સાન્તોરીની – એલિસ્ટર મેક્લિન


Image from wikipedia

Image from wikipedia

“સાન્તોરીની” – ઈજીયન સમુદ્રમાં આવેલા ગ્રીક ટાપુસમુહમાંનો એક જવાળામુખીય ટાપુ છે. જો કે આ કથા મહદઅંશે સમુદ્રમાં જ આકાર લે છે પરંતુ તેમાં કેન્દ્રસ્થાને આ જવાળામુખીય ટાપુ પણ છે.
     કથા આકાર લે છે દક્ષિણ ઈજીયન સમુદ્રમાં ગ્રીસના મુખ્ય ભૂભાગથી દક્ષીણપૂર્વમાં લગભગ ૨૦૦ કિ.મી. દુરના થેરાટાપુ (જે પ્રાચિનકાળથી સાન્તોરીની નામે પ્રસિધ્ધ છે) પાસેના સમુદ્રમાં. અહીં ભૂસ્તરીય સંશોધન અર્થે કાર્યરત, એક અતિ આધુનિક વિજાણુ પ્રણાલીઓ યુક્ત જહાજ, એચ.એમ.એસ.એરિડન, અને તેના કાફલાના લોકો નજીકમાં જ ઘટેલી બે દુર્ઘટનાઓનાં સાક્ષી બને છે. એક અમેરિકન લશ્કરી માલવાહક વિમાન, રહસ્યમય રીતે સમુદ્રમાં તુટી પડે છે અને બીજી એક ગ્રીક માલેતુજારની ખાનગી વિહારનૌકા પણ નજીકમાં જ ડુબે છે. એરિડનના કાફલાનાં લોકો આ ડુબતી નૌકાના યાત્રીઓને બચાવી અને પોતાના જહાજ પર લાવે છે અને ડુબેલા વિમાનમાં પણ કોઇ બચ્યું હોય તો વહાર કરવાનો પ્રયત્ન કરે છે.
     કથામાં રોમાંચનું તત્વ અહીંથી ઉમેરાય છે. ધીમે ધીમે, એક પછી એક રહસ્ય ખુલ્લા પડતા જાય છે, આ ડુબેલા વિમાનમાં ઘાતક અણુશસ્ત્રો લાદેલા હોય છે. અને પછડાટ કે તેવા કોઇ કારણે અમુક અણુશસ્ત્રો સક્રિય બની જાય છે. ટુંકમાં અણુબોમ્બનો વિસ્ફોટ કરતી તેની વિજાણુ પ્રણાલી એ રીતે સક્રિય બને છે કે હવે જો તેના પરથી કોઇ ભારે જહાજ પસાર થાય તો તે જહાજના એન્જીનના અવાજથી પણ તુરંત વિસ્ફોટ સર્જાય જાય. 
     સમસ્યા આટલી જ નથી, એથી પણ ગંભીર સમસ્યા એ છે કે, સમુદ્રના તળીયે થનારો આ અણુવિસ્ફોટ નજીકનાં સાન્તોરીની જવાળામુખીને સક્રિય કરી દે અને જો એવું બને તો આ આખા ટાપુસમુહનો, તેના પરની લાખોની વસ્તી શાથે નાશ થાય અને તે ઉપરાંત વિસ્ફોટને કારણે સર્જાયેલ ભૂકંપ અને જવાળામુખીય સક્રિયતાની પરિસ્થિતિથી સમગ્ર વિશ્વમાં ત્સુનામી અને આણ્વિક શિયાળાની અસરો પૃથ્વીને અકલ્પનિય વિનાશ તરફ ધકેલી દે.
     આટલી ચિંતાઓ ઓછી લાગે છે ? તો લો મેક્લિન હજુ થોડો ગુંચવાડો વધારી આપે ! એક સમસ્યા એ છે કે ભારે સુરક્ષાકવચ ધરાવતા લશ્કરી એરબેઝ પરથી ઉડેલું અને આટલો જોખમી શસ્ત્રસરંજામ ધરાવતું આ વિમાન બરાબર અહીં જ કેમ તુટી પડ્યું ? જ્યાં તુટી પડ્યું ત્યાં નજીકમાંજ, એજ સમયે, એક નાગરિક નૌકા પણ કેમ ડુબી ગઇ ? હવે માનવતા અને આંતરરાષ્ટ્રિય નિયમ મુજબ એરિડન જહાજે ડુબેલી નૌકાનાં પ્રવાસીઓને તો બચાવી અને પોતાના જહાજ પર લઇ લીધા. સાથે સાથે ડુબેલા વિમાનનું રક્ષણ (કે તે વિમાનથી અન્યનું રક્ષણ !) કરવાની જવાબદારી પણ એ જ જહાજનાં બાહોશ અને જાંબાજ ખલાસીઓ પર આવી પડી.
