એક માન્યતા – જે ખોટી ઠરી !


મિત્રો, નમસ્કાર.
આપ અમારા નવા મહેમાન, બિલાડીના બચ્ચાથી, તો પરિચિત છો જ. તે ૨૩-૮-૧૨ના રોજ અવતર્યું. અને તે પછી લગભગ ૧૪ દહાડે તેમણે આંખો ખોલી. જો કે હજુ ચાલતા શીખ્યું નથી. ડગુમગુ ડગુમગુ ઘસડાઈને બે-ચાર ફીટ ફરી લે તેને ચાલ્યું કહો તો ચાલે ! એ આમ તો હજુ બચ્ચું જ કહેવાય તે છતાં તેમણે ’માન્યતાઓ’ સામે જંગ ખેલી નાખ્યો ! (બોલો ! અમારે ત્યાં તો હજુ ચાલતા પણ ન શીખેલાં એવા બિલાડીના બચ્ચાઓ પણ આવા, મોટા મોટા સમાજ સુધારકો જેવા, જંગ ખેલી કાઢે છે !!) તો સૌ પ્રથમ એ માન્યતા.

સઘળેથી એમ જ સાંભળતા હતાં કે બિલાડી પોતાના બચ્ચાને લઈ સાત ઘર ન ફરે ત્યાં સુધી બચ્ચાની આંખો ખુલતી નથી. પણ અહીં બિલાડીએ સ્વેચ્છાએ જ ધામો નાખ્યો છે, હજુ નાખી રાખ્યો છે. બરાબર ૧૪ દહાડે, બીજું ઘર તો ઠીક, બીજા ઓરડાનો પણ પ્રવાસ ખેડ્યા વિના, બચ્ચાએ કાળી કાળી, ગોળમટોળ, લીંબુની ફાડ્ય જેવી આંખો ખોલી. અને અમ સૌ સ્નેહીજનોના ધરાઈ ને દર્શન કર્યા ! (અને અમે સૌ એ આંખો પર વારી ગયા તે ગણગણ્યા…’યે આંખે દેખ કર હમ સારી દુનિયા….’)

પણ બિલાડીએ અને એના બચ્ચાએ આ નાનકડાં કૃત્ય દ્વારા એક મોટી બધી માન્યતાના ભૂક્કા બોલાવ્યા એ મહત્વની વાત છે. જો કે ઘરમાં સલામત રહેતી બિલાડીને બદલે ક્યાંક શેરી કે વગડામાં, અસલામત રહેતી બિલાડી, સલામતીના કારણોસર વારંવાર જગ્યા બદલી કરતી હોય તે બનવા જોગ છે. હવે બચ્ચાની આંખ ૧૪ દહાડે ખુલતી હોય અને બિલાડી દર બે દહાડે સલામતી ખાતર સ્થાન બદલો કરતી હોય તો એકંદરે તેણે સાત સ્થાન બદલવા પડે. આમ આ ઘટનાક્રમ ચાલતો જોનારના મનમાં બહુધા આ સાત ઘર વાળી માન્યતા ઘર કરી જાય તેમાં પણ કશી નવાઈ નહિ. પણ સરવાળે એ છે તો એક માન્યતા જ. આપણાં મુ.શ્રી.દીપકભાઈનાં પેગડામાં પગ ઘાલી અને કહેવા પ્રયત્ન કરું તો; ’બિલાડી તેના બચ્ચાને લઈ સાત ઘર ફરી પછી બચ્ચાની આંખો ખુલી તે વાત સાચી હોઈ શકે. પરંતુ બચ્ચાની આંખો ખુલી છે અર્થાત્ બિલાડી તેને લઈ સાત ઘર ફરી જ હશે, એ માત્ર માન્યતા પણ હોય !’

