ચિત્રકથા – સંક્રાંતિની સહેલ


નમસ્કાર મિત્રો.

મકર સંકાંતિ અને ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ. કમૂરતાં ઉતરી ગયા અને હવે સૌનાં ભાગમાં યથાશક્તિ લગ્નામંત્રણો આવી જાય, લગ્નભોજમાં મઘમઘતી મીઠાઈઓ અને ફળફળતાં ફરસાણનો સંયોગ થાય તેવી અંતરની શુભેચ્છા !

સંક્રાંતિકાળે સામાન્ય રીતે પતંગની સહેલ મણાય છે. અમોને બાપ જન્મારે પતંગની કન્ના (કે કન્યા ?!) બાંધતા પણ આવડી નહિ. પણ સહેલ કરતાં તો આવડી જ છે. અને જૂનાણે પડ્યાં હોઈએ, સામો જ ગરવો ગઢ ગિરનાર, ગળાનાં સમ દઈ દઈને કસુંબાના ઘૂંટ ભરાવતા કો‘ક પોરહીલા જજમાન જેવો, ’એ..આવો ! એ…હાલ્યા આવો ! એ…વયા આવો મારો બાપ ! ગામ છોને પતંગની સહેલ માણે આપણે આયાં જંગલમાં મંગલ કરીએ. આજ સપરમાં દાડે અગાશિયું માથે તો મનખનો મેળો ભરાણો છે પણ કો‘ક આ ગલઢેરા દાદાનાં સૂના પડેલાં ખોળાનેય ખૂંદો તો લે‘ર આવે. મારા બાપ ખાલી હાથે વયા આવો. દાદો મલક આખાને ધરવ કરાવી દ્યે એટલી સોંજ રાખીને બેઠો છે. બસ હાલ્યા આવો.’ આમ નોતરાં દઈ દઈને બોલાવતો હોય તંયે ઈ ગરવાનો ખાંડી જેવડો ખોળો મેલીને ખોબા જેવડી અગાશીએ તો કેમ કરીને ‘દિ જાય !

આ સાદ સાંભળ્યો અમારા રાજુભાઈએ, જેઠાભાઈએ, નાગાભાઈએ, અમોએ અને ગામડેથી એક મે‘માન શહેરની સેર કરવા આવેલો એનેય જંગલની લે‘ર કરવા ભેળો બાંધ્યો ! ખરેખર ખાલી હાથે જ ઉપડ્યા ! હવે ઝાઝી વાતુનાં ગાડાં ભરાય. એક ભૂલ થઈ ગઈ ઈ માફ કરો તો બાકી બધુંય એયને જમાવટ વાળું જ હતું ! હું આપણાં મુન્શીને વખત-કવખત તઈડકાવે રાખું કે “કૅમેરો” ભેળો લેતા કાંઉ સરપ કરડે છે ! પણ આજ સપરમા દા‘ડે ઈ સરપ મને જ કરડ્યો ! ખાલી હાથે જાવું ઈ લાયમાં કૅમેરો ભુલાઈ ગયો !! ઈ તો ભલું થાય મોબાઈલ વાળાઓનું કે હવે, જેવા તેવા તો જેવા તેવા પણ, ભેળા કૅમેરા આપવા માંડ્યા છે. બે‘ક માટીયુનાં મોબાઈલમાં આ સગવડ હતી  (આપણામાં તો ઈય ન મળે !). તો લ્યો હવે આ મોબાઈલ ફોટાઓની મોજ માણો અને જાણો કે અમોએ કેવી સહેલ કરી !

ગિરનારનો ખોળો ! આ પંથ છે શૂરાનો, નહિ કાયરનું કામ !!

