ચિત્રકથા – હાલોને આપણાં મલકમાં


પ્રિય મિત્રો, નમસ્કાર. દેવદિવાળીની હાર્દિક શુભકામનાઓ.

ગિરનારની લીલી પરકમ્મા ચાલુ થઈ ગઈ છે. હવે તો સમય પ્રમાણે દેખાવ પણ બદલાયો છે. બાકી થોડા વર્ષો પહેલાં, અમારા એક શિક્ષક વર્ણન કરતાં તેમ, બસ સ્ટેશન રોડ પર;

માથે શંકુ આકારનાં પોટલાં અને હાથમાં જોડાં,

ભાતીગળ વેશ અને ટોળેટોળાં.

સમજી જવાનું કે પરકમ્માની શરૂઆત થઈ ગઈ છે ! (આજે પૂર્ણ પણ થઈ.)

પરિક્રમાર્થીઓ ભલે ગરવા ગિરનારની પરિક્રમા કરતાં, આપણે આજે કાંઠાળ બાજુ નીકળીએ. દિવાળી પછી ચાર-પાંચ દહાડા ’વતન’માં જવા મળે, દરિયાનાં દર્શન થાય, એટલે મનમાં પણ મોજનાં દરિયા ઉછળવા માંડે. અહીં એક આડવાત, આ અમે જનમભોમકાથી સો સવા સો કી.મી. છેટા હોઈએ, ઈ ની ઈ જ ભોમકા માથે હોઈએ, ઈ ના ઈ જ રાજ્યમાં, ઈ ના ઈ જ દેશમાં હોઈએ, તો પણ જનમ્યા હોયે ઈ ભોમકાને ’વતન’ કહીએ ! પર રાજ્યમાં વસતા મિત્રોને વળી ’ગુજરાત’ એટલે વતન અને પરદેશે બેઠેલા મિત્રોને તો વળી ’ભારત’ એટલે વતન. કેમેરાના વાઈડ એંગલની જેમ, દૂર જતા જઈએ એમ દૃષ્ટિફલક વિસ્તાર પામતું જાય. જો કે દિલની ભાવનામાં કોઈ ખોટ નહિ ! બસ સામાન્ય માનવસહજ ટેવ.

તો શરૂઆત કરીએ માંડવી (મગફળી)ના ઓળાથી. આમ તો મગફળીનો પાક લેવાઈ ગયો છે. ક્યાંક પાથરા પડ્યા છે તો ક્યાંક ઓપનરેથી કઢાઈને ઢગલા પણ થઈ ગયા છે. છતાં હજુ કોઈ કોઈ શોખીન ખેડુએ, ઓળા ખાવા ખવડાવા અર્થે, થોડાં ઝાડવાં લીલા રાખી મેલ્યા હોય. મે‘માન આવે તંયે શેકવા થાય ! સદ્‌નસીબે અમને પણ ઓળા ખાવાનો લહાવો મળી ગયો.

આ વર્ષે કોઈએ અગાઉથી સઘળા યજમાનોને જાણ કરી દીધી હોય કે કેમ પણ જ્યાં ગયા ત્યાં દૂધપાકનાં ભોજન જ પ્રાપ્ત થયા. જો કે દૂધપાક (એ પણ ઘરના દૂઝાણાનો) પણ અમારી પ્રિય વાનગી. પણ બેઉ ટંક અને ચારે દિવસ દૂધપાક ?! (અમને આ કાવતરામાં વિદેશી હાથ હોવાની પાક્કી શંકા છે !)

