પ્રેમનો રંગ, રાધાને સંગ – ગીતગોવિંદમ્‌ (૩)


Image from giirvaani.net

મિત્રો, નમસ્કાર.
આગળ આપણે બે ભાગમાં (૧) (૨), ગીતગોવિંદનાં ચાર સર્ગનો ટુંક અભ્યાસ કર્યો અને માહિતી મેળવી. અહીં પંચમ સર્ગથી શરૂઆત કરીશું. આ પંચમ સર્ગમાં શ્રી રાધાજી અને તેમની સખી વચ્ચેનો સંવાદ છે.

अहमिह निवसामि याहि राधाम् अनुनय मद्वचनेन चानयेथाः।
इति मधुरिपुणा सखी नियुक्‌ता स्वयमिदमेत्य पुनर्जगाद राधाम्॥ ५-१

સખી પાસેથી રાધાજીનાં વિરહનું વર્ણન સાંભળી કૃષ્ણ સખીને કહે છે કે, હું અહીં રહું છું, તમે રાધા પાસે જઇ મારા વતી અનુનય વિનય કરી રાધાને મનાવી અહીં લાવો. રાધાજી નહીં આવે ત્યાં સુધી હું અહીં જ રહીશ. આ પ્રકારે મધુરિપુ કૃષ્ણ દ્વારા નિયુક્ત સખી રાધાજી પાસે આવી અને આ પ્રકારે કહેવા લાગી.
અહીં, આ સર્ગમાં શ્રી કૃષ્ણના હૃદયમાં રાધાજીને મળવાની આકાંક્ષા ઉત્પન્ન થઇ છે તેથી આ સર્ગને ’સકાંક્ષ-પુન્ડરીકાક્ષ નામ અપાયું છે. પુન્ડરીકાક્ષનો અર્થ લાલ કમલ સમાન નેત્રો વાળા કૃષ્ણ તેવો થાય છે. અહીંથી હવે દશમું ગીત પ્રારંભ થશે.

वहति मलयसमीरे मदनमुपनिधाय ।
स्फुटति कुसुमनिकरे विरहिहृदयदलनाय।
तव विरहे वनमाली सखि सीदति॥ अ प १०-१

હે સખી, રાધા, જુઓ આ વિરહીજનોને મર્મપીડક કે મદનરસમાં તરબોળ કરતો એવો મલયાનિલ (મલય પર્વત પરથી વાતો પવન) વાઇ રહ્યો છે,પુષ્પસમુહો ખીલી રહ્યા છે. આવા (વસંત) સમયમાં કૃષ્ણ (વનમાળી:વનફૂલોની માળા ધારણ કરેલા) તારા વિરહમાં અવસાદગ્રસ્ત, સંતપ્ત, દુઃખી થઇ રહ્યા છે. આગળના શ્લોકોમાં પણ કૃષ્ણના વિરહનું સખી દ્વારા તાદ્દશ વર્ણન કરાયું છે. હું અહીં બધા જ કવિઓ (અને કવિયત્રીઓ પણ !)ની ખરેખર ઈર્ષા કરીશ ! કારણ આ સુંદર શ્લોકોનું, તેના સુંદર શબ્દાલંકારોનું, ઉત્તમ ગુજરાતી ભાષાંતર કરવા માટેના સમભાવી શબ્દો કોઇ કવિને જ સુઝે. હું તો માત્ર ઉપરછલ્લો ભાવ, ગદ્યમાં, આપને આપવાનો પ્રયત્ન કરૂં છું. તેમાં આ શ્લોકનું માધુર્ય અનૂભવાવું મુશ્કેલ છે. હા, અર્થ સમજાશે ખરો. આગળ ચાલીએ.

दहति शिशिरमयूखे मरणमनुकरोति।
पतति मदनविशिखे विलपति विकलतरोऽति॥ अ प १०-२

શિશિરનાં ચંદ્રમાંના શીતળકિરણોથી બળતાં જાણે મરણાસન્ન કે મૂર્છીત થઇ રહ્યા છે અને વૃક્ષો પરથી ખરતા પુષ્પો જાણે કામબાણ હોય તેમ તેના હૃદયને વિંધી રહ્યા છે. આમ અતિ વિકલ, આકુળવ્યાકુળ, થઇ અને વિલાપ કરી રહ્યા છે. વિરહીનું કેવું અદ્‌ભુત ચિત્રણ કરાયું છે. ચંદ્રની શીતળ ચાંદની એને બાળી શકે છે અને પુષ્પો પણ તેને વિંધી શકે છે.

