બેબીબાબા !


“એક બાર શ્રી ભોલેભંડારી, બન કે વ્રજકી નારી, ગોકુલમેં આ ગયે…” (ભજન)

શાંતિ..શાંતિ !! મને ખબર છે, મિત્ર ભુપેન્દ્રસિંહજી કહેશે : ’ખોટું ! સાવ ખોટું !! ભોલેનાથ વળી વ્રજનાર કેમ કરીને બન્યા ? આ કવિઓની કલ્પના છે.’ કદાચ એમ પણ કહે કે; ’આ કોઇ ’વિકૃત મનના’ કવિની કલ્પના હોઇ શકે !’ રા….ઇ….ટ ! બે દિવસ પહેલાં સુધી હું પણ એમ જ માનત ! કિંતુ, પરંતુ, યંતુ… આજે એમ લાગે છે કે કવિએ પણ જે તે સમયે ઘટેલી કોઇ ઘટનાને, લોકરંજક બનાવવા હેતુ, થોડા કલ્પનાનાં રંગો પુરી અને કેમ પ્રસિદ્ધ ન કરી હોઇ શકે ?

ઘટના તો એવી જ હતી (ઈતિહાસકારો કહે છે કે ઈતિહાસ હંમેશ પુનરાવર્તન પામે છે). એક મોહક કાનુડો હતો, સૌનો લાડકો, સૌનો પ્યારો, સૌનો દુલારો, લોકો પ્રેમથી આજે પણ તેને મનમોહન કહે જ છે ને ! પણ તેના કાયદાઓ જ કંઇક એવા હતા કે બીચારા ભોલેબાબાને રાસલીલામાં પ્રવેશ પામવો બહુ મુશ્કેલ હતો. હવે માત્ર ગોપીવૃંદને જ પ્રવેશનો વિશેષાધિકાર હોય ત્યાં બાબાનો ટર્ન કેમ કરીને લાગે ? બાબા પણ કદાચ એ સમયના પ્રખર ક્રાંતિકારી હતા ! જાણે પુરૂષોને થતા અન્યાય સામે અવાજ ઉઠાવવાનું બીડું ઝડપ્યું હોય તેમ પ્રણ લીધું કે હું તો આ રાસલીલામાં સામેલ થઇને જ રહીશ !! અને તેમણે વ્રજબાળાનો સ્વાંગ રચ્યો ! વળી ઘણાં શંકાશીલ મિત્રો કહેશે કે એ તો ઠીક પણ ક્યાં ભોલેબાબા, જટાઝુંડ દાઢીમુછના ધણી અને ક્યાં નાજુક નમણી વ્રજની ગોપી ? દાઢીમુછ કેમ કરીને સંતાડ્યા હશે ? ખો…..ટું ! સા..વ ખો…..ટું !! એકદમ હંબગ કથા !!!

અરે ના ભ‘ઇ ના ! બે દિવસ પહેલાં સુધી હું પણ એમ જ માની લેત. પણ હવે ખાત્રીપૂર્વક કહી શકું છું કે કલિકાળ મધ્યે જે થઇ શક્યું તે ત્રેતાયુગમાં કેમ ન થઇ શકે ? બસ રાસલીલામાં ઘુસ મારી અને પોતાના ભાગનું પુણ્ય અંકે કરવાની પ્રબળ ઈચ્છાશક્તિ જોઇએ !

એકંદરે જોઇએ તો આ અન્યાયની વાત છે. પ્યારેમોહન હોય કે મનમોહન હોય, આદિકાળથી બીચારા ભલાભોળા બાબાઓને કનડતા જ આવ્યા છે ! અરે ભ‘ઇ, દરેક નરમાં એક નારી વિદ્યમાન હોય છે તે બાયોલોજીકલ સત્ય સાબિત કરવાની શું આ એકમાત્ર રીત જ બચી છે ? (જો કે ’ખુબ લડી મર્દાની વો તો ઝાંસીવાલી રાની થી’ જેવા કાવ્ય વાંચુ છું ત્યારે એમ પણ થાય છે કે; દરેક નારીમાં એક નર પણ છૂપાયેલો હોય છે ! જો કે આ વાતને કદાચ કોઇ બાયોલોજીકલ સપોર્ટ ન પણ હોય !!) રાસલીલા રચવાનો હક્ક માત્ર મોહનોને અને બાબાઓએ બસ જપ-તપ કે યોગાસનો જ કર્યે રાખવાનાં ?? આ સમાન તકના સિદ્ધાંતનો ભંગ છે.

