ડાયરો-૨ (“આઝાદી અમર રહો”)


એ…ડાયરાને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ.
આમ તો આજે અહીં પ્રોગ્રામ કંઈક અલગ જ હતો ! પરંતુ, ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે ! અમેરિકાથી માન.શ્રી ગોવિંદભાઈએ ભારે જહેમત ઉઠાવી વિશ્વના રાષ્ટ્રધ્વજનો સંપૂર્ણ સેટ મોકલાવ્યો, અહીં સુંદર મજાનાં તેનાં સ્ટેન્ડ બનાવ્યા, ગુજરાતીમાં દરેક દેશના નામનાં સુંદર મજાનાં રંગીન સ્ટીકર બનાવી લગાવ્યા. ટૂંકમાં ભારે ઉત્સાહપૂર્વક અમારા મિત્રમંડળે કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન કરેલું. આજે સવારે જે શિક્ષણસંકુલમાં કાર્યક્રમનું આયોજન હતું ત્યાં ઉત્સાહભેર પહોંચી અને સાજ સજ્જાનું કાર્ય પણ શરૂ કરી દીધું અને ત્યાં…………ના..ના.. કંઈ બાબા રામદેવ જેવું ન થયું પરંતુ અહીં તો વરૂણદેવ આડા ફાટ્યા !!! (એમ પણ કહેવાય કે આશિર્વાદ આપવા પધાર્યા !) ઉત્સાહભંગ થવાથી થોડી નિરાશા તો ઊપજી પણ પછી આપણે તો ખેડુનાં દિકરા ! યાદ આવ્યું કે મેઘો તો વરસ્યો ભલો !! ભલે ધાર્યા પ્રમાણે સ્વતંત્રતા દિવસની ઊજવણી ન કરી શક્યા પરંતુ અમારી દેશદાઝને કારણે જ વરૂણદેવે આ ધરતિ પર વ્હાલનો વરસાદ કર્યો, કાચું સોનું વરસાવ્યું, (ડાયરો આવા વાક્યો સમજજો ! આ અમે ઉપરથી પાણી વરસેને તેને કાચું સોનું કહીએ ! પછી માંડવીઓ (મગફળી) ઉપડી જાય ને ભાવ પણ સારા મળે એટલે દિવાળીએ અમારી બાયુ (સ્ત્રીઓ)ની ડોકમાં ને કાંડાઓમાં ને કાનમાં એ જ સોનું પાકું બનીને ઝગઝગારા મારતું દેખાય !! ત્યારે તો માનશોને કે એ વરસ્યું એ ખરે જ કાચું સોનું હતું !) તો આ યોજાનાર કાર્યક્રમની ચિત્રકથા ડાયરાને દેખાડવી હતી પરંતુ હવે થોડા દિવસ વધુ ઈન્તઝાર ! સાથે શ્રી ગોવિંદભાઈના અમુલ્ય સહકાર અને માર્ગદર્શન તથા દેશપ્રેમ, શિક્ષણપ્રેમને સલામ. જયહિન્દ. વન્દે માત્‌રમ.

આગળનાં ડાયરામાં શિક્ષણ વિશે થોડી ચર્ચા થયેલી, શ્રી હિરલબહેને મુદ્દાસર ઘણી ચિંતનયોગ્ય વાતો કહી છે જેને આપણે એક એક કરીને પછીથી લઈશું. ભાઈ મુન્શીએ વળી ભ્રષ્ટાચાર પર ચર્ચા કરવા સુચન આપ્યું ! અરે ભાઈ, આપણને હજુ તો ક્યાંયનું સરપંચપદ પણ સાંપડ્યું નથી !! ભૂખ્યા પેટે ભ્રષ્ટાચારની ચર્ચા કેવીક થશે ?! અને શકિલને તો ભ્રષ્ટાચાર હટાવવાની ચિંતા છે કે ભ્રષ્ટાચાર કરીને કંઈક બે પાંદડે થવાની તે મને ના હમજાયું 🙂 ડાયરામાં આવી હળીઓ હાલે !! બાકી સૌને ભ્રષ્ટાચારમાંથી મુક્તિ બાબતે જ ચિંતા હોય એ તો સમજી શકાય તેવી વાત છે. હમણાં અમારે એક વિદેશનાં મે‘માન પધારેલા, દુકાને જ ડાયરો જામેલો અને વાત આ વિષયને અડતી એવી જ હતી. તેમાં તેમણે બહુ સરસ કહ્યું કે: અમારે ત્યાં (એટલે યુરોપ ગણવું) લોકો એમ વિચારે કે “મારે શું કરવાનું છે ?” કચરો નાંખવાનો છે એટલે બીજાઓ ક્યાં નાંખે છે તે સામું નહીં જોવાનું, મારે તો બસ કચરાપેટીમાં જ નાંખવાનો ! હવે માળું બધા આમ જ વિચારે એટલે ભાગ્યે જ ઊંધુ વેતરાય !! ત્યારે અહીં દેશમાં (એટલે ભારત ગણવું) શું છે કે બધા એમ જ વિચારે છે કે “મારે જ શું કામ કરવું ?” બધા જ્યાં ત્યાં કચરો નાંખે છે ને હું એક કચરાપેટી સુધી લાંબો થઈશ એટલે કંઈ થોડી ચોખ્ખાઈ જળવાઈ જશે ? ઠોકો ને આપણે પણ રસ્તા માથે !!

