સંસ્કૃતિ (ગ્રામ્ય સંસ્કૃતિની સ્ત્રીઓ)


મિત્રો નમસ્કાર, (આ નમસ્કાર કહેવું તે એક અનોખી સંસ્કૃતિની શરૂઆત કરે છે)
વાત એક નાનકડા ગામની, કયું ગામ તે બહુ મહત્વનું નથી. આ મારૂં ગામ, આપનું ગામ, આપણું ગામ, કોઇપણ ગામ હોઇ શકે. માત્ર વાતની સરળતા માટે હું અહીં કર્તાપદે રહું છું, બને કે આપને આ આપના અનુભવો જ લાગે. તો ચાલો આજે થોડી વાત માંડીએ આપણી એ વખાણવા અને ગૌરવ અનુભવવા લાયક ગ્રામ્ય સંસ્કૃતિની.

વાર-તહેવારે કે કોઇ સારા-માઠા પ્રસંગોએ ગામડે જવાનું તો બનતું જ હોય છે. નિરિક્ષણ અને નોંધ લેવાની આદતવશ આ થોડા અલગ પડતા જીવનની યાદોનો સંગ્રહ થતો રહે. આ યાદોનાં ઘેઘુર વનનાં થોડા ફળ આપના માટે. તો આજે ખાસ ખાસ સ્ત્રી પાત્રોની થોડી યાદ.

પોરબંદરથી આગળ ગ્રામ્ય વિસ્તારમાં થઇને જતી કોઇપણ બસમાં બેસો એટલે ધ્યાનથી બેસવું ! આસપાસ જોઇ લેવું કે કોઇ સ્ત્રી (ખાસ તો નાના બાળકને તેડેલી સ્ત્રી) બેસવાની જગ્યા ન મળવાને કારણે ઉભી તો નથી ને.જો એ ઉભી હોય અને તમે બેઠેલા હોય તો કોઇ ડોશીમાંનું (અમે તેમને “આઇ” કહીએ) ધ્યાન પડે તે પહેલાં ઉભા થઇ અને તેમને બેસવાની જગ્યા કરી આપવી. નહીં તો સમજો કે આપણી સાત પેઢીનો, આપણે માટે પણ અજાણ્યો એવો, ઈતિહાસ એક ખાસ ભાષામાં સાંભળવા મળવાના ચાન્સ પૂરેપૂરા !! આમાં અમારા આ આઇઓ પાછા સમજદાર પણ ખરા, અમારા જેવા સ્થાનિક માણસને જ પકડે, કોઇ બહારગામનાં પ્રવાસીઓ હોય તેમને નહીં ! કહે કે; આ બાર્યનાં લોક તો બચાડા જાત્રાળુ કે‘વાય, છેટા પલ્લેથી આવતા હોય તી થાક્યા પણ હોય પણ તમીં લુંઠીયા લડધાવ જગા રોકેને બેસે ગ્યાતી શરમાતા નેથ ? ઉભા થાવ, બાયુને બેસવા દ્યો !

આ ગામડાઓમાં આજે પણ સ્ત્રીદાક્ષિણ્યની ભાવના સ્વભાવગત જ કે પરંપરાગત જ કેવી ઠાંસોઠાંસ ભરી હોય છે કે ખેતરાઉ માર્ગે, કોઇ ગાડાકેડામાં કે સાંકડીગારીમાં પુરુષો ચાલીને કે ગાડું કે હવે કોઇ બાઇક જેવું વાહન લઇને જતા હોય પણ સામેથી કોઇપણ બાઇમાણસ આવતું જણાય એટલે એકબાજુ તરીને ઉભી જવાનું, સ્ત્રીઓને પ્રથમ નીકળવા દેવાની અને એ પણ એ રીતે કે તેમને સંકોડાવું ન પડે. મારગે માથેથી મોટલી કે ભારો ઉતારી અને થાક ખાતી સ્ત્રી અજાણ્યા જણને પણ કહી દે કે ભાઇ, માથે ભારો ચઢાવજો તો; અને તેને ભારો ચઢાવવા સહાય કરવી તે પુરુષની ફરજ ગણાય.  ગોંડલના ગામોમાં તો ગોંડલબાપુએ જે તે સમયે આ માટે ખાસ ઓટલાઓ બનાવી બહેન દિકરીઓને સહાયની અદની ભાવના રાખેલી જે માટે આજે પણ જનતા તેમને સંભારે છે. 
(આ ’લેડિઝફર્સ્ટ’નું સૌજન્ય તો આપણે અંગ્રેજો પાસેથી શીખ્યા ?!  Sorry અંગ્રેજો !!)

આવું જ એક ખાસ ધ્યાન પાણીકેડાનું પણ આવેલ છે. જે સમયે અને જે મારગે બહેનો પાણી ભરવા જતાં હોય તે મારગે, તે સમયે ભાગ્યે જ કોઇ નવરાધૂપ બેઠાબેઠા ગામગપાટા હાંકતા જોવા મળે. અને કોઇ ભુલ કરી પણ ગયું તો આગળ કહ્યું તેમ કોઇ માથાફરેલ બાઇના મોંએથી સરસ્વતિ સાંભળવા પણ મળી જાય. એ જ રીતે આ મારગે કોઇથી કશું બાધણું વળગણું પણ ન કરાય ! બાધવું જ હોય તો ક્યાંક છેટે જવું પડે ! જોયું તો નથી પણ ગલઢેરાંઓના મોં એ સાંભળ્યું છે કે ગામમાં કે સીમમાં ગમે ત્યાં અને ગમે તેવું ધીંગાણું થયું હોય પણ ગામની કોઇ વહુવારૂ નીકળે અને પોતાની ઓઢણી વચ્ચે નાંખે એટલે એ સમય પુરતું ધીંગાણું બંધ રાખી સૌએ સૌ સૌના મારગે વહેતું પડવાનું રહે. કહે કે બાઇમાણસની ઓઢણી કોઇથી ઉથાપાય નહીં. (આ બધી મરદ માણસોની વાતુ છે; દ્રોપદીના ચીર ખેંચનારા દુઃશાસનોની નહીં !!)

મધ્યપ્રદેશની હદ લગોલગના આદિવાસી પટ્ટામાંથી આવેલા એક મિત્રએ સલાહ આપેલી કે અમારા વિસ્તારમાં આવો અને કોઇના ખેતર-ખોરડે જાવ તો ફળીયામાં કે ઓશરીમાં પડેલા ખાટલે ધબ દઇને બેસી ન પડવું ! નાહક મુશીબતમાં મુકાઇ જશો ! ઘરધણી ચીંધે ત્યાં જ બેસવું. કારણ ? એ વિસ્તારમાં બાઇ કરીયાવરમાં લાવેલ ખાટલા પર બેસવાનો હક્ક માત્ર તેના ધણીનો ! નાનેરાઓ કે બાળકો બેસી શકે પણ મોટેરાઓ અને અજાણ્યાઓથી એ ખાટલે ન બેસાય !! એ બાઇનું અપમાન ગણાય. અમારી બાજુ પણ હજુ આવું ચલણ ખરૂં, વહુવારુના આણાના ઢોલીયા પર આજે પણ વડીલ માણસ ન બેસે. આ કદાચ સ્ત્રીઓનાં સામ્રાજ્યક્ષેત્રને માન્યતાના પ્રતિકરૂપ ગણાતું હોય.

