સહાયવૃતિ (વિકાસનું એક તત્વ) – આવકાર


પ્રીય મિત્રો, નમસ્કાર.

પુસ્તક વાંચનની શ્રૂંખલામાં આજે આપણે હાથ લાગ્યું છે એક એવું પુસ્તક જે સમાજ વિજ્ઞાનને સમજવામાં સીમાચિહ્નરૂપ સાબીત થયેલું છે.

MUTUAL AID

A FACTOR OF EVOLUTION
BY P. KROPOTKIN

પી.ક્રોપોટ્‌કિન કૃત ’મ્યુચ્યુઅલ એઈડ’ નો અનુવાદ (સં:૧૯૯૧ (સને ૧૯૩૪) પ્રથમ આવૃતિ) નવજીવન પ્રકાશન – અ. નરહરિ દ્વા. પરીખ

ડાર્વિનવાદનો બહુ પ્રચાર થયો, જીવનકલહના સિદ્ધાંતો (Struggle for existence), કુદરતની ચાળણી કે પ્રકૃતિની વરણી (Natural Selection), સર્વશ્રેષ્ઠનો ટકાવ (Survival of the fittest) વગેરે સિદ્ધાંતો ડાર્વિને આપ્યા. તેમણે જો કે સંકુચિત નહીં પણ વિશાળ અને શાસ્ત્રીય અર્થમાં આ શબ્દો વાપર્યા પરંતુ ડાર્વિનવાદનો દૂરઉપયોગ કરી હિત ધરાવતા, કહેવાતા ડાર્વિનવાદીઓએ સમાજના નિમ્ન, દૂર્બળ અને પછાત વર્ગો પ્રત્યેના દૂર્વ્યવહાર કે તેમના પછાતપણાને વ્યાજબી ઠેરાવવા જબ્બર કોશિશ કરી. પોતાના દ્વારા થતા અન્યાયને કુદરતી કે વૈજ્ઞાનિક ઠેરવવા પ્રયત્નો કર્યા, આગળ મુળ લેખકશ્રી અને અનુવાદકશ્રીની પ્રસ્તાવનાઓના અંશ આપણે વાંચીશું ત્યારે આ બાબતો પર વિગતે પ્રકાશ પડશે. પરંતુ વિકાસનું એકમાત્ર તત્વ આ સિદ્ધાંતો જ હોય તેવું ક્રોપોટ્‌કિન માનતા ન હતા. તેઓ પણ રશિયામાં જન્મેલા અને ફ્રાન્સમાં નિવાસ કરતા એક પ્રબુદ્ધ વૈજ્ઞાનિક, પ્રાણીશાસ્ત્રી, તત્વચિંતક, ક્રાંતિકારી, અર્થશાસ્ત્રી, ઈવોલ્યુશનરી વૈજ્ઞાનિક, સમાજશાસ્ત્રી તથા લેખક જેવી બહુમુખી પ્રતિભાના ધણી હતા અને તેમણે ડાર્વિનની જ પદ્ધત્તિ અપનાવી વર્ષો સુધી પ્રકૃત્તિનું નિરિક્ષણ કરી અંતે ઠરાવ્યું કે પ્રકૃત્તિમાં માત્ર કલહ કે હરિફાઈનું તત્વ જ નહીં પરંતુ ’સહાયવૃતિ’ એ પણ વિકાસનું એક સબળ તત્વ છે. તેમણે પક્ષી, પ્રાણી, પ્રાચિનથી લઈ અર્વાચિન એવી વિવિધ માનવ સભ્યતાઓનો ઊંડો અભ્યાસ કરી અને આ આધારભૂત તારણ કાઢ્યું. આગળ પુસ્તકનો અભ્યાસ કરી આપણે આ વિષયો પણ જોઈશું.