જે હોય તે, આપણને હવે એટલું સત્ય જરૂર લાધ્યું કે જેમ નેપોલિયન કહેતો કે ’કશું જ અશક્ય નથી’ તેમ ’કશું જ અસત્ય નથી’ ! કદાચ આપણું જ્ઞાન સિમિત હોવાનું શક્ય છે. આ જુઓને હમણાં થોડા દહાડા પહેલાં આપણા ’સર્વબ્લોગહીતચિંતક’ શ્રી વિનયભાઇએ એક રહસ્યોદ્ઘાટન કરેલું તે મુજબ એક કવિશ્રીએ સુંદર મજાની સ્વરચિત રચના બનાવેલી જેને અન્ય એક મિત્રએ, કોઇ દુર્ભાવનાથી નહીં પણ માત્ર અજ્ઞાનને કારણે જ, અખાના છપ્પાના નામે ચઢાવી દીધેલી !!! હવે આ સ_રસ આધુનિક રચનામાં ઘણી આધુનિક જણસનો પણ ઉલ્લેખ છે. જેમ કે મોબાઇલ, ઇન્ટરનેટ વગેરે. પચાસ-સો વરસમાં તો પેલા અદુર્ભાવિ મિત્રના બ્લોગે્થી વળી સેવાભાવી મિત્રોના પ્રયત્નોને કારણે પ્રસાર પામતી પામતી આ રચના અખાના નામે એટલી રૂઢ થઇ જાય (અને પેલા મુળ રચનાકાર અને તેમનો ઉમદા સંદર્ભ તો સાવ ભુલાઇ જ ગયા હોય !) કે પછી મારા જેવો કોઇ આ રચના વાંચીને સાવ ઘેલો ઘેલો બની જાય કે જુઓ જુઓ હે જગતના લોકો, અખો કાં તો ત્રિકાળજ્ઞાની હશે જે ભવિષ્યના આવિષ્કારો પણ જોઇ શક્યો અને કાં તો ખરે જ અખાના જમાનામાં પણ મોબાઇલ, નેટ વગેરે વિદ્યમાન હશે !! અને વળી એ જમાનાના કોઇક, બે કાન વચ્ચે શૂન્યાવકાશ ન ધરાવતા, મિત્રને ગળે આ વાત ન ઉતરે અને શરૂ થાય પાછી એ જ બબાલ, સાચું શું હશે અને ખોટું શું હશે તે શોધવાની !! (હે ઠેકામણીની રમતના ખેલંદાઓ, આ ભવિષ્યના ભુપેન્દ્રસિંહ, અશોકભાઇ તથા કેટલાયે મિત્રોની તો જરા દયા ખાઓ !!)