આગળ પણ સખી દ્વારા કૃષ્ણનાં વિરહનું (યાદ રહે આ વર્ણન રાધાસખી રાધા પાસે કરે છે) વર્ણન છે. જેમાં તે ભમરાઓનો ગુંજારવ સાંભળી પોતાના કાનોને હાથથી ઢાંકી લે છે, મનોહર શયનગૃહ ત્યાગી વનમાં નિવાસ અને ભૂમિશયન કરે છે, કોયલના મધુરા ટહુકા સાંભળી વિહવળ થઇ ઉઠે છે, વગેરે (આપણે અગાઉ રાધાની પણ વિરહમાં આ સ્થિતિ જોઇ છે). અમુકના કહેવા મુજબ આ દશમ ગીત માત્ર પાંચ પદોનું જ છે. ટીકાકારો કહે છે કે સખીને મુખે કૃષ્ણના વિરહનું આટલું વર્ણનમાત્ર સાંભળતા જ રાધાજીને મૂર્છા આવવા લાગી, આથી સખી અહીં રોકાઇ જાય છે. વિરહનું વર્ણન પડતું મુકી અને રાધાને રાજી કરવાના પ્રયત્નો કરવા લાગે છે.

पूर्वम् यत्र समम् त्वया रतिपतेरासादितः सिद्धयः
तस्मिन्नेव निकुङ्जमन्मथमहातीर्थे पुनर्माधवः।
ध्यायंस्त्वामनिशम् जपन्नपि तवैवालापमंत्रावलीम्
भूयस्त्वत्कुचकुंभनिर्भरपरीरंभामृतम् वाङ्छति॥ ५-२

સખી કહે છે, હે રાધે ! માધવે પ્રથમ નિકુંજરૂપી મહાતીર્થમાં તારી સાથે આલિંગન, રતિક્રિડા આદી સુખ પ્રાપ્ત કર્યું હતું. (જે આગળ રાધાએ જ સખીને વર્ણવ્યું હતું તે આપણે વાંચી ગયા છીએ) એ જ મહાતીર્થમાં તે સદૈવ તારું ધ્યાન કરે છે, તારી સાથે થયેલા વાર્તાલાપરૂપી મંત્રોનો જાપ કરે છે, અને તારા કુચકુંભોના ગાઢ આલિંગનરૂપી અમૃતમોક્ષની પુનઃ-પુનઃ અભિલાષા કરે છે.

અને અહીં ૧૧મું ગીત પ્રસ્તુત થાય છે, જેમાં સખી રાધાને કૃષ્ણ પાસે અભિસરણ કરવા, હવે વિલંબ ન કરવા સમજાવે છે.

रतिसुखसारे गतमभिसारे मदनमनोहरवेशम् ।
न कुरु नितम्बिनि गमनविलंबनमनुसर तम् हृदयेशम् ।
गोपी पीनपयोधरमर्दनचंचलकरयुगशाली ।
धीर समीरे यमुना तीरे वसति वने वनमाली – धृवम्॥ अ प ११-१

જ્યાં ધીરો ધીરો મલય સમીર (પવન) વહે છે તેવા યમુના તીરે નિકુંજવનમાં વિરાજમાન, ગોપીઓના પયોધરમંડલને નિપીડિત (મર્દન) કરવા માટે સદા ચંચલ એવા કર યુગલ (હસ્ત)થી સુશોભિત વનમાલી (કૃષ્ણ) તારી રાહ જુએ છે. હે પ્રશસ્ત નિતંબોવાળી, રતિસુખના સારભૂત સંકેતસ્થાનમાં, કામદેવ સમાન મનોહર વેશ ધારણ કરેલા તારા હૃદયવલ્લભ પાસે અભિસરણ કરવામાં હવે વિલંબ ન કર.

नामसमेतम्कृतसंकेतम्वादयतेमृदुवेणुम् ।
बहुमनुतेननुतेतनुसंगतपवनचलितमपिरेणुम्॥ अ प ११-२

આગળ કહે છે કે, હે સખી ! તને મારો વિશ્વાસ ન આવતો હોય તો તેમના દ્વારા થતા આ વેણુનાદ (બંસરીવાદન)ને ધ્યાન દઇ સાંભળ, તેમાં પણ રાધા-રાધા નામનો જ નાદ સંભળાશે. તે તને સ્પર્શ કરી અને આ વાયુ સાથે વહેતા સુક્ષ્મ રજકણોના પોતાને થતા સ્પર્શથી સ્વયંને ભાગ્યશાળી માની, તેને બહુમુલ્યવાન રત્નકણો સમજી તેનો પણ આદર કરે છે.

