ચિત્રકથા – નંદ ઘેર…


નમસ્કાર મિત્રો.
સૌને હમણાં ગયેલા શ્રાવણીયા તહેવારો, રક્ષાબંધન, જન્માષ્ટમી અને ઈદની શુભકામનાઓ.

હવે સૌ પ્રથમ તો પેલી કપાયેલી (અને નવજીવન પામેલી) બોગનવેલનાં હાલચાલ જાણીએ. એ કુંપળનું પ્રગતિપત્રક અને પછી તો આસપાસની કુંપળોએ મળી સ્થાપીત કરી દીધેલી નવલી બોગનવેલ જુઓ.

અને હા, સાથે સાથે સીતાફળીમાં દુષ્કાળને ઉવેખી અને આવેલાં ટબુકડાં સીતાફળો જાણે કે સધિયારો આપે છે કે, મૂંઝાવમાં, મેઘો તો હજુ પણ વરસી શકે છે ! કહ્યું છે ને ’આભ અને ગાભની કોને ખબર પડે !’ જો કે વિજ્ઞાને હજુ પ્રથમમાં ખાસ કંઈ પ્રગતિ કર્યાનું જણાતું નથી, બાકી બીજાનો કેર તો સૌને વિદિત છે જ. જો કે વાંક વિજ્ઞાનનો નથી, પણ વાંદરાનાં હાથમાં અરીસો ધર્યાનું કુકૃત્ય તો એના નામે જ લખાયું ને ! કૂખમાં ફૂટતી કુંપળ માત્ર એક રંગસુત્રના ફેરે કૂખમાં જ મસળાય જતી હોય ત્યાં બોગનવેલની કુંપળોની તો પરવાયે કોને હોય ! પણ અહીં આપણે સૌ એકઠા મળ્યા છીએ તેને વળી ખબર નહિ કયા કારણે આવી ઝીણી ઝીણી પંચાતમાં વધુ રસ પડે છે ! કદાચ આપણે સાવ અવ્યવહારુ છીએ અથવા જમાના પ્રમાણે હજુ સુધર્યા નથી !! અને એટલે જ મને ખાત્રી છે કે મારા મિત્રોને તો આવી કુંપળકથાઓ પણ આનંદિત કરી જશે. જુઓ:


થોડા દહાડા પહેલાં આસોપાલવ માંહ્યલો ખિસકોલીનો માળો પવનનાં જોરે પડ્યો, માળામાં રહેલું બચ્ચું પછી અમારા ઘરનું સભ્ય બન્યું (ફળિયાનું તો હતું જ !). એ શું ખાશે, શું નહિ ખાય ! પાણી પીવે કે દૂધ ! તેને પોઢવા માટે પર્ણપથારી રાખવી કે ઊનના વસ્ત્રની ! જેવા અત્યંત વિકરાળ પ્રશ્નોના ઊકેલ અમે ૧ % જ્ઞાન, ૯ % ધારણા અને ૯૦ % ધારણાઓ કારગર બનતી હોવાની માન્યતાઓ વડે લાવ્યા ! જો કે અંતે બેળે બેળે ઘીનાં ઠામમાં ઘી પડી ગયું ! બચ્ચું દોડતું કૂદતું થઈ ગયું અને થોડા દહાડામાં તો તેની મમ્મી ખિસકોલી સાથે આસોપાલવની ઘટામાં માંડ્યું બલાંગુ દેવા. હજુ મરજી થાય ત્યારે ઘરમાં અને રસોડામાં આંટાફેરા કરવા આવે છે ખરું. ગમે તેમ તોય આ એનું મોસાળ તો ખરું ને !! જુઓ:


ત્યાર પછી આવ્યું વાડામાં વિયાયેલી એક સોનેરી રંગ ધરાવતી બિલાડીનું બચ્ચું. (“વિયાવું” એ કાઠિયાવાડમાં બચ્ચાને જન્મ આપવા, પ્રસૂતિ, માટે વપરાતો શબ્દ છે.) ભારે ખેપાની અને ખરે જ દુકાળિયું ! કોઈ ખાઉધરું હોય તો આપણે ત્યાં એમ કહેવાય કે ’આ દુકાળમાં જન્મેલો લાગે છે !’ (આડવાત; ખાઉધરા નેતાઓ, અધિકારીઓ, વગેરે વગેરેના જન્મ વર્ષ અને દુકાળિયાં વર્ષ સરખાવવાનો ઉદ્યમ કોઈકે કરવા જેવો છે !) તે આ બચ્ચું ખાઉધરું તો છે જ, સાથે ખિજાળ પણ એવું જ છે. પણ તેનો એક શોખ મને ભારે પસંદ આવ્યો, જેવો કેમેરો જુએ એટલે ડાહ્યું ડમરું થઈ અને જાણે પોતે કોઈ વિખ્યાત મોડૅલ હોય તેમ ગોઠવાઈ જાય છે. જુઓ:


