ડાયરો – દેવતા, ટ્રાફિક અને જોક્સ !


એ..રામ રામ ડાયરાને.
આમ તો અમે મહેમાન કંટાળી જાય એટલું ’લખલખ’ કરીએ છીએ ! (અહીં બોલબોલ હોવું જોઈએ નહીં ? પરંતુ આપે શ્રી.જુગલકીશોરભાઈનો ’લખો લખો’ અને ’લખવા..’ લેખ વાંચ્યા હોય તો આપ પણ બોલબોલને બદલે ’લખલખ’ શબ્દ જ વાપરશો !!) જ્યાં પણ ફરવા જઈએ ત્યાંના ઈતિહાસ,ભૂગોળ (સાચા-ખોટા !) સંભળાવી સંભળાવી મહેમાનના જ્ઞાનમાં વધારો કરવા અમે તત્પર બની જઈએ છીએ. પરંતુ આ મહેમાનો એ હતા જેઓ વિકિ જેવા વિશ્વકોષ પર કામ કરે છે, આથી અમારે તોળીતોળીને બોલવાનો વખત આવ્યો ! કોને ખબર ક્યાં ક્રોસ ઇન્ક્વાયરી થઈ જાય અને અમારા અજ્ઞાનનું ભોપાળું છતું થઈ જાય 🙂 જો કે છતાંય સજ્જનતા દાખવી મહેમાનોએ અમારી સાચી-ખોટી માહિતીઓને સાંભળી તો લીધી જ. બાકી મિત્ર ધવલભાઈ પાસેથી જ, વિકિ પર લખતી વેળાએ, મેં સસંદર્ભ વાત રજૂ કરવાનું શિક્ષણ લીધું છે. મિત્ર તરીકે મરી પડે તેવા માણસ પણ પ્રબંધક તરીકે કોઈપણ અસંદર્ભ વાત ચલાવી ના લે ! મને અત્યારે જ યાદ આવે છે કે કોઈ વાત કરતાં મેં, અમે જૂનાગઢવાસીઓ વાતવાતમાં કહીએ તેમ, કહી દીધું કે અમારે ગરવો ગઢ ગિરનાર અને તે પર તેત્રીસકોટી દેવતાઓનાં બેસણા ! જો કે તેઓશ્રીએ તેમનાં પ્રેમાળ હાસ્યસહ ’હંઅ’ કહી સન્માનપૂર્વક મારી વાત માની લીધી પરંતુ આ વાત મેં વિકિ પર લખી હોય તો તુરંત કહેશે કે સંદર્ભ આપો ! કયા તેત્રીસકોટી દેવતા ?! તો ભલે મિત્રદાવે તેમણે મને આટલી ઢીલ આપી પરંતુ એ બહાને આપણે તો જાણી જ લઈએ કે આ તેત્રીસકોટી દેવતા કયા કયા ? સૌ પ્રથમ તો કેટલાક લોકો અજ્ઞાનતાને લઈ એમ સમજી બેસે છે કે તેત્રીસકોટી એટલે તેત્રીસ કરોડ ! અને પછી ધોકો લઈ દોડે છે કે હિંદુઓમાં તો આટલાં બધા ભગવાનો છે ! ખરેખર તો તેત્રીસ પ્રકારનાં કે તેત્રીસ કક્ષાનાં એવો અર્થ થાય છે. તેત્રીસ કરોડ તો પછીથી પૌરાણિક કાળમાં થયા ! દેવતાની વ્યાખ્યા મહર્ષિ દયાનંદજીએ સત્યાર્થ પ્રકાશમાં આ પ્રમાણે કરી છે, ’જે દિવ્ય ગુણયુક્ત છે તે’. શાસ્ત્રપ્રમાણથી (ઋગ્વેદ) નીચે મુજબનાં તેત્રીસ પદાર્થનું તેમનાં ગુણને કારણે દેવતાઓ તરીકે વર્ણન આપ્યું છે. ચાલો જોઈએ :
* આઠ વસુ = પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, ચંદ્રમા, સૂર્ય અને નક્ષત્ર.
* અગિયાર રુદ્ર = પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન, નાગ, કૂર્મ, કૃકલ, દેવદત્ત, ધનંજય અને જીવાત્મા.
* બાર આદિત્ય = સંવત્સરનાં બાર મહિના.
* ઇંદ્ર (વીજળી).
* પ્રજાપતિ (યજ્ઞ). —- સં: સત્યાર્થ પ્રકાશ (સમુલ્લાસ-૭). આમ ૮+૧૧+૧૨+૧+૧ = ૩૩ થયા.