તો હવે વળી એક અંતિમ સત્ય !! (’કેટલા સત્યોને તમે અંતિમ સત્ય તરીકે ઓળખાવશો અશોકભાઇ ?’ જવાબ: અત્યાર સુધીમાં તો અંતિમ સત્ય એક જ લાધ્યું છે કે ” કોઇ સત્ય અંતિમ નથી હોતું ” !!) બહુ હરખપદુડા ન થવું ! વખાણી ખીચડી દાંતે ચોટે વાળી કહેવત યાદ રાખવી, એક મહાન આત્મા પાછળ લોક બહુ ઘેલું ઘેલું થયેલું, પેલા ઘરમાં ઘુસી અને લાફો મારી ગયા ! તે પછી ’હું તો કે‘તો તો ! બાપાની સાઠે નાઠી છે !!’નાં આલાપ કાઢી વિલાપ કરવા પડ્યા ! આપણે વ્યક્તિપૂજક છીએ અને માટે દર વખતે છેતરાઇએ છીએ ! વિચારને મુકી વ્યક્તિને પકડીએ છીએ. પછી વિચાર ગૌણ અને વ્યક્તિ મહાન બનવા માંડે છે. શાણા લોકો કહી ગયા છે કે પડછાયો પગમાં રહે ત્યારે સુરજ સોળે કળાએ તપતો હોય છે, પડછાયો પોતાનાથી પણ લાંબો દેખાવા માંડે તે આથમતા દિવસની નિશાની છે ! અત્તરનો ધમધોકાર વેપાર અને મઘમઘતી સુગંધ મુકી કોલસાની દલાલીમાં કાળા હાથ કરવાની હોંશ ચઢવા માટે બહુ મજબુત કલેજું જોઇએ !! આપણી પાસે તો આવું લોખંડી કાળજું નથી તેથી અહીં જ પૂર્ણવિરામ !!

હવે જરૂર સોનાનો સુરજ ઉગશે એ આશાએ બે દિવસ અને એક રાત્રીના ઉજાગરા વેઠીને હાથ આવેલા કેટલાક અતિગમ્ય સુવાક્યો કે સુવિચારો :

* હું કોઇને મારતો નથી, અને મારવા આવે તેને છોડતો નથી !

* સૌ કહે છે કે ભ્રષ્ટાચાર ન હોવો જોઇએ, તો પછી ભ્રષ્ટાચાર કરે છે કોણ ?

* હું મરવાથી નથી ડરતો પરંતુ મરવું મને પસંદ નથી !

* ઘણા લોકો એટલા ભોળા હોય છે કે ત્રણ ત્રણ દહાડા હરખે હરખે મહેમાનગતી કર્યા પછી ખબર પડે કે, આલે લે ! આવડો આ તો ઠગ છે !!

* ભારતની પોલીસે, વિશ્વની સૌ પ્રથમ, મહીલાઓના દુપટ્ટા વડે એનકાઉન્ટર કરવાની તકનિક શોધી કાઢી છે !

* ગાંધીની તો આખી પેઢી અને ભગતસિંહ, સુખદેવ, રાજગુરૂ જેવા ક્રાંતિકારીઓ ખરે જ ભોળા હતા કે ક્રાંતિના બ્યુગલો ફૂંકી, મરવા કે માર ખાવાની સંપૂર્ણ ખાત્રી હોવા છતાં, માત્ર સત્ય પોતાના પક્ષે છે તે ખાત્રી કરાવવા હસતાં હસતાં ધરપકડ વહોરતા ! કદાચ ત્યારે તેમને મહિલાઓનો સપોર્ટ નહીં પ્રાપ્ત થતો હોય !!

* અને રાજકારણીઓનું પેલું જુનું અને જાણીતું વાક્ય; ’હું હાર્યો નથી, મને હરાવવામાં આવ્યો છે !’ નું નવું વર્ઝન, ’અમે કશું લખ્યું નથી, અમને ફોસલાવીને લખાવવામાં આવ્યું છે !’

* એક રાજકારણીને એ વાતે બહુ આશ્ચર્ય થયું છે કે બાબા પણ !! પોતાના વચનમાંથી ફરી ગયા ! (આ તો અમારો ધંધો કહેવાય !). અરે મારા ભોળા નેતાજી ! શું તમે જાણતા નથી ? અહીં તો બાબાઓ માટે વણલખ્યો નિયમ જ છે કે; ’ફરે તે ચરે’ !! એ થોડા રાજકારણી છે કે પહેલાં ચરે અને પછી ફરે ?!! (એકમાંથી બીજા પક્ષમાં !)

* સૌથી મહાન જ્ઞાન તો એ પ્રાપ્ત થયું કે ’પારદર્શિતા’ની અવનવી વ્યાખ્યાઓ સમજમાં આવી ! ચારે દિશાઓથી !!

