મૂડી અને મસા !


નમસ્કાર મિત્રો,
વચ્ચે એક રિબ્લૉગીંગ થયું એ બાદ કરતાં ઘણો વિરામ થયો ! મૂડી માણસોનું આવું જ હોય.

’મૂડી’ ન મળે પાસ તોયે, ’મૂડી’ રહેવાનું ખાસ;

’મૂડી’ નીચી ન  કરો, ભલે બૂડી જાય આસ. 

(અસોકભાઈ, આવા (ક)મેળ નો ચાલે !)

આ “મૂડી”માં કશું પલ્લે ન પડે તો નિઃસંકોચ શબ્દકોશનો સહારો લેવો. કેમ કે, અમે લીધો તો બહુ મેળ બેસી ગયો ! જુઓ આ એક મૂડી તો આપણું અંગ્રેજીનું છે;

* Moody = mood·y/ˈmo͞odē/ = (of a person) Given to unpredictable changes of mood, esp. sudden bouts of gloominess or sullenness.
Giving an impression of melancholy or mystery.

બીજું ’મૂડી’ અર્થશાસ્ત્રમાં મળશે (જે અમ જેવાના ખીસાઓમાં ભાગ્યે જ મળે !)

* મૂડી = સંપત્તિ; દ્રવ્ય; ગરથ. વેપારઉદ્યોગમાં રોકાતી થાપણ; પૂંજી; ભંડોળ; મૂળ ધન; મુદ્દલ; વેપારમાં નાખેલ નાણાં. સામાન્ય રીતે લોકો ઘરમાં પડેલી રોકડ રકમ અથવા વસ્તુઓને મૂડીમાં ગણે છે; પણ અર્થશાસ્ત્રમાં જે સંકુચિત અર્થમાં આ શબ્દ વપરાય છે તે અર્થમાં જે ધન નવું ધન પેદા કરવાના કાર્યમાં વપરાતું હોય તેને મૂડી કહે છે. 

અને ત્રીજું  ’મૂડી’  પણ વળી ભગોમં પર છે જ;

* મૂડી = મોં; મુખ; માથાનો ભાગ. બોચી; ગરદન; ગળચી. વ.વ. (વધુ માટે)

તો, આ ત્રણે “મૂડી” અહીં સંકળાયેલી છે.  માંડીને વાત કરું ?!

છેલ્લા થોડા માસથી, કદાચ ખાનપાનના ઢઢાને કારણે જ,  ’મૂડી’ ઉપર નાના નાના ’મસા’ (warts) થયા.  શરૂઆતમાં ગંભીરતાથી ન લીધા તો માળા બેટા વકર્યા ! વિદ્વાનો કંઈ અમથા કહી ગયા કે; રોગ અને શત્રુને ઊગતા ડામવા સારા. નકર્ય આમ વકરી જ જાય ! વકર્યા તો વકર્યા પણ આ તો માળા માથે ચઢીને વકર્યા ! નાકનાં ફોયણાંઓ આસપાસના મસાઓએ તો આબરૂનાં ધજાગરા કરી નાખ્યા. હવે કંઈ ગળામાં પાટિયું પરોવીને તો ફરાય નહિ કે, ’ભાઈ (કે બેન) ! ઈ તમે હમજો છો ઈ નથી, મસા છે !’ પછી તો માળા દૂકાને દૂકાને માગવા ફરતા માગણુયે અમને ઈના ગંધાતા રૂમાલુ લંબાવવા મંડ્યા, કે શેઠ જરાક નાક સાફ કરી લ્યો ! આમાં અમારે નીચી મૂડીએ ફરવાના વારા આવ્યા ! પછી, મરતા ક્યા ન કરતા ? (આ શબ્દપ્રયોગ હમણાં હમણાં બહુ સંભળાયો એવું લાગે છે ને !) શરૂઆત જેટલાં માથા એટલા ઉપચારોથી થઈ, ઘણાં જાણીતા, અજાણ્યા ઉપચારો અજમાવ્યા, પણ આવડા આઓ પણ જાણે અમે ઈની હારે જ સપ્તપદી માંડી હોય એમ ’જનમ જનમ કા સાથ હે….’ નો રાગ આલાપીને બેઠા. બે મટે ત્યાં ચાર નવા થાય. ગજવેથી થોડીક મૂડી આમ અવનવા અખતરાઓમાં ઘસાણી પછી થોડીક દાગતરોએ અખતરા કરીને ઘસી ! એવું નથી કે દરેક ઉપાય નિષ્ફળ જ જતો, પણ  આગળ કહ્યું ને તેમ એક જાયને બે આવે, રોગ જડમૂળમાંથી નો‘તો જતો. આમ અંતે અમારો મૂડ બગડ્યો અને અમે ’ભારે મૂડી’ સાથે  ’બેમૂડી’ પણ થયા !