જૂનાણેથી ભેંસાણ વાળા મારગે લગભગ ૨૨ કિ.મી.નો પંથ કાપો એટલે મેંદપરા ગામ આવે. ગામનાં પાદરમાંથી જ જમણી કોરા હેઠાં ઊતરતા મારગે હંકારી મેલો એટલે ૩ કિ.મી. છેટે માલીડા ગામ. ગામ સોંસરવું નીકળ્યા ભેળું ગિરનારની વનરાઈમાં પૂગી જવાશે. ક્યાંક સપાટ તો ક્યાંક ખરબચડો રસ્તો આવે, પણ વાહનને કશું ભો જેવું નઈ ! બીજા ચારેક કિ.મી. જતાં રાજાશાહી જમાનાની યાદ અપાવતો પુરાતન ’કોઠો’ (ગઢની રાંગમાં ગોળ બાંધકામ હોય ઈ ’કોઠો’ કે‘વાય) કળાશે. ઈ કોઠાને ’પાટવડ કોઠો’ એવા નામે ઓળખવામાં આવે છે. અહીંથી ગિરનાર અભયારણ્યની હદ, બાકાયદા, ચાલુ થાય અને ત્યાં વનવિભાગનું ચેકપોસ્ટ પણ છે. મંજૂરી લઈને, વનવિભાગનાં નિયમાનુસાર, પ્રવેશ પામી શકાય. પણ અમે તો પહેલાં પેટપૂજાનાં બંદોબસ્તમાં પડ્યા. ધાર માથે એક અવધૂત બાવાજીનું ઝૂંપડું હતું. ફરવા વાળા ઘણાં લોકો અહીં આવતા હોય અને સાથે જરૂરી માલસામાન પણ લાવતા હોય છે. રાંધે, ખાય અને વધ્યો સામાન બાવાજીને ભળાવતા જાય ! આવો જમા પડેલો રંધોપનો સઘળો સામાન બાવાજીએ અમને આપ્યો. કહ્યું, આમાંથી જે રાંધવું હોય તે જાતે રાંધો, અને મોજથી ખાવ. આમ, સંક્રાંતિના દહાડે, દાન આપવાને બદલે અમે દાન લીધું ! સામે ચારણનો નેસડો હતો, એના મોભીએ ખાટલા ઢાળી બેસાડ્યા, બપોરા કરવા તાણ કરી, પણ અમે જાતે રાંધી ખાવાનો રસ લૂંટવા માંગતા હતા તે સવિનય ના પાડી. (ખાનગી વાત એ છે કે, બાવાજીની ઝૂંપડીએ રવાનો લોટ અને ઘીનું તપેલું અમોને સાદ દેતું હતું !) જો કે એક બોઘડું  છાસનાં દાનનો લાભ તો તેમને પણ આપ્યો જ ! જુઓ આ રંગત :

એ..ય..ને, ખાઈ પરવારી પછી ઊપડ્યા અભયારણ્યની ચોકીએ. વિધિવત્ મંજૂરી લઈ આગળ ધપ્યા. ચોમાસામાં તો આમાં ક્યાંય માથુંય ન ગરે ! પણ દિવાળી પછી વનવિભાગ રસ્તાઓ સમરાવે અને ઝાડીઝાંખરા ચોખ્ખા કરી મારગ ચાલેબલ બનાવે. આમે ઓણ વરસ નબળું તે મોટી વનરાઈ લીલી ખરી, બાકી ઝાડી ઝાંખરાં તો માંડ્યા સુકાવા. પાણી પણ ક્યાંય વેતીયાણ ન મળે. ક્યાંક ક્યાંક ઘુંના ભર્યા હોય ઈ થી જનાવરની તરસ છીપે. આ મારગે પ્રથમ સૂરજકુંડ આવે અને પછી આવે સરકડીયા હનુમાન. ઈ થી આગળ પરિક્રમાના મારગે ચઢીને માળવેલા કે જીણાબાવાની મઢીએ જઈ શકાય પણ ડુંગરની ધાર પર ચઢાણ એકદમ આકરું પડે. વાહન ચાલવાનો તો સવાલ જ નહિ. વળી સાંજે ૬ વાગ્યા પછી જંગલમાં રખડવાની મનાઈ પણ છે. તેથી સરકડીયા સુધી જઈ અમો પાછાં ફર્યા. થોડા ચિત્રો એ જગ્યાના :

તંયે લ્યો રામ રામ. તમો પણ ફરી ફરીને થાક્યા હશો ! જરાક વિસામો લ્યો, પોરો ખાવ, પછી પાછાં ઊપડશું કો‘ક નવા ઠેકાણે. આવજો. ધન્યવાદ.