તો ભાઇઓ અને બહેનો, આ લેખ પણ મેં લખ્યો નથી ! મને લખવા પ્રેરણા અપાઇ છે !! બહુ ગંભીરતાથી આખા મામલાને સમજવામાં શેર એક લોહી બાળ્યા પછી અચાનક શ્રી રાજેશભાઇનું કાવ્ય વાંચવા મળ્યું, અને મને પણ ગુરૂજ્ઞાન લાધ્યું કે નકામા લોહી ઉકાળા કર્યા ! આ તો….. !!  જવા દો, આથી તો આપણું પેલું ગીતગોવિંદ ભલું ! બીજો હપ્તો આવે જ છે. બસ થોડા સા ઈન્તઝાર ! આભાર.

22 responses to “બેબીબાબા !

 1. બાબાને મહિલાના સફેદ પંજાબીમાં જોયા.હવે સ્ત્રીના કપડા પહેરી ભાગી ગયા બચી ગયા,પછી એ કપડા પહેરી રાખી ટીવી ઉપર આવવાની જરૂર હતી?કે પબ્લીસીટી સ્ટંટ હતો?પોલીસ મૂરખી તો નહોતી કે એમ એન્કાઉન્ટર કરી નાખે.પ્લેનમાં હરિદ્વાર ઉતાર્યા ત્યાં સુધીમાં કપડા તો બદલી લેવાય.આપણા દેશમાં બાબાઓ અને નેતાઓ બંને સરખા ઉસ્તાદ છે.આ લોકો બોર્ન એક્ટર હોય છે.ગમેતેટલાં પંજાબી પહેરે આટલી મોટી દાઢી ક્યા છુપાવવાના હતા? બહુ સુંદર ખૂબ મજા આવી.

  Like

  • આભાર, બાપુ.
   દાઢી તો હવે બહેનો દુપટ્ટાની બુકાની બાંધે છે ને તેમ બાંધી અને છૂપાવેલી. મારો લેખનો ઈરાદો કોઇને સારા-ખરાબ કરવાનો કે ઉદ્દેશની સારાસારની ચર્ચાનો નથી પણ ’સત્યાગ્રહી’ઓ મોં છૂપાવીને ભાગે તે પણ મેં પ્રથમ વખત જાણ્યું આથી જરા હળવા સૂરમાં વિરોધ નોંધાવ્યો ! જે પ્રકરણ થયું તે બહુ દુર્ભાગ્યપૂર્ણ જ થયું, અને એ દુર્ભાગ્ય ભારતની સામાન્ય પ્રજાનું છે નહીં કે સરકારનું કે કોઇ બાબાઓનું એવું મારૂં સ્પષ્ટ મંતવ્ય છે. કારણ જનસામાન્ય માટે તો એક સાપનાથ છે તો બીજો નાગનાથ !! દરેકે મુજ સમાન ભોળી પ્રજાના વિશ્વાસને ઠેસ પહોંચાડી છે અને એ વાતનું કોઇને પાછું જરાએ દુઃખ પણ નથી ! એટલે ખરેખર તો હા ’હાસ્યલેખ’ હૃદયમાં ઉભરાયેલ ગુસ્સો અને નિરાશાની ચરમસીમાએથી પ્રગટ્યો છે. કહે છે ને ’દર્દ જબ હદ સે ગુજર જાયે દવા હો જાતા હૈ !’

   Like

 2. યોગગુરુ રામદેવ બાબા જો પતંજલિ મહારાજનો યોગ શીખવવાનો દાવો કરતાં હોય તો પાંચ મુખ્ય ક્લેશ માં જે છેલ્લો ક્લેશ અભિનિવેશ છે તેને પણ જેમણે જીત્યો નથી તે બીજા લોકોના પંચ ક્લેશ કેમ કરીને દૂર કરી શકશે?

  યોગ અને રાજકારણ – બાવાના બેય બગડ્યાં.

