ચિત્રકથા – બાજરાનો રોટલો (૧)


પ્રિય મિત્રો, નમસ્કાર.

ફૂલગુલાબી ઠંડીએ કેડો મેલ્યો નથી ! ખાણીપીણીની મજા છે ! (અહીં ’પીણી’ કહેતાં ગાજર, પાલક, સંતરાનો રસ, વિવિધ સૂપ, કાવા, ઉકાળા વગેરે સમજવું 🙂 ) તો આજે કશી લાંબી કથા ન કરતાં, બહુ વખણાતો કાઠિયાવાડી રોટલો, ચિત્રકથાનાં માધ્યમથી માણીએ !

સામગ્રી :

* બાજરાનો લોટ (આ લોટ જો ઘરે, હવે જે પથ્થર રહિત ઘંટીઓ આવે છે તે, ઘરઘંટીમાં દળો તો જાડો ન રહી જાય તે ધ્યાન રાખવું. એક રસ્તો એ છે કે એકાદ કીલો બાજરો દળતાં તેમાં એક મુઠી જુવાર કે ઘઉં ભેળવવા. આથી ઘરઘંટીમાં લોટ જરૂર પ્રમાણે જીણો આવશે. જો કે પથ્થરવાળી ઘંટીમાં દળાયેલા બાજરાનો લોટ સૌથી ઉત્તમ !),

* મીઠું (નમક, લવણ),

* પાણી. 

જો કે બાજરાને બદલે મકાઈ, જુવાર, કોદરા, બંટી જેવા ધાન્યનો રોટલો પણ બહુ પ્રચલિત છે પરંતુ કાઠિયાવાડનો રોટલો એટલે બાજરાનો જ, એમ સમજાય છે.

રીત :

રોટલો બનાવવાનીં પહેલી ખૂબી લોટ મસળવામાં છે ! એટલે કે બહુ કંઈ મગજ વાપરવાની વાત નથી ! કાંડું બળૂકું જોઇએ !! હાથમાં ’ત્રાજવાં’ (છૂંદણાં, ટેટૂસ યાર !) હોય તો તો બળૂકું હોવામાં સંદેહ જ નહિ ! અને ત્રાજવાં ત્રોફાવેલા ન હોય તોયે રોટલો ઘડનારીનાં હાથનો એકાદ ઢીંકો (ધબ્બો; ગડદો; ઠોંસો યાર !) ખાઈને ખાત્રી કરી શકાય છે 🙂 મને જોગમાયાઓ પર ભરોસો છે (અનુભવ છે એમ કોણ બોલ્યું ?!) બે દહાડો વાંસો ન ચચરે તો ફટ કે‘જો યાર ! તો, પ્રથમ થોડા પાણીમાં મીઠું ઓગાળી લઈ તેમાં લોટ ભેળવી જરૂર પ્રમાણે વધારાનું પાણી ઉમેરતાં જવાનું અને કાંડાને કસરત આપતા રહેવાનું ! અને હા રોટલીની જેમ આમાં બધો લોટ એકસાથે બાંધી લેવાનો નહિ ! એક એક રોટલા માટે જ આ પિંડો તૈયાર કરતું જવાનું !

તો મસળી મસળી અને કૂણો માખણ જેવો થયેલો એ લોટનો પિંડો હવે થોડો અભ્યાસ અને કલાદૃષ્ટિ માંગી લેશે ! તેને બે હાથ વડે જરા ચપટો કરી અને પછી બતાવ્યા પ્રમાણે બરાબર આંગળી-અંગુષ્ઠ (અંગુઠો યાર ! ખાઈએ ભલે રોટલા પણ પાંડિત્ય ડહોળવાનો હરખ તો અમનેય હોય ને ?) વડે દબાવતા જવાનું અને આમ વાટકા જેવો આકાર આપવાનો. આ કામ કરતી વખતે વારેવારે હાથ ભીંજવતા રહેવાનું, નહીં તો લોટમાં તીરાડો પડશે.

જુઓ, થયોને મસ્ત મજાનો અશોકચક્ર જેવો (કે ગાડાના પૈડા જેવો !) દેખાવ ?! આવું કળાકૌશલ્ય દર્શાવવાનું હોય તેથી તો ’રોટલો ઘડવો’ એમ કહેવાય ! (’રોટલી વણવી’ કહેવાય પરંતુ ’રોટલો વણવો’ એમ ન કહેવાય ) અને ત્યાર પછી તેને બે હાથ વચ્ચે ’ટપાક’, ’ટપાક’ જે ઘડવામાં આવે તે ખરે જ તાલ અને લયનું સુંદર સંયોજન હોય છે. માટે તો અમે તેને કળાનાં વર્ગમાં સામેલ કર્યો છે ! આ માતૃશક્તિને સંતાન, સમાજ, ભવિષ્યનાં ઘડતરની આવડત હાથવગી જ હોય તેમાં શી નવાઈ ?! (કોઈ શક ?) જો કે આમ હાથથી ઘડેલા રોટલાને  ’ઘડેલો રોટલો’ (ભ.ગો.મં. તેને ’ટીપેલ રોટલો’ પણ કહે છે) કહેવાય અને પાટલા પર લોટનો પિંડો મેલી અને પછી થાબડી થાબડી તેને આકાર અપાય તેને ’થાબડેલ રોટલો’ કહેવાય. જાત અનુભવ એમ કહે છે કે આ ઘડવાનું (કે ટીપવાનું !!) કામ બહેનોએ શીખી લેવું ! તેથી ગૃહજીવનમાં મીઠાશ વધારે રહેશે 😉 કારણ થાબડભાણાં કરવાંથી તો સસલું પણ સિંહ બની જાય છે !!! 🙂

