ચિત્રકથા – બાજરાનો રોટલો (૨)


મિત્રો નમસ્કાર.
આગળના લેખમાં આપણે રોટલો ઘડવા સુધી પહોંચ્યા હતા, આજે શેકવાનો વારો છે ! સૌ પ્રથમ તો હું સૌ મિત્રોનો આભાર માનું જેમણે ’રોટલા’માં આટલો રસ દાખવી અને અવનવી માહિતીઓ, અનુભવો પણ જણાવ્યા. મને લાગ્યું કે રોટલો એ માત્ર પેટ ભરવાની એક વાનગી જ ન રહેતાં માનવ સભ્યતાનું એક અનન્ય અંગ બની ગયો છે. ભલે પછી આપણે તેને રોટલો કહેતાં હોઈએ અન્ય કોઈ પ્રદેશોમાં તે બ્રેડથી ઓળખાતો હોય પરંતુ આખરે તો તે જીવનના મુખ્ય આધારરૂપે સર્વ સંસ્કૃતિમાં સ્થાપિત થયેલ દેખાય છે. રોટલા સાથે સંકળાયેલી કેટકેટલી કહેવતો, રૂઢિપ્રયોગો જાણવા મળશે. એ જ પ્રમાણે અંગ્રેજી સાહિત્યમાં બ્રેડનું સ્થાન દેખાશે ! કોઈ એમ નહીં કહે કે, બાસુંદી રળી ખાઉ છું કે સેન્ડવીચ રળી ખાઉ છું ! એમ જ સંભળાશે કે રોટલો કે બ્રેડ રળી ખાંઉ  છું ! આ મહત્વ છે રોટલાનું !! અહીં રોટલા વિષયક કેટલાક રૂઢિપ્રયોગો માણીએ, વધારે ભગવદ્‌ગોમંડળમાં.

* રોટલો ખવરાવવો = રોટલો જ ખવરાવવો એવું ફરજીયાત નહિ કિંતુ ભોજન કરાવવું એમ અર્થ થાય. અહીં મહેમાનને કહેવાય કે ’ચાલો રોટલા ખાવા’ પછી ભલેને યજમાન પોતાની સોંજ પ્રમાણે દૂધપાક કે લાડુ ખવરાવે !!

* રોટલો અભડાવવો = ના ! ના ! આમાં ક્યાંય આભડછેટ સાથે છેટે છેટેનુંએ સ્નાનસૂતક નથી !! રોટલો અભડાવવો એટલે કોઈની કમાણી કે ધંધો રોજગાર બંધ કરાવવો. (નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવો !)

* અડધો રોટલો ખાવો = અડધો ભાંગીને ખાવો એમ નહિ પરંતુ કરકસરથી રહેવું, સગવડ પ્રમાણે ખર્ચ કરવો એવો અર્થ થાય છે.

* રોટલા ચોર = રોટલાની ચોરી કરનાર નહિ, કોઇને ખવરાવે નહીં તેવો !!

કોઈ વિદેશી ફરતો ફરતો ગામડે પહોંચ્યો અને રોટલાનું ભોજન લાભ્યો તે આ ગાડાના પૈડા જેવો રોટલો જોઈ નવાઈ પામ્યો, કહે, ’વૉટ ઈઝ ધીઝ ?’ તો પેલો ગામડિયો કહે, ’ધીઝ ઈઝ રોટલા, ગ્રાન્ડપા ઑફ બ્રેડ !!’ જો કે હમણાં TLC બહુ જોવું છું ! તે તેમાં વિશ્વભરની વાનગીઓ જોવા, જાણવા મળે છે. તેમાં જોયેલું કે ક્યાંક ક્યાંક આપણાં રોટલાને બચોળિયું સાબિત કરે તેવડી મોટી બ્રેડ (આપણે બ્રેડ એટલે ચોરસ, સ્લાઈઝ કરેલી એમ જ સમજીએ પરંતુ બ્રેડ પણ જાતજાત અને ભાતભાતની થાય છે !) પણ બને છે.

