પિતૃ-તર્પણ


મિત્રો, નમસ્કાર.
થોડા દિવસનાં અનિવાર્ય અંતરાલ પછી આજે ફરી આપની સભામાં હાજર થતાં આનંદ અનુભવું છું. શરૂઆત આપણા જાણીતા ચિંતક-હાસ્યકાર શાહબુદ્દિનભાઇના મુખે ઘણી વખત સાંભળેલી (પણ છતાં આ વખતે ભુલાઇ ગયેલી !!) રત્નકણિકાથી કરીશ.
“માણસ પ્રથમ સંપતિ માટે સ્વાસ્થ્યનો ભોગ આપે છે, અને પછી સ્વાસ્થ્ય અર્થે સંપતિનો. સરવાળે ન સ્વાસ્થ્ય રહે છે ન સંપતિ !”

ભાઇ શકિલે સદ્‌ભાવથીજ (કદાચ ?) ’કુરુક્ષેત્ર’ પર સમાચાર વહેતા કરેલા કે અમે હમણાં વેફર, ફરફર, અથાણાઓ બનાવવામાં રત છીએ માટે દેખાતા નથી ! સાચું જ હતું !! ગૃહમાંથી આદેશ હતો કે સિઝન છે તો થોડા દિવસ આવું બધું મસાલા, અથાણા વ.વ. બનાવવામાં મદદ ઈચ્છનીય છે.અને આમે મને શોખ છે (મજબુરી નથી 🙂 ) આવા કામમાં મદદ કરવાનો, (આ માત્ર ઘર પુરતું મર્યાદીત છે,બહારનાં ઓર્ડર પર ધ્યાન આપવામાં આવશે નહીં 🙂 ) અને આમે હાથ ઝાલતી વેળા હુકમ માનવાનું વચન આપેલું તે મિથ્યા તો કેમ કરાય !! પરંતુ… ત્યાર પછી કમાવાની લ્હાયમાં,વ્યવસાય અર્થે, અમે વર્ષોથી જેનાથી પરિચિત છીએ તેવી જુનાગઢની ભયંકર ગરમીની અવહેલના કરી. ભરબપોરે પણ, ઉનાળા દરમિયાન પાળવાના સર્વવિદિત એવા સામાન્ય નિયમોનો પણ અનાદર કર્યો. અને પછી દેશીભાષામાં આપણે જેને “લુ” લાગવી કહીએ (શરિર વિજ્ઞાનમાં તેનાં ઘણા શાસ્ત્રીય નામો હશે) તેવી ઘટમાળમાં ફસાઇ પડ્યા ! તાવ, ડાયેરીયા, ડિહાઇડ્રેશન, કળતર, અશક્તિ, ચક્કર અને બસ ફેરવ્યા વિનાની પથારીમાં ફેરવાઇ ગયા !! તે એ…ય ને દશેક દહાડા પેટભરીને (ખોટું..ખોટું ! ખાલી પેટે માત્ર પ્રવાહી પદાર્થોને સહારે !) આરામ ફરમાવ્યો.

આપને સૌને અનુભવ હશે જ કે તાવમાં સૌ પ્રથમ મોં કડવું થઇ જાય (શા કારણે આમ થતું હશે ?) અને બીજું પથારીમાં અકર્મઠપણે પડી રહેવું પડે, અમારા જેવા ખાધોડકા અને દોડકા માણસને માટે આ બંન્ને ચીજો ઝેર જેવી ! પણ પાછું એક સુઃખ ખરૂં ! એ..ય ને નિરાંતવા પડ્યા પડ્યા વિચારવલોણું ઘમ્મર ઘમ્મર વલોવી શકાય ! જો કે દશમાંથી નવ વિચારમાં તો ભાવતા ભોજનના ભણકારા જ આવે !! એકાદ વળી તાત્વિક વિચાર પણ આવે ! આવા એકઠ્ઠા થયેલા વિચારો હમણાં તો લેખ સ્વરૂપે આપને માથે પણ મરાશે ! ભ‘ઇ મિત્રના દુઃખમાં ભાગ લેવો એ પણ તો મિત્રધર્મ છે ને ? 🙂