આ લેખના ભાગ-૨ માં આપણે રોટલો શેકવાની કળા વિશે વધારે જાણશું, (આ ’રોટલા શેકવા’ શબ્દ આવતા સમયમાં વારંવાર સાંભળવા મળશે ! ચૂંટણીની મોસમ છે ને !!!)  રોટલાની સાથે સંકળાયેલા થોડા રૂઢિપ્રયોગો પણ જાણીશું અને હા, આ ઘડ્યો છે તે રોટલો હજુ ચૂલે ચઢાવવાનું કામ તો છે જ ! પરંતુ એ માટે બે‘ક દિવસ ખમવા વિનંતી. આમે ધીમે તાપે શેકાય તે રોટલો મીઠો થાય, ઉતાવળે તો બળી જાય !! આભાર.

54 responses to “ચિત્રકથા – બાજરાનો રોટલો (૧)

 1. અશોકભાઈ,
  શું કહું? તમારી વગર આવી વાત કોણ લાવે છે?
  વતનનું રાંધણિયું સાંભરી આવ્યું. … ને સાથે ઘણું…ઘણું…

  Like

  • શ્રી. યશવંતભાઈ,
   ભાઈ અમારે તો આ બાજરો બારે માસ ! રોજ સાંજે બાજરાનાં રોટલા ! તે મને થયું કે ગામ આખું અવનવા ખાણાની મોજ માણે ને અમારે જ આ દુઃખ ?! લાવ બધાને પાટે ચઢાવું ! ભલે રોટલા ખાતા થઈ જાય 🙂 (આમિન !)

   બાકી આપનાં ’ઘણું…ઘણું…’ એવા ચાર અક્ષર અને છ મીંડાંમાં જાણે યાદોનો અંબાર ખડકાયો હોય તેવું લાગ્યું ! ક્યારેક એ અંબારમાંથી બે‘ક મૂઠી અમ મિત્રોને પણ આપજો હોં. આભાર.

   Like

 2. અરે, ઘડેલા રોટલાનો સ્વાદ જ અનેરો છે. મને એમ કે, ટીપેલા એટલે તો ચકલા પર બનાવેલા. બસ ઉપરનું પડ ખોલો, ભપ્પ,,,વરાળ નીકળે, ઘી અને ગૉળ. સાથે રીંગણાંનું શાક હોય તો પણ ચાલે અને ન હોય તો પણ ચાલે (આ મારી વાત છે).અમારે ત્યાં મીથું ન નાખતાં.
  સ્વર્ગમાં પણ આ મળવાની શરતે જ જવું!

  Like

  • “સ્વર્ગમાં પણ આ મળવાની શરતે જ જવું!” – આ થયો ખરો રોટલાપ્રેમ ! આભાર દીપકભાઈ.

   જો કે અહીં આપ પાસેથી એક નવો (મારા માટે) શબ્દ જાણવા મળ્યો. આ “ચકલા” નો અર્થ કહેવા વિનંતી. (મેં ધારણા બાંધી છે કે ’પાટલા’ ને માટે આ શબ્દ વપરાતો હોય, કદાચ !) આભાર.

   Like

 3. એ ભાઈ!
  એક એક રોટલા માટે જ આ પિંડો તૈયાર કરતું જવાનું ! – મારી લાઈખા.
  ખેર,
  આપણે તો મમ મમ થી કામ છે; કે ટપ ટપથી? તમારે ત્યાં આવીએ ત્યારે મજાના રોટલા જમાડજો !

  Like

 4. પ્રિય અશોક
  થોડા દિવસ પેલા હું ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર માંથી ૬ બાજરાના રોટલાનું પેકેટ લાવેલો .જે કાચા (લોટમાં પાણી નાખીને ગોળ કરેલા )હતા ઘરે આવીને શેકી લેવાના. આજે ખલાસ કર્યા. એનું પ્લાસ્ટીકનું પેકેટ રંગીન રોટલાના ચિત્ર વાળું અને ગુજરાતીમાં લખે”લું”.બાજરીના રોટલા “આ ખાલી પેકેટ દેશમાં લાવવાનો છું. આતા ના રામ રામ
  ૮ ફેબ. અહીંથી પ્લેન માં બેસવાનો છું .તેની માહિતી નું લખાણ હાથ લાગશે તો હમણાજ તારા ઈમેલ ઉપર મોકલું છું .

