શું ગુરુ વિના મુક્તિ નથી ?


નમસ્કાર મિત્રો, આમતો પ્રસંગોચિત લેખ લખવાનું ભાગ્યે જ બને છે, આ ગુરુપૂર્ણિમા આવી અને ગઇ. ગુરુ વિષયક ઢગલો એક સાહિત્ય વાંચવા સાંભળવા મળ્યું. સારૂં છે. મેં પણ ઘણું વાંચ્યું, મહદાંશે, શ્રી.યશવંતભાઇના શબ્દોમાં કહું તો; એક બાજુનો પવન જ વાતો રહે !! ગુરુના ચાહકો ગુરુના વખાણના ઢગલે ઢગલા કરશે અને વિરોધીઓ વિરોધના બ્યુગલો ફૂંકશે ! જો કે આપણને એમાં પણ કશો છોછ ન હોવો જોઇએ, સૌ પોતાની માન્યતા પ્રમાણે વર્તવા માટે છૂટમાં હોય છે. આજે મારે વાત કરવી છે મને જરા વધુ ગમી ગયેલા એક પુસ્તકની. જેનો ઉલ્લેખ અગાઉના “મારા પ્રતિભાવો” શ્રેણીના લેખમાં આપે વાંચ્યો હતો.

ગીતા પ્રેસ ગોરખપુર દ્વારા પ્રકાશિત, સ્વામી રામસુખદાસજીએ લખેલી, ૬૦ પાનાની, આ નાનકડી પુસ્તિકા છે “શું ગુરુ વિના મુક્તિ નથી ?”  આ પુસ્તિકાનું મુલ્ય માત્ર ૫|- રૂ. છે. પણ ખરે જ વાંચવા જેવું છે. ખાસ તો એ માટે કે તેમાં પરંપરાગત ઢબે ન તો વખાણ છે, ન વખોડવાનું. મારે અને સૌએ સહમત હોવું કે બધું માન્ય જ કરવું તેવો કોઇ આગ્રહ પણ નથી, પરંતુ જ્યારે લેખકશ્રી આધ્યાત્મજગતના એક સન્માનપાત્ર વિદ્વાન હોય ત્યારે થોડું વિચારવા યોગ્ય તો જરૂર લાગે. તો અહીં રજુ કરીશ આ પુસ્તિકાના માત્ર કેટલાક સમયોચિત્ત ફકરાઓ જે સૌને કદાચ વિચારવા માટે ઉપયોગી જણાશે. (મૂળ હિન્દી પુસ્તકનું ગુજરાતી ભાષાંતર શ્રી રજનીભાઇ (હરિ ૐ આશ્રમવાળા)એ કરેલું છે.)

સૌ પ્રથમ વાંચીએ ’નમ્ર નિવેદન’ના કેટલાક અંશ, જે મૂળ વિષયને સમજવાની ભૂમિકારૂપ બનશે.
“ગુરુના વિષે મારા વિચારોને ઊંડાણથી ન સમજવાને કારણે કેટલાક લોકો કહી દે છે કે હું ગુરુની નિંદા યા ખંડન કરું છું. એ બિલકુલ ખોટી વાત છે. હું ગુરુની નિંદા નથી કરતો, બલકે પાખંડની નિંદા કરું છું……..ગુરુજનો પ્રત્યે મારા મનમાં ઘણો આદરભાવ છે…પરંતુ જે લોકો ગુરુ બનીને લોકોને ઠગે છે, તેમની પ્રશંસા કેવી રીતે થશે? તેમની તો નિંદા જ થશે.

હાલના સમયમાં સાચા ગુરુ મળવા ઘણું દુર્લભ બની રહ્યું છે. દંભ-પાખંડ દિવસે દિવસે વધતા જ રહ્યા છે. એટલા માટે શાસ્ત્રોએ અગાઉથી જ કળિયુગમાં દંભી-પાખંડી ગુરુઓના અસ્તિત્વની વાત કહી દીધી છે જેથી લોકો ચેતી જાય.

આ પુસ્તકમાં અમે ’ગુરુગીતા’ના કેટલાક શ્લોક પણ પ્રમાણ સ્વરૂપે લીધા છે. પરંતુ ઘણી શોધ કરવા છતાં પણ અમને એ ખબર નથી પડી શકી કે ’ગુરુગીતા’નો આધાર શું છે ? એની રચના કોણે કરી છે ? ગુરુગીતાના અંતમાં તેને ’સ્કંદપુરાણ’માંથી લેવામાં આવી છે એવું બતાવવામાં આવ્યું છે. પણ સ્કંદપુરાણની કોઇ પ્રતમાં અમને ગુરુગીતા મળી નથી. અનેક સ્થાનોથી પ્રકાશિત ગુરુગીતામાં પણ એકબીજા વચ્ચે ફેર માલૂમ પડે છે. જો કોઇ વિદ્વાન આ વિષયમાં જાણતા હોય તો સૂચિત કરવાની કૃપા કરવી”

આમ આપણે જોઇ શકીશું કે હાલમાં જે ગુરુમહાત્મયની વાતો કહેવાય છે તે મોટાભાગે તો ’ગુરુગીતા’ આધારીત છે. અને સ્વયં ગુરુગીતા પ્રશ્નના વર્તુળમાં છે ! ટુંકમાં અસાંદર્ભિક છે તેથી તેને સાવ લોઢામાં લીટો ના જ ગણી શકાય. આગળ સ્વામીજી “ગુરુ” વિષયે જે શાસ્ત્રોક્ત વિશ્લેષણ આપે છે તેનો ટુંકસાર આપણે જાણીશું.

“કોઇ વિષયમાં આપણને જેનાથી જ્ઞાનરૂપી પ્રકાશ મળે, આપણો અજ્ઞાનરૂપી અંધકાર દૂર થાય, તે વિષયમાં તે આપણો ગુરુ છે.”  —  આ એક ગુરુપદની સર્વસામાન્ય વ્યાખ્યા થઇ ગણાય. અહીં ’કોઇ વિષય’ કહેતાં આપણે બધાજ ક્ષેત્ર, જે શિક્ષણનું હોય, વ્યાપાર વિષયક હોય, કલાનું હોય કે અન્ય કોઇપણ, નો સમાવેશ થાય છે. અત્યારના સંદર્ભે આપણે અધ્યાત્મ વિષયના ગુરુ બાબતે પરસ્પર વિવાદી ચર્ચાઓ વધુ ચાલે છે તે જોતા એ ગુરુ વિષયક ચર્ચા જ કરીશું. (પુસ્તક પણ એ વિષયને જ સ્પર્શે છે) “ગુરુ આપણો સંબંધ ભગવાનની સાથે જોડી દે છે, તો ગુરુનું કામ થઈ ગયું. આશય એ છે કે ગુરુનું કામ મનુષ્યને ભગવાન સન્મુખ કરવાનું છે. મનુષ્યને પોતાની સન્મુખ કરવા, પોતાની સાથે સંબંધ જોડવો ગુરુનું કામ નથી. એવી જ રીતે આપણું કામ પણ ભગવાન સાથે સંબંધ જોડવાનું છે. ગુરુની સાથે નહીં. ….ભગવાનની સાથે તો આપણો સંબંધ સદાથી અને સ્વતઃસ્વાભાવિક છે; કેમ કે આપણે ભગવાનના સનાતન અંશ છીએ_ ’મમૈવાંશો જીવલોકે જીવભૂતઃ સનાતનઃ’ (ગીતા ૧૫/૭), ’ઈશ્વર અંશ જીવ અબિનાસી’ (માનસ ઉત્તર, ૧૧૭/૧). ગુરુ માત્ર તે ભુલાયેલા સંબંધની યાદ કરાવે છે, કોઇ નવો સંબંધ નથી જોડતા.”

“જેને કોઇની પણ ગરજ નથી હોતી, તે જ ખરેખર ગુરુ હોય છે. ….જે સાચા સંત-મહાત્મા હોય છે, તેમને ગુરુ બનવાનો શોખ નથી હોતો, પરંતુ દુનિયાના ઉદ્ધારનો શોખ હોય છે….જેને ગુરુ બનવાનો શોખ છે, તે જ એવો પ્રચાર કરે છે કે ગુરુ બનાવવા ઘણા જરૂરી છે, ગુરુ વિના મુક્તિ નથી થતી વગેરે વગેરે.”

“ભગવાનને બદલે પોતાની પૂજા કરાવવી પાખંડીઓનું કામ છે. …. આ સિદ્ધાંત છે કે બીજાઓને કમજોર બનાવે છે, તે જાતે કમજોર હોય છે. જે બીજાઓને સમર્થ બનાવે છે તે પોતે સમર્થ હોય છે. જે બીજાઓને ચેલા બનાવે છે, તે સમર્થ નથી હોતો. જે ગુરુ હોય છે તે બીજાને પણ ગુરુ બનાવે છે. ….અર્જુન તો પોતાને ભગવાનનો શિષ્ય માને છે__’શિષ્યસ્તેઙ્હં શાધિ માં ત્વાં પ્રપન્નમ્‌’ (ગીતા ૨/૭), પણ ભગવાન પોતાને ગુરુ ન માનીને મિત્ર જ માને છે__’ભક્તોઙસિ મે સખા ચેતિ’ (ગીતા ૪/૩), ’ઇષ્ટોઙસિ’ (ગીતા ૧૮/૬૪). ઊપનિષદોમાં પણ ભગવાને જીવને મિત્ર ગણાવ્યો છે__’દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાનં વૃક્ષં પરિષસ્વજાતે |’ (મુંડક ૩/૧/૧, શ્વેતાશ્વર ૪/૬). અર્થાત, સદા સાથે રહેવાવાળા તથા પરસ્પર મિત્રભાવ રાખવાવાળા બે પક્ષી-જીવાત્મા અને પરમાત્મા એક જ વૃક્ષ – શરીરનો આશ્રય લઈને રહે છે.”