આ માંદગી દરમિયાન અમારા એક પરમમિત્ર મળવા (ખબર લેવા !) આવ્યા, જેઓ વળી પિતૃદોષ વગેરે વગેરેમાં બહુ માને (અને છતાં પરમમિત્ર તો છે જ ! મિત્રતા કંઇ થોડી માન્યતાઓની મોહતાજ હોય છે !). તેઓનું કહેવું એમ હતું કે આ પિતૃમાસ ચાલે છે અને તું છે ઠેકાણા વિનાનો માણસ ! પિતૃઓને તૃપ્ત કર્યા નહીં હોય તેથી પિતૃદોષ થવાથી તારા પિતૃ ક્રોધે ભરાઇ તને નડતા હોય તેમ બને. આનું કંઇક નિવારણ કરાવ ! (જો કે આમાં ઘણૂં તકનિકી ભાષામાં કહેવાયું હતું આ તો મને સમજમાં આવ્યું તેવું લખ્યું છે) મારા માટે તો પિતૃનો સામાન્ય અર્થ ’પિતાજી’ ! તુરંત પિતાજીને પુછ્યું કે ’દાદા, (બાળકોની સાથે અમે પણ બાપુજીને ’દાદા’ કહીએ છીએ) જમવા વગેરેમાં કશી કચાશ તો નથી ને ? આપ અમારી પર કંઇ ક્રોધિત તો નથી ને ?’ જો કે બાપુજી તો બહુ નિયમિત જીવનધોરણ અને સાલસ સ્વભાવ ધરાવે છે એટલે આવું કશું હોવાનું સંભવ નહીં અને અમારી સુક્ષ્મ મજાકનો આનંદ પણ માણી લે. મિત્ર કહે, ’એ ડોબા, પિતૃ કહેતા અગાઉ અવસાન પામેલા બાપદાદાઓ થાય, તેમાંનું કોઇ તને નડતું હશે !’ લો બોલો, અમને તો આ હાજરાહજુર બેઠા છે તે પણ નથી નડતા ત્યાં પેલાં ગુજરી ગયેલા તો ક્યાંથી નડતા હોય ! (ન સમજાયું હોય તે ફરી વાંચે ! આજના જમાનામાં તો મહદાંશે હાજરાહજુર બેઠેલા પિતૃઓ જ સૌને “નડે” રાખે છે ! અમસ્તા કંઇ એ બચાડાઓને વૃદ્ધાશ્રમોના આશ્રય લેવા જવું પડતું હશે ?)

પછી તો અડીયલ મિત્રે સીધો જ સવાલ કર્યો: ’દામોકુંડે પાણી રેડવા ગયો હતો ?’ (અમારે જુનાગઢ અને આસપાસના વાસીઓ ચૈત્રમાસના અમુક દિવસોમાં દામોકુંડ પાસે પીપળે પાણી રેડવા જાય, અને ભીડ એટલી બધી હોય કે પીપળા સુધી તો પહોંચાય જ નહીં પછી અમારા હાસ્યકારો કહે છે તે મુજબ ’પીયો..પીયો’ કરતા એકબીજાનાં વાંસા ઉપર પાણી ઠપકારતા હોય છે !)
હું: ’નહીં,મારા અને મારા પિતૃઓની વચ્ચે દામોકુંડ ક્યાંથી આવ્યો ? આમે દાદા હજુ અડીખમ છે, જાતે જ ઘરના માટલા કે ફ્રીજમાંથી ગ્લાસ ભરી પાણી પી લ્યે છે, છેક દામોકુંડ સુધી લાંબા થવાની શી જરૂર ?’
મિત્ર: ’અરે મુરખ, તારા આતા (પિતાનાં પિતા-દાદા) નડતા હશે તો ?’

