ભણે નરસૈંયો – મારા સ્થળકાળને જાણો !


મિત્રો, નમસ્કાર.
આ પહેલાનાં લેખમાં આપણે નરસિંહ મહેતાની રચનાઓ વિશે કેટલીક માહિતીઓ મેળવેલી. તેમાં મિત્રોએ રસભરી ચર્ચાઓ પણ કરી અને ચર્ચાઓ થકી ફરી નવા લેખનો વિચાર આવ્યો. આજે આપણે એ જાણવાની કોશિશ કરીશું કે જે સમયગાળામાં નરસિંહ થયા તે સમય કેવો હતો. કારણ ઐતિહાસિક પાત્રોને વખાણવા-વખોડવા બહુ સહેલાં પડે પણ સાચું મુલ્યાંકન અને તેઓના સંઘર્ષ અને મનોવૃતિનું સાચું ચિત્ર તો ત્યારે મળે જ્યારે આપણે આપણી જાતને એ સ્થળકાળમાં મુકી અને જોઇએ !

તો આપણે વાત કરીએ છીએ નરસિંહ મહેતાના સમયકાળની, નરસિંહ ૧૪૧૪ (કોઇ ૧૪૦૪ કહે છે)થી ૧૪૮૧ ના સમયગાળામાં થયા પાંચ-સાત વર્ષ આમતેમ ગણો તોય આ ઈતિહાસસિદ્ધ સમયગાળો નિશ્ચિત છે. પ્રથમ એ સમયગાળાને સમજવા માટે આપણે આસપાસના સમયની થોડી મહત્વની તવારિખ અને તદ્‌પશ્ચાત ઈતિહાસના અધિકૃત દૃષ્ટિકોણથી એ આસપાસના સમયની વિવિધ સ્થિતિઓનું પણ ટુંક અવલોકન કરીશું.

* ૧૪૦૭ : ઝફરખાન નામનો ગુજરાતનો સુબો, દિલ્હીના તખ્ત પરની આંધાધૂંધીનો લાભ લઇ, સુલ્તાન મુઝફ્ફરખાન નામ ધારણ કરી, પોતાને ગુજરાતનો સ્વતંત્ર સુલ્તાન જાહેર કરે છે.
* ૧૪૧૪-૧૪૮૧ : નરસિંહ મહેતા
* ૧૪૫૧-૧૪૭૨ : રા માંડલિક (જુનાગઢનો છેલ્લો રાજપૂત રાજા)
* ૧૪૫૮-૧૫૧૧ : મહમુદ બેગડો (ગુજરાતનો સુલ્તાન)
* ૧૪૬૭ : મહમુદની જુનાગઢ પર ચઢાઇ
* ૧૪૬૯ : ગુરુ નાનકનો જન્મ
* ૧૪૯૭-૧૪૯૯ : વાસ્કો-દ-ગામાની ભારતની પ્રથમ સફર
* ૧૬૩૦ : શિવાજી (જન્મ)
* ૧૬૯૯ : ગુરુ ગોવિંદસિંહ દ્વારા ખાલસાપંથની રચના