અમારા એક આઇ શહેરમાં આંટો દેવા આવેલાં, નવરાત્રી આસપાસનો સમય હશે, મહિલાવૃંદ બધું તે સમયે બહુ ઇનથીંગ ફેશન ગણાતી બેકલેસ ચોલીના ગુણગાનમાં પડેલું ! તેમાં આઇએ કહ્યું; ’માડી, તમ તો બઉ મોળા સુધર્યા ! અમારે તો બાયુ હજારુ વરહથી વાંહા વનાના કાપડાં જ પેરે છે !!!’(ગ્રામ્ય વિસ્તારમાં સ્ત્રીઓ જે બેકલેસ ચોલી પહેરે છે તેને કાપડું કહેવાય). આઇને ઘણું સમજાવ્યા કે આઇ, તમે ગામડાનાં દરજી પાસે સીવડાવીને, સો-સવાસોનું જે પહેરો છો તે કાપડું, એ પછાત લોકોનો પહેરવેશ કહેવાય અને આંયા આ બાયુ હજાર પંદરસોમાં, ડિઝાઇનર શોરૂમમાંથી, લાવીને પહેરે તેને બેકલેસ કહેવાય જે આધૂનિક ગણાવા માટે જરૂરી !!!
આઇ કહે; મરે તમારૂં બેકલેસ !! આટલાં મોંઘા પે‘રો તો તો ભાઇ બચાડો કાપડું કરી કરીને ભુખ ભેગો જ થાય ને !! (આપણે એક રીવાજ કે વાર તહેવારે ભાઇ પોતાની બહેનને કાપડું કરાવી દે, એટલે કે કાપડું લઇ આપે).

આપણે ત્યાં એક કહેવત છે, ’જર,જમીન અને જો્રૂ, એ ત્રણ કજીયાના છોરૂ’ આમાં જોરૂ કહેતા પત્નિ પણ ગણો તો આ વાત સાવ સાચી લાગે છે. લોકકથાઓમાં વાંચ્યું જ હશે કે અગાઉ સ્ત્રી પોતાના પતિને માથે વેર ગાજતું હોય ત્યાં સુધી ખાવામાં ચપટી ધૂળ નાંખીને જ આપતી. લાગે છે આપણા નમાલા નેતાઓની પત્નિઓ આ વાત જાણતી નથી !! કાઠીયાવાડીમાં કહેવત છે કે ’પુરુષની પાઘડીમાં જેટલા આંટા તેટલા સ્ત્રીના પેટમાં હોય છે’ અર્થાત, પુરુષ તો હજી ક્યારેક નમાલાપણું દાખવી જતું કરે પણ સ્ત્રી કદી ભુલે નહીં. સભ્ય અને સુસંસ્કૃત સમાજને કદાચ ન ગમે પણ આ આપણો જ એક સમાજ છે જ્યાં ’ઈંટનો જવાબ પથ્થરથી’ આપવાનું માતાઓ જ શીખવતી. હવે નહીં શીખવતી હોય એટલે નમાલા નરો પાકે છે !! કહે છે કે અંગ્રેજોએ સમગ્ર ભારત પર રાજ્ય કર્યું, પણ આમ જોવા જાવ તો આ ભારત આઝાદી પછી બન્યું ! ગુજરાતના તો બહુ ઓછા પ્રદેશો હતા જ્યાં અંગ્રેજોએ રાજ કર્યું હોય ! ત્યારે દેશ એટલે પોતાનું રાજ્ય કે રજવાડું ગણાતું, બાકી આઝાદી પછી તુરંત, હવે જુનાગઢ પણ આપણું એમ સમજાયું એટલે તુરંત, કોઇ લશ્કરી પીઠબળ વગર, સ્વબળે, જુનાગઢ ઝબ્બે કરનારાઓની પાછળ પણ આ માતાઓનું શિક્ષણ જ.  હૈદરાબાદની જેમ અહીં લશ્કરે કષ્ટ ન ઉઠાવવું પડ્યું !!  

અહીં મારી જાણકારીની વાતો જ લખી છે, બાકી બે દિવસ પહેલાં જ ખાલી હાથે લડી પોતાના બાળકને દિપડાના મોંમાંથી છોડાવનારી ગીરની વિરાંગનાના સમાચાર હોય કે માત્ર લાકડી લઇ સિંહને હાંકી કાઢનાર મેઘાણીની ચારણ કન્યા હોય, બધી આ ગ્રામ્ય સંસ્કૃતિની દેણ છે. હાથણી જેવી બે બે ભેંસુને કે ઢીંક મારી વંડી પાડી નાખે તેવા બળકટ બળદુની જોડ્યને કાબુમાં કરી પાણી પાવા લઇ જતી બાઇનાં કાંડામાં જોર તો ઝાઝેરૂં હોય જ પણ ધણી હાર્યે વાત એટલી જ કરેલી હોય કે; વાંકમાં આવું તો કટકા કરી ભોંમાં ભંડારી દેજે, ઉંહકારોય નહીં કરૂં, પણ વગરવાંકે કંઇ આડું અવળુંય બોલ્યો છે તો ઢાંઢુ ભાંગી નાખીશ !! મોરલ ઓફ ધ સ્ટોરી; દિકરીને કરિયાવરમાં વૉશિંગમશીન ન આપવું ! ધોકો આપવો !! વૉશિંગમશીન કંઇ ઉપાડીને મારી ન શકાય ! 🙂

શહેરની બહેનોએ આ સંસ્કૃતિમાંથી (અને ખાસ તો છેલ્લા ફકરામાંથી !) કંઇક શીખવું જોઇએ તેવું નથી લાગતું ? તુલસીદાસજીએ ’ઢોલ, ગંવાર…’ લખતા પહેલાં કદાચ કચ્છ, કાઠિયાવાડ, ગુજરાતમાં આંટો નહીં માર્યો હોય નહીં તો આવું લખવામાં જરા ચોખવટ રાખત ! (જો કે એ વાત પણ અલગ છે કે આ ચોપાઇનો સાવ એક અર્થ જ નથી થતો, અન્ય અર્થ પણ થાય છે) કોઇ ગમે તેટલા ઢોલ-નગારા વગાડે, અન્યાય સામે લડવામાં અગ્રેસરતા આવી માતૃશક્તિને હાથ આવશે ત્યારે જ લડાઇ આગળ ધપશે. આ તો થોડી ગામડીયા સંસ્કૃતિની વાતો લખી, હજુ મગજમાં થોડો તાવ છે, સાવ ઠંડુ પડી જાય !! ત્યારે આગળ ક્યાંક સારૂંસારૂં પણ લખીશું ! આભાર.

** ગોંડલીયું મરચું **

સાંભળ્યું છે કે અફઘાનિસ્તાનમાં પણ હવે સ્ત્રીઓનું સન્માન વધ્યું છે, હવે ત્યાં રસ્તે જતાં પત્નિ આગળ આગળ ચાલે છે અને પતિ પાછળ પાછળ !  જ્યાં જમીનમાં સુરંગ જ સુરંગ ભરી પડી હોય ત્યાં સ્ત્રીઓને આગળ કરવી જ પડે ને !!!

41 responses to “સંસ્કૃતિ (ગ્રામ્ય સંસ્કૃતિની સ્ત્રીઓ)

 1. અશોકભાઇ સાચે જ આપે કહ્યા મુજબ ‘હટકે શૈલી’ છે આપના લેખની.

  “આ ગામડાઓમાં આજે પણ સ્ત્રીદાક્ષિણ્યની ભાવના સ્વભાવગત જ કે પરંપરાગત જ કેવી ઠાંસોઠાંસ ભરી હોય છે.” પણ શું થાય ગામડાઓમા સ્ત્રીઓને સમોવડી થવામાં નહી પણ તેનામાં એક સ્ત્રી જાતિની ખુમારી હોય છે અને જાણે જે કે પોતે એક ‘શક્તિ’ છે “વાંકમાં આવું તો કટકા કરી ભોંમાં ભંડારી દેજે, ઉંહકારોય નહીં કરૂં, પણ વગરવાંકે કંઇ આડું અવળુંય બોલ્યો છે તો ઢાંઢુ ભાંગી નાખીશ !!” શહેરમાં તો સ્ત્રી પુરુષ સમોવડી થવા અને બતવવા માંગે તો કોણ સ્ત્રીદાક્ષિણ્ય બતાવે? એટલે જ બસમાં કે રસ્તામાં કે ભીડમાં પુરુષો પણ મનમાં ગણગણતા હશે, લો લ્હાવો પુરુષ સમોવડી થવાનો.