==આ પણ જુઓ==

* મકર સંક્રાંતિ  (વિકિપીડિયા ગુજ. પર)

* Makar Sankranti  (વિકિપીડિયા અંગ્રેજી પર)

27 responses to “ચિત્રકથા – સંક્રાંતિની સહેલ

  1. બાકી બધું તો રાંધી લીધું પણ . . . ભજીયા યે બનાવી લીધા . . . તમે તો જગ જીતી ગયા 🙂 અને અમે મોં માં પાણી મમળાવતા રહી ગયા 😉

    Like

    • ભાઈ શ્રી. નિરવભાઈ. ભજીયા વિના શીરો એ તો જાણે એકડા વિનાના ઝીરો !
      આ હળાહળનાં યુગમાં કો‘કનાં મોં માં અમૃત (પાણી) લાવવા તો અમો સફળ થયા ! ધન્યવાદ. અને હા, આ જુઓ ઉતરતા ભજીયા પણ;
      ગરમા ગરમ !

      Photo0106

      Like

      • “ભજીયા વિના શીરો એ તો જાણે એકડા વિનાના ઝીરો”
        નવી કહેવત માટે આભાર

        Like

      • આદરણીય અદભુત રસોઈયા શ્રી અશોકભાઈ , તમે કૃપયા મને “શ્રી” નું સંબોધન દર વખતે ન લગાડો . . . કારણ હું તમારાથી ઉંમરમાં તો ઠીક પણ જ્ઞાનમાં પણ બાર ગાઉ આઘો છું 🙂 . . . એવું હોય તો , બે ભજીયા ખવડાવી દો 😉

        અને મને તો ભજીયા અને શીરા કરતા , તમે માણેલી એ મોજ ગમી ગઈ કે જે મારા અને અન્ય માટે ઘણી દુર્લભ છે ! . . .

        અને છેલ્લે છેલ્લે જે ભજીયાનો ફોટો લટકામાં ગરમા ગરમ આપ્યો , તો હવે મમ્મીને થોડોક ભજીયા માટે ટહુકો કરવો પડશે 🙂

        Like

  2. મઝા બહુ આવી પણ આવી કલમની અદેખાઈ તો થાય જ ને? અને તે પણ આવી સરસ ઊજાણી!

    Like

    • 🙂
      મેં આપને કહેલું ને, પધારો, ગિરનાર તો અમો ચઢાવી દેશું !! ન્યાં કણે ટોચ ઉપર શીરો ને ભજીયાનાં ઘાણવા માંડીયે એટલે પછી ’पंगुम् लंघयते गिरिम्’. જો કે સ્વાદ શીરાનો નથી હોતો, સૌ મિત્રોએ સાથે મળીને એમાં જે મિત્રતા ઘોળી હોય એનો હોય છે. બાકી સોનાની દ્વારિકામાં શું ઘટતું તું ? તોયે કૃષ્ણને સુદામાનાં લૂખા સૂકા તાંદુલ ભાવ્યા !!

      આપની મિત્રતાસભર અદેખાઈ અમોને શેર એક લોહી ચઢાવી ગઈ ! ધન્યવાદ.

      Like

  3. સ્લાઈડ શોમાં ફોટા જામે છે. ટીંબરવો અને પીપરવાળો ફોટો ન હમજાણો.
    બધું લખો .. પણ આમ ખાવાની વાત શીદ લખતા હશો? અને એ ય ગરમાગરમ ભજિયાંની?

