તો પછી કોણ કોને પ્રેમ કરશે ?


મિત્રો, નમસ્કાર.
આજે એક વાર્તા, જો કે મારી નથી ! ઓશોએ ’સંભોગથી સમાધી તરફ’માં આ વાર્તા આપી છે. અહીં ટુંકમાં, મારા શબ્દોમાં, આખો પ્રસંગ આલેખવા પ્રયત્ન કરીશ. અને આજે અચાનક આ જ વાર્તા કેમ ? અંતમાં ચોખવટ પણ થશે.

એક ફકીર પોતાના મિત્રને મળવા જવા ઘરની બહાર નીકળ્યો ત્યાં તેનો બાળપણનો કોઇ મિત્ર સામે મળ્યો, ફકીરે તેની આગતા સ્વાગતા કરી અને કહ્યું કે તું થોડી વાર આરામ કર ત્યાં હું એક-બે મિત્રોને મળી અને પરત આવું છું. પેલા મિત્રએ કહ્યું કે હું અહીં એકલો તો કંટાળી જઇશ, તે કરતા તમારી શાથે જ આવું, પરંતુ સમસ્યા એ છે કે મુસાફરીમાં મારા વસ્ત્રો ગંદા થઇ ગયા છે અને પહેરવા માટે અન્ય સારા વસ્ત્રો પણ શાથે નથી. ફકીરને કોઇ સમ્રાટે મુલ્યવાન વસ્ત્રો ભેટ આપેલા, જે તેને પોતાને માટે તો નકામાં હતા પરંતુ સાચવી રાખ્યા હતા. તે ખુશી ખુશી કાઢી અને પોતાના મિત્રને આપ્યા. એ સુંદર, મુલ્યવાન, કોટ-પાઘડી વગેરે પેલા મિત્રએ પહેર્યા ત્યારે આવા સુંદર વસ્ત્રોમાં તે કોઇ સમ્રાટ જેવો દેખાવા લાગ્યો, અને આ જોઇ ફકીરને થોડી ઈર્ષા આવી ગઇ. ફકીરે વિચાર્યું કે હું જેને મળવા જઉં છું તે તો આ મિત્રને જ જોશે. મારા પર તો લગીરે તેનું ધ્યાન નહીં જાય. મારાં જ આપેલા કપડાને લીધે હું દીન લાગીશ. આ તો ખોટું થયું !

જો કે ફકીરે બહુ મન મનાવ્યું, કે ભાઇ હું તો ફકીર, આત્મા-પરમાત્માની વાતો કરનારો. મારે કિંમતી વસ્ત્રોથી શું ? ભલે તેણે પહેર્યા, શું ફરક પડે છે ? પરંતુ જેમ જેમ એ મનને સમજાવતો રહ્યો તેમ તેમ પેલા વસ્ત્રો તેના મનની અંદર ઘુમતા રહ્યા. પેલો મિત્ર તો બીજી બીજી વાતો કરવા લાગ્યો પરંતુ આનું ચિત્ત તેમાં નહોતું. તેના ચિત્તમાં તો પેલા કોટ અને પાઘડી જ હતાં.

આમ ચાલતા ચાલતા બંન્ને ફકીરના જે મિત્રને ઘરે જવું હતું ત્યાં પહોંચ્યા. ફકીરે ઘરધણીને પોતાના આ મિત્રની ઓળખ કરાવતા કહ્યું; ’આ જમાલ, મારો બચપણનો દોસ્ત છે, બહુ મજાનો માણસ છે’ અને પછી બોલી ઉઠ્યો: ’રહી ગયા કપડાં, તો એ મારા છે !’ ઘરધણી અને ફકીરનો મિત્ર બધાં વિચારમાં પડી ગયા કે, આ તે કેવું ગાંડપણ ! ફકીરને પણ થયું કે બફાઇ ગયું ! ઘણો પસ્તાયો, એણે પછી મિત્રની માફી માંગી. ફકીરે કહ્યું: ’જીભ છે, ભૂલ થઇ ગઇ !’ પણ હકિકતમાં ભૂલ જીભથી થતી નથી. મનની અંદર જે સળવળતું હોય તે પ્રગટ થયા વિના રહેતું નથી. જો કે વાત પતી ગઇ.