તો હવે ઝાઝી વાતનાં ગાડા ભરાય ! આવો આપણે રોટલાને તાવડીએ ચઢાવીએ ! ઘડાઈને તૈયાર થયેલા રોટલાને તાવડીમાં નાખવો એ પણ અઘરું કામ છે ! (ઓ..હો..હો.. ભાઈ, તો પછી સહેલું કામ છે શું ? જવાબ: ખાવું તે ! 🙂 ) ગત લેખનાં પ્રતિભાવમાં અમારા હિંમતઆતાએ જે “ભમરા”ની વાત કરેલ તે ભમરો અહીં આવે છે ! રોટલો તાવડીમાં યોગ્ય બળપૂર્વક પછાડીને જ નાંખવાનો રહે, જો ઢીલો ઢીલો મુકાય જાય તો તાવડીની સપાટી અને રોટલાની સપાટી વચ્ચે હવા રહી જશે અને એ હવા ગરમ થઈ વિસ્તાર પામશે તે કારણે રોટલાની હજુ નરમ રહેલી સપાટી પર ફોડલા જેવું ચકરડું થશે તેને “ભમરો પડ્યો” કહેવાય. (છે ને આપણાં લેખમાં પણ વિજ્ઞાન 🙂 ) આ ભમરો પડે તે રોટલો ઘડનારીની અણઆવડત ગણાય અને કોઈ કડવી સાસુ હોય તો વળી વહુને ’ભમરાળી’નુ મહેણું પણ મારે !!

ઉપલું પડ બે વખત અને નીચલું એક વખત એમ ચોડવતાતો આપણને આવડતું જ હોય ! તો આ રોટલો પાકી ગયો જાણે, હવે તો બસ ગત પ્રતિભાવમાં દીપકભાઈએ કહ્યું હતું તેમ તેનાં દડા જેવા ફૂલેલા ઉપલા પડમાં પાંચે આંગળાંથી ઘમ્મ દઈને ખાડા કરી દેવાનાં જેથી ભપ્પ દઈને ગરમા ગરમ વરાળ નીકળશે !! (આંગળાંને સ્ટીમબાથનો લાભ પણ મળશે !! જો કે મારા ભાગમાં આ પ્રક્રિયા આવે ત્યારે હું તો ચમચીથી ખાડા કરું છું ! નાહકનું જોખમ કોણ લે !!) પછી માખણનો લોંદો લઈ તે પર બરાબર લગાડી દેવાનો.

આ માખણ લગાડવાની ક્રિયાને ’રોટલો માખવો’ તેમ કહેવાય છે. ઘણાં લોકોને ઘી-માખણ ન ફાવતું હોય તો માખ્યા વિનાનો, કોરો રોટલો પણ ખાય પરંતુ મહેમાન સામે તો માખેલો રોટલો જ મૂકવો તેવી પ્રથા છે. માખણ ઓગળીને ખાડાઓ મારફત રોટલાનાં નીચલાં પડ (ઉપલા આછાં પડને ’પૂડિયો’ કહે છે અને નીચેનાં જાડા ભાગને ’ગરભ’ (ગર્ભ !) કહે છે) સુધી પહોંચી જાય એટલે પછી ઓળા (ભડથું) સાથે ખાવ, શાક સાથે ખાવ, કઢી સાથે ખાવ, ગોળ-ઘી સાથે ખાવ કે પછી મોજ આવે તો બે-ચાર બટકા એમને એમ જ દાબી જાવ. દરેક સ્થિતિમાં યાદ આવશે !
اگرفردوس روی زمین است همین است و همین است و همین است
“ગર ફિરદોસ બર રૂએ ઝમીં અસ્ત,
હમીં અસ્તો,હમીં અસ્તો,હમીં અસ્ત.” (– અમીર ખુશરો ?)
(પૃથ્વી પર ક્યાંય સ્વર્ગ છે તો, અહીં છે, અહીં છે, અહીં જ છે.)

અને અંતે આ ચિત્ર પણ જુઓ. શું ધાર્યું ? પિત્ઝા ? આ તો ખૂબી છે આપણાં ગુજરાતીઓની (કે ગુજરાતણોની !!!) આપણે સોનિયાજીને સાડી પહેરાવી દીધી તો પિત્ઝાને પોટલો કેમ ન બનાવી શકીએ ?! (પિત્ઝા+રોટલો=પોટલો !!!)

ઇતિ શ્રીબ્લૉગ મહાપૂરાણે, વાંચનયાત્રાખંડે, “અમો” વિરચિત રોટલાધ્યાયઃ !
જે ભક્તજન આ કથાનું ભાવપૂર્વક સેવન કરશે તે આજીવન રોટલો પામશે. તેટલું જ નહિ તેની સાત પેઢીનાં રોટલાની ચિંતા ભગવાન બ્લૉગનારાયણ ટાળશે. અસ્તુ.

