મારા પ્રતિભાવો – ગુરુ દેવો ભવઃ????? (via “કુરુક્ષેત્ર”)


 ગુરુ દેવો ભવઃ?????  ગુરુ દેવો ભવઃ गुरु ब्रह्मा गुरूर विष्णु गुरु देवो महेश्वर॥ गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः॥    ગુરુ પૂર્ણિમા આવી રહી છે. ભારતની જનતામાં એક જબરદસ્ત ભક્તિભાવનું પૂર આવશે. એમાં કેટલાય લોકોના બેંક બેલેન્સ તણાઈ જવાના અને ગુરુઓના ખેતર હરિયાળા થઇ જવાના. ‘ગુ’ એટલે અંધકાર, અજ્ઞાનતાનો અંધકાર. ‘રુ’ એટલે પ્રકાશ, જ્ઞાનનો પ્રકાશ. અજ્ઞાનતાના અંધકાર તરફથી જ્ઞાનના પ્રકાશ તરફ દોરી જનાર તે ગુરુ. અવાસ્તવિકતા તરફથી વાસ્તવિક જગત તરફ લઇ જનારો ગુરુ. ગુરુ એટ … Read More

મારો પ્રતિભાવ :

શ્રી ભુપેન્દ્રસિંહજી, સુંદર અને વિચારોત્તેજક લેખ. આપે કદાચ સ્વામી રામસુખદાસજી દ્વારા લખાયેલું “શું ગુરુ વિના મુક્તિ નથી ?” પુસ્તક વાંચ્યું જ હશે. કદાચ ન વાંચ્યું હોય તો, મળે તો વાંચવા અનુરોધ કરૂં છું. (અન્ય સૌ મિત્રોને પણ) તેમા પણ બહુ જ ક્રાંતિકારી વિચારો દર્શાવ્યા છે. (આ ભલામણ એ માટે લખું છું કે તે આખું પુસ્તક આપના આ લેખને અનુમોદન આપે છે, આપણા જેવા ’કોમન મેન’ ને કદાચ કોઇ ગંભીરતાથી ન લે, પરંતુ અહીં શાસ્ત્રોના જ્ઞાતા એવા એક મહાજ્ઞાની લેખક પણ આ જ વાત કહે છે !)

गुरु साक्षात परब्रह्म નો અર્થ, આપે કહ્યું તેમ ’પરબ્રહ્મ જ ગુરુ’ તેવો પણ કેમ ન થાય ? અને ગુરુ એટલે ’અજ્ઞાનનો અંધકાર દુર કરી જ્ઞાનનો પ્રકાશ કરે તે’ તે તો સુંદર વ્યાખ્યા છે જ પરંતુ, તેમાં પણ એક છીંડું છે !! જેમકે હું ચૌર્યકર્મ બાબતે અજ્ઞાની છું, અને મને કોઇ ચોરી કરતા શિખવે તો તે પણ મારો ’ગુરુ’ જ ગણાય !! (અંધારી આલમમાં તો શબ્દસ: આવા ’ગુરુ’ઓ હોય જ છે !) માટે વંદનિય ગણવા હોય તો ’સદ્‌ગુરુ’ને ગણવા જોઇએ, જે સદ્‌જ્ઞાન (સત્યનું, સારાપણાનું જ્ઞાન) આપે.

તો પછી, ઉપર જણાવેલ પુસ્તક મુજબ, મનુષ્યનો ગુરુ કોણ ? ’મનુષ્યનો જન્મજાત ગુરુ છે — વિવેક’ કુદરતે દરેક જીવને શરીરની શાથે શાથે વિવેકરૂપી ગુરુ પણ આપેલ જ છે. આ વિવેકરૂપી ગુરુની સહાયથી જીવ સત્‌-અસત્‌, કર્તવ્ય-અકર્તવ્ય, યોગ્ય-અયોગ્ય વગેરેને જાણી શકે છે. જે પોતાના વિવેકનો આદર કરે છે, તેને પોતાના કલ્યાણ માટે બહારના કોઇ ગુરુની જરૂર પડતી જ નથી. વિષય બહુ વિશાળ છે. પરંતુ આશા રાખું કે હું મારો વિચાર અહીં, ટુંકમાં સમજાવી શક્યો હોઉં. આભાર.