“શાસ્ત્રોમાં ગુરુનો ઘણો મહિમા ગવાયો છે. પરંતુ તે મહિમા સચ્ચાઈનો છે, દંભ-પાખંડનો નથી. આજકાલ દંભ-પાખંડ ખુબ થઈ ગયો છે અને વધતો જઈ રહ્યો છે. કોણ સારો છે અને કોણ ખરાબ__એની જલદી ખબર પડતી નથી. જે બૂરાઈના રૂપમાં આવે છે, તેને દૂર કરવી સહેલી છે. પરંતુ બૂરાઈ ભલાઈના રૂપમાં આવે છે. તેને દૂર કરવી ઘણું કઠણ છે. સીતાજીની સામે રાવણ, રાજા પ્રતાપભાનુની સામે કપટમુનિ અને હનુમાનજીની સામે કાલનેમિ આવ્યો, તો તેઓ તેમને ઓળખી શક્યા નહીં. તેમના ચક્કરમાં આવી ગયા; કેમ કે તેમનો વેશ સાધુઓનો હતો.

શાસ્ત્રોમાં આવેલો ગુરુ-મહિમા યોગ્ય હોવા છતાં પણ હાલમાં પ્રચારને યોગ્ય નથી. કારણ કે આજકાલ દંભી-પાખંડી લોકો ગુરુ-મહિમાના સહારે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરે છે. ….કોઈ ગુરુ જાતે જ ગુરુ-મહિમાની વાતો કહે છે, ગુરુ-મહિમાનાં પુસ્તકોનો પ્રચાર કરે છે, તો એનાથી સિદ્ધ થાય છે કે તેના મનમાં ગુરુ બનવાની ઇચ્છા છે. જેની અંદર ગુરુ બનવાની ઇચ્છા હોય છે, તેનાથી બીજાઓનું ભલું નથી થઈ શકતું. એટલા માટે હું ગુરુનો નિષેધ નથી કરતો, પરંતુ પાખંડનો વિરોધ કરું છું.”

“ગુરુ બનાવવાથી કલ્યાણ નથી થતું, પરંતુ ગુરુની વાત માનવાથી કલ્યાણ થાય છે; કેમ કે ગુરુ શબ્દ હોય છે, શરીર નહીં__
’જો તૂ ચેલા દેહ કો, દેહ ખેહ કી ખાન |
જો તૂ ચેલા સબદ કો, સબદ બ્રહ્મ કર માન ||’
ગુરુ શરીર નથી હોતા અને શરીર ગુરુ નથી હોતું__’ન મર્ત્યબુદ્ધયાસૂયેત’ (શ્રીમદ ભા. ૧૧/૧૭/૨૭). વ્યક્તિમાં શ્રદ્ધા-વિશ્વાસ કરવાને બદલે ભગવાનમાં શ્રદ્ધા-વિશ્વાસ કરવાથી વધારે લાભ થશે. ….એટલા માટે જે ગુરુ પોતાનામાં વિશ્વાસ કરાવે છે, પોતાની સેવા કરાવે છે, પોતાના નામનો જપ કરાવડાવે છે, પોતાના રૂપનું (ફોટા વગેરે) ધ્યાન કરાવે છે, પોતાની પૂજા કરાવે છે, પોતાનું એંઠું આપે છે, પોતાના ચરણ ધોવડાવે છે, તે પતનની તરફ લઈ જવાવાળું છે. તેનાથી સાવધાન રહેવું જોઈએ.”

“તમે વિચારો, જે લોકોએ ગુરુ બનાવ્યા છે, શું તેમનું બધાનું કલ્યાણ થઈ ગયું ? તેમને તત્વજ્ઞાન થઈ ગયું ? ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ ? જીવન્મુક્તિ થઈ ગઈ ? કોઇને થઈ હોય તો ઘણા આનંદની વાત છે, પણ અમને વિશ્વાસ નથી થતો. ….વિચારો કે ગુરુ બનાવવા માત્રથી વધારે લાભ થાય છે કે સત્સંગ કરવાથી ? ગુરુજી આપણું કલ્યાણ કરી દેશે__એવો ભાવ હોવાથી પોતાના સાધનમાં ઢીલાશ આવી જાય છે. (તાત્પર્ય, કર્તવ્યવિમૂખ થઈ અને ગુરુના સહારે બેસી રહે છે, આ પેલું ગંગામાં સ્નાન કરવાથી પાપ ધોવાઈ જશેની માન્યતાએ પાપ કરવાનું સાહસ વધી જાય તેના જેવું થયું ! વાં.). ….ગુરુ બનાવવાવાળાઓમાં કોઈ ખાસ પરિવર્તન નથી દેખાતું. માત્ર એક વહેમ થઈ જાય છે કે અમે ગુરુ બનાવી લીધા, એના સિવાય બીજું કાંઈ નથી થતું. એટલા માટે ગુરુ બનાવવાથી મુક્તિ થઈ જાય છે__એ નિયમ છે જ નહીં.”

“ગીતાએ પ્રાણીમાત્રના હિતમાં પ્રીતિની વાત કહી છે__’સર્વભૂતહિતે રતાઃ’ (ગીતા ૫/૨૫, ૧૨/૪). સાચા સંતોની દૃષ્ટિ પ્રાણીઓના હિતની તરફ રહે છે, તેમને પોતાના તરફ ખેંચવાની નહીં. તેઓ ન તો કોઈને પોતાનો ચેલો બનાવે છે, ન પોતાની ટોળી બનાવે છે અને ન કોઈ પાસેથી કંઈ લે છે. બલકે બીજાઓનું કલ્યાણ કેવી રીતે થાય__એ તરફ દૃષ્ટિ રાખે છે અને ફક્ત શિષ્યોને માટે જ નહીં, બલકે પ્રાણીમાત્રના કલ્યાણને માટે ભગવાનને પ્રાર્થના કરે છે__
’સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયાઃ |
સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્વિદ્‌ દુઃખભાગ્ભવેત્‌ ||’….
સાધુ થવા માત્રથી કલ્યાણ નથી થતું. મેં ખુદ સાધુ થઈને જોયું છે. એટલા માટે પોતાનું કલ્યાણ ચાહવાવાળાઓએ કોઈ મનુષ્યના ચક્કરમાં નહીં આવવું જોઇએ, કોઈને ગુરુ નહિ બનાવવા જોઈએ.” (હાલના અર્થમાં. વાં.)

“વાસ્તવમાં કલ્યાણ, મુક્તિ, તત્વજ્ઞાન, પરમાત્મપ્રાપ્તિ ગુરુને આધીન નથી. જો ગુરુ બનાવ્યા વિના તત્વજ્ઞાન નથી થતું તો સૃષ્ટિમાં જે સૌથી પહેલો ગુરુ થયો હશે તેને તત્વજ્ઞાન કેવી રીતે થયું ? જો કોઈ મનુષ્યને ગુરુ બનાવ્યા વિના તેને તત્વજ્ઞાન થઈ ગયું તો એનાથી સિદ્ધ થયું કે કોઈ મનુષ્યને ગુરુ વિના પણ જગદ્‌ગુરુ ભગવાનની કૃપાથી તત્વજ્ઞાન થઈ શકે છે. પણ આજકાલ તો એવી પ્રથા ચાલી છે કે પહેલાં ચેલા બનો, ગુરુમંત્ર લો, પછી ઉપદેશ દઈશું. ….સૌથી શ્રેષ્ઠ સંત તેઓ હોય છે, જેમનામાં મતભેદ નથી હોતો એટલે કે દ્વૈત, અદ્વૈત, દ્વૈતાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત વગેરે કોઇ એક મતનો આગ્રહ નથી હોતો. એટલા માટે સાધકને માટે સૌથી ઉત્તમ વાત એ જ છે કે તે સાચા દિલથી ભગવાનમાં લાગી જાય. કોઈ વ્યક્તિને ન પકડીને પરમાત્માને પકડો. વ્યક્તિમાં પૂર્ણતા નથી હોતી. પૂર્ણતા પરમાત્મામાં હોય છે.
’તેષાં સતતતયુક્તાનાં ભજતાં પ્રીતિપૂર્વકમ્‌ |
દદામિ બુદ્ધિયોગં તં યેન મામુપયાન્તિ તે ||
તેષામેવાનુકમ્પાર્થમહમજ્ઞાનજં તમઃ |
નાશ્યામ્યાત્મભાવસ્થો જ્ઞાનદીપેન ભાસ્વતા ||’ (ગીતા ૧૦/૧૦,૧૧)”

અને અહીં હવે સ્વામીજી એક ગુરુની ઓળખ આપે છે જે આપણે ગત લેખમાં (મારા પ્રતિભાવો પર) ટુંકમાં જોઈ ગયા છીએ. પ્રશ્ન એ છે કે મનુષ્યનો જન્મજાત ગુરુ કોણ ? જવાબ છે; “વિવેક”. આ સંદર્ભમાં વાંચો થોડું વધુ.
“એક માર્મિક વાત છે કે જગદ્‌ગુરુ ભગવાન પોતાની પ્રાપ્તિને માટે મનુષ્ય-શરીર આપે છે તો સાથે વિવેકરૂપી ગુરુ પણ આપે છે. ભગવાન અધૂરું કામ નથી કરતા. ….તેઓ મનુષ્યને વિવેક-રૂપી ગુરુ આપે છે, જેનાથી તે સત્‌ અને અસત્‌, કર્તવ્ય અને અકર્તવ્ય, યોગ્ય અને અયોગ્ય વગેરેને જાણી શકે છે. આ વિવેકથી ચડિયાતો કોઈ ગુરુ નથી. જે પોતાના વિવેકનો આદર કરે છે, તેને પોતાના કલ્યાણ માટે બહારના ગુરુની જરૂરત નથી પડતી. જે પોતાના વિવેકનો આદર નથી કરતો, તે બહારના ગુરુ બનાવીને પણ પોતાનું કલ્યાણ નથી કરી શકતો.

મનુષ્ય વિવેકને જેટલું-જેટલું મહત્વ આપે છે, તેને કામમાં લાવે છે, તેટલો-તેટલો તેનો વિવેક વધતો જાય છે અને વધતાં-વધતાં એ જ વિવેક તત્વજ્ઞાનમાં પરિણત થઈ જાય છે. વિવેકનો આદર ગુરુ બનાવવાથી નથી થતો, બલકે સત્સંગથી થાય છે__’બિનુ સતસંગ બિબેક ન હોઈ’ (માનસ, બાલ ૩/૪). ….તેથી જ્યાં સારો સત્સંગ મળે, પોતાના ઉદ્ધારની વાત મળે, ત્યાં સત્સંગ કરવો જોઈએ, પણ બને ત્યાં સુધી, ગુરુ-શિષ્યનો સંબંધ નહિ જોડવો જોઈએ. ….ગુરુ એવા બનાવવા જોઈએ કે ગુરુને ખબર જ ન પડે કે કોઈ મારો ચેલો છે !”