હવે આપણે સોમનાથની કેટલીક મહત્વની, તવારિખ જોઇશું;
* સોમનાથની પ્રથમ સ્થાપના વિશે (મને !) જાણકારી નથી, પણ તેને સમરાવવાનું કાર્ય વલ્લભી સામ્રાજ્યનાં યાદવ રાજા દ્વારા સને.૬૪૯ આસપાસ થયાની ઐતિહાસિક નોંધ છે.
* ૭૨૫: સિંધના આરબ સૂબાએ તોડ્યાની અને પ્રતિહાર રાજા નાગભટ્ટ બીજાએ ૮૧૫માં લાલ રેતપથ્થરો વડે બંધાવ્યાની નોંધ છે.
* ૧૦૨૪ : મહમદ ગઝનીએ તોડ્યું.
* ૧૦૨૬-૧૦૪૨ : માળવાના ભોજ અને પાટણના ભીમદેવે સમરાવ્યું.
* ૧૧૪૩-૧૧૭૨ : કુમારપાળે તેને ફરીથી સમરાવ્યું, લાકડાનું અમુક બાંધકામ કાઢી પથ્થરો વડે ચણતર કર્યુ.
* ૧૨૯૬ : અલ્લાઉદ્દિન ખીલજીએ તોડ્યું.
* ૧૩૦૮ : ચુડાસમા રાજા મહિપાલદેવે ફરી બાંધ્યું અને તેના પુત્ર ખેંગારે ૧૩૨૬-૧૩૫૧ વચ્ચે તેમાં શિવલિંગની સ્થાપના કરી.
* ૧૩૭૫ : મુઝફ્ફરશાહ પહેલાએ તોડ્યું.
* ૧૪૫૧ : મહમુદ બેગડાએ તોડ્યું.
* ૧૭૦૧ : ઔરંગઝેબે તોડ્યું.
* ૧૭૮૩ : અહલ્યાબાઇ હોલકરે ફરી નવું મંદિર (અલગ સ્થાને) બાંધ્યું, અને હાલનું મંદિર સ્વતંત્રતા બાદ બંધાયું તે જાણીતો ઈતિહાસ છે.
અહીં ૧૩૭૫ થી ૧૭૮૩ વચ્ચેના સમયગાળા પર ધ્યાન આપો તો એક વસ્તુ એ દેખાશે કે મુઝફ્ફરે આ મંદિર તોડ્યા પછી ફરી સમરાવાયેલું ન હોવા છતાં, એ સમયનાં મુસ્લિમ શાસકોમાં એક પ્રકારની પ્રસિદ્ધ થવાની (બૂતભંજક તરીકે નામ કાઢવાની) હોડ હતી તે કારણે ખંડેરોને વારંવાર તોડવાની ચેસ્ટા કરી ’અમે આ પરાક્રમ કર્યું’ તેવું દર્શાવવા માત્ર જ સોમનાથના ખંડેરોના બે-પાંચ પથ્થરો આમતેમ કરી મહમદ ગઝનીની હરોળમાં બેઠાનો સંતોષ માનતા હતા !!

હવે “સૌરાષ્ટ્રનો ઈતિહાસ” નામક પ્રસિદ્ધ ઈતિહાસગ્રંથ, જે જાણીતા ઈતિહાસવિદ શ્રી શંભુપ્રસાદભાઇ દેસાઇ (નિવૃત IAS) દ્વારા સંશોધન કરી લખાયેલો છે તેની ૧૯૬૮ની બીજી આવૃતિ મારી પાસે છે, તેના આધારે ત્યારના સમયની વિવિધ સ્થિતિઓનો ટુંક પરિચય કરીએ.

** અંત = ઇ.સ. ૮૭૫ થી ઇ.સ.૧૪૭૨નો સમય સૌરાષ્ટ્રના ઈતિહાસમાં ’રાજપૂત સમય’ તરીકે વર્ગીકૃત થયેલો છે. ત્યાર પછીનો સમયગાળો મુસ્લિમ શાસનકાળ તરીકે નોંધાયો છે. આપણા આ નરસિંહ મહેતા આ રજપૂત સમયના અંત અને મુસ્લિમ શાસન કાળની શરૂઆતના સંધિકાળમાં થયેલા ગણાય. આપણે રાજપૂત સમયના અંતકાળની માન. ઈતિહાસકારે નોંધેલા તારણોથી ટુંકમાં વાકેફ થઇએ.

“રાહ માંડલિકના પતન સાથે સૌરાશઃટ્રમાં રાજપૂત યુગનો અંત આવ્યો. વિક્રમની પંદરમી સદીમાં સૌરાષ્ટ્રમાં જૂનાગઢ એક જ એવું રાજ્ય હતું કે જેનું અસ્તિત્વ નષ્ટ કરવા ગુજરાતના બળવાન સૂબાઓ અને સુલતાનોને એકસો અને બોંતેર વર્ષો લાગ્યા.