દેવતા શબ્દના ભ.ગો.મં.ના આધારે અન્ય કેટલાક રસપ્રદ અર્થ પણ જાણવા જેવા છે. અગ્નિ, આત્મા, ઈશ્વર, મૂર્ખ; ભોળો માણસ, લુચ્ચો માણસ, સર્પ, સારો માણસ; ગૃહસ્થ વ. વ. આમ કુદરતમાં જે જે વસ્તુ તેજસ્વી, ધ્યાન દેવા લાયક અને લાભકારી દેખાય તેની સ્તુતિ ઋષિઓએ મંત્ર વડે કરી.  આ પ્રમાણે ગુણવાન એવા કોઈ સજ્જનને પણ દેવતા ઉપાધિ આપવામાં આવે તો ખોટું નથી, અને વ્યવહારમાં આપણે કોઈ સજ્જનનું વર્ણન કરતાં કહીએ જ છીએ ને કે ’દેવતા જેવો માણસ છે’. જો કે આમાં મને બધું જ નથી સમજાયું અને આપ પણ સમજ્યા હો તેટલું સાચું ! પણ વાત અસંદર્ભ નથી !!
 

મિત્રોનો સંગાથ હોય, તેમાં પણ આ તો બધા જ્ઞાનિમિત્રોનો સંગાથ, એટલે વાતો તો ઘણીબધી થાય. અને અમારે તો ઓછા સમયના સાથમાં શક્ય તેટલો કસ કાઢી લેવો હતો ! ધવલભાઈ પાસેથી કેટકેટલી જાણવા જેવી, સમજવા જેવી, વાતો અમે જાણી, સમજી. બધી જ તો અહીં નહીં લખાય પરંતુ એકાદ-બે રસપ્રદ વાતો જરૂર કહીશ. અમારા અખડદખડ રસ્તાઓ અને મંકોડાના ધણ જેવો ટ્રાફિક (ડાયરાને મંકોડાની ખાસિયત તો જાણમાં હશે જ, તે કદી સીધોસટ ના ચાલે ! આડોઅવળો દોડ્યા કરે !!) એમાં પાછી ચારેબાજુથી પોં પોં અને ભોં ભોંની ચીસો ! (અમારી ગાડીનું હોર્ન પણ સત્તત વાગ્યા જ કરતું હતું !) અંતે તેઓએ હળવેકથી જણાવ્યું કે આપણે પણ વિનાકારણ હોર્ન શા માટે ફૂંક્યાફૂક થયા છીએ ?! પશ્ચિમી દેશોમાં આટલો તફાવત છે, ત્યાં ભાગ્યે જ હોર્ન સંભળાય છે, અકારણ હોર્ન વગાડવું એ દુર્જનતા ગણાય. આગળનો વાહનચાલક કશો નિયમભંગ કરે તો જ હોર્ન વગાડાય જે તેને માટે ડારારૂપ કે ચેતવણીસમાન લેખાય. બાકી અકારણ કોઈ વાહન પાછળ રહી હોર્ન વગાડવું એ તેને ગાલીપ્રદાન કર્યા સમાન લેખાય ! લો બોલો !! અહીં તો કેટલાક વાહનોની પાછળ (ખાસ કરીને ટ્રક) લખ્યું હોય છે કે Horn Please ! ના વગાડો તો ઉલ્ટાની લોકો ગાળો ભાંડે કે ’મરી ગ્યાવ માથે ચઢાવી દો છો તે હોર્ન વગાડતા શું ઝાટકા લાગે છે !!!’

અને વાત અમારા આ ટરિફિક્ ટ્રાફિકની નીકળી છે તો જણાવું કે અન્ય શહેરો વિશે તો ખબર નહીં પરંતુ અમારે ત્યાં એક આદિમ રિવાજ છે કે રેલ્વે ફાટક બંધ થાય એટલે ડાબી-જમણી બન્ને બાજુ (રૉંગ સાઈડે પણ) વાહનનો થપ્પો લગાવી દેવાનો ! રખે ને ટ્રેન પાટેથી ઉતરી જાય ને રસ્તા પર આવી જાય તો !! આડા વાહનોનો થપ્પો હોય તો સારું ! અને ફાટક ખુલ્યા પછી બંન્ને સાઈડે જે વાહનો સામસામે ભીડાય, અ..ર..ર.ર ! તમને બી.આર.ચોપરાના ’મહાભારત’નાં કુરુક્ષેત્રના મેદાને સામસામે ભીડાતી અઢાર અક્ષૌહિણી સેનાની યાદ આવી જાય ! અને આવા તો અમારા ગામ મધ્યે એક બે નહીં પુરા આઠેક જેટલા ફાટક છે. અમારી તો ચેલેન્જ છે કે F1ના વિશ્વ પ્રસિદ્ધ માધાંતાઓ પણ અમારા ગામ સોંસરવી ગાડી કાઢી લે ત્યાં તો F1માં વિશ્વવિજેતા પદ મળ્યા કરતાં વધારે આનંદ અનુભવે 🙂