અહીં આ ગીતના અન્ય શ્લોકોમાં કહે છે કે, પક્ષીઓના બેસવાથી થતા પર્ણના ખડખડાટને પણ જાણે તારા આગમનનો સંકેત સમજી તારા આવવાના માર્ગની દિશામાં જોવા લાગે છે. વગેરે વગેરે. પછી સખી કહે છે,

मुखरमधीरम् त्यज मन्जीरम् रिपुमिव केलिषुलोलम् ।
चल सखि कुन्जम् सतिमिरपुंजम् शीलय नीलनिचोलम्॥ अ प ११-४

તારા આ શત્રુસમાન નૂપુર (ઝાંઝર) કાઢી નાખ, કારણ, એ ચાલતી વખતે અને રતિસુખમાં પણ અતિ ચંચલ બની રણકાર કરશે. કુંજના અંધકારમાં ભળી જાય તેવા નીલવસ્ત્ર ધારણ કરી લે જેથી તારો ગૌરવર્ણ એ તિમિર સાથે ભળી જાય અને ચાલ સખી કુંજ તરફ જઇએ!

જો આપે નરસિંહ મહેતાની ’ચાલ રમીયે સહી, મેલ મથવું મહિ’ માં

’પહેર શણગાર ને હાર ગજગામિની, ક્યારની કહું છું જે ચાલી ઊઠી,
રસિક મુખ ચુંબિએ, વળગિયે ઝુંબીએ, આજ તો લાજની દુહાઇ છુટી.
  ચાલ રમીયે સહી, મેલ મથવું મહિ’  (વિકિસ્ત્રોત:અહીં ચાલ રમીયે સખી હોવું જોઇએ ?)

કે ’ચાલને સખી જોવા જઈએ રે’ રચના સાંભળી હોય તો અહીંના चल सखि નો ભાવ અને એ પદના ભાવની સમાનતા ધ્યાને ચઢશે. ’મોંહે શ્યામ રંગ દઇ દે, મોરા ગોરા રંગ લઇ લે’ કે ’ચલ રી સજની અબ ક્યા સોચે’ જેવા ગીતનો ભાવ પણ અહીંથી નિકળતો લાગશે. અહીં જેટલું ઘુંટશો તેટલો ગાઢ અર્થ પ્રાપ્ત થશે. કેટલાયે જ્ઞાનીઓએ આના અદ્‌ભૂત આધ્યાત્મિક અર્થ કરેલા છે. આ બધું એકસાથે સમજાવવું તે મારી અને આ લેખની ક્ષમતા બહારનું હોય, ક્ષમાયાચના.    

ઘડીક થોડા આડા ફંટાયે ! તો, વિદ્વાનોને લાગે છે કે દરેક પ્રસંગે નાયક-નાયિકા કરતાં સખી (અને મિત્રો)ને વધુ ઉતાવળ હોય છે, પાટે ચઢાવવાની !! જુઓ, જાનપ્રયાણ ટાણે વરરાજા કરતાં જાનૈયાઓ (અને જાનડીઓ) વધુ ઉતાવળા થતા જણાશે ! જો કે આ બધાને પોતપોતાના, અલગ અલગ, સ્વાર્થ હોવા સંભવ છે. જાનડીઓને તાલાવેલી જલ્દી કન્યાનું દર્શન કરવાની હોય શકે, અને દર્શન થયા પછી, કન્યા તો શું કન્યાની માતા પણ ન જાણતી હોય તેવા ખોંચાઓ કન્યામાં શોધવાની ખણસ સંતોષવાની પણ હોય શકે ! જાનૈયાઓ (ખાસ તો પરણેલા !) વરરાજામાં બુદ્ધિનો પાદુર્ભાવ થાય તે પહેલાં તેને નંદવી નાંખી પોતાની જમાતમાં ભેળવી દેવા થનગનતા હોય તેમ બને ! અને મારા જેવા કેટલાક ભોજનવીરોને વળી મોડા પડીશું તો માલ માલ માનૈયાઓ જમી જશે અને જાનૈયાઓના ભાગે વધશે શું ? એવી ચિંતા !! પણ હોઇ શકે. જે હોય તે, આપણે ફરી આપણો માર્ગ પકડીએ !

