ડાયરો – ખીચડી


એ…રામ..રામ, ડાયરાને.
ઘણાં દિવસે વળી ડાયરો ભેળો થયો ! ડાયરો રોટલા ખાઈને લંબાવી ગ્યો તો કે શું ? જો કે આજે ડાયરાને મોજ આવે કે માથું ચઢે (દુઃખે !) જવાબદારી આપણાં દીપકભાઈની છે ! એ…ય ને રોટલાનું વાળુ કરીને ડાયરો સુખનો વિહામો ખાતો હતો  ત્યાં દીપકભાઈએ ખીચડીનું ઓહાણ દેવરાવ્યું ! તો લ્યો આજે ડાયરો ખીચડીનાં ગુણગાન ગાવા (અને પછી પોતપોતાને ઠેકાણે જઈ ખીચડી ખાવા !) તૈયાર થઈ જાવ !

{ (લંબાવવું=આરામ કરવો), (વાળુ=સાંજનું ભોજન), (વિહામો ખાવો= વિસામો લેવો =જપવું, આરામ કરવો), (ઓહાણ=ઓસાણ=યાદ) }

ખીચડી કંઈ અજાણી વસ્તુ નથી, જો કે દીપકભાઈએ ગતલેખનાં પ્રતિભાવમાં ત્રણ પ્રકારની ખીચડી જણાવી એમાં અમારી ચોટલી ખીતો થઈ ગઈ ! (રેવા દ્‌યો ! શબ્દકોષમાં નહિ મળે !! ચોટલી ખીતો (ખીંટો !) થવી રૂ.પ્ર. સજાગ થવું કે જાગૃત થવું, ઉશ્કેરાવું, ક્રોધે ભરાવું, આવેશમાં આવવું જેવા અર્થમાં વપરાય છે. વિદ્વાનોનો અભિપ્રાય આવકાર્ય છે) મને થયું, માળું દીપકભાઈ દિલ્હી બેઠા ખીચડીનાં ખાં (જાણકાર) છે ને અમે માત્ર ખીચડીખાઉ ?! હવે આ વાતે તો ડાયરો ભરવો જ પડશે ! મિત્રો પાંહેથી ગામોગામની ખીચડી વિશે જાણવા તો મળે ! (ભલે ખાવા ન મળે !!) અને આમ આ ખીચડીપુરાણ સર્જાયું ! વળી અમોએ (હવે ડાયરાને જાણમાં જ હશે કે આ “અમો” એટલે કોણ ?!) બહુ ખાંખાખોળા કરવા છતાં આ ત્રણ પ્રકાર વિષયે કશો પ્રકાશ તો ન જ થયો આથી હવે દીપકભાઈને વિનંતી કે આ વિશે વિગતવાર જણાવે.