     સરવાળે પરિસ્થિતિ એ બને છે કે સક્રિય અણુબોંબ સાથે વિમાનને સમુદ્રના તળીયે રેઢું છોડી શકાતું નથી, તેમાંના સક્રિય બોંબને સાવચેતીપૂર્વક બહાર કાઢી અને દુર સમુદ્રમાં લઇ જઇ તેનો નાશ કરવાનું કામ પણ આ એરિડન અને તેની સહાયમાં આવેલ કીલચરણ નામનાં ગોતાખોર જહાજે કરવાનું હતું. શાથે ધ્યાન એ રાખવાનું કે ઘોંઘાટ ન થાય અને જહાજોનાં એન્જીનતો ચાલુ જ નહીં કરવાનાં. (એન્જીનના અવાજથી પણ અણુબોંબ ટ્રિગર થઇ અને વિસ્ફોટ પામે તે તો આપને યાદ જ હશે.) બોમ્બને બહાર કાઢી અને દુર સમુદ્રમાં લઇ જવા માટે પણ એન્જીલીના નામની એક ખાનગી, શઢવાળી, વિહારનૌકાનો ઉપયોગ કરવાનું નક્કિ કરાય છે. 
     આખી કથામાં તણાવ એ વાતે છે કે અણુબોંબ હાથ કરવા માટે કોઇ ત્રાસવાદી જુથે વિમાનને સમુદ્રમાં તોડી પડાવ્યું છે. પેલી ડુબેલી નૌકાનાં યાત્રીઓમાં પણ આ ત્રાસવાદી કૃત્ય કરનારનાં મળતીયાઓ હોય તેવો પુરો અંદેશો છે. તો વિમાન પણ તેની અંદર થયેલા વિસ્ફોટને કારણે સમુદ્રભીતર થયું જણાય છે તેથી લશ્કરમાં વગ ધરાવતું કોઇ પણ આમાં ફૂટેલું હોઇ શકે. અને આ બધી જો અને તો ભરેલી તણાવજનક પરિસ્થિતિમાં એરિડનનાં કાફલાનાં જાંબાજ ખલાસીઓએ અણુશસ્ત્રોને સલામત રીતે બહાર કાઢી દુર સમુદ્રમાં લઇ જઇ તેનો નાશ કરવાનો છે. શું થશે ! કેમ થશે ! કોણ, ક્યાં અને ક્યારે પોતાનું સાચું પોત પ્રકાશસે એ તાણમાં મેક્લિન પોતાનાં વાંચકને પુસ્તકનાં પ્રથમ પાનાથી લઇ અને છેલ્લા પાના સુધી, માનો ને પેલા એરિડન જહાજની જેમ, એકદમ સ્થીર અને સ્તબ્ધપણે જકડી રાખે છે.
     આખી કથામાં ભૂસ્તરીય સંશોધન કાફલાનાં વાઇસ એડમીરલ હોકીન્સ, એરિડન જહાજનાં કમાન્ડર ટાલ્બોટ, લેફ.કમાન્ડર વાન જેલ્ડર, સાર્જન્ટ કમાન્ડર ગ્રીયરસન, વિજાણુ નિષ્ણાંત લેફ.ડેનહોમ તથા શઢવાળી નૌકાનો દિલેર માલિક પ્રોફેસર વુધરસ્પુન અને તેની પત્નિ એન્જીલીના ઉપરાંત ડુબેલી નૌકામાંથી બચાવાયેલા નૌકાના માલિક અને ગ્રીક લક્ષાધિપતિ એન્ડ્રોપુલસ અન્ય મુસાફરો અને એન્ડ્રોપુલસની ભત્રીજી ઇરીન અને તેની સખી યુજીનીયા, આ બધાજ રસપ્રદ પાત્રો છે.
