ સન કુલદીપ એ રીતે મારી સાથે વાતો કરે છે .કુલદીપ ગાંધી નગર રહે છે .અમેરિકાના સાંજના 7 વાગ્યા પછીનો ટાઈમ અનુકુળ રહે .આતા નાં રામરામ

    Like

Leave a comment