  Like

 5. શ્રી. અશોકભાઈ,

  ભડથું તો યશવંતભાઈએ (અરે કાકા યાર!) ખવરાવેલું – જો કે સાચું નહીં હો :- બ્લોગ-જગતનું. તમે તો સાચે સાચા રોટલા બનાવતા શીખવ્યું. હવે અન્નક્ષેત્રમાં સેવા કરવા કે લીલી પરિક્રમ્મામાં ન અવાય તો બહેનના હાથના રોટલા જમવાએ જુનાગઢ આવવું પડશે.

  બ્લોગ-જગતનું માખણ તો અમે અમારી (માનાર્થે – આ અહં ક્યાં ટાળ્યો ટળે તેમ છે?) અલ્પમતિ અનુસાર પીરસતાં જ હોઈએ છીએ. સહુએ યથાશક્તિ મેળે જ ગ્રહણ કરી લેવું 🙂

  Like

  • શ્રી.અતુલભાઈ,
   આપણે ક્યાં છેટું છે ? આ ન્યાંથી ફોન કરીને મારગે ચઢો, આંય પોંચો ત્યાં રોટલો તૈયાર !! હા, આ બ્લોગવલોણું વલોવી વલોવીને તારવેલું મજાનું માખણ સાથે લાવવું પડશે 🙂 અને ’કાકા’નેય નોતરું મેલીયે એટલે ભડથું પણ પાકું થઈ જાય !! એય ને મજાના રોટલા, રીંગણાનો ઓળો (ભડથું) ને માથે માખણનોં લોંદો, સાથે મળીને ડાયરો જમાવીશું ! (આ મારવાડી !!! મે‘માનનેય ન મેલે 🙂 સામું એનું ય ખાઈ જાય !) આ તો મજાક કરું છું. જરૂર પધારો. અમને ખરે જ આનંદ થશે. આભાર.

   Like

 6. અશોકભાઈ,
  મારા માતુશ્રી અને મારાં પત્ની ઘડેલા રોટલા સરસ બનાવતા અને શિયાળામાં ગરમ ગરમ કે ઠંડા શાક કે દૂધ સાથે જમાવાનો અનેરો લ્હાવો મળતો, બંનેના સ્વર્ગવાસ બાદ આવા રોટલા જમાડનાર કોઈ ઘરમં નહિ રહેતા હું જે કાંઈ રાંધતા શીખ્યો તેમાં રોટલા બનાવતા પણ શીખી ગયો અને આજે ઘડીને રોટલા બનાવી જમવાનો આનંદ માણી રહ્યો છું.સામાન્ય રીતે અમો રોટલામાં મીઠું નહિ નાખતા પણ હું ક્યારે ક મીઠા સહિત મેથી અને લીલું લસણ નાખી રોટલા બનાવું છું અને તે અત્યંત સ્વાદિષ્ટ બને છે. તમારી આ રોટલાની વાતે મને ગમી અને હું પોતે રોટલા ઘડીને બનાવતો થયો તે આપને જણાવવા મને પ્રેર્યો તે માટે આભાર !

  Like

  • શ્રી. અરવિંદભાઈ, આભાર.
   વાત દુઃખદ છે પણ આપને રોટલો ઘડતા આવડી ગયું અને એ રોટલામાં સ્વજનોની યાદ તાજી રહે છે એ જ હૃદયસ્પર્શી વાત છે. મેં આ રોટલાકથા લખી ત્યારે ખરે જ જાણતો ન હતો કે આટઆટલી યાદો, આટઆટલી સ્મૃતિઓ આ રોટલા સાથે જોડાયેલી મળશે. હવે લાગે છે કે, ’રોટલો’ એટલે પેટ ભરવાની એક વાનગી માત્ર નહીં ! આપણે (ગુજરાતીઓ, ભારતીયો, માનવો, અરે આપણાં પાળેલાં અને શેરીનાં પશુઓ પણ !) દળાયેલા, મસળાયેલા, કચડાયેલા, ટીપાયેલા, ઘડાયેલા પણ અંતે આ રોટલા જેવા જોડાયેલા છીએ.

   ક્યારેક મેથી અને લીલાં લસણવાળા રોટલાનો સ્વાદ પણ માણવો પડશે. હાલ તો આપને અમારો રોટલો જમવા પધારવાનું હાર્દિક નિમંત્રણ છે. આપનો ખૂબ ખૂબ આભાર.