     મુળ તો આખી કથા આંતરરાષ્ટ્રીય ત્રાસવાદ, તે ત્રાસવાદને પોષવા માટેના કેફી પદાર્થો અને શસ્ત્રોનાં વેપાર અને હેરાફેરી તથા અણુશસ્ત્રો પર કબ્જા માટે ખેલાતા કાવાદાવાની આસપાસ ગુંથાયેલી છે. પરંતુ સમગ્ર વિશ્વમાં ચાલતા આ કાવાદાવાઓનાં કેન્દ્રમાં સ્થીર થઇને પડેલા એરિડન જહાજ પર રહીને આપણે ધીમેધીમે, કમાન્ડર ટાલ્બોટ અને તેના શાથીઓની બાહોશતા, નિડરતા અને વજ્ર જેવી કઠોરતાને કારણે જ, આ કાવત્રાઓના એક પછી એક પડ ઉખેડી શકીએ છીએ.
અંતે જો કે સત્યનો જ જય થાય છે. પરંતુ એ માટે કંઇ કેટલીએ મહેનત, પરિશ્રમ અને ખરાબમાં ખરાબ સ્થીતિમાં ટકી રહેવા માટે જરૂરી પોલાદી જ્ઞાનતંતુઓની જરૂરીયાતનો પણ અહેસાસ થાય છે. અહીં અંતે આ પુસ્તકનાં, મને વધુ ગમેલા, બે એક ઘટનાક્રમની વાત ટુંકમાં રજુ કરૂં છું.
     સમગ્ર પરિસ્થીતિ સમજાવતા લેફ.ડેનહોમ કહે છે કે; જો સમુદ્રતળીયે પડેલા સક્રિય અણુબોમ્બનો વિસ્ફોટ થાય તો ઉપરનું જહાજ તો ક્ષણવારમાં વરાળ બની સ્ટ્રેટોફીયરમાં, બાષ્પયુક્ત ઓરબીટમાં, ફરતું થઇ જાય. આ પછી વાઇસ એડમીરલ હોકીન્સ યુ.એસ. પ્રેસિડેન્ટને સંદેશ મોકલી સુચન માંગે છે કે હવે અમારે શું કરવું, અમારૂં જહાજ અહીંથી સલામત જગ્યાએ હટાવી લેવું કે જહાજ અને તેના કાફલાના લોકોનું જોખમ વહોરી અહીં જ પડી રહેવું ? પ્રેસિડેન્ટ જણાવે છે કે એરિડન જહાજે ત્યાં જ રહેવું. કારણ ? ’બહુમતીનાં ભલા ખાતર’ !
એડમીરલ હોકિન્સ કમાન્ડર ટાલ્બોટને કહે છે કે; મને પૂર્વીય ભૂમધ્ય નેવલદળોનાં કમાંડીંગ ઓફીસર તરીકે સત્તા છે કે હું પ્રેસિડેન્ટની સુચનાનું ઉલ્લંઘન કરી શકું, પરંતુ હું કહીશ તો પણ તું અહીંથી જહાજ ખસેડી અને નહીં જાય તેની મને ખાત્રી છે ! કારણ ? એ જ જે પ્રેસિડેન્ટે આપ્યું, ’બહુમતીનાં ભલા ખાતર’. ત્યારે ટાલ્બોટ પુછે છે કે; એક ગુંચવાડો છે, આપણા જહાજ અને શાથેનાં ગોતાખોર જહાજનાં કર્મચારીઓનો આંક બહુ મોટો થાય, તો અહીં જહાજ રાખવાથી તો બહુમતી લોકો જોખમમાં આવી જાય છે.
ત્યારે એડમીરલ હોકીન્સ અને તેનાં મદદગાર એવા ભૂસ્તરશાસ્ત્રીઓ ટાલ્બોટને ’સાન્તોરીની’ જવાળામુખી અને અણુબોમ્બ વિસ્ફોટથી તેનું સક્રિય થવું તથા તે સક્રિય થતા થનાર ભિષણ નુકશાન બાબતે જણાવે છે અને અંતે કહે છે કે બહુમતીનાં શક્ય તેટલા વધુ ભલાની વાતનો અર્થ આ છે.
