ડાયરો – કેશુના બાપનું કારજ


પ્રિય મિત્રો, નમસ્કાર.
આ દૂકાળીયા વરહમાં પેટ ભરવું કે ડાયરા ઈ હમજાતું નથ ! એટલે હમણાં તો વાર-તે‘વાર મળવાનું બનશે. સૌ પરથમ તો આવું કથોરું મથાળું બાંધ્યું ઈ કો‘કને ખૂંચે તો ચોખવટ કરી દઉં કે હમણાં અમે સૌ મિત્રો, વિકિસ્રોત પર, મેઘાણીની નવલિકાઓ (ખંડ ૨)નું શબ્દાંકન કરવામાં મંડ્યા છીએ. આ કાર્ય દરમિયાન મારા ભાગે આવેલી નવલિકામાંની એક એ આ “કેશુના બાપનું કારજ”.  આ આખી નવલિકા (અને ટૂંક સમયમાં પુસ્તકની બધી જ નવલિકા પણ) આપને વિકિસ્રોત પર વાંચવા મળશે. તેની લિંક લેખને અંતે આપી જ છે. પણ વાત તો આપણે મથાળાની કરતા હતા ! એવું છે કે આ શબ્દાંકન, વિજાણુકરણ (ડિજીટાઈઝેશન), કાર્યમાં સૌથી મોટો લાભ એ થાય છે કે, સંપૂર્ણ કૃતિ, અક્ષરશઃ, બે-ત્રણ વખત આંખ અને મગજ સામેથી પસાર થઈ જાય છે. લખતા લખતા (ટાઈપ કરતાં) મગજમાં તે કૃતિને અનુલક્ષીને તરેહવારનાં વિચારોનું ઘમ્મરવલોણું પણ વલોવાતું રહે છે. જો કે એ માંહ્યલાં કેટલાંક તુરંત વરાળ થઈ જાય તો કેટલાંક મનમાં જ સંઘરાયેલા રહે અને કેટલાંક ભાગ્યશાળી વિચારોને આપ સુધી પહોંચવાનો લાભ પણ પ્રાપ્ત થાય. આ એવા ભાગ્યશાળી વિચારો હશે ! પણ અમારું વિચારવલોણું ડાયરાની તરેહ પર ચાલે છે. હવે આપ સૌને ડાયરા વિષયે ઝાઝું સમજાવવાની તો જરૂર નથી જ. આમાં પણ અમારી પેલી તાજી ફૂટેલી બોગનવેલની જેમ એક ડાળીમાંથી બીજી બે ફૂટે અને એ બેમાંથી વળી ચાર ! પણ થડ તો એક જ રહે ! અને અહીં આ નવલિકા થડ છે, જેની આજુબાજુ ફૂટેલી ડાળીઓ પર ડાયરો હીંચકો બાંધી અને લે‘રથી હીંચકશે !

મેઘાણી જેવા સમર્થ લેખકની કૃતિનો રસાસ્વાદ કરાવવો કે વિશ્લેષણ કરવું  એ અમ જેવાનું તો ગજું નહિ. આ માત્ર વાંચન વેળા અમારા મનમાં ઊઠતા તરંગોનો આલેખ સમજવો. આ નવલિકાનો સમયગાળો તો લગભગ લખાઈ એ કાલખંડ જ હશે તેમ જણાય છે. (૭૦-૮૦ વર્ષ પહેલાનો સમયગાળો ગણી શકો) કેમ કે, એમાં ગામ જવા માટે રેલવેનો ઉપયોગ છે, પચીસ-પચાસ રૂપિયામાં તો નાતવરો થઈ શકે છે અને દસ હજાર રૂપિયાનો ધણી તો આજનાં કરોડપતિ સમો તાલેવંત જણાય છે. સ્થળ વિષે તો પાકું જ છે કે ઈ અમારા મલકની વાત છે ! કેમ કે, કથા જૂનાગઢ આસપાસનાં કોઈક ગામડામાં આકાર લે છે. કથામાં કેશુને જો ક્યાંયથી એકાદ બે રૂપિયાનો જોગ થાય તો માંદી પત્ની સારુ નજીકના જૂનાગઢ શહેરથી મોસંબી લાવવાની વાત આવે છે. અને કથાનાં પાત્રો વળી ઉજળિયાત, મહાજન વરણનાં હોવામાં પણ સંદેહ નથી. કેમ કે, તેમાં ખેડુ વરણ (ઉકા પટેલ)ની વાડીએ આશરો લેનાર મુખ્ય પાત્ર કંકુમાની ન્યાતમાં ગિલા થવા લાગે છે કે, ડોશી હલકા વરણમાં રહેવા ગયાં !

અહીં કથા માધ્યમે મૂળે તો લેખક એ સમયમાં (અને ક્યાંક ક્યાંક હાલ પણ) પ્રચલિત કુરૂઢિઓ, કુરિવાજો, કુપ્રથાઓ અને એથી જનસામાન્યના લાભાલાભ (!) પર પ્રકાશ કર્યો છે. ભલે આપણને એમ લાગતું હોય કે આપણે જ અબીહાલ સુધર્યા છીએ. (અને પેલાં નવા ભૂવાની માફક બહુ ધૂણીએ પણ છીએ !) પણ સાહિત્યરૂપી લેખિત દસ્તાવેજોમાં આ સમાજ સૂધારણાની નિરંતર ચાલી આવતી પ્રક્રિયા સચવાઈને પડી હોય છે. બસ વાંચનારા જોઈએ. અહીં કોઈક મોટા શહેરમાં રોટલો રળવા ગયેલાં કુટુંબના મોભીનું અવસાન થાય છે અને ન્યાતરુઢિ પ્રમાણે, સોંજ હોય કે ન હોય છતાં, ખાસ તો પોતાની શાખ જાળવી રાખવા ખાતર, મૃતક પાછળ થતી પરંપરાગત ક્રિયાઓ (જેને સૌરાષ્ટ્રમાં ’કારજ’ કહે છે) કરવી પડે છે. અને તે માટે શારીરિક, આર્થિક, માનસિક એમ બધી જ પ્રકારની વિટંબણાનો સામનો કરવો પડે છે. ઘરનાં, સગાં, ન્યાતીલાં, ગ્રામજનો, હિત ધરાવતા લોકો, સૌની માનસિકતા આ પ્રસંગે ખુલ્લી પડાઈ છે.  મૃતકનો દીકરો, જેના પર વૃદ્ધ માતા અને નાના ભાઈ બહેનો ઉપરાંત કસુવાવડમાં પડેલી અશક્ત પત્ની એમ સૌની જવાબદારી છે, એ ’કેશુ’ આમ તો ક્રાંતિકારી પાત્ર હોવાનું વખતો વખત જણાય છે. જે કુરૂઢિઓ, કુરિવાજો પાછળ થનારા ખોટા ખર્ચાનો વિરોધ કરવા પણ પ્રયત્નશીલ છે. પરંતુ પોતાની ઘરડી માતાનું મન રાખવા તેને કહુલે (ધરાર !) ઢસડાવું પણ પડે છે. અહીં મને બુલેશા નામક સૂફી કવિની રચના યાદ આવે છે. ’બેશક મંદિર મસ્જિદ તોડો….પર પ્યાર ભરા દિલ કભી ન તોડો..’ હવે આપણને અરધું પરધું સમજવાની આદત પડી ગઈ છે ! મંદિર મસ્જિદ તોડવા વિષે તો આપણે હોંકારા પડકારા કરતા પહોંચી જઈએ છીએ (તો જ સુધરેલા કહેવાઈએ ને !) પણ ક્યારેક પ્યાર ભરા દિલને ન તોડવા ખાતર મંદિર મસ્જિદ બાંધવા પણ પડે છે એ વાત સગવડ પૂર્વક બાજુ પર મેલી દઈએ છીએ !! કેમ, શાહજાહાંએ પ્યાર ભરા દિલને સાચવવા તાજમહાલ ન બાંધવો પડ્યો ?! પણ આ બધી સગવડની વાત છે. બાંધવામાં બહુ મહેનત હોય છે, બહુ જફાનું કામ છે, અને એ જફામાં પડવા કરતાં આ ’તોડવા’નું કામ સહેલું ! વગર જફાએ ક્રાંતિકારીઓમાં નામ પણ આવી જાય !!