આ વાત ચાલતી હતી તે દરમિયાન જ એક ’પાનખાંઉ’ મિત્રએ ખુરશી પર બેઠા બેઠા જ, મારા જ પગથીયા પર લાલચટક રંગોળી સર્જી અને જાણે પેલા ડાહ્યા મિત્રની વાતને વધાવતો પ્રતિભાવ આપી દીધો 😦 !! પછી એ મિત્ર તો ગયા, પણ આ નહીં સુધરે તેવા ભાવ સાથે ગયા ! આપણી કંઈ અણ્ણાજી જેવી ઓકાત નહીં ને બહુ મોટીમોટી વાતોએ ના આવડે (અને કરીએ તો શોભે ય નહીં !) પણ એક વાત તો પાકી કે, સમાજ તો બદલે ત્યારની ત્યારે, આપણે એક બદલાઈ જઈએ એટલે ભયોભયો !! અને આ સાવ વાતો જ નથી, આપણા ડાયરા પાસે તો ઊદાહરણો પણ છે. (જો કે નાના માણસોના ઊદાહરણો બહુ મોટા પડઘા ના પાડી શકે પણ હવે મારે મોટા માણસોને શોધવા ક્યાં જવા ? એટલે હમણાં તો આ આપણાં જેવા નાના નાના માણસોથી કામ ચલાવો !) એક મિત્ર છે, સારી (એટલે કે ઊપરનીચેની આવક સારી હોય તેવી) નોકરીમાં છે. જેમાં અઠવાડીયે એક વખત લાગતે વળગતે ઠેકાણેથી ચાંલ્લાઓ એકઠ્ઠા કરી પછી ભાઈએ ભાગ પાડવાનો ધારો છે ! (આને જ હપ્તા કહેવાતા હશે ?) મિત્ર વળી આપણા જેવાઓની વાતોમાં આવી ગયો તે સુઃખનો ચરી ખાવાને બદલે જાહેરાત કરી દીધી કે મારા ભાગનું કંઈ પણ ન લેવું કે ન દેવું ! તમારૂં તમે જાણો, હું મારી ફરજ નિયમાનૂસાર નિભાવિશ, અને ખબરદાર જો મારા ભાગના નામે કોઈએ ભાગબટાઈ કરી છે તો ! ત્યારની ઘડી ને આજ નો દિ ! રાત્રે નિરાંતે સુવે છે ને હવે તો મિંદડુંએ એની આડું ઉતરતા બીવે છે !! હા, ’સારે’ ઠેકાણે કોઈ પોસ્ટીંગ નથી આપતું પણ જરૂરે શું છે ? પગાર તો ગમે ત્યાં મળવાનો જ ને ? રોટલો, છાસ ને લસણવાળી ચટણી તો તેમાંથી આવી જ જાય ! અને આમે ક્યાં ગોલાને ગા હતી કે દૂધે વાળુ કરતા તા ?! અને પેલા ભાગભાયુ હજી વચડકાં જ નાંખે છે ! તો ય બે છેડા ભેગા નથી થતા !!!