Samat attaઅને આ પછીના લાંબા સંવાદોથી આપને બોર કે ઠળીયા કશું નથી કરવા પણ ટુંકમાં એકલો પડ્યો પડ્યો યાદ હતા તેટલા પરદાદાઓનું સ્મરણ થયું, અમારા આતા ગરીબ, સ્વભાવે અને સંપતિએ બંન્ને રીતે, કોઇકના ખેતરે સાથીપું કરતાં (કેમ તે રહસ્ય ધીમે ધીમે ખુલશે જરા ધીરજ રાખો ! આ રહસ્ય કથા જેવું છે !!), મોટાઓ પાસેથી વાત સાંભળી છે કે એક દહાડો સાંજે સીમમાંથી, નેચરલી ચાલીને જ , ઘરે આવતા હતાં ત્યાં પાછળથી કોઇ ઘોડેસ્વાર વટેમાર્ગુ (એ જમાનામાં ત્યાં ગાડાં અને ઘોડાં જ માત્ર મુસાફરીના સાધન હતા) આગળ થયો. તેની ભેટે બાંધેલી રાણાશાહી કોરીની પોટલી સરકી અને મારગે પડી ગઇ. પેલાનું ધ્યાન નહીં પણ આતાની નજર પડી કે આ ઘોડાવાળાની જ પડી છે. આતાએ પોટલી ઉપાડી અને દોટ દીધી, રાડ પણ પાડી પણ પેલાનું કશું ધ્યાન નહીં ને ઘોડો તો જાય ભાગ્યો ને આતા પાછળ દોડતા જાય. સીમના મારગેથી ગામનું પાદર આવ્યું, ત્યાં બેઠેલાઓને પુછ્યું કે અસવાર કી ગમા ગ્યો ? (કઇ બાજુ ગયો) જાણ્યું કે પોરના મારગે ચઢ્યો છે. (પોરબંદર) ઘરે સમાચાર મુકાવ્યા કે વાળુની રાહ ન જોવે અહુરટાણું થશે (મોડું થશે) અને ઉપડ્યા ચાલતા ચાલતા પોરના મારગે.

બે ગામ પસાર થયા ને ત્રીજા ગામના પાદરે અસવાર હારેનાં ભાથાંમાંથી વાળુ કરી લંબાવ્યો હતો, ઘોડો બાંધેલો જોઇ વરત્યો અને રામરામી કરી ખબરઅંતર કાઢ્યા, નામઠામ જાણ્યું અને પુછ્યું કે જવાન કંઇ ખોવાયું ખરૂં ?
ત્યારે અસવારે ભેટે હાથ ફેરવ્યોને કહ્યું: ’ભાઇ, કોરીયુ (એ સમયેનું સ્થાનિક ચલણ) બાંધી તી ઇ ક્યાંક મારગે પડી ગઇ લાગે છે’
આતાએ કહ્યું: ’લે ભાઇ, મને જડી છે, ગણી લેજે’ ને પછી અસવારે ઘોડો લઇ મુકવા આવવાનો વિવેક કર્યો તે નકારી, તેને તેના મારગે ચઢાવી આતા લગભગ પો ફાટવા ટાણે ઘેર પુગ્યાને શિરામણ ટાણે વાળુ ભેગા થયા !!

હવે આવા આતા, જેણે સાવ અજાણ્યાને માટે પણ ભુખ્યા પેટે રાતભર પલ્લા કાપ્યા હોય તે સગા સંતાનોને નડે ? કહે છે કે (કહે છે શું, સાબીત વાત જ છે) આ અમારા આતાના બાપુજી (પરદાદા) વિશેક વિઘા જમીન ધરાવતા હતા તે કોઇ સગાએ ઓળવી લીધી, વારસાગત સાલસ સ્વભાવને કારણે કજીયાનું મોં કાળું કરી અને ભલે વાવતા એય છે તો આપણા જ સગાને ! તેમ સમજી પોતે કરાંચી બંદરે (ત્યારે કરાંચી પણ અખંડભારતનો હિસ્સો હતું અને કંડલાબંદર તો છેક આઝાદી પછી બન્યું) પ્રતિમાસ રૂ.૧ (રોકડો એક)ના પગારે વર્ષો સુધી મજૂરી કરતા અને લહેરથી રહેતા ! અને હરીસ્મરણ કરતાં. આ સાલસ સ્વભાવ અને બાધણા વળગણાથી વેંત છેટે રેવાનું (ડરપોકપણૂં ?) અમારા જિન્સમાં પ્રોગ્રામ થયેલું હતું તેવું લાગે છે. (હવે મ્યુટેશન થયું હોય તો હોય !!)

