વેશ્યાવૃતિ (Prostitution) via કુરુક્ષેત્ર


મિત્રો, નમસ્કાર.
શ્રી ભુપેન્દ્રસિંહજીનો લેખ ’ વૈશ્યાવૃત્તિ.Look!Hard Truths About Human Nature ’ વાંચી અને પછી થોડી માહિતીઓ એકઠ્ઠી કરવા બેઠો તો આ વિષયે જરા વધારે જાણકારીઓ મળી. આમ તો મારે આ માહિતી બાપુના લેખની પૂરક માહિતી રૂપે આપવી હતી પરંતુ લંબાણ વધુ હોવાથી અહીં અલગ લેખ સ્વરૂપે મુકી છે. મેં ત્યાં પ્રતિભાવમાં લખેલું કે આ આપણી લેન નહીં ! પરંતુ આ અમેરિકાવાળાઓ આપણને ગમે તે લેનમાં ચઢાવી મારે ખરા !!! 🙂  તો અમને ખાંખાખોળા માટે નવો વિષય આપવા બદલ ભુપેન્દ્રસિંહજીનો હાર્દિક આભાર માની આ લેખ આપની સમક્ષ રજુ કરૂં છું. આને તે મુળ લેખના પ્રતિભાવ સ્વરૂપે જ જોવા વિનંતી. પ્રથમ મારો ત્યાં અપાયેલ પ્રતિભાવ છે અને પછી આગળની પૂરક માહિતીઓ. આભાર.

મારો પ્રતિભાવ :

સ_રસ ! માહિતીઓ આપી. ખાસ તો ચિત્ર !!
જો કે આપણી આ લેન નહીં ! પ્રથમ અહીં ભ.ગો.મં. દ્વારા થોડી પૂરક માહિતીઓ આપું છું. સૌપ્રથમ તો બહુ ઓછા જાણતા હશે તેથી આ ક્ષતિ સ્વાભાવિક છે તેને સુધારૂં છું. જો કે રજનીભાઇ, દેસાઇસાહેબ, રાજેશભાઇ જેવા જાણકારોએ સાચો શબ્દ જ લખ્યો છે ! સાચો શબ્દ “વેશ્યા” હોવો જોઇએ કારણ : “વૈશ્યા” શબ્દનો અર્થ અલગ જ થાય છે. જુઓ નીચે.

* વૈશ્યા = વૈશ્ય સ્ત્રી, વેપારી સ્ત્રી, વાણિયણ. (ભ.ગો.)
* ધૃતરાષ્ટ્રનો દીકરો યુયુત્સ વૈશ્યાપુત્ર તરીકે ઓળખાતો તેમ પુરાણને આધારે ભ.ગો.મં. જણાવે છે.
હવે આપણે “વેશ્યા” શબ્દનો ભ.ગો. માં અર્થ જોઇએ,જેમાં વેશ્યાનાં ત્રણ પ્રકાર દર્શાવ્યા છે.
* વેશ્યા = ગણિકા; પુંશ્ચલી; જારકર્મ કરનારી સ્ત્રી; પાતર; હલકી સ્ત્રી; પતિત સ્ત્રી; રામજની; વારાંગના; કસબણ; વ્યભિચારનો ધંધો કરી પોતાના રૂપસૌંદર્યનો વેપાર કરી આજીવિકા મેળવનારી સ્ત્રી. વાત્સ્યાયન કામસૂત્રમાં લખે છે કે, ગણિકા તથા રૂપજીવામાં પહેલીને ઉત્તમ વેશ્યા અને બીજીને સાધારણ વેશ્યા સમજવામાં આવે છે. કુંભદાસી, પરિચારિકા, કુલટા, સ્વૈરિણી, નટી, શિલ્પકારિકા, પ્રકાશ વિનષ્ટા આદિ અનેક ત્રીજી શ્રેણીની વેશ્યાઓમાં ગણવામાં આવેલ છે.
* વેશ્યાખાતું = ગણિકાઓની રાજવ્યવસ્થા માટે ચાલતું ખાતું. કૌટિલ્ય અર્થશાસ્ત્ર પ્રમાણે, આ ખાતાના મુખ્ય અધિકારીએ રાજદરબાર માટે વાર્ષિક પગારે એક ગણિકાનું આયોજન કરવું. એ ગણિકા ગણિકાની પુત્રી હોય કે ન પણ હોય; માત્ર તે સૌંદર્ય, યૌવન અને કલાપ્રાવીણ્ય માટે પ્રખ્યાત હોવી જોઈએ. (ભ.ગો.મં.)
વધુ બીજી કોમેન્ટમાં ;

