(બુદ્ધિ અને લાગણી) વિદાય વેળાએ (ધ પ્રોફેટ) (૮)-ખલિલ જિબ્રાન


નમસ્કાર, મિત્રો.
આજે ફરી, ખલિલ જિબ્રાનનું ’વિદાય વેળાએ’નાં કેટલાક અંશ. આજે વાત કરી છે બુદ્ધિ અને લાગણીની (Reason and Passion). અહીં આપણે તે વિષય પર જિબ્રાનનું ચિંતન માણીશું.  

તમારું ચિત્ત ઘણી વાર એક રણક્ષેત્ર બને છે, જેમાં તમારી બુદ્ધિ અને તમારો વિવેક તમારી લાગણી અને તમારા રસ સામે લડાઈ ચલાવે છે.

આપણે શાળાજીવનમાં ચર્ચાસભાઓ કે વકૃત્વસ્પર્ધાઓમાં આ ચડે કે તે, પૂરુષાર્થ ચડે કે પ્રારબ્ધ, શ્રીમંત ચડે કે ગરીબ, ભણેલો ચડે કે અભણ, બુદ્ધિ ચડે કે લાગણી, આવા વિષયો પર બહુ ચર્ચા કરતાં. મોટાભાગે તો તેમાં એકથી બીજાને ચડીયાતું બતાવવાનો પ્રયત્ન કરતાં. હાલમાં પણ બહુ કંઈ ફરક પડ્યો જણાતો નથી ! જિબ્રાન કહે છે તેમ એક રણક્ષેત્રમાં અટવાયેલા આપણે આજે બે ઘડી થંભી અને જરા વિચારીએ.

મને ઘણુંયે મન થાય છે કે હું તમારા ચિત્તમાં એક સુલેહ કરાવનારો થઈ શકું, અને તમારી પ્રકૃતિનાં તત્ત્વો વચ્ચે ક્‌લેશ અને ઈર્ષા મટાડી ઐક્ય અને મેળ સાધી શકું.
પણ એ મારાથી કેમ થઈ શકે, જો તમેયે સુલેહ કરનારા – ના, તમારી પ્રકૃતિને ચાહનારા – ન બનો તો ?

અહીં જિબ્રાન સ્વિકારે છે, અને એક દૃષ્ટિએ જગતનાં સર્વે ડાહ્યા માણસોનો આ સ્વિકાર છે કે, ચિત્તનાં આ રણક્ષેત્રમાં સુલેહ કરાવવાનું કામ કોઈ બહારનાથી નહીં બને ! પોતે જ સુલેહ ઈચ્છનાર, પોતે જ પોતાની પ્રકૃતિને ચાહનાર ન બને ત્યાં સુધી એ કામ નહીં બને. અને અહીં જિબ્રાન માત્ર બાહ્ય સમજણ આપવા પ્રયત્ન કરે છે, અંતરમાં ઉતારવાનું કામ જાતે જ કરવાનું છે. જો કે જગતનાં સઘળા વિદ્વાનોએ આમ જ કર્યું છે, પોતાને જે સત્ય લાગ્યું તે સામે ધરી દીધું છે અને પછી કહ્યું છે;
“विमृश्यैतदशेषेण यथेच्छसि तथा कुरु” (भ.गीता. १८-६३)
તો હવે આપ છો અને જિબ્રાન છે, હું વચ્ચેથી વિદાય લઉં છું ! આભાર.

તમારી બુદ્ધિ અને તમારી લાગણી તમારા સમુદ્રપ્રવાસી આત્માનાં સુકાન અને સઢ છે.

તમારાં સઢ કે તમારું સુકાન જો ભાંગી જાય, તો તમારે મધદરિયે કાં તો આમથી તેમ તણાયે, અગર જ્યાંના ત્યાં સ્થિર રહ્યે જ છૂટકો થાય.

કારણ બુદ્ધિ, એકલી જ શાસન કરનારી હોય તો, તે અટકાવી રાખનાર શક્તિ છે; અને લાગણી, તેના પર નજર ન હોય તો, અગ્નિ જેવી હોય બળીને પોતાનો જ નાશ કરે છે.

તેથી તમારા આત્મા વડે તમારી બુદ્ધિને લાગણી જેટલી ઊંચી ચડાવો, કે જેથી તે ગાઈ શકે;
અને તમારા આત્મા વડે તમારી લાગણીને બુદ્ધિથી દોરો, કે જેથી તે લાગણી નિત્ય પોતામાંથી જ નવો જન્મ ધારણ કરી જીવ્યા કરે, અને ફિનિક્સની જેમ પોતાની રાખમાંથી ઊભી થાય.

ઘેર આવેલા બે માનવંત પરોણા પ્રત્યે જેમ તમે વર્તો, તેમ તમે તમારા વિવેક અને તમારા રસની સંભાવના કરો એમ મારી સલાહ છે.