આ કોઇ સ્વપ્રસંશાર્થે નહીં માત્ર ઉદાહરણાર્થે લખ્યું, આ કે આ જેવી જ કથા આપના બાપદાદાની પણ હોય, સમજવાનું માત્ર એટલું છે કે પેઢી દર પેઢી મહેનત-મજૂરી કરી કરી આપણને સુઃખ સમૃદ્ધિ સુધી પહોંચાડનાર, આપણા ક્ષેમકુશળની સદા ચિંતા કરનાર આપણા આવા બાપદાદાઓ પૌત્રો-પ્રપૌત્રોને નડે ? કનડે ? દુઃખી કરવાનું વિચારે ? માની જ ના શકાય. કારણ એવું માનીએ તો આ બાપદાદાઓનું અપમાન ગણાય. હા, એકવાત છે કે પિતૃઓના બહાને વૃક્ષોને પાણીએ કરવાની લોકોને ટેવ પડે, વૃક્ષઉછેરની ભાવના દઢ્ઢ થાય તેવી ગણતરી હોય તો સારી વાત છે. અને માત્ર ચૈત્ર માસમાં જ કેમ ? આખું વર્ષ આસપાસના વુક્ષોને પાણી પાવું તેવી ટેવ રાખતા થઇશું તો પિતૃઓ પણ રાજી અને આવનારી પેઢી પણ રાજી રહેશે. મનુસ્મૃતિ મુજબ પિતૃની યાદમાં જલદાન કરવાનું વિધાન છે, જેનો અર્થ એ છે કે બાપદાદાઓના સત્‌કૃત્યોને યાદ રાખી આપણે પણ તરસ્યા જીવો અર્થે વાવ, તળાવ, પરબ જેવા જળના સ્ત્રોત ઉભા કરવા કે સાંપ્રત સમયાનૂસાર જળ સંરક્ષણના ઉપાયો કરવા અને જળનો બગાડ ટાળવો. (ઉનાળો બેસતાં જ જળસંકટ વિકટ સ્વરૂપ ધારણ કરવા લાગતું લાગતું હોય તેવા દેશમાં આ માટે ચૈત્રમાસમાં આ પ્રકારે લોકોને જ્ઞાન અપાયું હશે, તેને બદલે આપણે વગરવિચાર્યે નિકળી પડીએ છીએ એકબીજાનાં વાંસા ઉપર પાણી ઢોળવા !! આ મારી સમજ, વધુ તો ભાઇ જ્ઞાનિઓને ખબર હશે.) બાકી તાવ આવે એટલે ભલાભોળા પિતૃઓનો દોષ શોધવા કરતા આપણો દોષ શોધી સુધારી લેવો અને જરૂરી સારવાર કરાવી લેવી સારી. અને હા અંતે પાછું હાજરાહજુર પિતૃને પાણી પીવડાવવાનું ન ભુલાય તેનો ખાસ ખ્યાલ રાખીશું તો છે તે અને ગયેલા બધાજ પિતૃઓ નડતરરૂપ નહીં લાગે ! કે ખોટી વાત ? આભાર.

22 responses to “પિતૃ-તર્પણ

 1. હાશ!!! સાજા થયા તે જાન છુટી, મને દરરોજ દુકાનભેગો કરતા તા અને ઘરમાં આવીએ ત્યારે ટક ટક.
  બાપા!!!!!!!! શાતી થઈ..
  હા હા હા, મજાક કરું છું, હવે મારવા ન દોડતા.
  Love You… 🙂

  Like

  • ઈનો મતલબ બીમાર પિતૃ નડતા હતા?મારવા પણ દોડે?મજાક કરું છું.
   પિતૃઓ કદી સંતાનોને નડે ખરા?જોકે અપવાદ રૂપ દશરથ જેવા પિતૃઓ પણ હોય છે.ખેર એવરેજ માતાપિતા સંતાનોને નડે તેવું ના હોય.જીવતા નડ્યા ના હોય તો મર્યા પછી તો ક્યા નડવાના હતા?
   ભાઈ સજા થઈને હસાવે તેવી પોસ્ટ મૂકી તે બદલ આનંદ થયો.હવે જ્યારે બહાર જાવ ત્યારે બેત્રણ ગ્લાસ પાણી પીને બહાર જવાનું કદી ‘લુ’ નહિ લાગે.

   Like

 2. થોડાં વખત પહેલાં અમારા પીતરાઈ ભાઈ-ભાભીઓએ આગ્રહ કર્યો કે સમગ્ર કુટુંબે સાથે બેસીને નારાયણ બલી કરવો પડશે – હમણાં અમને બહુ તકલીફ થાય છે. હું તો આવું માનું નહી પણ વડીલો અને જીવંત પિતૃઓને નારાજ કરવાનું યોગ્ય ન લાગે તેથી મને-કમને બધાની સાથે બેઠો. આખો દિવસ જાત જાતની વિધી કરી – છેલ્લે બધાં પિતૃઓને આહવાન કર્યું કે કોઈને કાઈ ઈચ્છા હોય તો આવે – હું મનમાં હસું કે જીવતા હતા ત્યારે ય એટલાં કામમાં રહેતાં તો હવે જ્યાં હશે ત્યાં યે કામમાં જ હશે ને? એમને શેની નવરાશ હોય. અને વળી એમ પણ થાય કે માંડ છુટ્યા છે તે હવે પાછા શું કામ આવે? એટલે કોઈ ફરક્યું યે નહીં.