અંતે અમારા મનપસંદ ઠેકાણે, સમુદ્રકિનારે, પહોંચ્યા. દિવાળી આસપાસ અહીં દરિયો ઓટમાં હોય છે. સામાન્ય દિવસો કરતાં બસો ત્રણસો મીટર પાછો હટી જાય. સમુદ્રતળ ખુલ્લું પડે અને આડે દહાડે દૃષ્ટિગોચર ન થતી જીવ અને વનસ્પતી સૃષ્ટિ જોવા મળે. હંમેશા ભરદરિયો જોવા ટેવાયેલી આંખોને જો કે આ ઓટાયેલો દરિયો થોડો અસુંદર લાગે. શાંત પણ બહુ હોય. એક પણ મોજું ઉછળતું ન દેખાય. પણ એ સામે સૌથી મોટી મજા કિનારે કિનારે ચાલવાની. એક વહેલી સવારે, ૪-૩૦ વાગ્યે, ઊઠીને અમોએ ચાલવાનું શરૂ કર્યું તે છેક ૧૫ કિ.મી. દૂર ખાડીના કાંઠા સુધી (હર્ષદની ખાડી) ચાલી નાખ્યું ! ઘોર અંધકારમાં સમૂદ્રકિનારે, નિરવ શાંતિ અને માથે ટમટમતા તારોલીયાના સાનિધ્યે, બસ ચાલતા જ રહેવું. ચાલતા જ રહેવું. એ આલ્હાદક અનુભૂતિ છે. પગને આંખ હોવી એટલે શું એ ત્યાં સમજાય. ફોટોગ્રાફી શક્ય ન હતી, અમારા નાનકડા કેમેરાની નાનકડી ફ્લેશ એ અતિસુંદર અંધકારને કચકડે કંડારવા સમર્થ ના જ બને.

વાત નીકળી છે તો, વિદ્વાન મિત્રોને રસ પડે એમ માની, સૌરાષ્ટ્રના આ કાંઠાળ વિસ્તારમાં બોલાતા કેટલાક શબ્દોનો ઉલ્લેખ કરું. સમુદ્રમાં ઓટ હોય ત્યારે અહીં દરિયો “ઓર” કહેવાય અને ભરતી ટાણે “ભર”. સમૂદ્ર પરથી વાતો પવન “અવર” કહેવાય અને જમીન પરથી વાય ત્યારે “ભવર” કે “ભૂર”. (દિવાળી ટાણે મોટાભાગે “ભવર” જ વાય.)

અને હવે કેટલાંક વધુ ચિત્રોનો આનંદ માણો. જે ’આપણાં મલકમા’ મહાલતાં ઝપટે ચઢ્યાં !

જગતાતનો આવાસ.

વઢિયારો !

અને એક ભેંશ ભરોસાની ન હતી ! એટલે પાડી આવી !!

આવળ, અને અહીં આવળનાં ઔષધિય ગુણો વિશે માહિતી મળશે.

ભોંપાથરી કે ભોંયપાથરી કે ગળજીભી (સં:गोजिव्हा કે अधपातः કે खरपर्णिनी), (અં:Lisanusaur), (બોટનિકલ નામ:onosma bracteatum).
ઔષધીય ઉપયોગ

સાટોડી (સં: पुनर्नवा), (અં: Common Hogweed, red spiderling), (લેટિન નામ: Boerhaavia Diffusa)
એક હસવા જેવી વાત; હિન્દીમાં આને गधा कंद પણ કહે છે ! અને આપણી જાણીતી બુગનવેલની આ માસીયાઈ બહેન ગણાય !
જાણો ઔષધીય ગુણ.

ડાંડલીયો થોર. ખેતરની વાડ કરાય છે. (છે કોઈ પાસે વધુ માહિતી ?)

ઘાબુરી. રક્તપાત રોકવા માટેનું આ એક હાથવગું ઔષધ છે. સીમશેઢે કામ કરતાં ઘા વાગે અને રક્ત વહેવા માંડે એટલે આના પાન મસળી ઘા પર લગાવતાં રક્ત વહેવું બંધ થાય છે અને રૂઝ આવે છે. (કાશ જગતમાં ચાલતા નાહકના ભિષણ રક્તપાતને પણ રોકી શકતી હોત !)

અને અંતે; એક પ્રશ્ન આપ મિત્રોને. (અરે ભ‘ઈ અમે આટલું કષ્ટ લીધું તો થોડું આપ પણ લો !)

બુદ્ધિનો પ્રયોગ કરી નીચેનાં ચિત્રમાં દર્શાવેલી ગોળમટોળ વસ્તુ (વજન ૫-૭ kg)નું નામ જણાવો.  ધન્યવાદ.

