બોધકથા-ગરીબી રેખા


મિત્રો, નમસ્કાર.
આજે વળી સાવ નાનકડી બોધકથા.

એક ગામની નજીક એક જર્જરિત જળબંધ હતો. ચોમાસામાં જળબંધમાં પાણીની આવક વધી જાય અને બંધની ક્ષમતા કરતાં પાણીનો જથ્થો વધી જાય તો આ જર્જરિત જળબંધ તૂટી પડે તેવી શક્યતા હોવાને કારણે સત્તાવાળાઓએ બંધમાં કેટલું પાણી ભરાય એટલે દરવાજા ખોલી વધારાનું પાણી વહાવી દેવું એ દર્શાવતી એક દર્શકપટ્ટી લગાવી હતી. આ દરવાજા ખોલ બંધ કરવા અને પાણીની સપાટીનું ધ્યાન રાખવા ગામમાં એક કચેરી અને તેમાં એક ઈજનેરબાબુની નિયુક્તિ કરાયેલી હતી. જો કે સામાન્યપણે જોવા મળે છે તેમ, એ બંધ અને તેમાં ભયજનક સપાટી દર્શાવતી પેલી દર્શકપટ્ટીનું ધ્યાન બાબુસાહેબ કરતાં વધારે તો ગામનાં લોકો રાખતા હતા ! કેમ કે, બંધ તૂટવાથી નુકશાન તો આ ગામના લોકોનું જ થવાનું હતું ! બાબુસાહેબને ક્યાં ઈ ગામમાં ખોરડું કે ખેતર હતું કે તણાય જાય !!

એક ચોમાસામાં ભારે વરસાદ થયો, બંધમાં પાણીની આવક વધવા લાગી, ગામ લોકો ભેળા મળી બાબુસાહેબની કચેરીએ આવ્યા,
’સાહેબ હવે બંધનું પાણી ભયજનક સપાટીથી માત્ર પાંચ ફીટ જ છેટું છે, કંઈક કરો’  બાબુસાહેબ કહે: ’અરે હજુ તો પાંચ ફીટ છે ને ? સમય આવ્યે કાર્યવાહી થશે, તમે લોકો જાવ.’
વળી એકાદ દિવસ ગયો ત્યાં ગામલોકો આવ્યા, કહે: ’સાહેબ, હવે પાણી ભયજનક સપાટીથી માત્ર બે ફીટ જ છેટું છે, કંઈક કરો.’
બાબુસાહેબ કહે:’અરે હજુ તો બે ફીટ છે ને ? મારું માથું ન ખાવ ! જાઓ યોગ્ય સમયે કાર્યવાહી થશે.’
સાંજ પડવા આવી ત્યાં વળી ગામજનો કચેરીએ પહોંચ્યા, કહે: સાહેબ હવે તો માંડ અરધો ફીટ બાકી રહ્યું છે, કંઈક તો કરો !’
બાબુસાહેબનાં આરામમાં વારંવાર વિક્ષેપ થતો હોઈ બહુ ગુસ્સે થઈ ગયા અને યોગ્ય સમયે કાર્યવાહી થશે એમ કહી ગામજનોને બહાર ધકેલી મેલાવ્યા. પણ પછી વિચાર કર્યો કે આ માળા મને આમ જ હેરાન કર્યે રાખશે અને રાતભર નીંદર પણ નહિ કરવા દે. તે પોતાનાં પટાવાળાને બોલાવીને હુકમ કર્યો કે, ’તું બંધ પર જા અને પેલી ભયસૂચક પટ્ટીને પાંચ ફીટ ઊંચી કરી આવ !! ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી !!!

તો આ બોધકથામાંથી આપ શું શીખ્યા ?
(૧) બુદ્ધિ કોઈના બાપની નહિ.
(૨) અક્કરમીનાં ટાંટિયા અને કર્મીની જીભ.
(૩) કરે કોઈ અને ભરે કોઈ. (કે, મરે કોઈ !)

જો કે મને ખાત્રી છે, આપને આવી શિખામણો યાદ નહિ જ આવી હોય ! આપના મગજમાં આવી હશે “ગરીબી રેખા” !!! (તો આપ ખરે જ બૌદ્ધિક ગરીબ છો, માત્ર લેખનું મથાળું વાંચી એક તરફી વિચાર કરો છો !!) પણ સાચું કહું છું, ગરીબી રેખા અને ગરીબોની ઘટેલી સંખ્યા સાથે આ બોધકથાને કશી લેવાદેવા નથી !!!! હા ગરીબો અને (પોતાની) ગરીબી ઘટાડવામાં આવી બોધકથાઓ ઉપયોગી થઈ શકે ખરી 🙂
આભાર.

