ચિત્રકથા – બોગનવેલ


મિત્રો, નમસ્કાર.
સૌ પ્રથમ એક ચિત્ર અને એક નાનકડી, નગણ્ય, નકામી વાત ! અમારા ઘરની ડેલી પર વર્ષોથી બોગનવેલ (Bougainvillea , bɡɨnˈvɪliə) શોભાયમાન છે. (ટૂંક સમય પૂરતું કહો કે, ’હતી !’) વર્ષોથી જરૂર પ્રમાણે તેમાં કાટછાંટ તો થતી રહે પરંતુ આ વખતે તેનાં જાડા ડાળાંનો વજન ડેલી પરની કમાન માટે વધારે પડતો હોય તેમ લાગતાં તેને છેક થડમાંથી કાપી નાંખવાનું નક્કી કરાયું. આ દુષ્કૃત્ય કરવાનું હંમેશની જેમ મારા ભાગે જ આવ્યું. ગત રવિવારે આ સુંદર મજાની વેલ, તેમાં ખીલેલા ગુલાબી ફૂલોનાં નયનરમ્ય ગુચ્છા સમેત ધરાશાયી કરી દેવાઈ. જો કે ઝાડપાન સાથે થોડો ઘણો પનારો હોવાથી મને તો એ ખબર હતી કે થડિયાં પાસેથી બે-ત્રણ જાડા ડાળાંનાં ઠૂંઠા એમ જ રાખી દેવાય એટલે થોડા સમયમાં ત્યાંથી નવી કૂંપળો ફૂટે અને થોડા માસમાં તો વળી વેલ હતી તેવી લીલીછમ (અને ફૂલગુલાબી પણ !) થઈ જાય. પણ બાળકોએ તો બહારથી સૂકું દેખાતું થડનું ઠૂંઠું જોઈ અને જાણે એક સ્વજનનાં ગયા જેટલું દુઃખ અનુભવ્યું. (બાળકો? એમાં એક હવે ઇજનેર છે અને એક હવે કૉલેજમાં જશે ! પણ તોયે એ લોકોની છોકરમત નથી ગઈ ! અને તેમનાં મનોભાવની આવી જાણો મને હજુ તેમનાં રોતલ થતાં કે પછી ખિલખિલાટ હસતાં ચહેરા જોઈ ને થઈ જાય છે !)

કુહાડે કેર કર્યો એ પહેલાં…

…અને પછી ! (વાંક કુહાડાનો ? પણ હાથ કોના હતા ?)

હવે આ ઘટનાનાં પાંચ દહાડા પછીની વાત (એટલે કે ગઈકાલની). સવારનાં પહોરમાં, મારે ઊઠવાનાં બે કલાક પહેલાં જ, ધરતીકંપ થયો હોય તેવા હો હલ્લા સાથે મને ખળભળાવી અને ઊઠાડી દેવામાં આવ્યો. આંખો પણ ચોળી શકું એ પહેલાં તો શબ્દશઃ ધકેલીને ડેલીએ ખડો કરી દેવાયો. બાળકોનાં મોંમાં તો જાણે ગુલાબજાંબુ ઠાંસ્યા હોય તેવો આનંદ દેખાતો હતો. પ્રથમ તો મને એમ થયું કે સવારનાં અખબારોમાં પેટ્રોલનાં ભાવ રૂ|.પાંચ/લિટર થઈ ગયાનાં સમાચાર છે કે શું ?! પછી થયું એ તો ’માત્ર’ આપણી ચિંતા, બાળકોને એમાં શું લાગેવળગે ! પણ પછી બાળકોએ પેલાં બોગનવેલનાં ઠૂંઠામાં તાજાં જ ફૂટેલા કોંટા દેખાડ્યા ત્યારે વાત સમઝમાં આવી. હું પણ, ભલે માત્ર એક ક્ષણ માટે, પેટ્રોલનાં ભાવ જેવા અટપટાં પ્રશ્નો વિસારીને હરખની હેલીમાં નાહ્યો ! ખરે જ નાહ્યો. કેમ કે, એટલી વારમાં તો આકાશમાર્ગે જતું એક વાદળ પણ નવી કૂંપળ ફૂટ્યાનો હરખ વરસાવતું ગયું. આ ફોટો ખેંચવાનું તો છેક બપોરે ઓસાણ આવ્યું. પછી તો સાંજ સુધી આડોશ પાડોશનાં લોકો, મારાં ધારવા પ્રમાણે એમને પણ અમારી બોગનવેલ કપાવાનું દુઃખ તો હશે જ, બોગનવેલ ફરી ફૂટી તેનો હરખ કરવા અને નવી કૂંપળો ફૂટી તે જોવા આવતા રહ્યા. (પાડોશીઓ  ’બોગનવેલ વાળી ડેલી છે એ ઘર !’ એમ કહી અમારી ઓળખ આપે.)

“Life finds a way” – જીંદગી જગ્યા બનાવી લે છે.