લ્યો આ ટ્રાફિકની વાતે વળી એક વાત યાદ આવી તે કહી દઉં. એક દહાડો અમારા એક ભારે ગીરદીવાળા ચોકમાં બુલેટ લઈ (એનફિલ્ડ કંપનીનું આ એક ભારેખમ બાઈક છે) એવા જ ભારેખમ દેહવાળા ત્રણ ગામડીયા જવાંમર્દો, ત્રણ સવારીમાં, પસાર થયા. તે ત્યાં સજ્જ ટ્રાફિક જવાને રોક્યા, અને પાવતી ફાડવાની તૈયારી કરી ત્યાં પેલાઓ કહે કે, સાહેબ અમારો વાંકગુનો શું ? જમાદાર કહે, આ ત્રણ સવારીમાં છો તે ! પેલા કહે, સાહેબ અમ ગામડીયાઓની શું મશ્કરી કરો છો !! આ બુલેટમાં તો ત્રણ સવારીની છૂટ હોય છે, અમસ્તું કંઈ આવું ભારેખમ ફટફટીયું બનાવ્યું હશે !! તે જમાદાર ગોટે ચઢી ગયા 🙂 આમે આપણાં જેઠાભાઈની જેમ લૉ (કાયદાશાસ્ત્ર)નાં તાસમાં છેલ્લી પાટલીએ બેસી નિંદર જ ઢસડીયુ હોય ! વિચાર્યું કે માળું એમ હોય પણ ખરું, કોણ આબરૂ કાઢે ! તે કહે, ઠીક છે, ઠીક છે, જવા દો ચાલો. પેલા તો પલાયન કરી ગયા પણ મેં કહ્યું કે: જમાદાર, આવડા આ ગામડીયા તમારા કાન કાપી ગયા 🙂

લ્યો આ તો ટુચકો થઈ ગયો ! તો આવો મિત્ર જીતેન્દ્રસિંહ જોડે થયેલી ટુચકા (જૉક્સ) વિષયની ચર્ચાના કેટલાક અંશ પણ પ્રસ્તુત કરું. તેમાં અગાઉની કોઈક ઘટના, જેમાં કોઈએ બાપુડાયરાને ધ્યાને રાખી કોઈ જૉક્સ જાહેરમાં (લગભગ તો ફેસબૂક પર) મૂકેલી. અમારો મત એવો હતો કે જ્યાં સુધી સમાજ કે વ્યક્તિનું માનભંગ થાય તેવી જૉક્સ ન હોય, નિર્દોષ જૉક્સ હોય, ત્યાં સુધી તેને સહજતાથી જ લેવી. બીજું પણ જાડું જાડું તારણ એ કાઢ્યું કે દરેક સમાજમાં સમાજના શક્તિશાળી વર્ગ, સંપન્ન વર્ગ, પર વધુ પ્રમાણમાં જૉક્સ મળી આવશે. જેમકે સરદારજીઓ પર, બાપુઓ પર, વ્યવસાઈક વર્ગમાં નેતા, પોલીસ અને શિક્ષક પર, વેપારીવર્ગ મારવાડીઓ અને શેઠીયાઓ પર, પડોશના દેશોમાં જુઓ તો પઠાણો પર, ખાનસાહેબો પર, અન્ય દેશોમાં પણ સંશોધન કરશો તો આ વાત ચોક્કસ ધ્યાને આવશે. મારી અલ્પમતિ પ્રમાણે મને લાગે છે કે સમાજ જેને શક્તિશાળી માને છે કે વધુ ચાહે છે, જેના પ્રત્યે વધુ પોતિકાપણું અનુભવે છે, તેને સાંકળીને હળવી વાતો કે વાર્તાઓ (ટુચકા, જૉક્સ !) પણ વધુ કરે છે. કહો કે એ ચોક્કસ સમાજ પ્રત્યે તેઓ હળવાશ અનુભવે છે, આત્મીયતા અનુભવે છે. તેને પોતાના સંરક્ષક માને છે. જો કે તેમાં સૂરૂચીભંગ કે જાણીકરીને કોઈને હલકા ચીતરવાની વૃત્તિ ન હોય તે ઇચ્છનીય છે. ક્યારેક એવું પણ બને કે ’તેઓ લઈ ગયા અને અમે રહી ગયા’ જેવો મીઠો ખાર પણ આ પ્રમાણે હલ્કાફૂલ્કા જૉક્સ દ્વારા વ્યક્ત થતો હોય, અને ’રહી જનારાઓ’ મન હળવું કરી લેતા હોય ! જે હોય તે, પણ સરદારોની વાત જ કરૂં તો ભાગ્યે જ કોઈ સરદારે વાંધો ઉઠાવ્યો હશે કે ભ‘ઈ અમારી પર જ આટલીબધી જૉક્સ શા માટે ઠપકારો છો ?! ઉલ્ટું તેઓ પણ આ જૉક્સનો આનંદ માણતા હશે.

મને યાદ છે કે મારા એક સરદારજી મિત્રની કચેરીમાં બેઠાં મેં તેને એક જૉક્સ સંભળાવી હતી (જોઈને આપણી હિંમત ??) મેં તેને કહ્યું કે, ’રસ્તા પર એક માણસ અને એક સરદારજી ચાલ્યા જતા હતા !’, થોડો સમય મારા મોં સામે તાકી રહ્યા પછી તેઓ કહે કે, ’અચ્છા હૈ, આગે તો બોલ’, મેં કહ્યું, ’સરદારજી જૉક્સ તો ખતમ હો ગઈ !’, તો બોલ્યા, ’લો કર લો ગલ ! ઈસમેં જૉક્સ ક્યા થી ?!’, અને છેક સાંજે તેમનો ફોન આવ્યો કે, ’સા….લ્લે, તું ઈથે આ !!! હમ ક્યા ઇન્સાન નહીં હૈ ?!’ આપણને આ સરદારો પર કેટલો ભરોસો છે કે વચ્ચે એમાંના કેટલાક ભ્રમિત થયેલા વર્ગ દ્વારા ત્રાસવાદને પ્રોત્સાહક પ્રવૃત્તિઓ થયેલી, ઘણી મોટી કપાણ થયેલી, છતાં આજે આપણને કોઈ સરદારજીને જોઈને ત્રાસવાદ યાદ નથી આવતો, તેની કોઈ જૉક્સ જ યાદ આવે છે ! (હાલ ઓછામાં ઓછા એક સરદારજીને જોઈને તો સૌને ’જૉક્સ’ જ યાદ આવે છે !! દેશની સૌથી મોટી જૉક્સ 🙂 )