ત્યાંથી નીકળી ફકીર અને તેનો મિત્ર એક અન્ય ઘરે પહોંચ્યા. ફકીરે આ વખતે વસ્ત્ર વિશે કશું ન બોલાય તેની ભારે ચીવટ રાખી હતી. તેણે દૃઢ સંકલ્પ કર્યો કે ’કપડાં મારા છે’ એ વાત કરવાની જ નથી. પરંતુ એ જાણતો ન હતો કે દૃઢ સંકલ્પ કરવો પડે તે જ દર્શાવે છે કે ’આ કપડાં મારા છે’ નો ભાવ મનમાં ઘર કરી ગયો છે. દૃઢ સંકલ્પ શા માટે કરવો પડે ? જ્યારે કોઇ કહે કે ’હું બ્રહ્મચર્યનું વ્રત લઉં છું’ એનો અર્થ જ એ થયો કે તેની અંદર કામુકતા ઉછાળા મારે છે. ’આજથી ઓછું જમીશ’ નો સંકલ્પ જ બતાવે છે કે તેને વધુ ખાવાનું મન છે અને મનની વિરૂધ્ધ જઇ ઓછું ખાવાનું છે. અને ત્યારે અનિવાર્યરૂપે દ્વંદ્વ પેદા થાય છે. જેની સામે આપણે લડવા માંગીએ છીએ તે જ આપણી નબળાઇ હોય ત્યારે દ્વંદ્વ સ્વાભાવિક છે.

ફકીર પણ મનની સાથે લડતો લડતો બીજા મિત્રને ઘરે પહોંચ્યો. ખુબ સંભાળ રાખીને ઓળખ આપી કે: ’આ મારો મિત્ર છે, બચપણનો દોસ્ત છે, મજાનો માણસ છે, અને બાકી રહ્યા કપડાં ! તો કપડાં પણ તેના જ છે, મારા નથી !!’ ઘરનાં લોકોને તો આ પરિચય બહુ વિચિત્ર લાગ્યો. બહાર નીકળીને ફકીરે ફરી પેલા મિત્રની માફી માંગી કે ભૂલ થઇ ગઇ. પણ હવે પેલા મિત્રએ કહ્યું કે: ’હું આગળ તમારી સાથે નહીં આવું’ પણ ફકીર હાથ જોડીને કહેવા લાગ્યો કે, ’એમ ન કરો, મને જીવનભર ડંખ રહેશે કે મેં તમારી સાથે દુર્વ્યવહાર કર્યો. હવે હું સોગંદપૂર્વક કહું છું કે કપડાની વાત નહીં ઉચ્ચારૂં.’

સોગંદ ખાવાવાળાથી હંમેશા સાવધાન રહો. કારણ કે જે સોગંદ ખાય છે તેની અંદર સોગંદથીએ મજબુત કંઇક છે કે જેને કારણે તેણે સોગંદ ખાવા પડે છે. સોગંદ તેનું ચેતન મન ખાય છે અને જે અંદર બેઠું છે તેના પર અચેતન મનનું આવરણ છે.

મનનાં જો દશ ભાગ કરવામાં આવે તો એક ભાગ સોગંદ ખાય છે અને નવ ભાગ અંદર દબાયેલા પડ્યા છે. એક ભાગ બ્રહ્મચર્યનાં સોગંદ ખાય છે અને બાકીના નવ ભાગ કામને ઝંખે છે અને તેનું જ રટણ કરે છે. હવે આ બંન્ને ત્રીજા મિત્રને ઘરે પહોંચ્યા. હવે તો ફકીરે શ્વાસ પર પણ સંયમ રાખ્યો હતો. સંયમી માનવી બહુ ખતરનાક છે, કારણ ઉપરથી તો તેણે સંયમ સાધ્યો હોય છે પરંતુ અંદર જવાળામુખી ઉકળી રહ્યો હોય છે. જે વસ્તુ સાધવી પડતી હોય છે તે સાધવામાં જ એટલો શ્રમ કરવો પડે છે કે સાધના સત્તત થઇ શકતી નથી. શિથિલ થવું જ પડે છે. વિશ્રામ કરવો જ પડે છે. મુઠીને જોરથી બાંધીને ક્યાં સુધી રખાય ? ચોવીસ કલાક ? જેટલી જોરથી મુઠી બાંધી રાખીશું એટલી જલ્દી થાકી જવાશે, અને મુઠી ખુલી જશે. મુઠી ચોવીસ કલાક ખુલી તો રાખી શકાય છે પરંતુ બાંધી રાખી શકાતી નથી.