બીરબલની ખીચડીની જેમ આ ખીચડીપુરાણ પણ કદાચ લાંબુ ચાલશે ! (ભ‘ઈ અમારેય બ્લોગમાં લેખની સંખ્યા વધારવાની હોય કે નહિ ?!) પરંતુ આજે ખવાઈ તેટલું આજે બાકીનું આ પચે પછી ! તો, સૌ પ્રથમ તો ખીચડી વિષયે ભગવદ્‌ગોમંડળ ફંફોળીને જોઈ લો. ખીચડી શબ્દ કોઈપણ પ્રકારનાં મિશ્રણ કે સેળભેળ માટે વપરાય છે. પરંતુ આપણે અહીં રોજીંદા ખોરાક તરીકે વપરાતી ખીચડી નામક એક વાનગીની વાત કરવા બેઠા છીએ તો તેમાં મોટાભાગે તો મગની દાળ (ફોતરાવાળી કે છડી પસંદગી પ્રમાણે), ચોખા (આ ચોખા પણ ખાસ ’ખીચડીયા ચોખા’ તરીકે ઓળખાતા ’હલકી’ જાતનાં હોય તો જ ’ઉત્તમ’ ખીચડી બને) અને સ્વાદ પ્રમાણે મીઠું (નમક). કોઈ વળી ચપટીક હળદર પણ નાંખે. સંધુય ભેળું કરી બાફી નાંખવાનું બસ ! આ થઈ લોકલાડીલી ખીચડી ! જો કે આ કંઈ ખીચડી બનાવવાની એકમાત્ર રીત નથી, જેટલા ઘર એટલી ખીચડી એમ કહી શકાય ! છતાંએ શક્ય તેટલી વિવિધ પ્રકારની ખીચડી બનાવતા શિખવતી કડીઓ અમે અહીં મેલીશું. અને હા, આ અમે દર્શાવી તે રીતનું છેક આઈને અકબરીમાં પણ વર્ણન છે. તેમાં પ્રથમથી જ ઘી ઉમેરવાનું એક વધારાનું છે. (K’hichri= Rice, split dal, and g’hí 5 s. of each; 1/3 s. salt: this gives seven dishes. – આઈને અકબરી) અહીં એક ચોખવટ એ પણ કરી દઉં કે લખાય ભલે ખીચડી પરંતુ તેનો ઉચ્ચાર “ખીચળી” ( ખીચડ઼ી ) એમ કરાય છે.

તો સૌપ્રથમ જુઓ ભાતભાતની ખીચડી :
* ખીચડીની રીત – વિકિબૂક પર.
* મસાલા ખીચડી કઢી
* બાજરીની ખીચડી
* લીલવાની ખીચડી
* રજવાડી ખીચડી
* ફાડા ખીચડી
* મોરૈયાની ખીચડી
* સૂરણની ખીચડી
* સાબુદાણાની ખીચડી. — અને આ ઉપરાંતની પણ કોઈનાં હાથે ચઢે તો ડાયરાને સ્વાદ ચખાડશોજી !

ખીચડી વિશે અમારું માનવું એમ છે કે એક ગોળને બાદ કરતાં લગભગ દરેક ખાદ્યચીજ સાથે ખીચડી ભળે ! (રૂ.પ્ર.: ખીચડીમાં ગોળ નહિ અને નાતરામાં ધોળ નહિ ) અમે ખાધેલી ખીચડી વિશે ડાયરાને જણાવવા રજા લઉં તો, શાક-ખીચડી, કઢી-ખીચડી, દૂધ-ખીચડી, છાસ-ખીચડી (હજુ પણ જ્યારે ભારે ખોરાક ખવાય તે પછીનાં ટાણે માત્ર છાસ-ખીચડી ખાઉં છું !), દહીં-ખીચડી, ઘી-ખીચડી, ખાંડ-ખીચડી, તેલ-ખીચડી (આ સંયોજન ઠંડી ખીચડી સાથે બહુજ જામે !), અને એક આ સંયોજન તો મને વિશ્વાસ છે કે ભાગ્યે જ કોઈએ અજમાવ્યું હશે ! એ છે, ચા અને ખીચડી !! (તેમાં નાખવા એક ચમચી ઘી મળી જાય એટલે પછી સ્વર્ગને અને આપણને બે વેંતનું જ છેટું ! આવું અમને ત્યારે લાગતું !!!)

જાતજાતનાં અને ભાતભાતનાં સંયોજન સાથે ખીચડી ખાવાનો મોકો મળ્યો છે (દૂધપાકનો જોગ તો કંઈ રોજ રોજ થાય નહીં !!). કિંતુ એક વાત પાક્કી છે કે એકની એક વસ્તુ વપરાયા છતાં, હાથ ફરે એટલે ખીચડીનો સ્વાદ ફરે ! ભાગ્યે જ કોઈ બે ઘરની ખીચડી એકસરખી થતી હશે ! અને ખીચડીમાંએ કેવું કે, ઉપર ઉપરની ખાવ અને અંતે તપેલાંને તળીએ જરાતરા ચોંટી ગયેલી (અણઘડ કલાકાર હોય તો ઝાઝીબધી ચોંટી ગયેલી !!), જેને અમે ખીચડીનાં પુડીયા (અહીં પણ ’ળ’ ઉચ્ચારવાનો, પુળીયા !) કહીએ, તે ખાવ એટલે સ્વાદમાં અનેરો ફરક પડે. અને વળી સૌથી સ્વાદિષ્ટ ખીચડી તો સગડી પર રંધાયેલી જ ગણાય, તેમાં તો કોઈથી વિરોધ નહિ થાય ! (અમે મંગાળાથી લઈ માઈક્રોવેવ સુધીની ખાધેલી છે એટલે આને એક અનુભવસિદ્ધ કથન ગણવું !)

