પત્નીને કાબુમાં કેમ રાખશો !!


મિત્રો, નમસ્કાર.   
 

From Wiki

 મને ખબર જ છે કે આપ હોંશે હોંશે અહીં આવ્યા છો !! (અને બહેનો હાથમાં વેલણ લઇને ! પણ જરા ધીરી બાપુડીયા !)  

     હમણાં તો એ….ને ભવેસરમાં શિવરાતનો મેળો જામ્યો છે, રાતે ડાયરાઓ અને ભજનોની રમઝટ મચે છે. (શિવરાત્રીનો મેળો એટલે ભજન અને ભોજનનો મેળો) અહીંથી ન કોઇ ભુખ્યું જાય ન દુખ્યું (બસ, ખીસ્સા પાકીટ જરા સંભાળવા !) ટુંકમાં એક એકથી ચઢિયાતા ભજનિકો અને લોકસાહિત્યકારોને મનભરીને માણવાનો (અને એય પાછું ખાય પીયને એ…ય ને સાવ મફત !) વરસમાં બસ એક આ જ મોકો. બસ આમાં અગાઉ કોઇ એક લોકકલાકારને મુખે સાંભળેલી સ_રસ વાર્તા યાદ આવી ગઇ. (કોની પાસેથી સાંભળેલ તે યાદ નથી આવતું, પણ વાત છે સાંભળેલ એટલે આમાં અમારી કશી જવાબદારી નહીં !) તો લ્યો આપ પણ માણો આ સુંદર મજાની બોધકથા.
 
     વાત અકબર-બીરબલના જમાનાની છે. (આપ ચાહો તો અહીં ગમે તે બે સારા પાત્ર ગોઠવી શકો) એક દહાડો કચેરીમાં વાતમાંથી વાત નીકળી અને બીરબલે કહ્યું કે ‘મહારાજ પત્ની પાસે તો કોઇનું ન ચાલે, ભલે આ બધા મરદ મુછાળા મુછે તાવ દેતા ફરતા હોય પણ ઘરમાં તો સમજોને ભીગી બિલ્લી !’
 
     બાદશાહે વિચાર કર્યો ! થયું વાત તો સાચી છે, ‘પરંતુ બીરબલ આપણા રાજ્યમાં એકાદ તો એવો ભડવીર હશે જ કે જેનું ઘરમાં ચાલતું હોય !’ (જોયું ? અહીં સ્વયં બાદશાહ સલામતે પોતે પણ જવાબદારી માથે ન લીધી ! સમજતા જ હતા કે નકામી આબરૂ જાય, એથી તો બાંધી મુઠી લાખની !!)
 
     બીરબલે કહ્યું: ‘મહારાજ લાગતું તો નથી, છતાં આપને ખાત્રી થાય તે માટે ચાલો એક પ્રયત્ન કરીએ.’ બીજે દહાડે શાહી ફરમાન બહાર પડાયું, રાજ્યભરમાં ઢંઢેરો પીટાયો કે ફલાણા દીવસે રાજ્યનાં તમામ પરણેલા ભાયડાઓએ રાજ્યના દરબારમાં હાજર થવાનું છે. ત્યાં જાતવંત ઘોડાઓ બાંધેલા હશે, અને જે મરદ ભાયડો એમ માનતો હોય કે ઘરમાં પત્ની પાસે પોતાનું ચલણ છે તેમણે ઘોડો છોડી જવો અન્યએ ત્યાં પડેલી ટોકરીઓમાંથી એક સફરજન લઇ ચાલતી પકડવી.
 
     ફરજીયાત હતું, રાજનું ફરમાન હતું, બધા હાજર થયા, બધાએ ઘોડો છોડ્યા પછી ઘરે પુગશું તો શું વલે થશે તેનો વિચાર કર્યો અને એક પછી એક સફરજન માંડ્યા ઉપડવા ! અકબર ચિંતાતૂર બેઠા જુએ છે કે સાલું આમાં એકેય મારી પત રાખે એવો નથી, બધાય સમદુખીયા જ જણાય છે !
 