અંતે એક વિદ્વાન દાકતરે અને કેટલાક વિદ્વાન લોકોએ પણ સલાહ આપી કે, આટલું કર્યું તો ભેગાભેગ આયુર્વેદમાં પણ અજમાયેશ કરો. અમારે ત્યાં તો બહુ વિશાળ, સાધન સંપન્ન, અત્યાધુનિક આયુર્વેદ અસ્પતાલ  છે. ત્યાં વિદ્વાન અને વળી સેવાભાવી વૈદ્યો પણ છે. અને સૌથી મહત્વની (મારા જેવા માટે !) વાત વળી એ કે, એક પૈસાના ખર્ચ વગર સારવાર મળે છે. પણ જ્યાં સુધી ખીસેથી થોડી મૂડી ઘસાય નહિ ત્યાં સુધી મૂડ ન આવે ને ! હવે ટૂંકું કરું !!! (આભાર ! અસોકભ‘ઈ)

ત્યાંના આયુર્વેદાચાર્યોએ નિદાન કર્યું કે; શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે, પિત્તપ્રકોપ ઘટે, ખાનપાનની પરેજી પળાય એટલે આ રોગ સાથે તમારા છૂટાછેડા નિશ્ચિત છે.  જો શરીરે થોડી બળતરા સહેવાની તૈયારી હોય તો હાલ બહુ મોટા થયેલા અને વળી અમારા રૂપાળા (!) ચહેરાને કુરૂપતા બક્ષતા મસાઓને ’અગ્નિ કર્મ’ વડે હટાવવા અને બાકીના નાના નાના મસાઓને ખાનપાનની પરેજી અને એક બહુ જ સામાન્ય (પણ સરદાર જેવા અસરદાર) ઔષધપ્રયોગ વડે નેસ્તોનાબુદ કરવા. હવે, બળતરાઓ કરવામાં તો અમે પરથમથી જ એક્કા છીએ ! તે અગ્નિકર્મ વડે મોં અને નાક પરથી મસાઓ હટાવાયા. (આમાં શબ્દશઃ મસાઓને જડમૂળથી બાળવામાં આવે છે, જો કે હવે આયુર્વેદિક ચિકિત્સાને આધુનિક સાધનનો બાધ નથી એટલે આગને બદલે ઈલેક્ટ્રીક કરંટનો ઉપયોગ થાય છે. જો કે વાત તો એક જ કે, “બાળવું”) એમાં વળી કોઈ કારણે, નાકને બાદ કરતાં, લોકલ એનેસ્થેસિયાનો ઉપયોગ કરવાનું ટાળી અને સભાનવસ્થામાં જ, જ્યાં બાળવાનું હોય ત્યાં પણ ખોટું પાડ્યા વગર, આ અગ્નિકર્મ કરવાનું નક્કી કરાયું એટલે “મજા” પણ બહુ આવી ! (જો કે અમ ઈલેક્ટ્રીશિયનોને તણખા, ભડકા, ઝટકા અને કરંટો સાથે ધંધાદારી નાતો હોય એટલે ખાસ કશું અજાણ્યું ન લાગ્યું !)