  આપ લેખ લખતા હશો અને યોગાનુયોગ આજે બસ મુસાફરી વખતે જ મને આવા ખ્યાલો આવ્યા. અમારા મિત્રવર્તુળમાં એક ભાઇને બીઆરટીએસમાં સ્ત્રીઓ માટે અલગ વ્યવસ્થા ના કરવા સામે રોષ છે. તેના ઉપર મને આવા સ્ત્રીદાક્ષિણ્ય નહી બતાવતાં પુરુષોના મનમાં ચલાતી ગડમથલના વિચારો આવ્યા.

  એટલે જ જરૂર છે સ્ત્રી પોતે સ્વીકારે કે તેનામાં શક્તિનો સ્ત્રોત છે. સાથે સાથે તે લાગણીની મૂર્તિ છે અને પુરુષ કરતાં ઘણી ઉંચી હોવા છતાં તેણે પુરુષના પૂરક બનવાનું છે.

  Liked by 1 person

  • મીતાબેન,
   તમારી વાત સાચી છે કે સ્ત્રી શક્તિ સ્વરૂપ છે. એણે પુરુષના પુરક બનવાનું છે.


   પણ સ્ત્રી જયારે પુરુષ સમોવડી બનવાની વાત કે મથામણ કરે છે ત્યારે,
   એવી સ્ત્રીઓ વિશેનું મારું અવલોકન એવું કહે છે કે આ એ સ્ત્રીઓની વાત છે કે જેઓને પતિ, પિતા કે બીજા પુરુષો તરફથી સખત અન્યાય થયો હોય , અથવા તો એમને વારંવાર અપમાનિત થવું પડતું હોય,
   અથવા એ લોકોને પુરુષો તરફથી (નજીકના સંબંધમાં) એવા અનુભવો વધારે થયા હોય કે જેમાં એમને પ્રેમ, હુંફ, અને આદરની જગ્યાએ, ધિક્કાર, નફરત કે વધારે જ અવહેલના મળી હોય.

   હવે, આવી સ્ત્રીઓના કેન્દ્રમાં સ્વાભાવિક જ પોતાને થયેલા અનુભવો સામે બળવો હોય, ‘એથી એમનું વર્તન કે એમના કર્યો વધુ આક્રમક બને’ જેને એ લોકો પોતે અને આપણે બધા પણ ‘પુરુષ સમોવડી ‘ વગેરે કહીએ.
   યોગ્ય રીતે જો આખી વાતને મૂલવીએ તો આ સ્ત્રીઓ ‘પોતાની શકિતઓને જ સાબિત કરી રહી હોય છે’. હા, એમનું કેન્દ્રબિંદુ થોડુક લડાયક લાગે, પણ મોટાભાગે આવી સ્ત્રીઓની લડત એમની જગ્યાએ બિલકુલ યોગ્ય જ હોય છે.

   એકસરખું ભણતર, અને એકસરખા કામ પછી પણ મોટી કંપનીઓમાં પણ ભારત દેશમાં સ્ત્રી – પુરુષોના પગારમાં ભેદ છે જ. આવું બીજા ઘણા ક્ષેત્રોમાં છે. (દરેકના જીવનધ્યેય જુદા જ હોવાના)

   એટલે શહેર કે ગામડું એવું આ વાતમાં ખાતરી પૂર્વક ના કહી શકાય. ‘ શહેરમાં વધારે અવાજ ઉઠતો હોય અને ગામમાં, બની શકે, વાતો દબાવીને ભીનું સંકેલી લેવાતું હોય,

   –આ માત્ર મારું અવલોકન છે.

   Like

   • હિરલબહેન, તમારું અવલોકન સરસ. આપની સાથે સહમત છું. આપના અને મારા વિચારોનું અંતિમબિંદુ તો એક જ છે વિચારો જુદા હોઇ શકે. સ્ત્રી હંમેશાથી શક્તિ છે. સ્ત્રીના ત્યાગ, વાત્સલ્ય, સહનશક્તિ જેવાં કુદરતી ગુણો જ તેને મહાન બનાવે છે. સ્ત્રીની સહનશક્તિ જ સમય આવ્યે તેની પ્રચંડ શક્તિ બને છે. પુરુષપ્રધાન સમાજને કારણે સ્ત્રીઓનું સ્થાન નીચું થયું અને આપે કહેલાં સ્ત્રીઓના અનુભવોને લીધે સ્ત્રી તેના હક્કો માટે લડે તેને ‘પુરુષ સમોવડી’ જેવું નામ અપાયું. અને સ્ત્રી તેમના હક્કો માટે લડે તે ૧૦૦% યોગ્ય છે. પરંતુ મારો મુદ્દો સ્ત્રીની આર્થિક રીતે આગળ આવવાની બાબત કે તેનાં વેતન બાબતે ભેદભાવના મુદ્દાના કારણો માટે નથી, હા પણ આના કારણો શું હોઇ શકે તે અભ્યાસનો વિષય જરૂર છે. જો કે ગ્રામ્યવિસ્તારમાં સ્ત્રીઓને આવકનો કોઇ મુદ્દો છે જ નહીં ત્યાં તો સ્ત્રી શરૂઆતથી જ આવકમાં ભાગીદાર હોય છે. અને મોટાભાગે આર્થિક વ્યવહારો સ્ત્રીના હસ્તક જ હોય છે. અને ગ્રામ્ય અને શહેરની સ્ત્રીના પ્રશ્નો પણ અલગ હોય છે. સ્ત્રી તેને મળેલ કુદરતી ગુણોની બક્ષિસથી મહાન અને ઉંચી છે પોતાના હક્કો માટે લડવું ત્યાં સુધી બરાબર છે પણ પોતાના કુદરતી ગુણોને ભૂલીને માત્ર અમુક સ્વતંત્રતા નહીં પણ સ્વછંદતા માટે પુરુષ સમોવડી થવાનું ગાંડપણ યોગ્ય ના કહેવાય.
    દરેક સ્ત્રી સારી આવક કરે કોઇ ઉચ્ચ હોદ્દા પર હોય તે જરૂરી નથી કે તેઓ જ મહાન છે તેવું નથી. પરંતુ સ્ત્રી તેના જીવનસાથીને, કુટુંબને હરપલ સાથ આપે સંઘર્ષના સમયમાં ઢાલ બને તે સ્ત્રીઓ પણ મહાન છે. અને ઉતમ બાળકનું સર્જન કરે, ભવિષ્યના સારા નાગરિક કે મહાન વ્યક્તિ બનાવે તે સ્ત્રીઓ મહાન જ છે તેનું સ્થાન સમાજમાં ઉચ્ચ કરકિર્દી ધરાવતી સ્ત્રી કરતાં પણ ઉંચું છે. દા.ત. શિવાજીમાં તેમની માતાએ જન્મસમયે જ બહાદૂરી અને વીરતાના સંસ્કાર સીંચેલા. અને આ સંદર્ભમાં જ હું હંમેશા કહું છું કે સ્ત્રી-પુરુષ બંને એકબીજાના પૂરક છે.
    અને જોયું હિરલબહેન અશોકભાઇએ પણ સ્ત્રીઓ મહાન છે એવું માની લીધું અને આપણા બંનેની ચર્ચમાં પડવાની વાતથી દૂર રહેવાનું યોગ્ય માન્યું.( જો કે લાગ્યું હશે કે આ બહેનોને અડફેટે આવવું નહીં એમને જ ચર્ચા કરવા દો)જો કે એટલે જ તેઓ ‘શ્રી’ શબ્દ બહેનોની આગળ લગાવીને વિશેષ સન્માન આપે છે.
    અશોકભાઇ હમણાં ભૂલથી ‘ગાયબ’ ફિલ્મ જોવાઇ ગઇ છે એટલે પરિસ્થિતિ જ બ્લોગજગતમાંથી ગાયબ થઇ જવાય તેવી સર્જાય છે એટલે પ્રતિભાવમાં અને આવી ચર્ચામાં મોડું થાય છે. તે બદલ ક્ષમા.

    Like

    • Very Nice comment Mitaben,
     I suggest you write an article on this topic.
     More from real problems/psychology to ignorance of own gifted virtues.