અહીં ગામડેથી કોઈ વડીલનો પત્ર આવ્યો છે જે વાંચી સંભળાવવા કંકુમા કેશુને કહે છે ત્યારે બાવીસ વરસના એ દીકરાનો મિજાજ ફાટી જાય છે અને તે કહે છે : ’બીજું શું લખ્યું હોય ! ભાઈજીને અને ગામની ન્યાતને તો ઝટ મારા બાપના લાડવા ખાવા છે. હજુ ચાર દિ‘ થયા. હજુ ચિતા તો બળે છે મારા બાપની, ત્યાં તો સૌના મોંમાં પાણી છૂટ્યાં છે કારજ ખાવાનાં !’ બોલો આ છોકરો એ જમાનામાંએ કારજ જેવી કુરૂઢીઓના લાભાલાભ સમજતો હતો ને ? અમારે ઘણાં લોકસાહિત્યકારો કહે છે કે, દુઃખ તો સમજણાનું હોય, અણસમજુનું તો વળી દુઃખેય શાનું કરવું. અહીં પણ આપણી ચોટલી ખીટો એ વાતે જ થઈ જાય છે કે આવડો આ કેશુ બધું સમજતો છતાં ખરચાના ખાડામાં ઊતર્યો અને ઘરબાર વનાનો થયો ઈ કેવી સમજણ ? પણ પછી એમ પણ થાય કે સમજદારની સમજણ ઠેરની ઠેર પડી રહે અને સમજવા છતાં અણસમજાઈ કરવી પડે ત્યારે જ તો કથા રચાય છે. બાકી અણસમજુનાં તો ઓરતાયે શા કરવા ! (ઓરતો કરવો = દુ:ખ લગાડવું) જુઓને દુર્યોધન સમજતો જ હતો ને કે આ હું કરું છું એ અધર્મ છે, પણ સમજવા છતાં છોડી નથી શક્યો ત્યારે તો મહાભારત રચાયું ! માત્ર સમજદારી કંઈ કામ નથી આવતી, સાથે સંજોગ પણ થવો જોઈએ. પણ મહદંશે જોવા એવું મળે છે કે સમજદારી હોય ત્યાં સંજોગ નથી થતો અને સંજોગ હોય ત્યાં સમજદારી ફરકતી નથી ! આ પ્રકારે કરવા પડતાં કામોને કાઠિયાવાડીમાં “કહુલે” (પરાણે; વગર ઇચ્છાએ; નછૂટકે. – ભ.ગો.મં.) કરાતું કામ કહે છે. અને ભાઈ, અમે તો ભલે દિવાળીયુ ઝાઝી ન જોય હોય પણ વખાના માઇરા ફટાકડા બવ ફોઇડા છે ! ઘણાંક શૂરવીરોને વખત આઇવે આઠડા થઈ જતા જોયા છે !!

અમારે એક વેપારી વડીલ, વાતુમાં કોઈને પૂગવા ન દ્યે. છાપાંમાં સમાચાર વાંચે કે આજે સાવજે બે બળદનાં મારણ કીધાં ને આજે સાવજે એક ખેડુ પર હુમલો કરી ઘાયલ કીધો. તી આ વડીલ સવારમાં ચા નો કપ ચઢાવીને તોરમાં આવી જાય કે, ’શું ગાંગલી ઘાંચણ જેવા થઈ ગ્યા છો ! અરે ઈવડું ઈ સાવજડું વળી શું જોર કરે, કાનસોરીયેથી પકડીને ન તગેડી મેલાય ? માળા આ ખેડુય બધાય સાવ નમાલાં પડ્યા છે !’ તી અમારા મિત્ર રામભાઈ, આપણાં હિમ્મત આતા જેવા હિમ્મતવાળા જણ, એક દા વાડીએથી આવતા‘તા ને મારગમાં કાળો ભમ્મર કાળોતરો ભાળી ગયા. ઝપટ મારીને કબજે કર્યો ને નાંખ્યો સ્કૂટરની ડેકીમાં. દુકાને આવીને ઈવડા ઈ ને કીધો ડેકીમાંથી છૂટો ! વડીલને કહે : ’બાપા, સાવજ તો ગામમાં આવવા ન મંડાણો આ ઝીણહુરું પરડકું (નાના સાપને પરડકું કહે છે, બોલાય ’પરળકું’ કે ’પૈળકું’) હાથ આવ્યું છે ! આને કાન તો ન હોય પણ પૂંછડીથી ઝાલીને મેલી દ્યો પાછું મારા સ્કૂટરની ડેકીમાં ! તી તમારોય હરખ પૂરો થઈ જાય !’ પણ વડીલ માંડ્યા હળમાન ચાલીસા યાદ કરવા ! એટલે તો કીધું છે ને કે; વાતું થાય, બાકી જરાક અમથાં ધગતા તવેથાની ધાર અડી જાય તોય ’ઓય..મા !’ કરીને વાંભ એકનો ઠેકડો મારે ઈને પેટ શિવાજી ને રાણો પ્રતાપ ન પાકે ! ઈ તાં પાદર પાનનાં ગલ્લે ઊભા ઊભા મોંમાં ફાકીયુને ગુટકાનાં ડુચા ઘાલી બેનુ દીકરીયુંની ઠઠ્ઠા ઠોળ્ય કરવા વાળા જ પાકે !