Bhupendrasinh Raol

શ્રી અશોકભાઈ,
મેં તો છેલ્લા પાંચ વર્ષ થી કશુજ વાંચ્યું નથી.આપે લખ્યું તે પુસ્તક વાંચવા મેળવવા માટે પ્રયત્ન ચોક્કસ કરીશું.જો કે ગુરુ એટલે સદગુરૂ જ સમજવાનું હોય.પણ અમે કોઈ વ્યક્તિ ને ગુરુ માનવાનું કહેતા જ નથી અમે તો કુદરત નાં ત્રણ પરિબળો ને ગુરુ માનવાનું કહીએ છીએ.એમાં કોઈ ચોરી કરવાનું શીખવાડે તેવું લાગતું નથી.કે કોઈ વિષ્ણુ બેંકો ઉઠાડી દેવાનું શીખવાડે તેવા નથી,કે મફત માં મહેનત કર્યા વગર ખાવાનું શીખવાડે તેવા નથી.વિવેકમાં પણ એક પ્રોબ્લેમ છે.જેતે સમયે વિવેક ની વ્યાખ્યા બદલાઈ જાય છે.ગુણવંત શાહ સાહેબ શ્રી રામ ને વિવેક ચુડામણી કહે છે.હવે આજે કોઈ શુદ્ર ને તપ માને અભ્યાસ કરતો રોકવા તીર મારી ના શકાય.માટે વિવેક પણ અંદર થી જ આવો જોઈએ કે પછી રામ જેવા મહાપુરુષોને અનુસરવું જોઈએ?વિષય બહુ વિશાલ છે ભાઈ.આભાર.

અશોક મોઢવાડીયા 

શ્રી ભુપેન્દ્રસિંહજી, આપની કુદરત નાં ત્રણ પરિબળો ને ગુરુ માનવાની વાત પણ ઉત્તમ જ છે, પરબ્રહ્મ એ જ ગુરુ તેવો તે શ્લોકનો અર્થ જ મને પણ યોગ્ય જણાય છે. પરંતુ તેમાં પાછું એ જ ડિંડવાણું થયું છે કે ઢોંગીઓ સમજાવી દે છે કે અમેજ બ્રહ્માના કે વિષ્ણુના કે મહેશનાં અવતારરૂપ છીએ, અમે જ સ્વયં બ્રહ્મ છીએ, આથી ગુરુ બનવાની ખરી લાયકાત અમે જ ધરાવીએ છીએ. હવે આ વાતના ખરાપણાનો નિર્ણય કોણ કરશે ? એટલે કહેવું પડ્યું કે, ’મનુષ્યનો જન્મજાત ગુરુ છે — વિવેક’ . અહીં ’જન્મજાત’ શબ્દ ખાસ મહત્વનો છે. રામ હોય કે રાવણ, કોઇને પણ અનુસરતા પહેલાં આ જન્મજાત વિવેક (જે દરેક જીવને જન્મ શાથે જ મળેલો હોય, અંદરથી જ આવે છે) નો ઉપયોગ કરવાનું રાખવું તે સલાહ ભરેલું ગણાય. હવે પ્રશ્ન એ થાય કે શું દરેકમાં આવો વિવેક હોય જ ? હા ! જે રેશનલ છે તેને તો આથી વધુ સમજવાની જરૂર જ નથી પરંતુ મારી જેમ ધાર્મિક હોઇએ તો આપણે એમ માનીએ કે ઇશ્વર દરેક જીવને દેહ આપે છે, તો એ સર્વશક્તિમાન ઇશ્વરનું કોઇ કામ શું અધૂરું હશે ? એ આ દેહની શાથે જ દેહના કલ્યાણ અર્થે ઉપયોગી તમામ સામગ્રી શાથે આપે જ. આમ વિવેક પણ આપે જ છે. મનુષ્ય પોતાના વિવેકને જેમ જેમ વધુ મહત્વ આપતો જાય તેમ તેમ વિવેક વધતો જાય છે અને વધતા વધતા એ વિવેક તત્વજ્ઞાનમાં પરિણત થઇ જાય છે. વિવેક ’સત્‌સંગ’થી વધે છે, એટલે સત્ય (સજ્જન, સાચા લોકો)નો સંગ કરવો જોઇએ, તેમની પાસેથી ઉપયોગી જ્ઞાન પણ પ્રાપ્ત કરવું પરંતુ ગુરુ-શિષ્યનો સંબંધ ન જોડવો. કારણ કે ત્યાર પછી ઉત્તરોત્તર વિકાસ પામતો આપણો વિવેક જ ગુરુ બની માર્ગદર્શન કરવા માટે પર્યાપ્ત છે. (જરા લંબાણ થયું, દિલગીર છું.) આભાર.