આ અગાઉ એક વાતમાં મેં મુ.આતાશ્રીને નમ્રતાથી પ્રશ્ન કરેલો કે, બિલાડીના પેટમાં ખીર ન ટકે તેવી એક માન્યતા બહુ પ્રચલિત છે, તે સાચી કે ખોટી ? તો આતાએ બહુ પ્રેમથી પાટે ચઢાવેલો કે; ’દીકરા, કો‘ક ‘દિ બિલાડીને ખીરનો વાટકો ધર તો ખબર પડે ને !!’ અને આપણાં વિદ્વાન ચિંતક શાહબુદ્દિનભાઈ કહે છે ને કે, ’બુદ્ધિમાનો પ્રથમ વિચાર કરે અને મૂર્ખાઓ ફટ દઈને અમલ કરે !’ તે મેં કટકે કટકે લગભગ એકાદ તપેલું ખીરનું ખોયું ! પછી સમજાયું કે મસ્ત મજાની ખીર, મફતમાં, મળતી હોય તો બિલાડી તો શું બિલાડીના બાપનાં પેટમાંયે ટકે !!! મને લાગે છે કે મારા જેવા કોઈ કંજૂસે, બિલાડીને ખીર ન ખવડાવવાની બદ્‌દાનતથી, આવી ખોટી માન્યતા ફેલાવી હશે !

આજે આપણે બિલાડી વિષયક માન્યતાઓની પિષ્ટપિંજણ ઉપાડી જ છે તો એકાદ-બે બીજી પણ જોઈ લઈએ. બિલાડી આડી ઊતરે અને અપશુકન થાય એ તો બહુ જાણીતી માન્યતા છે. જો કે હું જાણું છું ત્યાં સુધી, આ માન્યતા બિલાડીઓનાં ખાનદાનો માટે ચેતવણી સમાન હશે. મનુષ્યોએ તો અણસમજણથી અપનાવી લીધી ! બને કે, માણસની આડી ઊતરેલી કોઈ બિલાડીને બે દહાડાનાં નકોરડા ઉપવાસ ખેંચવા પડ્યા હશે ! ત્યારથી આ માન્યતા પડી હશે કે; માણસની આડું ન ઊતરવું, અપશુકન થાય !!

અને અંતે એક એવી માન્યતા, જેને હસી કાઢવાને કારણે અમો આજે તાતા-બીરલા-અંબાણીઓ કે ગેટ્‌સોની હરોળમાં બેસવાને બદલે આપની સમક્ષ આવા લવારા કૂટીયે છીએ ! બિલાડી વિયાણી (શબ્દ ન સમજાય તો આગલો લેખ વાંચવો) એ જાણ થતાં જ એક જાણકાર (?) સંબંધીએ જણાવ્યું કે બિલાડી વ્યાય પછી તેની ઓર પડે તે રાખી લેવી જોઈએ (આ આખી તકનીકી વાત મને પણ બહુ સમજાતી નથી, પણ ’ભ.ગો.મં’ ફંફોળતા જાણવા મળે છે કે; ઓર અર્થાત્; ’ગર્ભના રક્ષણ માટે તેના ઉપર રહેતી પાતળી ચામડીનું પડ; ગર્ભજાળ; જરાયુ; ગર્ભરક્ષક આવરણ.’). સામાન્ય રીતે એ ચીજ પ્રસવ બાદ તુરંત બિલાડી ચટ કરી જાય છે. (મેં એ નજરે જોયું છે.) કદાચ એ પોષક તત્વોથી ભરપૂર હોય અને બે-ચાર દહાડા બિલાડીને ભોજનાર્થે ભટકવાનો મોકો ન મળતો હોય તો તેની શક્તિ જળવાઈ રહે તેવો કુદરતી ઉદ્દેશ આ પાછળ હોઈ શકે. (ઠીક છે કે પાલતુ પ્રાણી બન્યા પછી તેને દયાળુ મનુષ્યોના આશરે આવો ભૂખમરો ભોગવવો ન પડતો હોય. પણ સઘળા જનાવરોને વળી એવા ઠાઠ ન પણ મળે.) પણ આ માન્યતા પાછળનું હસવા જેવું, કે હસી કાઢવા જેવું, કારણ હવે આવે છે. જાણકારો દ્વારા કહેવાયું કે, બિલાડીની ઓર (જે તેઓના મતાનુસાર ભાગ્યે જ હાથ આવે, અને મને હાથ આવી છતાં હું અક્કલમઠો થયો !) તિજોરીમાં રાખવાથી લખલૂટ સંપત્તિનું સ્વામિત્વ પ્રાપ્ત થાય છે. લ્યો બોલો ! પરથમ તો ઉપર જણાવ્યા તેવા ધનકુબેરોની તિજોરીઓની ચકાસણી થવી જોઈએ ! (જો કે જ્યાં ઈન્કમટેક્ષ વાળાઓ પણ ન પહોંચે ત્યાં આપણી તો પહોંચ જ કેમ થાય !) ઓછામાં ઓછું એ તો ખબર પડે કે ઈવડા ઈ સંધાય પોતાની મહેનતથી ધનપતિ થયા છે કે બિલાડીઓની !!! બીજું, ઠામૂકું એ ઓરમાં જ લપેટાયેલું એક પણ બિલાડીનુ બચ્ચું અબજપતિ થયું છે ખરૂં ?! અને છેલ્લું, વ્યક્તિગત ધોરણે માત્ર મારી વાત કરું તો, મારી પાસે પહેલાં એક તિજોરીનો જોગ તો હોવો જોયે ને ! અહીં તો ટી-શર્ટનાં ઉપલા ખિસ્સામાં સચવાય જાય એટલાં કાવડિયાં માંડ હોય, પાકીટ રાખવું પડે એવા દિવસો પણ હજુ આવ્યા નથી, ત્યાં તિજોરી વળી કયા કૂવેથી કાઢવી !