તો કદાચ દિવાળી આવતાં આવતાં તો અમારી કપાઈ ગયેલી ઓળખ અમને પાછી મળી જશે ! પણ એક વાત ચોક્કસ છે કે, પ્રેમ તો કાંટાળી બોગનવેલ સાથે પણ થઈ જાય છે ! ખબર નહિ માણસોને જ અંદરો અંદર શું કાંટા વાગે છે !!!

વાત તો કરવાની હતી “આરણ્યક“ની. પણ હવે આરણ્યકમાંથી સ_રસ અવતરણ આવતા લેખમાં. ત્યાં સુધીમાં સૌને પહેલાં વરસાદમાં મન ભરીને પલળવાનું સદ્‌ભાગ્ય પ્રાપ્ત થાય તેવી હાર્દિક શુભકામના.

અને હા, હમણાં જાણવા મળ્યું કે આજે તો ’ફાધર્સ ડે’ છે. તો આ  લખનારો પણ ફાધર જ છે ને !! કે પછી આજે માત્ર ફાધર વિશે જ લખવું જરૂરી ગણાય ? તો અ બીગ સો…રી ! કેમ કે મારા ફાધરે મને લાંબીલચક યાદી બને તેવું કશું નથી આપ્યું ! સિવાય કે, પ્રામાણિકતા અને પ્રકૃતિપ્રેમ. બાય ધ વે, આ બોગનવેલ એમણે વાવી ત્યારે તેમાં પ્રથમ કૂંપળ ફૂટતી જોઈને જેટલો હું ખુશ થયેલો, ફરી મારાં બાળકો પણ એટલાં જ ખુશ થયા ! (અને દાદાએ આજે એ વાતની યાદ પણ અપાવી !)  બસ આ, બાપ પાસેથી મળેલો ખુશીનો વારસો બાળકોને સોંપવાનું યાદ કરાવતો, દિવસ એટલે પણ ’ફાધર્સ ડે’ ! સૌને હાર્દિક શુભકામનાઓ.

24 responses to “ચિત્રકથા – બોગનવેલ

 1. મારા ઘરની બોગન વેલ માંદી પડી છે. खुदा खैर करे.

  Like

 2. “કપાઈ ગયેલી ઓળખ” જેવા શબ્દો આપવા ઉપરાંત તમે આ લેખમાં બહુ સંવેદના જગવી દીધી છે. તમારી વર્ણનશક્તિ પર જાણે તમને વિશવા નહિ હોય તેમ ફોટા પણ મોકલ્યા છે છતાં – મેં તો એ ઘટાને નજરે જોયેલી છે એટલે એનો સાક્ષી પણ છું, એ બોગન અને એનો કોંટો ને ખાસમ્ ખાસ તે તમારા પિતાશ્રી (જેમનો સત્સંગ પણ માણવા મળ્યો છે)નું આ ફાધર્સ–દી’ સાથેનું અનુંસંધાન બહુ ગમી ગ્યું.

  તમારાં પડોશીઓને પણ જેનો સ્પર્શ થયો છે તે બોગનવેલને એમના આ નવજન્મ ટાણે અમારાં પણ વધામણાં કહેશો.

  Like

 3. વૃક્ષ વાવવાનો, તેની સાથે રહેવાનો આનંદ અનેરો હોય છે. જ્યારે તે કાપવા પડે ત્યારની હ્રદયવ્યથા યે અવર્ણનીય હોય છે. જો કે મુળમાંથી ન ઉખેડી નાખ્યા હોય તેવા બળુકા વૃક્ષો પાછા ઉગી જતા હોય છે.

  કેટલાંક લોકો ફિનિક્ષ પક્ષીની જેમ રાખમાંથી યે બેઠા થઈ જતાં હોય છે તેવી રીતે આ વૃક્ષો ફરી પાછા મુળ દ્વારા કોળી ઉઠતાં હોય છે.

  અમારે ગયાં વર્ષે એક આંબો જર્જતીત થઈ જવાથી અને એક કેસરી ફુલનું વૃક્ષ સુર્ય પ્રકાશ રોકી રાખતું હોવાથી અને એક જમરુખડી તેમાં મોટી ઈયળ પડી ગઈ હોવાથી થડમાંથી કપાવવા પડેલા. જો કે મુળીયા જમીનમાં હોવાને લીધે તેમાં ફરી પાછા લીલાછમ્મ પર્ણો ફુટી નીકળ્યા છે.

  ઘણી વખત સમય સંજોગ અનુસાર એકાદવૃક્ષ કપાવવું પડે તો દુ:ખ થાય તેમ છતાં દર વર્ષે એક બે નવા વૃક્ષો ઉછેરીને ખાતુ સર ભર કરવાનો પ્રયાસ કરી લઈએ છીએ.

  Like

 4. શ્રી અશોકભાઈ

  “ફાધરે મને લાંબીલચક યાદી બને તેવું કશું નથી આપ્યું ! સિવાય કે, પ્રામાણિકતા અને પ્રકૃતિપ્રેમ. બાય ધ વે, આ બોગનવેલ એમણે વાવી ત્યારે તેમાં પ્રથમ કૂંપળ ફૂટતી જોઈને જેટલો હું ખુશ થયેલો, ફરી મારાં બાળકો પણ એટલાં જ ખુશ થયા.”