આપણે ત્યાં રોટલાની જેમ ખીચડી પણ માત્ર એક ખાવાની વાનગી ન રહેતાં એક સામાજિક ઓળખ બની ગયેલી છે. આપ ભગવદ્‌ગોમંડળ જેવા જ્ઞાનકોષને ફંફોળશો એટલે ખીચડી સંબંધી ઢગલોએક રૂઢિપ્રયોગો મળશે. કેટલાક રીતરિવાજ પણ ખીચડી સાથે સંકળાયેલા છે. આ બાજુ દિકરા-દિકરીનો સંબંધ બંધાય (સગાઈ થાય) એટલે કહેવાય કે ’મગ-ચોખા ભળી ગયા, હવે તો ખીચડી જ થાય’. જાન પરણીને આવે એટલે વરનીં માં ખીચડી રાંધે અને તે ખીચડી વર-કન્યાને ખવડાવાય પછી વર-કન્યા ગૃહપ્રવેશ કરે તેવો ઢારો (રિવાજ) પણ જોવા મળે છે. ખીહર (ખીસર; ઉત્તરાયણ) પર બહેન-દિકરીઓને ધાન્ય-કઠોળ વગેરે અપાય છે તેને ખીચડો આપવો કહેવાય છે (હવે રોકડમાં વ્યવહાર પણ માન્ય છે !). આપણે ’લખલખ’ કરનારાઓને પણ ખીચડી સાથે એક સંબંધ છે ! ગરબડિયા અને ઠાંસોઠાંસ અક્ષરોથી થયેલાં લખાણને પણ ’ખીચડીખાતું’ કર્યું કહેવાય ! (જેનો અન્ય એક અર્થ ભિખારી જેવી સ્થિતિ; ઘણી જ ગરીબ સ્થિતિ; એવો પણ છે ! લખલખ કરનારાઓની (માં શારદાનાં પૂજારીઓની) હાલતનું આ સચોટ વર્ણન નથી લાગતું ?) બાકી બે રૂ.પ્ર. તો ભ્રષ્ટાચાર અને નેતાગીરીનાં સંદર્ભમાં રાષ્ટ્રીય સૂત્ર તરીકે માન્ય કરવા જેવા છે ! ’ઘી ઢોળાણું તો ખીચડીમાં’ અને ’વખાણી ખીચડી દાંતે વળગે’ !!

તા.ક. : ભવેસરનાં મેળામાં કેટલાક ખદખદતી ખીચડી જેવા અધિકારી-પદાધિકારીઓ ખીચડી ખવડાવવાને બદલે ખીચડી પકાવવાની અને ખીચડું ખાવાની પ્રવૃત્તિમાં રમમાણ રહ્યા તેમાં મેળાનો ખીચડો થઈ ગયો ! અને ઘરનો મોભ ભાંગી જવાથી કે રાંધીને ખવરાવનારી મા ની વસમી વિદાયથી કેટલાયે નિર્દોષ બાળકોની અકાળે જ ખીચડી ખૂટી પડી , વાંક કોનો ?! (કે પછી વાંક જેની ખીચડી ખૂટી પડી તેવા ખીચડીખાઉ લોકોનો જ ?!)