અને હવે બે દહાડા પહેલાનાં લેટેસ્ટ ન્યૂઝ (બ્રેકિંગ ન્યૂઝ !) ફળીમાં, વાડામાં, વૃક્ષ પર, એમ બધે જન્મેલાં બચ્ચાઓ અહીં જાણે બાલાશ્રમ હોય તેમ ઘૂસ મારે છે. પણ પોતે બચ્ચું હતી ત્યારથી જ પોતાનું ઘર સમજી દિવસમાં ચાર-પાંચ વખત તો અચૂક ખબર કાઢી જતી એક મીનકીએ તો ચાર દહાડા પહેલાં સવારમાં મારા કમ્પ્યૂટર ટેબલની નીચે જ પોતાનાં બાપનું ઘર બનાવી નાખ્યું ! જો કે એ થોડી કષ્ટાતી હતી એટલે મારે તેને માથે હાથ ફેરવતાં ફેરવતાં થોડો સધિયારો આપવો પડ્યો, અને તે વિયાણી !!! સુંદર મજાનું એક બચ્ચું જનમ્યું. વસ્તીવધારાનો જુનો અને જાણીતો કકળાટ જાય તેલ લેવા ! કુદરતના ખોળે પાંગરતું એક નવા જીવનને જોવું, અનુભવવું એ સ્વર્ગસુખથી પણ અદકેરો અનુભવ છે. હશે, કો‘ક કો‘ક (ધ્યાન આપો, કો‘ક, કો‘ક લખ્યું છે !) દાક્તર કે દાયણ માટે કદાચ એ યંત્રવત્‌, નિરસ અને માત્ર બીલ બનાવવા લાયક કામ હશે. પણ જેને બીલ કરતાં દિલનું મૂલ્ય અધિક છે તેને માટે તો એ આનંદાનુભૂતિ જ રહેશે. હા, આ આખા પ્રસંગનો ગૌણ ગેરફાયદો હોય તો તે એક જ, જ્યાં સુધી એ મીનકી અને એનું બચ્ચું, સ્વમરજીથી, મારું કમ્પ્યૂટર ટેબલ છોડશે નહિ ત્યાં સુધી મારું ઘરનું કમ્પ્યૂટર બંધ રહેશે ! (આ ગૃહપ્રધાનનો ફતવો છે ! આપણે સદાથી ફતવાનાં વિરોધી અને કહો કે ક્રાંતિકારી રહ્યા તેનું કારણ, ઊંડાણ પૂર્વક તપાસ કરો તો, ગૃહપ્રધાન જ !!!) તો જુઓ આ નવી કુંપળ !

અને આ જન્મોત્સવની ઉજાણી ! નંદ ઘેર આનંદ ભયો…કહે છે કે, એ તો કણ કણમાં છે. ગોડ, ગોડ પાર્ટિકલ કે હિગ્સ બોસોન, બિલાડી માટે તો આ જ કનૈયા કુંવર ! (તા.ક. ઝબલા પ્રથા બંધ છે ! 🙂 આપનો પ્રકૃતિ પ્રત્યેનો સ્નેહભાવ એ જ બિલાડી માટે ઝબલું.) આભાર.

34 responses to “ચિત્રકથા – નંદ ઘેર…

  1. મનમાં લીલાશ ઊગી નીકળી આ વાંચીને…!

    Like

  2. તમે તો પ્રકૃતિના ખોળે નહિ પણ , પ્રકૃતિને તમારે ખોળે બેસાડી દીધી !

    નવા સભ્યોના આગમન બદલ , ખુબ ધન્યવાદ .

    Like

  3. પ્રિય અશોક
    બધાં ચિત્રો જોયાં એમાં સીતાફળ નું ચિત્ર જોઈ મારી માં યાદ આવી ગઈ .તેનું સૌથી વધુ પ્રિય ફળ સીતાફળ
    હમણાં મેં એક રાસડો તમને સૌ ને મોકલ્યો છે . જોકે અધુરો રહી ગયો છે. કેમકે કોમ્પુટર થોડુંક વાયડું થયું . આતાના રામ રામ

    Like

    • એ….રામ..રામ, આતા.
      લ્યો આ અમારી સીતાફળીના સીતાફળે આપને સ્વજનની યાદ અપાવી. એ સીતાફળનો ફેરો તો જાણે સફળ થયો. (અને અમારો આ નાનકડો લેખ પણ !) ’માં’ની મમતાની મિઠાસ કેટલી હશે ! જીવનની સઘળી કડવાશો એકઠી મળીને પણ એ મધુરો સ્વાદ હટાવી શકતી નથી. અમ પાંપણે પણ પાણી આવ્યાં. આતાને ઘણી ખમ્મા.