     Like

    • મારી મમ્મી ઘણીવાર કહે છે, કે પહેલા, (કે જયારે તે લગ્ન પહેલાં નોકરી કરતી હતી), ત્યારે એક વખત, કોમી રમખાણમાં નડિયાદથી સાંજની ટ્રેનને અમદાવાદ આવતાં રાતના ૧૧ કે સાડા અગિયાર થઇ ગયા. પણ પોળના નાકેથી ઘેર સુધી સાવચેતી પૂર્વક અરે, સ્ટેશનેથી પણ સાવચેતીપૂર્વક ઘર સુધી અડધી રાતે મૂકી જનાર સજ્જનો હતા.

     અત્યારે એવું સ્ત્રી દાક્ષિણ્ય નથી રહ્યું તે હકીકત છે.

     હા, ‘અશોકભાઇએ પણ સ્ત્રીઓ મહાન છે એવું માની લીધું અને આપણા બંનેની ચર્ચમાં પડવાની વાતથી દૂર રહેવાનું યોગ્ય માન્યું.( જો કે લાગ્યું હશે કે આ બહેનોને અડફેટે આવવું નહીં એમને જ ચર્ચા કરવા દો)જો કે એટલે જ તેઓ ‘શ્રી’ શબ્દ બહેનોની આગળ લગાવીને વિશેષ સન્માન આપે છે.’
     Agree. :))

     Like

  • બાકી, વધારે છણાવટ માટે ભુપેન્દ્રસિંહ્જીને પૂછીએ,

   1) કે ઉત્ક્રાન્તિવાદ શું કહે છે?
   એક સમયે માત્ર પરિવાર સાચવતી સ્ત્રી, શું કામ ઘરની બહાર નીકળી?

   2) અને બીજું, પુરુષો શું કામ સ્ત્રીઓને અપમાનિત કરે છે? અથવા તો ‘સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ’ વગેરે ક્યાંથી આવ્યું?

   Like

  • આભાર મિતાબહેન, આ લેખનો વિચાર જ આપના બ્લોગે વાંચતા વાંચતા આવેલો.
   અને હા અત્યારે તો આપની અને હિરલબહેનની ચર્ચા વચ્ચે નહીં આવું !!!

   Like

 2. અશોકભાઈ,
  તમે તમારી લાક્ષણિક શૈલીમાં સૌરાષ્ટ્રની સ્ત્રીઓનો પરિચય આપ્યો તે ખરેખર સુંદર છે. જીવટવાળી સ્ત્રીઓ છે. મઝા આવી.
  તમે ગોંડળિયું મરચું ચખાડ્યું તેમાં એક માહિતી ઉમેરૂં – મારા મિત્ર હજ પર ગયા હતા. ત્યાં શોપિંગ સેંટરમાં ગયા ત્યાં એક બુરખાવાળી સ્ત્રી પસાર થઈ. મારા મિત્રે એને જવા જેટલી જગ્યા આપી, પણ પાછળથી એક પાકિસ્તાની દુકાનદારે (ભારતીયને પોતાના સમજીને) એમને દુકાનની અંદર ખેંચી લીધા. મારા મિત્રે કારણ પૂછ્યું તો જાણવા મળ્યું કે આજુબાજુ સાદા વેશમાં પોલીસ હોય છે અને સ્ત્રી માત્ર તમારી સામે આંગળી ચીંધે કે કઈંક પણ સંકેત આપે એટલે બસ. તમે સીધા જેલમાં પહોંચો. સ્ત્રી એટલું જ કહે કે આ માણસને કારણે નીકળવાનો રસ્તો ટૂંકો પડ્યો, એટલે તમારે એકવાર તો જેલ ભેગા થવું જ પડૅ.

  Like

  • આભાર, દિપકભાઇ. આપે સારૂં દૃષ્ટાંત આપ્યું. મધ્યપૂર્વમાં બધે જ સ્ત્રી સન્માનની ઉચ્ચ ભાવના જોવા મળશે. ધર્મના નામે સ્ત્રીઓ પર જુલ્મનું સામ્રાજ્ય તાલિબાની શાસકોએ સૌથી વધુ અફઘાનિસ્તાનમાં અને કેટલેક અંશે પાકિસ્તાનમાં ફેલાવેલું તે હકિકત છે. આપણે ત્યાં પણ ઉત્તરનાં કેટલાક પ્રાંતોમાં આવી જ દશા છે. ગુજરાત જેવા રાજ્યો પ્રમાણમાં ’ભાગ્યશાળી’ ગણાય !

   Like

 3. વાંચવાની મજા આવી. ઘણા બધા મુદ્દાઓ વણી લીધા છે તમે એક જ લેખમાં અને નાના નાના ફકરાઓમાં.
  લેખન શૈલી પણ ઘણી સરસ.
  આખા લેખનો સાર : નૈતિકતા, સ્ત્રીઓનું સન્માન, કરકસર, માતા તરીકે સંતાનોને અપાતી કેળવણી.

  Like

 4. રાણાવાવ આશ્રમમાં ઘણી આઈઓ સાથે રહેવાનું બન્યું છે – તેમના હ્રદયના પવિત્ર ભાવો અને તેમના વાત્સલ્યભર્યા માથે મુકાયેલા હાથની હૂંફ સ્મરણ માત્રથી હ્રદયમાં ભાવોર્મિ પ્રગટાવે છે.

  Like

 5. ભાષા સિવાય ઉત્તર ગુજરાત ને સૌરાષ્ટ્રમાં ઘણી બધી સામ્યતા છે.કાપડું પહેરેલા તો મેં પણ જોયેલા છે.અમારા ગામના ખેતરો બાજુ થી ગામમાં આવવાના તમામ રસ્તે મોટા ગોળ આકારમાં ઓટલા બાંધેલા હજુ પણ છે,ત્યાં ખેડૂત વર્ગની સ્ત્રીઓ ચારના ભારા ઉતારી વાતો કરતી.આવા ઓટલાઓને વિહામો(વિસામો)કહેતા હોય છે.જ્યાં બે ઘડી સ્ત્રીઓ માથેથી ભાર ઉતારી વિસામો લે.બહુ સુંદર મજાનો લેખ.

  Like

  • આભાર, ભુપેન્દ્રસિંહજી. જો કે મને ઉત્તર ગુજરાતનો બહુ પરિચય નહીં પરંતુ એટલું ખરૂં કે માતૃશક્તિ પ્રત્યેની લાગણીઓને કોઇ ભાષા કે સ્થળનો બાધ ન જ હોય. તે તો બધે સમાન જ હોય. આપને તો અનુભવ હશે જ, ભલેને તે ભારત હોય કે છેક અમેરિકા.

   Like

 6. હ્મ્મ્મ્મ્મ…કાઠીયાવાડની તો વાત જ કાંઇ જુદી છે હોં… 🙂

  Like

 7. ઘણા વખત પછી ક્યાંક આવી ગામઠી વાત વાંચવા મળી તો મજા પડી ગઈ, જાણે ભૂતકાળમાં જતા રહ્યા ન હોઈએ ! હુંય પોરબંદરનો જ છું અને પોરબંદરથી માંગરોળ – રાજકોટ કેશોદ બસમાં જતા (લગભગ વીસેક વર્ષ પહેલા) ત્યારની વાતો યાદ કરાવી દીધી તમે.

  હા, કાઠીયાવાડની વાત જ અલગ છે, જો કે સ્ત્રીદાક્ષિણ્ય તો આપણી સંસ્કતિમાં પહેલેથી જ છે, આપણે એને ઢબૂરી દીધું છે…

  તમારી લખવાની સરસ શૈલી છે, વાંચીને મજા આવી.

  Like

  • સ્વાગત અને આભાર, જિગ્નેશભાઇ. લો આ તો હવે ઘરે ઘરનાં ડાયરા જેવું થયું ! ભલે ગામવાદ જેવું લાગે પણ એક ગામના છીએ તે જાણતા હરખની હેલી ચઢે એ કુદરતી તો ખરૂં ને ? બહુ આનંદ થયો. આભાર.