   Like

 7. અશોક રોટલાની ઘડવાની રીત પણ તે વિગત વાર કહી
  મારા કહેવાથી મારીમાએ મને રોટલા ઘડતાં શીખવેલું ,અને કેવી રીતે શેકવો એ પણ શીખવેલું .
  એ પણ કળા છે .જો તાવડીમાં રોટલો નાખતાં નો આવડે તો એમાં ફૂલ ચીતરાય જાય અને આવો રોટલો ફૂલે નહિ .આવા ફૂલ ચીતરાય ગયા હોય એને
  “ભમરા પડ્યા “કહેવાય ,ઘોડાઓ ને બાજરો ખવડાવતા હોય છે . બાજરાની પ્રશંશા નો એક દોહરો લખવાની ધૂન આવી .
  બલ્હારી તારી બાજરા જેના લાંબા લાંબા પાન
  ઘોડે પાંખું આવ્યું અને ઘરડા થયા જુવાન
  મારા ખ્યાલથી બાજરા બે જાતના થાય છે એક (કક્કાનો ચોદ્મો અક્ષર મને કમ્પ્યુટર પાસે લખાવતા નથી આવડતો એટલે અશોક તમને બંને બાજરાના નામ આપશે.)ગુજરાતમાં બાજરી કહે છે .અને કચ્છમાં બાજર કહે છે .હવે ભેગા ભેગો તમને કચ્છી બાજરાની પ્રશંશાનો દોહરો લખી દઉં.
  ધીંગા માડીજા હથ્થ્ડા ધીંગી બાજરજી માની ધીંગા =મજબુત માડી= માના માટે વપરાતો પ્રેમાળ શબ્દ માની = રોટલો અશોક માડી શબ્દ વાપરતો હશે
  દેવકે ભી દુર્લભ હેડી મીઠડી માડીજી માની

  Like

  • વાહ્, આતા વાહ! તમે અમારો કચ્છી બાજરો યાદ કર્યો. કચ્છીમાં બાજર કહે. હું એટલે ન બોલ્યો કે ખાવા અશોકભાઈના રોટલા અને વખાણવા ઘરના રોટલા! ઊઠાડી ન મૂકે? કચ્છનો બાજરો મીઠો. કચ્છનો બાજરો એટલે ‘બાજરો’!

   Like

   • શ્રી.દીપકભાઈ,
    આપને હક્ક છે વખાણવાનો ! મેં જાણ્યું છે ત્યાં સુધી, કચ્છનો લાખો ફૂલાણી જ તો એ જણ હતો જેણે આપણને બાજરાનો પ્રથમ પરિચય કરાવ્યો. (શોધું છું, કદાચ ભાગ-૨ માં વધારે માહિતી આપી શકું. આપ પણ આ વિષયે કંઈક પ્રકાશ પાડો તેવી વિનંતી)

    Like

  • એ….આતા,
   આ કાંઉ કીધું ? આ “ભમરા”ની વાત તાં હજે મારે બીજા ભાગમાં લખવાની હુંતી ! તાં તમે પેપર ફોડે નાઈખું !!! વાંધો નંઈ ! હારે આ ’બાજરા’ને વખાણતા દવા (દોહરો) લખે ને મણે તાં ઠીક પણ આપણાં દીપકભાઈને (ને ન ભૂલતો હોઉં તો વિનયભાઈ અને વોરાસાહેબ પણ કચ્છીમાડૂ જ ને !) પણ મોજે દરિયા કરાવે દીધા ! ખમ્મા મારા આતાને ઘણી ખમ્મા, ને ભેગાભેગ ’ધીંગી બાજરજી માની’ને ય ઘણી ખમ્મા ! કોક દા‘ડો કચ્છડે જાશું તાર કચ્છી માડીજે ધીંગે હથ્થડેજ્યું ધીંગી બાજરજી માનીયું ખાશું !

   અને મેં તો બહુ કાશ કરી પણ હજી રોટલો ગાડાના પૈડા જેવો ગોળ થવાને બદલે શ્રીલંકાના નકશા જેવો થાય છે ! જો કે હાલ પછી ઈ તંત મેલી દીધો છે, ભગવાન ઘડનારીનાં કાંડા સાજા રાખે 🙂 આપણે મમ મમથી મતલબ !!!

   Like

 8. શ્રી અશોકભાઇ,

  વાહ, આપની ચિત્રકથા દ્વારા મને મારા રોટલા ઘડવાની કળા શીખવાના દિવસો યાદ આવી ગયા..( પણ આવા સરસ રોટલા બનાવતા આવડ્યું નથી.બાવડા મજબૂત નહીં.)અને સાથે ઘણું બધું યાદ આવી ગયું ગરમ રોટલો, ઘી, ગોળ, લસણની ચટણી અને છાશ…અને આ બધા માટે સરસ મજાનું ખાસ ગ્રામ્ય વાતાવરણ ઊભું કરવાનું.

  Like

  • શ્રી મિતાબહેન,
   મને તો પેટમાં ધ્રાસ્કો પડ્યો હતો !! (ધ્રાસ્કો = ફાળ; ધાસકો; ચિંતા; ફિકર) મને થયું આ બેનુંના વખાણમાં હું રોટલા જેવો થઈ ગયો ને બેનો (બહેનો) કેમ દેખાય નહીં ! હાશ ! હવે મારી મહેનત લેખે લાગી. અને હા આમ અમદાવાદી આઈડિયાઝ અહીં કામ નહીં આવે 🙂 આપને “સરસ” રોટલા બનાવતા આવડે છે કે નહિ તે તો અમે નક્કી કરીશું ને !! (ખાધા પછી 🙂 )

   બાકી, ’ગરમ રોટલો, ઘી, ગોળ, લસણની ચટણી અને છાશ…’ દીપકભાઈએ કહ્યું તેમ, ’નહિ તો રાખ તારું સ્વર્ગ તારી પાસ !’ આભાર.