રાજપૂતોમાં અપાર વિરતા હતી…આ સમયમાં સૌરાષ્ટ્રમાં એકલા રાજપૂતો જ નહીં પણ કાઠીઓ, આહિરો, રબારીઓ વગેરે “કાંટીયા” કોમો અને નાગરો, બ્રાહ્મણો, વણિકો, લુહાણા અને અન્ય જ્ઞાતિના મર્દો પણ યુદ્ધે ચડતા. પ્રજાનો શ્રમજીવી વર્ગ તેમના રાજાઓ માટે, દેશ માટે, અને સ્વાતંત્ર્ય માટે તેમના ધનકોષનો વ્યય કરતા કે તન તોડીને સેવા આપવા છતાં તેમનો પરાજય શા માટે થયો ?…આ સમયના રાજપૂતો અને અન્ય પ્રજા ધર્મના નામે ચાલતી અંધશ્રદ્ધાળુ ભક્તિમાં આતિશય પ્રવૃત હતી. તેઓ વહેમ, જ્યોતિષ, શુકન-અપશુકન, ખાદ્ય-અખાદ્ય, એવા અનેક દુષ્ટ વર્તુલોમાં ફસાઈ ગયા હતા. તેઓના પુરૂષાર્થ અને પ્રાબલ્ય ઉપર તેના પરિણામે અંકુશ મુકાઇ ગયો હતો.

વિશેષમાં આંતરિક કલહો, કલેશ અને કુસંપના કીડાએ સમાજ અને દેશને કોરી ખાધો હતો. અંદરો અંદરના યુદ્ધો અને અનુમાનિક કે અંગત કારણોને લઇ રાજાઓએ તેમની શક્તિ વેડફી નાખી હતી…તેમની નીતિ અને યુદ્ધના આચાર તેમને અંતરાયરૂપ અને અવરોધક થયાં…મુસ્લીમોનું યુદ્ધ કૌશલ્ય, શિસ્ત, આયોજન, જાસુસી અને એવી અનેક વિશિષ્ટતાઓનો તેઓએ અભ્યાસ કર્યો નહીં. તેમાંથી કાંઇ બોધપાઠ લીધો નહિ અને તેમની જૂની અને પુરાણી ઘરેડમાંથી બહાર નીકળી કોઇ પણ નૂતન પદ્ધતિ વિચારી નહીં.”

** ધર્મ = “શંકરાચાર્યના પ્રબળ પરિશ્રમના પરિણામે આ યુગના પ્રારંભમાંજ બૌદ્ધ ધર્મનો ઉચ્છેદ થઇ ગયો. વૈદિકધર્મનું સંસ્થાપન થયું. પ્રજાએ પૌરાણિક ધર્મનો વિશેષ આદર કર્યો અને શૈવ, વૈશ્નવ, શાક્ત આદિ સંપ્રદાયોનું પરિબળ વધ્યું. રાજાઓએ વૈદિકધર્મને આશ્રય આપ્યો અને સાથોસાથ બ્રાહ્મણ સિવાયના વર્ણો માટે વૈદિક ધર્મના સિદ્ધાંતો ઉપર રચાયેલાં પુરાણોનો પ્રચાર પણ બ્રાહ્મણોએ કરી પોતાની ઉદરપૂર્ણા માટે પ્રબંધ કર્યો.

દેવદેવીઓની માનતા, બલિદાનો, ભોગ અને તેમના ક્રોધ કે કૃપાથી થતા લાભા હાનિની વાર્તાઓ પ્રચલિત થઇ. તીર્થસ્થાનોનું મહાત્મ્ય વધ્યું અને અંધશ્રદ્ધાના ગાઢ તિમિરમાં પ્રજા ગ્રસ્ત થઇ.

તેમ છતાં “દ્વૈતાદ્વૈત અને અદ્વૈતાદ્વૈત”, “બ્રહ્મ સત્ય જગત મિથ્યા”, “અહં બ્રહ્માસ્મિ”, વગેરે સિદ્ધાંતો પર ચર્ચા થતી રહી. પરંતુ પ્રજાનો મોટો વર્ગ પૌરાણિક સંપ્રદાય પ્રતિ વિશેષ આકર્ષાયો. શૈવ સંપ્રદાયનો આ યુગમાં સવિશેષ પ્રચાર થયો. વૈશ્નવ સંપ્રદાય પણ આ સમયમાં વિશેષ પ્રસર્યો. શૈવ સંપ્રદાય બ્રાહ્મણો અને રાજપૂતોમાં પ્રચલિત થયો ત્યારે વૈશ્નવ સંપ્રદાય વૈશ્યોને આકર્ષી રહ્યો હતો. ક્ષત્રિયો બહુધા શાક્ત હતા છતાં શિવપૂજાને પણ સરખું અગત્ય આપતા. જો કે રાજપૂતોએ પણ વિષ્ણુભક્તિ સ્વીકારેલી. વિ.સં.૧૨૦૨માં લખાયેલા રાજા જયસિંહના શિલાલેખમાં આરંભે ’ઓં નમો ભગવતે વાસુદેવાય’ લખ્યું છે. તે ઉપરથી જાણી શકાય કે આ સુત્ર તેરમી સદીમાં સર્વસ્વિકૃત થઇ ગયું હતું.