  બધા લોકો નારાજ થઈ ગયા કે વિધિમાં કઈ દોષ રહી ગયો હશે કે પિતૃઓ હજુ નારાજ લાગે છે. મેં કહ્યું કે કોઈ નારાજ નથી પણ જો આવી વિધિઓ કર્યા કરશું તો આપણે જરૂર તારાજ થઈ જઈશું. આખો દિવસ આખા કુટુંબનો ગયો – અને આ ધુમાડા ખાઈ ખાઈને આંખો બળવા લાગી તે વધારામાં.

  ટુંકમાં આપણી માન્યતાઓ અને પૂર્વગ્રહ નડે – આંખે સોજા આવે કે તાવ આવે તો સારવાર કરીએ અને ઉપાય કરીએ એટલે સારા થવાય એમાં પિતૃઓ બચાડાં શું કરે? જીવંત પિતૃઓ પણ માંદા પડીએ તો કાઈ નથી કરી શકતા.

  ચાલો હવે આવતા વેત હાસ્યલેખ મુક્યો તે સારું કર્યું, આમેય હમણાં વાતાવરણ થોડું ગંભીર હતુ તો આપના આવવાથી થોડું હળવું થશે.

  આમ તો આપનો પૂત્ર આપની ગાદી બરાબર સંભાળી શકે તેમ છે – અત્યારથી ટેકનીકલ લેખ લખે છે અને ફ઼ેસબુકને – ફ઼ેશબુક કહે છે.

  Any way – I Love you All

  Like

  • આભાર અતુલભાઇ, મારા વડે વાતાવરણને કશોક લાભ પણ થાય છે તે જાણી દિલને ટાઢક પહોંચી. આભાર. બીજું, ભ‘ઇ સીધેસીધું એમ જ કહોને કે હવે નિવૃત થાઓ 🙂

   અમારે દેશી ગમાર લોકો ’સ’ નો ઉચ્ચાર ’સ’ જ કરે ! થોડા સુધરેલા ગણાય તેઓ ’સ’ ને ’શ’ કહે, અને સુધરીને ધૂળ થયા હોય તેઓ ’સ’ ને બદલે ’ચ’ ઉચ્ચરે !!! આ માળો બેટો હજુ થોડોક જ સુધર્યો છે 🙂 (મજાક કરૂં છું, વ્યાકરણમાં વાંધા હોય તેથી તો ઈજનેર થાય ! બાકી તો ના સાહિત્યકાર બને !! આપે ધ્યાન દોર્યું એ બદલ આભાર.) Love you too.

   Like

 3. અશોકભાઇ નિરાંતવાં આરામ ફરમાવતાં આપના વિચારોના ઘમ્મર વલોણામાંથી ખૂબ જ સરસ સામાજિક વિષય પર લેખ.

  ઘણીવાર લોકો પિતૃદોષ અને પૂર્વજો ના નડતરની વાતો કરે ત્યારે મને પણ આપના જેમ જ લાગતુ કે..

  “સમજવાનું માત્ર એટલું છે કે પેઢી દર પેઢી મહેનત-મજૂરી કરી કરી આપણને સુઃખ સમૃદ્ધિ સુધી પહોંચાડનાર, આપણા ક્ષેમકુશળની સદા ચિંતા કરનાર આપણા આવા બાપદાદાઓ પૌત્રો-પ્રપૌત્રોને નડે ? કનડે ? દુઃખી કરવાનું વિચારે ? માની જ ના શકાય. કારણ એવું માનીએ તો આ બાપદાદાઓનું અપમાન ગણાય.”

  હા, એ વાત જુદી છે કે કોઇ અપવાદરૂપ પિતૃઓ હોય છે જે જીવતાં જ ખૂબ નડે કે મર્યા પછી એમના નડવાનો સવાલ જ ના રહે. (પાછળના લોકોને ખૂબ હાશકારો થઇ જાય)

  અને આપની આ સમજ પણ ગમી હા, એકવાત છે કે પિતૃઓના બહાને વૃક્ષોને પાણીએ કરવાની લોકોને ટેવ પડે, વૃક્ષઉછેરની ભાવના ર્દઢ થાય તેવી ગણતરી હોય તો સારી વાત છે. અને માત્ર ચૈત્ર માસમાં જ કેમ ? આખું વર્ષ આસપાસના વૃક્ષોને પાણી પાવું તેવી ટેવ રાખતા થઇશું તો પિતૃઓ પણ રાજી અને આવનારી પેઢી પણ રાજી રહેશે.

