ચિત્રકથા: રેડિયો લાઇસન્સ


મિત્રો, નમસ્કાર. સૌને મકરસંક્રાંતિની હાર્દિક વધાઈ.
મને યાદ છે એક વખત ક્યાંક (?) શ્રી શ્રી ૧૦૦૮ પ.પૂ.બ્લો.ધૂ. બ્લોગાચાર્યજી મહારાજે આપણ સહુને એક માર્ગદર્શન કરેલું ! જે કદાચિત કાળની ગર્તામાં સરી જાત અને તે પર વિસ્મરણનાં અનેક પડળો પડી જાત, કિંતુ, પરંતુ, યંતુ… મકરસંક્રાંતિનાં શુભ પર્વે, પતંગ ઊડાડવાની કલા હસ્તગત ન હોવાથી, પુરાતન ફાઈલો વીંખતો બેઠો હતો તેમાં એક કાગળ હાથે ચઢ્યું અને બ્લોગાચાર્યજી મહારાજની શિખામણ હૈયે ચઢી ! શિખામણ એ હતી કે ક્યારેક ક્યારેક બદલાવ ખાતર (અને મોટાભાગે તો અન્યનાં ભાણે હાથ મારવા કરતાં !) કોઈ પુરાતન યાદ તાજી કરતું ચિત્ર, દસ્તાવેજ, લખાણ આદિ આદિ પણ બ્લોગ પર મૂકી શકાય. તો લો આજે વધારે કશું નહીં માત્ર એક સંસ્મરણ !

વડીલોને તો જ્ઞાત હશે જ પરંતુ સીધા કૉમ્પ્યુટર યુગમાં જ પદાર્પણ કરનારા મિત્રોને કદાચ અચરજ થશે કે એક જમાનામાં ઘરમાં રેડિયો રાખવો હોય તો પણ લાઇસન્સ લેવું પડતું. આ લાઇસન્સ ટપાલ વિભાગ પાસેથી મેળવવું પડતું અને રેડિયો સાંભળવાનાં રજવાડી શોખને પોષવાનાં ભાડારૂપે દર વર્ષે અમૂક રકમ (છેલ્લે છેલ્લે લગભગ રૂ. ૧૫|-) લાઇસન્સ ફી પેટે ટપાલખાતાને ભરવી પડતી. (નવાઈ લાગી ? કદાચ પચીસ પચાસ વર્ષ પછીની પેઢીને સરકાર આ 2G, 3G સ્પેક્ટ્રમનું ભાડું ઉઘરાવતી અને તેમાં આવા ભવ્ય કૌભાંડો થતાં એ વાતની પણ નવાઈ લાગશે !) ભારતમાં આ રેડિયો લાઇસન્સ પ્રથા સને.૧૯૨૮માં દાખલ કરવામાં આવેલી. અને ટેલિવિઝનનાં આગમન વેળા સને.૧૯૫૬-૫૭થી તેને પણ આ લાઇસન્સ પ્રથા લાગુ પડતી હતી. અંતે સને.૧૯૮૪માં રેડિયો અને ટી.વી. બન્ને પરથી લાઇસન્સ પ્રથા હટાવવામાં આવી. (માહિતી:વિકિપિડીયા)

હાલ જેમ ખાખીમિત્રો વિના લાઇસન્સ વાહનચાલન કે વિના લાઇસન્સ સુરાસેવનનાં ગુનાઓ નોંધે છે તેમ ત્યારે વિના લાઇસન્સ રેડિયો રાખવાનાં કે વગાડવાનાં ગુનાસર લોકોને મામાના ઘરનાં ધક્કા ખાવા પડતા !! વધારે સંસ્મરણો કદાચ આપણાં વડીલમિત્રો પાસેથી આપણે અહીં જાણીશું. અત્યારે તો એક અરજીપત્ર, જે ટપાલખાતાને આપવામાં આવેલું. એ રેડિયોની ચોરી વિષયનું જે અમારા જન્મ પહેલાંથી ઘરમાં સૌનું મનોરંજન કરતો અને પછી કોઈ પારકાને પોતાના કરી ચાલી નિકળ્યો !! (અને મારી જવાબદારી વધારતો ગયો !!!)  