અહીં આપણે આગળ પણ જોઈ ગયા તે “વિવેક”ની ભ.ગો.મં.ના આધારે લીધેલી વ્યાખ્યા પૂનઃ જોઈ જઈએ;
* વિવેક : ખરું ખોટું જાણવાની શક્તિ; સારાસાર સમજવાની બુદ્ધિ; સદસદ્ વિચાર; સમજશક્તિ; બુદ્ધિતારતમ્ય. ચાતુર્ય; ડહાપણ. બોધ; જ્ઞાન. (ભ.ગો.મં.)

સંપૂર્ણ પુસ્તકના ભાવાર્થરૂપે કહીએ તો, મનુષ્યના કલ્યાણની પ્રાપ્તિનું કારણ તેની પોતાની “લગની” જ છે. સ્વામીજી અહીં આ વિષયે જે સમજાવવા માંગે છે તેને ટુંકમાં જોઈ જઈએ તો;
“ગીતામાં સ્પષ્ટ કહ્યું છે__
ઉદ્ધરેદાત્મનાત્માનં નાત્માનમવસાદયેત્‌ |
આત્મૈવ હ્યાત્મનો બન્ધુરાત્મૈવ રિપુરાત્મનઃ || (ગીતા ૬/૫)
’પોતાના દ્વારા પોતાનો ઉદ્ધાર કરવો, પોતાનું પતન ન કરવું; કેમ કે પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો શત્રુ છે.’
તાત્પર્ય છે કે પોતાના ઉદ્ધાર અને પતનમાં મનુષ્ય પોતે જ કારણ છે, બીજું કોઈ નથી. ….એટલા માટે પોતાના કલ્યાણને માટે બીજાની જરૂરત નથી. ….ખરેખર તો મનુષ્ય પોતે જ પોતાનો ગુરુ છે__’આત્મનો ગુરુરાત્મૈવ પુરુષસ્ય વિશેષતઃ’ (શ્રીમદ્‌ભા ૧૧/૭/૨૦). એટલા માટે ઉપદેશ પોતાને જ દેવો. બીજામાં કમી ન જોઈને પોતાનામાં જ કમી જોવી અને તેને દૂર કરવા ચેષ્ટા કરવી. તે પોતે જ પોતાનો ગુરુ બને, પોતે જ પોતાનો નેતા બને અને પોતે જ પોતાનો શાસક બને. તાત્પર્ય થયું કે વાસ્તવમાં કલ્યાણ ન ગુરુથી થાય છે અને ન ઈશ્વરથી થાય છે, બલકે આપણી સાચી લગનીથી થાય છે. પોતાની લગનીના વિના ભગવાન પણ કલ્યાણ નથી કરી શકતા. જો કરી દેતા તો આપણે આજ સુધી કલ્યાણથી વંચિત કેમ રહેત ? ….આમ કલ્યાણની પ્રાપ્તિ ન ગુરુને આધીન છે, ન સંત-મહાત્માઓને આધીન છે અને ન ભગવાનને આધીન છે. એ તો પોતાને જ આધીન છે. ….મા ગમે તેટલી દયાળુ કેમ ન હોય, પણ તમારી ભૂખ નહિ હોય તો તે ભોજન કેવી રીતે કરાવશે ? એવી જ રીતે તમારામાં તમારા કલ્યાણની ઉત્કંઠા ન હોય તો ભગવાન પરમ દયાળુ હોવા છતાં પણ શું કરશે ?”

આ ઉપરાંત પુસ્તકના અંતે થોડી વિષયોચિત પ્રશ્નોત્તરી છે જેમાં પણ સરવાળે ઉપર પ્રમાણેનો ભાવાર્થ મળે છે. સમગ્ર વિચાર સાથે સહમત થવું, ન થવું એ આપના વિવેક પર આધારિત છે પરંતુ “ગુરુ” વિષયે મનોમંથનમાં આ એક વિચાર પણ ઉપયોગી જરૂર લાગશે એ આશયે અહીં થોડું લખ્યું છે. વધુ જીજ્ઞાસા જાગે તો પુસ્તક મેળવી અને વાંચવા જેવું છે. આભાર.

** ઓનલાઈન પુસ્તક મંગાવવા માટેની કડી 

** અહીં આ સંપૂર્ણ પુસ્તક વાંચી શકો છો

42 responses to “શું ગુરુ વિના મુક્તિ નથી ?

 1. સ્વામી રામસુખદાસજી મહારાજની સાધક સંજીવની કે જે ભગવદ ગીતા પરની ટીકા છે તે વસાવવા અને વાંચવા જેવી છે.

  ઉદ્ધરેદાત્મનાત્માનં નાત્માનમવસાદયેત્‌ |
  આત્મૈવ હ્યાત્મનો બન્ધુરાત્મૈવ રિપુરાત્મનઃ || (ગીતા ૬/૫)

  આમ તો સમગ્ર ભગવદ ગીતા સમજવા જેવી છે – પણ આ શ્લોક તો કંઠસ્થ, હ્રદયસ્થ અને આત્મસ્થ કરી લેવા જેવો છે.

  ધન્યવાદ અશોકભાઈ – તમે કેટલો બધો શ્રમ ઉઠાવો છો !

  Like

 2. ખરૂં જોતાં આ નાની પુસ્તિકા લખીને સ્વામી રામસુખ – દાસજીએ સિદ્ધ કર્યું છે કે તેઓ પોતે સાચા ગુરુ છે.

  જીવનમાં દરેક માણસ કઇંક ને કઇંક બીજા પાસેથી શીખે છે. આ સત્ય સ્વીકારીએ તો કોઈ કાયમી ધોરણના વિશેષ ગુરુની જરૂર ન પડે.

  સાચી વાત તો એ છે કે બીજાં બધાં ક્ષેત્રોમાં ગુરુની જરૂર પડે છે કારણ કે આપણે શીખવા માગીએ છીએ. માત્ર અધ્યાત્મનું ક્ષેત્ર એવું છે જેમાં આત્માનુભૂતિ જ ચાલે, ગુરુ નહીં.
  ઉદાહરણ તરીકે, તથાગત બુદ્ધના પ્રિય શિષ્ય આનંદ પણ એ ચરમ અવસ્થાએ ન પહોંચી શક્યા. ગૌતમ મુનિ સૌને સમજાવતા રહ્યા કે એમણે જે કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું તે સૌ કોઈ સ્વપ્રયાસથી પ્રાપ્ત કરી શકે છે. એમના બીજા શિષ્યો એ સ્થિતિ સુધી પહોંચી શક્યા પરંતુ, આનંદ માત્ર એ સ્થિતિને સૈદ્ધાંતિક રીતે, માહિતી તરીકે જાણતા હતા પરંતુ કદી અનુભવી ન શક્યા.

  આમ બુદ્ધ પણ એમને ‘નિર્વાણ’ની અવસ્થામાં ન લઈ જઈ શક્યા. આ બુદ્ધની નિષ્ફળતા નથી. એમાંથી ગુરુપરંપરાની અર્થહીનતા જ સાબીત થાય છે.

  Like

 3. વાહ અશોક્ભાઈ વાહ, અતિ ઉત્તમ, સાચવી રાખવા જેવો અને અનુસરણ કરવા જેવો ઉત્તમ લેખ આપ્યો, અભિનંદન……..!!!!!!

  Like

 4. શ્રી અશોકભાઇ,

  ખૂબ જ સરસ લેખ.

  “ગુરુ બનાવવાથી કલ્યાણ નથી થતું, પરંતુ ગુરુની વાત માનવાથી કલ્યાણ થાય છે; કેમ કે ગુરુ શબ્દ હોય છે, શરીર નહીં”

  “‘વ્યક્તિમાં શ્રદ્ધા-વિશ્વાસ કરવાને બદલે ભગવાનમાં શ્રદ્ધા-વિશ્વાસ કરવાથી વધારે લાભ થશે. ”

  દિપકભાઇના પ્રતિભાવમાંથી ગમ્યું કે ”સાચી વાત તો એ છે કે બીજાં બધાં ક્ષેત્રોમાં ગુરુની જરૂર પડે છે કારણ કે આપણે શીખવા માગીએ છીએ. માત્ર અધ્યાત્મનું ક્ષેત્ર એવું છે જેમાં આત્માનુભૂતિ જ ચાલે, ગુરુ નહીં.’

  જો કે આખો લેખ ખૂબ જ ગમ્યો.

  Like

 5. શું ભારતિય ગુરુઓ આત્માના જ્ઞાન સાથે વ્યસનમુક્તિ નથી કરાવતા?
  http://en.wikipedia.org/wiki/Addiction
  http://addictions.about.com/od/howaddictionhappens/u/addictiontypes.htm
  http://en.wikipedia.org/wiki/Guru
  ચાલો પ્રયત્ન કરીએ ગુજરાતી ભાષાને રાષ્ટ્રલિપિ બનાવવાનો……..
  Gujarat Plus
  http://kenpatel.wordpress.com/

  Like

  • શું વ્યસનમુક્તિ માત્ર ભારતીય ગુરુઓ જ કરાવે છે? વ્યસનમુક્તિ ડૉક્ટરો નથી કરાવતા? વ્યસન મુક્તિ માટે ગુરુની જરુર ખરી?

