મને બનાવો…મને બનાવો…!


આજે ’બનાવવા’નો દિવસ ! લાગ મળ્યે બધા એકબીજાને બનાવશે !! આમે બનાવવાનો ઉદ્યમ આપણામાં તાણાવાણાની જેમ વણાયેલો જ છે, ઈશ્વરે માણસને બનાવ્યો કે માણસે ઈશ્વરને ? જનતાએ નેતાને બનાવ્યા કે નેતાઓએ જનતાને ? વાંચકોએ લેખકને બનાવ્યા કે લેખકે વાંચકોને ? બ્લોગે બ્લોગરને બનાવ્યા કે બ્લોગરે બ્લોગને ? કે પછી આવા બધા પ્રશ્ને આપણે પાછા એકબીજાને બનાવીએ છીએ ?? એક શાયરે કહેલું ને કે ’તારા બનાવેલા આજે તને બનાવે છે’. તો મુદ્દામાં વાત કહું તો અમને ’બનાવવા’નું બહુ ન ફાવે પરંતુ ’બનવા’નો બહુ શોખ ! કિંતુ,પરંતુ,યંતુ..અમને બનાવવામાં કોઇને બહુ રસ પડતો લાગતો નથી !
’પણ ભઇલા અશોક, તમારે શું બનવું છે ? ઈશ્વર ? માણસ ? નેતા ? વાંચક ? લેખક ? બ્લોગર ? શું ? શું ? શું ??’
’ના..રે, અમારે તો એપ્રિલફૂલ બનવું છે !!’ ’જો કરી છે ને કંઇ!’

અમારા વ્યવસાય સ્થળ નજીક એક પ્રોફેસર રહેતા હતા.(હવે નથી રહેતા !!) એક વરસ, અમારી ’બનવાની’ ઉચ્ચત્તમ લાયકાત જાણી અને તા:૧/૪ નાં રોજ સવારમાં જ દુકાને પધાર્યા, હાથમાં એક પડીકું, તેમાં સાકરની ગાંગડીઓ, બોલ્યા; ’લો અશોકભાઇ, પ્રસાદ ગ્રહણ કરો’ સવાર સવારમાં સાકર (અને એય પાછી મફતની !) જોઇને મન ન લલચાય તો અમારો મિષ્ટાનપ્રેમ ન લાજે ? મોટા મોટા બે ગાંગડા ઉપાડી હોંશભેર મોં માં મુકી ગયો. પણ જીભને અડતાં જ (અને થોડું કેમેસ્ટ્રી ભણ્યા હતા તેથી !) જ્ઞાન લાધ્યું કે અરે આ તો ફટકડી (Alum) !!!  અહીં સુધી તો ઘટના સામાન્ય જ ગણાય અને જો અમે થુ થુ કરી અને મોં કટાણુ કરી ગયા હોત તો સામાન્ય જ રહેત. પરંતુ આગળ કહ્યું ને કે અમને ’બનવા’નો શોખ બહુ પણ સરખું ’બનતા’ પણ નથી આવડતું ! આથી તો મિત્રો મોં માથે ’ભોળા’ અને પીઠ પાછળ ’ભોટ’ કહે છે !!! અમે મોં પર કોઇ જાતનો કટાણો ભાવ લાવ્યા વગર આરામથી ફટકડી ચાવવા લાગ્યા. હવે સાહેબ ગોટે ચઢ્યા ! કહે ’અશોકભાઇ, સાકરનો સ્વાદ કેવો છે ?’ અમે કહ્યું, ’અરે મીઠો સાકર જેવો છે સાહેબ !! પણ આ સવાર સવારમાં કયા મંદિરે જઇ આવ્યા ?’ સાહેબને થયું સાલું ભુલભુલમાં સાચે જ સાકરનું પડીકું તો નથીને ઉપાડી લાવ્યો ! તેમણે પણ ઝટ દઇને એક ગાંગડો ઉપાડી ગ્રહણ કર્યો ! અને પછી જે વિવિધ આલાપમાં થુ…થુ…થુ..નો રાગ આલાપ્યો છે કંઇ ! પણ મને જતા જતા એટલું જ કહ્યું; ’યાર તમને ’બનતા’ પણ આવડતું નથી ને શું નકામા ઢઢા રાખો છો !!’ (પછી સાહેબે મકાન બદલી નાખ્યું હતું !) 

તો આ તો આજના દિવસે યાદ આવેલો એક પ્રસંગ આપને પણ સંભળાવ્યો, આવી તો આ દિવસ સાથે સંકળાયેલી ઘણી સત્ય ઘટનાઓ છે. આગળ ક્યારેક યાદ આવશે તેમ આપને પણ જણાવીશું. હાલ તો અમને ’બનવા’નો ખરેખરો ઉજમ ચઢ્યો છે તો સૌ મિત્રોને વિનંતી કે વેબજગતમાં આજના દિવસે આપના કે આપના ધ્યાને એવા કોઇ સારા બ્લોગ/વેબ પર ’બનાવનાર’ લેખ કે સમાચાર હોય તો તેની લિંક પ્રતિભાવમાં જરૂર આપે. અમે પણ બે ઘડી મૌજ માણી લઇએ !

બે‘ક લિંક અહીં આપેલી છે. આપને જ્ઞાન-ગમ્મત બંન્ને મળશે.

*  આ વર્ષે એપ્રિલફૂલની ધમાલ ક્યાં, કેવી !!!