Raju with National T-100

તો સૌ પ્રથમ જુઓ એ બેવફાનું એક ચિત્ર !! અરે રેડિયો જુઓ ! બાજુમાં બિરાજમાન માસૂમ ચહેરાવાળું બાળક ભલે અત્યારે પાકું અમદાવાદી બની ગયું હોય પરંતુ બેવફા તો નથી જ !! (ભાઈ ! મકરસંક્રાંતિની વધાઈ હો !) અને એ મુળ રેડિયો લાઇસન્સ તો મળ્યું નહીં (રેડિયો પણ ક્યાં મળ્યો !), કદાચ ત્યારે પરત કરવું પડતું હશે કે પછી નાશ કરાયું હશે. પરંતુ હા, લગભગ સને.૧૯૬૫માં બનેલું નેશનલ પૅનાસોનિકનું એ મૉડલ અત્યારે તો સંગ્રાહકોની વસ્તુ ગણાય છે, તે આપ નીચેની કડી પર જોઈ શકો છો !
* રેડિયો મ્યુઝીયમ      * ટ્રાન્ઝિસ્ટર.ઓર્ગ (સંગ્રહ)

અને આ એ અરજીપત્ર જે આપવાનો એક જ ફાયદો કે પછીનાં વર્ષથી લાઇસન્સ ફી ભરવાનું ટળ્યું ! (નીચે વંચાય તેવા અક્ષરોમાં પણ લખ્યું છે !)

તારીખ, ૨૬-૬-૮૦
પ્રતિ,
શ્રી સબ પોસ્ટ માસ્તર સાહેબ
સબ પોસ્ટ ઓફીસ ###

વિષય:- રેડીયો ચોરાઈ જતાં લાઇસન્સ અંગેની જાણ કરવા બાબત

જયભારત સાથ લખવાનું કે ## પોસ્ટ ઓફીસ માં રજી.નં.D ૧૦૮ થી મેરામણ સામત મોઢવાડીયા ## વાયા ## થી લાઇસન્સ કઢાયેલ રેડીયો નેશનલ T ૧૦૦ ***** (અવાચ્ય) જુનાગઢ મુકામેથી ચોરાઇ ગયેલ છે. જે મતલબની ફરિયાદ જુનાગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ છે.

લાયસન્સ અમારી પાસે છે. અને ચાલુ વર્ષનું લાઇસન્સ પણ ભરાઈ ગયેલ છે. જે આપ સાહેબ ને વિદિત થવા અને ઘટતી કાર્યવાહી કરવા વિનંતી.

સરનામું               લી. મેરામણ સામત મોઢવાડીયા
@@@   

19 responses to “ચિત્રકથા: રેડિયો લાઇસન્સ

 1. મને ખ્યાલ છે, ત્યાં સુધી ટ્રાન્ઝિસ્ટર રેડિયોનું લાયસન્સ લેવું પડતું ન હતું.

  Like

 2. હું પણ પતંગ ઉડાડવા નોતો ગયો .
  પણ ઘરમાં બેઠા ઘરમાં કાગળિયાં ઉડાડ્યા અને કચરા પેટી ભે ગા કર્યા .
  સાન્તા અને શાંતા ની ઘરવાળી વચે મને શાંતા અને શાંતિ (શાન્તાની ઘરવાળી)વચ્ચે મને ઉભો રાખ્યો .પાઘડીવાળા શાંતા ને

  Like

 3. ૧૯૮૪માં દિલ્હીમાં કૉમનવેલ્થ ગેમ્સ યોજાઈ ત્યારે લાયસન્સ બંધ થયા. લાયસન્સ તો ટ્રાન્ઝિ્સ્ટર માટે પણ લેવું પડતું. કારણ કે ૧૯૭૮માં મારી પત્ની દહેજ તરીકે ટ્રાન્ઝિસ્ટર લાવી હતી એનું લાયસન્સ લેવું પડ્યું હતું!
  આજે પણ બ્રિટનમાં લાયસન્સ પ્રથા છે અને બીબીસીને આ રક્મ મળે છે. બીબીસી રેડિયો (અને કદાચ લોકલ બીબીસી ટીવી સર્વિસ) પર જાહેરાતો લઈ શકાતી નથી, એ પબ્લિક બ્રોડકાસ્ટર છે, માત્ર બીબીસી વર્લ્ડ ટીવી જાહેરાતો પર ચાલે છે.

  Like

  • આભાર દીપકભાઈ,
   જો કે હવે જમાનો વયો ગ્યો ! નકર આજકાલનાં જવાનીયાવે આપના પ્રસંગમાંથી ધડો લઈને દહેજમાં ટ્રાન્ઝિસ્ટર આવે તો લાયસન્સ ફી પણ સામી પાર્ટીએ જ ભરવી એવી બોલી કરી રાખવી જોયે !! (જો કે હવે જેને ’કાર’ મળતી હોય તેણે આમાંથી ધડો ન લેવો નહીંતો લીલા તોરણે પરત થવાનો યોગ થશે 😉 )

   પૂરકમાહિતી બદલ ધન્યવાદ.

