મોંઘેરા મહેમાન – જુગલકીશોરભાઈ (NET-ગુર્જરી)


પ્રિય મિત્રો, નમસ્કાર.
ગત તા: ૨૫ ડિસેમ્બરના રોજ મને નેટ જગતના આપણ સૌ મિત્રોના વડીલ અને માર્ગદર્શક, જ્યાંથી આપણને ખાસ કરીને ભાષા, લેખન, વ્યાકરણ જેવા વિવિધ વિષયો પર બહુમૂલ્ય માર્ગદર્શન મળે છે એ, NET-ગુર્જરીના શ્રી.જુગલકીશોરભાઈને રૂબરૂ મળવાનો અવસર પ્રાપ્ત થયો.

શનિવારે સવારે મેઇલબોક્ષ ખોલ્યું ત્યાં શ્રી.દીપકભાઈ (મારી બારી)નો સુસમાચાર આપતો મેઇલ મળ્યો કે જુ.ભાઈ જૂનાગઢ પધારે છે, સાથે જુ.ભાઈનો ફોનનંબર મોકલવાની કૃપા પણ તેઓએ કરી. અને અમને તો વળી મહેમાન આવે છે તેટલું સાંભળતા જાણે ગોળનું ગાડું મળ્યું ! તુરંત શ્રી.જુ.ભાઈનો સંપર્ક કર્યો. તેઓશ્રી નજીકના ગામ વાડલા ખાતે તેમના સ્નેહીજનને ત્યાં અંગત મુલાકાત અર્થે આવ્યા હતાં, વ્યસ્તતા છતાં બ્લોગજગતના પ્રેમબંધનને કારણે સહર્ષ ત્યાં જ મળવા આવવા આમંત્રણ પાઠવ્યું. અને અમે રવિવારે સવારે મળવાનું ગોઠવ્યું.

વાડલા એટલે આમ તો જૂનાગઢનું પાદર જ સમજોને. સવારની ફૂલગુલાબી ઠંડીમાં હું અને મારા મિત્ર જેઠાભાઈ હરખભેર ત્યાં પહોંચી ગયા. આ અમારા જેઠાભાઈ પણ વાંચનના શોખીન ખરા, વધારે પડતું તો ધાર્મિક વાંચન જ તેઓને ફાવે ! પરંતુ અમારે ત્યાં ભરાતા રોજીંદા ડાયરામાં આપણ સૌ બ્લોગમિત્રોની ચર્ચા પણ થતી હોય, ઘણી રચનાઓ ત્યાં સૌ સાથે વંચાતી હોય અને તે પર ટિપ્પણીઓ પણ થતી હોય, તેથી લગભગ સૌ મિત્રોને નામથી ઓળખે ખરા. અને તેથી જ રૂબરૂ મળવાનો યોગ સાંપડે તો તેમને પણ મારા જેટલો જ હરખ થાય. તો આમ અમને જુ.ભાઈને મળવાનું સદ્‌ભાગ્ય સાંપડ્યું.