આવી તો ઘણીક વાતુ છે, પણ અટાણે તો લ્યો વળી થડિયું ઝાલીએ; કેશુને કહુલે પોતાના બાપદાદાને ગામ જઈ અને બાપનું કારજ કરવું પડે છે. પૈસોટકો તો છે નહિ, પણ ગામમાં ચર્ચા એવી હતી કે કેશુના બાપ પાસે દસ હજાર રૂપિયાનો જોગ હતો ! આ કેશુને ય ભણેલી ગણેલી (ચાર ચોપડી !) વહુ મળી એ એજ દસહજારી હોવાના ’ભરમ’ને કારણે ! હવે એનો બાપ એક હિસાબની ચોપડી રાખતો અને એમાં સઘળો નાણાં વહીવટ લખ્યો રહેતો એની જાણ કેશુ અને ગંગામાને હતી તો ખરી પણ બાપનાં મૃત્યુનાં સમયગાળામાં જ એ ચોપડી ક્યાં ગુમ થઈ ગઈ એ સદાને માટે અણઉકેલાયું રહસ્ય બની રહે છે. જો કે આપણને એ વાતનો અંદેશો તો આવે છે કે આ દસ હજાર વાળી વાત તમાચો મારીને ગાલ રાતો રાખવા જેવી હોય તો પણ ના નહિ ! જમાનો ત્યારનો હોય કે અત્યારનો, ’એક નૂર આદમી, હજાર નૂર કપડે’ એ કહેવત તો બધે જ લાગુ પડે છે. બીજી એક કહેવત પણ યાદ આવી, ’નાણાં વગરનો નાથિયો, નાણે નાથાલાલ’. અડધો ડઝન છૈયાં છોકરાંઓને વરાવવા પરણાવવા હોય તો દસ હજારીયા દેખાવું પણ પડે ! પણ એમાં આ કેશુ જેવા કો‘ક હલવાઈ મરે ! બાપના કારજમાં ધામધૂમ ન કરે તો કે‘વાય કે દીકરો કપાતર પાક્યો, બાપ ખાંડી એક રૂપિયા મેલી ગયો પણ આ કપાતરે બાપ પાછળ ફદિયુંયે વાપર્યું નહિ ! અને ધામધૂમ કરે તો, ક્યાંથી કરે ??   

અને આ ગંગામાને પણ પોતાના ધણી હાર્યે કૂતરા-બિલાડા જેવો સ્નેહસંબંધ હતો ! પણ છતાંય એ બિચારાં કેશુના બાપની સદ્‌ગતિ સારુ મથે છે !! આ કેશુની વહુ ચાર ચોપડી ભણેલી ખરી પણ વે‘વારુ ગણતર કંઈ ના મળે ! કારજના ખરચ સારુ બા (ગંગામા) વહુના અંગ માથે ઓપતી એકમાત્ર મગમાળા માગી લેવાનું કહે છે અને કેશુ વહુ કને ઈ માગવા જાય છે ત્યારે કેશુનાં મનમાં પ્રબળ ઇચ્છા હોય છે કે પોતાની વહુ ઈ મગમાળા ઉતારી આપવાની ચોખ્ખી ના ભણી દે ! પણ વહુ તો અંદરના ઓરડે બેઠી બાની વાત સાંભળી ચૂકી હોય છે ને અગાઉથી જ મગમાળા ઉતારી કેશુને આપવા તૈયાર ઊભી હોય છે. (હવે કદાચ આવી, ગણતર વગરની, વહુઓ નહિ થતી હોય !) કેશુને પોતાની વહુની આ અવાચક અધીનતા કરુણ લાગે છે. આગળ આ જ પ્રસંગમાં એ વહુને કહે છે કે : ’તારાથી એકાદ માસનો આ કુટુંબવાસ સહન થશે ? તને રોતાં કૂટતાં આવડશે ?’ ત્યારે વહુ ફિક્કા મોં એ જવાબ આપે છે : ’મહેનત કરીશ’. અહીં રોવા કૂટવાના રિવાજને કુરિવાજમાં કેમ ખપાવવો પડે છે તેનો સહેજસાજ ચમકારો મળી રહેશે. પોતાનું સ્વજન ચાલી ગયાનું સહજ દુઃખ તો કોને ન થાય ? અને કોણ એવું કઠોર હોય જેની આંખમાં પાણી ન આવે ? અરે જ્યારે પણ એ સ્વજનની યાદ તાજી થાય ત્યારે આંખમાં પાણી આવે. આ સહજધર્મ છે. એમ ન થાય એમ કહેનારો દંભી છે, કાં ખોટાડો છે, અને કાં અનાસક્તિ યોગનું જ્ઞાન પૂરેપૂરું પચાવીને બેઠેલો કોઈ સંત છે ! આપણે તો સામાન્ય માણસો છીએ. રડવું, કકળવું એ બધી એક સહજ અને સ્વાભાવિક ઘટના છે. જો કે ક્યાંક કોઈ બુદ્ધિશાળી જનને એમાં પણ ગમારપણું દેખાય ! હોય એ તો, પણ અહીં એ રોવા કૂટવાની વાત છે જેના માટે “મહેનત” કરવી પડે છે ! આ રડવું, આ કૂટવું, એ કુરિવાજ નહીં તો બીજું શું ? મેં સાંભળ્યું છે કે ક્યાંક ક્યાંક તો આવું રોવા કૂટવા માટે ભાડેથી સ્ત્રીઓને બોલાવવામાં પણ આવતી. (એક ચલચિત્ર ’રુદાલી’ આ વિષય પર સારો પ્રકાશ પાડે છે) અહીં આ કથામાં આપને આ કુરિવાજ અને તેના લાભાલાભ વિશે ઘણું જાણવા મળશે.