“?”

30 responses to “ચિત્રકથા – હાલોને આપણાં મલકમાં

 1. ભરોંસાની ભેંસની પાડી આવી એ બદલ અભીનંદન……..

  બુદ્ધીના પ્રયોગો તો શાળા છોડ્યા સાથે સમાપ્ત થઈ ગયા છે….

  Like

 2. આ વર્ષે કોઈએ અગાઉથી સઘળા યજમાનોને જાણ કરી દીધી હોય કે કેમ પણ જ્યાં ગયા ત્યાં દૂધપાકનાં ભોજન જ પ્રાપ્ત થયા. જો કે દૂધપાક (એ પણ ઘરના દૂઝાણાનો) પણ અમારી પ્રિય વાનગી. પણ બેઉ ટંક અને ચારે દિવસ દૂધપાક ?! (અમને આ કાવતરામાં વિદેશી હાથ હોવાની પાક્કી શંકા છે !

  અશોકભાઈ, મને તો દેશી હાથ હોવાની શંકા છે. જે હાથ સાબિત કરવા માંગતા હોય કે, જાહેરાતમાં બતાવ્યા પ્રમાણે ગુજરાતનું બધું દૂધ બહાર વયું નથી જાતું! ગુજરાતીઓના પેટમાં પણ જાય છે.:D
  હવે તમારો દૂધપાક પીતો ફોટો ટીવી પરની જાહેરાતોમાં આવી જાય તો નવાઈ નહિ! 😀

  Like

  • આભાર યશવંતભાઈ.
   ખરું પકડ્યું !!! એમ તો, નજર હોય તો, અમો વખતો વખત, સામાન્ય માન્યતા (ધરાર ઠોકી બેસાડાતી !)થી ઉલટ, કૃષકોની સમૃદ્ધીનાં દર્શન પણ કરાવતા રહીએ છીએ. આજે જગતાત, જણાવાય છે એટલો, બાપડો બીચારો નથી રહ્યો. કંઈક સુશાસનપ્રભાવ હશે તો કંઈક કુદરતની કૃપા હશે. પણ સમૃદ્ધ તો થયો જ છે. ક્યાંક વ્યક્તીગત અપવાદ પણ હોઈ શકે પરંતુ અમ જેવા ગ્રામ્ય જીવન સાથે ઓતપ્રોત માણસને એટલું તો સમજાય આવે કે સમગ્રતયા વિકાસ તો થયો જ છે. અને એ વિકાસ પ્રકૃતિ અને માનવી, પ્રજા અને પ્રશાસન, તકનિકી અને પુરુષાર્થ, સૌના સહિયારા પ્રયાસે કરીને થયો છે. ગ્રામ્ય જીવનને હજુ ઘણી સમસ્યાઓ રહી હોઈ શકે, છતાં તેનોએ વિકાસ નથી જ થયો એમ તો કોઈ શાહમૃગ જ જણાવી શકે ! બાકી આંગણે બાંધેલી ભગરી ભેંસ (કે ગવરી ગાય)ને દોહીને એનાં શેડકઢાં દૂધનું પાન કરતાં કોણ રોકે છે ?! સિવાય કે એ દૂધના રોકડા કરી તમારે પયપાનને બદલે મયપાન (કે કોક-પેપનાં પાન !) કરવાં હોય !!!
   સુંદર પ્રતિભાવ. ધન્યવાદ.

   Like

   • અશોકભાઈ,
    આ તો આજકાલ જાહેરાતોનો મારો ચાલે છે એટલે ગમ્મત કરી લીધી. ખેતી, જમીન, પાક વગેરે મારો વિષય નહિ. પરંતુ ખેડૂત સમૃદ્ધ ઓય તો એ બધા માટે આનંદની વાત છે. હા, માત્ર જમીન વેચીને સમૃદ્ધ ન થાય પણ ખેતી દ્વારા જ સમૃદ્ધ થાય એવી લાગણી ખરી.
    માંડવીનાં ઓળા તો અમારા નસીબમાં ક્યાંથી? અહીં વડોદરામાં “માંડવી” દરવાજો છે. એના દર્શન કરીને મન મનાવીએ છીએ. 😀
    સૌરાષ્ટ્રમાં હતો ત્યારે ઓળા ખાવા જવાનો અનેરો આનદ માણવા મળતો હતો. સાવ અચાનક જ, માંડવીનાં ઓળા ખાવા જવાના એક બે પ્રસંગો મનમાં રમેં છે. જે બ્લૉગ પર મૂકીશ.
    ફરી એક વાર યાદ કરાવી દઉં. http://wp.me/phscX-1F6,