ત્યાં સરસ મજાનું ગ્રામ્ય વાતાવરણ, કાઠિયાવાડીમાં કહીએ તો વીઘાએકનું ફળિયું અને પોતાના મહેમાનનાં મહેમાનનું પણ ઉષ્માભેર સ્વાગત કરતાં અમારા યજમાન. એય…ને એ ફૂલગુલાબી ઠંડી, ફળિયામાં આવતા કુણાકુણા તડકાની અને એથીએ વધુ જુ.ભાઈની પ્રેમાળ હૂંફ. હવે હું કંઈ માનસશાસ્ત્રનો મોટો અનુભવી તો નથી જ પરંતુ હ્રદયના ભાવોને આધારે કહું તો શ્રી.જુ.ભાઈનું જેવું માનસચિત્ર મેં દોરેલું તેવા જ મને તો દેખાયા ! (ઠંડીની અસરમાં હું ખોટો ઠર્યો ! મેં તો સ્વેટર, ટોપી ચઢાવેલા !) એક પ્રેમાળ અને હૂંફાળા વડીલ, જેમની સાથે તમને દિલ ખોલીને વાત કરવાનું મન થાય. વિદ્વતા અને સરળતાનો સુમેળ સ્પષ્ટ જણાઈ આવે જે આપોઆપ પોતીકાપણું જગાવે. તેઓએ તેમના કુટુંબનો, સ્વજનોનો પરિચય કરાવ્યો, તેમના સ્વજનોએ પણ  ઉષ્માભેર મારું સ્વાગત કર્યું. અભ્યાસ વિષયે થોડી વાત કરી. સાહિત્ય પ્રત્યેના પ્રેમ અને તે કારણે કૃષિ વિષયક અભ્યાસ બાદ, કંઈક ઠરીઠામ થયા પછી, સાહિત્ય વિષયક અભ્યાસમાં ફરીથી જોડાયાની યાદ તાજી કરી. હું તો તેઓનાં શિક્ષકગણ અને કેટલાક વિદ્યાર્થીઓ સાથેના તેમના સંસ્મરણોની વાત સાંભળીને રહી ન શક્યો તેથી કહી જ નાંખ્યું કે, ’સાહેબ, આપ ખરે જ સદ્‌ભાગી છો કે આજે જેમના નામમાત્ર સાંભળી અમ જેવાંઓ ધન્યતા અનુભવે તેવા વિદ્વાન સજ્જનો સાથે રહેવાનો આપને અવસર પ્રાપ્ત થયો છે.’  તેઓએ પણ રસપૂર્વક અમારા અભ્યાસ (જેમાં ખરેખર કંઈ કહેવા જેવું નથી !) તથા રસના વિષયો વગેરે વિષયે પૃચ્છા કરી અને અમારો ઉત્સાહ પણ વધાર્યો. સહિયારા સ્નેહીજન જેવા બ્લોગમિત્રોને પણ યાદ કર્યા.

ખાસ તો તેઓને અમારાંમાં આ વાંચનશોખ કેમ પ્રગટ્યો તે જાણવામાં રસ પડ્યો ! જો કે તેઓએ અમને એક સારા  વાચક હોવાનું પ્રમાણપત્ર તો આપ્યું જ એમ કહી શકાય ! તો સ્વયં મને પણ જાણ નથી કે હું વાંચનનો શોખીન કેમ છું પરંતુ મેં તેઓને મારા મોટાબાપુ (બાપુજીના મોટાભાઈ) વિશે વાત કરી કે, તેઓ (અત્યારે તો એંશી વર્ષ આસપાસની આયુના છે) એમના જમાનાની ગુજરાતી ત્રણ ચોપડી ભણેલા છે. ગામડે અને તેમાંએ વાડીએ રહે પરંતુ હું સમજણો થયો ત્યારથી જોતો આવું છું કે અનહદ વાંચનશોખ રાખીને બેઠાં છે. એ જમાનામાં તો ગામમાં એક-બે મહાજનના ઘેર અખબાર માંડ આવતું (એ પણ મોટાભાગે તો આગલાં દિવસનું વાસી હોય !) ત્યાં અમારે તો અખબાર પણ ક્યાંથી હોય ? છતાં કરિયાણાની દૂકાનેથી, કે કોઈ પોરબંદરથી હટાણું કરીને આવે તેમાં, જે કંઈ પડીકા બંધાઈને આવે તેના કાગળોને, કરચલી ભાંગી, સમાનમાં કરી અને વ્યવસ્થિત રીતે ઢાળિયાની છતની વળીઓમાં ભરાવી રાખે. ખેતીના કામમાંથી જેવા નવરાં થાય એટલે તુરંત તે બધા કાગળ કાઢી અને વાંચવા બેસી પડે ! ગુજરાતી વાંચતા આવડે, જો કે સમજાય બહુ જ ઓછું ! પણ પોતે વાંચે છે તેવો આત્મસંતોષ અનુભવાતો અમે નજરે જોયો છે. કંઈક મોટો થયા પછી તો હું જાઉં ત્યારે નાની નાની પુસ્તિકાઓ, એકાદ બે  મેગેઝિન્સ, અખબાર વગેરે લઈને જ જાઉં. પાદરની દુકાનોમાં પણ હવે તો રોજેરોજના અખબાર આવે, તે દરરોજ સાંજે ત્યાં પહોંચે અને વાંચી કાઢે ! સાંપ્રત ઘટનાઓથી પણ માહિતગાર રહેવાય, બે નવી વાતો જાણવા મળે, હજુ વધુ જાણવા-સમજવાની ઇચ્છા બળવત્તર રહે અને ગામની પંચાતથી દૂર રહેવાય તેને આ વાંચનશોખનો સૌથી મોટો લાભ ગણે !! હું તો જ્યારે વાડીએ જાઉં ત્યારે અમારો બાપા-દીકરાનો એક દિવસ તો સાંપ્રત ઘટનાઓ પરની ચર્ચામાં જ પસાર થાય, (બાકીના સગાંઓએ એક દિવસ રાહ જોવાની !!) તેમને ગદાફીના પતન કે લોકપાલ ખરડો અને અણ્ણા હજારેથી લઈ ઐશ્વર્યાને ત્યાં દીકરી જન્મી સુધીના બધાંજ સમાચારમાં અને અમારે દરીયાકાંઠે સ્થપાતી પવનચક્કી કઈ રીતે પાવર ઉત્પન્ન કરે છે એ બધું જાણવામાં ગજબનો રસ પડતો હોય છે.