   Like

  • તમારો ખ્યાલ સાચો છે દીપકભાઈ, BBCની TV ચેનલો પર પણ જાહેરાતો આવતી નથી, BBCની સેવા પ્રજાના ઘરદીઠ £૧૨.૫૦/મહિનાની લાયસન્સ ફી પર જ આ સેવાઓ નભે છે. જો કે તેનો પ્રજામાં રોષ ઘણો છે, પણ છૂટકો નથી આ ફી ભર્યા વગર, કેમકે ટેક્નોલોજીથી સજ્જ આ દેશમાં તમે વગર લાયસન્સે ઘરમાં ટીવી કે કમ્પ્યૂટર રાખ્યું હોય તો ફક્ત £૧૦૦૦નો દંડ થાય.

   Like

 4. અશોકભાઈ.
  લાયસન્સ પૂરું થવા આવ્યું હોય તો ‘ટેન્શન’ વધી જતું. લાયસન્સ રીન્યુ ન કરાવનાર પકડાય તો છાપે નામ ચડતું. દસબાર રૂપિયા માટે આબરૂનો ધજાગરો થતો.
  બસમાં રેડિયા સાથે મુસાફરી કરવી હોય તો રેડિયાની ટિકિટ લેવી પડતી એવો મને ખ્યાલ છે.

  Like

 5. શ્રી અશોકભાઇ,

  આપનો લેખ વાંચતી હતી ત્યારે મારા દીકરાનું ધ્યાન ગયું અને તેને આશ્ચર્ય થયું, અને કહે કે આટલો મોટો રેડિયો? મેં જવાબમાં કહ્યું કે પહેલાં તો અત્યારના પોર્ટેબલ ટીવી જેટલાં મોટી સાઇઝનાં રેડિયો મળતાં અને તે તો મેં પણ જોયેલાં છે. અને મારા ખ્યાલ મુજબ ત્યારે રેડિયો માટે એન્ટીના પણ લગાવવાં પડતા.

  આડવાત તરીકે કાગળ એટલે કે સુંદર મરોડદાર અક્ષરોમાં પત્રલેખનની કળા પણ સીધી કમ્પ્યૂટર પર પદાર્પણ કરનારી પેઢીમાંથી હવે તો લુપ્ત થઇ ગઇ છે.

  Like

  • આભાર મિતાબહેન.
   હાસ્તો વળી, આ તો હજુએ નાનો રેડિયો ગણાય, મને સાંભળે છે કે મારા નાનાને ત્યાં એક વાલ્વ વાળો રેડિયો હતો જે ચાલુ કર્યા પછી ઘણી વારે તેમાંથી અવાજ બહાર પડતો અને વજન તો એટલું કે અમે તો તેને હલાવી પણ ન શકતા ! તેમાં ઈનબિલ્ટ એન્ટેના ન આવતું. મોટાભાગે તો કંઈક જાળી જેવો ધાતુનો લાંબો, ફ્લેક્સિબલ, પટ્ટો આવતો જે લોકો ઘર કે ફળીમાં એન્ટેના તરીકે બાંધતા.

   પત્રલેખનની કળા વિષયે યાદ અપાવીને ઉત્તમ કામ કર્યું. પુરાણાં મિત્રોનાં પુરાણાં (!) પત્રોનો થપ્પો પણ હાથ લાગ્યો છે ! વાર તહેવારે તેમાંથી પણ કંઈક રસપ્રદ પત્રો (અલબત્ત એડિટેડ જ !!) પણ અહીં રજૂ કરવા થશે. આભાર.

   Like

 6. મારા ખ્યાલ અને યાદદાસ્ત મુજબ રેડિયો બે બેન્ડ કે ત્રણ બેન્ડ વાળો હોય તો એ મુજબ લાયસન્સ લેવું પડતું…
  જૂની યાદો તાજી કરાવી દેવા માટે અશોકભાઇનો આભાર…

  Like

 7. આદરણીય શ્રી અશોકભાઈ

  જુના જમાનાને યાદ કરવી દીધો. આ રેડિયો પર રેડિયો સિલોનથી(શ્રી લંકા)

  બિનાકા ગીતમાલા આદરણીય અમીન સયાની રજુ કરતા. જેની પાસે રેડિયો

  હોય તેને ત્યાં બુધવારે રાત્રે આઠ વાગે મેળો જામતો. સરહદ પરના જવાનો

  માટે જયમાલા અને વિવિધ ભારતી જેવા કાર્યક્રમો રજુ થતા.

  જાહેરાત સિનેમા કે રેડીયોમાં “તન્દુરસ્તી કી રક્ષા કરતા હે લાઈફ બોય “એવી

  એક જ જાહેરાત આવતી હતી. બિનાકા ગીતમાલામાં બિનાકા ટુથ પેસ્ટ ની

  જાહેરાત આવતી.