29 responses to “ચિત્રકથા – બાજરાનો રોટલો (૨)

 1. અશોક’જી’ બાજરાનો રોટલો (૨), રોટલા ખાધા પછી વાંચ્યું [જોયું], તો પણ એકાદ રોટલો ઝાપટી જવાની ઇચ્છા થઈ 😡 ઘર સિવાય આવા રોટલા આપણે જૂનાગઢ બાયપાસ પર રબારીના ધાબે ખાવા જતા એ પણ ખૂબ યાદ આવ્યું – એ..ને…. દહીં, માખણ, છાસ+ઓળો અને રોટલા એપણ ખાટલા પર !!! 😉
  اگرفردوس روی زمین است همین است و همین است و همین است
  [આ નેટ રોટલા ખવડાવ્યા હવે ઓળા નો પ્રબંધ કર! :-D]

  Like

  • હા……….એ રાયકામાં રોટલા ખાવાનીએ (અને ટ્રકવાળાઓ પાછળ પડે ત્યારે વંજો માપવાની 🙂 ) મજા હતી ! યાદ છે ને જેતોકાકો ? માળો કહે કે મારે આખો રોટલો નથી ખાવો, લાવો સંધાયમાંથી બટકું બટકું ખાઈ લઉં !!! આપણને તો મોડી બુદ્ધિ આવી કે માળો આખો તો એ ખાઈ ગયો ! આપણે તો અડધો પડધો જ ખાધો 🙂

   ઓળો તો ’અસર’નાં ઓટલે ક્યારનો શેકાય ગયો છે ! તને ખબર નથી ? દૌડ દૌડ !! અને ત્યાં ’બાપુ’એ આપેલી પણ હજુ અમલમાં ન મુકેલી ધમકી પણ છે ! 🙂

   Like

 2. ભાઈશ્રી અમો
  બહુ રસથી રોટલા પુરાણ વાંચ્યું. હવે પીઝા ખાતાં તમારો રોટલો યાદ આવશે જ. જો કે, અમેરિકન પીઝામાં અને ગુજરાતી પીઝામાં ઘણો ફરક છે.
  શીકાગોના પીઝા અને અમારા ટેક્સન પીઝામાં પણ ફરક હોય છે.
  ————-
  જો કે, ફરીથી દોહરાવું – મમ મમ ની જ મજા માણી છે – ટપટપની મજાથી પોરબંદરમાં કંટાળેલો – એની કથા અને વ્યથા વાંચવા આ હાદ પર વાંચજો –

  ‘ બટાકા પૌંઆ પીવાય ? ‘

  જરા મજો રહેશે!

  Like

 3. આ પીઝા રોટલો વળી કઈ રીતે બનાવ્યો?

  Like

  • બાપુ !!!!!!!!!
   આ હંધાય મિત્રો ભેળા મળીને ન્યુ જર્સીને ઘેરી લેશે !! નાહક ધીંગાણું જામી જશે !!
   કહેશે કે, આ રોટલાની કથામાં બે ભાગ ને બાર દહાડા કાઢ્યા ! હવે પિત્ઝાની માંડશે તો આપણે તો બામની શીશીયું ખાલી થવા માંડશે 🙂

   જો કે એમાં કંઈ ધાડ નથી પાડી ! રોટલાનાં લોટમાં થોડા મસાલા ભેળવી (લીલા મરચાં, કોથમિર, લસણ વ.) પછી રોટલો બનાવ્યો એક પડ ઉથલાવ્યા પછી ઉપર માખણ અને આછી લસણવાળી ચટણી લગાવી પછી જે હાથ ચઢે તે, (ગાજર, બીટ, કોબી, કાકડી, ટમેટાં વ.) ઝીણું ઝીણું કાતરી અને મેલી દીધું. માથે ફાવે તેટલું ખમણેલું ચીઝ તો હોય જ ! બસ હવે ચાર-પાંચ મિનિટ માટે માથે તગારું ઊંધુ વાળી દેવાનું. (કે પછી ઑવનમાં પણ રાખી શકાય) દેશી પોટલો !!! ન મેળ આવે તો ટિકિટ મોકલજો ! બે મિનિટમાં બનાઈ આલીશ 🙂
   (ના…હો ભ‘ઈ ! એથી તો અહીં અમેરિકન પિત્ઝા સસ્તો પડશે 🙂 ) આભાર. બાપુ.