    Like

    • જો કે આપે ગમ્મત ગમ્મતમાં પણ સત્ય જ વદ્યું છે. ખેડૂતના દીકરા લેખે આપની સદ્‌ભાવનાને આંખમાથા પર ધરું છું. જગતનો તાત ખેતી દ્વારા જ સમૃદ્ધ થાય, આમિન !

     અને હા, અમારે ત્યાંથી ’ચોરેલો’ પાથરો ફરી યાદ કરાવવા બદલ આભાર ! વડોદરે આવશું ત્યારે એની કિંમત જરૂર વસુલીશું 🙂 ધન્યવાદ.

     Like

 3. 1} મને દૂધપાકના કાવતરા બહુ ગમે છે 😀 [ આ એક જ એવો પાક છે કે જે બારેય માસ લઇ શકાય 😉 ]

  2} પાડી તો ભારે રુ’પાડી’ 🙂 [ આ ચારેય બાજુ બધા “પાડા” જેવા થઈને ફરે છે , તે સારું થયું કે પાડી આય્વી 😉 ]

  3} છેલ્લે બતાવી એ ” દુધી ” ?

  Like

 4. તુંબડ દુધી !

  ન–ભરોસાની ભેંસને પાડી…તમે એમ જ લખ્યું છે ને ? (તમારો કૅમેરા જાણે ‘સાંભળી’ રહી છે !!)

  ‘ઓટાયેલો દરિયો’ બહુ મજાનો શબ્દપ્રયોગ કર્યો. દરીયો તો દીલ ભરીભરી માણ્યો છે. પણ પગની આંખવાળી વાતે તો અંધારઘેર્યો સાગરપટ તમારા શબ્દે શબ્દે પ્રગટ્યો. દરીયે ચાલતાં તે પગનો ને કીનારે તદ્દન બેઠ્યે કાનનો હોય છે. મને સૌથી વધુ તો દરીયો કાનનો વીષય જ લાગ્યો છે, ખાસ કરીને ‘ભર’માં. નમતી સાંજનો દરીયો ગમે તેવાનેય અધ્યાત્મની ઝાંખી કરવી દીયે. માનવી કેટલો વામણો છે એની અનુભુતી ત્યાં થાય.

  વનસ્પતીઓમાં મને બહુ જ ગમતાં ફુલોમાંની આવળ ! ગામડે જ્યારે જ્યારે ગયો છું ત્યારે એનું ફોટું લેવાનું મળ્યું જ નહોતું. આજે જોઈને આંતરડી ઠરી. સૌરાષ્ટ્રની ભુમીનું એ સોનું છે. હવે એ છોડ અદૃષ્ય થતા જાય છે. ચમારભાઈઓનો તો એ આધાર. ભુલતો ન હોઉં તો હાડકું સાંધવામાં એ સંજીવની જેવું કામ કરે.

  ને થોર વીશે કહું તો આ ડિંડલિયો થોર. હિન્દીમાં ખુરાસાની થૂહર કહે છે. ઝેરી દુધનો; કાંટા વગરનો; એનાં સ્વરસ અને ભસ્મ કામે લેવાય; ખાસ કરીને અસાધ્ય હડકવાના દરદીને આ થોર ઉકાળીને એક કપ રસ, અરધો કપ દહીં સાથે પીવડાવીને ઉલટીઝાડામાં બધું જ ઝેર કઢાવી નાખતા…ગળાની બળતરામાં પછી ઘી પીવડાવતા ! સાપનું, વીંછીનું ઝેર ઉતારવામાં, ખરજવામાં, સંધીવામાં અને કોઈક ઉધરસમાં પણ વપરાયાનું જણાય છે.