પણ વૈદ્યોની ટુકડી બાળવામાં ઘણી નિષ્ણાંત હતી, બહુ જ ચોક્કસાઈભેર અને સુંદરતાને પણ ધ્યાનમાં રાખી કામ કર્યું. આ દાઝ્યાના ડામો પર નાળિયેરનું તેલ (કોપરેલ) અને હળદર મેળવી, એ પેસ્ટ પંદરેક દહાડા દિવસમાં બે-ત્રણ વખત લગાવવી એવું કહેવાયું. આમ અમોના શરીરે બીજી વખત પીઠી ચઢી ! ગામને જોણું થયું અને અમારે રોજનું ધોણું થયું !! (ઈ તેલ ને હળદરની પીળાશ બાપી મુકે ?! સાચું માનજો, બધાં ટીશર્ટ અને રૂમાલો હજુ પણ પીળાને પીળા જ દેખાય છે !) બાકી રહેલા મસાઓ અને મસા થવાના કારણનો જડમૂળથી નાશ કરવા માટે સૌ પ્રથમ તો સાત દહાડા ભાત, બટાટા, વાલ, મગફળી, રીંગણ એવું ઘણું ઘણું સાવ બંધ કરાવ્યું. અને ઔષધમાં એકમાત્ર…

Bhoamali (Phyllanthus niruri)ભોંઆમલી (Phyllanthus niruri)નો રસ, એકાદ પણી જેટલી ભોંઆમલીને (આખો રોપ જ) સાંજની પડેલી અડધી વાટકી ખાટી છાશમાં વાટી, કપડાથી નીચોવી અને તે તાજો રસ સવારે નરણાં કોઠે ટટકારી જવાનો. ભોંઆમલી એ એક પ્રકારનું ઘાસ છે. આમલી જેવા પાન અને દેખાવ. પણ માંડ વેંત-બે વેંત ઊંચો રોપ થાય. સ્વાદમાં કડવો પણ અસરમાં મીઠો ! તેના વિશે વધુ વિગત વિકિ મહારાજ પાસે છે.  (અહીં વાંચો)

આ સ્વાનુભવ છે. માત્ર દશ દહાડા પછી શરીર પર રહેલા તમામ મસાઓ પ્રથમ રાતાચોળ થયા. પછી રસી ભરાયા હોય તેવા પીળાશ પડતા થયા. બે દહાડા ખંજવાળ પણ બહુ આવી. જો કે ખંજવાળવાની મનાઈ હતી. પણ પછી એકદમ સુકાઈ ગયા. અને પછી એ પોપડીઓ ખરી ગઈ. પેલા બાળવામાં આવ્યા એ મસાઓની જગ્યાએ પણ હવે તો બહુ જ આછા ડાઘ રહ્યા છે (એક માસ પછી). એ પણ બીજા એક માસમાં અદૃશ્ય થઈ જશે એવું જણાય છે. અને આ ભોંઆમલીએ જેને ભોં ભેગા કરી દીધા એ તો બીચાડા પાછળ પોતાનું નિશાન છોડવાએ ન રોકાણા ! ઈન શોર્ટ, હવે મારો ચહેરો પ્રથમ કરતાંયે વધુ દર્શનીય બન્યો ! (પ્રથમ કરતાં એટલે આ મસાઓએ આક્રમણ કર્યું એ પહેલાં કરતાંયે !!)  કહે છે ને, સૌ ભલું જેનો અંત ભલો. પણ ઉપર જણાવ્યું તેમ, આ સ્વાનુભવ છે. માત્ર માર્ગદર્શક છે. આવી કોઈ સ્થિતિ આવી ઊભે તો પ્રથમ નિષ્ણાત દાક્તર કે વૈદ્યની સલાહ જરૂર લેવી. આયુર્વેદ પાસે આવા રોગોને જડમૂળથી કાઢવાના ઉપાયો છે, ધીરજ અને શ્રદ્ધા હોય તો એનું શરણું લેવું. મૂડ, મૂડી અને મૂડી સઘળું ઉન્નત થશે. અન્યથા સૌ પોતાની મૂડીના માલિક છે.  ફાવે તેમ હલાવે ! ફાવે તેમ વાપરે !  ધન્યવાદ.