{* ખીચડીખાઉ  = ખીચડી ખાનારૂં, ગરીબ એ અર્થમાં * ખીચડી ખદખદવી = મિજાજ કરવો * ખીચડી ખવડાવવી = ભરણપોષણ કરવું * ખીચડી પકાવવી = ગોટાળો કરવો * ખીચડું ખાવું = મફતનું ખાવું; હરામનું ખાવું * ખીચડી ખૂટવી = ખાવાનું ખૂટવું * ઘરનો મોભ = કુટુંબનું આધારભૂત માણસ}

* ખીચડી – ગુજ. વિકિ. પર

* ખીચડી – અંગ્રેજી વિકિ પર

28 responses to “ડાયરો – ખીચડી

 1. “ખીચડીપુરાણ”
  વાહ અશોક’જી’ વાહ શું ’ખીચડી’ પકાવી છે ! મોજ આવી ગઈ ! ’ખીચડી’ સબંધે આટલું જ્ઞાન! આપવા બદલ ખૂબ આભાર સાથે દીપકભાઇ નો પણ આભાર.
  ચા અને ખીચડી !!! આ સંયોજન ! નવું જાણવા મળ્યું. 🙂

  Like

 2. ખીચડી માને એકદમ પ્રિય છે. એની સામે ગમે એ પકવાન હોય હું ખીચડી ખાવાનું જ પસંદ કરું. અહીં દક્ષિણ ગુજરાતમાં સારી તિથિ હોય કે સારા પ્રસંગો એ ખીચડી બનાવતા નથી.

  Like

  • શ્રી હીનાબહેન, ધન્યવાદ.
   આ સારા પ્રસંગે ખીચડી ન થાય તે નવું જાણવા મળ્યું. આ બાજુ કેટલાક સમાજમાં સગાઈ પ્રસંગે લાપસી અને ખીચડી રંધાય છે (કદાચ “સગાઈ”ને આજીવન કારાવાસની તૈયારીરૂપ, એટલે કે સારો નહિ, પ્રસંગ ગણીને આમ કરાતું હશે 🙂 ).

   જો કે જાણવા મળ્યું છે કે એ સારા પ્રસંગે બનતી ખીચડીમાં આખા મગ વપરાય છે. ચાલો આ બહાને આપણને વિવિધ જાણકારીઓ મળે છે. આભાર.

   Like

 3. આ “ખીચડીપુરાણ” વાંચી ખીચડી ખાવાની [જોવાની] ઇચ્છા થઈ હોય તો અહીં પધારો
  http://wp.me/pSXhn-8Q 🙄

  Like

 4. અમારે ત્યાં પણ સારા પ્રસંગે કે સપરમા દહાડે ખીચડી બનતી નથી. હું પણ હિનાબેનની જેમ જ ખીચડીપ્રેમી છું. ખીચડીનો એક સામાન્ય પ્રકાર વઘારેલી ખીચડી તમે નથી જણાવ્યો, કદાચ તેને મસાલા ખીચડીમાં સાંકળી લેવાનો ઈરાદો હશે. આ ઉપરાંત ખીચડીની સાથેસાથે ખીચડાની પણ વાત અક્રી હોત તો સારૂં રહેત, ઘઉંનો ખીચડો જે ધનુર્માસમાં ખાવા-ખવડાવવામાં આવે છે તે, આ ખીચડામાં ગોળ પણ ભળે અને ઘઉંની જેમ જ બાજરીનો પણ ખીચડો બને (ગળ્યો અને તીખો બંને પ્રકાર અને બંનેમાં ગોળ તો હોય જ).

  હવે ‘ખો’ દીપકભાઈને, તમારા ત્રણ પ્રકાર પણ સ્વિસ્તાર વર્ણવો.