  ખૂબ ખૂબ સરસ લેખ.

  Like

  • શ્રી મિતાબહેન, આભાર.
   આપે અપવાદરૂપ પિતૃઓની વાત કરી, તે મારા મગજમાં ન હતી. સારૂં થયું, આપના એ ઉલ્લેખથી લેખ બેલેન્સ થયો. સાચી વાત છે, કેટલાક તો જીવતે જીવતજ એટલું નડી ચૂક્યા હોય કે તેમનો નડવાનો ક્વૉટા જ પુરો થઇ ગયો હોય. આપનું માર્ગદર્શન આપતા રહેશો. આભાર.

   Like

 4. તમે લૂની અસરનું એવું સચોટ વર્ણન કર્યું છે કે અમને થાય છે કે આ લહાવો લેવામાંથી અમે રહી ગયા.
  શકીલભાઈએ કહ્યું તો હતું જ કે તમે વેફર, પાપડ, અથાણના શિકારે ગયા છો, પણ એમણે એ નહોતું કહ્યું કે તમે બેચાર જામ લીધા વિના જ ગયા હતા.
  બાકી આતાની કથામાંથી તો સૌરાષ્ટ્રની રસધાર જ ટપકી. વાહ!

  Like

 5. આતા જેવા મૂલ્યો આજે સમાજમાં રહ્યા નથી.ધાર્મિકતા વધતી જાય છે,મૂલ્યો ઘટતા જાય છે.દિવંગત આતાને સો સલામ.આવા મૂલ્યવાન પુરુષો લોકના આદર્શ હોવા જોઈએ.દીપકભાઈએ આવા પુરુષોને મનોમન ગુરુ બનાવેલા છે તે યાદ આવી ગયું.

  Like

  • સત્ય વચન બાપુ ! જો કે આ માત્ર ઉદાહરણ આપ્યા પરંતુ અમને પણ એમ જ લાગે છે કે રોજીંદા જીવનમાં, આસપાસમાં જ કેટકેટલા અનૂસરણીય ગુણીજનો મળી આવે છે બહાર ક્યાંય ગુરુ શોધવાની ક્યાં જરૂર છે ! પણ તો પછી પેલી કહેવત નું શું થાય ? “ઘર કી મૂર્ગી દાલ બરાબર” !!

   Like

 6. એ..એ….વાઘ આવ્યો રે….. વાઘ,
  એને પાછો સાજો થઈ ને, ભાઇ [અ-શોક=હમેશાં શોક આપવા વાળો]તારી જાસૂસી કરતા હુ બદનામ થયો ખેર ન કરવાના કામ કર્યે તો “કર્યા ભોગવવા પડે”
  ભાઇ સમયના અભાવે તારી[વાઘની] માંદગી ના સમાચાર નેટજગતમાં વહેતા ના કરી શક્યો બાકી મે તો “વાઘની બિમારી”વિશે એક પોસ્ટ ઠપકારવાનો વિચાર કર્યો તો ![હમણાં “લગ્નસરા” એટલે અમારે[મારે] બારેમાસ ના રોટલા બનાવવાના હોય]
  બ્લોગ વાંચન ની લત એવી લાગી છે[“અસર”ના ઓટલે ઇલાજ માટે જવાનો છું] કે આવ્યાવગર ચાલતું નથી,
  ચાલ તો હવે તરાપ મારવા થઈ જા ત્યાર ને મંડ શિકાર કરવા.

  Like

  • શબ્દોનું સત્યાનાશ કરવાનું અને ઘરમેળે વ્યાખ્યાઓ કરવાનું બંધ કર !!! વિડીયો વાળાઓ એક સીઝનમાં બારેમાસના દૂધપાકના રોકડા કરી લે છે 🙂 (રોટલાનો સગો ક્યાં થા છો !)
   અને અંતે, ’આદત’ એક પણ સારી નહીં પણ વાંચનની આદત તેમાં અપવાદરૂપ છે. ચંત્યા નકો ! આભાર.