     અને એમાં બરાબર અંતના સમયે એક ભાયડો જાગ્યો, એણે બધી જ રીતે વિચાર કર્યો અને થયું કે ના ના મારા ઘરમાં મારું જ ચલણ છે, ઘરવાળી કદી મારો બોલ ઉથાપતી નથી, અરે હું હજુ તો ગલીના નાકે પગ મુકું છું ત્યાં તો એ મારી ચાકરીમાં સામી ડેલીએ દોડી આવે છે. તેણે ખોંખારો ખાધો, મુછે વળ ચઢાવ્યો અને એક દેવાંશીરૂપ ધરાવતો, આભ માથે ડાબા દ્‌યે એવો જાતવાન કાળો ભમ્મર ઘોડો છોડ્યો. પણ ત્યાં તો સભામાં મંડ્યા ભલકારા થાવા, ‘ભા….ઇ મર્દાનગી ભા…ઇ ! રંગ છે જવાન તને રંગ છે !!!’
બાદશાહે બીરબલ સામે જોયું, જાણે કહેતા હોય કે તું ખોટો ઠર્યો. એક તો નિકળ્યો મારા રાજમાં. બીરબલે મુકસંજ્ઞા કરી કે મહારાજ જરા ધીરા રહો ! હજુ દિ આથમવાને વાર છે.
 
     અને એ જુવાન તો ભરીબજારે ઘોડો ખેલવતો, ખોંખારા ખાતો, મુછે તાવ દેતો, પસાર થયો. પણ જોનારા બધા બે ઘડી જોતા રહી ગયા હોં, માંડ્યા ભલકારા થાવા અને વાત વેગે ચઢીને જુવાનની મોર્ય જુવાનને ઘરે પોંચી ગઇ. હવે આ જુવાનની પત્નીને થયું કે બીજો કશોય વાંધો તો નથી પણ આ તો જમ ઘર ભાળી ગ્યા જેવું થશે. આ ફાટીને ધુમાડે જશે અને પછી જાલ્યો જલાસે નહીં ! મારે જીવનભરનું દુઃખ ઉભું થયું આ તો !! પણ વાંધો નહીં, ઘરે તો આવવા દ્‌યો ! અને થોડી વારમાં જવાન ઘરે પધાર્યો, ડેલીએથી પડકારો કર્યો કે; ‘સાંભળે છે, જો આ ઘોડો લઇ આવ્યો, થોડો આ ગામ આખા જેવો નમાલો છું ! બોલ, ઘરમાં તો મારું જ ચાલે છે ને ?’ પત્ની પણ બહુ સમજદાર, સમજતી હતી કે અટાણે આને શુરાતન ફાટ્ય ફાટ્ય થાય છે ! સીધી રીતે તો પોંચવા નહીં દ્‌યે ! એટલે બોલી; ‘અરે એમ જ હોય ને સ્વામીનાથ, તમારી મરજી વીના આ ઘરમાં પાંદડું પણ હાલે ખરૂં ? બહુ સારું કર્યું, ઘોડો લાવ્યા તે. પણ જોવા તો દ્‌યો, કેવોક ઘોડો લાવ્યા છો.’ ત્યાંતો પેલા જવાનના અંગરખાની કસુ માંડી ફાટ ફાટ તુટવા, પોરસાઇને ભાઇ ફાળકો થવા માંડ્યો ! ઘરવાળી બહાર આવી, ઘોડો જોયો અને બોલી; ‘અરે…રે, આ જરાક અમથી થાપ ખાધી તમે પણ ! આ હું કેવી રૂપાળી, આપણો છોકરો પણ કેવો દુધમલ, ધોળો ધોળો માખણનાં પીંડા જેવો, આ તમારાં લુગડાં પણ કાયમ ધોળા, બગલાની પાંખ જેવા, ફળીમાં ગા (ગાય) બાંધી છે એ પણ ધોળી ફુલ જેવી, અને ઘોડો કાળો !! તમને ગમ્યો હોય તો ભલે પણ તમારી શોભામાં જરાક કચાસ દેખાશે !!’ 
 