(કાવડિયાં = પૈસા, અગાઉ કેટલાક તાંબાના ચલણી સિક્કા પર કાવડ, ત્રાજવાનું ચિહ્ન છપાતું. એ પરથી પૈસા માટે ’કાવડિયાં’ શબ્દ આજે પણ બરડા પંથકમાં ચલણમાં છે.)

તો, જે થાય તે સારા માટે ! મારી કને તિજોરી હોત, હું આ માન્યતાને સાચી માનતો હોત, વળી સાચી પણ પડી હોત ! તો આજે હું પણ ગેટ્‍સની હરોળમાં બેઠો હોત ! પછી આપની સાથે આવા ગપાષ્ટક લડાવવાનો આનંદ ક્યાંથી મળત !! (ગેટ્‌સે કદી આપની સાથે ગપ્પા માર્યાં હોય એવું યાદ આવે છે ? તો બસ !) બિલાડીને “મીંદડી” પણ કહેવાય છે. ઊંડા વાવ, કૂવામાં પડેલી ચીજ બહાર કાઢવા માટેના લોખંડના આંકડીયાળા સાધન, લંગર, ને પણ “મીંદડી” કહેવાય. ખોટી માન્યતાઓ કે અંધશ્રદ્ધાના ઊંડા કૂવામાંથી બહાર કાઢવાનું કામ કરી આ “મીંદડી”એ પોતાનું નામ સાર્થક કર્યું ! લ્યો તંયે, રામે રામ. મળ્યે પાછાં નવરાશે. ત્યાં સુધી ’લાફતે રહો’ અને ‘જાગતે રહો’. આભાર.

24 responses to “એક માન્યતા – જે ખોટી ઠરી !

 1. આ બિલાડી પારાયણ કમસે કમ એક સપ્તાહ – એટલે કે, સાત હપ્તા જરૂર ચલાવજો. તમને અને અમને પૂન( ! ) મળે કે ન મળે … અનેક માન્યતાઓ ખોટી ઠરાવી શકાશે. અને માન્યતાઓથી મુક્ત થવું -એ મોક્ષ બરાબર માનું છું !!