પી.ક્રોપોટ્‌કિન, તેમણે ઈ.સ.૧૯૦૨માં પોતાનું સંશોધન પૂર્ણ કરી લખેલું આ પુસ્તક અને તેમના કાર્યને આપણે આગળ સમજવાનો પ્રયત્ન કરીશું અત્યારે આ પુસ્તકને આવકારતા શ્રી કાકાસાહેબ કાલેલકરે જે આવકાર લખ્યો છે તેને વાંચીએ.

***

પ્રાણીશાસ્ત્ર કરતાં વનસ્પતિશાસ્ત્ર સહેલું, એના કરતાં રસાયનશાસ્ત્ર સહેલું, એમ જોઈ શાસ્ત્રીઓએ સહેલાના આધારે અઘરું સમજાવવાનો અને સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો. વનસ્પતિશાસ્ત્રની ઘણી વિગતો જો રસાયણશાસ્ત્રના સિદ્ધાંતો પ્રમાણે સિદ્ધ કરી આપી તો ભારે વિજય મેળવ્યો એમ વિજ્ઞાનવાદીઓ માનવા લાગ્યા. એમ કરતાં કરતાં જો મનુષ્યજીવનમાં આત્માની કલ્પના સ્વીકાર્યા વગર જ બધું સિદ્ધ કરી શકાય તો એક ભારે ગૂઢ મુશ્કેલીમાંથી આપણે ઊગરી ગયા એમ તેમણે માન્યું. આત્મા એ સ્વતંત્ર વસ્તુ નથી, પ્રાણીઓની શરીરરચનાના ગુણધર્મનો જ એ પરિપાક છે એમ સિદ્ધ કરવાનો એમણે ભારે પ્રયત્ન કરી જોયો. જેમનામાં પ્રગતિનું તત્વ નથી, સ્વતંત્ર યોજના નથી, અંતર્મુખ વિચારશક્તિ નથી, અનુમાનશક્તિનો વિકાસ નથી એવાં પ્રાણીઓનાં જીવન તપાસી એમાંથી જે સિદ્ધાંતો તારવ્યા હોય તે જ તંતોતંત મનુષ્યજીવનમાં લાગુ પાડવા એ શાસ્ત્રીયતાનો ઉત્કર્ષ છે એમ એમણે માન્યું.

જો વિકાસવાદ સાચો હોય તો બીજી રીતે પણ આ બધું તપાસી શકાય એમ છે. અત્યંત વિકસિત એવી મનુષ્યકોટીમાં જે વસ્તુઓ સ્પષ્ટ દેખાય છે તે જ અલ્પ વિકસિત પ્રાણીઓમાં પણ હોવી જ જોઈએ એવો ખ્યાલ (Hypothesis) બાંધી તે કેટલે દરજ્જે સિદ્ધ થઈ શકે છે એ સૂક્ષ્મ નિરીક્ષણ, પરીક્ષણ અને નાજુક પ્રયોગોથી તપાસી શકાય. જગદીશચંદ્ર વસુના (બોઝ) વનસ્પતિ પરત્વેના પ્રયોગો એ જ જાતના કહેવાય. સ્થૂળ પ્રાણીઓમાં કેવળ કલહ કે વિગ્રહવૃતિ કલ્પી તે જ માણસમાં હોઈ શકે અને હોવી જોઈએ એમ અનુમાન કાઢવું અને તે યોગ્ય પણ છે એમ પ્રતિપાદન કરવું એ શાસ્ત્રની અવળી દૃષ્ટિ છે. દૂરબીન ઊલ્ટું પકડવા જેવું એ થાય છે. મનુશઃયજાતિમાં આત્માનો ઇનકાર કરવા કરતાં માણસોમાં જે આત્મા પ્રત્યક્ષ છે, પ્રકટ છે તે જ સૂક્ષ્મ રીતે બધાં પ્રાણીઓમાં પણ પ્રતીત થાય છે કે નહીં એ શાસ્ત્રદૃષ્ટિએ તપાસવું ઘટે છે.