આ વાત સાંભળીને જુ.ભાઈએ આનંદ પ્રગટ કર્યો અને મને પ્રમાણપત્ર આપ્યું કે વાંચન તારામાં વારસાગત આવ્યું તેમ ગણાય ! (અને મને પણ લાગે છે કે મોટાબાપુએ આમ વાળીચોળીને ભેગું કરેલું કે હાથ ચઢ્યું તે વાંચવામાં જ જીંદગી કાઢી હોય, તેમાં પસંદ-નાપસંદ જેવું તો કંઈ હોય નહીં ! તો પછી મારામાંએ મેકલિનથી લઈ મહાભારત સુધીનું અને જેમ્સ હેડલીથી લઈ ઝવેરચંદ સુધીનું, હાથ ચઢ્યું તે બધું જ, વાંચી કાઢવાના જનૂનો ન ઊપડે તો જ નવાઈ !!)

લો આ તો હું માન.જુગલકીશોરભાઈની વાત કરતાં કરતાં મારી કથા કરવા બેસી ગયો !! (હમણાંથી મિત્રોએ મને ’કથાકાર’નો નવો ખિતાબ પકડાવ્યો છે !) મિત્ર મુન્શીજીનો આગ્રહ હતો કે જુ.ભાઈ સાથે વાત કરવાનો તેને પણ અવસર મળવો જોઈએ, આથી તેમને પણ ફોન દ્વારા લાભ આપ્યો. તો આમ જુ.ભાઈ જેવા વિદ્વાનમિત્રને મળવાનો અવસર પ્રાપ્ત થયો અને અમારો તો નાતાલનો સપરમો દિવસ સુધરી ગયો. જો કે સમયના બંધનને કારણે તેઓ મારા ઘેરે ના પધારી શક્યા પરંતુ ફરીના સમયે મારા મહેમાન બનશે તેવું મિત્રતાપૂર્ણ વચન તો મેં લીધું જ.