   Like

 8. અશોક”જી”
  ખૂબ સરસ લેખ,સુંદર કાઠિયાવાડી શૈલી માં ગ્રામ્ય સંસ્કૃતિને તાદ્રશ્ય કરી દીધી,
  આ ’લેડિઝફર્સ્ટ’નું સૌજન્ય તો આપણે અંગ્રેજો પાસેથી શીખ્યા ?! Sorry અંગ્રેજો !! [ કોપીપેસ્ટ કર્યું છે] ? ! બન્ને સાથે સાથે વાપરવા તો કોઈ આપ પાસે થી શીખે !
  ** ગોંડલિયું મરચું ** સરસ આપણી લગ્નવિધિ ના માયરા [ફેરા] માં છેલ્લા ફેરા માં સ્ત્રી ને આગળ કરે છે શું ત્યાં થી જ “સુરંગક્ષેત્ર” શરુ થાય છે ?

  Like

  • આભાર, ભાઇ શકિલ. (નિયમમુજબ ?! બંન્ને સાથે વાપરી શકાય છે) હું એ દર્શાવવા માંગતો હતો કે દરેક બાબત આપણને અંગ્રેજોએ જ શીખવી હોય તેવો નિયમ નથી ! આ ’સ્ત્રીદાક્ષિણ્ય’ તેમાંનું એક છે જે આપણી પણ આગવી રીતભાત છે. અહીં ’આપણી’ કહ્યું તેથી તું એક વાત એ પણ સમજી લેજે કે એશિયા, એશિયા માઇનોર અને મધ્યપૂર્વ સહિતના બધાજ વિસ્તારની આ વાત છે જેમાં ઈસ્લામ સહિતના ઘણા ધર્મ અને સંસ્કૃતિઓ સામેલ ગણાય. તું ઇસ્લામમાં સ્ત્રીદાક્ષિણ્ય વિશે મારાથી વધુ જાણતો હોઇશ. હું તો નાનપણથી મિત્ર સલિમ, ફિરોઝ કે તારા કુટુંબ, તારા પાસપડોશના કુટુંબોની રીતભાતને આધારે કહી શકું કે ત્યાં બધે જ મેં ઉચ્ચ કક્ષાની સ્ત્રીદાક્ષિણ્યની ભાવના જોઇ છે. અહીં મને મિત્ર ફિરોઝખાનનાં માતૃશ્રી અખ્તરમાસી યાદ આવે છે, જે સમજાવતા કે ’બચ્ચો, ઔરત કી બદ્‌દૂઆ લોગે તો જહન્નુમમેં ભી જગા નહીં મીલેગી ! યહીં પે દોઝખ સી ઝીંદગી પાઓગે’. (જો કે તેઓ ધાર્મિક હોય આમ ધાર્મિક ઢબે સમજાવે બાકી આટલું સમજવા માટે ક્યાં કોઇ ધર્મની પણ જરૂર છે ! આ એક સામાન્ય સમજ જ છે જે દરેક માતાએ પોતાના બાળકને આપવી જોઇએ) લોચો પોતાના સ્વાર્થઅર્થે ધર્મનો દુરઉપયોગ કરનારાઓએ માર્યો છે. ખાસ તો અફઘાનિસ્તાનમાં, જ્યાં સ્ત્રીઓને ભણવા પર પણ પ્રતિબંધ મુકાયેલો અને શાળાઓ પણ નષ્ટ કરી દેવાયેલી. આવું કશું ક્યાંય ઈસ્લામમાં લખેલું છે ? ન હોવું જોઇએ ! કોઇ ધર્મ, સંસ્કૃતિમાં ન હોવું જોઇએ. છતાં સ્વાર્થી અને શોષણખોર લોકો બધે જ આવો અર્થ શોધી કાઢશે કે બનાવી કાઢશે અને તેનો દુરઉપયોગ સ્ત્રીઓને દબાવીને રાખવામાં, તેઓનું શોષણ કરવામાં કરશે. હાલ તો અધકચરો એવો ઉપાય એક જ છે, શિક્ષણ. (આ અધકચરો શબ્દ વધુ વિચાર માટે લખ્યો છે !) અને કારગર ઉપાય છે, શક્તિ !!

   લગ્નના છેલ્લા ફેરાની વાત વિચારણીય ખરી !! મારા મતાનૂસાર આ એવું સુરંગક્ષેત્ર છે જેમાં સુરંગ જ નથી ! માત્ર ચેતવણીનું પાટીયું જ છે !! પણ ક્યારે ફૂટશે, ક્યારે ફૂટશે તેની બીકમાં જ પતિ પતી જાય છે !!! (આને કહેવાય ખરી “શક્તિ” 🙂 )

   Like

   • સૌથી વધારે ખરાબ દશા સ્ત્રીઓની હોય તો મુસ્લિમ દેશોમાં.સ્ત્રીની ભૂલ થઇ તો પથ્થર મારી મારી ને મારી નખાય છે ઘણા દેશોમાં.અતિ ક્રૂરતાનું પ્રદર્શન.હજુ આજે પણ મારી સ્ટ્રીટમાં અમેરિકામાં પણ મુસ્લિમ સ્ત્રી માથે પૂરું લપેટીને પુરા લાંબા વસ્ત્રો પહેરીને જોબ કરવા જતી હોય છે.તો પછી જોબ કરવા જવા જ શુ કામ દેતા હશે?

    Like

 9. અશોકભાઈ અને શકીલભાઈ,
  બે મિત્રોની ચર્ચામાં વચ્ચે પડું?
  સ્ત્રીદાક્ષિણ્ય માટે કોઈ ધર્મની જરૂર ન પડે. આમ જૂઓ તો કોઈ પણ નૈતિક કામ માતે ધર્મની જરુર નથી હોતી. સારા થવામાં ધર્મ આડે ન આવે.
  ઇસ્લામની વાત કરો તો ભારતમાં ગાર્ગી-મૈત્રેયી જેવી વિદૂષીઓ હતી તો અરેબિયામાં પણ રાબિયા જેવી વિદૂષીઓ હતી. મહંમદસાહેબનાં બેગમ હઝરત આયેશા સીધાં જ લડાઈમાં પણ જતાં.
  જેમ હિન્દુ ધર્મનાં જુદાં જુદાં અર્થઘટનો થાય છે તેમ, ઇસ્લામમાં પણ મન્સુરના સુફીવાદથી માંડીને ઓસામા બિન લાદેનના વહાબીઝમ સુધીનાં અર્થઘટનો છે. સૂફીઓની ઈશ્કે-હકીકી કવ્વાલીઓમાં તો સ્વયં ઈશ્વર પણ સ્ત્રી સ્વરૂપ ‘માશુક’ એટલે કે પ્રિયતમા છે અને ભક્ત તો આશિક છે.
  તાલિબાનો તો પુરુષવાદી વહાબી ઇસ્લામ લાગુ કરવા માગતા હતા. એમની ઑર્થોડોક્સી માત્ર બળ વડે જ ફેલાઈ હતી. રસપ્રદ વાત એ છે કે જ્યારે અફઘાનિસ્તાનમાંથી તાલિબાનને ભાગવું પડ્યું ત્યારે સૌથી વધારે લાભ તો હજામોને થયો. એમની દુકાનો સામે દાઢી કપાવવા માટે લાંબી લાઇનો લાગી ગઈ હતી!