તો અમે પણ જીતેન્દ્રસિંહજી સાથે આ બધી ચર્ચાઓ કરી, હિંમત કરી બાપુની એકાદ જૉક્સ પણ ફટકારી (અને જીતેન્દ્રસિંહજીની એ સજ્જનતા કે તેમણે ત્યાંને ત્યાં તલવાર ના ખેંચી કાઢી 🙂 ) કોઈ મિત્રએ આગળ મેં કહેલી વાત, ’સબળા વર્ગ પર જૉક્સ કેમ વધારે હોય છે’, પર સંશોધન કરવા જેવું છે. તો, આ તો એકાદ-બે વિષયો જણાવ્યા બાકી એવા તો કેટકેટલાં વિષયો પર વૈચારીક આદાન-પ્રદાન ચાલ્યું. ધવલભાઈ પાસેથી વિકિ પર લખવા બાબતે વધુ માર્ગદર્શન પણ મળ્યું. હજુ ગુજરાતીઓ જ્ઞાન મેળવવા વિષયે એટલાં ઉત્સુક નથી થતા જેટલા ટોળટપ્પાં કરવા હોય છે તે વિકિ જેવા કોઈ જ્ઞાનકોષ પર તેમના પ્રદાનને જોતાં સમજમાં આવશે. (આ ટોળટપ્પાકર્તાઓમાં અમે પણ આગેવાન જ, હોં કે !) જો કે નેટ પર ભ.ગો.મં. કે લેક્ષિકોન જેવા ભગીરથ પ્રોજેક્ટ પાર પાડનારા ગુજરાતીઓ પણ છે, અને બ્લોગ મધ્યે અઘરા અઘરા વિષયને શક્ય તેટલા સહેલા કરી જ્ઞાન પીરસનારા સજ્જનો પણ છે, એટલે સાવ કંઈ ધોકો લઈને પાછળ પડવાપણું નથી જ ! છતાં સહુએ શક્ય તેટલો વધુ પ્રયાસ કરવો જોઈએ. તો આ થોડી વાતો હતી જે ડાયરા સમક્ષ પ્રસ્તુત કરી. હવે ડાયરો પણ આમાંના રસ પડે તેવા વિષયે બે શબ્દો બોલે (લખે !) તો જાણો કે ડાયરો જામી જાય ! આભાર.

40 responses to “ડાયરો – દેવતા, ટ્રાફિક અને જોક્સ !

  1. અત્યારે ડાયરાને રામ રામ કરીને હાલતો થાઉ. થોડોક જામશે પછી પાછો ટાપશી પુરાવવા આવીશ હો 🙂 આમેય આપણને આવા ડાયરાઓ જ ફાવે – સસંદર્ભ વાત કરવી હોત તો તો વિકિ પર ન લખવા માંડ્યું હોત 🙂

    Like

  2. તમે તો આખું ભાણું પીરસ્યું છે, એય ને, વાટકિયું ની લાઈન થાળીમાં ગોઠવી દીધી છે ને!
    એક વાનગીનાં વખાણ કરો તો બીજી નારાજ થઈ જાય૧
    પણ જેને ગન્યાન દેખાડવાનો અભરખો હોય એને કઈંક ને કઈંક જડી જ આવે. તો લ્યો!
    દેવનો અર્થ ફારસીમાં (અને એને કારણે ઉર્દુમાં પણ) ખરાબ થાય છે. દેવઝાદ (દેવને જન્મેલો) એ્ટલે ઝિંથરિયો, વિકરાળ, કા્ળો ડિબાંગ, ઊંચો, પડછંદ રાક્ષસાકારનો માણસ!

    દેવપૂજક આર્યો ભારત આવ્યા અને દેવશત્રુ આર્યો ઇરાનમાં જ રહી ગયા. એ આપણા પારસીઓ. એમના પૂજનીય, આપણા દુશ્મન – અને આપણા પૂજનીય એમના દુશ્મન. અવેસ્તામાં ઇન્દ્રને શત્રુ માન્યો છે. એમનો વરુણ (અહુરમઝ્દ) આપણે ત્યાં ગૌણ દેવતા બની ગયો. અવેસ્તાનો આ અહુર એટલે અસુર. ઋગ્વેદની જૂની ઋચાઓમાં પણ અસુર એટલે મહાન દેવતા અર્થ છે. પછી સુર-અસુર એવા ભાગ તો બહુ મોડેથી પડ્યા!
    લ્યો, શોધી લીધું ને, ક્યાં જ્ઞાન દેખાડવું તે?!