આત્માની દાર્શનિક વ્યાખ્યા કોરે મૂકી આપણે સીધું તપાસીએ તો આત્માનું સ્વરૂપ સામાન્ય દેહધર્મ ભૂલી જઈ તે દેહગત વૃતિઓ ઉપર વિજય મેળવવામાં પ્રતીત થાય છે. પ્રેમશ્ક્તિ અને ત્યાગશક્તિ એ જ આત્માનાં પ્રધાન લક્ષણો છે. જે પ્રાણીઓ પોતાનાં અપત્યો માટે અને સાથીઓ માટે પ્રેમ બતાવી શકે છે અને જરૂર પડ્યે આત્યંતિક આપભોગ આપી શકે છે તેમને આત્મા છે એ જુદી રીતે સિદ્ધ કરવાની જરૂર જ ન હોવી જોઈએ; અને જ્યાં આત્મા છે ત્યાં परस्परं भावयन्तः श्रेयः परमवापस्यथ એ સ્વભાવધર્મ રહેવાનો જ. ઉપનિષદની ભાષામાં કહીએ તો ડાર્વિનના સિદ્ધાંતનો દુરુપયોગ કરી શાસ્ત્રીય સમાજવિદ્યા ’આત્મહન્‌’ થઈ હતી તેને ફરી ક્રોપોટ્‌કિને ’આત્મનિરત’ કરી. માત્ર એ દાર્શનિક રીતે નહિ, પ્રવચનરૂપમાં નહિ પણ ભૌતિકશાસ્ત્રની પદ્ધતિએ જ. આટલા ખાતર સામાજિક જીવનને આધ્યાત્મિક દૃષ્ટિએ સિદ્ધ કરનાર સહાયવૃતિની આ મીમાંસા આવકારલાયક છે.
                                  — દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર    (સહાયવૃતિ – પાનાં: ૩થી૫)

સંદર્ભ વાંચન :

http://en.wikipedia.org/wiki/Peter_Kropotkin

મુળ અંગ્રેજી પુસ્તક (પ્રોજેક્ટ ગુટૅનબર્ગ)

PDF

19 responses to “સહાયવૃતિ (વિકાસનું એક તત્વ) – આવકાર

 1. અશોકભાઈ,
  પ્રિન્સ પીટર ક્રોપોત્કિનના પુસ્તકનો પરિચય આપવાનું શરૂ કર્યું છે તે ખરેખર આનંદની વાત છે. (રશિયન નામ છે એટલે ઉચ્ચાર ક્રાપોત્કિન અથવા ક્રાપાત્કીન પણ હોઈ શકે છે, સહેજે તપાસ કરતાં મળી જશે.આ પણ જાણવાની નવી વસ્તુ થઈ જશે)) એમનું પુસ્તક ‘ભૂખમરાનો ઉપાય’ પણ વાંચવા જેવું છે. મેં તો ૧૯૬૬માં વાંચ્યું છે,એટલે અત્યારે એ ઉપલબ્ધ હશે કે કેમ તે પણ કહી ન શકાય. મારા પર અનેક વિદ્વાનોની જેમ ક્રોપોત્કિનનું ઋણ ચે એ વાતનો સ્વીકાર કરૂં છું.

  ડાર્વિનવાદને સામાજિક સ્તરે લાગુ કરવામાં બજારવાદી બળોએ મુખ્ય ભાગ ભજવ્યો. કાકાસાહેબ કાલેલકર કહે છે એટલી હદે આત્મા વગેરેની કલ્પના કરવાની રીત વૈજ્ઞાનિક ન ગણાય કારણ કે કલ્પના વિજ્ઞાનમાં મહત્વનો ભાગ ભજવતી હોવા છતાં એને ભૌતિક જગતમાં આધાર ન મળે ત્યાં સુધી એ હાઇપોથિસીસ (અધિતર્ક) જ ગણાય.