નરસિંહ મહેતાના સમયમાં વિષ્ણુ ભક્તિના પ્રવાહમાં મોટો સમુહ તણાયો હતો. નરસિંહ જેવા વેદાંતી અને જ્ઞાની ભક્તકવિએ કૃષ્ણાવતારની ભક્તિને સવિશેષ પ્રચલિત કરી. પરંતુ એમ પણ જણાય છે કે નરસિંહ મહેતા પહેલાં પણ કૃષ્ણનાં મંદિરો આ દેશમાં હતાં. વિ.સં.૧૩૪૮ના શિલાલેખમાં સારંગદેવ વાઘેલાએ કૃષ્ણની પૂજા માટે દાન આપ્યાનો ઉલ્લેખ છે. (અહીં દેશ કહેતાં સૌરાષ્ટ્ર ગણવું)

વલભી સમયમાં વરાહપૂજાનો પ્રચાર હતો તે અસ્ત થયો અને આ સમયમાં તેનું સ્થાન કૃષ્ણપૂજાએ લીધું. રામચંદ્રજીની પૂજાનો પણ પ્રચાર ક્યાંય હોવાનું જણાતું નથી પરંતુ રામાવતારની પૂજા ન થતી તેમ પણ માની શકાય તેમ નથી. (વિ.સં.૧૩૨૦નો કાંટેલાનો શિલાલેખમાં ’રઘુપ્રભો’ ’મૈથિલિ’ એવા ઉલ્લેખ છે, વિ.સં.૮૩૪ના રતનપુરના શિલાલેખમાં નૃસિંહ અવતારની પૂજાનો પણ ઉલ્લેખ છે)

હનુમાન અને ગણેશની પૂજાના ઉલ્લેખ પણ મળે છે. ઘણા લેખોના પ્રારંભમાં “શ્રી ગજાનનો જયતિ”, “ઓમ નમો ગણપતયે”, “કંપર્દી સંપદેષુ” એવા શબ્દો લખાયેલા મળ્યા છે. પરંતુ આજે જેમ પ્રત્યેક શુભ કાર્યના આરંભે ગણપતિનું નામ લખાય છે તેમ લખાતું નહીં હોય. ઘણા લેખોમાં માત્ર “ઓં” કે “ઓમ નમઃશિવાય” લખાયું છે.

જૈન ધર્મ જેવો ને તેવો ફાલતો અને ફૂલતો રહ્યો હતો. આ સમયમાં શેત્રુંજય, ગિરનાર અને આબુના વિખ્યાત જૈન મંદિરો બંધાયા… સૌરાષ્ટ્રની દાન પરંપરાને જૈનોએ ઉજ્જવળ કરી…તેમાં પણ શ્વેતાંબર દિગંબરના ઝઘડાઓ થતા જ રહ્યા પરંતુ જણાય છે કે મૂર્તિપૂજક શ્વેતાંબરોનું પરિબળ વધુ રહ્યું…જૈનોની સહિષ્ણુતાના અનેક દૃષ્ટાંતો મળે છે, હિંદુઓ સાથે હળીમળીને રહ્યા, સોમનાથના જીર્ણોદ્ધાર માટે પણ હેમચંદ્રાચાર્યે કુમારપાળને આદેશ કર્યાની નોંધ છે…આ સમયમાં જૈન સાધુઓએ પણ સાહિત્ય, કાવ્ય અને ઇતિહાસના ગૌરવપૂર્ણ ગ્રંથો રચ્યા.”