    Like

    • દાદા, આભાર. મને થયું કે ’કજિયા’ની વાત માંડવી ઈ થી ’ભજિયાં’ની વાત ભલી ! ઈર્ષા તો કદાચ આમાંય ઊપજે ! પણ ઓલી કડવી હોય ને આવડી આ મીઠી !

      ઈ ટીંબરવો ને પીપર બેઉનાં થડ એકબીજાને એવા વિંટળાઈને ઊભા હતાં જાણે કોઈ પ્રેમીયુગલ. વળી ટીંબરવો કાળો અને પીપર ધોળી. પ્રકૃતિએ જાણે રૂપક રચ્યું. જુઓ આ ચિત્ર, બીજા કોણથી. http://wp.me/aKKId-Dr

      Like

  4. તેદી’ તમારા મોઢામોઢ સાંભળેલી એવી વાતું પણ લખજો ! તમે જીમને જાણ કય્ રા વના વયા ગયા ઈ લોકે પણ તમુંને એકલા પાડી દીધા’તા ! ઈ તો હારું કયરું કે અમીં આવીને તમારી એકલતામાં થોડું બાકોરું પાડી જ્યા’તા.

    તમારી ઈર્ષા કરવાનો શો અર્થ ? છતાં ઉપલી કોર બેઠેલા કોમેન્ટુંવાળાવની હાર્યે અમીંય ઈમ જ કે’વાના. ઝલસા કરાવી દીધા.

    Like

    • માન.શ્રી.જુ.ભાઈ.
      શિક્ષક થઈને પેપર ફોડ્યું !! 🙂 લો ત્યારે, મિત્રો, વાત એમ બની કે સંક્રાંતિને દહાડે અમો તો સવારના જઈને દૂકાને જ ખોડાણા તા. ત્યાં પેલા ત્રણે મિત્રોએ આવીને, ’હાલ્ય એલા મારવાડી ! કેટલુંક ભેગું કરીહ ! આજ સંકાંતિના સપરમા દાડે તો મોજ લૂંટીયે (વળી એ જ વાત, આ ઉંમરે પતંગ લૂંટવા જઈએ તો કેવા વહરાં લાગીયે !). આમ, તહેવારને દહાડે, ઘરનાંઓને એકલા મેલી, અમોએ મહાભિનિષ્ક્રમણ કીધું ! અને એનો ખાર રાખી, કદાચ ઈર્ષાના માર્યા, બીજે દહાડે ઘરનાં સઘળાં સભ્યો અમોને ધરાર એકલા મુકી આખો દહાડો એક શુભ પ્રસંગે સિધાવ્યા ! અને યોગાનુયોગ શ્રી. જુ.ભાઈએ, જે અંગત પ્રસંગે જૂનાણે પધારેલા તે અમો પ્રત્યેનાં પ્રેમને વશ થઈ, એક દોઢ કલાક અમોને દર્શનાલાભ આપ્યો. ઘરે તો ચા(હ) પણ કોણ પાય ?! (અને અમારી બનાવેલી ચા પર જુ.ભાઈને ભરુંહો નહિ હોય 🙂 ) તે પછી દૂકાને જઈને બેઠાં. તેઓશ્રી સાથે મીઠીમધૂરી વાતોનો લહાવો લીધો. પણ સરવાળે ઝલસો તો બીજે દહાડે પણ થયો જ !

      ધન્યવાદ જુ.ભાઈ. આપ સમા મિત્રો મળ્યા હોય પછી ’અશોક’ સદા ’અશોક’ જ રહેવાનો ને !

      Like

  5. વાહ વાહ …..અને આ આજની ખાસ વાનગી. ઘીથી લચપચતો, કાજુ, બદામ, એલચી, કિસમીસથી લબાલબ ભરેલો શીરો ! (જેના સારૂ તો અમે શ્રાવક થયા !!)