તો આ રહી વધુ માહિતીઓ:

# ભારતમાં વેશ્યાવૃતિ વિષયે કાનૂની સ્થિતિ જોઇએ તો:
* કાયદાની ભાષામાં ’વેશ્યા’ શબ્દનો અર્થ થાય છે; ’નાણાકીય વળતરની અવેજીમાં પોતાના શરીરનો કામી ઉદ્દેશ માટે ઉપભોગ કરવા દેનાર’
* વેશ્યાવૃતિ નો પ્રાચિન થી અર્વાચિનકાળ સુધીનો ઈતિહાસ તો સર્વવિદિત છે તેથી તે વિષયે બહુ નથી લખતો, માત્ર કાનૂની જાણકાર મિત્રો, વિકિ અને લીગલ સર્વિસ ઇન્ડીયાના રિસર્ચ પેપરની સહાયથી,સાભાર, ભારતમાં તેના કાનૂની અને સામાજીક પાસાઓ વિશે થોડી પૂરક માહિતીઓ, ખાસ તો ગુજરાતીમાં વાંચવા મળે તે આશયે લખું છું.

એક વાતે આપને કદાચ આશ્ચર્ય થશે કે એશિયાના (અને વિશ્વના પણ) બહુ થોડા દેશોમાં વેશ્યાવૃતિ ગેરકાનૂની નથી ગણાતી, જેમાંનું એક ભારત છે ! જી હા ! અહીં વેશ્યાવૃતિ કરવી એ ગુનો નથી ગણાતો. ચોંકશો નહીં, પરંતુ જેમ મોટાભાગના એશિયાઇ કે ઈસ્લામિક અને અમુક યુરોપીય દેશોમાં વેશ્યાઓને કાયદાથી જ હીન કે ગુનેગાર ગણી વિવિધ સજાઓ કરાય છે તેમ ભારતમાં નથી.

આપણા પ્રાચિન સાહિત્યમાં, જેમ કે ઇસા પૂર્વે ૨ જી સદીના ’મૃચ્છકટ્ટિક્કમ્‌’ નાટકમાં “નગરવધુ”નો ઉલ્લેખ આવે છે.  ભારતમાંથી બૌદ્ધિઝમનાં વળતા પાણી થયા પછી, લગભગ ઇસા. ૧૦૦૦માં “દેવદાસી” પ્રથા શરૂ થયેલી. (ભારતીય સંસ્કૃતિ કોષ ભાગ-૪, પાના-૪૪૮) એમ કહેવાય છે કે આ દેવદાસીઓ બૌદ્ધ સાધ્વીઓ હતી જેને બૌદ્ધિઝમનાં વળતા પાણી થયા પછી, બ્રાહ્મણોના હાથમાં આવેલી મંદિર વ્યવસ્થામાં ’દેવદાસી’ સ્વરૂપે એક પ્રકારની વેશ્યા બનાવી દેવાઇ હતી. પછી તો આ પ્રથા આમજ આગળ ચાલી હશે. ખાસ તો દક્ષિણભારતમાં, ચૌલા સામ્રાજ્ય સમયમાં આ પ્રથા ખુબજ બળવત્તર બની હતી. છેક ૧૯૩૪ દેવદાસી સિક્યોરિટી એક્ટ દ્વારા તે પ્રવૃતિ પર પ્રતિબંધ લગાવાયો હતો. ૧૯૮૦માં ફરી આ કાનૂનને વધુ મજબૂત બનાવી સખ્ખતાઇપૂર્ણ અમલ થાય તે માટેના પગલાં લેવાયા. છતાં પણ ક્યાંક ક્યાંક આ કાનૂનનો ભંગ થતો હોવાનું જણાય તો છે જ.

ત્યાર બાદ મુઘલ સામ્રાજ્યના સમયમાં પણ ’તવાયફ’ અને ’મુજરા’ના રૂપે આ પ્રવૃતિ અને કલાનો સંગમ થયાનું દેખાય છે. કહે છે કે જહાંગીરના હરમ (રાણીવાસ)માં ૬૦૦૦ જેટલી દાસીઓ (જે તવાયફો જ હતી) હતી.