    Like

    • આભાર, દીપકભાઈ.
      લેખ જરા લાંબો તો થયો 😦 આપે આપેલી વધારાની માહિતી બદલ ધન્યવાદ. ગનાની એ જ, જે ગોબર માંહેથી પણ ગોબરગૅસ કાઢી બતાવે ! છી..છી..કરી ચાલતા થાય તે અગ્યાની ! ઋગવેદની જૂની ઋચાઓમાં ઈંદ્ર, અગ્નિ, વરુણ વ.ને પણ અસુર કહ્યા છે. એક અર્થમાં સુરાપાન કરતા તે, સોમરસ ગ્રહણ કરનારા ’સુર’ કહેવાયા અને ન લેનારા ’અસુર’ કહેવાયા (આ અર્થમાં અહીં ઘણા મિત્રો પોતાને ’અસુર’ ગણાવવામાં ગર્વ અનૂભવશે 🙂 ) એવું વાંચવા મળે છે. પુરાણ પ્રમાણે તો સુર અને અસુર સાવકા ભાઈઓ જ થયા, જેમાં અસુર સુરાને બદલે મધ (મદ્ય નહીં !)પાન કરતા. અહુર પરથી ધ્યાને આવ્યું કે મારા કેટલાક પારસીમિત્રો ’સ’ને ’હ’ જેવો ઉચ્ચારે છે. આભાર.

      Like

  3. * વીકી વિષે મારેય જાણવાનું જ છે. મને એમાંનાં લખાણોમાં ઓથેન્ટીકપણું કેટલું એ સવાલ હંમેશાં રહ્યો છે. જેમાં બધા જ લખાણો મૂકી શકે એની ખરાઈ કેટલી એ નક્કી કોણ કરે ?

    * તેત્રીસ કરોડ લોકોને વસ્તી એ કાળે ભારતની હશે કદાચ ને એટલે માનવનુળ મહત્ત્વ બતાવવા સૌને દેવો કહી નાખ્યા હોય.

    * લેખનું મથાળું આમ ન આપ્યું હોત તો વિષયાન્તર ગણાત પણ તમે બધાને ભેળાં કરીને સરસ લેખ આપ્યો છે. ફકરા પાડીને તો તમે ખરેખર લેખને સાર્થ કર્યો છે. ભાષાશૈલી અને શબ્દપસંદગી બન્ને ખૂબ જ આકર્ષક બનાવી દે છે, લેખને.

    * ડાયરાને ધ્યાને રાખીને લખાણ કર્યું એટલે ભાષા પણ બોલચાલની પ્રયોજીને સાર્થક કર્યું છે. ડાયરો અને સંભાષણ એ બે પણ લખાણનો જ એક પ્રકાર ગણી લેવા રહ્યા.

    સરસ લખાણ માટે ખરે જ ધન્યવાદ.

    Like

    • શ્રી.જુગલકીશોરભાઈ, પ્રોત્સાહન બદલ આભાર.
      વિકિ વિશે થોડી વાત, ’વિકિપીડિયા (wikipedia) ગુજરાતી’ અને ’વિકિસ્રોત (Wikisource) ગુજરાતી’ નામક બે લેખ પર થોડી માહિતી આપવા પ્રયાસ કરેલો તે જોઈ જવા નમ્ર વિનંતી છે. વિકિ જ નહીં પરંતુ નેટ પરની લગભગ બધીજ માહિતીઓને પોતાની વિવેકબુદ્ધિ વડે ચકાસવી એ જરૂરી રહે છે. માટે જ વિકિ પર સંદર્ભનું મહત્વ છે. (જેથી કોઈપણ માણસ એ સંદર્ભ ચકાસી અને જાણકારીની સત્યતા કેટલી સમજવી તે જાણી શકે). બીજું ત્યાં લખી તો કોઈપણ શકે પરંતુ પ્રબંધનકાર્ય સંભાળતા મિત્રોને (આમ તો સૌને) થતા રહેતા ફેરફારની તુરંત જાણ થાય છે. અને તેઓ એ ફેરફાર અઘટિતતો નથીને તે પર નજર રાખે છે. (જુઓ: તાજા ફેરફારો ) ખોટા ફેરફારો રદ કરાય છે, જરૂર પડ્યે ચર્ચાઓ દ્વારા માહિતી વિષયક શંકાઓનું નિવારણ પણ કરાય છે. (ઉદાહરણ તરીકે ’ગણેશ’ વિષયની આ “ચર્ચા” વાચવા વિનંતી કરીશ.) અસંદર્ભ જણાતી માહિતીને ટૅગ કરાય છે, તેવી અનેક પ્રવૃત્તિઓ દ્વારા શક્ય તેટલું ધ્યાન રખાય છે. જો કે ગુજરાતી વિકિ હજુ પ્રાથમિક અવસ્થાએ હોય ઘઉં સાથે થોડા કંકર જતા રહે છે, પરંતુ વધુને વધુ સભ્ય કાર્યરત થાય તેમ ઝીણું દળાતું રહે. છતાં ત્યાં માહિતી એ ’સાચી કે ખોટી’ રૂપે નહીં માત્ર ’માહિતી’ રૂપે હોય છે. આભાર.