ડાયરાને એક ચોખવટ, આ “લાભાલાભ” શબ્દ મેં બીજી કે ત્રીજી વખત વાપર્યો, પણ સમજીને વાપર્યો છે. કેમ કે, કોઈ પણ પ્રથા જો માત્રને માત્ર અલાભકર્તા હોય તો ટકી કેમ રહે ? ચાલો માન્યું કે એ પ્રથા, એ કુરુઢી, એ કુરિવાજ, ઘણાંને માટે હાનિકારક હશે, પણ થોડા (કે ઘણાં) એવા પણ હશે જેને માટે લાભકારક હશે ! આ કારજમાં મીઠાઈ ખાવા મળશે એનો આનંદ ગામનાં બૈરાંઓને, પુરુષોને અને ખાસ તો છોકરાંઓને કેટલો છે એ પણ આપ આ કથામાં વાંચશો. અને નિશાળિયાવને તો વળી જો કારજ રજાના દિવસે ન રખાય તો એક દહાડાની છુટ્ટી મળશે એવો બમણો હરખ ! મને યાદ છે કે હું ભણતો ત્યારે અમે રાહ જોઈને બેસતા કે દેશનો કોઈ મોટો નેતા મરે ને કાં ગામનો કોઈ મોટોમાણહ મરે, છેલ્લે કંઈ નહિ તો નેંહાળનો એકા‘દો માસ્તર મરે તો ભારે મજા પડે ! એક દહાડાની છુટ્ટી !! આ કારજનું ખાવા ન જાવું ઈવો વળી અમારા અણસમજુ વડીલોએ પાડેલો કુરિવાજ, તે અમને કારજ ખાવાના લહાવા તો ન મળે !!! બસ આ છુટ્ટીની ઝંખના ખરી ! શાસ્ત્રો તો બહુ પછી કંઈ કંઈ જાણ્યા, પણ મૃત્યુને (કો‘કનાં !) મજાક સમજવાની કે ઉત્સવ ગણવાની આદત તો આમ ભણતા ઈ જમાનાથી પડી ગઈ ! હવે તો પાકી ખાત્રી થઈ ચૂકી છે કે સરકાર મહાનુભાવોની પુણ્યતિથિની જાહેર રજાઓ રાખે છે કે કોઈ મહાનુભાવનું દુઃખદ અવસાન (અહીં એક ન સમજાતી વાત, અવસાન આગળ દુઃખદ લખવું ફરજિયાત છે ? કદાચ કોઈ કોઈ અવસાન સુખદ પણ હોતાં હશે ને ?) થાય ત્યારે રજા પાડી દેવી વગેરે પાછળ મૂળ ઉદ્દેશ તો એ જ કે, વિદ્યાર્થીકાળથી જ સૌને શાસ્ત્રોનું ગહન જ્ઞાન પ્રાપ્ત થાય !

ખેર, હવે લાંબી કથા નથી કરવી. આપને એમ થતું હોય કે જાણે મેં આખી કથાનો સાર અહીં કહી જ દીધો છે, તો ખતા ખાવ છો ! મેં તો અહીં દશમાં ભાગનુંએ નથી ચરચયું, બાકીનું નવ ભાગનું તો આપે વાંચી અને વિચારવાનું છે ! તો, લિંક નીચે આપી જ છે. અને સૌથી સારી વાત એ છે કે વિકિસ્રોત પર “પ્રતિભાવ” જેવી કોઈ પ્રથા (કુપ્રથા !) રાખી જ નથી ! એટલે આપે વાંચ્યા પછી વખાણ કરવાની મહેનત નહિ લેવી પડે ! પણ અહીં તો પ્રતિભાવનું ચોકઠું છે જ ! બર્નાડ શૉ એ કહેલું તેમ, સાચા નહિ તો ખોટેખોટા, પણ વખાણના બે શબ્દો લખશો ખરા !  🙂 (અરે ભ‘ઈ નવલિકાના નહીં, અમારાં !) ધન્યવાદ.

* કેશુના બાપનું કારજ –  (સંપૂર્ણ નવલિકા, વિકિસ્રોત પર)

* મેઘાણીની નવલિકાઓ (ખંડ ૨)   (પુસ્તક, વિકિસ્રોત પર)

28 responses to “ડાયરો – કેશુના બાપનું કારજ

  1. હું તો સાચાં વખાણ કે ખોટાં વખાણ, બન્ને નહીં કરૂ! હાથ કંકણને આરસી કેવી? મારા અરીસા (કૉમેન્ટ)માં જોઈને તમને કોઈ આંકશે ખરૂં? મારા અરીસામાં દેખાય છે એટલે સારૂં, એમ કોઈ કહેશે? હું તો નહીં કહું.
    ઘણા વખતે આવ્યા. જય હો!

    Like

    • ધન્યવાદ દીપકભાઈ.
      હમણાં વિકિ પર સૌ મિત્રોએ થોડું કામ ઉપાડ્યું અને તેમાં યથાશક્તિ, ફૂલ નહિ તો ફૂલની પાંદડી જેવું, યોગદાન આપવામાં આનંદ પણ બહુ આવે છે. અહીં પણ સૌ મિત્રોના બ્લોગ વાંચી આનંદ તો આવે જ છે સાથે ઘણું ઘણું વિચારવા પણ મળે છે. પણ હમણાં કોમેન્ટ્સ કરવામાં લોચા થાય છે (ખાસ તો સ્પામમાં જ જાય છે) તે બહુ જામતું નથી. એટલે પછી કરવાની કોમેન્ટ્સ લખી ને મારા કૉમ્પ્યુટરમાં જ રાખી દઉં છું ! ક્યારેક એ પણ એકસાથે રજૂ કરીશ. આભાર.

      Like

  2. અશોક”જી” અહો હો…બાપુ બાપુ… જમાવટ કરી હો .. ડાયરામાં હાંકોટા પડકારા માટેના જેટલા શબ્દપ્રયોગો હોય એ બધા ઓછા પડે ભાઇ ભાઇ… મારા તરફ થી જો નવી ઉપાધી[પદવી] આપવી હોય તો હવે જરુર આપી શકાય અશોક”દાન”.

    Like

    • ઓ..હો..હો..હો !! એલા, એક “દાન” સાચવવો પણ ભારે પડે છે ત્યાં બીજો ક્યાં ઊભો કરે છે !!! “એમાં શું છે કે, હું ગઈકાલે સવારે ઊઠ્યો, દાતણ કરવા ગયો, ………” ઓળખાણ પડી ?? (અન્ય મિત્રોને સમજૂતી માટે : અમારો એક મિત્ર છે, “દાન”, એને પુછો કે અત્યારે અહીં આવવામાં કેમ મોડું થયું ? તો એ ઉપર લખ્યું ત્યાંથી શરૂઆત કરે !!! 🙂 )

      Like

  3. પણ મહદંશે જોવા એવું મળે છે કે સમજદારી હોય ત્યાં સંજોગ નથી થતો અને સંજોગ હોય ત્યાં સમજદારી ફરકતી નથી !
    ————-
    પરફેક્ટ વાત
    (તમે ઠિયાવાડી બોલી લખો તાંણે ન્યાં કણે ચપટીક અમેરિકી લખવી પડે !)