   Like

  • શ્રી.કેનજી, સ્વાગત અને આભાર.
   આપની વાત પણ યોગ્ય તો છે જ. પરંતુ શ્રી.દીપકભાઇએ પણ જણાવ્યું તેમ, ડૉક્ટર પણ આ કામ વધુ સારી રીતે કરે જ છે. (અને આટલા કામ માટે પોતાને ગુરુ બનાવવા એવો કોઇ આગ્રહ પણ રાખતા નથી !) અમુક સંપ્રદાય કે મહાપુરુષોએ વ્યસનમુક્તિ માટે ઉમદા કાર્ય કર્યું છે તે વાત ખરી. તે કાર્યની અહીં કોઇ ટીકા પણ નથી. પરંતુ એ પણ જોવામાં (અને અનુભવવામાં) આવ્યું છે કે બાવાસાધૂઓ એથી ઉલ્ટું કામ વધુ પ્રમાણમાં કરે છે. સામાન્ય વ્યસનો તો જવા દો, ચેલાઓને ચરસ, ગાંજો, ભાંગ જેવા અધિકત્તમ નૂકશાનકારક નશાઓની લતે ચઢાવવામાં તેઓનો પણ સિંહફાળો હોય છે. (આ ગ્રામ્ય કે નાના કસ્બાઓના લેવલની વાત છે, જે બહુમતીમાં છે. મહાનગરોમાં તો એ કામ રૅવપાર્ટીઓ દ્વારા સંપન્ન થઈ શકે જે અલગ વિષય છે !)

   અને એથી જ અહીં લેખની શરૂઆતમાં જ લેખકશ્રી જણાવી ગયા છે કે; ’હું ગુરુની નિંદા નથી કરતો, બલકે પાખંડની નિંદા કરું છું.’ અને આ પાખંડીઓ જ બહુમતીમાં છે ! લાખોમાં છે. આંકડાઓ તો મિત્ર ભુપેન્દ્રસિંહજી ઘણી વખત ટાંકી ચૂક્યા છે. બાવાઓના સંગે નશાખોરીની લતે ચઢેલા કંઈ કેટલાયે જીવતા જાગતા ઉદાહરણ તો હું પણ રજૂ કરી શકું છું. ટુંકમાં નશામુક્તિના સંદર્ભે જેઓ સારૂં કાર્ય કરે જ છે તેઓ વંદનીય છે પણ જનસામાન્ય માટે ડૉક્ટર્સ વધુ ભરોસાપાત્ર ગણાય !

   આપના માતૃભાષાપ્રેમની હૃદયપૂર્વક પ્રસંશા કરૂં છું. આ સંદર્ભે અમારે લાયક સેવા જણાવશોજી. આભાર.

   Like

 6. આદરણીય શ્રી અશોકભાઈ,

  જય સ્વામીજી મહારાજ! કેમ કે સોરઠના વાસી અને જુનાગઢે વાસ

  એટલે જ્ઞાનનું વિવરણ કરવાની શક્તિ મળે. (ગમ્મત)

  આપ આપના બ્લોગના નામ અનુસાર વિશાળ વાંચન અને મનન કરી

  લેખ લખો છો. વિવિધ પાસની સુંદર છણાવટ કરી દાખલા સાથે સમજાવો છો

  એ જ તમારા વિશાળ વચનની નિશાની છે. સુંદર લેખ સમજવા જેવો.

  Like

 7. લેખ સરસ છે. તટસ્થ વિચારો છે. મારા અનુભવોની વાત કરું તો, હું જૈન મુનિયોના સંપર્કમાં આવી છું. ઘણું શીખી છું.
  મારો અનુભવ છે કે કેટલાંક સાધુ, સાધ્વીજીઓ એક ‘સારા કાઉન્સેલરની’ ગરજ સરતા હોય છે. ભારતીય સમાજમાં ઘણી બદીઓ અને બંધન છે,
  ઘણાને એવો સમય આવે છે કે કોઈ હાથ પકડવાવાળું હોતું નથી, ત્યારે આ સાધુ, સાધ્વી, કે જે નિ:સ્વાર્થ બનવાની દિશામાં ડગ માંડી રહ્યા હોય છે , તે બીજા દુ:ખી, કચડાયેલા, જીવોનો હાથ પકડે છે. અને ફસાયેલા કાદવમાંથી એમને બહાર કાઢે છે.
  આપણે ત્યાં એટલી ગરીબી, બેકારી અને હાલાકી છે કે માણસ ઘણી વાર બસ, એને કોઈ નિ: સ્વાર્થ ભાવે સંભાળે અને એને શક્ય ઉપાય બતાવે (કોન્ટેક) કરી આપે તો અંધારી ઓરડીમાં એને સુર્યપ્રકાશ dekhay છે.
  અહીં પણ વ્યક્તિએ વ્યક્તિએ ફરક હોય છે. દરેક જણ સબળા મનના હોતા નથી અને ક્યારેક ક્રિયા લક્ષી બની જતા હોય છે.

  હમણાંનો એક દાખલો કહું,
  બે મિત્રોની વાત છે. સી.એ નું ભણતા હતા, લાઈબ્રેરીમાં મુલાકાત થયેલી.
  ફ્રેન્ડ અ – અમદાવાદનો વતની છે અને ફ્રેન્ડ બ ના માતા-પિતા કલકત્તા રહે છે.
  બંને લાઈબ્રેરીમાં મળતા હતા,
  આર્ટીકલશીપ દરમ્યાન હવે મળવાનું ઓછું થઇ ગયું. બંને જરૂરિયાત મંદ ઘરમાંથી હતા.
  ફ્રેન્ડ અ અને ફ્રેન્ડ બ ના સાહેબ જરા પણ કો-ઓપરેટીવ ના હતા. એને દુર દુર બીજા શહેરોમાં પણ ઓડીટના કામથી મોકલતા.
  પરીક્ષ વખતે પણ રજા ના આપતા. બિલકુલ વાંચવાનો સમય મળતો નહિ. જલ્દીથી જલ્દી કમાતા થવું હતું. પહેલી ટ્રાયલે પાસ થવું હતું.
  પણ આપણે ત્યાં મોટો માણસ રાજ કરતો હોય છે. કોઈને પગથીયું ચઢાવવા કરતા ઠોકરો મારવાવાળા ઘણા હોય છે. (વસ્તીવધારો મુખ્ય કારણ ગણી શકાય)
  છેક પરીક્ષા નજીક આવી પણ કામના ભારણ હેઠળ એ લોકો વાંચી શકતા નહિ (જોઈએ એટલું), બંને બહુ સિન્સિયર, મહેનતુ હતા. ફ્રેન્ડ અ કે જે જૈન હતો, બીજે ક્યાય પગથીયું ચઢવા નહિ મળતા, એક જૈન મુની સામે નાસીપાસ થઈને રડી પડ્યો. જૈન મુનીએ એને સાંત્વના આપી અને ઓળખીતા સી.એને ત્યાં બીજી વખતે આર્ટીકલશીપ કરાવી આપી. એને કામનું ભારણ ઓછું હોવાના લીધે, રાહત થઇ અને એજ વરસે એ પાસ થઇ ગયો.
  કલકત્તા વાળો ફ્રેન્ડ બીમાર પડ્યો અને પછી એ રજા લઈને ઘરે ગયો. જો કે એ પરીક્ષમાં પાસ થયો પણ એના સાહેબે એને રજામાં કલકતા જવા માટે ફેઈલ કર્યો કે તું કામ કાજમાં બરાબર નથી. એ ફેઈલ જાહેર થયો. અને પછી ૪ વરસે પાસ થયો અને નોકરીએ લાગ્યો. જયારે ફ્રેન્ડ અ- જોતજોતામાં બીસનેસ કોન્ટેક્ટ (જૈન સમુદાયના લીધે) અને પોતાની મહેનત બંનેના લીધે, પોતાની સ્વતંત્ર પ્રેક્ટીસ અને પોતાની ઓફિસમાં ૩ જણને કામ આપતો થઇ ગયો. હવે, એ આખી જીદગી શું કામ એ જૈન મુનિનો ઉપકાર ભૂલે? એ સમયસર કમાતો થઇ ગયો . જયારે એનો હાથ કોઈ પકડવા તૈયાર નહોતું, એક સાધુએ એને સાથ આપ્યો. ધર્મનો, કર્મનો ઉપદેશ પણ આપ્યો. શું સાચું ને શું ખોટું કોણ કહી શકાશે? સાચા ની કે ખોટાની વ્યાખ્યા શું?
  સાચા ગુરુ કે ખોટા ગુરુ કેવી રીતે નક્કી કરી શકાય?

  દિપકભાઇના પ્રતિભાવમાંથી ગમ્યું કે ”સાચી વાત તો એ છે કે બીજાં બધાં ક્ષેત્રોમાં ગુરુની જરૂર પડે છે કારણ કે આપણે શીખવા માગીએ છીએ. માત્ર અધ્યાત્મનું ક્ષેત્ર એવું છે જેમાં આત્માનુભૂતિ જ ચાલે, ગુરુ નહીં.’

  Like

  • શ્રી હિરલબહેન, આભાર.
   એ નિયમ તો બધે લાગુ હોય જ કે; બધું સારૂં ન હોય તેમ બધું ખરાબે ન હોય. આપે સુંદર દૃષ્ટાંત દ્વારા પક્ષ રાખવાની મહેનત લીધી એ બદલ પણ ધન્યવાદ. જો કે અહીં વાત પાખંડીઓ માટેની છે. ગુરુઓ પણ સમાજનો ભાગ હોય, સામાજીક બાબતોમાં, અન્ય ભાગ જેવા જ, તેમના પણ લાભાલાભ તો હોય જ. પરંતુ અહીં, હું જેટલું સમજ્યો છું તે મુજબ, લેખકશ્રી એ વાતથી સાવચેત કરવા માંગે છે કે આધ્યાત્મ જગતમાં માત્ર ગુરુ ધારણ કર્યાથી જ કશોએ ફર્ક પડે તે શાસ્ત્રોત્તક દૃષ્ટિએ માનવામાં નથી આવતું. જો કે મેં જે કહેવા આટલો મોટો લેખ કર્યો તેને દીપકભાઇએ સાવ ટુંકમાં સમજાવી તો આપ્યું જ; ’અધ્યાત્મનું ક્ષેત્ર એવું છે જેમાં આત્માનુભૂતિ જ ચાલે, ગુરુ નહીં.’ આભાર.