૧૬ અને ૧૭મી સદીમાં, ગોવામાં પોર્ટુગીઝ શાસકો દ્વારા જાપાનિઝ સ્ત્રીઓને લાવી અને વેશ્યા તરીકે વસાવવાનો ઉલ્લેખ પણ મળે છે. ૧૮મી સદીના અંત ભાગમાં, બ્રિટિશ શાસનના સમયમાં, પણ બ્રિટિશ સૈન્યના લોકોની ખાસ સેવા માટે ’કમાટીપુરા’ ખાતે રેડ-લાઇટ એરીયા વિકસાવાયો હતો. જ્યાં બ્રિટન, યુરોપ અને જાપાનથી સ્ત્રીઓને લાવી અને વેશ્યાવ્યવસાય કરાવાતો હતો. જે પછીથી ભારતીય વેશ્યાઓનો ગઢ બન્યો અને આજે એશિયાનો સૌથી મોટો રેડ-લાઇટ એરિયા ગણાય છે.

* હવે આપણે વેશ્યાવૃતિના કારણરૂપ એવા કેટલાક સર્વવિદિત મુદ્દાઓ જોઇએ;
પાલકો દ્વારા યોગ્ય ધ્યાન ન અપાવું કે ખરાબ વ્યવહાર થવો.
સંગતદોષ
સામાજીક રીતરિવાજો
લગ્ન કરી શકવાની અસમર્થતા (આર્થિક કે સામાજીક કારણોસર)
જાતિય શિક્ષણનો અભાવ
નિકટના સગાઓ દ્વારા જાતિય શોષણ કે બળાત્કાર.
વહેલાં લગ્ન અને લગ્નમાં ભંગાણ
મનોરંજનના અન્ય સાધનોનો અભાવ, અજ્ઞાન અને વેશ્યાવૃતિનો સ્વિકાર.
ગરીબી અને આર્થિક સંકડામણ જેવા આર્થિક કારણો.
મનોવૈજ્ઞાનિક કારણો જેમ કે, ભૌતિક સુખની લાલસા, તૃષ્ણા અને ક્યારેક ગ્લાનિ પણ.

* ભારતના કેટલાક નોંધપાત્ર રેડલાઇટ એરિયાઓ જેમકે, દિલ્હીનો જીબી રોડ, કોલકાતાની સોનાગચી, મુંબઇનો કમાઠીપુરા વિસ્તાર, પુણેની બુધવાર પેઠ અને ગ્વાલીયરનો રેશમપુરા વિસ્તાર જેવા પ્રખ્યાત વિસ્તારો ગામે ગામ પણ મળી આવશે.લોકસભામાં અપાયેલા ૨૦૦૮ના આંકડા મુજબ દેશમાં લગભગ ૨૮ લાખ વેશ્યાઓ છે અને આ આંકડો વધતો જાય છે. (જો કે અમુક સંસ્થા આ આંક ૨ કરોડ જણાવે છે) કહે છે કે લગભગ દર એક કલાકે ચાર નવી સ્ત્રીઓ આ વ્યવસાયમાં દાખલ થાય છે જેમાંની ત્રણ કમને જ દાખલ થાય છે ! આ વ્યવસાયમાં મોટાભાગની યુવતીઓ નેપાળ અને બાંગ્લાદેશથી સરેરાશ ૧૨ વર્ષની ઉંમરે આવે છે. પછી તેઓ દેહવ્યાપાર, કરજ અને ગુલામીના ઘાતકચક્રમાં ફસાયેલી રહી જાય છે. આધુનિક ભારતમાં માત્ર કુટ્ટણખાનાઓ ઉપરાંત અન્ય પણ ઘણા પાસાઓ આ વ્યવસાયના સામે આવ્યા છે. જેમાં; બાર ડાન્સર્સ, કોલગર્લસ, ધાર્મિકતાના ઓઠા હેઠળ,  એસ્કોર્ટ ગર્લ, હાઇવે પરનો વેશ્યા વ્યવસાય, બાળ વેશ્યાઓ વગેરે વગેરે.

* સરકારી આંકડાઓ મુજબ ભારતના કુલ વેશ્યા વ્યવસાઇકોમાંના લગભગ ૩૫.૫ % ૧૮ વર્ષ કરતા પણ નાની ઉંમરે આ વ્યવસાયમાં પ્રવેશે છે. આમ બાળ વેશ્યા વ્યવસાય એ એક મોટી સમસ્યા છે.