(આ ’બળતરા’ના દિવસોમાં, રૂબરૂ અને ફોન તથા મેઈલ દ્વારા અમોને ઠંડક પહોંચાડનારા સૌ “જાણકાર” મિત્રોનો અહીંથી જાહેર આભાર અને જે મિત્રોને “જાણકારી” નહોતી મળી તેમણે કૃપયા મોટું મન રાખી એટલી તો ધરપત રાખવી જ કે આ બે માસ અમોએ પડ્યા પડ્યા આપ સૌને જ યાદ કર્યા  છે ! અને એથી કરીને અમારી બળતરા કંઈક ઓછી થઈ છે !!!)

27 responses to “મૂડી અને મસા !

  1. ભો આંબલી વિષે આજેજ જાણ્યું .ઘણી આયુર્વૈદિક દવાઓ સસ્તી અને અસરકારક હોય છે .માહિતી આપવા બદલ આભાર

    Like

  2. દીવાસળીની પેટી, અગ્ની કે ભુમી સંસ્કારને વાંચે સમય થઈ ગયો.

    સીધા મુડી મસા ઉપર ઉતરી આવ્યા.

    આ દીવાળીના અંધારા ઉલેચવા એમાં પણ અગ્ની કર્મ કામ આવ્યો એટલે જય અગ્નીનો….

    Like

  3. ભજિયાંપાર્ટીઓ ઓછી કરતા હો તો!
    ચાલો, હવે જાળવજો.

    Like

  4. શ્રી અશોકભાઈ,

    તમારા વિસ્તારમાં ક્યાંય સાટોડીના વેલા થાય છે? અથવા તો સાટોડીના વેલાનો અર્ક ક્યાંયથી મળે તેમ હોય તો અનુકુળતાએ તપાસ કરીને જણાવવા વિનંતી.

    Like

    • આભાર અતુલભાઈ,
      હું તપાસ કરીને જણાવીશ.

      Like

    • મેં થોડી તપાસ કરી. અહીં તો હજુ ધ્યાને નથી આવ્યું પરંતુ અમારે દરીયા કિનારા પાસે આ સાટોડી કે પૂનર્નવા કે red spiderling (આને કદાચ ’રાતી સાટોડી’ એવા નામે ઓળખવામાં આવે છે.)નાં વેલાઓ વિશાળ પ્રમાણમાં થાય છે. ઓછા વરસાદના સમયમાં કે ચારાની અપૂરતી ઉપલબ્ધીના સમયે દરીયાકાંઠેથી લાવી એના વેલાઓ ઢોરને ચારા તરીકે પણ નિરવામાં આવે છે. તેનાં પાનનું સ્વાદિષ્ટ શાક પણ બને અને ભજિયા પણ (વળી ભજિયા !!) બને છે, એવું મને ગામડેથી જણાવાયું છે. અર્ક માટે તપાસ કરીશ. કદાચ આયુર્વેદિક ઔષધોનાં કેન્દ્ર પર મળી આવે. હાલ આ ઔષધીય વનસ્પતિ વિષયે થોડી જાણકારી વિકિમહારાજ પાસેથી મળી શકે છે.
      * http://en.wikipedia.org/wiki/Boerhavia_diffusa

      Like

      • શ્રી અશોકભાઈ,

        મને પરમાત્માનંદજીએ કહ્યું હતું કે તેમને જાણવા મળ્યાં પ્રમાણે સાટોડીનો અર્ક આંખમાં આંજવાથી આંખના રોગોને અટકાવવામાં ઉપયોગી થાય છે. વિકિમહારાજની માહિતિ મુજબ મધુપ્રમેહમાં પણ તે ઉપયોગી છે. આ ઉપરાંત પણ તેના બીજા ઉપયોગો વિકિમહારાજ વર્ણવે છે. આપના પ્રયાસ માટે આભાર. હું અહીં તપાસમાં છું જો કે હજુ મળ્યો નથી.

        Like

      • વળી ભજિયા !!