  Like

 10. બે મિત્રોની ચર્ચામાં વચ્ચે પડું?[કોપી પેસ્ટ] આપ અમને શર્માઓ છો ! ખરેખર દિલ થી કહુ છું, જ્યાં જ્યાં ચર્ચા માં આપની હાજરી ન હોય તે ચર્ચા મને હમેશાં અધુરી લાગે છે, મારા જેવું બીજા બ્લોગર્સ પણ ફીલ કરતા હશે અને કરે છે માટે આપ વચ્ચે નથી પડતા આપ હમેશાં અમારી નજર માં ઉપર છો.
  “સ્ત્રીદાક્ષિણ્ય માટે કોઈ ધર્મની જરૂર ન પડે. આમ જુઓ તો કોઈ પણ નૈતિક કામ માટે ધર્મની જરૂર નથી.” આ વાક્ય મારી વિચારસરણી ને એકદમ અનુરૂપ છે. દીપક્ભાઈ “નૈતિકતા” એ ખૂબ જરૂરી પાંસુ છે અને એ બઘાજ ધર્મ શિખવાડે છે છતા નજર નાખીયે તો બધે જ “નૈતિકતા” નો અભાવ દેખાય છે. [અશોક”જી” માફ કરશો ચર્ચા આડે પાટે ચડાવવાનો મારો કોઈ હેતુ નથી પણ ચર્ચા ચાલી છે તો થોડી વધુ લંબાવીએ]
  અને હવે વાત કરીએ ઇસ્લામ ની તો આ શબ્દ કદાચ આજ પહેલી વખત મેં બ્લોગ પર લખ્યો છે કારણ આ શબ્દ અને મુસ્લિમ બન્ને બદનામ છે,સર્પ ની સાથે મુલવામાં આવે છે આપ તો જાણો છો અને વિજ્ઞાને પણ સાબિત કર્યું છે કે ૧% થી પણ ઓછા સર્પ જેરી હોય છે પરંતુ બદનામ બધા! અશોકભાઈએ લખ્યું છે અને સાચ્ચુ જ છે કે “શિક્ષણ”નો અભાવ મુસ્લિમ લોકો ની કમજોરી છે. અને આપનો વાક્ય પણ બરાબર છે “ધર્મનાં જુદાં જુદાં અર્થઘટનનો કરી ઘર્મ ને ઔર બદનામ કરવામાં આવે છે”.મને કોઈ પૂછે છે “તમે કેવાં” તો મારો જવાબ હોય છે “હું હિન્દુસ્તાની છું” પછી કહુ છું કે હુ મુસ્લિમ પણ છુ કારણ મારો ઘર્મ ઇસ્લામ છે છતાં “ઉંટ જુએ મારવાડ ભણી”ના આક્ષેપ મારા જેવા બીજા બધાને પણ સાંભળવા કે “વાંચવા” પડે છે ભલે પછી નાપાક ઈરાદાઓ સાથે કઈ નાતો ના હોય!-આતો ઘર નો ડાયરો છે એટલે પેટ છૂટી વાત કરુ છું, થોડા સમય પહેલા જ વાંચેલુ કે
  “ભારતીય મુસલમાનો વળી ઓર ધર્માંધ છે તેમની પાસેથી કઈ અપેક્ષા રાખી શકાય?એમના મુખ તો વળી પાકિસ્તાન તરફ વળેલા રહેતા હોય છે,ઉંટ જુએ મારવાડ ભણી જેમ”[કોપી પેસ્ટ કર્યું છે] નૈતિક રીતે એમ લખી શકાય કે “વધુ પડતા કે થોડા મુસલમાનો”[ગુરુજી માફ કરજો]
  આપની વાત એકદમ બરાબર છે “ઑર્થોડોક્સી માત્ર બળ વડે જ ફેલાઈ છે”
  ભલે પછી એ બળ હથિયારોનો કે પૈસા નો કે પછી ધર્મ નો હોય શકે !
  [નોંધ- first time થોડી લાં…બી ચર્ચા કરી છે ભાષા,વ્યાકરણ ઉપર વધુ ધ્યાન ન આપવા વિનંતી,વૈચારીક મતભેદ સ્વિકાર્ય છે મન ભેદ નહી.]

  Like

  • પ્રથમ તો ચેલાજી હૃદય દુભાયું છે આપનું તે બદલ માફી આપશો,પણ આપ જ કહો મારી વાત ખોટી હોય તો?જે થોડા ઘણા મુસ્લીમો હોય કે બહુમતી હોય પેલા ઈમામ બુખારી કે બીજા જે હોય ભારત વિરોધી સુર કાઢતા હોય ત્યારે વિરોધ કેમ નથી કરતા?બિન લાદેન એમને ત્રાસવાદી લાગતો નથી.કાશ્મીરમાં જોયું?લાદેન જાણે એમનો બાપ મરી ગયો હોય તેમ ભારત વિરોધી બકવાસ ભારતમાં રહીને કરતા હોય છે.જો ભારતનાં બહુમતી મુસ્લિમ ભારતપ્રેમી હોય તો પેલા બુખારી જેવાઓની શેહમાં કેમ દબાઈ જાય છે?શાહી ઈમામ કાયમ ભારત વિરોધી સુર કાઢતા હોય છે,ફેંકી દો એવાઓને ઉખાડીને.ભારતનાં મુસ્લીમોના પાકિસ્તાન તરફી વલણને લઈને લુચ્ચા નેતાઓ વોટ માટે અફજલ અને કસાબ જેવાને ફાંસીએ ચડાવતા નથી.બહુમતી મુસ્લીમો કેમ કહેતા નથી કે આ ત્રાસવાદીઓને જે સરકાર ફાંસી ચડાવશે તેને જ વોટ આપીશું.કોઈ મુસ્લિમ સંગઠને આ ત્રાસવાદીઓને ફાંસી ચડાવી દેવાની માંગ કરી ખરી?ભારત એક એવો દેશ છે જ્યાં મુસ્લિમ સૌથી વધુ સેઈફ છે કે જે ભારત વિરોધી બખાળા જાહેરમાં કરી શકે છે.ભાઈ તમારા જેવા મુસ્લીમો માટે અમને માન છે અને પ્રેમ પણ.હવે હું ધ્યાન રાખીશ થોડા કે વધુ લખવા,તમામ નહિ.હું ધર્માંધ ભગવી ધજાઓનો વિરોધી છું તેટલો વિરોધી બીજા ધર્માંધ લોકોનો પણ.

   Like

   • અને અહીં બાપુના આ પ્રતિભાવ સાથે સંપૂર્ણ સહમત છું ! અને માટે જ (માત્ર મુન્શીને જ નહીં) તમામ મિત્રોને કહેતો ફરૂં છું કે ’માઠું લગાડવાનું’ કે ’લાગણીઓ દુભાવાનું’ કે ’આપણે ધારી લીધેલી માન્યતાઓમાં જ ડુબકા ખાવાનું’ છોડી ખુલ્લા મનથી વિચારવિમર્શ કરતા શીખો. એ જ સૌથી સારો અને ’અહિંસક’ રસ્તો છે એકબીજાને સમજવાનો અને સમજાવવાનો !! ટુંકમાં ’વિવાદ’ નહીં પણ ’સંવાદ’ની ભૂમિકા બાંધવાથી સર્વથા હાનીકારક જ એવા વિધ્વંશક ઉપાયોને સહારે નહીં રહેવું પડે. આભાર.

    Like

 11. શકીલભાઈ,’
  તમારી વાત વાંચીને દુઃખ થયું. જો કે તમારી મનોવ્યથાની મને કલ્પના પણ નહોતી એમ કહું તો એ ખોટું હશે. હિન્દુઓ અને મુસલમાનોની ઇમેજ લડે છે અને લડ્યા જ કરે છે. એ પોતે નથી લડતા! લડતા દેખાય ત્યારે અવશ્ય ભી્ડમાં હશે, ભીડ આપણા વ્યક્તિત્વની હત્યા કરતી હોય છે., એ વખતે આપણે વ્યક્તિ નથી હોતા.
  માણસ કુટુંબ અને આસપાસના વાતાવરણને કારણે અમુક ટેવોનો વિકાસ કરે છે. બાળક્ને મંદિરમાં લઈ જાઓ તો એ હિન્દુ બની જાય અને મસ્જિદમાં લઈ જાઓ તો મુસલમાન બની જાય. બાળપણથી દુકાને બેસાડો તો દુકાનદાર બની જાય. અમારા જેવા નાગરોને તો સરકારી નોકરી આવડે. ઘણી વાર દુબળા પાતળા માણસને લારીમાં શાક વેચતો જોઉં તો વિચાર આવે કે હું વેચવા નીકળું તો મને લોકો માલ ખરીદીને પૈસા આપે ખરા? ચશ્માવાળા આમ પણ શાક વાળા જેવા ન લાગે! એટલે મને પૈસા ન આપે તો હું તું-તાં કરી શકું? ના. એટલે હું શાક વેચવા કદી નીકળ્યો નથી. આ થઈ ટેવ, જે બાળપણમાં મળી.
  આવી ટેવોનું મહત્વ નથી એવું નથી.પરંતુ એની સીમા આપણે જાણી લેવી જોઇએ. આપણે એટલું સમજીએ કે આપણે હિન્દુ કે મુસલમાન માત્ર ટેવ અથવા પરંપરાને કારણે છીએ અને આવી આઇડેન્ટિટી મહત્વની હોવા છતાં એની એક સીમા છે. આ સીમા એ વાતથી નક્કી થાય છે કે ધર્મ માત્ર માણસજાતમાં છે. એટલે કે જે કોઈ એક અથવા બીજા ધર્મમાં માનતો હોય તે માણસ જ હોવાનો! માણસ તરીકેની આ આઇડેન્ટિટી્ને બદલે એની નીચેની આઇડેન્ટિટીઓને – નાતજાત, ધર્મ વગેરેને – મહત્વ આપીએ અને આને કારણે પોતાને શ્રેષ્ઠ માનીએ એ ફાસીઝ્મ છે. આપણી અંદર હિટલર જીવ્યા જ કરે છે.
  ખરેખર તો બધાએ બધા ધર્મોની અને રીતરિવાજોની થોડીઘણી માહિતી મેળવવી જોઇએ. એ રીતે જોતાં અશોકભાઈ ખરેખર નસીબદાર છે. મલ્ટીકલ્ચરલ સોસાયટીના ઘણા લાભ છે.

