બ્લૉગર્સ મિત્રોને શુભકામના


નમસ્કાર મિત્રો, મેરી ક્રિસમસ.
ખાસ તહેવારોને બાદ કરતાં ભાગ્યે જ એવું બનતું હોય છે કે તમારે એકસાથે હજારો મિત્રોને શુભકામનાઓ પાઠવવાનો અવસર આવતો હોય. અમોને આ અવસર લભ્યો છે ! જો કે નીતિકારકોએ ઉલ્લેખ્યું છે કે મિત્રની ગુપ્ત વાત ગુપ્ત રહેવા દેવી અને મિત્રોનાં ગુણોને પ્રકટ કરવા એ મિત્રધર્મ છે. गुह्यं निगूहति गुणान् प्रकटीकरोति । (नीतिशतक-७३). અથવા તો મિત્રની પરવાનગી હોય તો વાત જાહેર કરાય. અહીં મેં કેટલાંક મિત્રોની પરવાનગી પ્રાપ્ત કરેલી ન હોય, તેઓનો નામોલ્લેખ કર્યા વિના જ, જાહેર શુભકામના પાઠવીશ. જે તે મિત્ર તેને સ્વીકારી અમોને (આ ’અમો’ એટલે ’અશોક મેરામણ’ એ તો આપ સૌને હવે જ્ઞાત જ હશે !) ઉપકૃત કરે.

સૌ પ્રથમ તો આપણાં સૌના સન્માનનીય અને પ્રખર વિદ્વાન, જેનાં બ્લૉગે ડોકિયું કરવા માત્રથી મગજ જ્ઞાનથી તરબતર થઈ જાય છે એવા બ્લૉગર મિત્રને ત્યાં લીલાં તોરણ બંધાયા છે, ઢોલ ઢબૂક્યા છે, શરણાઈનાં મંગળ સૂર વહેતા થયા છે, પુત્રલગ્નનાં એ મંગલ પ્રસંગે નવદંપતિને અમો સાદર હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ.

સહમત-અસહમત સૌને અભીવ્યક્ત થવાની સમાન તક આપતા, માત્રને માત્ર માનવતા જ જેનો ધર્મ છે એવા બ્લૉગર મિત્રનાં પુત્ર-પુત્રવધૂને વિદેશગમન પ્રસંગે હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ. Happy journey. bon voyage.

આપણાં એક ખ્યાતનામ (કે સદા અમારી ટાંગ ખેંચવા માટે કુખ્યાત !) મિત્ર, પોતાનાં વ્યવસાયને વિસ્તારવાનું સાહસ કરી રહ્યા છે. આ સાહસને અમો હૃદયપૂર્વક બિરદાવીએ છીએ. તેઓની રોજીરોટીમાં બરકત થાય અને તેઓ મિત્રોને ચાહથી ચા સાથે નાસ્તો પણ કરાવતા થાય એવી હાર્દિક શુભકામનાઓ ! જો કે તેઓશ્રીએ આ પ્રસંગે આપણ સૌને આમંત્રિત કર્યા જ છે, એટલે જેમને પણ અનુકૂળતા હોય તેઓએ, મિત્રદાવે, વિનાસંકોચે, હલ્લાબોલ કરી જ દેવું ! આવી તકો વારંવાર આવતી નથી ! 🙂 (આમંત્રણ પત્રિકા, સાદર)

આપણ સૌને દરરોજ પેટમાં દુખાડા માટે જવાબદાર (હસાવી હસાવીને !!) એવા હાસ્ય દરબારનાં પ્રમુખ દરબારી, વડીલ મિત્ર હમણાં અમેરિકેથી પધારેલા. ત્રણ દહાડા કાઠિયાવાડનાં કાંઠાળ પ્રદેશની તાજી હવા ફેફસે ભરવા પણ પધારેલા. અમોને પણ ઉપકૃત કર્યા. એક દહાડો એમની સાથે ફરવાની, એમની રસપ્રચુર વાતો સાંભળવાની, એમનાં વાત્સલ્યસભર વાણી વ્યવહારને માણવાની, મને સપરિવાર તક આપી. સાથે બ્લૉગ જગતે પોતાનાં પ્રતિભાવથી જાણીતા એવા એક પ્રેમાળ વ્યક્તિત્વનો પણ પરિચય થયો, એ તો વળી સોનામાં સુગંધ ભળ્યા જેવું થયું. અમારી જ ભૂમિ પરનાં એક શાંત, મનોરમ્ય સ્થાનની, જેનાથી અમો પણ અજાણ હતા, અમોને યાત્રા કરાવી. જ્યાં માધવરાયજી વરરાજા બનીને રુકમણીજીને પરણવા પધારેલા એ ભૂમિ પર સ્થિત ઓશો આશ્રમ. (મિત્રશ્રીની પરવાનગી મળ્યે આ યાત્રાનો સચિત્ર અહેવાલ અમો આપને સાદર નજરે કરીશું.) ક્રિસમસનાં પાવન તહેવારે જનમભોમકાએથી ઊડી અને કરમભોમકાએ જવા રવાના થયેલા આદરણીય મિત્રનો પ્રવાસ સુખમય બની રહે, જનમભોમકાની આ યાત્રાની મીઠી યાદો સદા સ્મરણે રહે અને કદાચ કોઈ કડવી તૂરી યાદ હોય તો સદાને માટે ભૂંસાઈ જાય તેવી હાર્દિક શુભકામના.