    બીજી પણ ઘણી મજેની વાતો લખી દીધી – મજો આવી ગિયો. પણ મજા ખાતર જ સર્ફિંગ કરવાનું હોય ને?-
    શેઠની શિખામણ …..

    Like

  4. કેશુના બાપના કારજ વાળી નવલ કથા તો વાંચવીજ પડશે
    બીજું તું ના પાડીશ તોય તારા વખાણ તો કરવાજ પડશે .આટલું સરસ વાંચન તું લોકો આગળ પીરસે .અને તુને ઉત્સાહ પ્રેરક પ્રશંશા થી નવાજુ નહિ . તોતાં મુને નો ગમે, અને ઇતાં તુને ખબર છે કે આપણા લોકુને ખોટાં વખાણ કરવાનું નેથ ગમતું . આવું આવું સરસ સાહિત્ય પીરસતો જા અને મારા જીવા આતાઓને તાજગી બક્ષતો જા અને તારી જવાનીને દીપાવતો જા લે તુને એક નવી ગઝલ વાંસવા દાં હજે આતો જુવાનીયોથી જાય ઈવી નેથ
    फिर तेरी डोली उठेगी जान निकल जानेके बाद અનુકુળતાએ હું આ ગઝલ “આતાવાણી” માં મુકવાનો છું. ડોલી = નનામી કામિલ = ઋષિ જેવો જ્ઞાની પુરુષ
    આલા= ઉચ્ચ ખયાલ =વિચાર
    कोई नहीं अफ़सोस करेगा थोड़े दिन बीतने के बाद …..१
    खर्च किया वो धन था तेरा धन कमालेनेके बाद
    बाकि धन खर्चेगा कोई तेरे मरजाने के बाद …..२
    मोजसे जिन्दगी बसवर कर नहीं आना जानेके बाद
    दुनिया छोडके जो गया है नहीं आया जानेके बाद …..३
    “आता ” तू कामिल बनेगा आला ख्याल रखने के बाद
    लोक आदर फिर करेंगे कामिल हो जाने के बाद …..4

    Like

    • “कोई नहीं अफ़सोस करेगा थोड़े दिन बीतने के बाद” — વાહ આતા વાહ ! ક્યા બ્બ્બાત !
      ’આતો જુવાનીયોથી જાય ઈવી નેથ’ – અરે હજી તાં આતો જુવાનીયાવને બેય બગલમાં દબાવેને ગામના ચાર ચક્કર મરાવે દે ઈં સે. ખમ્મા મારા આતાને.

      Like

  5. tamne salam bhai biju to shu kahi shakai! Sitaram

    Like

    • શ્રી.મહર્ષિભાઈ, આભાર.
      મિત્રો, આ અમારા મહર્ષિભાઈ, જેઓ અમારી આ ’મેઘાણીની નવલિકાઓ’ પરિયોજનાનું સુંદર સંચાલનકાર્ય કરે છે. તેઓએ જર્મની બેઠા આવી સુંદર ’પ્રકાશનાધિકારમુક્ત’ કૃતિ શોધી અને અમને સૌને તેનાં પ્રકરણો મોકલવા,અમારી ટાઈપીંગ ક્ષતિઓ શોધવી, સૌ મિત્રોને પ્રોત્સાહન આપવું, વાંધા-વચકાઓનું નિરાકરણ કરવું, કાર્યની વહેંચણી કરી અને સમગ્ર પરિયોજના સુપેરે ચાલે તેનું ધ્યાન રાખવું જેવી જવાબદારી વહન કરે છે. પ્રશંસનીય કાર્ય. ધન્યવાદ.

      Like

  6. ભાઈ અશોક,

    કથા તો હજી વાંચું ત્યારે ખરો…કદાચ ભુતકાળે વાંચી જ છે કારણ કે મેઘાણીબાપાનું કાંઈ બાકી તો રાયખું જ નથી. પણ…

    પણ તમારું લખાણ (વખાણ ન કરવાની શરતે ?) કદાચેયને માથા કરતાં મોટી પાઘડી જેવું હોય તોયે નીરાંતે વાંચવા–વાગોળવા જેવું છે. હજી આજેય મને તો મેં તમને વાડલામાં બેઠાં કરેલો તે જ સવાલ યાદ આવી જાય છે કે તમારું બૅકગ્રાઉન્ડ શું ?!

    તમારું લખાણ બે રીતે ભરચક્ક છે :

    ૧) એમાં ભરપુર માહીતી ને ભાષાનો વૈભવ ભર્યો છે. એમાં વાર્તાના નીમીત્તે તમારું વાચન, તમારું ચીંતન, તમારી નીરીક્ષણશક્તી, તમારા નીરાળા વીચારો વગેરે ખજાનારુપ છે. અને

    ૨) આ બધું એક કોથળામાં ભરેલા જેવું લાગે છે. તમારા કૌંસમાંનાં વાક્યોમાં દરેકમાં એક એક વીષય પડેલો છે ! દરેક અવતરણોમાં તમારું વાચન ડોકાય છે; દરેક સંદર્ભે તમે મૌલીકતા પ્રગટ કરી છે. (હજી વધુ લખી શકાય પણ એટલા માટે જરુરી એવી ધીરજ નથી –(તમને જવાબવાની ઉતાવળને લીધે !)

    તમારા ગ્રુપ દ્વારા થતું કામ મેં નજરે જોયું જ છે એટલે એને માટે તો લખીએ એટલું ઓછું પણ એક વાત તો કહેવા જેવી છે જ કે તમે તમારા વાચન–ચીંતનને આ પાનાંઓ પર વધુ ને વધુ ઉતારવા માંડો. તમારો પ્રેમાળ પરીવાર, તમારું મજાનું આંગણું ને તમારા વીચારવંત વડીલ – આ સૌ તમને બળ પુરું પાડનારાં છે. તમારા વાચકો (તમારી વાચનયાત્રાના સહયાત્રીઓ) પણ તમારી ભેર્યે છે. ધ્રુવ ભટ્ટે અકૂપારમાં જેમ ભાષાનું મહત્ત્વ આંકી બતાવ્યું છે તેમ તમે પણ આતાઈની જેમ બોલીને ઉજાગર કરો. ક્રીયાપદોમાં આગળ ‘ય’ને મુકી દેનારી જુનાગઢી બોલીનો ટહુકો પ્રચલીત કરવા રેખો છે. મેં તો છ વરસ આ બોલીને આકંઠ પીધી છે.