  ડાર્વિનવાદ જેમ પ્રકૃતિમાં લાગુ પડે તેમ સમાજમાં પણ લાગુ પડે એ દાવો તો મૂડીવાદી સમાજની દેન છે, એ રીતે માણસ દ્વારા માણસના શોષણને વૈજ્ઞાનિક ઠરાવવાનો પ્રયત્ન થાય છે. વર્ગના સ્તરે આ વાત વિચારીએ તો મજૂર વર્ગ વધારે શક્તિશાળી ગણાય! અને ‘યોગ્યતમની ચિરંજીવિતા’ (Survival of the fittest)ના સિદ્ધાંતનો લાભ આ વર્ગને મળવો જોઈએ. પરંતુ, એમ થતું નથી.

  સ્તનપાયી પ્રાણીઓમાં મનુષ્ય સૌથી નબળો છે. શારીરિક તાકાતમાં તો એને કોઈ પણ મહાત કરી દે. એટલે પ્રજાતિ તરીકે મનુષ્યની ચિરંજીવિતાનો આધાર સહકાર પર જ છે. તે સિવાય માણસજાત આટલી આગળ વધી શકી નહોત. શોષણ ચાલુ રહેશે તો માર્ક્સ કહે છે તેમ, ‘બેરોજગારોની ફોજ’ મોટી ને મોટી થતી જશે અને અંતે જીતશે. એટલે સહકાર ઉચ્ચ વર્ગોના લાભમાં છે!

  હવે આ દિશામાં સમજણ વધવા માંડી છે.સૌ પહેલાં બર્કશાયર હૅથ-વેના સ્થાપક અબજાધિપતિ વૉરેન બુફેટે કહ્યું કે અમેરિકી સરકારે ધનિકોને પંપાળવાનું છોડીને એમના પાસેથી વધારે કર વસૂલવા જોઈએ. હવે યુરોપમાં સ્વ્યં ધનવાનો આ માગણી કરવા લાગ્યા છે, કારણ કે સરકારી ખર્ચ ઘટાડવાના ઉપાયોની અસર ગરીબો પર પડે છે, પરિણામે સામાજિક અશાંતિ વધે છે. હાલમાં જ ચિદંબરમે પણ એ જ વાત કરી છે.

  આ પુસ્તક તમારા મારફતે આગળ વાંચવા આતુર છું.

  Like

  • શ્રી.દીપકભાઈ, આભાર.
   સૌ પ્રથમ તો આપે જે હોમવર્ક આપ્યું તે બદલ ખાસ આભાર. (આપણને આવું કશુંક ખાંખાખોળા વાળું કામ સોંપાય તે બહુ ગમે) જો કે આ પુસ્તકમાં ’ક્રોપોટ્‌કિન’ લખેલું હોય મેં પણ તે લખ્યું, આપે સૂચવતા મેં ડિક્ષનરીઓ ફંફોળી તો નીચે મુજબ જાણકારી મળી.
   Kro·pot·kin /kroʊˈpɒtkɪn, krə-; Russ. krʌˈpɔtkyɪn (રશિયનમાં: Кропо́ткин)
   Kro·pot·kin /kroʊˈpɒtkɪn, krə-; Russ. krʌˈpɔtkyɪn/
   [kroh-pot-kin, kruh-; Russ. kruh-pawt-kyin] જે ’ક્રોપોટ્‌કિન’ કે ’ક્રાપોત્કિન’ પણ દર્શાવે છે.
   અને મરિયમ વેબસ્ટર પર નીચે પ્રમાણે ઉચ્ચાર બતાવ્યો છે.
   \krə-ˈpät-kən\
   આ આધારે ઉચ્ચારો જોતા (IPA પ્રમાણે, સં: http://en.wikipedia.org/wiki/International_Phonetic_Alphabet_chart_for_English_dialects) આપે જણાવ્યું તેમ ‘ક્રાપોત્કિન’, ’ક્રાપાત્કીન’, ’ક્રપાત્કન’ કે ’ક્રોપોત્કિન’ એમ પણ થતું હોવું જોઈએ. (સાથે આ અંગ્રેજી અને રશિયન બંન્ને ઉચ્ચારોની ઓડિયો ફાઈલ આપને મેઈલ કરું છું) હું ન ભૂલતો હોઉં તો આપને રશિયા અને રશિયનનો ખાસ અનૂભવ હોય આપ તે ઓડિયો ઉચ્ચાર સાંભળી અને સૂચવશો તેવી વિનંતી. (આપણે અંગ્રેજીના આધારે ઉચ્ચાર કરતા હોઈએ પણ મુળ રશિયનમાં ઉચ્ચાર ઘણો અલગ થતો હોય તેમ બને)