   Like

 9. અ_શોક’જી’ “બાજરાનો રોટલો” વાંચી સવારે નાસ્તામાં રોટલો યાદ કર્યો કારણ પણ જણાવ્યું હવે આપજે જવાબ ! તારે ઇ મેરાણી તો મારે ઇ પણ કઈ કમ નથી ! જો તને કેવો ધંધે લગાડે છે ! [રોટલીની રેસીપી આપી ને!] 😀
  – આ ઘડવાનું (કે ટીપવાનું !!) કામ બહેનોએ શીખી લેવું ! તેથી ગૃહજીવનમાં મીઠાશ વધારે રહેશે.
  હાથ જોઈ નેજ ખબર પડી ગઈ કે “ટીપવાનું” સારુ ફાવતું લાગે છે ! 😦
  – થાબડભાણાં કરવાથી તો સસલું પણ સિંહ બની જાય છે !!!
  હેં.. !? 😀

  Like

  • “મારે ઇ પણ કઈ કમ નથી !” — મને ખબર છે બચ્ચા !! મેં જ હજારેક વખત ધોરાજીવાળાનો લાલ લેપ, હાડકાં સાંધવાનો અકસીર મલમ, તને મોકલેલો છે 🙂 (ઈસે કહતે હૈ ’હથોડા’ !!)

   અને તું ખોટું સમજ્યો ! મારી દૂકાન, ભાંગીતૂટી પણ હજૂ ચાલે છે. ઓછામાં ઓછું હાલ તો ક્યાંય લૉજ કે હોટલમાં રસોઈયાનું કામ શોધવા જવું પડે તેમ નથી ! બાકી તું રોટલી વણતા શીખી રાખજે, ભાભીને “પણ” ’ટીપવાનું’ યાદ આવશે ત્યારે કામ લાગશે !!! થાબડભાણાં, સસલું અને સિંહનાં દૃષ્ટાંતે તારા મુખેથી કેમ ’હેં..?!’ નીકળી ગયું ? મોટા ઈ તારી જ વાત છે 🙂 હવે ક્યારે આવે છે ’રોટલા’ ખાવા ? (આ આમંત્રણ છે !) આભાર.

   Like

 10. શ્રી. અશોકભાઈ,

  સાચે જ રોટલા ખાવાની મજા તો ચુલા જોડે બેસીને ખૂબ આવતી. બાજરા નાં રોટલા સાથે મેથીની ભાજી અને રીંગણનું શાક અથવા ધમધમાટ કઢી હોય તો પણ મજા પડી જાય. અહીં ન્યુ જર્સીમાં ઘણા બધા ઇન્ડિયન ગ્રોસરી સ્ટોરમાં બાજરાના તૈયાર રોટલા, ઢેબરાં બધું મળતું હોય છે, પણ ઘરે હાથે ઘડેલા જેવી મજા નાં હોય, અને બીજું અમે લોટ લાવીને પણ ટ્રાય કર્યો છે વાસી હોય કે ગમે તે દેશમાં ખાતા તેવી મીઠાશ હોતી નથી. એટલે અહીં મકાઈનો લોટ ઘણો સારો મળે, સદનસીબે શ્રીમતીને હાથે ઘડીને રોટલા ટીપતાં આવડે છે, માટે મકાઈના ગરમાગરમ રોટલાનો સ્વાદ માણીએ છીએ. ગુજરાતના નકશા જેવા રોટલા ટીપતાં તો મને પણ આવડે ખરું.

  Like

  • શ્રી.ભુપેન્દ્રસિંહજી, આભાર.
   ખરી વાત છે, ચૂલા પાસે બેસીને ગરમ ગરમ રોટલા અને શાક ખાવાની મજા જ અનેરી હોય છે. (જો કે જોડે માત્ર ચૂલો જ હોય તે પણ ન ચાલે 😉 )

   ત્યાં લોટ વાસી હોય તેમ બને, મારી જાણમાં છે કે મારા એક મિત્ર અહીંથી બાજરાનો લોટ દળાવી યુ.કે. અને અમેરિકા મોકલાવતા. હવે જો કે યુ.કે.માં તો આપણાં લોકો જ બાજરાનો લોટ દળવાની ઘંટીઓ ચલાવે છે. બાજરાનો લોટ ત્રણ-ચાર દહાડા પછી કડવો થવા લાગે છે. મકાઈનો રોટલો પણ સ્વાદ અને સ્વાસ્થ્યમાં ઘણો જ સારો હોય છે. આપણે ગુજરાતમાં હિંમતનગર વગેરે વિસ્તારમાં તેનું બહુ ચલણ હોવાનું જણાયું છે. (મેં પણ એ વિસ્તારમાં પ્રથમ વખત ખાધેલો) સૌરાષ્ટ્ર-કચ્છમાં બાજરો અને જુવાર વધુ ચાલે.