    હા. એક વાત આજે યાદ આવી ગઈ તેય કહી દઉં. (આતા, તમે સાંભળો છો ને ?) જુનાગઢ આસપાસનાં ગામડાંઓમાંથી દુધની કાવડો લઈને વહેલી સવારે રબારી લોકો નીકળતા ત્યારે જે મોટા અને લાંબા રાગે ગાતા તે શું ? એમાં વ્યંજનો સાંભળ્યા નથી !! ફક્ત સ્વરો જ હોય જાણે તેવા એ સુરો શેના હશે ? મને કોકે કહેલું કે કૃષ્ણે વાંસળીમાં જે સામવેદ ગાયેલો તેનું જ એ કોઈ રુપ છે ! એ ગાનનું નામ તો ખબર હતું, ભુલાઈ ગયું છે. પણ એનો પ્રકાર, એનો સાર વગેરે અંગે તમે વીગતે આપી શકશો.

    જુનાગઢ જીલ્લાએ મને બે બાબત પહેલી વાર આપેલી તેમાં એક આ વહેલી પરોઢનું ગાન અને બીજી તે કોયલનો ટહુકો. કોયલને જીવનમાં પહેલી વાર મેં શાપુરમાં સાંભળેલી !!

    તમારા લખાણ માટે મેંય મોટી પાઘડી વીંટી દીધી છે…પણ છુટકો નો’તો !

    Like

    • શ્રી.જુ.ભાઈ, આભાર.
      પરથમ તો આપની ’માથા કરતાં મોટી પાઘડી બંધાવાની’ ટકોર સરઆંખો પર ! લાઘવ એ બહુ અઘરું કામ છે. આપે મને ’અણુનિબંધ’ લખવા સૂચન કરેલું છે, પણ એમ આવડી જાય તો તો પછી જોઈએ શું ? હવે એક દા, નિરાંતવા, આપનાં ચરણે બેસી એ શિક્ષણ લેવું તો છે જ. હજુ તો સાહેબ મેં ઉત્સાહભેર લખેલા સમગ્ર લખાણને કાપીકૂપીને લગભગ ત્રીજા ભાગનું અહીં ઉતાર્યું ! આજે જ ભ.ગો.મં. પર એક શબ્દ ધ્યાને ચઢ્યો; “નિબંધીકા” (નાનો નિબંધ; હળવી શૈલીનો નિબંધ; મુદ્દાસર લખાયેલ નાનો લેખ; નિબંધનું લઘુતાવાચક રૂપ. જે નિબંધ થોડી વારમાં વાંચી લેવાય એવો હોય તેને માટે નિબંધિકા શબ્દ વપરાય છે. – ભ.ગો.મં.) તો આપનો વિદ્યાર્થી ગણી મને એ જણાવવા વિનંતી કે આ ’લેખ’ ને “નિબધિકા” ગણી શકાય ?

      બાકી લખાણમાં ઘણી ઊણપ છતાં આપ સમા વડીલ મિત્રો જરૂરી પ્રોત્સાહન આપી અમારો ઉત્સાહ વધારે છે (અને જરૂર પડે ત્યાં કાન પણ ખેંચે છે) એ અમારું સદ્‌ભાગ્ય છે.

      આપે રબારી લોકોનાં લાંબા સૂરના ગાયનની વાત કરી, મારી પાસે તેનું થોડું રેકોર્ડિંગ છે. મોબાઈલમાં છે પણ શક્ય બનશે તો આપને મેઈલ કરીશ. હું ભૂલતો ન હોઉં તો તેને “સરજૂ” કહે છે. જેમાં આપે જણાવ્યું તેમ માત્ર સ્વરનો આરોહ-અવરોહ હોય છે. વધુ તો હું જાણતો નથી. મારી પણ આતાને વિનંતી કે આ વિષયે કંઈક જણાવે. ભ.ગો.મં. આ વિશે માત્ર એટલું જ જણાવે છે કે; “ચારણી ગીત; રબારી લોકો માતાજીના છંદ ગાય છે તે. સરજૂઓ એ સ્તવન કાવ્યો છે અને વેદમંત્રોની પેઠે અનધિકારીઓથી ગુપ્ત રાખવા માટે તેમાં હા-હે-હૂ-હે એવા સ્વરોની પૂરણી કરેલી છે. ”

      અત્યારે આટલું રાખું ?! આપ સમા મિત્રો ને આવો રઢિયાળો ડાયરો, પછી વાતુ તો ક્યાં ખૂટે એમ છે ! ધન્યવાદ.

      Like

      • ઉમાશંકરભાઈના પુસ્તક ‘શૈલી અને સ્વરૂપ’માં નિબંધ ઉપર ૨૫ પાનાંનોલેખ છે !! એના ટેગરુપે નર્મદનું વાક્ય લખ્યું છે : “નિબંધ લખવા, જેવી તેવી વાત નથી.” પછીના પહેલા જ ફકરામાં લખે છે : “મને અંગ્રેજ પ્રજા ત્રણ વસ્તુઓ માટે ગમે છે…” જેમાં લોકશાહીનું ખમીર, કવિતા પછી ત્રીજું તે “એણે નિબંધનો જે કલાપ્રકાર ખીલવ્યો છે તે”

        ભ.ગો.મં. મુજબ ભલે લખ્યું હોય કે ‘મુદ્દાસર લખાયેલો નાનો લેખ’ પરંતુ મને લેખ અને નીબંધમાં મોટો ફરક જણાય છે. ક્યારેક ઉ.જો.નો આધાર લઈને એ વીષયે લખવા મન છે. પણ લેખમાં માહીતીનું પ્રાધાન્ય હોય અને નીબંધમાં લાલીત્ય મુખ્ય હોય તેવો મારો ખ્યાલ છે. અણુનીબંધમાં લખાણ કોઈ એક જ કેન્દ્ર પર રહીને વસ્તુને લાલીત્યસભર બનાવીને પ્રગટાવે.