* હવે થોડી કાયદાકીય જોગવાઇની વાત; આ બાબતે ત્રણ કાયદાઓ નોંધનીય છે.
(૧) સપ્રેસન ઓફ ઈમ્મોરલ ટ્રાફિક ઈન વિમેન એન્ડ ગર્લ ચાઇલ્ડ એક્ટ-૧૯૫૬ (SITA-સીતા)
(૨) પ્રિવેન્શન ઓફ ઈમ્મોરલ ટ્રાફિક એક્ટ-૧૯૫૬ (PITA-પિતા) 
(૩) ઈમ્મોરલ ટ્રાફિક (પ્રિવેન્સન) એક્ટ-૧૯૫૬ (ITPA)

આ કાયદાઓની જોગવાઇ સામાન્ય ભાષામાં સમજીએ તો; ભારતમાં આ કાયદાઓની જોગવાઇ મુજબ, વેશ્યાવૃતિ કરનારને અને વેશ્યા પાસે જનારને ગુનેગાર નથી મનાતા પરંતુ વેશ્યાવૃતિને પ્રોત્સાહન આપનાર એવી ત્રીજી વ્યક્તિ (જેમકે દલાલ કે કુટ્ટણખાનાઓ ચલાવનાર કે કમાણી કરવા માટે અન્ય પાસે વેશ્યાવૃત્તિ કરાવનાર)ને જરૂર ગુનેગાર માનવામાં આવે છે. જો કે જાહેર સ્થળ કે તેની આસપાસ વેશ્યાવૃતિ કરવી પ્રતિબંધીત બને છે.  હાલમાં, વ્યવહારમાં, આ કાયદાઓને બદલે ભારતીય દંડ સંહિતા (IPC)ના જાહેરમાં અશ્લિલ કે અશોભનીય વર્તન કે પબ્લિક ન્યુસન્સ જેવા ગુનાઓ પણ લાગુ પાડી શકાય છે. (અહીં વેશ્યાવૃતિ એટલે સ્ત્રીઓ દ્વારા થતી વેશ્યાવૃતિ જ સમજવી, પુરૂષો માટે કોઇ ચોખવટ છે જ નહીં ! અને તેઓને આવી કોઇપણ પ્રવૃતિમાં ઝડપાય તો IPC હેઠળ ગુનેગાર ગણવામાં આવે છે.)  

ઉપરોક્ત કાયદાની જોગવાઇ મુજબ, વેશ્યાલય ચલાવનાર કે વેશ્યાવૃતિ કે વેશ્યાલય માટે જગ્યા ઉપલબ્ધ કરાવનાર કે જાણવા છતાં ભાડે દેનાર માલિક કે ભાડુઆત કે વ્યવસ્થાપક ને પણ પ્રથમ વખતના ગુના માટે એકથી ત્રણ વર્ષની સખ્ખત કેદની સજા અને ૧૦,૦૦૦ રૂ. સુધીનો દંડ થઇ શકે છે. આ જ ગુનામાં બીજી વખત પકડાનારને બે થી પાંચ વર્ષની સખ્ખત કેદ અને ૨૦૦,૦૦૦ રૂ. સુધીનો દંડ થઇ શકે છે. (ડિટેઇલ માટે નીચે PDFની લિંક પરથી જાણી શકો છો)

આ પ્રમાણે જ કોઇની અસંમતિ કે સંમતિથી પણ વેશ્યાવૃતિને ખાતર લલચાવવું કે તે માટેની સગવડ કરી આપવી. વેશ્યાલય કે વેશ્યાવ્યવસાય થતો હોય તેવા સ્થળે કોઇને લલચાવી અને દોરી જવું કે આવો વ્યવસાય કરનારને અન્ય (ગ્રાહક) પાસે દોરી જવું જેવા, ટુંકમાં વેશ્યાવૃતિને પ્રોત્સાહન આપતું કોઇપણ ક્રુત્ય કરવાના ગુના માટે ત્રણથી સાત વર્ષની સખ્ખત કેદની સજા અને ૨૦૦,૦૦૦ રૂ. દંડ થઇ શકે છે. અને આવો ગુનો જો સામેની વ્યક્તિની નામરજીથી (બળજબરી પૂર્વક) બન્યો હોય તો સજા ૧૪ વર્ષ સુધી લંબાવી શકાય છે.

તદ્‌ઉપરાંત ઉપર જણાવેલા ગુનાઓ જો બાળકનાં સંદર્ભે બન્યા હોય (એટલે કે બાળ વેશ્યાવૃતિના મામલે) તો સજા ઓછામાં ઓછા સાત વર્ષથી લઇ અને જન્મટીપ સુધીની થઇ શકે છે. એજ રીતે સગીર વયની વ્યક્તિ (જેમ કે સગીર વયની બાલિકા) સંદર્ભે બનેલ હોય તો સાતથી ચૌદ વર્ષની સજાની જોગવાઇ છે.