        ભાઈ,

        મને હવે ખાન પાનમાં રસ રહ્યો નથી. અયોગ્ય ખાન પાન અને રહેણી કરણીથી ઘણાં માઠા ફળ ભોગવી ચૂક્યો છું. હવે તો આરોગ્ય અને ઔષધની તપાસમાં રહેવાનો કાળ શરુ થયો છે. આ એકરાર એટલે કરું છું કે આવનારી પેઢી જાત અનુભવને બદલે બીજાના અનુભવથી શીખે તો તે તેમને વિશેષ લાભકારક થાય.

        Like

  5. વહાલા અશોકભાઈ,
    મસાઓના આક્રમણ પહેલાં તમારો ચહેરો હતો તેનાથી પણ વધુ દર્શનીય ચહેરો બન્યો તે માટે ભોંઆમલી અને આયુર્વેદીક ચીકીત્સકોને અઢળક ધન્યવાદ… પણ મારા ભાઈ, ખાનપાનના ઢઢાની આચાર સંહીતાનો અમલ જાળવજો. ફાવે તેમ હલાવે નો રાખતા !!!

    Like

  6. અશોક”જી”,
    કુછ પાને[ખાને] કે લીયે કુછ ખોના[સહેના] ભી પડતા હૈ !
    મારવાડી ને મજા આવી !
    ખબર કાઢવા આવું છું દિવાળી એ ! જોઇએ બીજી પીઠી ચોળ્યા પછી મોઢું કેવું ચમકે છે !!

    Like

  7. અમ ઈલેક્ટ્રીશિયનો…
    સમજાવજો . હું પણ એ જ નાતનો .
    —————-
    બાકી ભજિયા પાર્ટી બંધ કરો તો નવા વરસમાં કરજો ! બામણને ન ભજિયો નો રાખતા!!

    Like

    • સુરેશદાદા,
      તમીં ડિગ્રી વાળા, અધિકૃત ’વિજળીવાલા’ ને અમ ડિગ્રી વગરનાં, ઝટકે ઝટકે જ્ઞાન પ્રાપ્ત કરેલા, ’વિજળીવાલા’ ! ૨૫ વરહથી વિજળીના સાધનુ વેંચીયે અને રીપેર કરીએ છીએ. હાલ ચૂંટણીની મૌસમ એટલે ઈ ભાષામાં કહીએ તો અમેય ’સમાજ સેવક’ ! જનતાનાં ઘરનાં અંધારા ઉલેચી અજવાળાં કરીએ. ગરમીમાં ત્રસ્ત થતી જનતાને માથે પંખા ફેરવી ટાઢા વાયરા વાયે. બાયુને ખાંડણીયે ખંડાતી છોડાવીને મીક્ષરુ ને બ્લેન્ડરુ પકડાવીએ ! ને પાછું આ સેવાનું અમારૂં બીલ ’ઓલા’ સેવકુ કરતાં હજારો-લાખો ગણું ઓછું હોય !!

      અને ભજિયા ! ક્યે છે કે લાડવા ભેગા ભજિયા ખાયે તો ન નડે ! પધારો. વેલકમ.

      Like

  8. શ્રી અશોકભાઈ,

    આપની વાત સાવ સાચી છે, મારા ભાઇને પણ નાક પાસે જ એક માસો થયેલ, ગામ આખુ જોઇ ને કહે ” દિવ્યેશ ભાઇ, તમારા નાક પાસે ગૂઁગો ચોટેલ છે, સાફ કરો “. આખા ગામની સલાહ સાંભળી સાંભળી છેવટે અગ્નિકર્મ વડે તેને આવજો કહ્યુઁ. આપની વેદના વાંચી આનંદ નથી થયો પણ આ વાત વાંચી, જૂની વાતો યાદ કરી આનંદ થયો.