   Like

 7. “ગમે તેવા નપાવટ પિતૃ કે (સંતાનો હોય તો પણ) કદી નડતા હશે? ”

  ^ આ વાત હું નાનો (હવે મોટો માનવો) હતો ત્યારનો કહેતો આવ્યો છું ઘરમાં તો કોઇ ભલે ન માને પણ અહી તમારી પોસ્ટ અને એના અનુસંધાને આવેલ કોમેન્ટમાં વંચાઈ એટલે હાશકારો થયો!

  જો કે ગયા શનિવારે ખરેખર મારે એક “પિતૃ તર્પણ” માં જવું પડ્યું’તુ, ત્યારે પણ મારી વાતોથી મને બધા અબુધ (તો આમાં ખોટું શું?) સમજતા/કહેતા હતા. પણ અમારા કસકને ત્યાં મજા પડી ગઈ.. પરિક્રમમાં અલગ જગ્યાયે તાપણા કરીને રસોઈ બનાવતા હોય હવન હોમ થતા હતાં ત્યાં ભાઈ સાહેબ ચક્કર મારે મને રિપોર્ટ આપે કે ફલાણી જગ્યાએ આમ ચાલે છે ને તેમ.. અને પાછો મને ભલામણ કરે કે કંઇ “જોવા જેવું” છુટી ન જાય એ ધ્યાન રાખજો અને મને જાણ કરજો.

  આવી લાં…બી (અને ફાલતુ) કોમેન્ટ વાંચીને કોઇ ડીહાઈડ્રેશનની ફરીઆદ કરે એ પહેલા હાલો તિયારે થોભુ બીજું શું?

  Like

  • “આવી લાં…બી (અને ફાલતુ) કોમેન્ટ” બદલ આભાર !!! રજનીભાઇ.
   સાચી વાત એ છે કે બધું માત્ર વખોડવા જેવું જ નથી હોતું, બાળકો માટે તો ’જોવા જેવું’ પણ હોય છે. માત્ર તેને તે પાછળની સાચી સમજ આપવી જરૂરી. પછી બાળક પિતૃતર્પણનો ખરો મહિમા સમજતું થઇ જશે.

   Like

 8. શ્રી અશોકભાઈ
  આપ માંદા હતા તે ખબર નહિ હતી ખેર ! ચાલો હવે સ્વસ્થ થઈ ગયા તે જાણી આનંદ. આપના પિતૃ-તર્પણ લેખ વિષે પ્રતિભાવ આપતા જણાવું કે હું આવી કોઈ માન્યતામાં મક્ક્મતાથી માનતો નથી કે વિશ્વાસ ધરાવતો નથી અને તે મારાં જીવનમાં મેં અમલી પણ કરેલું છે. મારાં બ્લોગ ઉપર નવેમ્બર 2009 ના મૃત્યુ અને કર્મ કાંડ ઉપર મારાં વિચારો મૂકેલા છે. અંતમાં સ્વામી સચ્ચિદાનંદના શબ્દોમાં સ્વામી સચ્ચિદાનંદ કહે છે તે પ્રમાણે

  “મૃત્યુ પછી કોઈ સ્વર્ગ કે નર્કમાં જતું નથી.ખરેખર તો સ્વર્ગને નર્ક માત્ર કલ્પના છે. મૃત્યુ વખતે જ ચેતનાનો વિલય થઈ જતો હોઈ કોઈ ભૂત-પ્રેત થતું નથી એટલે જીવની અવગતિ રોકવા માટે શ્રાધ્ધ કે પિંડદાન વગેરે ક્રિયા કરવાની કોઈ જરૂર નથી.—- હા પોતાના સ્વજનો પાછળ દરિદ્રોને, બાળ!કોને, વૃધ્ધોને અને લાચાર માણસોને જમાડવા, વસ્ત્રો કે અન્ય જીવન જરૂરિયાતની ચીજ્-વસ્તુઓ આપવી જોઈએ ! માનવતાવાદી અને સમાજલક્ષી કાર્યો કરીને મરણ પામેલા માણસો પ્રત્યે કૃતજ્ઞતા બતાવવી જોઈએ !! કોઈપણ પ્રકારના નડતરનો ભય રાખવો નહિ. જીવતાં-જીવ આશીર્વાદ આપનારા મા-બાપ મૃત્યુ પછી નડતા હશે ? પૂર્વજો નડે છે તેવી ભ્રમણાથી મુકત થવું માણસને પોતાનોં અજ્ઞાન જ વધુ નડે છે. કદાચ નડે તો તે જીવતા માણસો નડે મરેલા ન નડે. જો મરેલા નડતા હોત તો હત્યારાઓને હત્યા કરેલા માણસો ના નડે ?” અસ્તુ !
  સ-સ્નેહ
  અરવિંદ

