મારા પ્રતિભાવો-વાસ્તુશાસ્ત્ર: વીજ્ઞાન કે અજ્ઞાન ? (via અભીવ્યક્તી)


વાસ્તુશાસ્ત્ર: વીજ્ઞાન કે અજ્ઞાન ? –વલ્લભભાઈ ઈટાલીયા વાસ્તુશાસ્ત્ર એ છેલ્લા બે દાયકામાં અને ખાસ કરીને શહેરોમાં ઝડપથી ફેલાઈ રહેલું સામાજીક દુષણ છે. જ્યોતીષ, વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈ જેવા કહેવાતા શાસ્ત્રો ભોળા, લાચાર અને નબળાં મનવાળા લોકોને અવળે માર્ગે દોરે છે. સમસ્યાગ્રસ્ત, ગરજવાન અને અંધશ્રદ્ધાળુ માણસનું મગજ ભાગ્યે જ ઠેકાણે હોય અને તેનો ગેરલાભ ઉઠાવવામાં ધતીંગશાસ્ત્રીઓ નીષ્ણાત હોય છે ! લોકો પણ છેતરાવા માટે હંમેશાં ખડેપગે રહેતા હોય ત્યાં, લેભાગુઓન … Read More

via અભીવ્યક્તી  —  શ્રી ગોવીંદભાઇ મારુ

મારો પ્રતિભાવ :

શ્રી ગોવીંદભાઇ, માહિતીપ્રદ લેખ. આ વિષય પર મને તો બહુ જાણકારી નથી ! કારણકે અમારે તો મકાન બાંધવામાં સગવડતાનો (ભૌતિક અને આર્થિક બન્ને !) વિચાર વધારે કરાય છે ! મોટાભાગે તો બધા પોતાની જરૂરીયાત પ્રમાણે બાંધકામ ઠપકારે, કડીયો થોડું તકનિકી સુચન કરે ! બાકી ન આર્કિટેક્ચર કે ન કોઇ વાસ્તુશાસ્ત્રી પરવડે !! અમારે ખેતરનાં જે શેઢે ખરાબો હોય ત્યાં મકાન બને, અને મકાન બની ગયા પછી બધા સ્નેહી, મિત્રો શાથે મળી લચપચતી લાપસી ખાય તેને ’વાસ્તુ’ કહે ! (શહેરોમાં પાર્ટી હોય તેવું જ) આ અર્થમાં ’વાસ્તુ’ આપણને બહુ ગમે !!! પરંતુ આ લેખમાંથી કેટલાક મુદ્દાઓ, જે મને સમજાયા તેના પર મારા થોડા તર્ક જણાવું.
* “વાસ્તુશાસ્ત્ર મુળે તો સ્થાપત્યશાસ્ત્ર છે. એમાં રહેલી શીલ્પકલા સામે કોઈને કશો વાંધો ન હોઈ શકે;” — આ વાક્યમાં લેખકશ્રીની શુદ્ધદાનત દેખાય છે, આપણી પ્રાચીન શિલ્પકલાને ઉજાગર કરતું આ શાસ્ત્ર છે. (જેમાં પછીથી મનઘડંત રીતે જોડી કાઢેલા ધતિંગોને બાદ કર્યા પછી)

* “અલ્ટ્રાવાયોલેટ જેવાં કીરણો પૃથ્વી સુધી પહોંચતા નથી” — આ વાત અવૈજ્ઞાનિક હોય તેવું નથી લાગતું ? ઓઝોનનાં ગાબડાંથી થઇ રહેલી સૌથી મોટી હાની જ આ છે.

* “સંડાસ ખરાબ અને પુજાનો ઓરડો સારો એ બધું તો માણસની લાગણી, ગમા-અણગમાનું જ વીભાગીકરણ છે.” — એકદમ સહમત, અને એ લાગણીઓ પછીથી એક પ્રકારની પ્રથા બની જાય છે, જેને સામાજીક રીતભાત કહેવાય છે. (જેને આપણે પરંપરા કહી શકીએ, ક્યારેક તેમાં મુળ કારણ દુર થવા છતાં પરંપરા ચાલુ રહે છે !)

* ” ‘ખગોળશાસ્ત્રી’ કરતાં ‘વાસ્તુશાસ્ત્રી’ પર વધારે શ્રદ્ધા એટલે જ ‘અંધશ્રદ્ધા’ !” — આ વાત દરેક પ્રકારની અંધશ્રદ્ધાને તારવવામાં લાગુ પડે, જેમકે ’દાક્તર’ કરતા ’ભુવા’ પર, ’જાત મહેનત’ કરતા ’જોષ જોનારા’ પર વગેરે… સરસ સુત્ર બતાવ્યું.

* ” માણસની સમૃદ્ધીનો આધાર તેની તીજોરી કઈ દીશામાં છે તેના પર નહી; તેનો ધંધો કઈ ‘દશા’માં છે, તેના પર નીર્ભર હોય છે !”
* ” પ્રકૃતીને આવા અપવાદમાં રસ નથી હોતો.”
* ” માણસની બુદ્ધીનાં બારણાં ખુલ્લાં હોય તો ઘરના બારણાં ગમે તે દીશામાં ખુલતાં હોય, કશો ફરક પડતો નથી !” — આ બધાંજ સોનેરી સુત્રો કહી શકાય.

કહે છે કે ’લોભીયા હોય ત્યાં ધુતારા ભુખે ન મરે’ તો આમાં પણ તેવું જ છે. બાકી ઘરની સુંદરતા, કલાત્મકતા કે મજબુતાઇ વધારતા સુચનો કોઇ પણ શાસ્ત્રનાં હોય સ્વિકાર્ય ગણવામાં કશો દોષ નથી લાગતો. હા! ઘરમાં સુ:ખ, શાંતી અને સમૃદ્ધિ ઘરની રચના કરતા વધુ તો ઘરમાં રહેનાર પર આધારીત છે. આ માટે દિવાલ ફેરવવા કરતા દિલ ફેરવવું વધુ યોગ્ય લાગે છે.
અને અંતે, જુગલકિશોર ભાઇની શાથે સહમત થતા એટલું તો નિષ્પક્ષ પણે કહેવું પડે છે કે, વિરોધ કોઇ પણ શાસ્ત્રને ખોટા પરિપ્રેક્ષ્યમાં રજુ કરી લોકોને ભરમાવતા ધુતારાઓનો હોવો જોઇએ, શાસ્ત્રો (ધાર્મિક હોય કે વૈજ્ઞાનિક બંન્ને પ્રકારના) નો તો અભ્યાસ અને સમાજ ઉપયોગી કાર્યો માટે તેનો ઉપયોગ થવો જોઇએ. (કોઇ વસ્તુ ૧૦૦% સારી કે ખરાબ હોતી નથી, તેમાંથી ગુણ ગ્રહણ કરી લેવો તેનું નામ સમજણ !!)
સ_રસ લેખ આપવા બદલ આપનો અને લેખકશ્રીનો આભાર.


(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”

One response to “મારા પ્રતિભાવો-વાસ્તુશાસ્ત્ર: વીજ્ઞાન કે અજ્ઞાન ? (via અભીવ્યક્તી)

  1. પિંગબેક: મારા પ્રતિભાવો-વાસ્તુશાસ્ત્ર: વીજ્ઞાન કે અજ્ઞાન ? (via અભીવ્યક્તી) | | GujaratiLinks.comGujaratiLinks.com