  Like

  • આપના પનમાં (પંડમાં !) પણ આતાનો વાસ થયો કે શું ?! સાત હપ્તા ? અમારી ગમા આને પાટે ચઢાવવું એમ કહેવાય 🙂 જો હવે માત્ર ત્રીજે હપ્તે બિલાડીનું નામ પણ લઉં તો મિત્રો કંટાળીને મારવા પહોંચી જશે 🙂

   ’માન્યતાઓથી મુક્ત થવું એટલે મોક્ષ’ – વાહ ! દાદા, લાખ રુપૈયાની વાત કહી. ધન્યવાદ.

   Like

 2. મીંદડી, વિયાવું. કાવડિયાં – આ બધા શબ્દો મારા માટે નવાઈના નથી. પણ નવાઈની વાત એ છે કે બિલાડીએ એક જ જણ્યું છે! સામાન્ય રીતે ત્રણ, ચાર તો હોય જ!. ત્રણ બચ્ચાંની માને ઘર બદલતામ જોઈ છે> તમને સમજાઈ જાત કે એક, બે, ત્રણ જેવું સાદું ગણિત તો બિલાડીને પણ આવડતું હોય છે.
  અમારે ઘરે બિલાડીઓ અને શેરીનાં કૂતરાંનો અડ્ડો રહ્યો છે એટલે ઘણું જાણવા મળ્યું છે. ચાર-છ બિલાડીનાં બચ્ચાં અને ત્રણેક ગલૂડિયાંનું કબ્રસ્તાન પણ અમારા ઘરમાં જ બન્યું છે. આ પ્રસંગ નિમિત્તે એક વાત મારા તરફથી પણ કહી દઉં.
  ઘરની સામે કૂતરીએ બચ્ચાં જણ્યાં. આઠેક હતાં. થોડા દિવસે બધાં હરતાં ફરતાં અને મરતાં થઈ ગયાં. છેલ્લે બે બચ્યાં. આમાંથી પણ એક સ્કૂટરની અડફેટે આવી ગયું. શેરીનાં બધાં કૂતરાં એકઠાં થઈ ગયાં. એની મા કોઈને પાસે આવવા ન દે. છોકરાં પણ એકઠાં થઈ ગયાં. હું બહાર ગયો અને બચ્ચાંની લાશ આંગણામાં લઈ આવ્યો. છોકરાંઓએ ખાડો ખોદ્યો અને અમે મીઠું વગેરે નાખીને દાટી દીધું. બે-ચાર દિવસ પછી અમે બહાર ગયાં હતાં ત્યારે એની મા ઘરમાં ઘુસી આવી, જમીન ખોદીને બચ્ચું બહાર કાઢ્યું. અમે ઘરે આવ્યાં તો વાસ આવતી હતી. મા તો ભાગી ગઈ. હવે એને ત્યાં જ દાટવાનો સવાલ નહોતો. એને બહાર એક ખૂણામાં મૂકી દીધું. મા ફરી ત્યાં પહોંચી ગઈ.
  આમાંથી એક વાત શીખવા મળી કે મરેલા બચ્ચાને મા ચાટીને મરી ગયું હોવાની ખાતરી ન કરી લે ત્યાં સુધી એને અડવું નહીં. ખાતરી થઈ જાય તે પછી મા સત્ય સ્વીકારી લેતી હોય છે. આમાં આપણે જરૂર કરતાં વધારે માનવતાવાદી થઈને દરમિયાનગીરી ન કરવી, પણ એની ભાવના સમજવી.

  Like

  • આભાર દિપકભાઈ.
   આપે તો વળી મનમાં એક નવું કૌતુક જગાડ્યું. જો કે હાલ અહીં ચર્ચામાં છે તે બિલાડીનું માત્ર ’એક જ’ બચ્ચું છે. અને એ વાતની ઘણા લોકોને જરાતરા નવાઈ લાગી તો છે જ. પણ આપે ઘર બદલી વખતે બે-ત્રણ-ચાર બચ્ચાને વારાફરતી લઈ જતી બિલાડીની વાત કરી (જે આમ તો અમ સૌએ જોયું જ છે) અને એને ગણતા (ઓછામાં ઓછું પોતાના બચ્ચાઓની સંખ્યા જેટલું તો ખરું જ) આવડતું હોવા વિશે જે કહ્યું તે તો બહુ ઓછાના મગજમાં આવ્યું હશે. વધુ જાણવાની ચટપટી થવા લાગી છે.