ત્યાર પછીના શ્લોકોમાં પણ સખી, રાધાજી કૃષ્ણ પાસેથી કેવું કેવું સુખ પામશે તેનું શૃંગારીક, મનોરમ્ય ચિત્રણ કરે છે. એક જગ્યાએ ઘણી જ કામની (ઉપયોગી ભ‘ઇ !!) વાત કહી છે. શબ્દ વાપરે છે, हरिरभिमानी,

हरिरभिमानीरजनिरिदानीमियमपियातिविरामम् ।
कुरुममवचनम्सत्वररचनम्पूरयमधुरिपुकामम्॥ अ प ११-७

અહીં સખી કહે છે, હરિ (કૃષ્ણ) અભિમાની થઇ રહ્યા છે અને રાત્રી વિતવા પર છે. માટે મારી વાતનો સ્વિકાર કરી, વધુ વિલંબ ન કરતા, જલ્દી ચાલ અને મધુરિપુ (કૃષ્ણ)ની કામના પૂર્ણ કર. અહીં કદાચ હવે તો રતિશાસ્ત્રીઓ પણ પ્રસ્થાપિત કરી ચૂક્યા છે એ વાત, પુરુષને પહેલ કરવી ગમતી નથી, નું જ્ઞાન છે. પુરુષને કદાચ તેનો સ્વભાવગત અહંકાર આડો આવે છે. જ્ઞાનીઓ પણ કહે છે કે સ્ત્રી પહેલ કરે તે પુરુષ માટે અત્યંત આનંદની ક્ષણ હોય છે. કાશ ! અમુક નાસમજ સ્ત્રીઓ આ વાત સમજી શકે તો ઘણા સંસાર સાવ સામાન્ય વાતે વિખરાતા જ બચી જાય !! (આ સેક્‌સ ઍજ્યુકેશનની કથા તો હજુ ચાલે છે, આપને નથી લાગતું આઠસો વર્ષ પહેલાં આ અદ્‌ભૂત જ્ઞાન આપવાની કેવી સુંદર યોજના હતી ! પણ આપણે જ બધું વિસારી ચૂક્યા તેમાં દોષ કોને આપવો ?) અને પુરુષોનો આ સ્વભાવગત અહંકાર પાછો કંઇ પોલાદી નથી, સાવ માખણ જેવો હોય છે ! જરા અમથી જ્યોતની ગરમી પામ્યો નથી કે ઓગળ્યો નથી. પછી તો શમા-પરવાનાના ન્યાયે તેમાં પડીને સમજો પોતાનું અસ્તિત્વ પણ નષ્ટ કરી દેવા તૈયાર હોય છે. ગની દહીંવાલા નામક શાયરે બહુ સરસ વર્ણન કર્યું છે આ અભિમાનના ઓગળવાનું;
“પર્વતોની સામે આ રહ્યું છે શીશ અણનમ, કોઈ પાંપણો ઢળ્યાં ત્યાં હું ઝૂકી ગયો છું”
પણ પાંપણ તો ઢળે !! અહીં તો સામા લીંબુની ફાડ્ય જેવા ડોળા કાઢે છે 🙂

આમ આ ગીત અને તે પછીના કેટલાક શ્લોકમાં સખી રાધાને સમજાવવાનો જે પ્રયાસ કરે છે તેનું વર્ણન છે. અંતે પણ રાધાજી, કદાચ વિરહવેદનાજનિત ક્ષીણતાને કારણે, અભિસાર કરવામાં અસમર્થતા દર્શાવે છે અને સખી ફરી કૃષ્ણ પાસે જાય છે. અહીં આ પંચમસર્ગ સમાપ્ત થાય છે.