    સીરા માટે સંક્રાંતીની રાહ જોવાની શી જરુર…

    Like

  6. પ્રિય અશોક તારી વાત ખરી છે . ગિરનારનો ખોળો ખૂંદવો એ કાયરનું કામ નથી . એક વાત ગિરનારના ખોળા ખુદવાની તારી વાત જાણ્યા પછી યાદ આવી જે લખું છું બીલખા થી અમો થોડા વિદ્યાર્થી અને એક મોટી ઉમરનો પુજારી દલપતરામ ભાઈ ગીરનાર સોંસરવા જુનાગઢ ગએલા .
    બીજી વાત એક વખત અમો વિદ્યાર્થી જમીયાલશાહ દાતારની ટેકરી ઉપર ગયા ત્યાંથી પછી વાવડી નું પાણી પીવા ગયા। . બહુ નાનકડું ઝરણું છે .એ તુને ખબર છે .વાવડી પાસે જતા જતા કોઈ ઘર આગળ મોસંબીના ઝાડ જોયા એમાં કાચી મોસંબી હતી આ ઘર મુંજાવર નું હશે કોઈ કોઈ વિદ્યાર્થી એ થોડી મોસંબી લઇ લીધી એટલે જેમ આવ્યા એમ પગથીયા ઉપર થઈને જઈએ તો મુંજાવારના રોષના ભોગ બનવું પડે એટલે ઝરણાં પાસેથી નીચે ઉતર્યા એક જણે “જય જમીયાલશા પીર” કહીને ધજાની લાકડી ખેંચી લીધી .કોઈએ કીધું એલા દાતાર તુને ગાંડો કરી મુકશે .છોકરો બોલ્યો આપણને બાળકોને દાતાર કંઈ નો કરે થોડોક બખત પગથીયા પણ લીધાં ખરાં , એક આપણા ભાઈને ધા સા પીવા ગો મી કીધું હુતાં સા નેથ પિતો .તાર કાઉં કાફી સાલસે મી કીધું હું દૂધ પણ નેથ પીતો .તાર કાઉં તારી આગર કીપહિયાનો હુંડો મુકાં ?આ પ્રેમ સભર આગતા સ્વાગતા કદી નથી ભુલાતી .એટલેતો કોઈ અનુભવી કવિએ કીધું છે .કે
    કેદીક કાઠી યાવાડ્માં ભૂલો પડ ભગવાન થાને મારો મેમાન તુને સરગ ભૂલવું શામળા
    પણ) મુબઈ શેરમાં મોહના ભૂલથીય જાતો નઈ
    ભાવ પૂછાશે નઈ તું ગોટે ચડી જાસ ગોવિંદા

    Like

    • એ ઘણી ખમ્મા આતાને. દાતારની ધજાની લાકડી લે ને ભાગ્યા ! ભાઈ ! ભાઈ ! જો કે ઈ કે‘વાણો જ ’દાતાર’, દેવા જ બેઠો છે. તમીં વાત કીધી ઈ ઝરણાંનું પાણી તાં મેં ય બઉ પીધું છે. ભારી મીઠું, જાણે નાળિયેરનું પાણી. પાંહે એક પાણો છે, ઈ ’નગારીયા પાણા’ના નામે ઓળખાય છે. આભાર.

      Like

  7. ભજીયા જોઈને કોઈએ જીવ શા માટે બાળવો જોઈએ? કાઠીયાવાડમાં તો એક વરસાદ થાય એટલે ભજીયા ઘેર ઘેર થાય. જે’દી જાત જાતના મીઠાઈ ને ફરસાણ નહોતા તેદીયે અહીં ચોરાટ (સૌરાષ્ટ્ર) માં તો શીરા અને ભજીયાનું ભોજન જ શાહી ભોજન ગણાતું.