  ૧૯૭૧-૭૨ માં ખેડા જીલ્લા પંચાયતે શ્રી ધરમસિહ દેસાઈ (સંસદ સભ્ય ખેડા)

  ની સીમા કપની તરફથીજે કોઈ ૧૫ કેસ કુટુંબ નિયોજનના લાવે તેને સીમા રેડિયો

  ત્રણ બેન્ડ નો ભેટ આપતો.મેં ઇનામમાં રેડિયો પ્રાથમિક શિક્ષક તરીકે ઇનામમાં મેળવેલો .

  પહેલા વર્ષનું લાયસન્સ “સીમા” કંપનીએ ભરેલું.દર વર્ષે ૧૫ રૂપિયા ભરવાના આવતા હતા.

  પોસ્ટ કાર્ડ એ એક ભૂલાય ગણેલું નજરાણું કહેવાય. પોસ્ટ કાર્ડનો પણ એક જમાનો હતો.

  ખુબ સરસ વિચાર અને શોધખોળ તો ગિરનારની ટોચેથી મોજાની જેમ ઉત્પન્ન થાય છે જાણે

  કે નવીનતા ભર્યા સિગ્નલો વછુટે છે જેથી ઘણી યાદો તાજી થાય છે..ને નવું જાણવા મળે છે.

  Like

 8. Ashokbhai ………. Very nice and intresting artical …..

  as i said always to you keep writing…..

  Like

 9. પિંગબેક: » ચિત્રકથા: રેડિયો લાઇસન્સ » GujaratiLinks.com

 10. અશોકભાઇ,
  તમે ઇન્ડિયાની વાત કરો છો પણ સિંગાપોર જેવા વિકસીત દેશમાં 2010 સુધી મેં પોતે રેડિયો અને લાઇસન્સ ફી ભરેલી છે. આ રેડિયો અને લાઇસન્સ ફી દર વર્ષે 100 ડોલર હતી. આ ફી વર્ષની શરૂઆતમાં ભરવાની રહેતી અને જો તમે અમુક સમય સુધી આ ફી ના ભરો તો સરકારી કર્મચારી તમારા ત્યાં જોવા આવે કે તમારા ઘરમાં ટીવી છે કે નહીં અને જો ટીવી હોય તો ફરજિયાત લાઇસન્સ ફી ભરવી પડે. જો કે સિંગાપોર સરકારનું આ ફી રાખવા પાછળનું એવું કારણ હતું કે તેઓ બધાંને 6 ચેનલો મફતમાં બતાવે જ છે. આખરે વર્ષ 2011ના અંદાજપત્રમાં સરકારે આ લાઇસન્સ ફી ને કાયમ માટે દૂર કરી. આજના જમાનામાં આ પ્રકારની ફી વસૂલવાનો કોઇ અર્થ જ નથી. સિંગાપોરમાં ભાગ્યે જ એવું કોઇ ઘર હશે જેમાં ટીવી નહીં હોય.

  મારા ખ્યાલથી યુકેમાં હજુ પણ આ પ્રકારની કોઇ લાઇસન્સ ફી લેવાય છે પણ કેટલી ફી છે અને કેમ આ ફી લેવાય છે એ વિશે બહુ ખબર નથી.

  આ પ્રકારની જૂની વાતો વાગોળવાની પણ મઝા છે 🙂

  Like

 11. રેડીઓ લાયસન્સ માટે મારે એક મિતિ(ઘેડ)ના શ્રી બાલુ ગીગા વાઘને મદદ એવી રીતે કરેલી કે મીતીનો એક છોકરો અમદાવાદ ભણતો હતો બાલુ ગીગા તરીકે
  અમદાવાદ પોસ્ટ ઓફિસમાં સહી કરાવેલી અને લાયસન્સ મેળવેલું
  “સમો બળવાન છે “અમદાવાદમાં t .v . જોવા માટે મારા ગામ દેશીન્ગાથી સવજી દેસાઈ ,પરબત કન્ડોરીયા ,આવેલા અને મારા મેમાન બનેલા હું અને એબે જણા
  ૫૦ પૈસાની ટીકીટ ખર્ચી તંબુમાં રાખેલું ટી વી નું ડબલું જોયું .બાજુના તંબુમાં છોકરો છોકરી નાચ કરતા હતા .અને એનો નાચ અમે ટી, વી,માં જોયો ..
  અને હાલ છોકરા છોકરીઓ એના માબાપો ખીસામાં દુનિયા લઈને ફરે છે એમ કહે વાય .

  Like

 12. Thank you Ashok Bhai ghanu junu junu navu thayu.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s