      Like

      • આભાર અશોકભાઈ, આવી સુંદર ચોખવટ કરવા બદલ. અને જુગલકિશોરભાઈ, એ જ તો આ મુક્ત વિશ્વજ્ઞાનકોશની મજા છે. કે તેમાં કોઈ પણ લખી શકે અને કોઈ પણ સુધારા કરી શકે છે. માહિતીની સત્યાર્થતા ચકાસી શકાય તે માટે થઈને જ સંદર્ભ માટેનો આગ્રહ (કે પછી દુરાગ્રહ) રાખવામાં આવે છે. અને આ સંદર્ભો માટે પણ ઓથેન્ટિક સ્ત્રોતોને જ માન્ય ગણવામાં આવે છે. કોઈ બ્લૉગ્સ કે પક્ષપાતી વેબસાઈટો, કે પછી સંસ્થાઓની પોતાની વેબસાઈટો કે મુખપત્રો કે જેમાં સ્વાભાવિક પણે જ પ્રસંશાસૂપે લખાણ લખવામાં આવતું હોય તેને માન્ય ગણતા નથી.

        અશોકભાઈએ ઉપર ખુબ સુંદર ઉદાહરણો આપ્યા છે (જેમકે ગણેશની ચર્ચા, અને એવી જ ચર્ચા જુનાગઢની જોડણી માટે પણ અમે કરી હતી), તે કડીઓની મુલાકાત લઈ જોશો તો ખ્યાલ આવશે કે એક વિકિને સાચવવામાં કેટલા લોહી ઉકાળા કર્યા છે અમે લોકોએ. અશોકભાઈ, તમારી ખોટ ખુબ સાલે છે, પાછા ફરો યાર.

        Like

  4. આમ તો આ ડાયરામાં હું ઘણાં વર્ષોથી આંટાફેરા કરું છું. આ ડાયરામાં પણ મારી હાલત નોળીયા જેવી છે. ગમે એટલા યજ્ઞ કરો., યજ્ઞ પુરો થાય એટલે આહુતીની બચેલી રાખમાં લેટવાનું અને જાહેર કરવું કે આ યજ્ઞ પણ અધુરો….એ હીસાબે દેવ, દાનવ, મનુષ્ય વગેરે બધાએ નોળીયાની સમગ્ર જાત ઉપર આભાર વ્યકત કરવો જોઇએ.

    Like

  5. ભાઇ શ્રી.અશોક”જી”, અદ્ભુત શૈલી અદ્ભુત શૈલી,વાંચી એટલું હસ્યો કે બાજુ વાળા તબિયત પૂછવા આવ્યા 🙂
    ટ્રાફિક માટે કહી શકાય કે જૂનાગઢ માં વાહન હંકારી દે એ બધે વાહન ચલાવી શકે !
    સરદાર નો જોક્સ વાંચી પ્રતાપસિંગ[શ્યામ ઇલેક્ટ્રીક્લ્સ] નો ચહેરો નજર સમક્ષ ઉભર્યો.
    જેઠાલાલ ઓહ આજે જરૂર એને ફોન કરવો છે ! [રોયલ્ટી માટે] તારી પાસે રોજ ઉઘરાણી કરશે !
    બાપુનાં જોક્સ ની પ્રસ્તાવનાં સ_રસ લાંબી બાંધી પણ જોક્સ ક્યાં ? એક વાટકી કેમ ખાલી મૂકી દીધી કે પછી ? વાઘ ! ??? 😮
    ખુબ જ સ_રસ હાસ્ય લેખ.

    Like

    • આવા મિત્ર હોય તેને શત્રુની જરૂર શું છે 🙂
      અલ્યા તારે મારો પાળિયો કરાવવો છે ? “જોક્સ ક્યાં ?”નો ગગો થયો છે તે 🙂 🙂
      અને હા, હવે જેઠાને ફોન કરજે ! એમ કંઈ ફાટી નથી પડતો !!

      આભાર, આભાર ભાઈ શકિલ. પ્રતાપસિંગ તો ભૂલી જવાયા ! (હમણાં મનમોહન મનમાં રહી ગયા છે !!)

      Like

  6. જમાવટ.

    Like

  7. બહુ મજા આવી. આ તેત્રીસ કરોડની વાત તો અચમ્બો પમાડે તેવી છે.
    ટ્રાફિકની વાત વાંચી મારો સ્વાનુભવી હાસ્યલેખ ‘ આવાહંક’ યાદ આવી ગયો. હા.દ. પર જરૂર વાંચજો – ત્રણ ભાગમાં છે. અને મરક મરક મરકજો – આ ડોહાની કમાલ માણજો.
    ——————
    એક સૂચન … આટલો બધો લાંબો લેખ ન લખતા હો તો? આને બે કે ત્રણ ભાગમાં વહેંચ્યો હોત તો વધારે સુવાચ્ય બનત. અતુલ તો ભાગી જ ગયો !!!