        “બોગનવેલની જેમ એક ડાળીમાંથી બીજી બે ફૂટે અને એ બેમાંથી વળી ચાર !” તમારા આ વાક્યમાં જે બતાવાયું છે તેમ અણુનીબંધને ડાળી ન હોય. સીધો એક નાનકડો છોડ ને ઉપર ફુલનો ઝીણકુકડો ગુચ્છો !! તમે તમારા મીત્રોની કે સંબંધીની કોઈ એક જ વાત પર લલીતનીબંધ લખી શકો ! એમાં માહીતીનો ભાર ન હોય, તમારા મનને ઝંકૃત કરતી કોઈ સંબંધલીલા માત્ર એમાં હોય.

        તમારી પાઘડીને મેં મોટી તો કહી છે પણ નકામી નથી કહી તે યાદ રાખજો ! આંયાં તમે જે પીરસ્યું છે તે નીબંધ ન હોવા છતાં તેનું મહત્ત્વ ખુબખુબ છે. ફક્ત તેના દરેક પાસા ઉપર વીભાગ વાર જવાનું કે દરેકને અલગ મુકીને તમારા માહીતીભંડારને ક્યારેક ક્યારેક ન્યાય આપવાની એ અપીલ છે તે ધ્યાને લેશો.

        તમારી યાત્રા ફક્ત વાચનયાત્રા નહીં, એ ચાવનયાત્રા પણ છે !! હાંકલા ને હોંકારા દેતા જ રહેજો !

        અને હા. સરજુ શબ્દ યાદ આવી ગયો. ક્યારેક એનુંય હાથ પર આવે તેવું ઈચ્છીએ.

        Like

        • જુગલભાઇ તમે તો શબ્દોના કસબી છો! વાચનયાત્રાને બદલે ચાવનયાત્રા! આ શબ્દ ગુજરાતી શબ્દ્કોશમાં ઉમેરાવો જોઇએ.

          પણ અશોકભાઇએ અહીં જે લખ્યું છે તેને હું લલિત નિબંધ કહેવાને બદલે સરિતનિબંધ કહીશ. એ નદીની જેમ ખળખળ વહેતો સંભળાય છે. એ લખેલા અક્ષરો કે શબ્દો નથી. એ વેણનું વહેણ છે. વેણવહેણ નામ પણ આપી શકાય.

          Like

          • એટલે જ તો મેં એમના લખાણ માટે લાંબો ફેંટો વીંટ્યો હતો…માથા કરતાં પાઘડી ને લેખ કરતાં એમને વીશેનું પીષ્ટપેષણ મોટું !

            એમને મેં પુછેલો સવાલ “તમારું બેકગ્રાઉંડ શું ?” પાછળ પણ આ જ હેતુ હતો. મને એમનાં લખાણોથી શંકા થયેલી કે તેઓ સાહીત્યના માણુસ હશે ! જવાબમાં એમણે કહેલું કે તેઓ તો સાદા ગ્રેજ્યુએટ છે ! અને રહસ્યનો ખુલાસો કરતાં તેમણે કહેલું કે તેમના દાદાએ તેમને છાપાંનાં કટીંગો વંચાવીને વાચનરસ જગાડેલો ! પછી તો પુસ્તકોના વાચનમાં એમણે પાછું વળીને જોયું નથી…

            એમનું લખાણ મેં ટપાર્યું છે તે નદીની પ્રવાહીતા સાથે એમાં વીષયવાર કે તબક્કાવાર પલટા આવે તેમ તેને પ્રગટાવે. આપણાંમાંનાં કેટલાંક કોમેન્ટેટર્સનાં લખાણો જોશો તો ખ્યાલ આવશે કે વસ્તુ બહુ કીમતી મુકાઈ હોવા છતાં ઘણી વાર તો તે બધું એટલું બધું ગીચમગીચ હોય કે ક્યારેક કહેવાનું સમજાય પણ નહીં ! પેરેગ્રાફ અંગેનો મારો એક લેખ પણ હતો જેમાં મે કેટલુંક દર્શાવ્યું છે. જુઓ અહીં ફકરા ઉપર પણ કેવડો ફીરકો મેં વીંડ્યો છે તે !! –

            ફકરા (પેરેગ્રાફ)ની ફીકર !

            Like

            • આપની અને દીપકભાઈની પાસેથી ઘણું નવું શીખવા મળે છે. માન.જુ.ભાઈ જેવા શિક્ષક છેક હવે મળ્યા ! પણ હું એ થાક્યા વના, પાકે ઘડે કાંઠા ચડાવું એવો છું !! બસ મને શરમ ભર્યા વિના ટપારવા વાળું કોઈક જોઈએ. અને આપ સમા મિત્રો, પ્રેમે ભરીને, એ શ્રમ લો છો એ મુજ અજ્ઞાનીનું ધનભાગ્ય.

              વાત નીકળી એટલે કહું; આપનો ફકરા વિશેનો આ લેખ વાંચીને જ મને એ વિશે યોગ્ય સમજણ મળેલી. જો કે મારા ફકરાઓ વળી લાંબા હોય, પણ સુધારાની પ્રક્રિયા સતત ચાલતી જ રહેશે.

              તો આ (ઉપર છે એ) લેખને તો “ડાયરો” એવી ઓળખ જ વાજબી લાગશે. નિબંધ પ્રકાર ભલે અઘરો પડે પણ હું પ્રયત્ન કરતો રહીશ. સચોટ નહિ તો પાસ માર્ક જેવો નિબંધ શીખવા પ્રયત્ન જરૂર કરીશ. બસ આપ સમા વિદ્વાન મિત્રોનું માર્ગદર્શન અને આશીર્વાદ (અને ઠપકાઓ પણ !) મળતાં રહે.

              ’ચાવનયાત્રા’ અને ’વેણવહેણ’ જેવા શબ્દો બદલ આભાર.

              Like

  7. ઓહોહો હું રુડી ભાત્યનું લખ્યું છે ને કાઈ – લ્યો ત્યારે હવે હાચા ખોટા વખાણ કરીને વંજો માપીએ.

    Like

    • પછી એક દહાડો મારા નેટવર્કે રૂસણું લીધું ! એટલે આપને મળવું એટલું મોડું થયું. ક્ષમા.
      આપનો આભાર, પણ આમ હળકવળક ડાયરે આવવું અને વંજો માપવો ઈ ડાયરાનો કાયદો નથી !! જો કે આપે સુંદર મજાનો રુઢિપ્રયોગ યાદ કરાવ્યો. વંજો = ખપાટિયાંની મોટી ભારી. કદાચ આવું સમય માગી લેતું કામ કરવા જવાની ઉતાવળ હોય તેથી ત્વરાએ નીકળી જવું પડે એ સ્થિતિને માટે કહેવાયું હશે; ’વંજો માપવો’ = વિદાય થવું.