    Like

  9. શ્રી અશોકભાઈ,

    આયુર્વેદ પાસે રોગોને જડમૂળથી કાઢવાના ઉપાયો છે, ધીરજ અને શ્રદ્ધા હોય તો એનું શરણું લેવું. મૂડ, મૂડી અને મૂડી સઘળું ઉન્નત થશે. અન્યથા સૌ પોતાની મૂડીના માલિક છે. ફાવે તેમ હલાવે ! ફાવે તેમ વાપરે !
    શ્રદ્ધા હોય પણ સાથે ઘીરજ બહુ જરૂરી છે અને ખાસ તો તમારી શ્રદ્ધા અને ધીરજ ને કોઈ ડગાવી ના દે તે પણ જરૂરી છે. જીવનમાં દરેક વસ્તુમાં ઝડપ આવી ગઈ છે તેવા સમયમાં ઈલાજ પણ ઝડપી જોઈએ છે પરંતુ આજકાલના ખાનપાનની બેદરકારીને થતા રોગોમાં ઝડપી ચિકિત્સા પદ્ધતિથી રોગોને દબાવી દેવામાં આવે છે તેનો જડમૂ ળથી ઈલાજ થતો નથી ત્યારે આયુર્વેદ વધુ અસરકારક રહે છે,
    આયુર્વેદમાં વિશ્વાસ અને ધીરજને લીધે ઘણા ફાયદા આજસુધીમાં મેળવ્યા છે . થોડા સમય પહેલા જ સતત આઠ થી દસ મહિનાની ધીરજથી પિત્ત પ્રકોપથી થયેલ એલર્જીમાં અસરકારક પરીણામ મેળવ્યું . દવા સાથે ખોરાકની પરેજી બહુ મહત્વની છે.ઝડપી ચિકિત્સા મારા શરીરને માફક નથી આવતી તે દવાને કારણે આખો દિવસ ઊંઘ આવ્યા કરતી અને નિષ્ણાતે કહ્યું કે ઓછા પવારની દવા છે કાયમ લેતા રહેવાનું જ. આજે આયુર્વેદના ઉપચારથી સંપૂર્ણ રાહત થઇ છે માત્ર તમારી જેમાં રીબ્લોગીગ શરૂ થઇ શક્યું નથી.

    Like

    • શ્રી મિતાબહેન,

      રી-બ્લોગિંગ શરુ શા માટે નથી કરતાં? કોમેન્ટ લખવી તે પણ એક જાતની પોસ્ટ લખવા જેવું છે. આપ કોમેન્ટ લખવાનુ શરુ કરી શક્યા તો પોસ્ટ પણ જરુર લખી શકશો. દિવાળી પહેલાથી લખવાનું શરુ કરી દ્યો નવા વર્ષમાં તો આપનો બ્લોગ પુન: પુરપાટ દોડતો થઈ જશે.

      વણમાંગી સલાહ અપાઈ ગઈ હોય તો દરગુજર કરશો 🙂

      પડી ટેવ તે ટળે કેમ ટાળી?

      Like

    • શ્રી મિતાબહેન, આભાર.
      સાચું કહ્યું, ઉપચારમાં ધીરજ અને ખાનપાનની પરેજી બહુ (કદાચ સૌથી વધુ) જરૂરી છે. જો કે અમુક પ્રકારના રોગોમાં આધૂનિક ચિકિત્સા વધુ યોગ્ય હોય છે, કારગર પણ હોય છે, અને જરૂરી પણ હોય છે. પરંતુ ઘણાંખરા સામાન્ય અને હઠીલા દરદોમાં, ધીરજપૂર્વકની, આયુર્વેદીક કે એ પ્રકારની પરંપરાગત સારવાર લાંબાગાળાનો ફાયદો આપતી જણાય છે. હવે તો આપણી પાસે વિવિધ ચિકિત્સાપદ્ધત્તિઓ ઉપલબ્ધ છે તો તેની યોગ્યતા, આપણા શરીરની પ્રકૃત્તિ વગેરે સમજી અને યોગ્ય સારવાર કરાવવી એ જ બુદ્ધિમાની છે. આપ અસ્વસ્થ હતા તે જાણમાં ન હતું, અન્યથા આપનાં આરોગ્ય વિષયે ખબર અંતર કાઢવા એ અમ સાથી મિત્રોની ફરજમાં આવે છે. આપની સ્વસ્થતા જળવાઈ રહે તેવી હાર્દિક શુભકામના પાઠવીએ છીએ.