ભ્રષ્ટાચાર હટાવવાનો એક સરળ માર્ગ (અન્ય મોટા મોટા, અઘરા અઘરા અને ચિંતનસભર માર્ગો તો હશે જ) એ છે કે આપણે ભ્રષ્ટાચાર નથી કરવો ! (પેલા કચરા જેવું, બધા ભલે નાંખતા હું તો યોગ્ય જગ્યાએ, કચરાપેટીમાં જ, નાંખીશ) કેમ લાગે છે ? કંઈક ફરક પડશે ? એક ખાસ નોંધ મેં એ વાતની લીધી છે કે જ્યાં જ્યાં વાત માંડો ત્યાં લોકો પહેલું એ કહેશે કે આખી સિસ્ટમ જ ખરાબ છે એમાં આપણા એકથી શું વળે ? હવે ડાયરાની ભાષામાં કહીએ તો, એક છાસનું ટીપૂં દેગડું ભરીને મુકેલા દૂધને ફટવી દે છે તો આપણે તો સાંઈઠ સીતેર કિલોનો દાગીનો છીએ (સૌએ પોતપોતાની મુજબ વધઘટ કરી લેવું !) સાલું કંઈક અસર તો પડશે જ ને ? પછી બીજી એક એ વાત પણ આવે છે કે ’ભ‘ઈ ઈ તો તમારી ભંભલીયુ ભરાઈ ગયુ હશે એટલે વાતુ આવડે ! અમારે આડુંતેડું કર્યા વના બે છેડા અડાડવા કેમ ? છોકરાંવનું પેટ ભરવું કેમ ?’ આ વાતે વિચારવા જેવી ખરી ! ખોટીએ નથી ! પણ તો પછી સલવાયે તંયે રાડારાડી કરવાનો હક્કે નથી !! તમારી પાસે કંઈક તો સત્તા કે સાધન છે કે તમે આડુંઅવળું કરી શકો છો અને પાછું તેને આવા બહાને જસ્ટિફાય પણ કરી શકો છો, પણ પેલો વગડામાં પડેલો ખેતમજૂર પણ આવું જ વિચારે તો ? એ તો અડધા ભર્યા પેટે પણ એમ જ વિચારે છે કે આપણે કોઈનું અણહક્કનું ના જોઈએ. ખેડુ મારે ભરોસે ખેતર મુકીને ગયો છે એમાંથી મુઠીભર માંડવીએ એમને એમ ના લેવાય ! એ બિચારો અણ્ણાજીને પણ નથી ઓળખતો ને મારી જેમ ’પરોપદેશે પાંડિત્ય’ પણ નથી ડખોળતો ! પણ મને ખાત્રી છે એને ક્યારેક, કહુલે (વખાના માર્યા) કોક કચેરીનું પગથીયું ચઢવું પડશે ત્યારે તે પણ આપણી જેવો ’સુધરેલો’ બની જશે !! વિકાસનો માર્ગ કોણ રોકી શક્યું છે 🙂 એક આડવાત, કાલે સાંભળ્યું કે અણ્ણાજી રાજઘાટ પર, ગાંધીજીની સન્મૂખ, મૌન ધારણ કરીને બેઠા હતા. “દો દિલ મીલ રહે હૈ, મગર ચૂપકે ચૂપકે..” લાગે છે વિચારોનું આ આદાનપ્રદાન દેશવાસીઓને કંઈક શાતા જરૂર અર્પશે. અને ગાંધીજીને હૈયે ટાઢક વળશે કે આજે પણ કોઈક તો છે જે મારી સલાહ લેવા આવે છે ! જો કે હજુ ઘણો લાંબો મારગ કાપવાનો રહેશે, એમ કંઈ જાદૂની છડી ફરે અને ભ્રષ્ટાચાર રાતોરાત દૂર થઈ જાય તેવું માનવું એ વધારે પડતું ગણાય. આ બાબતે મનજી ખોટા નથી !! (લાલકિલ્લા પરથી, સાંભળ્યું તો હતું ને ?)