  Like

  • આભાર, ધવલભાઈ.
   હા, મેં કું આ આપણી વઘારેલી ખીચડી એટલે જ મસાલા ખીચડી ! તેથી અલગ ઉલ્લેખ ન કર્યો. ખીચડાનો ઉલ્લેખ ખીસર પર બહેનને આપવા સંદર્ભે કર્યો છે પરંતુ આપે જણાવ્યો તેવો ખીચડો વળી મેં પણ કદી નથી ચાખ્યો !! લો હવે એ બનાવવાનો (હવે તો જો કે બનાવડાવવાનો 🙂 ) મને મોકો મળ્યો. જો સૌને ભાવશે તો આપ ફરી પધારશો ત્યારે બેવડો દૂધપાક ! અન્યથા “ખીચડી” 😉 (મિત્ર લેખે આટલું જોખમ તો આપ ઉઠાવશો જ ને ?!)

   Like

 5. હજી બંગાળી ખીચડી રહી ગઈ! એમાં બટાટા, ફલાવર, લીલા વટાણા નાખો. કાળી જીરી અને મસાલાની મોટા દાણાની વરિયાળીથી વઘારો. મીઠો લીમડો પણ નાખી શકો.
  ફણગાવેલા મગની ખેચડી પણ ખાઈ જોવા જેવી છે.

  મેં ત્રણ પ્રકાર કહ્યા હતા તે આ પ્રમાણે છેઃ એક, દિબ્ય; બે, અત્યંત સારી; અને ત્રણ, સારી. ત્રણેય પ્રકારની એક સમાન ઉણપ. એ હંમેશાં ‘ઓછી’ પડે. બીજા દિવસે નાસ્તામાં પરોઠા સાથે ખાવી હોય તો ફરજિયાત રાતે બચાવી લેવી પડે.આ વર્ગીકરણ મારૂં મૌલિક છે, એટલે તમારા બ્લૉગોમંડળ કોશ સિવાય એનો ઉલ્લેખ ક્યાંય નહીં મળે.

  એમ તો કેરીના રસની પણ મારી મૌલિક ફૉર્મ્યૂલા છેઃ કેરીનો રસ કદી એટલો બધો ખાટો ન હોય કે ખાઈ જ ન શકાય. બીજી બાજુ, એ કદી એટલો મીઠો ન હોય એટલે ખાંડ તો જોઈએ જ!

  (તમે મને પેટુ માનવા લલચાઓ છો ને?)

  Like

  • ભ‘ઈ દિલ્હી કેટલું દૂર છે ?
   મારે દીપકભાઈના મહેમાન થવું છે ! 🙂 અમારે “ખાવા” બાબતે તો જામશે જ !
   આભાર દીપકભાઈ, બંગાળી અને ફણગાવેલા મગની, હવે આ બે પણ બનશે જ ! કેરીના રસ વિષયે આપની ફોર્મ્યૂલા પરફેક્ટ છે (એવું એક બીજો “પેટુ”, અર્થાત હું, કહે છે !) આભાર.

   Like

 6. શ્રી અશોકભાઇ,
  આપ સરસ મજાની રોટલા બનાવવની રીત અને પીઝા રોટલો બનાવવાના ધંધે લગાડો તો લંબાવવાનું કેમ બને.

  ખીચડીમાં ફણગાવેલા આખા મગની ખીચડી પૌષ્ટિક ગણાય છે તેમાં વિટામિન ક્ષારો અને કાર્બોહાઇડ્રેટ હોય છે. મગમાં વિટામીન બી-ટુ, નિયાસીન, વિટામિન બી-૧ અને વિટામિન એ રહેલા છે. મગને ફણગાવવામાં આવે તો તેની સુપાચ્યતા અને ક્ષારોમાં વધારો થાય છે. મગને પચતાં ૨ કલાક લાગે જ્યારે બીજાં કઠોળને પચતાં ત્રણથી ચાર કલાક લાગે.

  મકરસંક્રાંતિમાં ગાય-ભેંસને પણ ખીચડો ખવાડાવાય છે. ખાસ બાજરાનો અથવા બધા ધાન્યનો ભેગો.