    Like

    • ન બાળવો જોઈએ ??? કાંઉ કરવા અમારી મે‘નત ઉપર પાણી ફેરવો છો ! 🙂 અરે ભઈ, ઘરમાં શીરો ખાવા સાટુ ઓછો ને પડોશીનો જીવ બાળવા સાટુ જ વધુ રંધાય છે ! અમારા નાગર મિત્રોની ઠોળ્ય કરતાં એમ કહેવાય છે કે ઈવડા ઈ મોટેથી સૂચના આપે કે, ’સાંભળ્યું, આજ તો હલાવજો જરા !’ અમે સંધાય એમ સમજી જીવ બાળીએ કે શીરો હલાવવાની વાત છે, પણ ’ઈ’ સમજી જાય કે આજે ટાઢી ખીચડીથી હલાવી લેવાનું છે !!

      આ શીરો મે‘માન માટે બનાવાય ત્યારે ’માનભોગ’ કહેવાય. બોલો ક્યારે માનભોગ લેવા પધારીએ ? 🙂 ધન્યવાદ અતુલભાઈ.

      Like

      • અશોકભાઈ,

        જ્યારે આવવું હોય ત્યારે પધારો. મારે તો દુકાનેય ખોલવાની ઝંઝટ નથી. ઘરેથી જ નાનો મોટો કારભાર (પેટીયા પુરતું રળી લેવું) ચલાવી લઉ છું. જો કે મે’માનુ માટે હંધીય હગવડ છે. એટલે તમ તમારે ઝટ દઈને પુગી આવો. અને એકલા નઈ આવતા. અમારા બુનનેય લાવજો તો ઈમનેય હવા ફેર થાય ને અહીં કવિતાને ય સથવારો રહે. જો કે અમારા બુનને કેજો કે ’મળવા આવો ત્યારે દળવા નહીં બેહારી દઈએ’ 🙂 એટલે પાછી એવી ચંત્યા ન કરે.

        Like

    • શીરા ભજીયાનું શાહી ભોજન….

      વાહ વાહ શીરાનું શાહી અને ભજીયાનું ભોજન

      Like

  8. અરે ભાઈ .. ભાઇ… આતો પતંગ કરતાં ઊંચે ચગાવ્યો !!
    અશોક’જી’ બહોત ખૂબ, સ_રસ લેખ સાથે ચાલેબલ ફોટોગ્રાફ, એને તને હરપ કરડ્યો ખરો !
    આ રખડ પટ્ટીમાં કઈ યાદ ન આવ્યું ?!, આ વનરાય ના સામા છેડે આપણે ભુલા પડ્યા હતા ! એ વર્ષો પહેલા નો એ સીન યાદ આવી ગયુ. એ ફોટોગ્રાફ હજુ સચવાયેલો છે !
    આ જેઠાલાલ ના રોટલા ને શાક ગિરનાર પર ખાધા હતા એ સ્વાદ હજુ ભુલાયો નથી!

    Like

    • હાઆઆઆઆઆઆ…………
      ઠીક યાદ કરાવ્યું. જો કે હમણાં બે દહાડા પહેલાં જ, ઈંટવાની ઘોડી પાસે ભૂલા પડેલા એ પ્રસંગ યાદ કરેલો. એક મિત્રને સલાહ આપતો હતો કે, જંગલમાં ફરતાં કોઈ ’મામો’ ભાટકી જાય તો એમ કદી ન કહેવું કે અમે ભૂલા પડ્યાં કે એકલ-દોકલ છીએ ! એમ જ દર્શાવવું કે ૪૦-૫૦ જણાં આવ્યા છીએ ને બીજા બધાં પાછળ જ ચાલ્યાં આવે છે ! કોઈ વિશ્વાસપાત્ર જણાય એવા માણસ કે થાણાપતુ જગાએ જઈને જ મારગ પૂછવો. આમાં આપણો ઈ પ્રસંગ અને આપણાં ઠાકરભાઈની આવડત યાદ આવ્યાં.