   આકાર બાબતે હું ખરે જ ’આંતરરાષ્ટ્રીય’ કૌશલ ધરાવતો ગણાઉં ! કેમ કે હું શ્રીલંકાના નકશા જેવો રોટલો બનાવી જાણું છું 🙂 આભાર.

   Like

 11. બહુ જ મજાનો સચિત્ર લેખ…મોંમાં પાણી લાવી દેનારો. આવા વિષય પર લખવું અને પાછું રસપ્રદ બનાવવું એ તો તમ જેવાને જ ફાવે (ને સૌને ભાવે.)

  Like

  • આભાર, જુગલકીશોરભાઈ.
   આ ’ભાવે’માં સહમત કિંતુ ’તમ જેવાને જ ફાવે’ એ તો આપ સમા સૌ મિત્રોનો સ્નેહ છે !

   મકાઈના અવગુણ જાણમાં નહતા, નવું જાણવા મળ્યું. અને જુવાર તો પ્રથમ બહુ ખવાતી. મને યાદ છે વર્ષો પહેલાં બહુ માઠાં પડેલાં ત્યારે ગામડે રાતી જુવારનાં (જેને રાતડ કે રાતીજાર કહેતા) રોટલા ખાતા. (કદાચ એ બહુ જ સસ્તી કે ઓછા પાણીમાં થતી હશે, ખ્યાલ નથી) એ દિવસોની યાદ ઘર કરી ગઈ હોય કે કેમ ! પરંતુ હાલમાં આ ગામડાઓમાં જુવારનો રોટલો એટલે ગરીબાઈ એવું મનાવા લાગ્યું તેમ દેખાય છે !! બાકી હું હાલ પણ અ‘વાદ તરફ જઉં છું ત્યારે, સંપન્ન લોકોને ત્યાં પણ, જુવારનાં (સફેદ જુવાર) રોટલાનું ચલણ વધારે જોઉં છું. જો કે સદા બાજરાના ખાવા વાળાને જુવારનો રોટલો સ્વાદમાં જરા ફિક્કો લાગે ખરો. બાકી રંગેરૂપે જુવારનો રોટલો મિસ યુનિવર્સનો ખિતાબ પામે તેમાં ના નહિ !! આભાર.

   Like

   • ખરેખર તો આ બધાં બર્છટ ધાન્યો છે. બાજરો, જુવાર, રતડ, રાગી વગેરે રેસાદાર હોવાથી ઘઉં કરતાં વધારે સારાં. મરડો હોય કે ડાયાબિટીસ આ નો ઉપયોગ વધારે કરવો જોઈએ. ઘઉંના થૂલાની રોટલી પણ સારી. આ તો આપણેસુધર્યા એટલે ગરીબોનું ધાન ખાવાનું બંધ કર્યું.

    Like

 12. એ બહુ થ્યુ લ્યા…:) આ મુજ અમદાવાદીને અને તે પણ પથ્થર જડેલી પોળોમાં ઉછરેલાને વળી આવા હાથે ટીપેલા (અરે ઘડેલા) રોટલાના આટ-આટલા વખાણ વંચાવીને મારી નાંખવો છે કે શું? અને અશોકભાઈ, ભલે તમે વાત બાજરાના રોટલાની શરૂ કરી પણ, મને તો પાછળ કાંઈક બીજું જ રંધાતુ લાગે છે… ખરી વાત શું છે તે જણાવી દો તો?

  Like

  • ખરી વાત શું હોય ધવલભાઈ, શ્રીમતીજીએ હવે અશોકભાઈને પાકકલામાં નિપુણ બનાવી દેવાનું બીડું ઝડપ્યું છે. કહેતાં હશે કે બ્લૉગમાં તો બહુ ચટપટું બનાવીને પીરસો છો તો આવોને રાંધણિયામાં!

   Like

   • “રાંધણિયામાં”

    રાં(ક) ધણી, આ(બાબત)માં !!

    Like

    • એ ના હોં, બિલકુલ નહી! જુગલકિશોરભાઈ, આ અશોકભાઈ? અને રાંકધણી? મેં તો એમના ઘરે પૂરીઓ ખાધી છે (એ ઉસ્તાદ માણસે મને આ કિંમતી રોટલો તો ના જ ખવડાવ્યો, આખરે બામણો સાથેની દુશ્મનિ તો ખરી જ ને), ખબર પડી જ જાય કે ધણી-ધણીયાણીમાંથી કોણ રાંક છે… તમે કો’ક દિ રોટલા ખાવા જશો તો તમે પણ સમજી જ જશો…

     Like

     • લગ્નોનાં ફટાણાંમાં એક ગીત આવતું –
      “વર રાંધણિયો, વર ચીંધણિયો…” પણ મોટે ભાગે રાંધવાની બાબતે વર રાંક જ હોય ને ! ચીંધણીયો પણ જુદા અર્થમાં ‘ચીંધનારો’ એવો અર્થ લેવાનો ! ચીંધાવનારો એવો અર્થ નહીં લેવો.