   મૃત બચ્ચા વાળા પ્રસંગ દ્વારા આપે આપેલી સમજણ – કુદરતનાં કાર્યમાં, જરૂર કરતાં વધારે, કોઈપણ પ્રકારના વાદી થઈને, અયોગ્ય, અનધિકૃત, દખલગીરી ન કરવા વિશે – ખરે જ વિચારપ્રેરક છે. આપની આ વાતને અનુમોદન આપતો, મેં જાતે નિરિક્ષણ કરેલો, ભૂંડણીના બચ્ચાઓનો કિસ્સો અગાઉ મેં ક્યાંક લખ્યો હતો કે નહિ તે હાલ ઓસાણ નથી આવતું પણ જોઈ જઈશ, અને નહિ લખ્યો હોય તો તુરંતમાં જ જરૂર લખી વંચાવીશ.

   એકંદરે, ડૉન પેન્ડલટન (એક્ઝિક્યુશનર શ્રેણીના લેખક)ના શબ્દોમાં કહીએ તો, બધે જ જંગલનો કાનૂન ચાલે છે. સિમેન્ટનાં જંગલ હોય તો કાનૂન જરા આકર્ષક પેકિંગમાં દેખાય ! પણ મૂળમાં કુદરતનો કાનૂન બડો કઠોર જ હોય છે. જ્યાં ’જરૂર કરતાં વધારે’ કંઈ પણ સ્વિકાર્ય નથી. ધન્યવાદ.

   Like

 3. ’બિલાડી તેના બચ્ચાને લઈ સાત ઘર ફરી પછી બચ્ચાની આંખો ખુલી તે વાત સાચી હોઈ શકે. પરંતુ બચ્ચાની આંખો ખુલી છે અર્થાત્ બિલાડી તેને લઈ સાત ઘર ફરી જ હશે, એ માત્ર માન્યતા પણ હોય !’

  તમે તો ભાઈ છઠ્ઠા ધોરણનું ગણિત યાદ કરાવી દીધું. હું ઘરમાં અને છોકરાઓ જોડે મજાકમાં ઘણી વખત આ વાક્ય અને વિધાનનો દાખલો આપતો હોઉં છું. ગણિતમાં અમે ભણતા કે “જો વરસાદ પડે તો રસ્તા ભીના થાય” એ સાચું, પણ “જો રસ્તા ભીના થાય તો વરસાદ પડે” એ વાત ખોટી. આ કારણે તેને વાક્ય કહેવાય પણ વિધાન ના કહેવાય. એવું તમારા બીલાડીનાં બચ્ચાંના કિસ્સાનું છે.

  Like

  • આજે “ગણિત”નો ક્લાસ જ નક્કી કરાયો લાગે છે ! 🙂

   ભ‘ઈ, અમને ’ભણતર’ ને ’ગણતર’ કંઈ ન આવડે,
   તં‘યે તો આ ’જણતર’ની વાત માંડીને બેઠા છીએ !

   આપને ’છઠ્ઠા ધોરણ’નું ગણિત હજુ યાદ છે એ વાતે જ અમો તો આશ્ચર્ય પામ્યા !
   આફ્રિન ! આફ્રિન !!

   Like

 4. પ્રિય અશોક
  તારું ઈંગ્લીશ લખાણ હું વાંચી નથી શક્યો .
  આ બધું હું ખાખરાને ખાંડે ચલાવું છું .ભલું થાજો મિત્રોનું કે જે મને પ્રેમથી મદદ કરે છે.