આમ આપણે જોયું કે ભારતમાં વેશ્યાવૃતિ ગેરકાનૂની નથી પરંતુ વેશ્યાવૃતિ સાથે સંકળાયેલી અન્ય પ્રવૃતિઓ ગેરકાનૂની ગણાય છે. જો કે હવે વેશ્યા પાસે જનાર ગ્રાહક માટે પણ સજાની જોગવાઇ કરવા બાબતે આગ્રહ રખાય રહ્યો છે. મુખ્યત્વે બે મત પડે છે, એક મત છે કે વેશ્યાવૃતિને અમુક દેશમાં છે તેમ કાયદેસર કરો જેમાં વેશ્યાલયો ચલાવવા કે દલાલો જેવી પ્રવૃતિને પણ કાનૂની વ્યવસાય ગણવામાં આવે, જેથી વેશ્યાઓનું શોષણ અટકે અને તેને અધિકૃતતાથી મળતા લાભો પણ મળે. બીજો મત છે કે વેશ્યાવૃતિ ડામવા માટે હજુ પણ સખત કાયદાઓ બનાવો, જેથી વેશ્યાવૃતિને કારણે થતું સ્ત્રીઓનું શોષણ અટકે કે લાચારીપૂર્વક આ વ્યવસાય તરફ ધકેલાતી અબળાઓનું પ્રમાણ ઘટે અને આ પ્રવૃતિની આડપેદાશ સમી શારીરિક, માનસિક, સામાજીક દુર્ગતિ (જેમાં AIDS જેવા રોગો પણ સામેલ) પણ અટકે.

તો આ હતી બહુ ઓછા ચર્ચાતા વિષયે થોડી માહિતીઓ. વધુ વાંચન માટે આપ નીચેની કડીઓ જોઇ શકો છો. આભાર.

વધુ વાંચન :
* ભારતમાં વેશ્યાવૃતિ (વિકિ પરનો લેખ)
ભારતમાં વેશ્યાવૃતિ (legalserviceindia.com) 
* Immoral Traffic Prevention Act (PDF ફાઇલ)

7 responses to “વેશ્યાવૃતિ (Prostitution) via કુરુક્ષેત્ર

  1. વેશ્યાવૃત્તિનું પુરુષપ્રધાન સમાજમાં જે ‘મહત્વ’ છે તે જાણ્વા માતે શ્યામ બેનીગળની ‘મંડી’ ફિલ્મ જોવા જેવી છે.
    સમાજ જ્યાં સુધી સ્ત્રીને ‘વસ્તુ’ માનતો રાહેશે ત્યાં સુધી વેશ્યાવૃત્તિ ચાલુ રહેશે. મૂડીવાદી વ્યવસ્થામાં સ્ત્રી પોતે પણ પોતાનો ‘વસ્તુ’ તરીકે ઉપભોગ થવા દે છે અને એનો લાભ લે છે. વેશ્યાવૃત્તિને પુરુષની નજરે જૂઓ તો એટલું જ કે એ એક કરતાં વધારે સ્ત્રીઓ સાથે સંબંધ રાખવા માગે છે. એ જો સ્વીકાર્ય સત્ય હોય તો એ જ સ્વતંત્રતા સ્ત્રીને નથી મળી. સ્ત્રી સમાજની વ્યવસ્થાને તોડે અથવા એને તોડવાની ફરજ પડે તે સિવાય એ આ સ્વાતંત્ર્ય ભોગવતી નથી. શ્રી ભૂપેન્દ્રસિંહભાઈ જેનેટિક જરૂરિયાતોની દૃષ્ટિએ મોનોગૅમીને અવાસ્તવિક માને છે. અને એ સાચું પણ છે. એમ છતાં, પુરુષ ફાવે તે કરે, સ્ત્રી પતિવ્રતા જ હોવી જોઇએ એ તો સમાજને કારણે જ આવ્યું છે.
    તમે કાનુની માહિતી ઘણી સારી આપી છે.

    Like

  2. વાહ…..વ્હા….., ક્યા બાત હૈ, અશોક સાહેબ, આપે તો કમાલ કરી, સુંદર છણાવટ કરી આપી, વગર રુચિભંગ કર્યે…. અભિનંદન…

    પણ વેશ્યાને વેશ્યા ન કહેવાય ત્યા સુધી એ વેશ્યા ન મનાય પણ એને પ્રેમીકા માનીએ તો એ પ્રેમીકા બનીને હજ્જારો પુરુષને તારવી જાય છે.