   જો કે આપે મજાનો વિષય આપ્યો એટલે તેમાં લંબાણ થયું, બાકીનું હાલ ટુંકમાં જણાવું તો આપની વાત સાચી કે કાકાસાહેબની વાત પણ હાઇપોથિસીસ જ ગણાય. કદાચ તેઓએ એ સમયના ધારાધોરણો પ્રમાણે આ પુસ્તકનું આવકારપત્ર લખ્યું હશે. અને પુસ્તકને વાંચવા બેસીએ એટલે દરેક દૃષ્ટિને ધ્યાને લેવી તેટલા માત્રથી શરૂઆત આમ કરી, બાકી મુળ પુસ્તકમાં બહુ બધા વાસ્તવિક અવલોકનો અને તે આધારે નિષ્કર્ષ કાઢેલા જણાયા છે. (આમાં ક્રોપોટ્‌કિન કશી ધાર્મિક ચર્ચા લાવતા જ નથી, હા ડાર્વિનવાદ અને તેની ખામીઓનું વિશ્લેષણ તથા સમાજવાદ તરફી દલીલો વખતો વખત આપે છે ખરા) મુખ્ય મુદ્દો એ જ રહ્યો છે કે ’હરિફાઈ કે સંઘર્ષ’ને જીવમાત્રના વિકાસનું મુળ તત્વ ગણાવાય છે, તે માત્ર એક તરફી નિરિક્ષણ છે. સમાજના નબળા વર્ગને કે વ્યક્તિને થતો અન્યાય આ પ્રકારે જસ્ટિફાય કરાય છે (જેમ આપણે ધાર્મિક દૃષ્ટિએ ’કર્મનો સિદ્ધાંત’ કહી છૂટી પડીએ અદ્દલ તેવું જ આ થયું !) સહાયવૃતિ કે એકમેવને મદદ કરવાની ભાવના એ પણ વિકાસનું બહુ મહત્વપૂર્ણ તત્વ છે. આગળ પણ આપણે વાંચન-વિચાર કરીશું જ. આ અઘરા વિષયે, આ જ પ્રમાણે, આપનું અમુલ્ય માર્ગદર્શન આપતા રહેશો તેવી પ્રાર્થના કરૂં છું. આભાર.

   Like

  • (શ્રી.દીપકભાઈએ મેઈલ દ્વારા મોકલાવેલી ઉચ્ચાર સંબંધી વધુ માહિતી, સાભાર)
   અશોકભાઈ,
   આભાર.
   રશિયનમાં ટ-ઠ-ડ-ઢ-ણ નથી. ત-થ-દ-ધ-ન છે. એટલે Tનો ‘ત’ થાય.

   બીજું, રશિયનમાં શબ્દમાં આવતો માત્ર છેલ્લો O જ ‘ઓ’ છે, તે સિવાય બધા O ‘આ’ બની જાય છે! આમ kro ‘ક્રા’ અથવા ‘ક્ર’ બની જાય છે જ્યારે po પો રહેશે.