સમાજ = “સમાજ અનેક પ્રકારે પતિત થયો હતો…અમુક રાજાઓના ચારિત્ર્ય અને અનીતિમાન જીવન પરથી સમગ્ર પ્રજાની રહેણીકરણીનો ખ્યાલ કરવાનો રહે છે…પરસ્પર કલેશ, કુસંપ અને કલહમાં પ્રજા ગ્રસ્ત થઇ હતી. રાજાઓ રાજ્ય અને પ્રજા પોતાની અંગત સંપતિ છે તેમ માનતા…અંગત કારણોસર સૈન્યોને જ્યાં ત્યાં લઇ જઇ વિનાશ વેરવામાં તેઓ આનંદ અનુભવતા. વિદેશી પ્રજાઓ તેમની સાથે જે જે અનિષ્ટો લાવી હતી તેનું વિષ પ્રજાની રગેરગમાં પ્રસરી ગયું હતું તેમાં વળી પુરાણોએ દેવી દેવતાનાં ચારિત્ર્યની વિચિત્ર વાતો લખી અગ્નિમાં ઘૃત હોમ્યું હતું.

તેમ છતાં, આર્ય સંસ્કાર અને વૈદિક ધર્મના મૂળભૂત સિદ્ધાંતો, આવા ભયંકર વાવાઝોડામાં અડગ પહાડ જેવા ટકી રહ્યા હતા. જેમ પતિત દશાના દૃષ્ટાંતો છે તેમ ધર્મ તથા દેશ માટે બલિદાન દેવાનાં, વટ અને ટેક માટે સર્વસ્વનો ભોગ દેવાનાં અને ત્યાગીને ભોગવવાના સિદ્ધાંત ઉપર પરાર્થે જીવન સમર્પણ કરવાના ઉજ્જવળ દૃષ્ટાંતો પણ છે…આ યુગમાં શીવલરીની પ્રણાલિકાઓ પડી. ક્ષાત્રધર્મ, સ્વધર્મરક્ષણ અને સ્વદેશરક્ષા માટે મરી ફીટવાની, અનાથ, નિરાધાર, નિઃસહાય અને નિર્ધનને દાન કરવાની, ગૌબ્રાહ્મણ, દેવસ્થાન અને તીર્થસ્થાનોના રક્ષણમાં પ્રાણાર્પણ કરવાની અને નારી સન્માનની આર્ય ભાવના વિકસી અને પૂર્ણતાએ પહોંચી.”

પોશાક = “રાજાઓનો પોશાક અતિકિંમતી હતો. દરબારીઓ તથા અધિકારીઓ પણ કિંમતી પોશાક પહેરતા. લોકો બારીક મસલનના ટૂંકા કડિયાં તથા ધોતિયાં પહેરતા. વેપારીઓ લાંબા ખમીશ તથા લાંબા અંગરખાં પહેરતા (ઈબ્ન હૌકલને આધારે). આ વસ્ત્રોનું કાપડ સૌરાષ્ટ્રમાં જ બનતું. સ્ત્રીઓનો પોશાક આજે પણ ગામડાઓમાં સ્ત્રીઓ પહેરે છે તેવો જ હશે. શહેરોમાં સ્ત્રીઓ બેફાળા સાડલા પહેરતી. નાક, કાન, હાથ, આંગળીઓ તથા ગળામાં સોનાના ઘરેણાઓ પહેરતી. રાજરાણીઓ પગમાં સોનાના સાંકળા અને અન્ય સ્ત્રીઓ ચાંદીના ગંઠોડા કે બેડીઓ પહેરતી.

પુરુષો બાજુબંધ કે કડાં પહેરતા. આંગળીઓમાં વીંટી કે મુદ્રાઓ અને ગળામાં રૂદ્રાક્ષની, સોને મઢેલી કે તુલસીની માળા પહેરતા. પ્રત્યેક જ્ઞાતિ, પ્રાંત, પ્રદેશની પાઘડી જુદા પ્રકારની હતી. રાજપૂતો અને કાંટીયાવરણના લોકો દાઢી પણ રાખતા અન્યથા મૂછો વધારવાનો ચાલ સામાન્ય હતો. શોકનો પોશાક પુરુષો માટે શ્વેત અને સ્ત્રીઓ માટે શ્યામ હતો.

આંખમાં કાજળ સુરમો આંજવાની પ્રથા હતી. સ્ત્રીઓમાં પણ અંજન અને કપાળે કંકુનો મોટો ચાંદલો કરવાની તથા સેથામાં સિંદુર પુરવાનો ચાલ હતો. દાંતે મજીઠ દઇ દાંત રંગવામાં આવતા. ત્રાજવા (છૂંદણાં) ત્રોફાવવાનું પણ પ્રચલિત હતું.”