* એપ્રિલફૂલ દિવસ (વિકિપિડીયા)

અને હા, સૌ મિત્રોને એક ખુશખબર આપવાના તો રહી જ જાત ! રાજ્ય સરકારના કલા અને સંસ્કૃતિ ખાતા દ્વારા વર્ષ ૨૦૧૦-૧૧ માટે શ્રેષ્ઠ બ્લોગર ઓફ ધ યરની તાજેતરમાં ઘોષણા કરવામાં આવી. અને મને જણાવતા આનંદ થાય છે કે આ પારિતોષિક માટે આપના આ મિત્રને લાયક ગણવામાં આવ્યો. અમે સમારંભમાં અમારો સાંસ્કૃતિક વેશપરિધાન કરી ગયા, અને મેડલ સ્વિકાર્યો. અમને મળેલ પારિતોષિક પર ખરો હક્ક આપ સૌ સાથી મિત્રોનો છે, તેથી આ પારિતોષિક હું વિનમ્રતાપૂર્વક આપ સૌને અર્પણ કરૂં છું. સાથે આવતા વર્ષે આપ સૌના સાથ અને સહકારથી અમે આવું જ રાષ્ટ્રિય પારિતોષિક પ્રાપ્ત કરવાની યોગ્યતા કેળવીએ તેવી અભ્યર્થનાસહ:  આભાર.  (આ બાંગુ નથી હો ! જુઓ ચિત્ર)

25 responses to “મને બનાવો…મને બનાવો…!

  1. 🙂 🙂 🙂

    પ્રસંગ મસ્ત છે હો અશોકભાઇ, બિચારા જે બનાવવ આવેલા એ જ બની ગયા.
    શિકારી ખુદ યહાં શિકાર હો ગયા 🙂

    અને હા, અભિનંદન વિજેતા બનવા બદલ…(ચિત્ર જોયું એટલે અભિનંદન આપ્યા નહીં તો એપ્રિલ ફૂલ જ સમજતો ;))

    Like

  2. મઝા આવી. શ્રેષ્ઠ બ્લૉગર બનવા બદલ અભિનંદન. (ફોટા તો સાચા જ છે ને?)

    Like

  3. અભિનંદન.. 😀
    હેપ્પી એપ્રિલ ફૂલ.કયું ફોટોશોપ સોફ્ટવેર યુઝ કર્યુ છે ? :mrgreen:

    Like

  4. સરસ, અને અભિનંદન..

    તમે મેડલ લેવા ગયા ત્યારે ઘુંટણિયે પડીને લીધેલો ? કેમ કે તમારા અડધા પગ દેખાતા નથી.
    અને કાળા ચશ્મા કાઢી નાખો કેમ કે હાથ બરાબર મિલાવી શકાયો નથી.
    અમે એમ એપ્રિલફુલ નહીં બનીએ
    બાય ધ વે.,
    હેપ્પી એપ્રિલફુલ ડે.
    તમે કોરલડ્રો વાપર્યુ લાગે છે..

    Like

  5. “APRIL PHOOL OF YEAR ” 2010-11 બોલ બીજુ શું ? બનવું છે, મેડલ બદલ ફોટોશોપ + અભિજિત બિન્દ્રા નો આભાર માનો. મિત્રો ને એપ્રિલફૂલ બનાવવા નો સરસ પ્રયત્ન કર્યો.

    Like

  6. મજા આવી ગઈ.મેં વળી પહેલી એપ્રિલે ખૂબ ગંભીર લેખ મૂકી દીધો.કદાચ બીજા એપ્રિલફૂલ વિશેના લેખો સાથે સરભર થઇ જાય.
    ભારતમાં ટો ખૂબ ગરમી હશે.અહીં ટો આકાશ સ્નો થી ભરેલું છે.ક્યાંક ક્યાંક સ્નો પડવા પણ લાગ્યો છે.આ એપ્રિલફૂલ નથી.

    Like

  7. રાજય સરકારના કલા ( ? ) અને સંસ્કૃતિ( ? ) ખાતાએ આપને શ્રેષ્ઠ બ્લોગર તરીકે પસંદ કર્યા જાણી ખૂબ આનંદ થયો અભિનંદન ! આ ખાતું કેટલૂં ખાય છે આવી પસંદગી કરાવવા માટે ? ફોટા પણ લે ! આ રાજય સરકાર કયા રાજ્ય ઉપર રાજ કરે છે તે જણાવ્યું હોત તો સર્વેને પોતાના નામ આગામી વર્ષ માટે નોંધાવાની સમજ પડત ! અરે યાર વેહંચી ને ખાવ ! એકલા એકલા નહિ પચે હો !

    Like

    • આભાર અરવિંદભાઇ, આપની વહેંચીને ખાવાની વાત ખરે જ અત્યોત્તમ છે (સરકારી અમલદારો અને રાજકર્તાઓને આપે આ સલાહ બહુ વહેલી આપી દીધી લાગે છે 🙂 )
      આવતે વર્ષે નામ નોંધણીનાં ફોર્મ વહેંચીશું ! ફોર્મ સાથે જે પૂ.ગાંધીજીનાં મુલ્યવાન ચિત્રો વધુ જોડશે તેને પારિતોષિક માટે લાયક ગણવામાં આવશે !!
      આપ અહીં પધાર્યા, ઘણો આનંદ થયો. આભાર.

      Like

  8. Happy Aprilfool day !!!

    Lata J Hirani

    Like

  9. શ્રી અશોકભાઈ,

    નામ જ સરસ છે …હો…કે ! અ — શોક ….

    પણ શોક કરવવાને બદલે મેડલ પુરાણ મૂકી હસાવે છે.

    Like

  10. વાહ અશોક ભાઈ વાહ,
    રાજ્ય સરકારના કલા અને સંસ્કૃતિ ખાતા દ્વારા વર્ષ ૨૦૧૦-૧૧ માટે શ્રેષ્ઠ બ્લોગર ઓફ ધ યર ચુંટાઈ આવવા માટે લખ લખ મોતિડે વધામણાં……

    Like

Leave a comment