એક દૃષ્ટિએ તો આ ભ્રષ્ટાચાર ભગાવોનાં નારાઓ દેનારાઓ ખરેખર તો સમાજદ્રોહીઓ ગણાવા જોઈએ ! આપણા કોઈ મહાનૂભાવે જાહેર કરેલું કે ’ભ્રષ્ટાચાર એ વૈશ્વિક શિષ્ટાચાર છે’. અને મારૂં નિરિક્ષણ પણ એમ કહે છે કે ભ્રષ્ટાચાર ના હોય તો સમાજનાં અડધો અડધ લોકો ભૂખે મરી જાય ! (અર્થાત અડધા અત્યારે ભ્રષ્ટાચારને કારણે ભૂખે મરે છે !!) તો શા માટે અડધી વસ્તીને ભૂખે મારવાના પ્રયાસમાં લાગ્યા છો ? હાલવા દ્યો ! તમારો ભાગ ન મળે એમાં બીજાઓનું શું કામ બગાડો છો ? બરાબર ને ? (ધૂળ બરાબર !!! આ તો માળો છેલ્લે પાટલે બેસી ગ્યો ! એલાવ કાઢો આને ડાયરામાંથી !! નકર આ એક બગડેલી કેરી આખો કરંડીયો બગાડશે ! … બસ આટલી સમજણ અમને ઓ પરવરદિગાર દે. કોઈ કવિતા યાદ આવી ?) એક પાયાનો સવાલ પણ છે ! (અર્થાત આગલી બધી કથા શું બિનપાયેદાર હતી ?!) ભ્રષ્ટાચારનો વિરોધ બધા કરે છે, તો ભ્રષ્ટાચાર કોણ કરે છે ?! ભ્રષ્ટાચાર ભગાવોના નારા તો બધા જ લગાવે છે, પણ ભ્રષ્ટાચાર ભગાવવાનો કોણે છે ?!
ભ્રષ્ટાચારની ચર્ચા કરતાં કરતાં દિવાલે પાનની પિચકારી મારનારે ?
ગાંઠીયા ખાઈને પડીકું રસ્તા પર ફેંકનારે ?
બંધ થયેલા રેલ્વેક્રોસીંગે, રૉંગસાઈડમાં ઊભાઊભા દેશની હાલત પર ચિંતાઓ કરનારાઓએ ?
કોઈ નાના એવા નિયમભંગમાં ટ્રાફીક પોલીસ પકડે ત્યારે કોઈ જાણીતા મારફત લાગવગના ફોન કરાવનારે ?
લાઈનમાં ઉભવાની આળસે પાંચ-પચાસ દાબીને ફટાફટ કામ પતાવનારે ?
બાળકને જલ્દી આઈનસ્ટાઈન જેવું બનાવવાની લહાયમાં, કહેવાતી ’મોટી’ શાળામાં કોથળો ભરી ડૉનેશન આપી આવનારે ?
પ્રશ્નો પ્રશ્નો પ્રશ્નો !!! પણ ઉસ્તાદ અને અઠંગ ભ્રષ્ટાચારીઓને ખબર છે કે આપણે બધા અમિતાભ બચ્ચનથી જરાયે ઓછા નથી ! ન સમજાયું ? ’ભા..ઈ, પહેલે ઉસ આદમી કા જવાબ લે કે આઓ જીસને…..મુઝસે પહેલે ભ્રષ્ટાચાર કીયા હૈ !’

મારે હજુ કહેવાનું તો ઘણું છે પણ એક બોલે ને બધા સાંભળે એ ડાયરાનો નિયમ નથી ! એટલે હવે તમારો વારો !! લ્યો તંયે “આઝાદી અમર રહો”

27 responses to “ડાયરો-૨ (“આઝાદી અમર રહો”)

 1. આઝાદી અમર રહે એવી શુભકામના હારુ ખુબ ખુબ ધન્યવાદ – પણ હાહરું ખરેખર છુટ્ટા થયા ખરા? આ યુરોપિયનો ગયા તો આપણા દેહ (દેશ) વાળાએ ગુલામ બનાવવાની પેરવી શરુ કરી. હાચી આઝાદી તો તનની ગુલામી / મનની ગુલામી – આ બુદ્ધિની ગુલામી – આ તમારે ડાયરે બેહવા આવવાના જે હરડ બંધાણ લાગ્યાં ઈ ગુલામી છૂટે એવું કઈક કરવાની જરુર છે. એનો ઉપાયે વળી કોઈ અહીંથી જ માઈનો લાલ નહીં બતાવે?- ઈ હારુ યે અહીં પુગી આવીયે છીએ.

  Like

  • છે ને અતુલભાઈ, ડાયરાનું હરેડ બંધાણ છોડાવવાના ઉપાય પણ આપણી પાસે છે !! કંઈક “સરખું સમજો” તો બતાવું 😉

   Like

   • શ્રી અશોકભાઈ,
    સરખું સમજવાનો વર્ષો પહેલા પ્રયાસ કર્યો હતો ત્યારે ભાઈઓ આડા હાલ્યા હતા. આજે હવે હું ધરાર સમજવા નથી માંગતો – જો કે એમાં દોષ સહન કરનારનો નથી પણ તેમના સોબતીઓનો છે. તેમ છતાં જેને લાગે વળગે છે તે જ્યારે સીધે સીધું સરખું સમજાવશે ત્યારે જરૂર સરખું સમજશું 🙂