  Like

  • આભાર, અતુલભાઇ.
   આપની વાત સાચી છે. પણ એ યોગીઓ માટેની છે, અને આ બાબા યોગી કમ બિઝનેશમેન છે માટે આપણે તેમને સિદ્ધાંતોમાં થોડી રાહત આપવી જોઇએ !! ’બાવાના બેય બગડ્યા’માં થોડો સુધારો કરૂં તો ’બાવાએ બધાયનું બગાડ્યું’ !! કે ખોટી વાત ?

   Like

  • શ્રી અશોકભાઈ,
   સિદ્ધાંત સાથે બાંધ છોડ કરી કરીને તો આ બાવાઓએ બધાનું બગાડ્યું છે. જો તમે નબળો ઈલેક્ટ્રીકનો સામાન આપો તો ગ્રાહક વાંધો ન ઉઠાવે?

   જાગો સમર્થકો જાગો

   Like

 3. અશોકભાઈ.. મજા આવી.
  થોડું અમારા તરફથી…
  * કપિલ સિબ્બલ એમ કહે કે યોગીબાબાએ રાજનીતિ ન કરવી જોઈએ! યોગા જ કરવા જોઈએ.
  – કેમ ભાઈ તમે વકીલ થયા છો તો વકીલાત જ કરોને ! રાજીવજી પાઈલોટ હતા છતાં પ્લેન ચલાવવાનું છોડીને દેશ ચલાવવાનું કામ હાથ પર નહોતું લીધું ?

  Like

  • આભાર, યશવંતભાઇ.
   અમને પણ વરસમાં એક બે સલાહ માંગનારા મળી આવે છે ! કહે, જરા સૂચવો શો ધંધો કરીએ ? અમારી સલાહ એ જ હોય; બીજો ગમે તે કરો પણ ઈલેક્ટ્રીકનો ના કરશો 🙂 નાહક એક હરીફ વધુ ઉભો થાય તે કોને ગમે ? સિબ્બલ સાહેબ પણ આવું વિચારતા હોય કદાચ !

   Like

 4. *દિગ્ગુજી કહે છે કે- બાબા ઠગ છે.
  – અરે ભાઈ.. તમારી સરકાર છે. તમારા નેતાઓ બાબા સાથે મંત્રણા કરવા બેઠા ત્યારે ઠગ ન લાગ્યા! મંત્રણા પછી મજા ન આવી ત્યારે તમે કોઈને ઠગ કહો તો કાલ ઊઠીને સામેવાળો તમને મહાઠગ ન કહે ?

  Like

 5. *બાબા ઠગ છે કે સંત છે.. કોણે કોને દગો દીધો … એ તમામ વાતો બાજુ પર રહી જાય છે.
  અર્ધી રાત પછી લોકો પર પોલીસે જે રીતે લાઠીઓ વરસાવી છે એનો તો કોઈ બચાવ જ ન હોઈ શકે.
  ન એની મજાક થઈ શકે.
  અગર કોઈ અઘટિત બનવાનો ડર હતો તો લોકોને ચેતવણી આપીને વિખેરી શકાયા હોત!
  અરે! ત્રાસવાદીઓને પકડતી વખતે કે મારતી વખતે પણ ધ્યાન રાખવામાં આવે છે કે – પ્રજાને તકલીફ ન પડે.
  બોમ્બની બીકના કારણે લોકોને એકઠા ન થવા દેવા હોય તો કોઈપણ સંજોગોમાં ન થવા દેવા જોઈએ! ચૂંટણીસભામાં પણ નહીં! પછી ભલે એ સભા સોનિયાજીની હોય કે અડવાનીની હોય. દૂધના દાઝ્યા દૂધ પણ ફૂંકીને નથી પીતા ને હવે છાશ ફૂંકીને પીવાની વાત કરે છે!
  ચાલ્યા કરે!