જરૂર, તમે એક પરોણા કરતાં બીજાની સંભાવના જુદી રીતે નહીં કરો; કારણ, જે એક કરતાં બીજા પ્રત્યે વધારે લક્ષ આપે છે તે બેઉના પ્રેમ અને વિશ્વાસ ખોઈ બેસે છે.

ટેકરી પર લીમડાની શીતળ છાયા તળે બેસી દૂર દેખાતાં ખેતરો અને મેદાનોમાં શાંત અને મંદ સૌંદર્યનો અનુભવ કરતા હો, ત્યારે તમારે તમારા હૃદયમાં મૌનપૂર્વક સમજવું કે, “ઈશ્વર બુદ્ધિમાં વિરામ લઈ રહ્યો છે.”

અને જ્યારે તોફાન ચડી આવે, અને પ્રચંડ વાયુ વનને હલાવી મૂકે, અને વીજળી તથા ગડગડાટો આકાશનું ભીષણ દર્શન કરાવે, ત્યારે તમારે તમારા હૃદયમાં ભયપૂર્વક સમજવું કે, “ઈશ્વર લાગણીમાં સંચરી રહ્યો છે.”

અને તમેયે ઈશ્વરના ક્ષેત્રનો એક શ્વાસ, અને ઈશ્વરના અરણ્યનું એક પાન હોવાથી, તમારેયે બુદ્ધિમાં શાંતિ લેવી અને લાગણીમાં સંચાર કરવો.

વધુ વાંચન માટે :

* ખલિલ જિબ્રાન- અંગ્રેજી વિકિપીડિયા પર
* ધ પ્રોફેટ – અંગ્રેજી વિકિપીડિયા પર (પુસ્તક વિશે માહિતી)
* ધ પ્રોફેટ – અંગ્રેજી વિકિલિવર્સ પર (સંપૂર્ણ પુસ્તક, અંગ્રેજીમાં)
* ધ પ્રોફેટ -લેબ.નેટ પર (સંપૂર્ણ પુસ્તક, અંગ્રેજીમાં)
* ધ પ્રોફેટ (પુસ્તક, કલાત્મક લખાણમાં, અંગ્રેજીમાં)

4 responses to “(બુદ્ધિ અને લાગણી) વિદાય વેળાએ (ધ પ્રોફેટ) (૮)-ખલિલ જિબ્રાન

 1. ખલીલ જિબ્રાન
  લેબ્નોનનો ખ્રિસ્તી અરબ હતો . ખરું ?
  એને મહાન તત્વવેત્તા કહેવાય ?

  Like

 2. સુંદર વિધાન સાહેબ

  તમારી બુદ્ધિ અને તમારી લાગણી

  તમારા સમુદ્ર પ્રવાસી આત્માનાં સુકાન અને સઢ છે.

  Like

 3. સરસ લેખ છે. પણ આવી ગહન વાતો સમજવા કે વિચારવા માટે અને ખાસ કરીને જયારે મનમાં લાગણીઓનું દ્વંદ્વ યુદ્ધ છેડાયેલું હોય, આટલું આત્મમંથન કરવા જેટલા શક્તિશાળી કે શાંત થવું એ બહુ મોટો પરિશ્રમ માંગી લે છે.
  —–
  હમણાં નજીકના ભૂતકાળમાં જ મારે લાગણીઓના દ્વંદ્વ યુદ્ધમાંથી પસાર થવાનું બનેલું.
  ગમે તેટલું વાંચું (જે તે સમયે ખુબ ગમેલા વિચારકોના વિચારો), ગમે તેટલા ઊંડા શ્વાસ લઉં, કશું કાયમી ઉપાય જેવું નહોતું. બસ, મલમ પટ્ટી જેવું કહી શકાય, પણ એવે વખતે અનુભવી વ્યક્તિની સાથેનો વાર્તાલાપ બહુ ફાયદાકારક સાબિત થયો.
  બધા આગ્રહ, દુરાગ્રહ ક્ષણવારમાં જ દુર થઇ ગયા. પોતાના આત્માનો અવાજ સતત સાંભળતા રહેવું હોય, તો પ્રાથનાની સાથે સાથે વાંચન અને અનુભવી વ્યક્તિઓ સાથેનો વાર્તાલાપ ખુબ સહાયક બને છે.

  —–
  મને લાગે છે કે બુદ્ધિ અને લાગણી જયારે મનમાં રણમેદાને ચઢે ત્યારે જતું કરવાની ભાવના, અને બીજાને માફ કરવાનો ગુણ જેટલો વધુ કેળવાયેલો હોય, તેટલું વધુ સરળતાથી જીવી શકાય.

  Like

 4. પિંગબેક: » (બુદ્ધિ અને લાગણી) વિદાય વેળાએ (ધ પ્રોફેટ) (૮)-ખલિલ જિબ્રાન » GujaratiLinks.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s