   Like

 4. ઇતિ શ્રીબ્લૉગ મહાપૂરાણે, વાંચનયાત્રાખંડે, “અમો” વિરચિત રોટલાધ્યાયઃ !
  જે ભક્તજન આ કથાનું ભાવપૂર્વક સેવન કરશે તે આજીવન રોટલો પામશે. તેટલું જ નહિ તેની સાત પેઢીનાં રોટલાની ચિંતા ભગવાન બ્લૉગનારાયણ ટાળશે. અસ્તુ………….

  જેમ રોટલાધ્યાય ના ફાયદા જણાવ્યા છે તેમ મંત્રો અને આરતીમાં પણ અંતે આવાજ વિધાન મુકેલા હોયછે! એક પેટ પૂજાને માટે છે બીજી માનસિક પૂજાને માટે છે.

  Like

 5. વાહ! સફેદ માખણ અને રોટલો અને પીઝા રોટલો જોઇને મોંમાં પાણી આવી ગયાં.

  Like

 6. વાહ, રોટલો અને માખણ જોઈને મોંમાં પાણી આવી ગયું. આ રવિવારનું મેનુ ફિક્સ. મારા અખતરાનું અવળું પરિણામ આવે તો અમારે તો વૈદ ઘરમાં જ છે, એટલે લીલી ઝંડી મળી પણ ગઈ છે…

  Like

  • નોં આવે ધવલભાઈ, કો‘ક કો‘ક કામ એવા હોય કે જેમ નાંખો તેમ સવળું !!!
   અને બહુ તો, ’કરવા ગયા કંસાર ને થઈ ગઈ થૂલી’ જેવું થાય તોયે શું ? આપણે કહેવું હું થૂલી કરવા જ બેઠો હતો 🙂
   (જેમ અમે ક્યારેક ગંભીરતાથી જ લખતા હોઈએ (ખરેખર ?) કિંતુ થઈ જાય ફારસ ! પછી ’હાસ્યલેખ’ની ટૅગ ઠપકારી દેવાની !! ગાડી દોડે 🙂 )
   આભાર.

   Like

 7. મીત્રો,

  સુધારનું મન બાવળીયે. મને ખાસ કરીને રોટલાપુરાણના આ બીજા ભાગમાં અશોકભાઈની ભાષા (લેંગ્વેજ) અને રોટલા સાથે સંકળાયેલી પરિભાષા (ટર્મીનોલોજી)માં રસ પડી ગયો. એમનું ભણતર કરતાંય એમનું વાચન આમાં જોવા મળે છે ! (વાડલામાં અમે મળ્યા ત્યારે મેં એમને પહેલો સવાલ જે પુછ્યો હતો તે એમનું અભ્યાસને લગતું બૅકગ્રાઉન્ડ જાણવા માટે.)

  નેટ પરના લેખકોમાં કેટલીક કલમોમાં સાહીત્યીક સદ્ધરતા જોવા મળે છે તેમાંના એક આ અશોકભાઈની કલમ પણ છે.

  રોટલાએ સૌને મજા કરાવી દીધી ને મોંમાં પાણી લાવી દીધાં તેની સાથે સાથે જ એક નવી જ દીશા નેટ જગતને મળી રહી છે તેનો ખ્યાલ કરવા જેવો છે. આ વાત ફક્ત અશોકભાઈ માટે જ નથી…કેટલીય બાબતો એવી છે જે આ નેટના માધ્યમથી જ મળે. કલ્પના કરો કે સાત વરસ પહેલાં કોઈ રીતે આટલી ઝડપથી, ચિત્રો સાથે રોટલાપુરાણ વહેંચવાનું શક્ય હતું ? અહીં તો જાણે અશોકભાઈના ફળિયામાં સૌ એકપછી એક આવીને ભેગાં થયા છે ને રોટલો ઝાપટે છે !!

  લખાણના આગળના ભાગમાં રોટલા અંગે શબ્દપ્રયોગો વગેરે મુકાયા છે તે અને બીજી બધી જ સામગ્રીને જો કોઈ નિબંધના રૂપમાં મૂકે તો આ લખાણ એક નવતર પ્રયોગ બની રહે તેમ છે….ને છતાં, એવો લેખ લખી દેવાય તે છતાં, પણ આમાં જે સૌએ ભેગાં થઈને રોટલો જ નહીં પણ લેખનેય મમળાવ્યો તેવું અન્યથા બની શકે ખરું ?!