   આમ છતાં એક બીજો નિયમ પણ છે અને એ ‘પો’ને પણ અસર કરશે. kyi નો yi આપણે ત્યાં સંસ્કૃતમાં હતો પણ હવે નથી રહ્યો. રશિયનમાં એ યથાવત્ રહ્યો છે અને ઉચ્ચારમાં પણ છે. આ ‘ઈ’ છે જે આખી જીભને પાછળ તરફ ખેંચીને બોલાય છે. એટલે સાંભલવામાં ક્યારેક ‘ઉ’ સંભળાય અને ક્યારેક ‘ઇ’. એટલે કે જેના કાન ટેવાયેલા ન હોય તેને આવી તકલીફ થાય. જેમ આપણે ઋષિનો ઉચ્ચાર ‘રુશિ’ કરીએ છીએ પણ હિન્દીમાં એનો ઉચ્ચાર ‘રિશિ’ થાય છે. ખરેખર ‘ઋ’માં આ જીભને પાછળ ખેંચીને બોલાયેલો ‘ઇ’ છે! પણ આપણે આ કન્ફ્યૂઝન કરીને એને કાયમી સ્વરૂપ આપી દીધું છે. આપણે ત્યાં એ મૂળ સ્વર લુપ્ત થઈ ગયો પણ રશિયનમાં ટક્યો છે.

   મૂળ મુદ્દાની વાત એ કે જ્યારે આ જીભને પાછળ ખેંચીને બોલાયેલો ‘ઇ’ આવે ત્યારે એ છેલ્લા O નો પણ ‘આ’ બનાવી દે છે! એટલે ઉચ્ચાર ‘ક્રપાત્કીન’ યોગ્ય છે.
   જો કે આ માત્ર જાણવા પૂરતી ચર્ચા છે. બાકી આપણે ત્યાં ક્રોપોટ્કીન જ રૂઢ થયેલું છે એટલે એ લખવામાં કઈં જ વાંધો નહીં.

   આ તો નવું જાણવા માટે છે અને તમને આવી બાબતોમાં રસ છે એટલે જરા ધ્યાન દોર્યું.

   ક્રોપોટ્કીન માર્ક્સથી જુદા પડતા સમાજવાદી છે. એમ કહી શકાય કે એ એનાર્કિસ્ટ (અ-રાજ્યવાદી) હતા.

   Like

 2. સરસ મીમાંસા… thanks for sharing this . Hope to see more on this.
  I specifically liked this point .

  પ્રેમશ્ક્તિ અને ત્યાગશક્તિ એ જ આત્માનાં પ્રધાન લક્ષણો છે. જે પ્રાણીઓ પોતાનાં અપત્યો માટે અને સાથીઓ માટે પ્રેમ બતાવી શકે છે અને જરૂર પડ્યે આત્યંતિક આપભોગ આપી શકે છે તેમને આત્મા છે એ જુદી રીતે સિદ્ધ કરવાની જરૂર જ ન હોવી જોઈએ; અને જ્યાં આત્મા છે ત્યાં परस्परं भावयन्तः श्रेयः परमवापस्यथ એ સ્વભાવધર્મ રહેવાનો જ.

  Like

 3. પિંગબેક: » સહાયવૃતિ (વિકાસનું એક તત્વ) – આવકાર » GujaratiLinks.com

 4. Dear Ashokbhai,
  Very nice and investigative article. Actually in this world many principles co-exist. One can not deny this fact. The humanity as i think is still in its childhood status. Ultimately the best and the strong will prevail. Then again we will prove Mr. Darwin right. Now perception about ” the best qualities” may vary from person to person, nevertheless again majority will win even if it does not possess ” the best qualities, like what you have mentioned. Different functions require different qualities and the “evil” virtues of the strong are as necessary in a society as the “good” virtues of the weak.

  Like

 5. Nice to know about this book.
  Thanks for sharing this small article about Mutual AID.

  Like

 6. આદરણીયશ્રી. અશોકભાઈ

  સાચે જ આપે જે ઉચ્ચાર સંબધી જવાબ વિસ્તૃત રીતે

  આપ્યો તે બાબતમાં હું એટલુ જ કહીશ કે જ્ઞાનમાં તમે મારા

  કરતા 10 ઘણા આગળ છો. જ્ઞાન જ સર્વ શ્રેષ્ઠ છે.

  આપે સુંદર ખજાનો મુક્યો તે ગમે છે.