અને અંતે એ વાત જે કદાચ બીજી વખત આપ સાંભળો છો !!! મિત્રતાના દાખલા દેવાય ત્યારે ભાગ્યે જ કોઈ સમોવડીયાની મિત્રતા યાદ કરાય છે. સૌરાષ્ટ્રમાં તો કૃષ્ણ-સુદામા જ સૌથી પહેલાં હૈયે ચઢે. વાત ધનની ન ગણો ચાલો, પરંતુ આયુ, અભ્યાસ, જ્ઞાન અને અનુભવની ગણો તો પણ અમે જુગલકીશોરભાઈ સમક્ષ સુદામા જ થયા ! અને જેવા ચોક વચ્ચે ઉભા રહી, કયા ઘેરે આપણે જવાનું હશે તે ન જાણતા હોવાથી, તેઓના ફોનમાં અમે આવ્યાનાં સમાચાર આપ્યા, ત્યાં સામેથી ડેલી ખોલી અને ઉઘાડા પગે તેઓ દોડતા આવ્યા અને પ્રેમપૂર્વક હાથ પકડી અમને ઘરમાં લઈ ગયા ! હું આવી ઝીણીઝીણી વાતોને માનવ સંસ્કૃત્તિ કહું છું ! આભાર.

19 responses to “મોંઘેરા મહેમાન – જુગલકીશોરભાઈ (NET-ગુર્જરી)

 1. મારા નેટ જગતના સખા જેમને કહેતો આવ્યો છું; તેવા જેવીની મુલાકાત તમને સાંપડી; તે ખબર આછા આછા અગાઉ તો તમે આપ્યા જ હતા; પણ અહીં વિગતે અહેવાલ વાંચી હરખ થયો.
  ————
  તમને ઈર્ષ્યા થાય તેવી એક વાત કહું? જાન્યુઆરીમાં એમને ઘેર મનનો અને પેટનો નાસ્તો તો કરવા મળ્યો જ હતો; પણ સ્વપ્રયત્ને અમદાવાદમાં એક જ પ્રાંગણમાં બે બંગલા ઉપરાંત આખું કબાટ ભરેલી લાયબ્રેરી પણ જોવા મળી હતી .

  હવે ઈર્ષ્યો !!

  Like

  • “ઈર્ષ્યો ??!!” અરે આખો “હળગ્યો !!”
   લાયબ્રેરી (અને નાસ્તાનાં તો ખરા જ !) નામ પડે ત્યાં અમને ધાડો પાડવાના ધખારા ઉપડે છે !
   એટલું કહેવું પડે કે તેઓશ્રીએ ’એકલપેટા’ બની રહેવાને બદલે આપણ સૌને ’ધરવવા’નો જ્ઞાનયજ્ઞ માંડ્યો છે એ આપણાંએ સદ્‌ભાગ્ય જ ને !
   જો કે આપ પણ ક્યાં ’ઓછા’ ઉતરો તેમ છો, દાદા 🙂 (આ તો વડિલો ’સાચા વખાણ’થીએ છેટા ભાગે છે એટલે હું આવા ’સાચા કવખાણ’ કરીને મારી ઈર્ષાનું શમન કરી લઉં છું !)
   આભાર.

   Like

   • વડિલો માટે ભલા શબ્દો , એ ઉમ્મરના હોવાને કારણે ગમે તો ખરા જ.
    પણ હવે દિલી ભાવ જ્યાં વર્તાય ત્યાં જ મુલાકાત લેવાનું ગમે છે. મેં જ્યારે બ્લોગિંગ શરૂ કર્યું ત્યારે સંસ્કૃતિના પ્રારંભ કાળ જેવી નિખાલસતા જોવા મળતી હતી. હવે જમાનાની હવા આ માધ્યમને પણ , અને બહુ ઝડપથી લાગેલી જોઈ, બહુ જ સિમીત સર્ફિંગ કરી નાંખ્યું છે.