      અને અતુલભાઈ સાથે સહમત થતાં (અને સાથે ’વણમાંગી સલાહ’ આપવાની ચેષ્ટા કરતાં) અમો પણ આશા કરીએ છીએ કે નવવર્ષમાં આપનાં સુંદર અને વિચારવંત લેખો અમ સૌને માણવા મળે. ધન્યવાદ.

      Like

      • શ્રી અશોકભાઈ અને શ્રી અતુલભાઈ,
        આપની શુભકામના અને સલાહ માટે આભાર ( જો કે હું તેને વણમાગી નથી ગણતી, પરંતુ સલાહ માટે કાબેલ છું તેનો આનંદ થયો)
        પણ મૂડી માણસોનું આવું જ હોય તે મનેય લાગુ પડે છે। બસ મૂડ આવી જાય એટલે લખવાનું શરુ કરવું જ છે। અને વિરામનો સમય પણ ઘણો લાંબો થવાથી નવેસરથી શરુઆત જેવું જ લાગે છે।
        હમણાં તો દિવાળીના તહેવારો અને લગ્નની સીઝન માણવાથી કેટલો સમય ફાળવી શકાય છે તેના પર આધાર છે।

        Like

        • શ્રી મિતાબહેન,

          તમારી કાબેલીયત પર મને તો ક્યારેય શંકા નથી થઈ. આપ સારુ લખી જ શકો છો. અનુકુળતાએ લખજો, બસ લખવાનું શરુ કરવાનું વિચારો છો તે જાણીને આનંદ થયો.

          દીપાવલી અને નવા વર્ષની આપને અને અશોકભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ…..

          Like

  10. હું મુંબઈમાં હતો ત્યારે આયુર્વેદની ઘણી વખત દવા કરી હતી અને તેનાથી ફાયદો પણ ઘણો થતો, પણ અહીં અમેરીકામાં આાવ્યા પછી આયુર્વેદનો લાભ નથી મળતો તેનો બહુ અફસોસ થાય છે. તમારી વાત સાચી છે, ધીરજ રાખીને આયુર્વેદની દવા કરવાથી ફાયદો ચોક્કસ થાય છે.

    દીપાવલી અને નવા વર્ષની આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ…..

    Like

  11. પ્રિય અશોક
    જડી બુટ્ટીઓમાં પણ બહુ જાદુઈ અસર હોય છે એવું જાણવા મળે છે.એક કુંવાર ના લેબાના અનુભવ ની વાત ટુકમાં કહીશ .હું પાંચેક વરસનો હઈશ ત્યારે બંધુકના દારૂથી મારું મોઢું આખું કપાળથી દાઢી સુધી સખત દાજી ગએલું , જે કુંવારના લેબાએ રુજવી દીધું। હાલ એની કોઈ નિશાની નથી .
    આપણી બાજુ ચોમાસાની ઋતુમાં મામેજવો ,શેદરડી ,બગેરે ઉગે છે .એને પણ ઓષધ તરેકે લોકો વાપરતા હોય છે.
    અહિ એરિઝોનામાં આપણી ઘણી વસ્તુ ઉગી શકે જો વાવી હોયતો .અહી ઘણા દેશી ભાઈઓને ઘરે મીઠો લીમડો .સરઘવો વગેરે હોય છે .હું મારા બેક યાર્ડમાં કેરડો ,પીલુડી .તલબાવરડી .આવળ .વગેરે વાવવા માંગુ છું .મને ઉપલેટા વાળા રાજ્સીએ બીલીનાં થોડાં બી મોકલેલા પણ ઉગ્યા નહિ.
    તારું વિગતવાર લખાણ મને બહુ ગમે છે. આતાના રામ રામ
    સૌ નું નવું વરસ સુખાકારી નીવડે એવી શુભેચ્છાઓ

    Like

Leave a comment