ભાષા અને લિપિ = “લોકોની ભાષા ગુજરાતી જ હતી. આ ગુજરાતી સ્થાનિક, મારવાડી, સિંધી અને સંસ્કૃતના મિશ્રણમાંથી બનેલી હતી. નરસિંહ મહેતાના મૂળ પદોની ભાષા અને જૈન લેખકોની ભાષા, આજની ગુજરાતી ભાષાથી ભિન્ન છે. તેમાં વપરાયેલા કેટલાક શબ્દો આજે લુપ્ત થયા છે. તેમ છતાં આ જૂની ગુજરાતીનાં ઘણા શબ્દો આજે પણ ગ્રામ્ય જનતા તથા જુની જાતિઓમાં વપરાય છે.
(અહીં એક પ્રશ્ન !! આ “ભણે નરસૈંયો”માંના “ભણે” કહેતાં “ભણવું” ક્રિયાપદનો સાચો અર્થ, ઈમાનદારીપૂર્વક, કેટલાને સમજાયો હશે ?)

વલભીકાળ પછી દક્ષિણ બ્રાહ્મી લિપિનો ઉપયોગ બંધ પડ્યો હતો. સામાન્ય રીતે નાગરી લિપિ સર્વસ્વિકૃત થયેલ હતી. છતાં નવમી સદીના અંત સુધી નાગરી લિપિના અક્ષરોના મરોડમાં એકવાક્યતા ન હતી. દશમી સદી પછી તો દેવનાગરી લિપિના અક્ષરો એક જ મરોડના જોવામાં આવે છે.”

તો મિત્રો, અહીં મેં નરસિંહ મહેતાના સ્થળકાળનો ઇતિહાસના માધ્યમે પરિચય આપવાનો પ્રયાસ કર્યો છે. આ સંપૂર્ણ પરિચય તો નથી પરંતુ આપણને તે કાળ સમજવામાં થોડી અનુકુળતા જરૂર રહેશે. અહીં જે લખ્યું છે તે સંદર્ભગ્રંથના માધ્યમે જ લખ્યું છે આમાં એક અક્ષર પણ ઘરનો ભેળવ્યો નથી. હજુ તો ઘણું ઘણું જાણવા જેવું ઉપલબ્ધ છે, આગળ વધુ જાણીશું, માણીશું. આભાર.

(માહિતીસ્રોત: ’સૌરાષ્ટ્રનો ઇતિહાસ’ અને નેટ પરનાં સંદર્ભો)

11 responses to “ભણે નરસૈંયો – મારા સ્થળકાળને જાણો !

 1. તમારા નિમિત્તે બહુ સારૂં વાંચવાનું મળ્યું. હજી પણ લખવાના છો તે જાણી આનંદ થયો. મેં પહેલાં જ કહ્યું હતું કે એક લેખથી ન ચાલે, સીરીઝ લખો.
  ધર્મને હું સામાજિક પરિબળ માનું છું અને એને ઇતિહાસથી અલગ કરીને જોઈ જ ન શકાય. તમે જોશો કે ભારતવર્ષમાં બધા ભક્તો એક સમયગાળામાં, તેરમી સદીના ઉત્તરાર્ધથી માંડીને સોળમી સદી સુધીમાં થયા. તે પછી ધીમે ધીમે એ પરંપરા ધીમી પડી અને છેલ્લે લુપ્ત થઈ ગઈ. આવું સામાજિક કારણો સિવાય ન બની શકે.
  હવે કઈ પરિસ્થિતિમાં નરસિંહ પેદા થયા તે જાણવામાં રસ છે. એમના વખતમાં શિવ અને વૈષ્ણવ સંપ્રદાયો વચ્ચે ગજગ્રાહ ચાલતો હતો, એ રા’માંડલિકના અને નાગરી નાતના વર્તાવ પરથી દેખાય છે. વિગતો તમારી પાસેથી…