તો ફકીરે તેનો શ્વાસ પણ રોકી રાખ્યો, કપડાની વાત ન નીકળી જાય તે માટે પ્રયત્નપૂર્વક પ્રયાસમાં લાગી ગયો. પરસેવે રેબઝેબ થઇ ગયો, નસો તંગ થઇ ગઇ, માંડ તેના મોઢામાંથી શબ્દો નીકળ્યા: ’આ મારા બહુ જુના મિત્ર છે, ખુબ સારા માણસ છે.’ આટલું બોલી જરાક થોભ્યો, જાણે અંદરથી કોઇક ધક્કો લાગ્યો, પૂર આવ્યું ને બધું તણાઇ ગયું અને ફકીર બોલી પડ્યો: ’હવે કપડાંની વાત, એ માટે હું કશું નહીં કહું ! મેં સોગંદ લીધા છે !!’

જેવું આ ફકીરનું થયું તેવું જ સેક્સની બાબતમાં આખી માનવજાતિનું થયું છે. સેક્સને એક ઘા, એક રોગ, એક વિકૃતિ કરી મૂકવામાં આવી છે. નાના બાળકોને સમજાવવામાં આવે છે કે કામ એ પાપ છે. પછી એ છોકરો-છોકરી જુવાન થશે, લગ્ન કરશે અને કામજીવન શરૂ થશે ત્યારે પણ બંન્નેનાં મનમાં એ ભાવ તો રહેશે કે આ પાપ છે. સ્ત્રીને કહેવાશે કે ’પતિને પરમાત્મા માનો’, જે પાપ તરફ લઇ જાય છે તેને પરમાત્મા કેવી રીતે માની શકાય ? યુવકને કહેવામાં આવશે કે, ’આ તારી પત્ની છે, તારી શાથી, સંગીની છે’  પણ એ પાપમાં ભાગીદાર કરી નર્કમાં લઇ જાય છે, નર્કનું દ્વાર છે. આ નર્કનું દ્વાર શાથી સંગી ? મારૂં અડધું અંગ ? આમાં સામંજસ્ય કેવી રીતે સધાય ?

આવી કેળવણીએ તો આખી દુનિયાનાં દાંપત્યને નષ્ટ કરી નાખ્યું છે. દાંપત્ય જ જ્યાં નષ્ટ થઇ જાય ત્યાં પ્રેમની સંભાવના નહિંવત છે. જો પતિ-પત્ની એક બીજાને પ્રેમ ન કરી શકે – જે સહજ અને નૈસર્ગિક છે – તો પછી કોણ કોને પ્રેમ કરશે ? 

જે ભ્રમને ભાંગે તે બ્રહ્મ ! માટે જ તો શબ્દ પણ બ્રહ્મ છે. ૨૨ વર્ષ, એક પ્રશ્ન, એક પુસ્તક અને એક ઉકેલ. આજે તા: ૧૮-જાન્યુ-૨૦૧૧ થઇ, આ ૨૨ વર્ષમાં અમારે (અહીં સાચે જ ’અમારે’ સમજવું !) કદી આ “કોણ” અને “કોને” વાળો પ્રશ્ન પૂછવો પડ્યો નથી ! કોઇ કહેશે લગ્ન ગુલામી છે, કોઇ કહેશે સોનાનું પીંજરૂં છે, કોઇ કહેશે બંધન છે, જેવી જેની સૃષ્ટિ, જેવી જેની દૃષ્ટિ. અમારે માટે તો એ સહજજીવન છે અને સહજ છે માટે પ્રેમ છે. સૌને સહજ, સુઃખી અને પ્રેમાળ દાંપત્ય પ્રાપ્ત થાઓ તેવી અભ્યર્થનાસહઃ આભાર.

       

18 responses to “તો પછી કોણ કોને પ્રેમ કરશે ?

  1. જેવી જેની સૃષ્ટિ, જેવી જેની દૃષ્ટિ. અમારે માટે તો એ સહજજીવન છે અને સહજ છે માટે પ્રેમ છે. Very true….. Rightly said.
    On the same lines …. You might like to go through “લગ્નમાંગલ્ય” on my blog.
    Please check this…..