      મિત્રો, તંયે તો અમે હજુ વિદ્યાર્થી હતા. હું, મુન્શીજી અને ઠાકર. ત્રણે ઈંટવાની ઘોડી પાસે મારગ ભૂલ્યા. પાણી પણ ખલાસ. રોંઢો થવા આવ્યો પણ ક્યાંય મેળ ન પડે. એમાં બે જણાં, લાલઘુમ આંખ (જે કેફ દર્શાવતી હતી !) અને હાથમાં કંઈક લોઢાનું હથિયાર. અમને કહે, ’છોકરાંવ કયે ગામથી આવ્યા ? આ કેમેરો કેટલાકનો આવે ? આ ઘડિયાળ તો કિંમતી લાગે છે ? જરાક અમને દેખાડો તો ખરા !’ તે અમને વે‘મ પડ્યો કે આ છે કો‘ક ’મામા’ ! પણ અમારા ઠાકરમાં અક્કલ ઝાઝી તે કહે, ’આ કેમેરો તો ઠોઠું છે. અમારા સાહેબુ (માસ્તર) પાસે ઈથીય સારો કેમેરો છે. ઈ આખો પ્રવાસ બેઠો છે આંયા ઉપરવાસમાં જ. ઊભા રો, ઈ સંધાયને રાડ પાડીને બોલાવું’. અને એટલું સાંભળતાં ઓલ્યા જણો તો,’ના રે ના, ભલે બેઠા, કંઈ જરૂર નથી.’ કરતાં ત્યાંથી ભાગ્યા. (ઈ દરમિયાન એની પાણીની બોટલમાંથી, ચકાસીને ! અમે પાણીનો ધરવ તો કરી જ લીધો !!)

      Like

  9. આવી સહેલ અને આવી ગરમા ગરમ લજ્જત …..
    આહાહહાહા ….. મજ્જો મજ્જો પાડી દીધો. 🙂

    Like

  10. ખુબ સરસ ભાઈ…
    અમારે પણ કઈક આવુ કરવુ પડશે હો..
    મારા નવા બ્લોગની મુલાકાત લ્યો…
    http://myshayribyvikas.wordpress.com/
    જય સ્વામિનારાયણ…

    Like

  11. જય માતાજી… અશોકભાઈ, અમે પણ ગરવા ગિરનારની ગોદમાં ગલગોટીયા મારવા થનગની રહ્યા છીએ. અને અગાઉ પણ તમારા ઘરે ડ્રાયફ્રુટ શીરાની સાથે ટેસ્ટફુલ ખમણ આરોગી ચુક્યા છીએ જ. તમારા આતિથ્ય સત્કારની બધા મિત્રોને શું વાત કરૂ. પણ તમે છેલ્લા ૩ વર્ષમાં આવો મોકો કોઈ દિવસ નથી આપ્યો તેનો વસવસો છે. હજુ તા. ૧૯.૦૧.૨૦૧૩ નાં દિવસે હું અને મારા મિત્ર પિયુષભાઈ મહેતા કનકાઈ, સતાધાર, રામનાથ, પ્યારેરામજી ગુફા, રામટેકરી જઈ આવ્યા. તમોને અને આપણા રોટલીનાં એક્સપર્ટ એવા જેઠાભાઈને યાદ પણ કર્યા હતા. પણ તમે રાજકોટ નથી આવતા એટલે અમે તમને હેરાન ક્યાં કરવા તેવા હેતુથી ફોન પણ ના કર્યો. એટલે અમને માફ કરશોજી.. તમારી મકરસંક્રાતિની આવી યાદગાર સફરને બિરદાવી છીએ અને તમારા આ મિત્રની મિત્રતા જીવંત રાખવા કાંઈક વિચારજો..જય માતાજી… બાકી તો ગિરનાર ઈ ગિરનાર..!

    Like

Leave a comment