    અને સાચું પુછું તો જ્ઞાન કરતાં વ્હાલ અને માનવતા વધારે સ્પર્શી જાય છે. દિપકભાઈના બ્લોગ પર હમણાં જ જવા માંડ્યું છે; અને આ બાબત તેમના બે ત્રણ અનુભવોએ તો આંખો ભીની કરી દીધી.
    જાગૃત બૌદ્ધિકો એ માનવતાને ઉજાગર કરવાનું પૂણ્ય કામ કરશે તો ગમશે. બાકી જ્ઞાન માટે તો લાયબ્રેરીઓ જ પૂરતી છે. અને નેટ પરની, વિકી જેવી અધિકૃત વેબ સાઈટો. જેવી જેવા તજજ્ઞોના સહારે તો આ એન્જિ. કાંક લખતાં શીખ્યો! એ ઋણ કદાપિ નહીં ભૂલાય.

    Like

 2. અને આ તો ઉમેરવું જ પડશે..
  મારી એક ઈ-બુકમાં મારો પરિચય અને બીજી એકમાં પ્રસ્તાવના જેવીએ જ તો બહુ પ્રેમથી લખી આપી હતી ને…

  Like

 3. પ્રિય અશોક
  મેં એક માનીયારોવિષે એક ચારણ પાસેથી સંભરેલું કે ઉઘદ્પગાની બુદ્ધિ તેજ હોય છે. તેણે મને જૈનાચાર્ય હેમચંદ્ર વિષે વાત કરેલી .હવે હું સમજી શકયોકે જુગલકિશોર ભાઈ ઉઘાડપગા શા માટે છે . આતાના રામ રામ

  Like

 4. ત્રણેક સ્પષ્ટતા કરી લઉં.

  ૧) અશોકભાઈએ “મહેમાનોનને માન, બહુ દિલ ભરી દીધાં સહી” પણ તેનાથી મને સંકોચમાં મૂકી દીધો છે.

  ૨) અશોકભાઈની વાચનભૂખ સૌએ અનુભવવા જેવી છે.

  ૩) બીજા ફોટામાં સાવ ડાબી બાજુથી મારાં ગં, સ્વ. ભાભી, બીજાં ગુજરાતનાં જાણીતા વૈદ્યરાજ ‘કરુણાનિધિ’નાં મોટાં પુત્રી જેઓ ૧૯૬૭થી મારો આજીવન સાથ નીભાવી રહ્યાં છે તે રમાબહેન અને મારી ડાબી બાજુ તે મારો ભાણેજ હર્ષદ. (એમના પિતાશ્રી સ્વ. ભાનુભાઈ મહેતા જે મારા સંસ્કારગુરુ કહેવાય તેવા વંથલીપંથકના ઉચ્ચ કક્ષાના સમાજ સેવક, આદર્શ ગામ વાડલાના શિલ્પી ભાનુબાપા. http://jhmehta1992.wordpress.com/2011/12/26/%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B8%E0%AB%81%E0%AA%AE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82%E0%AA%9C%E0%AA%B2%E0%AA%BF/)

  ને મારી પડખે જમણે તે તો સૌ જાણો જ છો…સતત હસતું મોં ( અ–શોક !)

  વાત રહી સુ.જાનીની – તો કહું કે મેં તો સ્વપ્રયત્ને કાંઈ બચાવ્યું નૉતું. છોકરાવ પ્રામાણીકતાથી મકાનો કરી શક્યા છે. આપણા રામ તેને છાંયડે ધુબાકા કરે છે.

  બન્નેનો આભાર.

  Like

 5. નશીબદાર છો મિત્ર… મજા આવી વાંચીને …. આભાર

  Like

 6. આ પોસ્ટ મૂકીને તમે ભૂલ કરી. . . . . અમને ય તમારી મહેમાનગતિ માણવાનું મન થ્યું . ચેતતા રહેજો, હમે ત્યારે બિસ્તરા-પોટલા લઈને ધાડા નાખીશું

  Like

 7. તમારે આંગણે આવ્યો ત્યારે તમે મને જૂનાગઢ ફેરવવા લઈ ગયા, અને હું પણ મૂરખ ફરવામાં લાગી ગયો, તમારી વાંચનયાત્રાની યાત્રા તો મેં કરી જ નહી એ વાતનો વળીવળીને અફસોસ થયા કરે છે.
  જુગલકિશોરભાઈ જેવા જ્ઞાની અને પ્રેમાળ વડીલને મળવાનું ભાગ્ય તમને સાંપડ્યું અને તમે તો ધન્ય થઈ ગયાં, પણ અમારા જેવા અભાગીયા પરદેશવાસીને કોણ જાણે ક્યારે સાંપડશે ?