      આનંદ થયો. ધન્યવાદ.

      Like

  8. શ્રી અશોકભાઇ,

    આપના લખાણ અને વાંચન વિશે તો હવે કંઇ કહેવાનું રહેતું જ નથી. હવે તો વધુ ને વધુ લાભ મળે તેવી જ આશા અને આતુરતા રહે છે.

    મને આવી નવલિકાઓ વાંચવાનું ખૂબ જ ગમે છે. આવી વાર્તા કે નવલિકા દ્વારા જે તે સમયની સામાજિક પરિસ્થિતિનું એક ચિત્ર જોવા મળે છે.

    ખૂબ ખૂબ આભાર.

    Like

    • શ્રી મિતાબહેન, ધન્યવાદ. બહેન આમ વારે તહેવારે ડાયરામાં પધારતા રહેશો. અમારો ઉત્સાહ વધે.

      આ નવલિકા ઉપરાંતની અન્ય નવલિકાઓ પણ સમય મળ્યે વાંચશોજી. લેખમાં લિંક આપી જ છે. દરેકમાં જે તે સમયની સામાજિક પરિસ્થિતિઓનું, લગભગ લગભગ, તટસ્થ ચિત્રણ મળશે. મારા ભાગે નવું પ્રકરણ “લાડકો રંડાપો” આવ્યું છે. હજુ પૂર્ણ નથી થયું પણ બે‘ક દહાડામાં પૂર્ણ થશે. દુખિયારી સ્ત્રીનું કરુણ ચિત્ર તો છે, પણ સાથે ક્રાંતિકારી ઉકેલ પણ છે. (જો કે ક્રાંતિકારી એ સમયના સંદર્ભમાં, હવે તો કદાચ તેમાં કશું ક્રાંતિકર ન દેખાય. પણ મેઘાણીજીની લાંબી દૃષ્ટિ પર આપણને માન જરૂર થાય.) વાંચવા લાયક છે. આભાર.

      Like

  9. અમે તો ડાયરાના એવા ભાગ લેનારામાં ગણાઇએ જેનું કામ ચા પાણિના ભ્રેલા પ્યાલા લાવવાનું અને ખાલી થયેલા પ્યાલા પાછા લઇ જવાનું. હા, એની સાથે ડાયરામાં થતી વાતું સાંભળવાની મજા પડે એ નફામાં.

    Like

  10. શ્રીમાન. અશોકજી સાહેબ

    સરસ, ખુબ જ સરસ

    આવી નવલિકાઓ વાંચવાનું ખૂબ જ ગમે છે. આવી વાર્તા કે નવલિકા દ્વારા જે તે સમયની સામાજિક પરિસ્થિતિનું વર્ન કરેલ છે.

    ” આપના પરિવારને મારા તરફથી હેપી રક્ષાબંધન “

    Like

  11. આદરણીય શ્રી અશોકભાઈ,
    બીજું શું લખ્યું હોય ! ભાઈજીને અને ગામની ન્યાતને તો ઝટ મારા બાપના લાડવા ખાવા છે.
    હજુ ચાર દિ‘ થયા. હજુ ચિતા તો બળે છે મારા બાપની, ત્યાં તો સૌના મોંમાં પાણી છૂટ્યાં છે
    કારજ ખાવાનાં !’ બોલો આ છોકરો એ જમાનામાંએ કારજ જેવી કુરૂઢીઓના લાભાલાભ સમજતો હતો ને ?
    આજે પણ સમાજના કુરિવાજો માટે ભલભલા ભાષણો અને ઉપદેશ આપે છે પણ જયારે એમનો સમય આવે
    ત્યારે એજ પ્રથાને વળગી રહે છે અને પાછા કહે આ નવી પ્રથા મારાથી શરુ ના કરાય.?
    સરસ લેખ માણવા મળ્યો
    કોમ્પ્યુટરમાં ખામી આવી હોવાથી સંદેશ પાઠવવામાં મોડો પડ્યો છું .

    Like

  12. નીયેમીત લખવું જોઈએ જેથી સંપર્ક તુટે નહીં. આ કારજના લૌકીક વ્યવહારમાં હું પાછળ રહી ગયો…

    Like

  13. અશોકભાઈ ,ખબર નહિ કયા બ્લોગ ને વાંચતા વાંચતા લીનક ના સહારે હું આ બ્લોગ માં આવી ચડી ,,અને ફાયદો શું થયો ખબર છે ? આ મેઘાણી સાહેબ ની નવલિકા વાંચવા ની લીનક તમે આપી ,,હવે તમારો બ્લોગ ફરી ક્યારેક વાચીશ પહેલા કેશુબાપા સોરી કેશુ ના બાપ નું કરજ વાંચી લઉં ,, આપ નો ખુબ ખુબ આભાર ,,,લીનક માટે ,, બાકી કોમેન્ટો આપના બ્લોગ વાંચ્યા પછી ,,

    Like

  14. મેઘાણીની ૧૧૬ વર્ષગાંઠ પર અહી એક સરસ મજાનો કાર્યક્રમ ભીખુદાન ગઢવીની નિશ્રામાં યોજાઈ ગયો એના વિષે લખવા બેસતો હતો અને થયું કે આજે ૧૮ દિવસે નેટ ચાલુ થયું કે હવે તમારા ઘેર આંટો મારી લઉં અને અહી મેઘાણીભાઈ હાજરા હજુર. એમનું લગભગ મોટાભાગનું સાહિત્ય મેં વાંચ્યું છે. આ વાર્તા પણ યાદ આવી ગઈ. આવું બધું વિકિસ્ત્રોત પર મુકવાનું વન્ડરફુલ કામ કરી રહ્યાં છો સાચે જ સાહિત્યની સેવા કોઈ અપેક્ષા વગર કરી રહ્યાં છો. ખૂબ ખૂબ ધન્યવાદ.

    Like

    • આભાર, બાપુ. એ તો ત્યાં વિકિસ્રોત પર સૌ ઉત્સાહી મિત્રો મળી ગયા છે. અને અમ જેવાને પ્રોત્સાહન આપી બનતી સેવાનો મોકો આપે છે તે વળી થાય એટલું કરીએ. હાલ મેઘાણીની નવલિકાઓનાં બીજા પુસ્તક (ભાગ-૧) પર કાર્ય ચાલે છે. (અમે ઉંધા ચાલેલા ! ભાગ-૨ પ્રથમ ઉપાડ્યો અને ભાગ-૧ હવે !) આભાર.

      Like

Leave a comment