  ચૂંટણીમાં કોઇ એક પક્ષ બહુમતીથી ના જીતે અને પછી જે સરકાર બને તેને ખીચડી સરકાર પણ કહેવાય છે.

  મંગાળાથી માઇક્રોવેવ સુધીની ખીચડીનો લાભ લીધો છે.

  તપેલાને નીચે માટી લગાવી તેને સૂકવીને તેમાં ધીમે તાપે બનાવેલી ખીચડી સરસ-સ્વાદિષ્ટ બને.

  Like

  • મીતાબહેન, મેં તો ફણગાવેલા મગની વાત સ્વાદ માટે કરી, તમે લખો છો કે “ખીચડીમાં ફણગાવેલા આખા મગની ખીચડી પૌષ્ટિક ગણાય છે…” અરરરર! ક્યારેક તો આરોગ્યની ચિંતા વિના ખાવા દ્યો! સાદી વસ્તુ જે સ્વાદિષ્ટ હોય તેને પૌષ્ટિક માની જ લેવાની!.

   Like

   • મહામના સોક્રેટિસ ભૂખને સ્વાદ માટેનો મસાલો કહેતા. તેઓની ધર્મપત્ની ઝેન્થિપી એમને સારી રસોઈ જમાડતી નહીં હોય કે શું પણ તેઓ દેશી દારુમાં કોરી રોટલી બોળીને મજેથી ખાતા…

    આરોગ્યને મારો ગોળી; ભરો ભુખ્યા પેટની ઝોળી !!

    Like

   • શ્રી દિપકભાઇ

    સાચી વાત છે જે સ્વાદિષ્ટ લાગે તે જ પૌષ્ટિક. બહુ ચિંતા નહીં કરવી બાકી તો કોઇ કાંઇ ખાવા જ ના દે. માત્ર કેલરી અને વિટામીનના ગોથાં ખાવા પડે

    Like

  • શ્રી મિતાબહેન,
   આપનો “ખીચડો” ઉધાર રહ્યો !!! (ઉઘરાણી કરી લેવી હોં, બાકી હું ભુલકણો માણસ છું 🙂 )
   ચૂલા પર ખીચડી રાંધવી હોય તો આપે કહ્યું તેમ તપેલાને બહારથી માટી લગાવીને જ રંધાય, બે લાભ થાય !! એક, આપે કહ્યું તેમ સ્વાદિષ્ટ થાય અને બે, તપેલાને મેશ ચોંટે નહિ તેથી સફાઈ કરવી સહેલી પડે ! (તપેલાને બહારથી માટી લગાવવાને કાઠિયાવાડમાં ’તપેલાને “પાખો દેવો”’ એમ કહેવાય) આભાર.

   Like

 7. દિલ્હીમાં બેઠાંબેઠાં ખીચડી હલાવીને દીપકભાઈએ સૌની જીભ ટપકાવી દીધી. ખીચડીનો એક ગુણ–લાભ એ છે કે એમાં ઘી જોઈએ તેટલું સમાવી શકાય છે….

  “જળમાં મળ નહીં; ખીચડીમાં ગળ નહીં.” આવી પણ કહેવત છે.

  આયુર્વેદમાં ખીચડીને દૂધને વિરુદ્ધ આહાર ગણે છે, કારણ કે ખીચડીમાં મીઠું હોય છે. મીઠું દૂધ સાથે ઝેર જેવું ગણાય છે. ચામડીના રોગોનાં મુખ્ય કારણોમાં દૂધમીઠાનું ભોજન ગણાય છે. (આયુર્વેદ ઘીની છુટ હાર્ટના રોગોમાંય આપે છે ! ને ખીચડીમાં તે વધુમાં વધુ શક્ય છે)

  જુનાગઢમાં હવે વાનગીયુંની દુકાનું ખુલી જાય તો નવૈ નૈં.

  અ.મો.ને ત્યાં સૌ ભેગાં થઈને જમો બીજું સું ?!!