    સંસારીજીવન અને પ્રભુભજન …

    Like

  2. લગ્ન ના તો બંધન છે ના સોનાનું પિંજર ના ગુલામી.એના દ્વારા દુનિયાની સૌથી પવિત્ર પ્રવૃત્તિ કરી શકાય છે.જેને આપણે ભારતીયો હમેશા ગાળો દઈએ છીએ.હું છેક અગિયારમાં ધોરણમાં ૧૯૭૨ માં હતો ત્યારથી ઓશોને સાંભળતો આવ્યો છું.ઓશોને સમજવામાં ભારતને બીજા હજાર વર્ષ લાગશે.ઓશો અચેતન મનને ઉઘાડું કરનારા જાદુગર હતા,લાગે છે ને????આ પહેલા હતા જે વિજ્ઞાન અને મનોવિજ્ઞાનની વાતો કરતા હતા.એમની પર્શનલ લાઈબ્રેરીમાં લાખ પુસ્તકો હતા તેવું કહેવાય છે.

    Like

  3. અશોકભાઈ,

    લોકો નવડા મેળવવા આખી જિંદગી મથ્યા કરે પણ મળે નહીં જ્યારે તમે તો નવડા મેળવ્યા એને 22 વરહના વાણા વાય હયા! ધન્ય છે પ્રભુ ધન્ય છે અને આવીને આવી ધન્યતા હંમેશા અનુભવો એવી દિલથી શુભ કામના.

    લગે હાથ મારી પણ વાત કરી દવ તો મેં પણ કેટલી વીસે સો થાય (20 મે) એ અખતરો કરી લીધો જ છે ને ! આમ તો જો કે ખાતરી જ હતી અને છે કે ખતરો તો સામા પાત્રને હોય ને?

    Like

    • રજનીભાઇ, આભાર. સૌ પ્રથમ તો આપની સમજદારી પ્રત્યે માન થયું લ્યો !
      આ નવડાનું પરફેક્ટ શોધ્યું હં ! ૧૮-૧-૮૯ !! બરાબર !
      કદાચ આ એકમાત્ર એવી ઘટના છે જેમાં ’જન્મટીપ’ પડે છે છતાં આપણે ધન્યતા અનુભવીએ !! આપના આ કેટલી વીસે સો થાય પરથી મને તો ખરેખર અમારા નાની યાદ આવી ગયા, જે અમે તોફાન કરતાં ત્યારે કહેતા કે ’વીસનોરી’ (વીસ નહોરવાળી, અર્થાત પત્ની) આવવા દો પછી ખબર પડશે !!

      Like

  4. અશોકભાઇ ખૂબ ખૂબ સરસ લેખ. ઓશોની વાર્તાને પ્રસંગ દ્વારા આપે સરળ શબ્દોમાં સરસ રીતે વર્ણવી. ખૂબ સરસ પ્રયાસ બદલ અને ૧૮-૦૧-૧૧ ના ૨૨ વર્ષના સહજીવનની અંતરથી શુભેચ્છાઓ.

    માણસ જે મૂળભૂત તત્વોનો બનેલો છે, જે પ્રકૃતિધર્મ અનુસાર તેનાં શરીર, મન, બુદ્ધિ અને પ્રાણ બનેલાં છે તે પ્રમાણે તેમનું પોષણ-સંવર્ધન થાય છે, તે તત્વો કોઇ ને કોઇ સ્વરૂપે માણસની પ્રકૃતિમાં હોવાના જ. જે વૃત્તિઓ આપણાં જન્મનું કારણ હોય તેનો આપણાં લોહીમાંથી કાયમ નાશ થઈ શકે તે સમજવું એ ભ્રમ છે, અને તે થઈ ગયો છે એમ સમજવું મહાભ્રમ છે. આવા ભ્રમમાંથી દંભ પેદા થાય અને આવા દંભનું કારણ તુચ્છ અભિલાષા અને અહંકાર છે.