     રાજકારણમાં જનસામાન્યને લાગે છે તેટલું બધું સીધું-સાદું નથી હોતું. કંઇ કેટલાયે કાવાદાવા અને ગમતા-અણગમતા નિર્ણયોની ભરમાર હોય છે. આ પુસ્તકનાં એક ઘટનાક્રમમાં તે બહુ વિસ્તૃત અને રોમાંચક ઢબે આલેખાયું છે. જ્યારે યુ.એસ.પ્રેસિડેન્ટ સમક્ષ આખાયે મામલામાં જવાબદાર એવા, માત્ર આર્થિકહીત ખાતર દેશદ્રોહ કરનાર, કેટલાક ઉચ્ચ લશ્કરી અધિકારીઓ અને રાજકારણીની સંડોવણી તથા હવે આ બાબતે શું કરવું તે માટેનો મુદ્દો મુકાય છે ત્યારે, બ્રિટિશ એલચી સર જોહન પ્રેસિડેન્ટને સલાહ આપતા કહે છે કે; ’મિ.પ્રેસિડેન્ટ, હું છેતરપીંડી કે શઠપણાની વાત નથી કરતો, વ્યવહારીક અને રાજકીય વાત કરૂં છું. તે બહાર આવશે જ (એટલે કે આ ઉચ્ચ અધિકારીઓ દ્વારા દેશદ્રોહનો મામલો). તમે મને એક જ કારણ આપો કે આ બીનાને શા માટે જાહેર કરવી જોઇએ ! હું તમને છ કારણો આપીશ કે તે શા માટે જાહેર ન કરવી જોઇએ ! અર્થાત, લોકોને જાણ થશે કે ઉચ્ચ લશ્કરી અધિકારીઓ પણ દેશદ્રોહ કરી ત્રાસવાદીઓને મદદ કરતા હતા તો સમજો કે ત્રાસવાદ સામેની આખી લડાઇ જ ખતમ થઇ જશે. અને પછી રાખમાંથી ફોનીક્ષ ઉભું થઇ શકશે નહીં’ (યાદ રાખો આ પુસ્તક ૧૯૮૬ આસપાસ લખાયેલું જે આજે પણ એટલું જ પ્રસ્તુત છે !)
આ પછી સંરક્ષણમંત્રી કહે છે કે; ’કાં તો ઉંઘતા કુતરાઓને ઉંઘતા જ રહેવા દો કે પછી યુદ્ધનાં કુતરાઓને છૂટા મુકો, ઉંઘતા કુતરાઓથી એટલું નુકશાન નહીં થાય પણ યુદ્ધનાં કુતરાઓ તો દાટ વાળી નાખશે.’
અને અંતે પ્રેસિડેન્ટ નિર્ણય કર છે, બીજે દિવસે અખબારોમાં સમાચાર આવે છે કે ઉચ્ચ લશ્કરી અધિકારી ફલાણાનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ અને ઢીંકણાં રહસ્યમય રીતે ગુમ થયેલ છે, તપાસ ચાલુ છે, વગેરે વગેરે !!
     અર્થાત, કરોડોને બચાવવા માટે જરૂર પડે તો થોડાક સો નું બલિદાન કે બહુ હો હા કર્યા વગર ખાત્મો, આ ચાણક્યનિતી અહીં મેક્લિન પણ કથારૂપે પ્રસ્તુત કરે છે. (આ સંદર્ભે હમણાં જ, યુદ્ધનાં કુતરાઓનું પાંજરૂં ખોલી નાખનાર કે ઉંઘતા કુતરાઓને જગાડનાર સમજી અને, વિકિલિક્સ પર અમેરિકા સહીતની જગતની મોટાભાગની સરકારો કેમ ગિન્નાઇ છે તે પણ વિચારો.  વિચારવાની પ્રક્રિયા માત્ર સાદી સીધી રાખશો તો ઘણું જાણવા જેવું ચૂકી જશો !)
     આપે આટલો લાંબો લેખ અહીં સુધી વાંચ્યો તે બદલ હું આપનો આભારી છું. આશા છે ’સાન્તોરીની’નો સારાંશ સમજાવવામાં હું સફળ રહ્યો હોઉં. આભાર.