  Like

  • શ્રી. જુગલકીશોરભાઈ, આભાર.
   એક નવી કહેવત જાણવા મળી. અને આપનો ખાસ આભાર આ “ઘી” બાબતે ! બસ રસોડામાં વાંચી સંભળાવીશ ! ખીચડીમાં ઘી વિષયે કાયમની કટકટ ટળશે 🙂 (જો કે બે કિલો ઘીનો ખર્ચ વધશે !!) અને દૂધ-ખીચડી વિષયે પણ નવું જાણવા મળ્યું. હવે ધ્યાન રાખવું પડશે. આભાર.

   તા.ક. : ’અ.મો.ને ત્યાં સૌ ભેગાં થઈને જમો’ — આપનાં મોં માં ઘી -ખીચડી !! (આમ તો ’ઘી સક્કર’ કહેવાય પણ આપણે ગાડે બેઠા તેનાં ગાઈયે ને !)

   Like

 8. બે વાત ..
  મધ્યપ્રદેશને ખીચડી કહેવાય છે .
  એ તો કદાચ ઘણા જાણતા હશે. પણ આ સાવ મૌલિક છે –
  અમારે ઘેર વારંવાર ખીચડી થાય ; પણ મને સહેજે ન ભાવે. એટલે મારી પોતાની બનાવેલી વ્યુત્પત્તિ…..

  ખીજ ચઢી જેની પર તે….

  Like

  • ’મધ્યપ્રદેશને ખીચડી કહેવાય છે’ ??? દાદા આ પેલ્લુંવેલ્લું હૉંભળ્યું હોં ! કાં‘ક ચોખવટ કરો તેવી વિનંતી.

   ખીચડીની આપની વ્યત્પત્તિ ગમી, હવે ઘરે કહેવા થશે કે; ’કાં ખીજ ચઢી છે તે ખીચડી બનાવી ?!’ (બાયુએ (Sorry !) આ વ્યુત્પત્તિ જાણી લેવા જેવી છે, પછી કોપભવનનું કામ ખીચડીથી ચાલી જશે 🙂 🙂 ) આભાર.

   Like

 9. ખીચડી ખાઈએ ખરા પણ પ્રિય ખોરાકમાં નાં આવે, પણ વઘારેલી ખીચડી ખાવાની મજા આવે.

  Like

 10. તપેલાંને તળીએ જરાતરા ચોંટી ગયેલી ખીચડીને અમે ઘરેવડાં કહીએ છીએ.

  Like

 11. ખીચડી તો રોટલા કરતાંય વધુ જામીને કાંઈ ! ખીચડીને જેમ વધુ ફીણો એમ સ્વાદીષ્ટ બને. બધાંએ બહુ વખાણી એટલે કહેવતેય યાદ આવી ગઈ –

  “વખાણી ખીચડી દાંતે ચોંટી !” જાળવજો ભાયુંબેન્યું. (એમ કરો કોક એને વખોડીને કાળું ટપકું કરો નકર ક્યાંક ખીચડી દુણાઈ જાહે ! )

  Like

 12. આદરણીય શ્રી અશોકભાઈ,

  ભારત ખંડે ગુજરાત મધ્યે ગીરનાર ગઢે વાંચન યાત્રા બ્લોગે ખીચડી પુરાણે

  પ્રથમોધ્યાય સંપૂર્ણ ….. બોલો ખીચડીયા દેવની જય.

  આપે ખુબ સરસ રીતે ખીચડી પુરાણની કથા વર્ણવી છે. હવેની ભારત યાત્રા સમયે

  આ બધી ખીચડીઓનો સ્વાદ માણવા જરૂર આવવું પડશે.

  Like

 13. મારા સ્વ.મિત્ર સલાહ અલી મુળ તુર્કસ્તાનના પણ વર્ષોથી ઈરાકમા વસેલા.