  પુનર્નવા પણ ભુલાતી જતી અમોઘ ઔષધી છે. એ દીવ્ય ઔષધી છે.

  Like

  • જુગલકાકા , દરિયાનું એક અલગ જ દ્રષ્ટિકોણથી રસપાન કરવું હોય તો , તાજી જ રીલીઝ થયેલી ” Life of Pi ” જોવાની મારી આપને નમ્ર વિનંતી છે . . આંખો માટે અમૃતની ગેરંટી અને કાન માટે વોરંટી હું આપું છું 🙂

   Like

  • શ્રી.જુ.ભાઈ, આભાર.
   ગામડામાં કહેવત છે ને, ’ભરોસાની ભેંસને પાડો જ આવે !’ અહીં પાડી આવી, એટલે ભેંસ ’ન-ભરોસા’ની જ થઈ ને !!

   ’તુંબડ દુધી’ એ આપના દ્વારા અમારા અલ્પજ્ઞાનમાં થયેલો વધારો છે અમો તો આને માત્ર ’દુધી’ જ કહેતા હતા. ડાંડલિયા થોર વિશે સુંદર અને ઉપયોગી માહિતી આપવા બદલ પણ ધન્યવાદ.

   ’દરીયો કાનનો વીષય જ લાગ્યો છે’ – ક્યા બ્બાત ! કદાચ એટલે જ આ ઋતુમાં શાંત પડેલો દરિયો અજાણ્યો અજાણ્યો લાગ્યો હશે.

   આવળ વિષયે આપની વેદનાએ યાદ અપાવ્યું. જો કે આપે તો આ મલકને મનભર માણ્યો છે. મને પણ યાદ છે કે હાઈવેની બંન્ને બાજુએ આવળનાં પીળાંચટાક ફૂલ ભરેલા છોડવાઓ, નાખી નજર પડે ત્યાં સુધી, દૃષ્ટીગોચર થતા. તેની એક ખાસ ફોરમ સમગ્ર પ્રવાસમાર્ગને તરબતર રાખતી. હવે તો જુનાણેથી પોર સુધીના સો-સવાસો કી.મી.ના મારગે એકાદ આવળ દેખાઈ આવે તો પણ ભાગ્યશાળી, બાકી તો નકરાં ગાંડાબાવળનો કબજો થઈ ગયો છે. ઘણું નવું જાણવા મળ્યું. આપનો હૃદય પૂર્વક ધન્યવાદ.

   Like

 5. દેવદિવાળીની શુભકામના…
  જય સ્વામિનારાયણ

  Like

 6. પ્રિય અશોક
  તેં દર્શાવેલ ચિત્રો જોઈ એમ થયું કે” હાલોને આપણાં વતનમાં ”
  આ મલકમાં લાંબા વાળ ધરાવતી સ્ત્રીઓ જોવા મળે ,પણ બીચ ઉપર જાઓ અને લેક જ્યોર્જ જેવા સરોવરે જાઓ કે જ્યાં દરેકને નગ્ન નાવાની છૂટ છે .
  તાર મનને ઈં થાય કે સાલો દેહ ભેગા થે જાઈયે
  લંબ વેણી પણ લાજું નઈ ટૂંકો અને વહરો વેહ
  “હિમ્મત ” હાલોને દેહમાં પડ્યો મુકો પરદેહ

  Like

  • ’લંબ વેણી પણ લાજું નઈ ટૂંકો અને વહરો વેહ
   “હિમ્મત ” હાલોને દેહમાં પડ્યો મુકો પરદેહ’ — વાહ !

   જો કે, અવિનય ન સમજો તો, આપે જણાવ્યા કારણને કારણે જ અહીંથી અમ જેવાને એમ થાય છે કે; હાલો પરદેશ ભેળા થઈ જાયેં ! 🙂 😉 આ તો વા‘લા આતાની જરાક ઠોળ્ય કીધી ! આતા હેવ કાર આવહો આપણાં મલકમાં ? વે‘લા વે‘લા પધારો.