   આપણે ત્યાં એક કહેવત પણ છે ને કે, આપ મૂઆ વિના સ્વર્ગે ન જવાય ! કદાચ લેખકશ્રીનો પ્રયાસ આ વાત સમજાવવાનો જ છે. પાખંડી લોકોના ભરપૂર ચલણ વચ્ચેથી સત્ય શોધી કાઢવાનો પ્રયાસ સ્વાભાવિકપણે અઘરો જ હોય અને એ પ્રયાસ અહીં પુસ્તકમાં કરાયાનું મને લાગ્યું છે. આપે કરેલો પ્રશ્ન ’સાચા ગુરુ કે ખોટા ગુરુ કેવી રીતે નક્કી કરી શકાય?’ __ મને લાગે છે લેખકશ્રીને કરેલા પ્રશ્ન તરીકે આપણે ગણીએ ! અને ઉત્તર પણ લેખકશ્રી પાસેથી જ મેળવીએ તો; પુસ્તકના પાનાં:૫૦ પર પ્રશ્નોત્તરી વિભાગમાં વિગતવાર જવાબ છે જ. અહીં થોડું ટાંકું. (મારી તો ઉત્તર આપવાની લાયકાત ન જ ગણાય)
   “ગુરુની પરીક્ષા તમે નથી કરી શકતા. જે ગુરુની પરીક્ષા કરી શકે, તે શું ગુરુથી નાનો હશે ? પરીક્ષા કરવાવાળો તો મોટો હોય છે. એવી સ્થિતિમાં તમારે કોઈને ગુરુ ન બનાવીને સત્સંગ સ્વાધ્યાય કરવો જોઈએ અને તેમાં જે સારી વાતો મળે, તેને ધારણ કરો. ….આપણે ગુરુની પરીક્ષા તો નથી કરી શકતા, પણ પોતાની પરીક્ષા કરી શકીએ છીએ કે તેમનો સંગ કરવાથી આપણા ભાવો પર શું અસર પડી ? આચરણો પર શી અસર પડી ? આપણા રાગ-દ્વેષ, કામ-ક્રોધ કેટલા ઓછા થયા ?”

   આપે ખરે જ તાત્વિક પ્રશ્નો કરી સૌને લાભપ્રદ કાર્ય કર્યું છે, લો આટલું વધુ જાણવા મળ્યુ ને ! આપનું હંમેશ સ્વાગત છે. આભાર.

   Like

   • >>આપણે ગુરુની પરીક્ષા તો નથી કરી શકતા, પણ પોતાની પરીક્ષા કરી શકીએ છીએ કે તેમનો સંગ કરવાથી આપણા ભાવો પર શું અસર પડી ? આચરણો પર શી અસર પડી ? આપણા રાગ-દ્વેષ, કામ-ક્રોધ કેટલા ઓછા થયા ?”
    –true. Very nice answer.
    Thanks.

    Like

 8. શ્રી અશોકભાઈ,

  હું જે તે પુસ્તકના પાનાઓ સ્કેન કરીને મુકું છું તેના બે કારણો છે.

  ૧. તો તે જેવા લખવામાં આવ્યાં છે તેવા વાચકને મળે (અવતરણો, ટપકાઓ વગેરે સંપાદક પોતાની રીતે મુકે છે તે એક પ્રકારની આક્રમકતા લાગે છે.)

  ૨. મહેનત ઓછી થાય છે. (ટેકનોલોજીનો ઉપયોગ સમય બચાવવા માટે થતો હોય તો તે તેનો સદુપયોગ જ ગણાયને ? કોઈ ટેકનોલોજીના ચાહકને જરા પુછીને કહેજો ને)

  આપે પુસ્તક વાંચવા માટેની લિન્ક આપી છે :

  http://www.swamiramsukhdasji.org/swamijibooks/gujrati%20book/kya%20guru%20bina%20mukti%20nahin/main.html

  લિન્ક પર મેં જ્યારે ૧૩ મું પાનુ ખોલ્યુ તો ત્યાં ક્યાંય આપે મુક્યાં છે તેવા અવતરણો જોવા ન મળ્યાં – વાંચતી વખતે આંખને એટલી તકલીફ ન પડી જેટલી અવતરણો સહિત પડે.

  આ બાબત હું અનેક વખત ઘણાં સંપાદકોનોના ધ્યાનમાં લાવવાનો પ્રયાસ કરતો હોઉ છું કે મુળ પુસ્તકના ભાવ સાથે ચેડાં કરવાથી ઘણી વખત અર્થના અનર્થ થાય છે.

  અહિં ફરી પાછી ગાડી મુળ પાટે રાખવા વિનંતી – આ તો મને જે વાત ધ્યાન દોરવા લાગી તે જણાવી છે – ધ્યાનમાં લેવું ન લેવું તે આપની મરજીની વાત છે.

  Like

  • શ્રી અતુલભાઇ, આભાર.
   વાત સમજાઈ નહીં !! આપે દર્શાવેલા પાના પર કયું અવતરણ નથી ? જો આપ વાત અવતરણચિહ્નની કરતા હોય તો એ તો મુળ પુસ્તકમાં ન જ હોય ! પરંતુ હું જ્યારે એ પુસ્તકને ટાંકુ ત્યારે મારે, કેટલું શબ્દશઃ ટાંચણ કર્યું અને કેટલું મેં લખ્યું છે તે દર્શાવવા, અવતરણચિહ્ન (ક્વૉટ-અનક્વૉટ) મુકવું જોઇએ તેવી મારી સમજ રહી છે. (વાંચો : http://www.gujaratilexicon.com/dictionary/GG/%E0%AA%85%E0%AA%B5%E0%AA%A4%E0%AA%B0%E0%AA%A3%E0%AA%9A%E0%AA%BF%E0%AA%B9%E0%AB%8D%E0%AA%A8*/) અન્ય ટપકાંઓ વગેરે પણ અનુસંધાન દર્શાવવા માટે જરૂરી લાગ્યા છે. છતાં આ વિષયે મિત્રો માર્ગદર્શન કરી અન્ય રસ્તાઓ સુચવી શકે તો આભારી બનીશ. અને હા, આપની આંખોને તકલીફ પડી તે બદલ ક્ષમાપ્રાર્થી છું. (અન્ય મિત્રોને પણ આમ જ થયું હશે તેથી તેઓ પ્રત્યે પણ દિલગીરી દર્શાવું છું.)

   મુળ પુસ્તકના ભાવ સાથે ચેડાં કરવાની વાત કે અર્થનો અનર્થ થવાની વાત પણ જો અહીં લાગુ પડતી હોય તો ધ્યાન દોરશો. જેથી હું સુધારો કરી શકું. અન્યથા માની લઉં કે તે જનરલ વાત છે.

   અને રહી વાત તકનિકીના સદ્‌ઉપયોગની, તો એ સૌને કેટલું ફાવે છે તે પર આધારીત છે. મને તો હજુ પુરી રીતે કોમ્પ્યુટર ચલાવતા પણ નથી ફાવતું ત્યાં સ્કેનર વગેરે તો ક્યાંથી ફાવે ? આમે સ્કેન કરેલું પાનું માત્ર મુકવાથી આપણે જે રજુ કરવા માંગતા હોઈએ તે, આપણા વિચારો સાથે, કેમ કરીને સમજાવી શકાય ? એથી તો ભલું કે માત્ર “વાંચવા જેવા પુસ્તકની યાદી” કે જે તે પુસ્તક જો નેટ પર ઉપલબ્ધ હોય તો તેની લિંક જ મુકી દઈએ. જો કે વાંચનયાત્રાનો હેતુ એટલો માત્ર નથી. (આ એક વાતે Sorry !) અને આમે વાંક મારો નથી ! મારા એક માસ્તરનો (ગુરુ ?) છે !! જેણે શિખવ્યું હતું કે, સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે નહાય. મહેનત કરવા તો બ્લોગ લખું છું 🙂 બાકી આખો દહાડો ઊંઘ્યા કરૂં તો એ કોણ ઉઠાડવાનું છે 🙂 (બ્લોગ જગતમાં મારાથી ક્યાંય ઉત્તમ અને રસપ્રદ લખનારા વિદ્વાનોનો થોડો તોટો છે ?)

   આપનો ’જરા હટકે’ પ્રતિભાવ ખરે જ મજાનો લાગ્યો, જ્ઞાનદાયક તો રહ્યો જ. આભાર.

   Like

   • અવતરણ એટલે અવતરણ ચિન્હ કહેવાનો જ અર્થ હતો.

    આખો દહાડો ઉંઘ્યા કરશો તે જુલાઈ ૨૦૧૧ માં તો નહિં જ ચાલે કારણ કે તમે ચુંટણી ઢંઢેરામાં વચન આપી ચૂક્યા છો કે ‘તમે નીંરાતે સુઈ જાવ હું જાગીશ’ 🙂

    બ્લોગિંગ કરવું તે ખરેખર મહેનતનું કામ છે – આપને સિદ્ધિ વરી ચૂકી હશે અને ન વરી હોય તો જલદીથી વરે તેવી શુભકામના 🙂

    એક વખત મેં ક્યાંક આપના પ્રતિભાવમાં વાંચેલું કે ’સ્કેનર લઈ લેવાનું અને પોસ્ટ મુકી દેવાની’ તેથી મને થયું કે આપે સ્કેનર વસાવી લીધું હશે – ચલાવતાં તો આપને હિરેનભાઈ પાસેથી યે આવડી જશે.

    આ બધા વાર્તાલાપને હળવી પળો ગણીને આનંદથી માણશો – અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ આપને આંગણે સતત નૃત્ય કરતી રહે તેવી અંત:કરણપૂર્વકની શુભેચ્છા 🙂

    Like

 9. http://www.girishparikh.wordpress.com બ્લોગ પર ‘આજનો પ્રતિભાવ’ વાંચવા તથા આપનો પ્રતિભાવ આપવા વિનંતી કરું છું.
  –ગિરીશ પરીખ

  Like

 10. ગહ્ણી વાર આપને એક જ પુસ્તકની જુદી જુદી આવૃત્તિનો ઉપયોગ કરતા હોઇએ છીએ. ઘણીવાર નવી આવૃત્તિ બહાર પાડતી વખતે લેખક અમુક ફેરફાર પણ કરે. એટલે ક્યારેક પાનાંનો મેળ ન થાય કે ક્યારેક ફકરાનો. કઈ આવૃત્તિમાંથી લીધું તે કહી દેવાથી રેફરન્સ સાચું છે કે નહીં તે સવાલ ઊભો ન થાય. જેને આવું ચકાસવું હોય તે એ જ આવ્રુત્તિ જૂએ. તે સિવાયની આવૃત્તિ માટે તમારી (એટલે કે ઉદ્ધૃત કરનારની) જવાબદારી ન રહે.