  તેમના કહેવા પ્રમાણે “ખિચરી” તુર્કસ્તાનમા પણ સૈકાઓથી લોક્પ્રિય અને તે પણ ચોખા અને મગની દાળની. તે ખરેખર આંતરરાષ્ટીય છે.તુર્કસ્તાનથી માંડીને આખા મિડલ ઈસ્ટથી માંડીને બાંગલાદેશ સુધી અમિરી તેમજ ગરિબી રીતે ફેલાએલી છે.

  “Tabbouleh, a popular Iraqi salad.

  Iraqi cuisine or Mesopotamian cuisine has a long history going back some 10,000 years – to the Sumerians, Babylonians and Assyrians.[1] Tablets found in ancient ruins in Iraq show recipes prepared in the temples during religious festivals – the first cookbooks in the world.[1] Ancient Iraq, or Mesopotamia, was home to many sophisticated and highly advanced civilizations, in all fields of knowledge – including the culinary arts

  Dawoodi Bohra’s are Mustali subsect of Islamili Shia Islam originated in Yemen, who later spread to India and Pakistan. Widely spread across the globe, from the Middle East, Pakistan, Egypt, Africa, Iraq, Iran, India to western world, the cuisine has adapted from all the influences. There is also a lot of overlap in cuisines compared to other Indian Shia sub sects and Ismaliis.”

  Like

 14. પિંગબેક: » ડાયરો – ખીચડી » GujaratiLinks.com

 15. પ્રિય અશોક
  તે ખીચડી પુરાણ વાંચવા આપ્યું ભારી કામ કર્યું .અમો વડોદરા પાસે છાણીમાં રહેતા હતા ત્યાં લોકો ખીચડીને રાંધનું કેતાં . મારાગામ(તારા બાપ દાદાની જાગીર છે તી તું મારું ગામ કહેછે . હું હાલ રહું છું એ ગામ એમ બોલ )phoenix માં એક આપણા દેશીભાઈ ઓએ પાર્ટી રાખેલી એમાં ખીચડી બનાવેલી .એટલી બધી તીખી કે ના પૂછો વાત મારો અમેરિકન માતાથી જન્મેલ પોત્ર ડેવિડ આપણા દેશી ભોજનનો ચાહક તે ખીચડી ખાવા બેઠો જેટલી લાવ્યો હતો. એટલીતો ખાઈ ગયો .અને પછી મોઢું અને પેટ બહુજ બળે છે એવી ફરિયાદ કરતો હતો .મેં એને છાશ પીવાનું કહ્યું .છાશ પીધી એ પણ તીખીજ હતી . મેં ત્રણ પ્રકારની ખીચડી સાંભરીછે ૧ કચ્છી ૨ કાઠ્યાવાડી ૩ ગુજરાતી કચ્છી ખીચડી બહુ નરમ હોય કાઠીયાવાડી ઓછી નરમ અને ગુજરાતી કઠણ. એક રમુજી વાત યાદ આવી ગઈ જે ની ખીચડી આપ સૌને પીરસું છું .
  મારી ઘરવાળીની એક બેન પણી ડાર્લીન કરીને અમેરિકન હતી .તેને મારી વાઈફે જમવા નોતરી તે સમય સર જમવા આવી .તેને આપની બધી વાનગીઓના નામ યાદ તેણે મારી વાઈફને પૂછ્યું .ખાંડવી બનાવી છે? હવે અમને કોઈનેખાંડવી કઈ બલાનું નામ છે એ ખબર નહિ .મિત્રો તમને ખબર છે ?
  ડાર્લીએ ખીચડી ચાખવા માગી .તેણે ખીચડી ખાવા આપી. અને સાથે માખણનો પાસો આપ્યો . ખીચડી માગતી ગઈ અને મારી વાઈફ પીરસતી ગઈ . દોઢ પાસો માખણનો અને મથોમાથ સગભરેલી ખીચડી ખાઈ ગઈ અને પછી બોલી ,હવે હેમત આવશે ત્યારે એની સાથે આપણે સૌ સાથે ખાઇશું.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s