  Like

  • શકીલ ભાઇ, આ ‘ઓકે માસ્ટરજી” તમે મને કહ્યું હોય તો મારો ‘ઉપદેશ’ પાછો ખેંચી લઉં છું. અશોકભાઈ માટે હોય તો એ તમારા મિત્ર છે. ભૂપેન્દ્રસિંહભાઈ માટે હોય તો એમનો અખાનો ચાબખો ખમી લેવામાં ખોટું નથી, કારણ કે ક્યાંક સત્યની અણી હોય છે.
   આમ છતાં, હું એમની સાથે સંમત નથી કે ઇમામ બુખારી જે કહે તેનો વિરોધ મુસ્લિમો અથવા મુસ્લિમ સંગઠનો ન કરે તેનો અર્થ એ નહીં કે બધા એની સાથે સંમત છે. ભૂ. ભાઈતો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી બધું મૂલવે છે તો બરાબર સમજી શકશે કે એક સમાજના દરેક ઘટકને એકસરખું માનવું કદી સાચું નથી હોતું. શકીલભાઈએ ‘ઊંટનું મો મારવાડ ભણી’ એ કહેવત એમની સામે ફેંકાતી હોય છે એનો ઉલ્લેખ કર્યો છે. લૉજિકલ તો એ છે કે એમ માનવું કે મુસલમાનોમાં પણ ઓસામા બિન લાદેન કરતાં અલગ મત હોઈ શકે છે અને આવી સંભાવનાઓ શોધવી જોઇએ. તેને બદલે આપણે બધાને એકસરખા માનીએ તો ખરેખર તો ્બધાને એકસરખા બનાવી દઈએ છીએ. તમે ‘Aની પાછળ લાકડી લઈને દોડો તો એ તમારી વિરુદ્ધ દિશામાં ભાગશે. હવે તમે B પાછળ દોડશો તો એ પણ A વાળી દિશામાં ભાગશે ને? બન્ને એક દિશામાં ભાગ્યા એટલે બન્ને બધી રીતે સમાન થઈ ગયા?
   ન બોલવાનાં ઘણાં કારણો હોઈ શકે છે. સૌથી પહેલું કારણ તો એકલા પડી જવાનો ડર. રાજકીય નેતાઓ મુસ્લિમની સાથે નથી, મુસ્લિમોના નેતાઓ સાથે છે.
   જેને એકલા પડી જવાનો ડર હોય તેને ક્યાંકથી તો મદદ મળવી જોઇએ ને? આવી મદદ આપણે આપવી જોઇએ. જે હિન્દુઓ ધાર્મિક પરંપરામાં ઊછર્યા જ નથી તેઓ તો સેક્યુલર બની ગયા. એમને આપણે માત્ર એ જ કારણસર ઉતારી પાડીએ છીએ કે એ મુસલમાનોને ટેકો આપે છે. પરંતુ આપણે તો ધાર્મિક વાતાવરણમાં જ મોટા થયા છીએ તેમ છતાં અલગ રીતે વિચારી શકીએ છીએ. એટલે ધર્મની પરંપરાઓ જાણ્યા પછી અલગ પડેલા લોકો હાઇ-ક્લાસ સેક્યૂલરો કરતાં વધારે અસરકારક છે. પણ આપણામાંથી કેટલાએ કહ્યું છે કે ગોલવાલકર જે હિન્દુ ધર્મની વ્યાખ્યા કરે છે તે મને સ્વીકાર્ય નથી? શા માટે નથી કહ્યું? આપણે કોઈ અલગ પડીને ન બોલીએ તો અન્યધર્મી આપણા માટે એમ કહી શકશે કે ઊંટનું મો મારવાડ ભણી. હિન્દુ નામવાળો જણેજણ એક જ રીતે વિચારે છે. હવે એમને ખોટા કેમ પાડશો?
   રેશનાલિસ્ટ હોવું (ભૂ.ભાઈ આ ટાઇટલ નથી સ્વીકારતા એ જાણું છું) એ જુદી વાત છે. સાવરકર તો એથીસ્ટ હતા. પણ હિન્દુવાદી હતા. આપણે ધર્મના અસ્તિત્વને ન સ્વીકારીએ અને એના સાચાખોટા આધારે બનેલી કોમના અસ્તિત્વને સ્વીકારીએ – આમાં રેશનાલિટી ક્યાં છે? ગાંધીજી ધર્મમાં માનતા પણ કોમવાદી નહોતા.
   વિજ્ઞાન ગ્રુપ અને વ્યક્તિને સમાન ગણે છે? મારો ખ્યાલ છે કે નથી ગણતું.
   પરંતુ ભૂપેન્દ્રસિંહભાઈએ જે કહ્યું છે તે ચાબખાઈ રીત સાથે હું સંમત છું.એના કારણે મુસ્લિમ મિત્રો બહાર આવીને કહેશે તો ખરા કે બધા મુસલમાન એકસરખા નથી. આઇ મીન. તર્કની દૄષ્ટિએ મને આવી આશા છે.

   Like

 12. અશોક”જી”
  “Ok!Masterji” આ પ્રતિભાવ મારા તરફ અપાયેલો નથી જરા નોંધ લેશો.

  Like

  • બની શકે, … મિત્રોને નમ્ર વિનંતી છે કે અન્ય નામે પ્રતિભાવ આપવાની ચેષ્ટા કરી ચાલતી ગંભીર ચર્ચામાં સળી ન કરવી. જો કે અહીં કશું વખોડવાલાયક લખાયું નથી. છતાં આવી પ્રવૃતિ ઈચ્છનિય ન ગણાય, અને અવિશ્વાસનું વાતાવરણ ક્રિએટ થઇ શકે. મિત્રોને અગવડ બદલ દિલગીર છું.

   Like

   • આવા કીસ્સામાં I.P.Address Trace કરવું જોઈએ. અરવિંદભાઈની એક પોસ્ટ પર કોઈ ખાટસ્વાદીયાએ મારુ ઈ-મેઈલ ID લિન્ક તરીકે આપેલું અને મને ખ્યાલ આવતા મેં કહેલું કે આ પ્રતિભાવ આપનારનું IP Address જાહેર કરો. અરવિંદભાઈએ સહકાર નહોતો આપ્યો.

    જો આવા લોકોને ઉઘાડા પડાય તો જ આ પ્રકારની હરક્તો બંધ થાય.

    મધુવનમાં પણ એક વખત એવું બનેલું કે ઈ-મેઈલ આઈ.ડી. કોઈનું હોય અને પ્રતિભાવ કોઈકનો હોય (લાગતા વળગતાને તો આ વાતની ખબર હશે) .