** વધુ વાંચન માટે **

* “સાન્તોરીની (નવલકથા) : આ નવલકથાનો વિકી પર ટુંકસાર.
* સાન્તોરીની – વિકિપીડિયા પર : ટાપુસમુહની વિસ્તૃત જાણકારી.
* સાન્તોરીની.નેટ : ટાપુનું દર્શન કરાવતા સુંદર ચિત્રો અને માહિતી.

11 responses to “સાન્તોરીની – એલિસ્ટર મેક્લિન

 1. ગાગરમાં સાગર.

  Like

 2. અશોકભાઈ,

  રીવ્યુને અસરકારક રીતે લખવામાં તમે ઘણી મહેનત લીધી લાગે છે. શબ્દોની રમઝટ વાર્તામાં આવતી ઘટનાઓ રમઝટ સાથે ઝટ સંકળાયેલી છે.

  હજી વધુ સારું ને સારું લખતા રહો….બેસ્ટ વિશિઝ !

  Like

 3. vah…so nice to read…. thanks a lot… waiting for many more…

  Like

 4. અશોકભાઇ બહુ સરસ રીતે આપે બુકનો સારાંશ રજૂ કર્યો. અને ઉત્સુક્તા પણ વધારી આખા પુસ્તકને વાંચવાની. આભાર.

  Like

  • શ્રી મિતાબહેન, આભાર.
   મારા મત પ્રમાણે, ધાંસુ લેખક હોવા છતાં મેક્લિનને એક પ્રકારનું પુસ્તક લખતાં કદી ના આવડ્યું !
   ’મજા ન આવે તેવું !!’ (કદાચ એ મારો લેખક પ્રત્યેનો અંગત અહોભાવ પણ હોય !)
   સમય મળ્યે જરૂર વાંચશોજી.

   Like

 5. મી.બોન્ડ
  [બ્લોગ મીત્રો હુ અશોક ને ૧૦ માં ધો. થી આ નામે બોલાવું છું, અને કેમ આ નામ રાખ્યો તે આપ સમજી ગયા હ્શો ?]
  “સાન્તોરીની”, યાર તે જુના દિવસો યાદ કરાવ્યા ! હવે એ બધી નોવેલો ના નામ પણ યાદ નથી જે આપણે સાથે વાંચતા, એલિસ્ટર મેક્લિન ની લગભગ પુરી સીરીજ તે વાંચેલી, અમુક મારે ભાગે પણ આવેલી, ખેર “પુરાની યાદે” એજ આપણી[મારી] પુંજી છે !
  ખૂબ સરસ સારાંશ, મજા આવી, આવી થ્રીલર ક્થાઓ નાં સારાંશ હ્જુ વાંચવા મળશે ને ??

  Like

  • બચ્ચે ! તુને સારી પોલ ખોલ દી 😮
   નપાસ થવાનું પોસાય પણ આવી ધમધમાટ કથાઓ વાંચવાનું તો કેમ છોડી દેવું ! એ મેક્લિન, ચેઇઝ, શેલ્ટન, હેન્રી, કાયલ, પેન્ડલટન, ક્રિઝી, અગાથા, ગાર્ડનર અને ગુજરાતીમાં મસ્તફકીર થી લઇ રોમાંચક સાગરકથાઓમાં ડુબકાં ખવરાવનાર ગુણવંતરાયજી, કેટકેટલા નામ લઉં ! આ સૌ ખરે જ આપણા સાચા દોસ્તો હતા. (હજુ પણ છે, બસ માત્ર બેન્કની પાસબુક્સ અને સ્ટોકનાં કાગળીયાઓ વચ્ચે ક્યાંક ખોવાઇ ગયા છે !!) આપણે બહુ થોડું ગુમાવી અને ઝાઝું ઝાઝું મેળવ્યું છે.
   આભાર.

   Like

 6. કથાનો મુખ્ય પ્લોટ સરસ રીતે રજૂ કરી સાંપ્રત સંદર્ભમાં જે એનાલિસિસ કર્યું એ બહુ ગમ્યું. ઘણા વખતે તમારા બ્લોગ પર અવાયું. જો કે તમારા રસપ્રદ પ્રતિભાવો કુરુક્ષેત્ર, અસર વિગેરે બ્લોગ પર વાંચવા મળે જ છે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s