    Like

  8. આદરણીયશ્રી. અશોકભાઈ

    આપના ” ડાયરા ” માં રહીને ડાયરો જામ્યો છે.

    ખુબ જ સરસ રસદાર માહિતી આપ શિક્ષણ જગતને આપી રહ્યા છો.

    હુ તો ખાલી એટલુ જ કહીશ કે ભાઈ

    ” બેસ્ટ લક “

    Like

  9. સરસ! અશોકભાઈ લેખ વાંચીને મઝા આવી ગઈ..એટલે જામી ગયો ડાયરો બાપુ..જોક ન કરતાં ય ફક્ત નામ જ લેતાં જ(સરદારજીનું) જોક થઈ જા એ તો આજે જ ભાળ્યું.

    Like

  10. અશોકભાઈ મજાની ભેલ છે. માહિતી પણ સુંદર છે. બાપુઓ અને સરદારજી ઉપર સૌથી જોક્સ થતા હોય છે તેમાં પણ જુદી જુદી ભાવનાઓની ભેળસેળ હોય છે. મજાનો લેખ.

    Like

  11. સૌ ભલે વખાણ કરે, હું તો (રહ્યો વાંક દેખો એટલે) ખુટતી વાત પહેલા કહીશ.

    મુન્ઝાવમાં . . .

    એવું કાંઈ નથી “હો”

    આ તો શું કે ડાયરા માં કહુંન્બો પાણી હોય તો જરા ટેસડો પડી જાય એમ જ

    Like

  12. આદરણીય શ્રી અશોકભાઈ,

    ડાયરો ખુબ જામ્યો ને માણ્યો આવા દાયરા દરોજ નહિ પણ દર

    અઠવાડિયે જમાવો તો બ્લોગ વાંચનમાં ડાયરો જામે. ગરવા ગિરનારના

    તેત્રીસ કરોડ દેવતા વિષે સરસ જાણવા મળ્યું…મિત્રોને અને મહેમાનગતિ

    માણી ગયેલા મિત્રોને યાદ આપજો.

    Like

  13. ટ્રાફીક હવે કલીયર થઈ ગયું હશે. નવો રસ્તો કાઢો…….

    Like

  14. પિંગબેક: » ડાયરો – દેવતા, ટ્રાફિક અને જૉક્સ ! » GujaratiLinks.com

  15. ડાયરા વિષે અમને છોકરીઓને બહુ ગતાગમ હોતી નથી (મને તો લોકગીતની મંડળી એવો ખ્યાલ હતો).
    બહુ બહુ તો અમે જે ટોળટપ્પા કરીએ એને પંચાત શબ્દથી સંબોધવામાં આવે છે એવો જ ખ્યાલ છે.
    પણ અહીં ધીમે ધીમે સમજાઈ રહ્યું છે કે છોકરીઓ/સ્ત્રીઓ કરે તે પંચાત/ચોવટ, છોકરાઓ/પુરુષો કરે તે ટોળટપ્પા/ડાયરો એવું સામાન્ય વ્યવહારમાં કહેવામાં આવતું લાગે છે. ચોક્કસ નથી પણ સામાન્ય રીતે પહેલાના જમાનામાં સ્ત્રીઓ પાસે એકબીજાની વાતો જેને નિંદા કે કુથલી કહી શકાય એવું વિશેષ હોવાને લીધે (એમના સામાજિક બંધનોને લીધે બીજી વાતો એમની પાસે ક્યાંથી હોવાની?) અમે(બહુવચન)
    સ્ત્રીશિક્ષણ મેળવ્યા પછી પણ ડાયરાથી અલિપ્ત હતા. નેટજગતનો આભાર કે અમે આવા સરસ ડાયરાની લહેજત માણી શકીએ છીએ.
    મજાનો લેખ છે.

    Like

    • શ્રી હિરલબહેન,
      ખાસ તો સૌરાષ્ટ્ર-કચ્છમાં આપે કહ્યું તેમ ભજન, લોકગીત, લોકવાર્તા, હાસ્યરચનાઓની રજૂઆત જેવા કાર્યક્રમ એક સાથે, એક મંચ પરથી, યોજાય તેને પણ ’ડાયરો’ (કે ’લોકડાયરો’)કહે છે. એકંદરે જ્યાં પાંચ-પંદર માણસો મળે અને અલક-મલકની વાતો માંડે તેને ડાયરો એવું નામાભિધાન કરાય છે. તેમાં સ્ત્રી-પુરુષ એવા ભેદ પણ, આ વિસ્તારમાં તો, નથી હોતા. જેમ કે અહીં બે માણસ મળે તો એકબીજાને ખબરઅંતર આ રીતે પુછે (સ્ત્રીઓ પણ); ’દાયરો બધો મજામાં ?’ અર્થ કે ઘરનાં સઘળાં સભ્ય મજામાંને ? (અહીં ડાયરો અને દાયરો બંન્ને શબ્દ વપરાય જેનો અર્થ સમાન, પતિ-પત્નિ-બાળકો, અંતરંગ વર્તુળ, સ્વજનો, સંબંધીઓ વગેરે)