    Like

 2. આદરણીય શ્રી અશોકભાઈ,
  ડાયરામાં મને સામેલ કરવા બદલ ખુબ ખુબ અભિનંદન.
  સત્રમાં બહુ અમીલ્ય મુદ્દો ઉછાળ્યો છે બાપલા. ભ્રષ્ટાચાર
  બધને દુર કરવો છે. પણ કામ કઢાવવા બસો પાંચસો
  આપી દઈને કામ કરવી લેવું છે.પ્રજામાં નૈતિકતા જયારે
  જાગશે ત્યારે આવા ડાયરાનો જયજયકાર થશે.
  અને લોકો શ્રી શ્રી શ્રી ૧૦૦૮ અશોકકુમારની વાણીનો
  અમુલ્ય લાભ લેશે.. (હળવાશની પળો )
  ખુબ સરસ અને વિચારશીલ લેખ . વાંચનયાત્રાને ચાર
  ચાંદ લગાવી દે તેવો અનોખો વિચાર પ્રગટ કર્યો છે

  Like

  • આભાર ગોવિંદભાઈ, જો કે આપણી ઈચ્છા પ્રમાણે કાર્યક્રમ ન થઈ શક્યો તેનું થોડું દુઃખ થયું પણ દિવસોના ક્યાં દુકાળ છે ! આપની ’પ્રજામાં નૈતિકતા જયારે જાગશે’ વાળી વાત ખુબ ગમી (જરા ફેરફાર સાથે કહું), પ્રજામાં નૈતિકતા જયારે જાગશે ત્યારે આવા લેખોની જરૂર જ નહીં રહે. (જો કે વાંધો નહીં, આપણે તો પાછા ગાજર-ગદબ વાવવાનાં ધંધે લાગી પડીશું !) મેં તો મનમાં હતું તેવું થોડું મિત્રો સાથે વહેંચ્યું. આપે તો આ ભ્રષ્ટાચાર, દેશભક્તિ જેવા વિષયે ઊંડું ખેડાણ કર્યું છે, કવિહૃદય રહ્યા એટલે કાવ્યોમાં ઢાળી ચોટદાર રીતે લોકોનાં મગજ અને હૈયામાં ઉતાર્યું પણ છે. અને સચોટપણે કહેવાયેલી વાત લોકોના હૈયા સુધી પહોંચે પણ છે તે જોઈ અને, એક દિવસ આ ભ્રષ્ટાચારનો ભોરિંગ પણ જરૂર નથાશે એવો, મારો વિશ્વાસ વધી જાય છે.

   Like

 3. ભૂંડું જો જોવા હું ચાલ્યો, ભૂંડું ન મળ્યું કોઈ,
  મન ખોલ્યું જ્યાં મારું, મારાથી ભૂંડું ન કોઈ. [કબીર]
  એ… ને….. ડાયરા ને “Happy Independence Day”
  શ્રી.અશોક”જી”,
  ભ્રષ્ટ+આચાર પર નો શિષ્ટાચાર તો કોઈ આપ પાસે થી શીખે ! [હળી],
  સરસ, સુંદર અને ટકાવવા જેવા આપના શિષ્ટ વિચારો અને એમાંનો વ્યંગ “દિલ કો છુ ગયા” ભાઈ,
  ભ્રષ્ટાચાર હટાવવાનો એક સરળ માર્ગ “આપણે ભ્રષ્ટાચાર નથી કરવો” –
  જેવો ઉત્તમ માર્ગ બીજો કોઈ નથી.
  વધુ કઈ ન લખતા બે પંક્તિ કબીરજી ની ટાંકું છું જે થોડામાં ઘણું સમજાવી જાય છે
  વાળે શું બગાડ્યું એને મૂંડે સો વાર,
  મન કેમ ન મુંડ્યે, જેમાં વસે વિકાર

  Like

  • શ્રી શકીલભાઈ,
   થોડામાં ઘણું અને સચોટ રીતે કેમ કહેવું તે શીખવું હોય તો કબીરજી આદર્શ છે. શરુઆતનો અને અંતનો બંને દોહરા ચોટદાર છે.

   Like

  • ભાઈ શકિલ, આભાર ! આ કબીરજીના દોહા આ રીતે ગુજરાતીમાં પણ મળે છે કે તેં ગુજરાતી કર્યું છે ? જો કે તેં કર્યું હોય તો પણ ઘણું સારૂં ભાષાંતર કર્યું છે. અભિનંદન. (જો કે આથી પણ સારૂં અને કંઈક કાવ્યમય ભાષાંતર પણ કોઈ કવિહૃદય જીવ કરી શકે ખરા, તું જ પ્રયત્ન કરજે.)