  Like

 6. *ભાજપવાળાના મોં પર લાલી દેખાવા લાગી છે! એટલો પણ વિચાર નથી કરતા કે -ક્યાં બેઠા છીએ ને શા માટે બેઠા છીએ. જેને લાઠીઓ પડી છે તેમની પીડાનો જરા પણ ખ્યાલ હોય તો ચહેરા પર હાસ્ય ફટફાટ ન થતું હોય!
  કોની પાસેથી ગંભીરતાની અપેક્ષા રાખવી ?
  નેતાઓ એકબીજા પર વ્યંગબાણો છોડે છે! ને એના એ જ બાણો સાભાર પરત થઈને એમને જ વાગે છે!
  ના.. ના… વાગતા નથી! એમની જાડી ચામડી સાથે અથડાઈને બાણ તૂટી જાય છે.

  Like

 7. બાબા જે હોય તે લોકો તો નિર્દોષ હતા,અંગ્રેજોને શરમાવે તેવું સરકારે કર્યું છે.તેનો બચાવ થઇ ના શકે.ખંધી સરકારો અન્ના અને બાબાને છેતરવાની જ હતી.કોંગ્રેસનો મૃત્યુ ઘંટ વાગી ચૂક્યો છે તે નક્કી.અહીં મોદી એકેય સીટ કોંગ્રેસના ભાગે નહિ જવા દે તે પણ નક્કી.પ્રજાએ એવો રેકોર્ડ ગુજરાતમાં તો કરવો જ જોઈએ.’રામલીલા મેદાનમાં રાવણલીલા ખેલાઈ ગઈ’મોદીના હાથમાં મજબુત સ્લોગન આવી ગયું છે.

  Like

 8. અશોકભાઈ લેખ એટલો ગમ્યો કે શ્રીમતીજીને મોટેથી વાંચી સંભળાવ્યો. ભૂપેન્દ્રસિંહભાઈએ પણ હેલીકૉપ્ટરમાં કપડાંબદલાવી લેવાનું વ્યવહારૂ સૂચન રજૂ કરીને તમારા લેખ પર કલગી જડી દીધી. લાલૂ યાદવની કૉમેન્ટ મિસ કરી હોય તોઃ બાબા ગેરુએ કે બજાય સફેદ કપડોં મેં અચ્છે લગતે હૈં!”
  યશવંતભાઈ, રાજઘાટ પર પહેલી વાર નાચગાન યુક્ત ધરણાનું આયોજન થયું. હરખનું કારણ શું? એવી ખાતરી કે આ સરકાર વિદેશોમાંથી ધન પાછું ન લાવવા કૄતસંકલ્પ છે? કે બાબાને ભગાડી દેવાયા એનો આનંદ? કોણ ઠગ અને કોણ મહાઠગ?
  તે સિવાય, ગંભીરતાથી વાત કરૂં તો યશવંતભાઈ અને ભૂપેન્દ્રસિંહભાઈ સાથે સંમત છું કે નિર્દોષ લોકો પર જે અત્યાચાર થયો એ હસવાની વાત નથી, ચિંતાની વાત છે. ડોશી મરે તેનો વાંધો નથી જમ ઘર ભાળી જશે એ મોટું જોખમ છે.

  Like

  • આભાર, દિપકભાઇ.
   સાવ સાચું કહ્યું, ડોશી મરે કરતાં જમડાં ઘર ભાળી જાય તે ખરે જ ચિંતાની વાત છે. કલમ ૧૪૪નો દુરઉપયોગ અને પ્રજાના અવાજને દબાવી શકાય તેવી ધારણા સરકારોમાં ઘર કરી જશે પછી, સરકાર ગમે તે હોય, સામાન્યજન પાસે પાંચ-પાંચ વર્ષની ગુલામીનો વિકલ્પ જ બચશે. હા, ન્યાયીક પ્રક્રિયાઓ વગેરે હોય છે પણ એ સામાન્યજનની પહોંચની બહારની વાત છે. આ નિષ્પક્ષપણે, બહુ ઉંડો વિચાર અને બહોળી ચર્ચા માંગતો મુદ્દો છે. જેની સામાન્યજનોએ જ છણાવટ કરવી જોઇએ. આભાર.

   Like

 9. અશોકભાઈ ખૂબ મજા આવી ગયી સાચેજ.