  Like

 8. શ્રી અશોકભાઇ,

  મોડા મોડા અંગ્રેજી વર્ષના સાલમુબારક. અને મોડા પડ્યા એટલે મારા મનની વાત રાજનીભાઇએ લખી દીધી. પ્રતિભાવ આપવામાં મોડા પડ્યા છીએ પણ મહેમાનગતિ માણવામાં મોળા નહીં પડીએ( એમાં ચેતતા રહેજો હો!)

  આપની વાંચનયાત્રાની યાત્રા ખૂબ જ સરસ. અને એનો તો અમને લાભ મળે જ છે.

  Like

 9. ભાઈશ્રી.અશોક”જી” ખુબ ખુબ આ_ભાર આપે આ નાચિઝ ને યાદ કરી વડીલ શ્રી.જુ.ભાઇ સાથે મોબાઇલલાપ કરાવવા બદલ [મારવાડી સુધરી ગયો હવે miss call નથી કરતો 🙂 ]
  વડીલશ્રી જુ.ભાઇ એ તો બન્ને હાથે બ્લોગ જગતમાં સાહિત્ય વેર્યું છે તેમની સાથે વાર્તાલાપ કરી ધન્યતા અનુભવી ક્યારેક તારી જેમ રૂબરૂ મળવાનો લાભ ચોક્કસ લઇશ.

  Like

 10. સરસ મજાનો લેખ. તમને બધાને વાંચવાની ઘણી મજા આવે છે.
  —-
  તમારી આ બે વાત બહુ જ ગમી.

  —-
  હું તો જ્યારે વાડીએ જાઉં ત્યારે અમારો બાપા-દીકરાનો એક દિવસ તો સાંપ્રત ઘટનાઓ પરની ચર્ચામાં જ પસાર થાય,
  & હું આવી ઝીણીઝીણી વાતોને માનવ સંસ્કૃત્તિ કહું છું !
  —-
  તમારા પિતા સાથે તમારી મિત્રતા છે. અને દરેક સંબંધ કે જ્યાં મિત્રતા હોય ત્યાં સુમેળ / મન+મેળ ખુબ સરસ જ હોય.

  તમારી વાંચનયાત્રા, વાંચનનો શોખ ખરેખર આદર જન્માવે છે. જુગલકિશોરકાકા, સુરેશકાકા જેવા વડીલો વિષે જાણીને ખરેખર ખુબ આનંદ થાય છે અને એમાં પણ આપ જેવા મિત્રો એનું સરસ આલેખન કરો ત્યારે આ નાની નાની વાતો જ માનવ સંસ્કૃત્તિ છે.


  શકીલભાઇ જેમ વડીલોને રૂબરૂ મળવા ઉત્સાહી થઈ ગયા છે તેમ અમારો ઉત્સાહ પણ આ દિશામાં કેળવાતો જાય છે.

  Like

 11. …… કરિયાણાની દૂકાનેથી, કે કોઈ પોરબંદરથી હટાણું કરીને આવે તેમાં, જે કંઈ પડીકા બંધાઈને આવે તેના કાગળોને, કરચલી ભાંગી, સમાનમાં કરી અને વ્યવસ્થિત રીતે ઢાળિયાની છતની વળીઓમાં ભરાવી રાખે. ખેતીના કામમાંથી જેવા નવરાં થાય એટલે તુરંત તે બધા કાગળ કાઢી અને વાંચવા બેસી પડે ! ….