  Like

  • આ સારૂં કહ્યું દીપકભાઇ. જેમ કે મારી પાસે આ પુસ્તકનું ૨૦૦૪માં પ્રકાશિત ત્રીજું સંસ્કરણ છે. (ત્યારે તેનું મુલ્ય માત્ર ૩|- રૂ. હતું !) અહીં મેં પુસ્તકની જે કડી આપી છે તે કદાચ ઘણું જુનું સંસ્કરણ હશે. તેનું મુખપુષ્ઠ પણ અલગ છે અને તેમાં અહીં લેખની શરૂઆતમાં અવતરણ ટાંક્યા તે ’નમ્ર નિવેદન’ વાળો ભાગ નથી. જો કે મિત્ર અતુલભાઈ માત્ર અવતરણચિહ્નો બાબતે વાત કરતા હતા અને બાકીનો કદાચ થોડી ’હળી’ કરવાનો નિર્દોષ પ્રયાસમાત્ર જ હતો 🙂 જે મારો પસંદીદા વિષય છે !!! હવે પછી, શક્ય ત્યાં, સંસ્કરણ, આવૃત્તિ સહીતની વિગત પણ દર્શાવીશું જ. આભાર.

   Like

 11. આદરણીયશ્રી. અશોકભાઇ

  આપે ગુરૂ વંદના માટે સરસ રસદાર રજુઆત કરેલ છે,

  પ્રસંશનીય બાબત

  ” ખુદ માનવ અવતાર્માં પ્રભુ પણ ગુરૂજી પાસે જ્ઞાન મેળવાવા

  તથા પૃથ્વીલોક્ને દાખલો બેસાડવા ગુરૂ આશ્રમમાં વિદ્યાભ્યાસ

  માટે ગયા હતા.

  ખૂબ જ સરસ લેખ

  ગુજરાતી સમાજ વતી આપને ધન્યવાદ

  ડૉ.કિશોરભાઈ પટેલ

  Like

  • શ્રી કિશોરભાઇ સાહેબ, આભાર.
   આપે વધુ એક વિચારવા યોગ્ય ઉદાહરણ જણાવ્યું. ખરી વાત છે, પરમાત્માએ પણ અવતાર ધરી અને ગુરુ પાસેથી જ્ઞાનૌપાર્જનનો માર્ગ ચિંધાડ્યો હતો. રામ વશિષ્ટજીના આશ્રમે અને કૃષ્ણ સાંદિપનીના આશ્રમે વિદ્યાપ્રાપ્તિ અર્થે રહ્યા. અને સૌને વિદિત છે તેમ તેઓ ઉત્તમ વિદ્યાગુરુ બની રહ્યા. સ્વયં પરમાત્માને પણ વર્ષો સુધી સ્વાધ્યાય કરવો પડ્યો, વશિષ્ટજી કે સાંદિપની ઋષીના આશ્રમે અન્ય હજારો શિષ્ય હશે તેમાંથી રામ-કૃષ્ણ તો એક જ થયા એ જ દર્શાવે છે કે મહત્વ વિદ્યાર્થીની પાત્રતાનું પણ એટલું જ છે અને બીજું રાતોરાત કાન ફૂંકીને જ્ઞાન મેળવવું તો સ્વયં પરમાત્મા માટે પણ બન્યું ન હતું ! જે અપેક્ષા હાલમાં આપણી હોય છે. આજે જુઓ વશિષ્ટ કે સાંદિપની જેવા વિદ્યાભ્યાસ કરાવનારા ગુરુ કહેતા શિક્ષકની હાલત શું છે ? (ક્યાંક તો ૮૦૦-૧૦૦૦ રૂ|. પગારે કામ કરે છે, તેમને પણ કુટુંબ કબિલાનું ભરણ પોષણ કરવાનું હોય, પછી ટ્યુશનો કરે નહીં તો શું કરે !) તે સામે માત્ર ચેલાઓ મુંડવા અને જ્ઞાન કરતાં અજ્ઞાનને માર્ગે વધુ ચઢાવનારા, દંભી-પાખંડી એવા કહેવાતા ગુરુઓને જુઓ ! (અહીં લેખકશ્રીનો વિરોધ પણ આ દંભ-પાખંડનો છે) આપે પ્રોત્સાહિત કર્યો એ બદલ આભાર. આપનું માર્ગદર્શન મળતું રહે તેવી અભ્યર્થના.

   Like

 12. ”દેહાભિમાન હૂતો પાશેર
  તે વિદ્યા ભણતાં વાધ્યો શેર
  ચર્ચાવાદમાં તોલે થયો
  ગુરુ થયો ત્યાં મણમાં ગયો
  અખા એમ હલકેથી ભારે હોય
  આતમજ્ઞાન મૂળગું ખોય!’

  ગુરુ વિના મુક્તિ હોય કે નહીં, ગુરુને મુક્તિ છે ખરી?

  મારા ’ઉંબરો’ નામની ખૂબ ટૂંકી નવલકથામાં આવો સંવાદ છે:

  (ગુરુ અને શિષ્ય બન્ને ધુમ્મસમાં પહાડી રસ્તા પરથી જઈ રહ્યા છે. શિષ્ય રસ્તાથી અજાણ્યો છે, ઘોડા પર બેઠો છે. ગુરુ લગામ પકડીને આગળ ચાલી રહ્યા છે.)

  શિષ્ય: “શિષ્ય થવું એટલે શું?”
  ગુરુ: “આમ ધુમ્મસમાં દોરાવું તે.”
  શિષ્ય: “ગુરુ થવું એટલે શું?”
  ગુરુ: “આમ ધુમ્મસમાં દોરવું તે!”

  Like

  • સંસારે ગુરુના તોટા નથી, સઘળા જ્ઞાની હોતા નથી
   આપે પંગુ આપે અંધા, કેને બેસાડી લે જાય કંધા
   (૬૭)
   દોનું દિશાંધ ગુરુ શિષ્ય, ક્યાં જાવું કશું ન દીખ
   ધ્યેય પોતાનું ક્યાંથી જડે, સઘળા જઈ કુવામાં પડે
   (૬૮)
   ગુરુ તણા દાવે ગાજે, તેની પાસે ભુલે ન જાજે
   જ્યાં ગયે સરે ન કામ, જાવાનું ત્યાં ન લેવું નામ
   (૬૯)
   ગુરુ માને માલ મળશે, શિષ્ય માને કામ સરશે
   બંનેના ભાવ મેલા, પરસ્પરમાં ઠેલમ ઠેલા
   (૭૦)
   બનાવ્યું કાગજ કેરું નાવ, સૌને કહે અહીં તું આવ
   ભુલ્યો ભુલાને ભમાવે, બેઠાં સૌને સાથે ડુબાવે
   (૭૧)
   વ્યાસ થઈને વાતો કરે, પરિવાર તણું પેટ ભરે
   ગુરુ ગાદીએ ગરજે બહુ, જાણે બહેરા બેઠા સહુ
   (૭૨)
   ગળું તાણીને ગાજે બહુ, સારૂં સારૂં કહે સહુ
   સારૂં નરસું કાઈ ન જાણે, પોત પોતાને મતે તાણે
   (૭૩)
   કામ પોતાનું તેથી ન થાયે, ભલે જનમ કરોડ ગવાયે
   અધુરા અંતે અધીરા થાશે, જેવા તેવા જણાઈ જાશે
   (૭૪)
   ( ગામઠી જ્ઞાન માળા )

   આખી જ્ઞાનમાળા વાંચવા નીચેની લિન્ક પર ક્લિક કરશો.
   http://bhajanamrutwani.wordpress.com/2010/02/19/gamathi-gyan-mala/

   Liked by 1 person

 13. મહિમ્નસ્તોત્ર કહે છે: नास्ति तत्त्वम् गुरो परम्. ’ગુરુથી વધુ સારું તત્ત્વ નથી’. કેમ?

  મને જવાબ ’એનિમલ પ્લેનેટ’ કે ’ડિસ્કવરી’ પર ચાલતી એઇપ (વાનરો) વિષેની સિરિયલમાં મળ્યો.
  ગિબ્બન, ચિમ્પાન્ઝી, બોનોબો, ગોરીલા અને ઉરાંગ-ઉટાંગમાંથી એક યા બીજી જાતિ સાધનો બનાવી શકે છે, અધૂરી ભાષામાં ચેતવણી આપી શકે છે, બે હજાર શબ્દો સમજી શકે છે, ગણતરી કરી શકે છે, નજરની સામે ન હોય તેવી વસ્તુઓ વિષે વિચારી શકે છે, ટોળું બનાવી યુદ્ધો કરી શકે છે વગેરે વગેરે. તો માણસમાં અને એમનામાં ફેર શું?

  એક જ ફેર મળ્યો – એ પ્રાણીઓ એકબીજાને ત્રીજી વસ્તુ તરફ આંગળી ચિંધીને બતાવતા નથી. માત્ર માણસ જ આ કરી શકે છે અને કરે છે.

  ગુરુ આપણી આ શક્તિની મૂર્તિમંતતા છે. યુક્લિડે, ન્યૂટને, ભાસ્કરાચાર્યે, ડાર્વિને, ફ઼્રોઇડે- આવું તો કર્યું! આધ્યાત્મિક રીતે કહીએ તો ગુરુ ચિંધે છે – तत्त्वमसि – तत् त्वम् असि – તે જતું, તે જ તું.
  માટે नास्ति तत्त्वम् गुरो परम्

  તે છતાં, ચેલો મુક્ત થાય તો પણ ગુરુ મુક્ત ન પણ થાય.

  Like

 14. આ ચર્ચા અનંત છે. 🙂

  આપ કહો તે વાત સ્વીકારીએ તો જો કોઈ જ્ઞાની ગુરુ મળી આવે તો ચેલા થવું પણ ગુરુ તો ન જ થવું – કેમ બરાબર ને?