  Like

  • મને ખબર હતી !!! બહેનોને તો મજા આવશે જ !! (એટલે કે મારા લેખને કારણે નહીં, બાબાએ પણ અંતે તો બહેનોનું શરણ લેવું પડ્યું તે કારણે 🙂 ) મારે તો ઘરમાં એ આ બે-ચાર દહાડાથી અવાજ ઊંચો નથી કરાતો ! તુરંત કહે છે; જોયા મોટા દાઢીમુછનાં ધણીઓ ! બચવું હોય ત્યારે બાયુના કપડાં જ કામમાં આવશે !!! (દિપકભાઇનું ’ડોશી મરી પણ જમ ઘર ભાળી ગયો’ વાળું વાક્ય અહીં પણ બહુ બંધબેસતું લાગે છે 🙂 )
   આભાર, પારૂબહેન.

   Like

 10. રાજ્કારણ અને રાજકારણીઓ સાથે કોઈ સંબંધ ના હોવા છતાં આ સરકાર અત્યંત કુટિલ જણાઈ છે. સ્વતંત્રતાની ચળવળ વખતે પણ બ્રિટિશ સરકારે આવું દમન કે અત્યાચાર મધ્ય રાત્રિએ કર્યાનું જાણ્યું નથી. આ સરકાર બાબા કે અન્ય કોઈની હત્યા કરતા પણ હિચકિચાટ અનુભવે તેમ નથી તે બહુ જ સ્પષ્ટ છે. અન્નાજીની સાથે કિરણ બેદી અને બે સીનીયર એડવોકેટો ભુષણ બાપ-દિકરો હતા અને છે જે કાયદાની ભાષા અને આંટી-ઘુંટી સમજી શકવા સક્ષમ હોવાથી અન્નાજી બચી ગયા નહિ તો અન્નાજીની હાલત પણ બાબા જેવી જ થાત તેમાં મને કોઈ શંકા નથી. આજ પણ જંતર-મંતર ઉપર અનશન ઉપર બેસવાની સરકારે રજા આપી નથી. આ સરકાર વિદેશી સરકારને સારી કહેવડાવે છે. આ વડાપ્રધાન માત્ર નામ પૂરતા વડા પુરવાર થયા છે. દિલ્હીમાં અશાંતિ અને ભારેલો અગ્નિ હોવા છતાં જેમના ઉપર વડાપ્રધાન પદ ધરાર લાદવાનું છે તે રાહુલ બાબો લખનૌ તેના સાથીદાર દિગ્વિજય સાથે ચૂંટણીની તૈયારી કરવા ગયો છે. આજ સુધીમાં જ્યા જ્યાં ચૂંટણીઓ થઈ ત્યાં ત્યાં ભુતકાળમાં હતી તે કરતા સીટો ઓછી મળી છે જે રાહુલ બાબાનું ચૂંટણી અંગેનો વ્યુહ ગોઠવવાની આવડતનો પુરાવો છે. કોંગ્રેસના દિવસો પૂરા થવામાં છે તે નિઃશંક જણાય છે.

  Like

  • આભાર, અરવિંદભાઇ.
   આપે સારૂં રાજકીય વિશ્લેષણ આપ્યું છે. આપની પાસે અનુભવજ્ઞાન વધુ હોય આપ આવું જણાવી શકો. અમારી પાસે રાજકારણનું કે અનુભવનું ખાસ જ્ઞાન ન હોવાથી એમના આટાપાટાઓ સમજી ના શકીએ. પણ એટલું ખરૂં કે રાજકારણના ક્ષેત્રે કોઇ મહત્વની ઘટના બને તે પર, મતદાર તરીકેની બહુમોટી જવાબદારી નિભાવતા હોવાને કારણે, સૌએ ધ્યાન આપી તેની સ્વતંત્ર મુલવણી કરવી જોઇએ. આભાર.

   Like

 11. અશોકભાઇ લેખ સરસ. મને તો મહેનતને અંતે આપના અતિગમ્ય સુવાક્યો ગમ્યાં. ગીતગોવિંદના આગળના લેખની રાહ જોઇએ.