  આ માધ્યમ એવું મજાનું છે કે એમાં જેમ લેખકને યશ જાય છે તેમ જ વાચકોને (કોમેન્ટ મૂકનાર)ને પણ જાય છે. રોટલો આ લેખોમાં ફક્ત જમવાની ચીજ ન રહેતાં આપણા સૌને એક ઓશરીએ ભેગા કરી દેનારું માધ્યમ બની ગયો છે !! મારે મન આ લેખ એના સાહિત્યિક કર્મથી ઉપર ઊઠીને વિશેષ ક્ષિતિજો સુધી ફેલાયો છે. (આવું અશોકભાઈ સીવાય પણ ઘણી જગ્યાએ જોવા મળે છે પણ આજે મારું ધ્યાન દોરાયું એટલે અહીં મૂકી દીધું.)

  આ રોટલાને સૌમાં વહેંચવા બદલ ઓશરીએ ભેગા થયેલા સૌને ધન્યવાદ !

  Like

  • શ્રી જુગલભાઇ સાથે સંમત છું. રોટલા પરથી ક્ષણવારમાં અમીર ખુસરો પર પહોંચાડી શકે અને પાછા શકીલભાઈ પાસે લાવી શકે તેવા કોઈ હોય તો તે એકમેવાદ્વિતીયમ્ અશોકભાઇ.

   Like

  • માન. જુગલકીશોરભાઈ, દીપકભાઈ.
   આપ સમા વિદ્વાન સજ્જનો મને વખાણો ત્યારે મારી જવાબદારી વધી જાય છે ! (હું દંભ નહિ કરું, વખાણ તો વિશ્વેશ્વરનેય વહાલાં !) અને જરૂરી સમયે આટલાં જ સ્નેહપૂર્વક ઠમઠોરવાની પણ કૃપા કરશોજી !

   જુ.ભાઈએ લખેલી વાત પરથી યાદ આવ્યું, આજે જ શ્રી. ગુણવંત શાહનું ’ભગવાનની ટપાલ’ વાંચતો હતો તેમાંથી એક ફકરો મેલવાનું મન થયું છે. સાભાર…

   ’વિસ્મયનું ઉપસ્થાન કેવળ નિસર્ગમાં જ હોય એવું નથી. જરાક ધ્યાનસ્થ ચિત્તે નિહાળીએ તો કમ્પ્યૂટર કે ઇન્ટરનેટ પણ વિસ્મયથી છલોછલ ભરેલાં ઉપકરણો છે. આજનો સાયબર યુગ વિસ્મયયુગ બનીને માનવીને ઢંઢોળી રહ્યો છે. વિસ્મયનો પથારો ભલે બહારની સૃષ્ટિમાં હોય, પરંતુ વિસ્મયનું હૃદયાકાશ (પરમે વ્યોમન્‌) માનવીની ભીતર રહેલું છે. વિસ્મયની એ ગંગોત્રી પરથી સતત એક જ સ્વર સંભળાતો રહે છે : વિસ્મિતો‘હમ્‌, વિસ્મિતો‘હમ્‌ !’ —– આભાર.

   Like

 8. ઇતિ શ્રીબ્લૉગ મહાપૂરાણે, વાંચનયાત્રાખંડે, “અમો” વિરચિત રોટલાધ્યાયઃ !

  મજા આવી.

  ઇતિ શ્રીબ્લૉગ મહાપૂરાણે, વાંચનયાત્રાખંડે, “અમો” વિરચિત રોટલાધ્યાયઃ !

  ઉપર “અમો” ના બદલે “અશોકાનંદ” કે તે પ્રકારે નામચરણ કરવું જોઈએ. કોપી-પેસ્ટ વાળા નામચરણ સુદ્ધાં કોપી-પેસ્ટ કરતાં હોય છે તેથી તમે નામને બદલે સર્વનામનો ઉપયોગ કરો તો તો કોપી-પેસ્ટ વાળા ફાવી જ જાય ને?

  હવે કહેતાં નહીં કે અમારા લેખ વળી કોણ કોપી-પેસ્ટ કરવાનું છે?

  અરે ભાઈ, ભલ ભલા એસીડીક લેખો કોપી-પેસ્ટ થયાં છે તો આ તો રોટલા-પુરાણ ! કોના મોંમા પાણી ન આવે? 🙂

  ચાલો હવે ગાડી આડે પાટે ચડી જાય તે પહેલાં અભિનંદન આપીને વિરમું. 🙂

  અભિનંદન શેના તેમ પુછો છો?
  તો તે ય સ્પષ્ટતા કરી દઉ – અમારા સહુના મોં મા પાણી લાવવા માટે 🙂

  Like

  • શ્રી.અતુલભાઈ, આભાર.
   કોપી-પેસ્ટ મુદ્દે તો હું એટલું જ કહીશ કે, આવો ’નકામો’ લેખ કોપી કરવા કરતાં મિત્રો મારી મહેમાનગતી જ માણી જાય તો આખો રોટલો જ સામે ધરી દઈશ !!! બંન્નેને આનંદ થશે !