   મને આશ્ચર્ય એ થાય છે કે કબીર અને એવા કેટલાયે મહાનૂભાવો આગળ બહુ જોરદાર રીતે આ બધું સમજાવી ચૂક્યા છે છતાં સમજણ આવતી કેમ નથી ? કદાચ સ્વાર્થ આવે ત્યારે સમજણ ચાલી જતી હશે ! આ જોને આજે એક પક્ષના પ્રવક્તાને આ અણ્ણા પગથી માથા સુધી ભ્રષ્ટાચારમાં ખરડાયેલા દેખાયા !! (પોતે સવારમાં અરીસો નિહાળ્યો હશે કે કેમ ?) અણ્ણાએ સાવ સાચા એવું નથી ઠસાવતો પણ સાલું કહેવાતા મોટા મોટા નેતાઓ, પ્રજાહૃદય પર કહેવાતું રાજ કરનારાઓ, વગેરે વગેરેને પણ સભામાં બે-પાંચ હજાર લોકોને ભેગા કરવા હોય તો બસો દોડાવવી પડે (મ..ફ..ત !) અને તોય પગે પાણી ઉતરે ત્યારે આ અણ્ણા પાછળ તો આજે વણબોલાવ્યા હજારો લોકો સ્વયંભૂ ઉમટી પડ્યા તો કંઈક ઝવેરાત તો ’બાપા’માં હશે કે !! (આ ’હજારે’ કદાચ આ માટે કહેવાયા હશે ?)

   આપણે ઈંટવાની ઘોડી પાસે ભુલા પડેલા અને પેલા બે-ત્રણ ડાકુ જેવા મળેલા તેણે કહ્યું અમારેય લાલઢોરી જ જવું છે તમે આ કેડીએ ચાલ્યા જાઓ, લાલઢોરી પહોંચશો, અને ઈવડા ઈ પાછા બીજે રસ્તે ઉપડ્યા તેમાં આપણે વહેમાયા અને તેના બતાવેલા મારગે ના ચઢ્યા ! (પછી આપણી મેળે કેડી શોધેલી) અદ્દલ એવું જ આમાં પણ થાય છે. નેતાઓ (મારા જેવાઓ પણ !) લોકોને તો ભ્રષ્ટાચારમુક્ત થવાના મારગ બતાવે છે, પણ પોતે પાછા એ મારગે ચઢતા નથી તેમાં લોકો વહેમાય તો ખરા જ ને ? (એ સ્વાભાવિક જ છે) ગોળ ના ખાવાની સલાહ આપનારે પહેલાં પોતે ગોળ બંધ કરવો જોઈએ એવી એક બોધકથા વાંચેલી, સલાહ તો જ પ્રભાવી બને. પણ તારે ને મારે તો જલ્સા કરવા છે ને બિચારા જેઠાને ઠાંગે ચઢાવવો છે !! ચઢજા બેટા શૂલી પર ! હવે જેઠો પણ બુદ્ધિશાળી બની ગયો છે 🙂 🙂 ટુંકમાં કહું તો, પ્રધાન પાંચ હજાર કરોડનું કરે તો પટાવાળો પાંચનું કરે ! ભ્રષ્ટાચારની ગંગા ગંગોત્રીથી ગંગાસાગર સુધી આમ વહી છે ! સૌ ડૂબકી મારો અને પુણ્યનું ભાથું બાંધો, કાલ કોણે જોઈ છે !! આવા લેખો લખવાવાળા, વાંચવાવાળા અને પાછા વિચારવાવાળાઓનો કદી ઉદ્ધાર થવાનો નથી ! (કદાચ પેલા પુણ્યનું ભાથું બાંધનારાઓએ કબીરનો ’મુએ ઢોર કે ચામ સે, લોહા ભસ્મ હો જાય’ વાળો દોહો નહીં સાંભળ્યો હોય !)