    Like

    • આભાર મિતાબહેન. આપ પણ મુદ્દાની ખબર જાણી જ ગયા !
      “જે વૃત્તિઓ આપણાં જન્મનું કારણ હોય તેનો આપણાં લોહીમાંથી કાયમ નાશ થઈ શકે તે સમજવું એ ભ્રમ છે, અને તે થઈ ગયો છે એમ સમજવું મહાભ્રમ છે.”—
      પરફેક્ટ, પરફેક્ટ… માટે જ આ કહેવાતા બ્રહ્મચારીઓ પર વિશ્વાસ બેસવો મુશ્કેલ લાગે છે. (સીવાય કે અંધવિશ્વાસુ બુદ્ધિનો બ્રહ્મચારી હોય !)

      Like

  5. શ્રી હિરેનભાઇ, ગોવીંદભાઇ, યશવંતભાઇ, વિનયભાઇ, રાજનીભાઇ, શકિલભાઇ, સૌ મિત્રોનો આભાર.

    Like

  6. શ્રી અશોકભાઈ
    તમને અભીનંદન આપવામાં ૪ દિવસ મોડો પડ્યો – પણ હું બ્લોગ-જગતમાં હાજર નહોતો તેથી મારા આ વિલંબને ક્ષમ્ય ગણશો. સ્વામી ભજનપ્રકાશાનંદજી (બાપુજી) ના ૨ સંન્યાસી પુત્રો અને એક સંન્યાસી પુત્રીના જન્મદિવસના મહોત્સવ નીમીત્તે રાણાવાવ – નિર્વાણધામ યોગાશ્રમમાં ગયો હતો. અલબત્ત સાથે સાથે તેમના એક પરમ મિત્ર સમાન ગુરુભાઈની નિર્વાણતિથી પણ ઉજવવામાં આવે છે.

    શું જન્મ અને મૃત્યું એક જ સિક્કાની બે બાજુઓ નથી?

    લગ્ન માંગલ્ય આ જન્મ અને મૃત્યુની વચ્ચે આવતો મધુર સંયોગ છે – જેને લગ્ન જીવન યથાર્થ રીતે માણતાં આવ્યું તેનો જન્મારો ગૃહસ્થજીવનની દૃષ્ટિએ તો સફળ જ ગણાય.

    Like

  7. કદાચ સૌથી છેલ્લો છું. ક્ષમા કરશો.
    અભિનંદન તો છે જ…પણ સવાલ પણ છે… કોયડો જ કહું એને..
    પ્રચંડિકા ગંગાનું સ્વર્ગમાંથી ઊતરવું અને શિવજીની જટામાં સમાઈ જવું
    …અને પછી નિયંત્રિત થઈને વહેવું
    સૄષ્ટિના કલ્યાણ માટે…
    આ શું છે?
    અરે એ જ તો લગ્નજીવન છે..
    …એક અબાધ અફાટ અનરાધાર શક્તિની સંક્ષિપ્ત આવૃત્તિ.

    Like

  8. શ્રી અતુલભાઇ, હર્ષદભાઇ અને દિપકભાઇ. હાર્દિક આભાર. (જો કે હું પણ મોડો જ પડ્યોને !)
    @ દિપકભાઇ, લગ્નજીવનની આ અનોખી પણ સચોટ વ્યાખ્યા ખુબ ગમી.
    આભાર.

    Like

  9. માણસ જે મૂળભૂત તત્વોનો બનેલો છે, જે પ્રકૃતિધર્મ અનુસાર તેનાં શરીર, મન, બુદ્ધિ અને પ્રાણ બનેલાં છે તે પ્રમાણે તેમનું પોષણ-સંવર્ધન થાય છે, તે તત્વો કોઇ ને કોઇ સ્વરૂપે માણસની પ્રકૃતિમાં હોવાના જ. જે વૃત્તિઓ આપણાં જન્મનું કારણ હોય તેનો આપણાં લોહીમાંથી કાયમ નાશ થઈ શકે તે સમજવું એ ભ્રમ છે, અને તે થઈ ગયો છે એમ સમજવું મહાભ્રમ છે. આવા ભ્રમમાંથી દંભ પેદા થાય અને આવા દંભનું કારણ તુચ્છ અભિલાષા અને અહંકાર છે.

    Like

  10. આભાર શાંતિલાલભાઇ.
    આપને પણ મિતાબહેનનું આ ચિંતન ગમ્યું એમ ને. સાચું જ છે, માટે ગમે જ.

    Like

Leave a comment