Bhupendrasinh Raol

શ્રી અશોકભાઈ,
આ વિવેક ની આપ વાત કરી રહ્યા છો તે જન્મજાત અંદરથી આવે છે તેને શું અંતરાત્મા નાં કહી શકાય?કશું પણ કરીએ તો એને પૂછી ને કરી શકાય.આપે જે વિસ્તાર કર્યો આ બાબતે તેને જ બુદ્ધ અપ્પ દીપ્પ ભવઃ કહેતા હશે.મહાવીર પણ આને જ આત્મા એજ પરમાત્મા કહેતા હશે.એ પણ કોઈ ઈશ્વર માં માનતા નહોતા.પણ ઢોંગીઓ એ એવું જ સમજાવે લુ છે કે અમે જ અવતાર સ્વરૂપ છીએ.જેવા કે વલ્લભે એક પુષ્ટ થવાનો સંપ્રદાય સ્થાપ્યો અને તેમના બધાજ વારસદારો વલ્લભ કુલ મેં સભી વલ્લભ કહી ને અમે જ કૃષ્ણ સ્વરૂપ છીએ કહી ૫૦૦ વર્ષ થી જલસા કરે રાખે છે.ગુરુ સાક્ષાત પરમબ્રહ્મ એટલે સાક્ષાત જે સામે પ્રગટ છે,આપણી સમક્ષ છે તે દરેક રચના પરંબ્રહ્મ છે.અને હવે ટૂંકું લખો ત્યારે જ દિલગીરી જતાવવાની.આભાર.

અશોક મોઢવાડીયા

હવે આપણી વેવલેન્થ મેચ થઇ !! એ જ તો વાત છે, અંતરાત્માના અવાજને જ તો મનુષ્યનો પોતાનો વિવેક કહેવાય. (અહીં વિવેક એટલે સામાન્ય અર્થમાં, વિનય કે વિનમ્રતાના અર્થમાં જ નહીં લેવાનું ) તો મને લાગે છે કે હવે આપણે એક સર્વમાન્ય નિષ્કર્ષ તારવ્યો ખરો જ. (હકારાત્મક ચર્ચાનો આ જ તો લાભ છે) આપે સૌને નવું નવું વિચારવા પ્રેર્યા અને આપણને સૌને કશુંક ઉપયોગી જાણવા મળ્યું. અહીં ભ.ગો.મં. ના આધારે “વિવેક”ના કેટલાક અર્થ આપણા સૌના જ્ઞાનમાં ઉમેરા માટે આપી જ દઇએ.

* વિવેક : ખરું ખોટું જાણવાની શક્તિ; સારાસાર સમજવાની બુદ્ધિ; સદસદ્ વિચાર; સમજશક્તિ; બુદ્ધિતારતમ્ય. ચાતુર્ય; ડહાપણ. બોધ; જ્ઞાન.
* ( વેદાંત ) સાક્ષી અત્માને પાંચ કોશથી જુદો કરીને નિશ્ચય કરવો તે. ઉપનિષદ્ ભાષ્યમાં કહેલ છે કે, સંસારમાં સરવાળે સુખ કરતાં દુ:ખની માત્રા જ વધુ હોવાથી વિવેકીઓએ નિર્ણય કર્યો છે કે, આ દુ:ખના મહાનર્કમાંથી છૂટવાને માટે આત્મજ્ઞાન સિવાય બીજું સાધન નથી. આત્મજ્ઞાન વિવેક સિવાય ઊપજતું નથી અને વિવેક વિચારમંથન સિવાય પ્રકટતો નથી. વિવેકના બે પ્રકાર છે: (૧) નિત્યાનિત્યવસ્તુ વિવેક. (૨) આત્મઅનાત્મ વિવેક.
* ( વેદાંત ) આત્મા નિત્ય છે અને આત્માથી ભિન્ન સર્વ અ”નિત્ય છે એવો વિચાર.

Bhupendrasinh Raol

વેવલેન્થ તો મેચ થઇ ગઈ હતી.થોડું વધારે કઢાવવાની કોશિશ માત્ર હતી.

(મિત્રો, અહીં ઉપર ઉલ્લેખાયેલું પુસ્તક “શું ગુરુ વિના મુક્તિ નથી ?” ના કેટલાક વિચારપ્રેરક અંશ ટુંક સમયમાં અહીં પ્રસ્તુત કરવાની ધારણા રાખું છું, જેમાં આ વિષયે આપણે સ્વામી રામસુખદાસજીના વિચારોને વધુ ઊંડાણપૂર્વક જાણી શકીશું. આભાર)


(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”

2 responses to “મારા પ્રતિભાવો – ગુરુ દેવો ભવઃ????? (via “કુરુક્ષેત્ર”)

  1. પિંગબેક: શું ગુરુ વિના મુક્તિ નથી ? | વાંચનયાત્રા

  2. પિંગબેક: ગુરુ – ૨૦૧૪ | વાંચનયાત્રા