      આપનો રાસડો અમ સુધી પહોંચ્યો નથી. કૃપયા ફરી એક મેઈલ કરવા કષ્ટ કરશોજી. પ્રણામ સહ ધન્યવાદ.

      Like

  4. સરસ ફોટા અને ‘અશોકી’ તાલની વાતો વાંચી મન મ્હોરી ઉઠ્યું .
    આજની બુધવારી સવાર સુધરી ગઈ.

    Like

  5. શ્રી અશોકભાઈ,
    જરા હટકે અને ’ઝબલા પ્રથા’ વગરનો જન્મોત્સવ માણવાની ખૂબ મજા આવી. પ્રકૃતિ આપને ખોળે અને આપ પ્રકૃતિને ખોળે એટલે અત્યારે તો ‘અશોકભાઈ ઘેર આનંદ ભયો!”

    Like

    • શ્રી મિતાબહેન. ધન્યવાદ. અમે હમણાં થોડા સુધર્યા !! અમારી બાજુ ક્યાંક ક્યાંક હમણાં નવો ઢારો (ટ્રેન્ડ) ચાલુ થયો છે. બંધનો ! ચાંદલાપ્રથા બંધ, ઝબલા પ્રથા બંધ, વાસણ પ્રથા બંધ, હાથઘરણું પ્રથા બંધ, દહેજ પ્રથા બંધ, કરિયાવર પ્રથા બંધ, પહેરામણી પ્રથા બંધ…બસ, આવો અને આપની શુભકામનાઓ આપો, આ સ_રસ સુધારાપ્રથા ચાલુ થયેલી છે. આભાર.

      Like

  6. અશોક”જી” સ_રસ ફોટોગ્રાફ્સ સાથે મસ્ત લેખ ,
    ‘અશોકભાઈ ઘેર આનંદ ભયો!’ કેક તો ખવાય ગઈ હશે ! ચાલ “ભજિયા પાર્ટી” થઈ જાય[જુનાણા આવું છું] બધા મિત્રો ને ખાસ આમંત્રણ મારવાડી તરફ થી આપી દવુ ને!:-)
    તા.૧-૯-૨૦૧૨ સમય રાત્રિના ૯-૦૦ કલાકે સ્થળ બાયપાસ વાળી વાડી.
    [ગૃહપ્રધાન ની રજા લેવાની કામગીરી આજથી આરંભી દેજે!] 😀

    Like

    • એલા એ….ય ! આગળ શ્રી મિતાબહેનને જણાવ્યું તે જરા વાંચી જા ! ઝબલા પ્રથા બંધ અર્થાત, “આવો અને શુભકામનાઓ આપો” (પછી ચાલ્યા જાવ ! 🙂 ) આમાં પાર્ટી ક્યાંથી આવી ?! છતાં મને ભજીયા ખાવામાં વિરોધ નથી, બસ ’કુરબાની દેગા કૌન’ એ શોધી કાઢ ! ચાલ, તો વાડીએ મળ્યા. અને હા, આભાર ભાઈ. (?)

      (શરૂઆત તેં કરી છે, એટલે અંતે કોઈ નહિ મંડાય તો કુરબાનીનો બકરો તું જ બનવાનો ! આ આભાર એડવાન્સ માં 🙂 )

      Like

  7. વાહ અશોક ભાઈ મજા આવી ગઈ

    Like

  8. વિયાવું, ભાઈ, એ શબ્દ તો અમારા ગુજરાતમાં પણ વપરાય. અમદાવાદમાં તો ખરો જ. અને આ સીતાફળનો ફોટો મને તમારા ઘરની યાદ અપાવી ગયો. ખમણ દબાવીને પછી ઉપલા મેડાની અગાશીમાંથી મેં પણ આવા જ સીતાફળનો ફોટો ગયા વર્ષે પાડ્યો હતો. જો કે એ વખતે ફોટો પાડવા કરતા તો સીતાફળ જ પાડવાની લાલચ વધુ હતી, પણ તમારી બીકે ખાલી ફોટો જ પાડીને અટક્યો.