      આમ લોકડાયરો હોય કે ઘરનો ડાયરો ! બધે જ સ્ત્રી-પુરુષને સરખું સન્માન છે. લોકડાયરાઓમાં માન.દિવાળીબેન ભીલ (’મારે ટોડલે બેઠો રે મોર…’)થી લઈ અને અત્યાર સુધીના સેંકડો સ્ત્રી કલાકારોએ ડાયરાને શોભાવ્યો છે. અને આપણા આ નાનકડા ડાયરાની પણ આપ સમાન સૌ બહેનો શોભા છો. (હવે બહેનોએ છણકો ના કરવો કે ’શું અમે તો શોભાની વસ્તુઓ જ છીએ ?!!!’) માટે ડાયરે પધારતા રહેવું, જરૂર પડ્યે અમારો કાન ખેંચતા રહેવું અને અલક મલકની વાતો માંડતા રહેવું ! પંચાત, ચોવટ કે ટોળટપ્પામાં કદાચ ક્યાંક કોઈનું અપમાન પણ હોય છે, અશિષ્ટતા પણ હોઈ શકે, જ્યારે ડાયરામાં સૌનું સન્માન હોય છે, શિષ્ટતા હોય છે, આટલો અમથો ભેદ બે વચ્ચે છે. આભાર.

      Like

  16. હમમ , અમદાવાદ/બરોડામાં ક્યારેય દાયરો/ડાયરો શબ્દપ્રયોગ સામાન્ય વ્યવહારમાં સંભાળવાનું બન્યું નથી.
    ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં તીર્થસ્થળોના દર્શન સિવાય કશો ખાસ વ્યક્તિગત પરિચય છે નહિ, માટે તમે જે કીધું તે પહેલી વાર જ જાણ્યું દાયરા/ડાયરા વિષે.
    ચાલો જે હોય તે, તમારી લેખનશૈલી ઘણી સરળ છે. વાંચવાની મજા આવે છે.
    આભાર.

    Like

  17. એક સરદારજી ” રાજ ” કરતા હતા …..!!!

    Like

  18. અશોકભાઈ આપણે વચ્ચે નવી નવી ઓળખાણ થઇ .એકતો આ કમ્પ્યુટર બલા માં મને સમજણ પડે નહિ .એટલે તમારા વિષે મને બહુ પરિચય નહિ .પણ આભાર સુરેશ જાનીનો કે જેણે તમારી ઓળખાણ કરાવી ,સુરેશ જાનીએ મને એક વખત કીધું કે તમારા વિષે અશોક મોઢવાડીયાએ બહુ ઉત્સાહ પ્રેરક લખાણ લખ્યું છે તમે જરૂર વાંચજો અને મેં ગોત્યું .વાંચ્યું અને મારા હરખનો પર નો રહ્યો .આજે તમારા . દાયરા વિષે વાંચ્યું . લોકોના અભિપ્રાયો વાંચ્યા .તમે ઘણું જ્ઞાન ધરાવો છો .એની મને ખબર પડી .તમે મારા માટે સન્માનનીય વડીલ “આતા “શબ્દ વાપર્યો એમને બેહદ ગમ્યો. હવે સુરેશ જાની બાપાને બદલે “આતા “શબ્દ મારા માટે વાપરે છે .તમારી આવડત તમારા પ્રગતિના શિખરો સર કરાવશે એમાં સંદેહ નથી .

    Like

    • આતાશ્રી, સ્વાગત.
      આપ અહીં પધાર્યા તે જ અમારું અહોભાગ્ય છે. રહી મારા જ્ઞાનની વાત તો એ તો આપ સમા વડિલોનો સ્નેહ છે. થોડા પુસ્તકો અને થોડા આપ સમા સૌ મિત્રોના આશિર્વાદ છે તે બે વાતુ કરવા જેટલો લાયક ગણાઉ છું. બાકી જીવનના નવ નવ દાયકાની તડકી છાંયડી માણીને બેઠેલા અનુભવીને, આજે પણ ઉત્સાહભેર આમ બ્લોગજગતમાં ડણકુ દેતા નિહાળીને, અમને પણ પ્રેરણા પ્રાપ્ત થાય છે. હે વટવૃક્ષ સમા આતાશ્રી, આમ જ સૌ બ્લોગમિત્રોને પોતાના જ ગણી, આશિર્વાદ અને અનુભવના છાંયડે મોજ કરાવતા રહેશો. આટલી પ્રાર્થનાસહઃ આભાર.
      (એક વિનતી કરાં ? આ તમીંય મુણે અશોકભાઈ કે ને બોલાવો ઈ નેથ ગમતું ! પારકે ઘેર મીમાન થે ને ગા હોયે ઈવું લાગે શે. તમીં તાં મુણે ખાલી અશોક ક્યો !!!)

      Like

  19. ashok tari namrata upar vah dikra vah kevay javay chhe .
    hamna computar gujrati nathi lakhi aaptu
    aaje suresh compyutarne thapko aapvano chhe etle sidhu dor kari naakhshe.
    ane pachhi aataa danku devaa maandhe

    Like

Leave a reply to અશોક મોઢવાડીયા જવાબ રદ કરો