  Like

 15. સરસ, વિવેકસભર લખાણ. હવે ચર્ચા કરવી ગમતી નથી, માટે તેમાં ભાગ લેવા મન થતું નથી.
  એક સરસ વાત આર્ટ ઓફ લિવિંગમાંથી જાણવા મળી.
  અંતરની યાત્રાનાં ત્રણ પાસાં

  સાધના
  સત્સંગ
  સેવા

  આ ત્રણેમાં સેવા સર્વોત્તમ..

  Like

 16. શ્રી અશોકભાઈને જાજા કરીને રામરામ. ગુરૂ વિષેની સુંદર સમજણ બધાને અપાવી તે બદલ તમારો આભાર. અંધકાર તરફ જતા કેટલાયને તમે આ લેખથી રોક્શો પણ જો જો અમારા જેવા કોઈ તમારી પાસે કંઠી બંધાવા ના પહોંચી જાય 🙂 તમારા આ બ્લોગમાં ઘણા સમય પછી મળવાનો મોકો આપ્યો તે બદલ તમારો આભાર.

  Like

  • એ….જય માતાજી, બાપુ.
   અમે તો પાંપણનાં પાથરણા કરીને બેઠા જ છીએ !! આપ જ આતિથ્યનો લાભ ન આપો તો અમારો કંઈ વાંક ?! 🙂 ભલે પધાર્યા બાપુ.
   આ અંધકાર તરફ જતા રોકવા તો હજારો વર્ષથી જ્ઞાનીઓ પાળો બાંધે છે, હાલમાં પણ અખાથી લઈને આ પુસ્તકના લેખક સ્વામીજી જેવાઓએ પણ પ્રયત્ન કર્યે રાખ્યા છે. અમે તો માત્ર લહિયા છીએ.
   શું કહે છે વરસાદ પાણી ? પધારો જુનોગઢ, હવે વનરાઈ કોળી ઉઠી છે. ગીરનારમાં એકાદ ઘુમરો મારી આવીએ. અને ભેગાભેગ, તમે તો ઝપટે ચઢો એવા નથી, આપણા જેઠાભાઇને આ કંઠીના પાટે ચઢાવીએ 🙂 મૌજ આવી. આભાર.

   Like

 17. શ્રી. પ્રમથભાઇ, અતુલભાઇ, દીપકભાઇ, અને સૌ મિત્રો, આભાર.
  પ્રમથભાઇ, આપે અખાની સુંદર રચના ટાંકી, અતુલભાઇએ પણ ભીમાભગતની સ_રસ રચના યાદ અપાવી. હિરલબહેને જૈન ધર્મના આધ્યાત્મિક વડેરાંઓ કેવી રીતે એક સારા કાઉન્સેલરની ગરજ સારી સમાજ ઉપયોગી નીવડે તે સદૃષ્ટાંત સમજાવ્યું. આધ્યાત્મ જગતના અન્ય ઘણા વિચારશીલ મહાનુભાવો પણ આ અર્થનું કહી ગયા છે. સરવાળે તો એમ જણાય છે કે પુસ્તકના લેખકશ્રી અને આ સર્વે મહાનુભાવોના વિચારો વચ્ચે મુલતયા કશો ભેદ નથી. (ભેદ ગુરુ બની જલ્દી ચેલાઓનું ’કલ્યાણ’ કરી નાખવા અને ચેલા બની પોતાનું ’કલ્યાણ’ કરાવી નાખવા તલપાપડ બનેલાઓની વાતમાં હોઇ શકે ખરો !)

  પ્રમથભાઇએ એ વાત પણ ઉત્તમ કહી કે ’અન્ય પ્રાણીઓ અને મનુષ્યમાં ત્રીજી વસ્તુ તરફ અંગુલીનિર્દેશ કરી આપવાની ક્ષમતાનો ભેદ છે. આ અંગુલીનિર્દેશ કરનાર તે ગુરુ.’ સાચી દીશાનું માર્ગદર્શન કરનાર તે સદ્‌ગુરુ (અને કુછંદે ચઢાવનારો ઠગગુરુ !). અગાઉ કહેવાયું તેમ ગુરુ તો દરેક ક્ષેત્રમાં જરૂરી બને જ. આથી તો લેખકે ચોખવટ કરી જ છે કે વિરોધ ગુરુનો નથી, પાખંડનો છે. અધ્યાત્મ જગતમાં પણ ગુરુ ચિંધે માત્ર છે, મુક્ત તો સ્વપ્રયાસે જ થવાય છે. હવે ઈતિહાસમાં થયેલા, વિવિધ ક્ષેત્રના, ગુરુ ગણી શકાય તેવા મહાનુભાવોએ કંઈ એમ નહોતું ઠરાવ્યું કે પ્રથમ તમે અમારા ચેલા બનો પછી જ (પછી જ !) અમે તમારૂં માર્ગદર્શન કરીએ ! ન્યુટન, ડાર્વિન, આઈન્સ્ટાઈન, ભાસ્કરાચાર્ય, નરસિંહ, વિવેકાનંદ, લાખોની સંખ્યામાં નામ યાદ આવે જેમણે પોતપોતાના ક્ષેત્રે, પારકા અને પોતાનાના ભેદ પાડ્યા વગર, જગહિતાર્થ, પોતાની શક્તિ પ્રમાણે માર્ગદર્શન કર્યું. જો કે અધ્યાત્મ ક્ષેત્રની વાતમાં દીપકભાઇએ તથાગત બુદ્ધ અને આનંદના દૃષ્ટાંત સાથે આત્માનુભૂતિનું મહત્વ વધુ સારી રીતે સમજાવ્યું. એ અર્થની વાત લેખકશ્રીએ આ પુસ્તકમાં પણ કરી છે. અન્ય ક્ષેત્રમાં તો આપણે કંઇક શીખવું હોય છે તેથી ગુરુ જરૂરી પરંતુ અધ્યાત્મક્ષેત્રે પામવું હોય છે. શિક્ષક કહેતાં, માર્ગદર્શક કહેતાં, ગુરુ અને સાધારણતયા ફેલાયેલા ભ્રમ પ્રમાણેના ગુરુ વચ્ચે એક ભેદરેખા હોય તે ભુલાઇ જવાય છે. મારે વેદનો પાઠ કે ગીતાનો શ્લોક કે કૂરાનની આયાત એમ કંઈપણ કંઠસ્થ કરવું છે કે ન્યુટનનો ગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ કે નામાનાં મુળ તત્વો જેવા કોઈ વિષયે નિષ્ણાંત થવું છે તો તેના જાણકાર આચાર્ય, શિક્ષક પાસેથી પદ્ધતિસર સ્વાધ્યાય કરવાનો રહે. આ અર્થમાં એ આચાર્ય, શિક્ષક, મૌલવી, પંડિત વ.વ. મારા ગુરુ થયા. પરંતુ તેઓ કંઈ મારા માથા પર હાથ અડકાડી દેશે કે કાનમાં ફૂંક મારી દેશે તેથી મને ઉપર જણાવેલું બધું આવડી જશે ? નહીં. કોઇ ગણીતના શિક્ષક જાહેરાત કરે કે હું શક્તિપાત કરીને, કાન ફૂંકીને, મારું સઘળું ગણીતજ્ઞાન માત્ર બે જ મીનીટમાં વિદ્યાર્થીમાં ભરી આપીશ તો કેટલા લોકો માનશે ? (જો કે મને વિશ્વાસ છે, તો એ ઘણા માની લેવાવાળા નીકળશે !!) માટે જ અહીં કહેવાયું, અને આપ મિત્રો દ્વારા પણ વધુ સારી રીતે સમજાવાયું, કે માત્ર ગુરુ બનાવવાથી કશો જ અર્થ સરતો નથી. ઉલ્ટું પાખંડ વધવાના ચાન્સ રહે છે. અથવા તો પછી, ’હવે બધું ગુરુ કરી આપશે’ની માન્યતા દ્ઢ બનતા નિષ્ક્રિયતા આવશે. કે પછી, હું તો માત્ર આ એક ગુરુનો જ ચેલો તેથી અન્યનું સાંભળવા-માનવા-વિચારવાની જરૂર નથી તેવી કૂપમંડુકતા આવશે. અને બીચારા ગુરુ તો આ ચેલાઓમાં જ બદ્ધ થઈ રહેતાં, પ્રમથભાઇએ કહ્યું તેમ, પોતાની મુક્તિના સાધનમાંથી ચલિત થઈ અમુક્ત જ રહેશે. કે ચેલાઓના ચઢવ્યા ચઢી રહી મોહ, લોભ કે અહંકારની અંતિમ લડાઈ (જે આગળ “જળકમળ” લેખમાં આપણે વર્ણવી ગયા છીએ) હારી જશે. આ ભયસ્થાન છે ગુરુ-ચેલાના હાલ સમજાવાતા સંબંધમાં !

  અતુલભાઇએ એક સરસ અર્થઘટન કર્યું કે, ’જ્ઞાની ગુરુ મળી આવે તો ચેલા થવું પણ ગુરુ તો ન જ થવું’, એમાં મારી મતિ અને આ પુસ્તકની (અને અખાજીએ તથા ભીમાભગતે આપેલ માર્ગદર્શનની પણ) મારી સમજણ પ્રમાણે થોડો સુધારો સૂચવીશ કે ’ચેલા પણ ન થવું !’ કેમ કે એથી તો પેલા જ્ઞાનીજનની ગતિમાં ઉપર વિચાર્યો તે અવરોધ આવી જશે, તેઓ ચેલા સાથે બદ્ધ થઈ જશે. પછી ન તે મુક્તિ પામશે ન ચેલો ! એથી ઉત્તમ માર્ગ અહીં સ્વામીજીએ બતાવ્યો જ કે જ્ઞાનીજનોનો સંગ કરવો, તેમના માર્ગદર્શને ચાલવું, સત્સંગ કરવો, અને વિવેકનો ઉપયોગ કરવો. છતાં, અન્ય સારો વિચાર પણ સૌ દર્શાવી વધુ માર્ગદર્શન કરી શકે છે.