   Like

 4. ભાઇ અશોક”જી”, પ્રથમતો આ દોહા નું ભાષાંતર મારુ નથી,
  એ તો ખાખાખોળા કરતા હાથ લાગેલા[જય ગુગલ મહારાજ] હા આપનું સૂચન ધ્યાનમાં રાખીશ, આભાર
  -મોટા મોટા નેતાઓ, પ્રજાહૃદય પર કહેવાતું રાજ કરનારાઓ, વગેરે વગેરેને પણ સભામાં બે-પાંચ હજાર લોકોને ભેગા કરવા હોય તો બસો દોડાવવી પડે (મ..ફ..ત !) અને તોય પગે પાણી ઉતરે ત્યારે આ અણ્ણા પાછળ તો આજે વણબોલાવ્યા હજારો લોકો સ્વયંભૂ ઊમટી પડ્યા તો કંઈક ઝવેરાત તો ’બાપા’માં હશે કે !! (આ ’હજારે’ કદાચ આ માટે કહેવાયા હશે ?)- [કોપી+પેસ્ટ]
  કાશ આ બાપા નું “ઝવેરાત” આ નેતાઓ ને પણ દેખાય ! ?
  “ગોળ ના ખાવાની સલાહ આપનારે પહેલાં પોતે ગોળ બંધ કરવો જોઈએ” [કોપી+પેસ્ટ]
  હાવ હાચી પાત છે “પ્રભાવ તો જ પડે જો વસ્તુ મા તેજ હોય” એટલે જ તો ઠાલી વાતો બોલ્યે+લખ્યે કઈ ન વળે અમલ કરવો પણ જરૂરી બને !
  હવે જેઠો પણ બુદ્ધિશાળી બની ગયો છે ! આનાથી આશ્ચર્યની બાત બીજી કઈ હોઈ શકે ?
  ‘તુલસી ગરીબ ન સંતાપીએ, બુરી ગરીબકી હાય,
  મૂએ ઢોરકે ચામસે, લોહા ભસ્મ હો જાય.’
  [આ તુલસી દાસ કહીગયા છે]
  સરલ બક્ર ગતિ પંચ ગ્રહ ચપરિ ન ચિતવત કાહુ |
  તુલસી સૂધે સૂર સસિ સમય બિડંબિત રાહુ ||
  [કઈ સમજાય છે ?]

  [દોહાસ્ત્રોત : http://wikisource.org/wiki/%E0%AA%A6%E0%AB%8B%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80

  Like

  • ભાઈ શકિલ, એક વાર્તા કહું !!
   એક વિદ્યાર્થી પરીક્ષા આપી આવી બેઠો બેઠો પ્રાર્થના કરતો હતો, હે ભગવાન ! ભારતનું પાટનગર કોલકાતા બને તેવું કંઈક કર ! પપ્પાએ પૂછ્યું, કેમ અલ્યા, કોલકાતાને પાટનગર બનાવી તારે શું કરવું છે ? બાળક કહે, મેં પેપરમાં ભારતનું પાટનગર કોલકાતા લખી માર્યું છે !!

   ભગવાને તેનું પણ ના સાંભળ્યું અને મારૂં પણ ના સાંભળ્યું ! નહીંતો મેં પણ પછી પ્રાર્થના કરેલી કે આ ’મૂએ ઢોર કે..’ વાળો દોહો એક વખત કબીરજીના મોં એ પણ બોલાવી દે 🙂 (જો કે તું મારી સંગતમાં બુદ્ધિશાળી થતો જાય છે એ વાતનો આનંદ થયો લ્યો !)

   ’સરલ બક્ર ગતિ…’ માં કંઈક ગ્રહોની આડીસીધી ચાલ દ્વારા ભાગ્ય અને સમય અનૂકુલ ના હોય ત્યારે રાહુ ચંદ્રને ગળી જાય તેવું કશુંક સમજાય છે પરંતુ ખાસ કંઈ ટપ્પો પડ્યો નહીં. મિત્રોને વિનંતી કે કૃપયા આ દોહરાનો અર્થ પ્રક્ટ કરી આપે.

   Like

 5. પિંગબેક: ડાયરો-૨ (“આઝાદી અમર રહો”) | | GujaratiLinks.comGujaratiLinks.com

 6. ઉત્તમોત્તમ.ભ્રષ્ટાચાર આપણી સંસ્કૃતિમાં ધાર્મિક રૂપે નસનસમાં વ્યાપ્ત છે.એને સહેલાઈથી દૂર કરવો અશક્ય છે.

  Like

 7. જય આઝાદી………આઝાદી અમર રહો….!!!

  Like

 8. Nice thoughts/nice article…..Good comment by Shakilbhai

  Like

 9. આદરણીયશ્રી. અશોકભાઈ

  આપે ભારે જહેમત ઉઠાવી આપ દ્વારા જાણવા મળ્યુ તેથી

  કહુ છુ …… કે…..,

  ” દરેક સફળ વ્યક્તિ ત્યારે જ બને છે કે તેને નિષ્ફળતા મળે. ”

  કદાચ એવુ પણ બને કે તમને આનાથી પણ વધુ શ્રીફળના

  સારા ફળ મળે.

  શ્રી. ગોવિંદભાઈના પ્રેમના મળેલ પુષ્પો કદી નકામા જતા નથી.