    સરેરાશ સ્ત્રીઓ હંમેશા સહારો શોધતી હોય છે (સરેરાશ પુરુષ વાસના). પ્રથમતો પુરુષના પ્રેમ રુપી વફાદારીના ટેકાને ચાહતી હોય છે અને એ જ્યારે નથી મળતો અથવા પોતાનો નથી બનતો ત્યારે ફક્ત પૈસો જ એનો સહારો બને છે બીજુ કોઈ નહિ, અને એ કાયમી વેશ્યા બની બેસે છે ભોગ આદરે. અપવાદ રુપે જબરજસ્તીથી બનાવી દેવાય એ તો કમનસીબ છે પણ વેશ્યા બનવાના મુળ કારણ તો મને જે સુઝે છે એ ઉપર જણાવ્યુ એ જ લાગે છે.

    આજે સ્ત્રીઓ વાસનાથી પૈસા-ઘરબાર-ઈજ્જ્ત કમાય છે
    જ્યારે પુરુષ વાસનામાં પૈસા-ઘરબાર-ઈજ્જત ગુમાવે છે

    સામાન્ય ભારતવાસી મુળે તો વેશ્યાવ્રુત્તિનો વિરોધક છે પણ નફ્ફટ ધનવાનો અને બાહુબલીઓ એને શોખ બનાવીને ગરીબોને લુંટે છે અને ગરીબો માટે એ રોજી બની જવાથી સંસદે ગરીબોનુ પેટ ભરવા માટે કાયદો કરી નાંખ્યો જેનો ફાયદો ધનવાન બાહુબલીઓ મજેથી લુંટે છે. પણ હવે તો આજે તો ઉચ્ચ કુલીન સ્ત્રીઓ માં વણકહી વેશ્યાવ્રુત્તિની ફેશન ફુલીફાલી છે અને આવનારા સમયમાં માણસ ગધેડો બની રહેવાનો છે એવુ લાગે છે. કુલીન પુરુષો પણ (સોફિસ્ટીકેટેડ) વેશ્યાઓથી નફરત ભલે કરતા હોય પણ ત્યાં જવાના અભરખા રાખતા તો હોય જ છે.

    Like

  3. બાય ધ વે, પરમદિવસે-ગઈકાલે દિલ્હીના રોહિણીમાં ૭૭ વરસની વ્રુધ્દ્ધ મહિલા ઉપર બળાત્કાર થયો હતો…….!!!!

    Like

  4. શ્રી રાજેશભાઇના આ વિધાન સાથે સમ્પૂર્ણ સંમત છું કે “સરેરાશ સ્ત્રીઓ હંમેશા સહારો શોધતી હોય છે (સરેરાશ પુરુષ વાસના). પ્રથમતો પુરુષના પ્રેમ રુપી વફાદારીના ટેકાને ચાહતી હોય છે અને એ જ્યારે નથી મળતો અથવા પોતાનો નથી બનતો ત્યારે ફક્ત પૈસો જ એનો સહારો બને છે બીજુ કોઈ નહિ, અને એ કાયમી વેશ્યા બની બેસે છે”
    બહુ સુંદર શબ્દોમાં આ વાત કહી છે. સ્ત્રી અને પુરુષના દૃષ્ટિકોણમાં આવો તફવત હોવાનાં કારણો આર્થિક અને સામાજિક તો છે જ, જેમાં સ્ત્રીન એપરાને પરાવલંબી બનાવી દેવામાં આવી છે, પરંતુ જેનેટિક કારણો હશે ખરાં? શ્રી ભૂપેન્દ્રસિંહભાઈ આ બાબતમાં કઈંક કહી શકે ખરા.

    Like

  5. શ્રી દિપકભાઈ,

    જેનેટિકલી, સ્ત્રીઓ ખેતર (ધરતી) છે અને પુરુષ ખેડુત છે જે બીજ વેરતો ફરે છે અને ધરતી એના બીજને ફળદ્રુપ બનાવીને પરમેશ્વરનો વંશવેલો આગળ ધપાવે છે……

    Like

    • હા, કુરાન અને મનુસ્મૃતિ પણ એ જ કહે છે. બાઇબલમાં પણ એ જ મત હશે, કારણ કે ઇસ્લામથી પહેલાંના અરેબિયામાં યહૂદી માન્યતાઓનું જોર હતું.

      Like

Leave a comment