  આપણાં ગુજરાત ગૌરવ ગાથા પર કશુ મુકતા નથી

  તેનુ દુખ છે.

  કિશોર પટેલ

  Like

  • શ્રી. કિશોરભાઈ,
   આપની ઉદારતા છે કે આપ મારી પ્રસંશા કરો છો. સૌ વિદ્વાન મિત્રો (જો કે મિત્રો માટે ’વિદ્વાન’ શબ્દ વાપરીશ તો મિત્રો મીઠો ઝઘડો કરશે છતાં હું આ હિંમત કરું છું !)ના સથવારે થોડુંઘણું ડહાપણ ડહોળવા પ્રયત્નશીલ રહું છું. ઘણી ક્ષતિઓ છતાં, ઉદારભાવે આપ સમ મિત્રો પ્રોત્સાહન આપો છો તે બદલ આભારી છું.
   ગૌરવ ગાથા બાબતે આપની ટકોર સર આંખો પર. આભાર.

   Like

 7. Very interesting. Interaction between you and Deepakbhai is also very informative.

  Like

 8. શ્રી મિતાબહેન, પંચમભાઈ, ગોવિંદભાઈ, હેમાંગભાઈ, અતુલભાઈ, શકિલભાઈ તથા સૌ મિત્રોનો હાર્દિક આભાર. આ લેખમાળાનો ભાગ-૨ તુરંતમાં જ લઈ આપ સમક્ષ હાજર થઈશ.

  Like

 9. વિવેકપંથી ( રેશનલ) ઘણી વાતો વાંચી, ચર્ચી, ચપટીક પ્રચાર કરી, જે વળાંક આગળ આ જણ ઊભો છે; તેને એક નવી જ ચિંતનદિશા અને એ દિશામાં વાચન સામગ્રી પીરસવા માટે તમારો દિલી આભાર.
  હવે તો મુળ અંગ્રેજી પુસ્તક (પ્રોજેક્ટ ગુટૅનબર્ગ) મેળવ્યે જ છૂટકો! તમે આપેલી લિન્ક પર તેની સમરી લાગે છે.
  ————————
  મારા થોડાક વિચાર, મારા અલ્પજ્ઞાનની મર્યાદાઓ અને વિદ્વાનો વચ્ચે વાત કરવાનો ક્ષોભ છતાં પણ રજુ કરું છું – તો એ અનધિકાત ચેષ્ઠા ખમી ખાજો…..

  સરવાઈવલ ઓફ ફિટેસ્ટ – બળિયાના બે ભાગ – સત્ય છે જ.
  અને છતાં એ હકિકત એટલી જ સાચી છે કે, જંગલના નિયમ, રાજાશાહી, સામ્રાજ્યવાદ, મૂડીવાદ, સરમુખત્યાર શાહી અને છેલ્લે સામ્યવાદને પણ માનવ સભ્યતા અને વિકાસે હરાવ્યા / હટાવ્યા છે.
  આ ઐતિહાસિક અને દીવાની જેમ સ્પષ્ટ સત્ય એ નિર્વિવાદ સાબિત કરે છે કે, ઉત્ક્રાન્તિના ભૌતિક પાસાં જેટલું જ સક્રીય ( ભલે ઘણી ધીમી ગતિનું) પાસું આધિભૌતિક – પ્રેમ / સહકાર/ કરૂણાના મૂલ્યોને ઉજાગર કરનારું છે જ.
  જો આમ ન હોત તો દુનિયામાં શેતાનિયત જ સફળ રહી હોત.
  મારો વિશ્વાસ છે કે, આ ઉત્ક્રાન્તિ આગળ વધવાની જ છે.
  અને નહીં વધે અને દુર્જનતા જ સફળ નીવડવાની હશે તો એનો અંજામ સર્વનાશ સિવાય બીજો કશો જ ન હોઈ શકે.
  એક પાવર ઈજનેર તરીકે લખેલ આ લેખ જરૂર વાંચજો = આને પ્રચાર મુદ્દલ ન લેખતા

  સાબુ ઉપર સાબુ
  ખોરાકની અછત
  પાણીની અછત
  ઉર્જાની અછત
  કારણ?