  Like

  • આભાર અરવિંદભાઇ.
   સચ્ચિદાનંદજીનું કથન સર્વદિશાએથી સ્વિકાર્ય ગણાય. એકદમ સાદી સમજ છે, કંઇ લાંબા પહોળા શાસ્ત્રોના જ્ઞાનની જરૂર નથી. પરંતુ આટલી સામાન્ય સમજ આવવી તે જ અસામાન્ય છે. સુંદર અને ઉપયોગી પ્રતિભાવ બદલ આભાર.

   Like

 9. તદ્દન સાચી વાત છે ભાઈ, પિતૃઓ તો જીવતે પણ ના નડે કે માર્યા પછી પણ ના નડે, જો નડે તો તે પિતૃ ના હોય. અને પિતૃ એમના સંતાનોને નથી નડતા હોતા, સંતાનો એ પિતૃને નડતા હોય છે. એમને બિચારાને ઘરડાઘરમાં મૂકી આવ્યા હોય પછી તેમન માર્યે છોકરાઓ પોતાની ભૂલ પર પસ્તાવાને બદલે પાછા એમને જ દોષ દઈને દોષ નિવારણ કરવા નીકળે. આ નારાયણબલિ વિશે ૧૫-૨૦ વરસ પહેલા કોઈએ સાંભળ્યું પણ નહોતું પણ જ્યારે ચાણોદ-કરનાળીના અમારા બામણોનો ધંધો ઉનાળામાં નબળો પાડવા માંડ્યો ત્યારે તેમણે શાસ્ત્રોનું શરણું લઈને આ વિધિ શોધી કાઢી અને ત્યારથી એમની દુકાન ચૈત્ર મહિનાની બળતી બપોરે પણ નરબદા સુકાઈ ગઈ હોવા છતાં ચાલુ રહેતી થઇ ગઈ. કહે છે ને કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે….

  Like

  • આભાર ધવલભાઇ,
   આ નારાયણબલિ વિશે હું જાણતો ન હતો. જો કે આપનું એક વાક્ય સુધારીશ,
   ’લોભિયા હોય ત્યાં બુદ્ધિમાનો ભૂખે ના મરે….’ એમ કહેવું વધુ ઉચિત રહેશે.

   તાજો જ નજર સમક્ષ આવેલો અને હજુ ચાલુ એક કિસ્સો છે. બાપનો એકનો એક દિકરો છે. બાપની જાયદાદ પણ ઘણી મળેલ છે, અને બાપ મર્યા પછી વધુ મળશે ! હાલ તો બાપ બે ટાણાં બજારમાંથી ટીફીન લાવી રોટલા ખાય છે, (એક જ મકાનમાં રહે છે છતાં..) અને દિકરો બાપના મર્યા પછી કેવું જોરદાર કારજ કરવું કે સગાઓમાં છાકો પડી જાય તેનું પ્લાનિંગ કરતો રહે છે !!! યે જીવન હૈ…..

   Like

 10. પિંગબેક: પિતૃ-તર્પણ | | GujaratiLinks.comGujaratiLinks.com

 11. તમને તાવ આવેલો અને હવે સાજા થઇ ગયા તે આજે જાણ્યું. તબિયતનું ધ્યાન રાખજો.
  ગરમીમાં ખાસ સંભાળવા જેવું હોય છે.

  સરસ લેખ લખ્યો છે.
  અંધશ્રધ્ધા વિષે અને એની પાછળના તાર્કિક કારણો વિશેના આપના વિચારો ગમ્યા.
  આશા રાખીએ કે લોકો મજબુત મનના થાય અને પોતાની તકલીફો માટે દોષરોપણ કે કોઈપણ જાતની અંધશ્રધ્ધામાં પોતાનો કિંમતી સમય ના બગાડે અને બીજા લોકોને ગેરમાર્ગે ના દોરે..

  Like

 12. વાહ, ખુબ સુંદર લેખ છે,
  શાને નડે કોઈ આપણ ને,
  આપણ ને નડે છે આપણી રહેણી કરણી,
  ને બદનામ કરીએ આપને પૂર્વજ ને!
  સીમા દવે

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s