  Like

 2. હવે મજા પડી,અને વધુ પડશે.ખૂબ સુંદર માહિતી ચિતાર જેતે સમયનો આપ્યો.આ સમય હતો વાવાઝોડાનો.અને તકલીફો વધુ પડતી આવે ત્યાં ભગવાન સિવાય બીજું શું યાદ આવે?મેં અગાઉ પણ લખ્યું છે કે લગભગ તમામ ભક્તો આ ગળા દરમ્યાન વધુ થયા હતા.કે ભગવાન આવીને બચાવે આ મુસલમાનોના આક્રમણથી વાવાઝોડાથી.વલ્લભ અકબરના સમકાલીન હતા.મીરાં,દયા,સહજોબાઈ,કબીર,ચૈતન્ય,વલ્લભાચાર્ય,સુરદાસ,અષ્ટસખા,એકનાથ,તુકારામ,નરસિંહ,જીવણ,ગંગાસતી યાદ પણ ના રહે એટલા બધા.અને મેં ભક્તોની ભરમાર લેખમાં શું લખ્યું છે?મુસ્લિમ આક્રાન્તાઓ આવ્યા પછી ભક્તિ મુવમેન્ટ ખૂબ જોર પકડવા લાગી.લોકો નિસહાય બની ભગવાનને પોકારવા લાગ્યા.પ્રજા એક ભ્રાંત દિલાસામાં રાચવા લાગી.ભગવાન આવશે,સબ ઠીક હો જાયેગા.મોટાભાગના ભક્તો આ સમયગાળામાં થયા છે.
  તકલીફોમાં આપણે યોદ્ધાઓ પેદા કરવાને બદલે ભક્તો પેદા કરીએ છીએ.

  Like

  • ભૂપેન્દ્રસિંહભાઈ,
   સાચી વાત છે. પરંતુ એ માત્ર એક કારણ નહોતું. એક બાજુથી મુસલમાન આક્રમણો, બીજી બાજુ આંતરિક ઉચ્ચ વર્ણોનું દબાણ. સામાન્ય પ્રજા બધી રીતે દબાતી હતી. આ સંયોગોમાં ભક્તો આવ્યા. વ્યક્તિગત રૂપે એમણે સમાજના નિયમો ન સ્વીકાર્યા, પરંતુ, સામાજિક રીતે આપણે માત્ર વિદ્રોહના ઊંબરે જ પહોંચ્યા હતા. આ તબક્કામાં ઍક્શન ન હોય, આર્તનાદ હતો.
   એટલે ભક્તોના જીવન અને કવનમાંથી નવા જીવનની, આશાના જીવનની ચાહ પ્રગટ થાય છે. જે હમણાં સુધી જનતાથી દુર હતું તે હવે જનતાના હાથમાં આવ્યું. ગીતાનો ભક્તિયોગ તો બે હજાર વર્ષ પહેલાં રચાઈ ગયો હતો પણ એ રહી ગયો પંડિતોની પોથીઓમાં. એ સાકાર રૂપ ધારણ કરે તે પહેલાં તો ઇસુને તેરસો વર્ષ થઈ ગયાં હતાં. ભક્તોએ ભગવાનને જનસુલભ બનાવી દીધો. માત્ર છસો-સાતસો વર્ષ પહેલાં ભગવાન પણ સૌને માટે નહોતો.

   Like

 3. ભણે નો બીજો અર્થ ‘કહેવું’ પણ થતો હશે.

  Like

 4. અશોકભાઈ, ખુબ સુંદર માહિતી પિરસી રહ્યાં છો, થંભશો નહી. હું હંમેશા કહેતો આવ્યો છું કે જે તે સમયના સમાજની પરિસ્થીતિ જાણ્યા વગર કશું કહેવું નિરર્થક છે. સમાજમાં પ્રવર્તિ રહેલી બદીઓ સામે જ આ ભક્તો તરિકે ઓળખાતા સમાજસેવકો જંગ છેડતા હતાં. અને જે સફળ થયા તેમના નામ અમર થયાં. વધુ જાણવામાં રસ છે, જલ્દી જલ્દી પિરસતા રહેજો.

  Like

 5. Nice Information in this Post !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Ashokbhai Inviting you to Chandrapukar !

  Like

 6. Dear Friend, Very nice even i am born in Junagadh but i donot know about hijs full history, please continue thjis nice a knowledge story. Yours Mulvantray Ganatra (Auckland,Newzealand

  Like

 7. નરસૈયો ઘણું ’ભણી’ ગયો છે – બસ આમ જ નરસિંહના માધ્યમથી ભણતા (કહેતા) રહેજો અને અમે ભણતાં (શીખતાં) રહીશું.

  Like

 8. પિંગબેક: ભણે નરસૈયો – જળકમળ (રસાસ્વાદ) | વાંચનયાત્રા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s