     પતિએ વિચાર કર્યો, સાલું વાત તો આની સાચી છે ! કંઇ વાંધો નહીં, લાવ બદલાવી આવું ! આ ગયો ને આ આવ્યો. ઉપડ્યો પાછો દરબારમાં, દુરથી બીરબલે પાછો આવતો જોયો અને તેને હાશ થઇ !! (એક બીરબલ તો હતો જેને રાજ્યની જોગમાયાઓ પર પુરો વિશ્વાસ હતો !) પુછ્યું; ‘ભલા જવાન, કેમ પાછો આવ્યો ?’  જવાને કહ્યું; ’મહારાજ, ઘોડો તો લીધો પણ પછી વિચાર આવ્યો કે કાળો ખોટો લીધો, ધોળો હોય તો જામો પડી જાય. તેથી બદલવા આવ્યો છું’  બીરબલે કહ્યું; ’આ વિચાર પહેલાં ન આવ્યો ?’  જવાન; ’ના, પણ ઘરે પહોંચ્યોને ઘરવાળી સાથે વાત થઇ ત્યારે થયું કે તેની વાત છે તો સાચી.’
બીરબલે કહ્યું; ’ જવાન ઘોડો હતો ત્યાં બાંધી દે અને આ ટોપલીમાં છેલ્લું સફરજન વધ્યું છે ! લઇને ચાલતી પકડ !! ભલા માણસ ઘોડાનો રંગ પણ તું નક્કી નથી કરતો ત્યાં ઘોડો લેવા ક્યાં હાલી મળ્યો તો !’
     લ્યો, વાર્તા તો જાણે અહીં વિરામ લેશે, સમજદાર બધા સમજી ગયા હશે !  જે મિત્રો લેખનું મથાળું વાંચી મોટી આશાએ અહીં પધાર્યા તે જરા નિરાશ થયા હશે ! તે બદલ હું દિલગીર પણ છું, પરંતુ કાગડા બધે જ કાળા તે જાણી તેઓને હૈયે થોડી ટાઢક પણ વળી જ હશે ને ! અને પેલી વેલણ લઇને અશોકભાઇને વધાવવા આવેલી બહેનો હાલ તો તે પ્રોગ્રામ મુલતવી રાખશે તેવી આશા છે ! 🙂 🙂  🙂 

સફરજન !!!

  તો, છેલ્લે વિચાર એટલો કરવાનો છે કે આપણે કેમનું છે ?

ઘોડો કે સફરજન !!!  😀

 

41 responses to “પત્નીને કાબુમાં કેમ રાખશો !!

 1. oh….yeah…. this reminds me of a dialogue… ” I am the boss of my house, I have my wife’s permission to say so….!!!!!!”
  Enjoyed…… by the way , વેલણ અહીજ મૂકી ને જાઉં છું…! અત્યારે તો જરુર ન પડી 🙂
  🙂

  Like

 2. વાહ સરસ સાહસકથા……..!!!!
  શું કરીએ? જેને પ્રેમ કરીએ એનુ તો માનવુ જ પડેને એટલે હુ પણ સફરજન લઈને ચાલતી પકડું છુ…….. અતિ સુંદર, મનને ખુશ કરી ગયો એવો મીઠડો કટાક્ષ પીરસવા માટે ખુબ ખુબ ધન્યવાદ……!!!

  Like

 3. અશોક”જી”, સફરજન ખવડાવવા માટે આભાર,
  હવે બે જ સફરજન વધ્યાછે બાકી ના ને દ્રાક્ષ થી કામ ચલાવવા નુ છે ? આ દ્રાક્ષ મકવા નો પણ તારો કંઈક તો પ્રયોજન હશે,
  વધુ લખાય તેમ નથી તારી ભાભી આવી પહોચશે તો મારે સફરજન બદલાવવા આવું પડશે,[તરત કહેશે પેલુ સરસ છે.]

  Like

  • “સફરજન” !!!!!
   તારા તો લગનમાં પણ અમે ટોપલો ભરીને સફરજન લાવ્યા હતા ! અરે જો આ હવે યાદ આવ્યું, આ કથા આપણા પબુ (મીથુન !)ને મોં એ સાંભળી હતી. (હવે આ ૧૦૦% સત્ય, અનુભવકથા પાકી ને ?)
   દ્રાક્ષની ચોખવટ નીચે કોમેન્ટમાં આપી દીધી છે. સાદાબ માટે બે‘ક લેતો જજે 🙂

   Like

 4. અશોકભાઇ ખૂબ ખૂબ સરસ હાસ્ય-બોધકથા. મને પણ આ સફરજન સાથે દ્રાક્ષનું રહસ્ય લાગ્યું. વેલણ ભાઇ સામે તો ના ઉગામાય એટલે પહેલાંથી લીધું જ નહોતું. અને લેખમાં કંઇક વિશેષ હશે તેવો વિશ્વાસ પણ હતો.

  Like

 5. શ્રી અશોકભાઈ
  “મધુવન” દ્વારા થયેલી કોમેન્ટ સફરજન દૂર કરશો – કવિતાએ સખત વાંધો ઉઠાવ્યો છે કે મારા બ્લોગના લોગ-ઈનથી તમે શું કામ સફરજન લખ્યું?

  બોલો હવે ઘોડો કે સફરજન કહેવાની જરૂર છે કે ?