    Like

    • સૌ પ્રથમ તો આભાર ભાઈ. ચાલો અ.વાદ શાથેનો નાતો આ એક દેશી શબ્દથી વધુ ઘાટો થયો. માત્ર જાણ અર્થે જણાવું છું કે, આ ’વિયાવું’ શબ્દ પરથી અહીં બરડા વિસ્તારમાં (અન્યત્ર પણ હોય શકે, કદાચ) એક શબ્દ ખાસ વપરાય છે, “વિયા” કે “વ્યા”. આપ કોઈને મળો તો પ્રશ્ન કરે કે “કેટલાં વિયા છે ?” અર્થાત, બાળકો કેટલા ?

      અને હવે મુદ્દાની વાત ! સૌ પ્રથમ એક સોરઠો;
      ’મે‘માનોને માન, દલ ભરી દીધાં નહિ,
      એ મેડી નહિ મસાણ, સાચું સોરઠીયો ભણે.’ —
      તો, આ અમારી મે‘માનગતીની કસર કે‘વાય ! જો કે હું ’ત્યારે સીતાફળ હજુ પાક્યાં નહોતાં’ એમ કહીને બહાનેબાજી તો કરી શકું પણ એ વાત એટલે જ, ’મેડી નહિ મસાણ !!’ (અરે ભ‘ઈ પાડી જ દેવા હોય એ તો કાચા પણ પાડી દ્યે !! ) તો હવે આપને એરટિકિટનો ખર્ચો પાકો ! સીતાફળ ચાખવા આવવું તો પડશે જ. તો પાકું, આ વેળા હું આપને સીતાફળીએ ચઢાવીશ ! અને ’બીક’ની ખોટી વાત્યુ તો કરતા જ નહિ 🙂

      Like

      • અરે..રે ધવલભાઇ આપે ભારે કરી. અહીં કાઠીયાવાડમાં માથુ આપી દીધાના દાખલા છે અને આપ એક ફ્ળ માટે મુંજાણા ! [જો કે આ મારવાડી નું (ખાલીખમ) માથુ કંઈ કામમાં ન આવે ! એમાંથી કાઢી શું લેવાનું હોય 🙂 ]

        Like

  9. શ્રી નીરવની વાત સાવ સાચી છે. તમે પ્રકૃતિને બરાબર પામ્યા છો. સૌથી વિશેષ તો તમે સજાવેલી કેકમાં પ્રકૃતિપ્રેમ પાથર્યો છે….

    બોગન પછી સીતાફળનો સાકરી–સ્વાદ તમે ચખાડ્યો છે. ખિસકોલીની વાત પણ હૃદયસ્પર્શી છે…..

    એવું બને કે ક્યારેક તમારે ઘેર આવીએ અને સક્કરબાઘ (તમારે ત્યાં બાગને, ગધનું બાઘ કિયે છે નઈં ?) આખો તમારે આંગણે ધુબાકા દેતો હોય.

    Like

    • શ્રી.જુ.ભાઈ, ધન્યવાદ.
      હા, મોટા ભાગે “બાગ”ને “બાઘ” જ બોલવામાં આવે છે. અને ફળોનાં બાગ સંદર્ભે વળી નારી જાતીમાં બોલાય છે. જેમ કે; “કેરીની બાઘ”, “ચીકુની બાઘ” વ.

      તો હવે કો‘ક દી, બાઘ (હિ. વાઘ), કહો કે બાઘણ, પણ આંગણે વ્યાવા આવે તો ના નહિ !!! આભાર.

      Like

  10. આદરણીય શ્રી અશોકભાઈ,
    પ્રકૃતિ પ્રેમી અશોકભાઈ સાથે જ પ્રકૃતિના દર્શન કરાવી સાચા અર્થમાં નંદ ઘેર આનંદ ભયોની મોજ મનાવી દીધી.
    “કોમ્પ્યુટર પજવે છે એટલે જ સંદેશો આપવામાં ગોવિંદ રખડે છે “

    Like

  11. પિંગબેક: એક માન્યતા – જે ખોટી ઠરી ! | વાંચનયાત્રા

  12. આ સીતાફળ મારું પ્રિય ફળ. એની મીઠાશ કૈક અલગ જ હોય છે. અમારા ઘરની આજુબાજુ સીતાફળીણા બહુ મોટા ઝુંડ હતા. સિમેન્ટના જંગલોમાં બધું અદ્રશ્ય થઇ ગયું. બચપણમાં સીતાફળ ખૂબ ખાધેલા અને હજુ ય્ આજે સીતાફળ ફલેવરનો આઈસક્રીમ બહુ ભાવે. તમારા પ્રકૃતિ પ્રેમ વિષે શું કહું/ જંગલનો જીવ કહું કે પ્રકૃતિપ્રેમી??

