પ્રિય મિત્રો, નમસ્કાર.
ગત તા:૨૫-૧૧-૧૧ના રોજ અમ ગરીબને આંગણે પધારવાનું મિત્રોએ કષ્ટ કીધું. યુ.કે.થી અમારા ખાસ મિત્ર અને વિકિપીડીયા (ગુજ.)ના પ્રબંધક શ્રી. ધવલભાઈ ’વિકિ કોન્ફરન્સ ઈન્ડીયા ૨૦૧૧’ માટે ભારત પધારેલા તે અમારા આગ્રહને માન આપી એક દિવસ જૂનાગઢ આવવા સંમતિ આપી. તેઓશ્રીને આપણે તેમના બ્લોગ દૃષ્ટિકોણ પર પણ મળી શકીએ છીએ. તેઓની સાથે રાજકોટથી અમારા પરમમિત્ર અને વિકિ પર પણ સહયોગ કરતા એવા શ્રી. જીતેન્દ્રસિંહજી ચૌહાણ, હર્ષદભાઈ પટેલ, કુલદિપસિંહજી પણ પધાર્યા. જીતેન્દ્રસિંહજી ધાર્મિક પ્રકૃતિનાં જણ, તેઓને પણ આપ શ્રી નાથજીદાદાની જગ્યા – દાણીધાર બ્લોગ પર મળી શકો છો. આમ વિકિમિત્રો (અને બ્લોગરમિત્રો પણ ખરા જ !)ના નાનકડા સ્નેહમિલન જેવું થયું. સવારથી સાંજ સુધી જૂનાગઢનાં કેટલાક પ્રસિદ્ધ સ્થળોએ હરવા ફરવાનું થયું તથા સાંજે મિત્ર ભાવેશભાઈનાં ગાર્ડન રેસ્ટોરાં, ’ગાર્ડન કાફે’માં અન્ય કેટલાક મિત્રો સાથે વાર્તાલાપ સહ ભોજનનો પ્રોગ્રામ થયો. તો આવો સૌ પ્રથમ આપને પણ અમારા આ યાદગાર સ્નેહમિલનની કેટલીક સચિત્ર ઝાંખી કરાવું.
તો આ થોડી યાદેં, અમારા સ્નેહમિલનની, મહેમાન આવે અને તેમાં પણ મિત્ર મહેમાન બનીને આવે એટલે સમજો કે સોનામાં સુગંધ ભળી. ધારો કે સુદામાને ઘેરે કૃષ્ણ પધારે તો સુદામાનો હરખ કેટલો હોય ?