  Like

  • આભાર, મિતાબહેન.
   જેમ અતિ આનંદને કારણે આંખમાંથી આંસુ નીકળે છે ને તેમ અતિ શોકને કારણે ક્યારેક હાસ્ય ફૂટે છે !! (પાગલ લોકોને તો આપે ક્યારેક જોયા જ હશે ! તેઓ અમસ્તા અમસ્તા ખડખડાટ હસતા રહેતા હોય પણ પાગલ કંઇ આનંદને કારણે ના થયા હોય !!) ’ગીતગોવિંદ’ આ પછીના લેખમાં જ આગળ વધારીશું. આભાર. (અને હા, આગળ પારૂબહેનને જણાવ્યું તે આપ પણ વાંચી લેશો, ક્યાંક મેં કશું ખોટું તો નથી કહ્યું ને ?)

   Like

 12. અશોકભાઈ, સૌથી પહેલા તો આવો સરસ હાસ્યવ્યંગથી ભરપૂર લેખ વાંચીને મઝા પડી ગઈ. અમારી ખાડિયાવાળાઓની ભાષામાં કહું તો જલ્સો પડી ગયો બોસ.

  મને તો અહીં બેઠાં આ ઘટનાના કોઈ સમાચાર મળતાં નથી. યશવંતભાઈ અને અરવિંદભાઈની વાત તદ્દન સાચી છે. અંગ્રેજોએ જલિયાંવાલા બાગનો જે કાંડ કર્યો તેને આપણે આજે પણ અંગ્રેજોના દમનકારી વલણ તરિકે ગા ગા કરીએ છીએ. શું એ જ ઇતિહાસના પાના પર આ રામલીલા કાંડ પણ એ જ કેટેગરીમાં કે એનાથી પણ ખરાબ કેટેગરીમાં મુકીશું? જો હા, તો એ કયો ઇતિહાસકાર વિરલો હશે જે આવું કરવાની હિંમત કરશે? કે પછી કોઈક વિર કવી આ કાર્યને સરકારની યશગાથા તરિકે ચુંટણી પ્રચારમાં લાઉડસ્પિકર પર ગાઈ-વગાડશે? તમારી સાથે પણ સહમત થાઉ છું કે ચુંટણી સમયે મતદાતા તરિકે સૌએ ધ્યાન આપી તેની સ્વતંત્ર મુલવણી કરવી જોઇએ, પણ આ સૌમાં ખરેખર સ્વતંત્ર મુલવણી કરનારા કેટલાં? આપણે આજકાલ એ જ જોઈએ છીએ જે પ્રચાર માધ્યમો આપણને દેખાડે છે અને એ જ વાંચીએ છીએ જે છાપાંઓ આપણને વંચાવે છે (આપણે એટલે સામાન્ય જનતા, બ્લૉગર્સ અને બ્લૉગ રિડર્સને બાદ કરીને). મને ખબર નથી કે મિડિયા આ આખી ઘટનાનું કેવી રીતે કવરેજ કરી રહી છે? તેમનો ઝુકાવ કોની તરફ છે? અને કોને ઘેરામાં લીધા છે?

  Like

 13. આદરણીય શ્રી અશોકભાઈ,

  ખુબ સરસ વાક્યો સાથે સુંદર નિરૂપણ કરતો લેખ ચાર ચાંદ લગાવે તેવો છે.

  બેબી બાબા હવે બેબો બાબા બની ગયા. કરવા નીકળ્યા વેપાર ને થઇ ગયું

  રાજકારણ. અત્યારે ભા.જ.પ વાળા સાથે છે પણ વાકું પડશે ત્યારે સામે થશે.

  “સત્તાની સાબરમતીમાં તરી તરીને નાણાંની નર્મદા તો વહી ગઈ

  કૌભાંડોથી કાવેરી પણ શરમાઈ ગઈ.હવે ચુંટણી ગંગામાં ન્હાશો કેટલા? “

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s