  Like

 6. દ્રાક્ષ ખાટી હશે તો ? ઘરે ગ્યો ત્યાં તો (વેલણ સાથે ) આવો સવાલ ફટકાર્યો એટલે હું તો દ્રાક્ષ પાછી મૂકીને કંઇ લીધા વગર પોબારા જ ગણીશ… રાજાથી કંઇ થોડુ ફાટી પડાય?! બાકી તો ………. 😉

  Like

 7. આનંદ ! આનંદ !!
  બસ મારા મિત્રો આમ આનંદમાં રહે એટલે મારી મહેનત સફળ ! સૌ મિત્રોનો આભાર.
  અહીં દ્રાક્ષ બાબતે જાહેર ચોખવટ, એ દ્રાક્ષ સૌ બાલગોપાલો માટે અશોક અંકલ તરફથી ભેટ છે ! ભ‘ઇ લાલાને અત્યારે દ્રાક્ષથી શરૂ કરીશું તો ધીમે ધીમે સફરજન સુધી પહોંચશે !! (અને જીવનભર સુખી રહેવાની ચાવી બતાવવા બદલ આપણા આભારી પણ રહેશે !! 🙂 આભાર.

  Like

 8. અશોકભાઈ આ વાર્તા અમે અમારા હનીમુન ટુરના મેનેજર પાસેથી જાણી હતી ત્યારથી બધા મિત્રો એકબીજાને કટાક્ષમાં સફરજનવાળા બાપુ કે સફરજનવાળો ભાયડા કહીને મજાક કરીએ છીએ . ઘેર ધેર સફરજનવાળા બહાદુર છે એમ કદાચ કહી શકાય .

  Like

 9. ભાઈ એક સ્વાનુભવ લખું.એક વાર મારા ધરમ પત્ની દક્ષાકુંવરબા બાઈક ઉપર મારી પાછળ હતા.અને એક રીક્ષાવાળા સાથે માથાકૂટ થઇ.ભૂલ એની હતી અને ઉપરથી દાદાગીરી કરતો હતો.મારો પિત્તો સ્વભાવ મુજબ છટક્યો.હું એને બેચાર ઝપટાવી દઉં એ પહેલા તો ધરમ પત્નીએ બે ચાર સામટી એને ઠોકી દીધી.પેલો તો ડઘાઈ ગયો અને ભાગ્યો.ત્યારથી હું સફરજન ખાતો થઇ ગયો.એ પહેલા કાયમ ઘોડે સવાર રહેતો.મેં એમને આ વાર્તા મોટેથી વાંચીને સંભળાવી તો ખૂબ હસેલા.

  Like

  • બાપુ,,,બાપુ !!
   (હવે આમાં અમારે તો કોઇ ઉગાર જ નહીં ને !!!)
   જો કે આપે પેલા રીક્ષાવાળાનો આભાર માનવો જોઇએ ! બને કે આપની આડેથી એ ઘા ઝીલી ગયો હોય 😉
   (બાપુ આ બધા “નામ”નાં પ્રતાપ લાગે છે !!!)
   આભાર.

   Like

   • no way !! કોઈ ચાન્સ નહિ.બેન્નેનાં નામ સરખાં,કોઈ કવિતા કરે તેવા નથી.એક કામ કરી શકાય.બહાર ઘોડે ફરવાનું,ઘરમાં આવતા પહેલા ઉતરીને સફરજન ખાતા ખાતા પ્રવેશવાનું.મેં પેલા રીક્ષાવાળાને આભાર માનવા બુમ પાડી ઉભો રહેવા કહેલું,પણ તે સમજ્યો કે બે જણા ભેગા મળી ઓરજ ટીપી નાખશે માટે એવો ભાગ્યો કે ના પૂછો વાત.અરે તે રીક્ષામાં બેઠેલા એક પેસેન્જરે સ્વાભાવિક રીક્ષાવાળાનો પક્ષ લીધો તો એને પણ બેચાર ઠોકી દીધેલી.

    Like

 10. શ્રી અશોકભાઈ,

  મેળે મ્હાલતા જબરા ઘોડા દોડાવો છો. હો કે !

  Like

 11. ટૂંકમાં, અશોકભાઈ ઊંધી એબીસીડી સમજાવવા માગે છે. એ ફોર એપલ તેમાં પહેલાં નથી આવતું, પણ ડબ્લ્યુ ફોર વાઇફ પહેલાં આવે છે.

  Like

 12. શ્રી વિનયભાઇ, ગોવીંદભાઇ મારુ અને લેખ પસંદ કરનાર સૌ મિત્રોનો હાર્દિક આભાર.

  Like

 13. આભાર, પ્રીતિબહેન, હિરલબહેન.

  Like

 14. આદરણીયશ્રી. અશોકભાઈ

  કું પણ કેટલી મોટી આશાથી અહીં દોડી આવ્યો….યાર…,

  કોઈક …..આજે ઉપાય મળે એવું લાગ્યુ સાહેબ ……..!