    Like

    • સાચું કહ્યું. પરંતુ ઘણી માથાફોડી પછી એ પણ સમજાયું છે કે માત્ર IP ટ્રેસ કરવાથી ખાસ કશું જાણવા મળતું નથી ! જેમ કે હું ’બ્રોડબૅન્ડ’ વાપરૂં છું ત્યારે મારૂં લોકેશન ક્યારેક રાજકોટ ક્યારેક જામનગર બતાવે છે. (જુનાગઢ કદી નથી બતાવતું !) અને ડૅટાકાર્ડ વાપરૂં છું ત્યારે હંમેશા માત્ર NIB દિલ્હી જ બતાવે છે. અને મોબાઇલ મારફત નેટ જોડું તો ક્યારેક પૂના (Pune) પણ દર્શાવે છે. આમાં તો ક્યારેક વનેચંદ જેવું થઇ જાય ને ! તોફાન કોઇક કરે અને માર વનેચંદ ખાય 🙂 જો કે કોઇ નિષ્ણાંત લોકો આમાંથી કશી માહિતી તારવી શકતા હોય. અહીં મુન્શીજીએ પોતાની ન હોવાનું જણાવેલ કોમેન્ટનું IP : 117.229.22.17 છે.

     બાકી તો મિત્રો પર જ વિશ્વાસ રાખવો રહ્યો, મારા મતે એ સૌથી સારૂં. (બાકી કોઇ અજૂગતી કોમેન્ટ હોય તો રદ કરી નાખવી) આપનો આભાર.

     (શ્રી કાર્તિકભાઇ મિસ્ત્રીએ ઘણા સમય પહેલાં, તેમના બ્લોગે, આવું છદ્મનામે લખી શકાવાનું ભયસ્થાન સરસ રીતે તકનિકી ભાષામાં સમજાવેલું. એ લેખની લિંક મળે તો જરૂર વાંચવો)

     Like

     • આપની વાત સાચી છે. I.P. Address પરથી સચોટ માહિતિ નથી મળતી – પણ એટલો ખ્યાલ તો જરૂર આવ્યો કે ભારતમાંથી આ પ્રતિભાવ અપાયો છે. બીજી કોઈ વધારે કારગત નીવડે તેવી પદ્ધતી શોધવી પડશે (Spam Comment કરવાવાળા માટે).

      વનેચંદની મથરાવટી મેલી એટલે બિચારો હંમેશા માર ખાધા કરે 🙂

      Like

 13. શ્રી હિરલબહેન, મિતાબહેન તથા વાંચક બહેનો (અને ભાઇઓ પણ ખરા !)
  ઉપર મેં લખેલું કે વધુ બ્રેક કે બાદ, તો લો હવે બ્રેક સમાપ્ત ! મારે કશું નથી કહેવું માત્ર ગઇકાલે અમારા નજીકના વિસ્તારની એક ઘટના જે આજે છાપે ચઢી ગઇ તેની અહીં લિંક આપું છું. સમાચાર આમ છે : જુનાગઢમાં વિધીનાં નામે મહિલાઓને અડપલાં કરતા લંપટ તાંત્રિકને લોકોએ લમધાર્યો !! (અહીં આંખે દેખ્યો અહેવાલ એ છે કે ’લોકો’ની જગ્યાએ “મહિલાઓએ” એમ વાંચવું !! અને આ લમધારવાની ક્રિયાનો સાક્ષી એવો એકે મરદનો ફાડિયો સ્ત્રીને કમજોર માનવાની ભૂલ નહીં કરે !!) જો કે આવા તાંત્રિકોને પ્રોત્સાહન મળ છે તે માટે પણ સૌથી વધુ જવાબદાર તો સ્ત્રીઓ જ છે તે બાબતે પણ સ્વયં સ્ત્રીઓએ જ વિચાર કરવો !

  * http://goo.gl/WYzRo (ફોટો સહિત – ઈ પેપર દિ.ભા.)
  * http://goo.gl/oTtFB (માત્ર સમાચાર)
  મને લાગે છે આને ’શક્તિ પ્રદર્શન’ કહેવાય ! અને આ બહેનો ખરેખર જાતે જ સ્વતંત્રતા મેળવી લેનારી ગણાય. આ ઈચ્છનિય જાગૃતિ છે તેમાં આપ સહમત થશો જ. આભાર.

  Like

 14. મુરબ્બીશ્રી ગુરુજી,વડીલશ્રી દીપકભાઈ અને ભાઈશ્રી અશોક”જી” નમસ્કાર
  ખૂબ ખૂબ આભાર ચર્ચા દ્વારા વિચારવિમર્શ કરવા બદલ,વ્યવસાયીક સંજોગો ને લીધે સમય સર હાજર ન રહેવા બદલ દિલગીર છુ માફકરશો.
  કેટલા સવાલો ના જવાબ અહી ચર્ચા માંજ મળી જાય છે અને કેટલાં ના નહી,અશોક”જી” જે ચર્ચા કરે છે એ “એશિયા, એશિયા માઇનોર અને મધ્યપૂર્વ સહિતના બધાજ વિસ્તારની આ વાત છે જેમાં ઇસ્લામ સહિતના ઘણા ધર્મ અને સંસ્કૃતિઓ સામેલ ગણાય”[copy pest] જેની સાથે હુ સહમત છુ અને હુ પણ એ મુજબ ચર્ચા કરુ છુ,આપને ક્યાંક ખોટું જણાય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી.મારો ઇરાદો કોઈ ધર્મ કે સંસ્કૃતિ ઉપર ચર્ચા ને લઈ જવાનો ન હતો ન છે.હુ નૈતિકતા, પ્રમાણિકતા અને સજ્જનતા ને પહેલા મહત્વ આપુ છુ[એ મારી વિચાર સરણી છે]કોઈ ની લાગણી દુભાવવાનો કોઈ ઇરાદો નથી ન હશે.
  અહીં ચર્ચા માં કેટલાક પ્રશ્નો ઉભા થયા છે જેની ચર્ચા સમય મળ્યે જરૂર આપની સાથે કરીશ ફરી એક વાર આપ સર્વે નો ખૂબ આભાર મળતા રહીશું.
  [હમણા વ્યવસાયીક કામકાજ માં વ્યસ્ત છુ,રોટલાના બનાવવા પડશેને!]

  Like

 15. ક્ષમા કરજો… પવનમાં બધું એક જ તરફ ઊડતું હોય એવું લાગે છે એટલે જરા જુદી વાત કરું છું. ગમ્મતમાં .. પણ વાત હકીકતની છે.
  ગામડાંના કે કાઠિયાવાડના તમામે તમામ માણસો ભોળાં અને ભલા હોય એવું ન પણ હોય!
  અમારા ગામમાં શહેર તરજ જવાની બસ દિવસમાં એક જ વખત આવતી. ભીડ થતી. બસ આવે એટલે કેટલાક પુરુષજનો બૂમાબૂમ કરી મૂકે કે – એલા! બાયુંમાણસને જાવાની Aજગ્યા આપો… હવે આગળવાળા બિચારા બસમાં ચડવાને બદલે બાજુમાં ઊભા રહી જાય! પરંતુ બાયુંમાણસની પાછળ પાછળ પેલા બૂમાબૂમ કરનારા ભાયડાઓ પણ બસમાં ચડી જાય! અને બાયું માણસ માટે બાજુમાં ઊભા રહેલાઓને કશી સમજણ પડે એ પહેલાં તો બસ ભરચક ભરાઈ ગઈ હોય!:)

  Like

 16. અશોક”જી” આપે આપેલુ ” IP : 117.229.22.17 ” નુ લોકેશન આ મુજબ મળેલ છે.
  General IP Information
  Hostname: 117.229.22.17
  ISP: NIB (National Internet Backbone)
  Organization: NIB (National Internet Backbone)
  Proxy: None detected
  Type: Broadband
  Assignment: Static IP
  Blacklist:
  Geolocation Information
  Country: India
  State/Region: Gujarat
  City: Rajkot
  Latitude: 22.3
  Longitude: 70.7833

  Like

 17. પિંગબેક: સંસ્કૃતિ (ગ્રામ્ય સંસ્કૃતિની સ્ત્રીઓ) | | GujaratiLinks.comGujaratiLinks.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s