* ગરીબ (ભગોમં પર એક વ્યાખ્યા) = નમ્ર; રાંક; ઠંડા સ્વભાવનું ભલું; સાલસ; સહનશીલ.
* ગરીબી (ભગોમં પર એક વ્યાખ્યા) = નમ્રતા; અધીનતા; ભલાઈ; સાલસાઈ.

25 responses to “બોધકથા-ગરીબી રેખા

  1. વાહ અશોક”જી” પાક્કો નિશાનચી થઈ ગયો ! ખૂબ સ_રસ બોધ કથા,
    ભાઇ “ગરીબી રેખા” ગરીબો માટે હોય છે ? ’ગરીબ’ સરકારી બાબુઓ ’ઉપર’ બેઠાં આ જ કરે છે ને ? [પેલી ભયસૂચક પટ્ટીને પાંચ ફીટ ઊંચી કરી આવ !! ]

    Like

  2. શ્રી. અશોકભાઈ,

    માફ કરશો પણ મને પહેલી વખત એવું લાગ્યું કે આપે કોઈ લેખ ઉતાવળે લખ્યો હોય. આખી બોધકથામાં મને કથા સાથે ગરીબ કે ગરીબી ક્યાં સંબધિત છે તે ન સમજાયું.

    જો કે તેમાં કદાચ મારી અલ્પમતિનો યે દોષ હોઈ શકે છે.

    Like

  3. સરસ રીતે આજની વાસ્તવિકતાને હળવાશ દ્વારા સમજાવવા કોશિશ કરેલ છે. આજે આંકડાની માયાજાળ દ્વારા સરકાર આજ બતાવે છે કે જો તમારી પાસે ૨૮.૬૦ રૂપિયા ખર્ચવાના ખીસામાં હોય તો તમે ગરીબી રેખામાં સમાવેશ થતા નથી. ! ભલું કરે આ સમજ આપનારનું…..!

    Like

    • શ્રી.અશોકકુમારજી, આભાર.
      એક આડવાત, અમો હવે મહેમાનગતી કરવામાં ભરપૂર ઉદારતા દાખવવા લાગ્યા છીએ ! મહેમાનને ઘરનું આછું પાતળું ભોજન નહિ કરાવવાનું !! રૂ. ૩૦ (અંકે ત્રીસ પુરા) રોકડા આપી દેવાનાં ! તે બચાડા ભલે બે વખત ભરપેટ ભોજન તથા એકાદ વખત ચા-નાસ્તો કરી આવે ! તોયે ઉપરથી એકાદ બીડી કે ધાણાદાળની પડીકીનાં તો વધશે જ !! 🙂 (પ્લાનિંગ કમિશનનાં વિદ્વાનોએ આંકેલી રેખા કંઈ ખોટી થોડી હોય !) બરાબર ને ?

      Like

  4. આ બાબુમાં અને આપણા આજના બાબુઓમાં ફરક એક જ, કે આમણે પટ્ટી ઉંચી ચઢાવડાવી અને આપણા બાબુઓ પટ્ટી નીચી ઉતરાવી.

    અમે અહિં ક્યારેક પાર્ટીઓમાં એવી રમત રમીએ, એક ડંડો પકડીને બે બાજુ બે જણા ઉભા રહે. પહેલા ઊંચો પકડ્યો હોય, તેની નીચેથી છોકરા કે મોટા થોડા વળીને પસાર થાય. પસાર થવામાં આપણે પેટેથી વળવાને બદલે પીઠેથી વળવાનું. હવે થોડી થોડી વારે દંડો નીચો કરતા જવાનો અને જ્યાં સુધી કોઈ તેમાંથી પસાર ના થઈ શકે ત્યાં સુધી નીચે લેતા જવાનો. બસ એ જ રમત આપણા દેશમાં ચાલી રહી છે…

    Like

  5. હું ૧૯૬૭થી મુંબઈની લોકલ ટ્રેનમાં આરામથી બારી સીટ પાસે બેસી મુસાફરી કરું છું. ટ્રેનના ડબ્બાની બહાર ઉભી ત્રણ લાઈન હતી એટલે કે એને થર્ડ કલાસ કહેતા.