  આપની આ ” સફરજન ” એટલે શું?

  સફર + જન = સફરજન

  સફર એટલે પ્રવાસ

  જન એટલે લોકો = સફરજન

  કિશોરભાઈ પટેલ ( ખાનગી )

  Like

  • આપને નિરાશ કરવા બદલ દિલગીર છું સાહેબ !! મારે પણ જમવા તો ઘરે જ જવાનું હોય ને 🙂 છતાં ધારણા મુજબની સલાહો ખાનગીમાં આપવામાં આવશે જ 🙂 🙂
   સફર કહેતાં suffer ગણો તો સફર જન નો ભેદ સ્પષ્ટ થવાની વકી ખરી !

   આનંદ થયો. આભાર કિશોરભાઈ સાહેબ.

   Like

 15. ભડવીર ભાયડા ની વાત નીકળી છે તો આ સાંભળો અકબર -બીરબલ બેઠા’તા.ગામ ગપાતા હાંકતાઃતા. વાત વાત મા અક્બર કે “બીરબલ હું આવો મોટો રાજા , આખો દેશ હું કહું તે માને, કોઇ ચું કે ચાં નો કરી હકે. હું કહું કે દીવસ ને હું કહું તો રાત, હું કહું તો સોમવાર ને હું કહું તો મંગળવાર પણ ઘરમા કાલે કીધું બટેટાનુ ભરેલુ શાક કરો ને જમવા બૅઠો ત્યાં કારેલા પીરસ્યા.બોલ સાલી આપણી કાઈ વેલ્યુ જ નહી !” બીરબલ કે ઇ તો બધે એવું જ હોય.ઘેરે ધેર ગેસના ચુલા !” અકબર કે ‘બીરબલ આપણા રાજ્યમા જે
  ભડવીર ભાયડો હોય. જે કહેતો હોય તેમ ઘરમા રંધાતુ હોય તેવા ને ગોતી લાવો. બીરબલ કે “રાજા સાહેબ ઝેર ના પારખા નો હોય. મારુ માનો તો વાત પડતી મેલો.આમા કાંઇ સારાવાટ નથી, નકાનો ખર્ચો થહે ને કોઇ મળશે નહી.સમય ની બર્બાદી” પણ રાજા , વાજા ને વાંદર્યા લીધી વાત મુકે નહી. બીરબલે તો દાંડી પડાવી ” આવતી કાલે રાજ્યના પરણેલા બધાએ દરબારમા હાજર થવું “.સવારના પોરથી લોકો ભેગા થવા માંડ્યા.અમુક તો કેતા’તા “રાજા આપણ ને સર્પાવ આપશે” રાજા આવ્યા ને કે ” ભાયું ને બેનું , માફ કરજો બેનું તો ઘરે છે.પણ – ભાયું , તમારામાથી જેનુ ચલણ ઘરમા નો હાલ્તું હોય , જેનું કાઇ ઉપજતું નો હોય ,જેનું પાંચ્યુંય નો આવતું હોય, જેનુ કહેલું ઘરમા હાલ્તું નો હોય ઇ સંધાય આગળ આવી જાય. હુડુડુડુ સંધાય આગળ આવી ને ઉભા રૈ ગ્યા. એક ભડવીર ભાયડો
  જગ્યાએથી નો હલ્યો. રાજા તો ખુશ – “બીરબલ ઉસ્કો અહીયાં લૈ આવ,મેં ઉસ્કુ પાધડી પહેનાઊંગા,સોના કી મોહર દુંગા, ત્રાંબા કે પત્તરે પર પાંચ વીઘા જમીન દુંગા. ” બીર્બલ એને બોલાવા ગ્યો. થોડી વારે પછો આવ્યો .”બીર્બલ “ક્યું એકલા એકલા આયા, વો કીધર?” બીરબલ કે ” માફ કરજો ઇ કે છે કે એની બાયડી એ કીધું છે. મને પુછ્યા વગર એક ડગલું યે ભરતા નહી એટલે ઇ નો આવ્યો !!

  Like

 16. અશોકભાઇ,
  મેં આ સ્ટોરી વાંચેલી છે, પણ ત્યારે ‘એકલો’ હતો એટલે હું તમારી બધાની વિરુધ્ધમાં હતો. 😉 પણ હવે તમારી સાથે છું… હું બી ઘોડા પરથી ઉતરીને રોબોર્ટની જેમ ક્યારે સફરજન ખાવા માંડ્યો એની મનેય જાણ નથી! 😀

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s