  હાલ આ વાતનો વધુ વિસ્તાર નથી કરતો, આપના સુંદર પ્રતિભાવ આધારે આગળ ચિંતન કરવા આટલો પ્રયાસ માત્ર કર્યો. આ વિષયે વધુ માર્ગદર્શન આવકાર્ય જ છે. (આ કંઇ બુંગણ નથી સંકેલ્યું 🙂 આમે સત્સંગનો, જ્ઞાનૌપાર્જનનો કદી અંત ન હોય.)
  આભાર.

  Like

  • શ્રી અશોકભાઈ,
   ચેલા થવું તેનો પ્રચલિત અર્થ ન લેતાં તેમ કહેવાનો ભાવર્થ છે કે નમ્ર બનીને માર્ગદર્શન લેવું. મંત્રદિક્ષાની દૃષ્ટિએ જોઈએ તો મંત્ર મેં રામકૃષ્ણ મીશનમાંથી લીધો – પણ તે મંત્ર મને જપ સાધનામાં ઉપયોગી છે. આર્ટ ઓફ લિવિંગની એડવાન્સ શિબિરથી મને સુદર્શન ક્રીયા તથા ધ્યાન વિષે થોડી વધારે સમજ મળી. રામદેવજીના પ્રાણાયામ મને સ્યુગર કંટ્રોલ કરવામાં ઉપયોગી છે. બાપુજીનું જ્ઞાન મને વેદાંત, ઉપનિષદ અને શ્રીમદ ભગવદ ગીતા સમજવામાં ઉપયોગી થયું. બ્લોગ પર પણ હું કેટલાયે લોકો પાસેથી શીખું છું. તેઓ અર્થ એટલો જ કે શીખતી વખતે શિષ્ય ભાવ ધારણ કરવો, નમ્ર બનવું, તો જ્ઞાન ઉતરે. ક્યારેય ગુરુ ન બનવું એટલે કે હું માર્ગદર્શ્ક છું, આચાર્ય છું બીજાનું કલ્યાણ કરી નાખનારો છું તેવો અહં ભાવ કદી ન રાખવો.

   મને લાગે છે કે ગુરુ અને શિષ્ય વિષેની મારી સમજ સ્પષ્ટ કરવામાં હું સફળ થયો હોઈશ – અને ન થયો હોઉ તો હજુ આપે બુંગણ ક્યાં સંકેલ્યું છે – આવી જશું ચર્ચા કરવા માટે. 🙂

   Like

 18. અશોકભાઈ અને અતુલભાઈ,
  બુંગણ ન સંકેલવાની ભૂલ કરી હોવાથી “ચેલા બનવું પણ ગુરુ ન બનવું – અને ચેલા પણ ન બનવું” ચર્ચા આગળ ચાલે તો, મારી પહેલી કૉમેન્ટમાં મેં કહ્યું છેઃ ” જીવનમાં દરેક માણસ કઇંક ને કઇંક બીજા પાસેથી શીખે છે. આ સત્ય સ્વીકારીએ તો કોઈ કાયમી ધોરણના વિશેષ ગુરુની જરૂર ન પડે.”
  આપણા કોઈ “કાયમી ધોરણના વિશેષ ગુરુ” ન હોય તો “કાયમી ધોરણના વિશેષ ચેલા” પણ ન બનીએ.એટલે કે જેની પાસેથી કઈંક મગજમાં ચમકારો મળે એ વ્યક્તિ આપણી ગુરુ.
  મારૂં ઉદાહરણ આપું? મારા એક મિત્રે (નામ સુભાષ સેતિયા, ૨૦૦૭ સુધી આકાશવાણીમાં સમાચાર વિભાગમાં ઍડીશનલ ડાયરેક્ટર જનરલ હતા. ઑફિશ્યલી મારા બૉસ પણ તે સિવાય મિત્ર) કહ્યું કે આપણે ગમે તેટલી વાતો કરતા હોઈએ, ઘરમાં દીકરી-દીકરા વચ્ચે ભેદ કરીએ જ છીએ અને દીકરીને ઓછું મહત્વ આપીએ છીએ.
  દાખલા તરીકે, તમારા દીકરાને એની મિત્ર ફોન કરશે તો તમે ચટકારા લેશો. “અરે, તારી ‘પેલી’નો ફોન આવ્યો હતો…! વાત શું છે, કેટલી છોકરીઓના ચક્કર ચલાવે છે?” વગેરે વગેરે.
  પરંતુ, દીકરીને કોઈ છોકરાનો ફોન આવે તો આવી મઝાક નથી કરતા.”અરે, કેટલા છોકરા સાથે તારૂં લફરૂં છે?” નહીં. આપણે સીરિયસ થઈ જઈએ. દીકરીની ગેરહાજરીમાં કદાચ પત્ની સાથે ચર્ચા પણ કરીએ. પણ એ ભૂલી જઈએ કે તમારા દીકરાને ફોન કરનારી પણ કોઈકની તો દીકરી જ છે! એના વિશે lightly બોલતી વખતે આપણે એ પણ ભૂલી જઈએ છીએ કે ઉંમરમાં આપણે એના પિતા સમાન છીએ.પણ આપણી દીકરી સિવાય બીજાની દીકરીનું નામ ઉછાળતાં અચકાતા નથી!

  મારા માટે આ નવો દૃષ્ટિકોણ હતો. મને આપણા વર્તનનો તફાવત સમજાયો તે આ જ કથન પછી.

  એમને મેં આ પૂરતા ગુરુ માની લીધા છે. જો કે સેતિયાજી આ જાણતા નથી અને ગુજરાતીભાષી નથી એટલે આ લખાણ વાંચવાના પણ નથી.

  Like

  • સેતિયાજી આ બાબતે આપના ગુરુ થયાં અને આટલી બાબતે આપનો તેમના પ્રત્યે આજીવન શિષ્ય ભાવ રહેશે કે પછી તમને સમજણ આપનારના તે સમજણ પુરતાં યે શિષ્ય મટી જઈને કૃતઘ્ની બનશો? હું નથી માનતો કે તમે એવું કરો.

   હું તો એવું ન કરી શકું. હા, તે વાત ખરી કે નવી નવી વાતો શીખવા માટે મારી હમ્મેશા તત્પરતા રહેશે અને તેથી નવા નવા ગુરુઓ પણ જે તે બાબતે મળશે. તેથી મારી દૃષ્ટિએ તો જે તે જ્ઞાન પુરતાં એટલે કે જ્યાં સુધી સ્મૃતિ છે ત્યાં સુધી તો આપણે શિષ્ય રહીએ જ છીએ.

   વળી આપણી દિકરી વિશે આપણે કદાચ ઘસાતું ન બોલીએ પણ બીજા લોકો તો જે સત્ય હશે તે જ કહેવાના છે ને? આપણાં દેશમાં સ્ત્રી-પુરુષો વચ્ચે ભેદ રખાય છે તે વાત સાચી છે અને એક વખત સ્ત્રીની બદનામી થાય પછી તેને માટે આપણાં દેશમાં ઘણી મુશ્કેલ પરિસ્થિતિ થઈ જાય છે – સાથે સાથે તે પણ સ્વીકારવું જોઈએ કે એક બગડેલું ફળ તેની સાથે રહેલાં અનેક ફળને બગાડે છે તેથી ફળના સંગ્રાહક તરત બગડેલા ફળને નષ્ટ કરે છે – બીજા સારા ફળોને બચાવવા.

   Like

   • અતુલભાઈ,
    કૃતઘ્ની બનવું હોત તો નામ સાથે આ પ્રસંગ લખ્યો ન હોત.
    તમે કહો છો કે”વળી આપણી દિકરી વિશે આપણે કદાચ ઘસાતું ન બોલીએ પણ …”
    પરંતુ બીજાની દીકરી માટે તો આપણા દીકરાના સંદર્ભમાં આપણે ઘસાતું બોલતાં અચકાતા નથી!

    આ વાત તરફ હું સજાગ થયો એટલે હું કહું છું કે જ્યાંથી નવી વાત શીખવા મળે એ આપણા ગુરુ. કાયમી ગુરુની કંઠી બાંધવાની જરૂર નથી હોતી. જ્યાં સુધી શીખીએ ત્યાં સુધી શિષ્ય ખરા પણ એક ગુરુ સાથે બંધાયેલા કાયમી ચેલા નહીં ( અથવા એક જ ખૂંટે બંધાયેલા બળદ નહીં).

    Like

    • શ્રી દિપકભાઈ,

     ખૂંટે બંધાયેલા બળદ કે કંઠી બંધાવેલા શિષ્ય થવા કરતાં તો હું મરવાનું પસંદ કરું.

     એક આડ વાત: ઘણી વખત મને ગુરુઓની મજાક મસ્તી કરવી અને અશોકભાઈની ભાષામાં કહું તો ’હળી’ કરવી યે ગમે છે 🙂

     Like

 19. પિંગબેક: શું ગુરુ વિના મુક્તિ નથી ? - GujaratiLinks.com

 20. thank u sir, shu guru vina mukti nthi? vachi ghanoj anand thyo, ek vat to 100% sachi che te jo laganhoy to malve javay. lagan na hoy to apnne koi ketloy rasto batave toy aapnama change nthi avto, biju jo apni andar jigyasa hoy ane koi eva mhatma aapna jivanma aave ane apne khudne shradha jage to guru banavie ane shadhna dvara apne apnama vivek jgadie to shu guruni krutgayta na khevay. aam to apne ek bijane adharej jivie chie, vivek to kyare jage apna veak point apne janie tyre, nhi to apne always bijanej blem karta rahie chie., mahatvni vat satsang to shresht lokonoj hovo joie, pan awareness jage tyre, baki to mohvali dunyathi inner peace malvu to ghnij kthin sthiti che. atyar sudhini inner journey ma koi to marg darshn jaruri hoy che. aam to maro mat ek j che jrevi drashti evi shrushti, apne manushy chie, budhijivi pranioma thodu to gyan jarur hoy che, baki to lobhiya ane dhutara ek bija par nbhta hoy che. styato har second, har jgya, pristhiti, ane samyne aadhrit hoy che, sab kuch badlta hai. samy pramne ek madad na kre to duniyama bija na hoy evu bantu nthi pan mansayi aapnama hoy to same pan male j che. erk chela kahu to hu tamarathi prabhvit chu.

  Like

 21. પિંગબેક: ગુરુ – ૨૦૧૪ | વાંચનયાત્રા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s