  ભલે પવન્દેવ પધાર્યા વરસાદ લઈને એજ મહા પ્રભુનું પ્રથમ

  પગરણ સમજવું.

  હાર્દિક શુભકામનાઓ

  કિશોરભાઈ પટેલ

  Like

 10. ભાઇઓ,
  ડાયરો -ડાયરો એક જેવું નામ તેમાં આ ડાયરો તો છૂટી જ ગયો! ઐંયાં કને પણ બેઠા મઝા કરે છે ઇ તો હમણે જ ખબર પડી.
  ભ્રષ્ટાચારની વાત તો હમજાણી, પણ આ શકીલભાઈ,દર વખતે અશોકભાઈના નામમાં અશોક “જી” એમ કેમ લખે છે? દર વખતે જી બચાડો ઊંધા-સીધા ડબલ સાતડામાં ઘેરાયેલો હોય છે! હું તો આમાં જ ભ્રષ્ટ આચાર ભાળું છું! હાલો, હમ્ધાય મળીને તપાસ કરીએ!
  બાકી કબીરને ગુજરાતીમાં પેલવેલ્લી વાર સાંભળ્યા/વાંચ્યા!

  Like

  • શ્રી.દીપકભાઈ,
   આલે….લે ! આ તો વાંસીદામાં સાંબેલું ગયું 🙂 અરે અમારે ધ્યાને પણ હવે આવ્યું કે આપણા દીપકભાઈ તો આ ડાયરે પધાર્યા જ નહીં ! મોટું બધું SORYY ! હવે આમ ’ઘેરહાજર’ પડશો તો ઘરેથી ખેંચીને લાવવા પડશે હોં !!

   વાત આ મુન્શી”જી”નાં “જી” નીં, તો મેં પણ એ શોધવા માટે જેમ્સ બોન્ડથી માંડી શેરલોક હૉમ્સ અને આપણાં વ્યોમકેશ બક્ષીબાબુ સુદ્ધાને ધંધે લગાડ્યા છે ! પરંતુ કંઈ મેળ ખાતો નથી ! હવે ખાનગીમાં મુન્શીભાઈને પુછાણ કરતાં તો જણાવે છે કે: ’યે હમારે દેશ કી સભ્યતા હૈ, યહાં તો બિસ્કુટ કો ભી “જી” કહકર બુલાતે હૈ (પારલે જી !) તો તુમ તો આખીર ઈન્સાન હો’ (યા કમ સે કમ લગતે હો !!)
   મુન્શી”જી” કદાચ પેલા દિગ્ગીરાજાને ઘરે ભોજન કરી આવ્યા હોય તો કહેવાય નહીં 🙂 (લાદેન”જી”). જો કે મને શાળાના જમાનાથી જ “જી” કહેતાં “ગધેડો” એવા ભણકારા સંભળાય છે !!! અમારા એક સાહેબ દાખલો ખોટો પડે એટલે કહેતા ’અશોક”જી”, અહીં આગળ પધારો !’ અને અમારા ગાલે અગાઉથીજ ચમચમાટી ઉપડતી 😦

   મને થતું હતું કે કેમ કોઈ બોલતું નથી ! આપે ભંડો ફોડી નાંખ્યો !!! આભાર.

   Like

 11. શ્રી પ્રીતીબહેન, યશવંતભાઈ, ડૉ.કિશોરભાઈ, ગોવીંદભાઈ તથા સૌ મિત્રોનો (મોડે મોડે પણ !) હાર્દિક આભાર.
  આ તહેવારોના ઉત્સાહમાં ક્યારેક આભાર દર્શન વિસરાઈ જવાય છે તો ક્ષમા કરશો. જો કે આપણા ડાયરાઓનું હજુ કંઈ ’જન ગન મન..’ નથી થયું, મોટું મન રાખી ડાયરામાં પધારતા રહેશોજી. આભાર.

  Like

 12. તમે પેલા રાષ્ટ્રધ્વજનું ગુજરાતી અનુવાદ સરસ કર્યો છે. હવે, એક ડગલું આગળ વધી, એનું સરસ પાવર પોઈન્ટ પ્રેઝનટેશન પણ બનાવી શકાય.
  શું કહો છો?

  Like

 13. તમે રાષ્ટ્રધ્વજમાં ગુજરાતી અનુવાદ સરસ કર્યો છે. હવે, એક ડગલું આગળ વધી, એનું સરસ પાવર પોઈન્ટ પ્રેઝનટેશન પણ બનાવી શકાય.
  શું કહો છો?

  pls. delete my previous comment (typo mistake)

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s