હવે આપ કહેશો કે, ભ‘ઈ ! તમે તો વાત હજારો બ્લૉગર મિત્રોને શુભકામના પાઠવવાની કરતા હતા, અને હજુ તો બે આંકડે પણ નથી પહોંચ્યા ! જો કે શક્ય હોય કે નહિ, વાત તો લાખોની જ કરવાની એ સફળતાનો મહામંત્ર છે એવું અમોએ પણ ભણેલું છે ! પણ અહીં સાવ એવું નથી. આપ તારીખ ૨૧-૧૨-૨૦૧૨ને કેમ ભૂલી જાવ છો ! અહીં દેશમાં તો નહિ પણ ક્યાંક ક્યાંક વિદેશોમાં, ખાસ કરીને બહુ સુધરેલા લોકમાં, અમ જેવા ગમારોમાં ઓછી પણ અક્કલનાં બળિયાઓમાં બહુ, ગાજેલી એ તારીખ જતી પણ રહી. ક્યાંક ક્યાંક સ્થાનિક પણે ઘટેલી દુર્ઘટનાઓને બાદ કરતાં જગત આખાંમાં ક્યાંય પ્રલય થયાનું સંભળાયું તો નથી ! ઓછામાં ઓછું આપણે તો હજુ જીવતા છીએ ! (જો કે, યે જીના ભી કોઈ જીના હૈ !!) તો, આ ’બચી ગયા’નો હરખ શું ઓછો ? બચી ગયેલા સૌ મિત્રોને પણ હાર્દિક શુભકામનાઓ. અને પ્રલયભય ફેલાવતી નવી તારીખ વહેલાસર જાહેર થાય તેવી શુભેચ્છા પણ ખરી (અન્યથા આપણે ચર્ચાઓ શું કરીશું ?!).

વર્ષ ૨૦૧૨ને ખટમીઠી (મહદંશે તો મીઠી જ) યાદો સાથે વિદાય અને વર્ષ ૨૦૧૩નું નવલી આશા, અભિલાષા, અબળખા, અભરખા, આકાંક્ષા, અરમાન, આતુરતા, આસ્થા, સાથે સ્વાગત. સૌને હાર્દિક શુભકામનાઓ.

14 responses to “બ્લૉગર્સ મિત્રોને શુભકામના

 1. hi, can not read the mesaage ! pls  inform the name of fonts  used here thnks

  Like

 2. ચાહથી ચા સાથે નાસ્તો પણ થાય એવી હાર્દિક શુભકામનાઓ……

  Like

 3. સહુ સ્નેહી જનોને આ ઈસુનું નવું વર્ષ અનેક રીતે લાભપ્રદ નીવડે એવી શુભેચ્છાઓ

  Like

 4. હવે ઘેર (!) પહોંચ્યા પછી, એ અદભૂત આશ્રમની વિવિધ માહિતી તો સૌને પીરસવા ઉમંગ છે જ. પણ અહીં અમને ત્યાં લગણ પહોંચાડવા માટે દિલી આભાર તો અ.મે. / મોને (!) જ હોય.
  અમોની કાર વગર ચાલીને તો આ ડોહો હોસ્પિટલ ભેળો થૈ જ્યો હોત.

  Like

  • આ ડોહા ધડબડ ધડબડ પેલી ટેકરી પણ ચઢી ગયા હતા !
   સૌરાષ્ટ્રનાં માર્ગ મકાન વિભાગ વાળાઓ આપને શોધે છે ! કહે છે, આ રસ્તાઓ પરનો ડામર પણ ઉખડી ગયો. ચાલતા વાહને એટલું હસાવનાર એ પ્રમુખ દરબારીને પકડીને સજા ફટકારવી છે. સજા છે, તેઓશ્રી એક અઠવાડીયું સુધી અમ સૌને સ_રસ વાતો સંભળાવે ! 🙂
   સુરેશભાઈ, આપનાં લેખની રાહ રહેશે.

   Like

 5. શ્રી સુરેશભાઈ આનંદ વધામણા. નૂતન વર્ષે લાખેણા લ્હાવાની ટહેલ.સાબરની ધારા વહેવા દો.
  નેટ ગુર્જરીના ફોટા સાથેનો અહેવાલથી દિલ ખુશખુશ થઈ ગયું.

  Ramesh Patel(Aakashdeep)

  Like

 6. 30 ડીસેમ્બરે અમારા પુત્ર-પુત્રવધુ (પવન–સંઘમીત્રા)ને અમેરીકા–વીદેશગમન પ્રસંગે હાર્દીક શુભકામનાઓ પાઠવવા બદલ ખુબ ખુબ આભાર…
  –મણી અને ગોવીન્દ મારુ

  Like

 7. Keep writting!!!!
  Send C+P and Make sure Try to get permission prior to putting in your blog or publication!!!!

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s