    Like

    • જાણકારો તો માત્ર “જંગલી” કહી કામ ચલાવે છે ! 🙂 આપની જેવી ઈચ્છા ! આપનું દુઃખ સમજી શકાય છે. અમે પણ નવાસવા જૂનાણે રહેવા આવેલા એ સમયમાં આંહીં સીતાફળીઓનાં અક્ષરશઃ જંગલ હતાં. મને પાકું યાદ છે કે હાલના બસ સ્ટેશન પાછળ નહિ નહિ તો યે પાંચસો જેટલી સીતાફળીઓ હતી. અને જેને મરજી થાય તે તેમાંથી વનપક સીતાફળો તોડી તોડી ને ખાય. બહુ પછી કઠોર ઈજારાપ્રથા આવી તે મફતના સીતાફળ મળતા બંધ થયા. અને હવે તો ત્યાં એપાર્ટમેન્ટ્‍સ ખડા છે, સીતાફળની સુગંધને સ્થાને ગટરો અને ઉકરડાઓની દૂર્ગંધ ભરી પડી છે ! સારો કે ખરાબ, પણ આ છે વિકાસ !!! તેની આડા હાથ દઈ શકાતા નથી. બાપુ, ખુબ ખુબ આભાર.

      Like

  13. શ્રી અશોકભાઇ,

    ઘણાં દિવસે આપના બ્લોગ પર આવી ચડ્યો. જુના લેખો કાઢ્યા. 🙂 અચ્છા, બિલાડી અને ખિસકોલી વગેરેનું વર્ણન મજાનું કર્યું છે.

    આ ખિસકોલીની વાતને લીધે મારી એક વાત કરી દઉં. હાલમાં હું સેટેલાઇટમાં(અમદાવાદ) જોબ ચાલુ છે. પાછળ વેજલપુર વિસ્તારમાં એક બગીચો છે. હું અને (મારા જેવી પ્રકૃતિ ધરાવતો) એક મિત્ર એ બગીચામાં કાયમ જઇએ છીએ. હવે મૂળ વાત એમ બની કે મેં આ વર્ષે ચતુર્માસ કરેલા 😉 (બાધા ન’તી, નોકરી અને છોકરી બંન્ને મેળવી લીધા છે 😉 ) તો ત્યાં હું વેફર અને ફરાળી કેવડો લઇને જતો ત્યાં આજુ-બાજુ ખિસકોલીઓનું પ્રમાણ વધારે છે. તો થોડીક વેફર ખાવા ઢગલો ખિસકોલી અને બચ્ચા આવી ચડતા. આવું ૧૦ દિવસ જેવું સળંગ ચાલ્યું. આમ તો ખિસકોલી ગભરું પ્રાણી છે પણ પછી તો રીત-સરની ખિસકોલી પગમાં જ આવીને ઉભી રહે. તે દિવસો એ ક્રમ હજી પણ ચાલુ છે. રોજ મારા લંચ ટાઇમમાં એને પણ નિયમિતપણે એને પણ લંચ કરાવવાનો. એનોય લંચ દિવસે દિવસે બદલાય. બાલાજી, સમ્રાટ, Crax, Wheelos વગેરે વગેરેની જુદી જુદી આઇટમો. (નોંધ- અનુભવ પરથી ખબર પઈડી કે ખિસકોલીને સૌથી વધારે Wheelos ભાવે છે 🙂 ) હાલમાં ૨૦-૨૫ ખિસકોલીઓ આવે અને જેવા અમે આવીને બાંકડા પર બેસીએ ત્યારે ચિચિયારી જ કરતી હોય. (થોડાંક ફોટો ફેસબુકમાં પણ મુક્યા છે) ઘણીવાર એવું પણ બને કે આપણે હાથ ધરીએ તો હાથમાંથી પણ વેફર લઇને ચાલી જાય. જરાય ઘબરાયા વગર.

    આ કળયુગમાં પણ જીવદયા પ્રેમીઓ તો ઘણાં છે આ દુનિયામાં…

    Like

    • ખરે જ, ઘણાં દહાડે દેખાયા ! ચિત્રમાં હવે ’નટખટ’ને બદલે ’હેન્ડસમ’ લાગો છો !
      ખિસકોલીઓ વિશેનો આપનો સ્વાનુભવ જાણવામાં મજા આવી. મારે ત્યાં પણ ઘણી ખિસકોલીઓ છે, દરરોજ થોડી વાર નિરાંતવા બેસી એને ગેલ ગમ્મત કરતી જોવાથી મનોભાર ઓછો થાય છે.
      ફરી સ્વાગત અને આભાર, સોહમભાઈ.

      Like

Leave a comment