   Like

   • વહરો ને ઠોળ્ય શબ્દો ઘણે વખતે હાંભર્યા. (અરે, આ હાંભર્યા લખ્યું તો બે શબ્દો બીજા યાદ આવ્યા બોલીભેદે એક ને છતાં નોખા એવા “સાંભળ્યા”નો ઉચ્ચાર સોરઠમાં “સાંભર્યા” કરાય છે ! સાંભળવું ને સાંભરવું બન્ને અર્થો સોરઠમાં એક જ ઉચ્ચારે મળે છે.

    દેહ–પરદેહમાં દેશ એ આપણો દેહ ! આપણા શરીરમનની ખેંચ રહે તે “દેશ”ને ઉચ્ચારે “દેહ” કહીને કેવો સાર્થક કરી દીધો છે !! પરદેહ એટલે બીજા લોકોનો દેહ (શરીર).

    Like

 7. વહાલા અશોકભાઈ,
  તમારા થકી તમારા મનપસંદ અને લંગોટીયામીત્ર શ્રી. શકીલએહમદ મુનશીની મીત્રતા ગઈ કાલે માણી… એટલું જ નહીં મીઠડા અને ખુબ જ પ્રેમાળ મીત્ર શ્રી. મુર્તઝા પટેલ બન્નેને મળીને હું તો ધન્ય થયો… ધન્યવાદ.

  Like

 8. શ્રીમાન. અશોકભાઈ

  ખુબ જ સરસ સાહેબ

  ઘાબુરી.નો ઉપયોગથી હું ખુબ જ પ્રભાવિત થઈ ગયો.

  આમ, જ ગુજરાતી સમાજની સેવા કરતા રહો.

  Like

 9. શ્રી અશોકભાઈ

  ધરાની મહેક આપની બ્લોગ પોષ્ટમાં માણવા મળી. આપની કલમ એક એક ડગલે , ઘર , વગડો ને

  દરિયાની દરિયા દિલી થી છલકી. આપની’ આકાશદીપ’ ની મુલાકાત માટે આભાર અને આપના આ પોતિકાપણાથી

  વહેતા નિર્મળ ઝરણા જેવા બ્લોગ પરની વાતો અસર કરી ગઈ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 10. વહાલા અશોક
  તારી લખવાની આવડત ફોટા દેખાડવાની રીત મન મોહક છે .પાડી નો ફોટો જોયો મારા ભાઈ પ્રભાશંકરની વહુ (ગોરી મઢમ )એલિઝાબેથને પાડી બેહદ ગમે છે .તેં એક ફળ દેખાડીને તેનું નામ પૂછ્યું તો ખોટો પડું તો ભલે પડું પણ કહીતો દઉં એ ગા વહુક્ડું તો નઈ ?
  દિકરા દેહમાં તો મને તું તેડાવસ અને આતાને દૂધપાકનું રજવાડી ભોજન કરાવવાની તુને ઈચ્છા પણ હોય .પણ તારી આ ઈચ્છા કદાચ સફળ નો થાય કેમકે હું દૂધ કે તેમાંથી બનતી કોઈ વસ્તુ બેક વરસથી નથી ખાતો .એટલે “ભામણ ને વાલા લાડવા “પણ નહિ ખાઉં
  ભાઈ અને ઈની મઢમ ભડ ગાં તેદુ ગામનો સરપંચ મેર હુંતો ઇનીએ ઇનીએ

  Like

 11. અમન તેડાવ્યા કોકના ખેતરે ફરવા લેગો (આ વાત ચાલીસેક વરસ પહેલાની છે ))માંડવીના ઓળા ખવડાવ્યા .મઢમ તાં ઈવી રાજી થે ગી કે ઇણી વાત નઈ મીતાં ઈને વરે જુલુ વાળા બરધુ જોડાવેને ગાડે બેસાડી .એક ઠેકાણે ઈણે હાંઢીયા ગાડે બેસાડી કુંઢલાં હિંગડા વારી ભીહ ની સવારી કરાવી .
  શાકીલની મેમાન ગતિના વખાણ સાંભળી મારે એની મેમાન ગતિ માણવી પડશે

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s