  Like

  • એ આતાને ઝાઝા ઝાઝા રામ રામ ! મને વળી ક્યાં ઈંગ્લીશ લખતા જ આવડે છે ! જવા દ્યો. આ “ખાખરાને ખાંડે” નો અરથ કાઉં ઈ જરૂરથી સમજાવજો. બાકી કાઉં હાલે છે એરિઝોનામાં ? બથાંય લે‘રમાં ને ? ને આ એરિઝોનાના સાવજનેય અમારું મીંદડું ગમ્યું ઈ તાં વરે અમારાં ધનભાગ. નકર કાં રાજો ભોજ ને કાં ગાંગો તેલી ! એ આતાનો ઝાઝેરો આભાર.

   ( બરડાની બોલી:- અરથ=અર્થ; કાઉં=શું; બથાં=બધાં; તાં=તો; વરે=વળી; ધનભાગ=ધનભાગ્ય; કાં=ક્યાં. )

   Like

 5. ઓહોહો ! આંય તો કાંય જામી છે ને સું જલસી ! મીંદડીએ કુવામાંથી લાગ્ય જણસું બારી કાઢી છે !! એક મુકો ને બીજી હાઝર !

  આતાએ ખાખરાના ખાંડા (ખાખરાની તલવાર)થીય એક નવી કે’વત આલી દીધી. લાકડાની તલવારે લડવાની વાત ! જોકે એમના ઈંગરેજીની નમ્રતાભરી વાત નૉ મનાય.

  ખાખરાની ખીસકોલીને બદલે આ અશોકભાઈની ખીસકોલી(બોગનરસ માણે !), અશોકભાઈની મીંદડી, અશોકભાઈની બોગનવેલ ….વાચનયાત્રાનાં આ સૌ પ્રવાસીઓએ સૌને ઘેલા કર્યા છે.

  તમને કુબેર કરતાંય વધુ ધન મળી જ ગયું છે. પર્યાવરણ–પ્રેમનો આ સાક્ષાત્કાર ગણાય. તમે પર્યાવરણને પોષ્યું છે. દુનીયાના બધા પેગંબરોએ પ્રાણીમાત્ર પર પ્રેમની વાત કરી છે. તમે વનસ્પતી અને પ્રાણીપ્રેમ પ્રત્યક્ષ કરી બતાવ્યો છે.

  તમારા આ સમગ્ર પરીવારને અમારાં લાખ સલામ.

  Like

  • માન.જુ.ભાઈ, આભાર.
   આપનો પ્રેમ છે. આપ સમા આદરણીય સજ્જનનાં બે ઉત્સાહવર્ધક બોલ અમને ધન્ય કરી જાય છે. અને હા, આ ’ખાખરાના ખાંડા’નો અર્થ હવે સમજાયો ! આભાર.

   બીજું કે, આ ખીસકોલાં, મીંદડાં, વેલવેલાઓ વગેરે કાંઈ કોરટમાં ન જાય ! બાકી આજકાલ માણહુ વિશે કાં‘ક લખો કે દોરો (કાર્ટૂન વ. !), ઈમા ઈની ક્યાંક રગ દબાય ને આપણી કઠણાઈ બેઠી હોય, તો માળું જેલ ભેળા થવાના વારા આવે છે 🙂 ઈથી તાં, ચેતતો નર સદા સુખી ! ધન્યવાદ.

   Like

 6. ખરેખર ભાઈ,સમાજમાંથી આ અને આવી ઘણી માન્યતાઓ બદલવાની જરૂર છે.જે માન્ય્તાઓએ લગભગ અંધશ્રધ્ધાનું સ્વરૂપ ધરી લીધું છે.મે આગળ “મંગળ વરસે……”નો આવો જ એક હાસ્ય કટાક્ષ કર્યો છે.બહુ ગમ્યું.