      અશોકભાઈને રાંધતાં આવડતું હોય તો ત્રોફેલાં ત્રાજવાંવાળો હાથ કેમ બતાવે ? એમના લેખના શીર્ષકમાં રોટલાનીય પહેલાં ચિત્રકથા લખેલું છે, જુઓ ! એમણે ચિત્રને પ્રાધાન્ય આપ્યું છે રોટલાને એ પછી.

      Like

  • શ્રી.ધવલભાઈ,
   હવે મારી પોલ તો અહીં બે સંમાનનીય વડીલમિત્રોએ (દી.ભાઈ, જુ.ભાઈ) ખોલી નાંખી તેથી વધારે શું કહેવું ?! 🙂 🙂

   અગાઉ એક વખત આપને મેં પાકકલા સંબંધે મદદનો પ્રસ્તાવ મોકલાવેલો ?! આપ મને તકલીફમાં મેલવા (કે જાતે તકલીફમાં મુકાવા 🙂 ) નહોતા માંગતા તેથી હવે જાહેરમાં સૌને તકલીફમાં મેલવાનો ધંધો આદર્યો !! 🙂 આભાર.

   Like

 13. અલ્યા ભૈ જુનાગઢમાં રો’છો ને નીરો ભુલી ગયા, ‘પીણી’ની યાદીમાં ?!

  ઘણા સમય પછી આ કલાકૃતિને તમે સંભારી આપી…આ કૃતિ તમારા જેવાના જ ધ્યાનમાં આવી શકે એ વાત તો નક્કી. મેં નાનપણમાં રોટલાને ઘડાતો, ટીપાતો ને ‘રોટલો’ બનતો જોયો છે. એનું બારીક નિરીક્ષણ કર્યું છે. તમારું આ વર્ણન કેટલું બધું સચોટ છે ! (તમે કદાચ ભૂલી ગયા છો, બાકી આંગળી ને અંગુષ્ટની વચ્ચે દબાઈને જે આકાર કુબા જેવો બને છે તેય મને તો યાદ છે.)

  ટપાકા પરથી ટીડા જોશીની વાર્તાય યાદ આવી ગઈ –

  “ટપટપ કરતાં તેર ગણ્યા, વાટે જાતાં ધોરી મળ્યા;
  નીંદરડીએ આપ્યો હાર, કાં રાજા ‘ટીડા’ને માર ?!

  હવે બે ભાગમાં પતાવો કે પછી બાર ભાગમાં; આ રોટલા પ્રકરણને આમ નેટ–પાના પર વાંચવાનો શો અરથ ? હવે તો થાય છે કે જુનાગઢ આવીને ભાણે ને તેય પાટલી ઉપર સીધો જ રોટલો પધરાવીને લાલ મરચાંના અથાણા ને ગૉળના દડબા હારે ઝાપટવા જ પૂગી ઝાવું પડહે !

  ઘણી ખમા વીર રોટલાવાળાને !!

  Like

 14. શું વાત છે…. બહુ જ મજા આવી…. રજા ના દિવસે ઘરવાળી ને આરામ આપીને આપના દ્વારા જણાવેલ રીત થી કોશીશ કરીશ… જોઈએ આગળ શું થાય છે 😛

  Like

 15. પિંગબેક: ચિત્રકથા – બાજરાનો રોટલો (૨) | વાંચનયાત્રા

 16. પિંગબેક: ચિત્રકથા – બાજરાનો રોટલો (૨) | વાંચનયાત્રા

 17. પિંગબેક: ચિત્રકથા – બાજરાનો રોટલો (૨) | વાંચનયાત્રા

 18. ASHOK BHAI TTHA MITR MANDL CHALO MAHER NI MHEMANGTI KRVA ANE ROTLA KHAVA

  Like

 19. મારે પણ એક ’જાહેર ઇનકાર’ (disclaimer) મેલવાની જરૂર હતી કે;
  🙂 “વાંચ્યા પછી પોતાની જવાબદારી અને જોખમે અખતરા કરવા !!” 🙂
  આપ સૌ મિત્રોએ મજા કરાવી દીધી હોં ! હવે બે રોટલા વધારે ખવાશે !!

  શ્રી. શૈલેષભાઈ, વિનોદભાઈ, વિનયભાઈ, ગોવીંદભાઈ, જગદીશભાઈ, પ્રીતિબહેન તથા
  સર્વ વાચકમિત્રો, પ્રતિભાવક મિત્રોનો આભાર.

  હવે ભાગ – ૨ પણ આપની સેવામાં હાજર છે. રોટલો શેકવાનું ન ભુલશો !!! આભાર.