  મીત્ર, મોટા બાપુને જણાંવવું કે … હવેથી હું પણ આમ જ કરીશ……. લી. વીકે વોરા…

  Like

 12. આદરણીયશ્રી. અશોકભાઈ ( વાંચનયાત્રા )

  સરસ મજાનો આદરણીયશ્રી. જુ’ ભાઈ ની મહેમાન નવાજી માટે મુક્યો તે ખુબ જ ગમ્યો.

  અમારૂ તો શ્રી. જુ’ ભાઈને મળવાનું સ્વપ્ન અધુરૂજ રહેશે.

  શ્રી. જુ’ ભાઈની કલમેથી આ ગુજરાતી સમાજને ઘણું

  શીખવાનું મળેલ છે અને મળતુ રહેશે.

  આપનુ સદનસીબ છે કે તેઓ આપને મળ્યા.

  અમારા મિત્રને મળ્યા એટલે અમને મળ્યાનો આનંદ.

  Like

 13. આદરણીય શ્રી અશોકભાઈ,
  આપ ભાગ્યશાળી કહેવાઓ કે આપને મુરબ્બી વડીલ શ્રી જુગલકીશોર કાકાને
  રૂબરૂ મળવાનો મોકો મળ્યો અને આપે આનંદથી વધાવીને માન્યો. અમ જેવા
  પરદેશીઓને આવો મોકો ક્યારે મળશે એ વિચારવાનું રહ્યું.
  આનંદો…આનંદો. હમણાં મુલાકાતીઓ સાથે સારો મેળાપ થાય છે.

  Like

 14. અશોક
  મારું લખાણ ખુબ વચન શક્તિ ધરાવતા માણસને ગમે છે એને હું અહોભાગ્ય સમજુ છું

  Like

 15. .વંદન ..પૂ.કાકાને… .જરૂર પડયે હમેશા જુગલકાકા મારી અને બધાની સાથે હાજર રહ્યા જ છે. બિલકુલ નિસ્વાર્થભાવે.. પૂરા વાત્સલ્યભાવે…જ્ઞાનનો અણમોલ ભંડાર..અને તે બધાસાથે વહેંચવા હમેશા આતુર….એવા બોલ્ગ જગતના વડીલને સાદર વંદન સાથે..

  Like

 16. શ્રી. જુગલકીશોરભાઈ, સુરેશભાઈ, હિંમતઆતા, ધર્મેશભાઈ, રજનીભાઈ, ધવલભાઈ, મિતાબહેન, હિરલબહેન, શકિલભાઈ, વોરાસાહેબ, ડૉ.કિશોરભાઈ સાહેબ, ગોવિંદભાઈ, નિલમબહેન તથા શ્રી.ભુપેન્દ્રસિંહજી, વિનયભાઈ, શૈલેષભાઈ, દીપકભાઈ, ગોવીંદભાઈ મારુ અને સર્વે મિત્રો અહીં પધાર્યા, અમને પ્રોત્સાહન આપ્યું, એ બદલ હ્રદયપૂર્વક આભાર. અને સૌને ’મકર સંક્રાંત’ની હાર્દિક વધાઈ.

  Like

 17. અશોક
  તું મને અભણને મોટો વિદ્વાન હોઉં એવો સમજી બેઠો છો .તારાજેવો વાંચન ના સમુદ્રને ઘોળીને પી જનારો, મારા જેવા માણસને પ્રશ્નો પૂછીને જાણવા માગે એવા ,નમ્ર ,વિવેકી ,પ્રેમાળ ,
  માણસની ખોટી પ્રશંશા થઈજ નો શકે તું ઘણો બધો આગળ વધીશ .એવી મને પૂર્ણ શ્રદ્ધા છે .
  હેવ કોઈ નો હામ્ભરે ઈવી વાત તુને કાનમાં કાંસ. એલા તેં બથીને કે વર્યોસ કે આતા ઇન્ડિયા આવે તો આપણે ઘરનાં બારણાં બંધ કરેને ભાગે જાવું . હેવ હું દેહમાં આવું તાર ફરે નો જાતો બારણાં બંધ કરેને ભાગે જાજે

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s