  આપના પિતાશ્રીએ બહુ જ અણમોલ સંપત્તિ વારસામાં આપી છે, લાંબી લચક યાદીને પણ ટક્કર આપે તેવી. આ બે અણમોલ ગુણોને કારણે જ આપ જીવનમાં ઘણી જ અમૂલ્ય યાદીને પ્રાપ્ત કરી શક્યા હશો. અને એ જ ઝલક આપના લખાણમાં જણાઈ આવે છે. ફાધર્સ ડે ની ખૂબ જ સરસ ઉજવણી.

  આભાર

  Like

 5. પ્રામાણિકતા અને પ્રકૃતિપ્રેમ….આમાં જ બધું આવી ગયું. વધારે કંઈ જરૂર પણ નથી.

  Like

  • શ્રી હીનાબહેન, આભાર. સાચું કહ્યું, કબીરજીનાં શબ્દોમાં કહીએ તો;
   ’સાંઈ ઇતના દીજિયે, જામે કુટુંબ સમાય,
   મૈં ભી ભૂખા ના રહું, સાધુ ભૂખા ન જાય.’
   (જો કે ’ધરવ’ થવાની વ્યાખ્યા માણસે માણસે અલગ હોઈ શકે !!) આભાર.

   Like

 6. આદરણીય શ્રી અશોકભાઈ
  પ્રકૃતિ પ્રેમની જાળવણી કારી પર્યાવરણ પ્રેમ સુંદર લેખ અને ચિત્રો દ્વારા સજાવ્યો છે.

  Like

 7. Aadarnita shree Ashokbhai Jay Shree Krishna.aapno aajno din smangal ho.”Jindgi jgya sodhi lai che…ha..pramanikta ne prakruti prem ae be j jama
  punji khevaay…aaje kyaa jovaa male chhe!!

  Like

 8. અશોકભાઈ,

  કેમ છો ? હા, તમે મારા બ્લોગ “ચંદ્રપૂકાર” પર લાંબા સમય પહેલા આવ્યા જ છો.

  આજે તમારા બ્લોગ પર આવ્યો.

  તમારા પરિચય વિભાગે ગયો….અને યાદ તાજી કરી કે હું તારીખ જુલાઈ,૨૭,૨૦૧૦માં આવ્યો હતો, અને “બે શબ્દો” લખ્યા હતા.

  આજે…..ફરી, આવ્યો, અને જુન,૧૭,૨૦૧૨ની પોસ્ટ “ચિત્રકથા-બોગનવેલ”વાંચી.

  બોગનવેલની સુંદરતા….કાપ્યા બાદ, ફરી એ સુંદરતાનું “નવજીવન” અને એની સાથે, “ફાધર્સ ડે”ને જોડી, એ જ બોગનવેલના જન્મની વાત તાજી કરી, તમે તમારા પિતાજીને યાદ કર્યા.

  ખુબ જ સુંદર !

  મેં પણ પિતાજીને યાદને કાવ્યમાં મઢી હતી..અને એ વાંચવા તમોને આમંત્રણ…અને એની “લીન્ક” છે>>>>

  http://chandrapukar.wordpress.com/2012/06/16/%e0%aa%aa%e0%aa%bf%e0%aa%a4%e0%aa%be%e0%aa%9c%e0%ab%80%e0%aa%a8%e0%aa%be-%e0%aa%89%e0%aa%aa%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%ab%8b/

  એ નહી તો, અન્ય પોસ્ટ નિહાળી, “બે શબ્દો” વાંચવાની આશા…..અને વિનંતી કે ફરી ફરી “ચંદ્રપૂકાર” પર આવજો !>>>ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Hope to see you on my Blog.
  Inviting All to Chandrapukar.

  Like

 9. બહુ જ સરસ,સંવેદનશીલ લોકો જ આવું લખી શકે,”માણસને જ શું કાંટા વાગે છે”?બહુ જ સરસ.

  Like

 10. ……..આ બોગન વેલ એમણે વાવી ત્યારે તેમાં પ્રથમ કૂંપળ ફૂટતી જોઈને જેટલો હું ખુશ થયેલો, ફરી મારાં બાળકો પણ એટલાં જ ખુશ થયા…..

  લખનાર અને કોમેન્ટ કરનારા પણ ખુશ થયા… કુંપળ ફુટતી જોઈને……

  Like

 11. નવી કુંપળ ફૂટ્યાની મુબારકબાદી. મનેય આવો હરખ અઠવાડિયા પહેલાં થયેલો. મહિના પહેલાં , લોન મૂવીન્ગ કરનારે ખાસ્સી છ ફૂટ ઊંચી વધેલી , ભીંત ચટ્ટીની વેલ વાઢી નાંખેલી – તે ફરીથી ફૂટી નીકળેલી – એનો હરખ.
  http://gadyasoor.files.wordpress.com/2012/03/spring_3.jpg?w=630&h=684

  Like

 12. પિંગબેક: ડાયરો – કેશુના બાપનું કારજ | વાંચનયાત્રા

 13. પિંગબેક: ચિત્રકથા – નંદ ઘેર… | વાંચનયાત્રા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s