    ભારાડી બાઈ ઈંદીરા ગાંધીના જમાનામાં ગરીબી હટાવ શુત્ર આવ્યું અને અમે જે ત્રણ લાઈન વાડા ટ્રેનના ડબ્બામાં મુસાફરી કરતા હતા તે ડબ્બાની બહાર એક લાઈન ઓછી કરી અમારી ગ્રેડ ત્રીજા વર્ગમાંથી બીજા વર્ગના મુસાફરોમાં કરી નાખી. સગવડમાં સુધારો તો ન થયો પણ બધાની ગ્રેડ બીજા વર્ગમાં થઈ ગયી.

    ત્યારથી હરીફાઈ થવા માંડી છે કે કોઈ પણ હીસાબે ગ્રેડ ઉંચે કરો…..

    Like

  6. પ્રિય અશોક
    આવા બે પરવાહ ,આળસુ કામ ચોર ને શું સાઝા થવી જોઈએ એ વિચારવાનું છે મને તો એમ લાગે છેકે ગામ લોકોએ કાયદો હાથમાં લઇ સાઝા કરી દેવી જોઈએ
    હિંમતલાલ્ જોશી

    Like

    • અગાઉ તો તોપને મોં એ દેતા એમ અમારા આતા પાંહેથી હાંભળ્યું છે. લાગે છે ઈ જ ઠીક હતું ! હવે તો બથાંય ને ખબર છે કે કામ કરો કે નોં કરો, બસ ઉપરવાળાવની ચમચાગીરી કરો, કોઈ વાળ વાંકો કરી શકવાનું નથી !
      આભાર આતા.

      Like

  7. ગજબનાક કલ્પના – કે સાચી વાત? ઉકાઈ બંધવાળી વાત ?
    ——-
    અને જૂનાગઢી બાપુ,
    અમે નાના હતા તાંણે … રેલ્વે વાળાએ આવી જ કરેલી. થર્ડ ક્લાસનું નામ બદલીને સેકન્ડ કરી દીધું !

    Like

    • શ્રી.સુરેશભાઈ, આભાર.
      ખરે જ આવું કંઈ બનેલું ? મેં તો અગાઉ ક્યાંક ડાયરામાં કોઈ મિત્ર પાસેથી સાંભળેલી કથાને કલ્પનાનાં રંગ ભરી લખી છે. ખાસ તો આ ’ગરીબી ઘટ્યા’નાં સમાચાર થયા અને થોડું વિચારતા ગરીબી ઘટાડવાનો કિમિયો પણ હાથ લાગ્યો તે આ, અગાઉ સાંભળેલી, કથા યાદ આવી. આ સેકન્ડ-થર્ડ ક્લાસનું તો આપની અને વોરાસાહેબની કનેથી જાણવા મળ્યું. અને આ વન ટુ કા ફોર, ફોર ટુ કા વન ! આજકાલનું નથી એ સમજાયું !! આભાર.

      Like

  8. આદરણીય શ્રી અશોકભાઈ,

    ખુબ સરસ બોધ કથા છે . હવે અમલદારોના ભરોસે રહેવાને

    બદલે પ્રજાએ પોતે કૈક વિચારવું પડશે. બાકી આ મગર ચામડીના

    નેતાઓ અને અમલદારો આ દેશને અને પ્રજાને ગળી જશે.

    Like

  9. રેખા ગરીબની હોય કે અમીરની….
    રેખા બોધ કથાની હોય કે બુધ્ધુની….
    રેખા પાણીની ઉંડાઈ કે ઉંચાઈ માપવાની હોય….
    રેખા ઉભી હોય અને એકલી હોય કે ૨-૩ સાથે રેખાઓ હોય….
    પ્લાનીંગ કમીસન કે યોજના આયોગ પાસે વાતાનુકુલીત ખંડોમાં લાલ, વાદળી, પીળા રંગના ટપકાને જોડી જે રેખાઓ બનાવવામાં આવે છે એ તો ગજબની રેખાઓ છે…. વાહ ગરીબ રેખા વાહ…..

    Like

  10. હવે આપણે મત આપી આપીને ઉપર બેસેડેલાઓ ગરીબ ની વ્યાખ્યા એવી કરેતોનવાઈ નહિ કે જેના ખિસ્સામાં દસ રૂપિયાનો સિક્કો હોય તે ગરીબ નથી ..બિચારાઓને ગમે તેમ કરીને ગરીબી તો ઘટાડવી પડશેને ?

    Like

  11. ગરીબી રેખા આમતો ઘડીકમાં ભૂસાય જાય એમ નથી .ગરીબોએ પોતે પણ કૈઈક હિંમત કરવી જોઈએ લઠ્ઠા પી પીને બરબાદ ન થવું જોઈએ .

    Like

Leave a comment