  વધતી જતી વસ્તી
  કૂદકે ને ભૂસકે આગળ ધપતું જીવન ધોરણ
  અમર્યાદિત બનતી જતી માનવ અપેક્ષાઓ
  જમીનનો વધતો જતો બિન ઉત્પાદક ઉપયોગ અને…
  દરેક સેકન્ડે ટાંચાં થતાં જતાં સ્રોતો
  માનવજાતના માથા પર તોળાઈ રહેલી તાતી તલવાર;
  ભયાનક ભવિષ્યના કાળઝાળ ઓથારનો
  ઉવેખી ન શકાય તેવો, અચૂક અણસાર.

  http://gadyasoor.wordpress.com/2010/08/04/soap_on_soap/

  Like

  • શ્રી.સુરેશભાઈ, આભાર.
   લેખના અંતે આપેલી પ્રો.ગુટૅનબર્ગ વાળી લિંક પર આ સંપૂર્ણ પુસ્તક જ છે. (અંગ્રેજી આવૃતિ છે તેથી આપણે અહીં લીધેલું અનુવાદકશ્રીનું નિવેદન તથા આવકાર તેમાં નહીં મળે, તેની સંપૂર્ણ PDF હું આપને, દીપકભાઈને, મેઈલ કરી આપીશ)
   સાબુ પર સાબુ ભા-૧-૨-૩ વાંચ્યા, અદ્‌ભૂત ! અને બહુ સામાન્ય ઢબે સમજાવાયેલી માત્ર આટલી વાતો વાચ્યા પછી પણ, કોઈપણ મિત્ર આપનાં ’મારા થોડાક……ચેષ્ઠા ખમી ખાજો…..’ એ કથનને આપની ઉદારતા જ ગણશે ! હું તો મિત્રમંડળમાં બહુપ્રસિદ્ધ થયેલો કરકસરીયો જીવ ! મને આપ સમા વિદ્વાનનું આ કરકસરજ્ઞાન લાધ્યું તે પ્રાણવાયુનું કામ કરશે.

   ક્રોપોટ્‌કિન પણ ’બળિયાના બે ભાગ’ એ સિદ્ધાંતને નકારતા નથી જ, પરંતુ ડાર્વિનવાદીઓ દ્વારા એને જ વિકાસનું એક માત્ર તત્ત્વ ગણાવવા સામે તેમને શંકા ઊપજી. અને આથી સહાયવૃતિને પણ વિકાસના બહુ મહત્વના તત્ત્વ તરીકે સમજાવવાનો શાસ્ત્રીય પ્રયાસ કર્યો છે. જો કે આજે ઘાટા બનતા જતા વૈશ્વિક સંબંધોના યુગમા ક્રોપોટ્‌કિનની વાત આપણે ગળે ન ઉતરે તેવું ભાગ્યે જ બને પરંતુ આ પુસ્તક લખાયા પછી તો બે-બે વિશ્વયુદ્ધોનો માર સહન કર્યા કેડે આ વાત જગતની સમજમાં આવી છે. (’વાર્યા ન વળે તે હાર્યા વળે’ એવી કહેવત અહીં બંધબેસતી લાગે છે !) ગઈકાલે સમાચારોમાં સાંભળ્યું કે જગતની વસ્તી સાત અબજે પહોંચી (ક્યાંક ક્યાંક અમારે ત્યાં જન્મેલું ફલાણું બાળક એ બરાબર સાત અબજમું એવા દાવાઓ થયા ! આ લોકો એ કયા આધારે નક્કિ કરતા હશે ભલા ?). આ સાબુ પર સાબુ ’વાદ’નો પ્રચાર થવો જ જોઈએ એવું મારું અંગત મંતવ્ય છે. આપનું હંમેશ સ્વાગત છે. આભાર.

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s