  Like

 7. અ_શોક’જી’ ચાલો બચ્ચાએ તો આંખો ખોલી. આ સમાજ, દુનિયા કોણ જાણે ક્યારે અને કેટલા ’ઘર’ બદલીને આંખો ખોલશે ?
  સરસ લેખ સાથે મસ્ત પંચ,
  – ” મને લાગે છે કે મારા જેવા કોઈ કંજૂસે, બિલાડીને ખીર ન ખવડાવવાની બદ્‌દાનતથી, આવી ખોટી માન્યતા ફેલાવી હશે ! ” [! 😀 ]
  – “માણસની આડું ન ઊતરવું, અપશુકન થાય !! ” [વાહ…]
  – “અહીં તો ટી-શર્ટનાં ઉપલા ખિસ્સામાં સચવાય જાય એટલાં કાવડિયા માંડ હોય, પાકીટ રાખવું પડે એવા દિવસો પણ હજુ આવ્યા નથી, ત્યાં તિજોરી વળી કયા કૂવેથી કાઢવી !”
  [આધુનિક ફૅશનના ટી’શર્ટમાં ઉપલા ખિસ્સા હોતાજ નથી ! તારે ખૂબ કામ લાગશે! 😯 ]
  – “માન્યતાઓ કે અંધશ્રદ્ધાના ઊંડા કૂવામાંથી બહાર કાઢવાનું કામ કરી આ “મીંદડી”એ પોતાનું નામ સાર્થક કર્યું !” [ તે એક નહિ અનેક માન્યતાઓના છોતરાં ઉડાવ્યા!]

  Like

 8. મોટા, ચાર-પાંચ હોય કાંઈ ! ઇ-મેઈલમાં આઠ-દસ મોક્લ્યા છે ! મજો કર, ઇમા વળી આભાર શેનો. દોસ્તીમાં આવી કુરબાની તો આપવી પડે. 😀

  Like

 9. બિલાડી મૂળે માંસાહારી પ્રાણી છે કોક દિ એના ભાણામાં ઉંદર પીરસજો..હહાહાહાહા!!!
  હળવા હાસ્યરસ સાથે મજાની ફેંટો મારી..આઈ મીન મુક્કા માર્યા.

  Like

  • માન.રાઓલબાપુ, અમારા અહોભાગ્ય કે આજે ઘણા દહાડે આપ સંગ સત્સંગનો લહાવો મળ્યો. આજે જ આપના ’ચેલાશ્રી’ આપની યાદી કરતા હતા.

   અને વાત ઉંદરની, તો હું ભ‘ઈ શુદ્ધ તૃણાહારી પ્રાણી ! ઘાસફૂસમાં નિભાવ કર્યે જાઉં ત્યાં એને ક્યાંથી જોગવું ! આમે આ બિલાડકુળના બંદાઓ જન્મજાત શિકારી તે કંઈ પીરસ્યું ભાણું ખાય નહિ. ઘરમાંથી ઉંદરોનો તો સત્યાનાશ થઈ જ ગયો છે. હા, ખિસકોલીઓ જબ્બર વસ્તીવધારો કરે રાખે અને આવડા આ વળી એને નિયંત્રણમાં રાખે !

   મેં એક નિરિક્ષણ કર્યું છે. કૂતરો ખુશ થાય ત્યારે પૂંછડી પટપટાવે તેમ આ બિલાડીઓ પોતાના શિકારની નેમ સાધે ત્યારે એન્ટેનાની માફક પૂંછડી ઊંચી રાખી અને બહુ ધીમેથી ડાબે જમણે હલાવતી રહે. તેને આ પોશ્ચરમાં જોઉં એટલે તુરંત ખબર પડી જાય કે હવે એક જ તરાપ, અને એકાદી ખિસકોલી કે ચકલું આના ભાણામાં !

   વાતુ કરવાની મજા આવી. પધારતા રહેશો. આભાર.

   Like

 10. બીલાડીના ભાણામાં કાંઈ આવ્યું કે પછી ઉપવાસનો લાભ મળ્યો….

  Like

 11. માન્યતાઓએ ખરેખર આપણા જીવનમાં ઘર કરી દીધું છે.
  મને તો કોઇક કંઇક કહે ત્યારે સીધું માની ના લઉં. 🙂 એકાદ અનુભવ થાય પછી ચેતતા રહેવું 😉

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s