  Like

 20. આયુર્વેદ લખાયો ત્યારે મકાઈ ભારતમાં પાકતી નહિ હોય. ખરેખર પાકતી જ નહોતી. મકાઈ પણ ભારતનો પાક નથી. ઘઉં પણ ખાસ નહોતા, જવ હતા. માટે યજ્ઞોમાં જવ હોમાય છે ઘઉં નહિ. બાજરો પણ બહુ પાછળથી આવ્યો. અમદાવાદમાં મણીનગરમાં શ્રી. ભાષ્કરભાઈ હાર્ડીકર નામના પ્રખ્યાત વૈધરાજનું ક્લીનીક હતું. એમની દવા લઈએ તો ચરી પાડવાનું લીસ્ટ આપી દેતા, બાજરાનો રોટલો ખાવા દેતા નહિ. બાજરાનો રોટલો, રીંગણ અને તાદલજાની ભાજી તો દવા છોડી દીધા પછી પણ છ મહિના સુધી ખાવાનો નહિ. મનુ છું કે અસલ ચરક સંહિતામાં બાજરી અને મકાઈનું નામ કદાચ નહિ હોય.

  Like

   • મકાઇ વિશે સારૂં જાણવા મળ્યું.
    પરંતુ અશોકભાઈ હવે કઈંક ખીચડી પર પ્રકાશ પાડે તો સારૂં. ખીચડીના મૂળ તો ત્રણ પ્રકાર હું જાણું છું -એક દિવ્ય, બીજી અત્યંત સારી અને ત્રીજી સારી. ત્રણેયની એક સમાન ખાસિયત એ કે એ હંમેશાં ‘ઓછી’ હોય. રોંઢા વેળામાં રાતની વધેલી ખીચડી ખાવાનો વિચાર હોય તો રાતે થોડી બચાવવી પડૅ! અશોકભાઇના નિબંધની રાહ જોઈએ.

    Like

    • નીર્બંધ !
     ખીચડી બંધ(કોશ)ને દુર કરે છે !

     Like

    • શ્રી.દીપકભાઈ, શ્રી.જુ.ભાઈ.

     આપ મારો બંધકોશ (’નીર્બંધ’ સં:જુ.ભાઈ !) ખોલાવીને જ જંપશો 🙂 આવો અદ્‌ભુત વિચાર આપવા બદલ આભાર. તો લ્યો હવે આપ વિદ્વાનોની જવાબદારી અને જોખમે ! હવે પછીનો ’ડાયરો’ ખીચડી ખાવા ભેળો મળશે !!! (બિરબલની ખીચડીની જેમ ચૂલે ચઢાવી છે ! બે‘ક દહાડામાં પાકી જશે 🙂 ) તો હવે ’મોળા’ પડતા નહીં અને જેવી થાય તેવી, કાચી-પાકી, ખીચડી પચાવવા તૈયાર રહેશો ! આભાર.

     Like

     • અશોકભાઈ, ખીચડીને કાચી પાકી ન કહો. મેં કહ્યું છે ને કે એમાં એક જ ખાસિયત છે (ઉણપ કહી શકો) કે હંમેશાં ‘ઓછી’ હોય. મહેનત કરીને બચાવો તો જ બીજા દિવસે મળે!

      Like

      • વીજ્ઞાનમાંનાં બે જાણીતા શબ્દો સંયોજન અને મીશ્રણ માટે ખીડી અને શેવમમરાનો દાખલો આપી શકાય. શેવમમરા એ મીશ્રણ છે જ્યારે ખીચડી એ સંયોજન છે.

       પારસીઓદુધમાં સાકર જેમ ભળી ગયા એ ખરું પણ એમની સ્વતંત્ર ઓળખ જાળવી રાખી હતી…ખીચડીમાંના મગચોખા પોતાનું અસ્તીત્વ ગુમાવીને પૌષ્ટીક ખોરાક આપે છે !
       ખીચડીમાં ખાવું હોય તેટલું ઘી સમાવીને ખાઈ શકાય છે ! “ઘી ઢળે તોય ખીચડીમાં.”
       બાજરીના રોટલાનું અનુસંધાન ખીચડી સાથે કરવું છે ? તો લ્યો –

       મકરસંક્રાંતી પર બાજરીનો ખીચડો કરીને ગાયોને ખવડાવાય છે…ને એમ તમારા બે લેખનું જોડાણ કરી શકાય છે.

       આગોતરા ધન્યવાદ ફોર ડેલીશીયસ ને ટેસ્ટીએસ્ટ ખીચડીજી !

       Like

  • બાજરો બહુ ગરમ પડે, કેટલીક સ્થિતિમાં બાજરો ખાવાથી દૂર રહેવું સારું. મકાઈ વિષયે આપની વાતમાં દમ લાગે છે. મકાઈ બહુ મોડેથી ભારતમાં આવી હોય તેવું લાગે છે. જો કે કોઈ જાણકાર આ વાત પર વધારે પ્રકાશ પાડી શકે. આભાર.

   Like

 21. પિંગબેક: ડાયરો – ખીચડી | વાંચનયાત્રા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s