અહીં સૌથી વધુ મહેનત તો આ “સખી”ની દેખાય આવે છે, સખીની જેમજ કેટલાક મિત્રો પણ “ચાલ સખી…ચાલ સખી” (એટલે કે આ લેખમાળા આગળ વધારો !)નાં અધિર પોકારો કરે છે !! અરે ભાઇ ! આ જ તો કવિની કલાનું પ્રદર્શન છે ! મેં પ્રથમ વખત ગીતગોવિંદ વાંચેલું ત્યારે આ પંચમસર્ગથી લઇ અને બારમાં સર્ગ સુધી એક જ બેઠકે વાંચી ગયેલો ! હવે શું થશે ? રાધા-કૃષ્ણનું મિલન થશે કે નહીં થાય ? આ ઉત્કંઠાએ મારું એક ટંકનું ભોજન પણ છંડાવી દીધેલું !! એક ટીકાકારે લખ્યું છે કે આ “સખી” એ જીવ અને શિવનાં મિલનને માટે નિઃસ્વાર્થભાવે મથતા ગુરુનું પ્રતિક છે. શૈવત્વ સ્વાભિમાની છે અને જીવત્વ મિલનને આતુર હોવા છતાં અજ્ઞાનરૂપી ક્ષીણતાવશ અભિસરણ કરવા અસમર્થ હોય ’સખી’એ આ કષ્ટ ઉઠાવવું સ્વિકાર્યું છે. મારે પણ મિત્રો ’ચાલ સખી…ચાલ સખી’ કરી ધક્કાવે છે અને મને આવું બધું વિચારવા પ્રેરે છે તે ગુરુસમાન જ થયા ને !! આભાર.     

17 responses to “પ્રેમનો રંગ, રાધાને સંગ – ગીતગોવિંદમ્‌ (૩)

  1. दहति शिशिरमयूखे मरणमनुकरोति।
    पतति मदनविशिखे विलपति विकलतरोऽति॥ अ प १०-२
    સૌથી વધુ ગમ્યો આ શ્લોક.

    Like

  2. અશોકદેવ [વધુ કઈ લખવાની જરૂર છે?]
    કેટલાક ફોટા મુકુ છુ – મારા બ્લોગ પર ! કેમ કે પ્રતિભાવ માં ફોટ કેમ મુકવા ? આવડતુ નથી.!.

    ( Photo link : http://shakilmunshi.wordpress.com/2011/06/26/radha-krishna-photo/ )

    Like

  3. ભાઈ કોઈ કવિ કરતા જરાય ઓછું લખતા જણાતા નથી.ગધ્ય પણ પધ્ય જેવું જ લખો છો.જયદેવને ગુજરાતીમાં ઉતારવાનું મુશ્કેલ કામ કરી રહ્યા છો.બહુ મજા આવી.

    Like

  4. “અહીં બધા જ કવિઓ (અને કવિયત્રીઓ પણ !)ની ખરેખર ઈર્ષા કરીશ ! કારણ આ સુંદર શ્લોકોનું, તેના સુંદર શબ્દાલંકારોનું, ઉત્તમ ગુજરાતી ભાષાંતર કરવા માટેના સમભાવી શબ્દો કોઇ કવિને જ સુઝે. ” દ્વારા તમે કહેવા શું માંગો છો? અરે યાર, આવું સરસ અલંકૃત પદ્યમય ગદ્ય લખ્યા પછી પણ તમે કહો છો કે તમને ઈર્ષ્યા આવે છે? ઈર્ષ્યા તો મને તમારી આવે છે.

    Like

    • આભાર ધવલભાઇ. ભ‘ઇ આપણે કંઇ કવિઓને પહોંચીએ ! થોડા કાલાઘેલા કાઢીએ ખરા ! પણ એ ઋજુતાસભર હૃદય ક્યાંથી કાઢીએ ! એક આડવાત, આ માસ માટેનો “શ્રેષ્ઠ ઈર્ષાળુ”નો સરપાવ મને મળવાનો તેવું સાંભળ્યું છે ! એક મિત્રના બ્લોગ પર હરિફાઇમાં મને કંઇક મત પણ મળેલા છે ! જો કે પછી આ સરપાવ અમને અપાયો કે અન્ય કોઇને તે જાણવા નથી મળ્યું 🙂 આભાર.

      Like

  5. સરસ કામ થઈ રહ્યું છે. ‘ચાલ સખી ..’ નો ધક્કો હું પણ લગાવી દઉં; આગલા હપ્તા માટે.

    Like

  6. પિંગબેક: પ્રેમનો રંગ, રાધાને સંગ – ગીતગોવિંદમ્‌ (૩) | | GujaratiLinks.comGujaratiLinks.com

  7. સાહેબ

    ખુબજ સરસ

    મારી તો સવાર સુધરી ગઈ

    Like

  8. શ્રી યશવંતભાઇ, શકિલભાઇ તથા સૌ મિત્રોનો હાર્દિક આભાર.

    Like

  9. પિંગબેક: ભણે નરસૈયો – જળકમળ (રસાસ્વાદ) | વાંચનયાત્રા

  10. પિંગબેક: પ્રેમનો રંગ, રાધાને સંગ – ગીતગોવિંદમ્‌ (૪) | વાંચનયાત્રા

Leave a comment