   રહી વાત નામચરણની તો આપનું સૂચવેલું “અશોકાનંદ” બહુ જ ગમ્યું. આભાર. (હવે ક્યાંક તેનો ઉપયોગ કરું ત્યારે આપને પણ જરૂર યાદ કરીશ.) મારા એક મિત્ર પંડિતજીના દાદાજી મને “અશોકારિષ્ટ” કહીને બોલાવતા !!! (જે તેમના કહ્યા પ્રમાણે ગરમી, દુખાવો તથા નબળાઈ દૂર કરી મજબૂતી આપતું ઔષધ છે !) અહીં ’અમો’ દ્વારા કરાયેલું નામચરણ આપણાં સુરેશદાદા અને હાદ (હાસ્ય દરબાર)નાં વિદ્વાન દરબારીઓ દ્વારા ’અમો’ માટે અધિકૃત ઠરાવાયેલું નામ છે ! અ=અશોક, મો=મોઢવાડીયા. તેઓએ અમોને હાદજનનો ખિતાબ આપી અમ ગરીબનું માન વધાર્યું અને હવેથી ગમે ત્યારે ઊંધે ____ બેસવાનું બહુમાન મેળવવાને હક્કદાર ઠરાવ્યા છે 🙂

   ’હું’ કે ’મેં’ કહેવાથી ’હું પણા’ની આશંકા રહે ! કર્તાભાવ જાગે ! કદાચ મિથ્યાભિમાન પણ સવાર થાય ! માટે તો ’અમે’ કે ’અમો’ (અશોક મેરામણ મોઢવાડીયા, પૂરા નામ !!!) વાપરું છું. આ લખનારો જે છે તે ’અમો’ કે ’અમે’ છે ! કોઈ ઠમઠોરે તો તેને ઠમઠોરે છે, કોઈ વખાણે તો તેના ઉમદા કાર્યને વખાણે છે, “હું” પણ આપની જેમ દૃષ્ટામાત્ર છું !

   (યાર, આવા ધંધે લગાડીને વટક વાળવાનું ? એ કરતાં તો જૂનાગઢ પધારીને રોટલાની મહેમાનગતી માણી જ જાવ 🙂 ) આપનાં પ્રતિભાવમાં ખરે જ એક ’આનંદ’ હોય છે, રહસ્યશોધનની પ્રેરણા મળે છે. મોજ આવી. આભાર.

   Like

 9. અશોકભાઈ,

  રોટલા પુરાણ અને તેમાં શબ્દોનો જે રસભંડાર પીરસ્યો છે તે ખરખર પ્રસંશનીયછે, અને જુગલકાકા ની વાત સાથે સહમત છું કે કોઈપણ વાતની રજૂઆત કેમ કરવી અને તેમાં લોકોને કેમ જક્ક્ડી રાખવા તે આવડ્ત દરેકમાં હોવી જરૂરી નથી, તે કૂદરતની બક્ષીસ – મા સરસ્વતિ ની કૃપા જ છે. કાઠિયાવાડી લય -ઢબે રજૂઆત પણ સુંદર અને મીઠી લાગી. … ધન્યવાદ !

  Like

 10. શ્રીમાન. અશોકભાઈ

  આ તમારા બાજરાના રોટલા. પિઝા, માખણ

  ખાવાનું ( તમારા હાથે ) અમારા નસીબમાં ચોક્ક્સ

  મળશે જ એવી આશા છે, સાહેબ

  સુંદર શબ્દોની સજાવટ વટથી કરેલ છે.

  Like

 11. શ્રી. વિનયભાઈ, વોરા સાહેબ, અરવિંદભાઈ, ગોવીંદભાઈ, પ્રીતિબહેન, યશવંતભાઈ તથા સર્વે વાચક અને પ્રતિભાવક મિત્રોનો હાર્દિક આભાર. હવે “ખીચડી”નો ડાયરો ભર્યો છે ! પધારવા હાર્દિક નિમંત્રણ. આભાર.

  Like

 12. પિંગબેક: » ચિત્રકથા – બાજરાનો રોટલો (૨) » GujaratiLinks.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s