ચિત્રકથા : અમદાવાદ થી અંબાજી


મિત્રો, નમસ્કાર.
આજે ફરી એક ચિત્રકથા. આમ તો કોઇ નવા સ્થળે ફરી આવીએ એટલે તે વિશે મિત્રો સાથે વાતો કરવાનો એક ઉત્સાહ થાય છે, અહીં થોડા ચિત્રો સાથે અમારા એક નાના પ્રવાસની વાતો લખું છું. આશા છે આપને ગમશે.
ગત શનિ-રવિમાં જુનાગઢથી અમદાવાદ અને ત્યાંથી કૌટુંબિક પ્રસંગે ઇડર તરફ ગયેલા, સાથે સાથે અંબાજી પણ નજીક પડતું હોય ત્યાં પણ જવાનો લહાવો મળ્યો. અહીં આપ ટુંક વિગતો સાથે આ પ્રવાસના કેટલાક ચિત્રો માણી શકશો.
જુનાગઢથી અમદાવાદ ઘરે સાંજે પહોંચ્યા ત્યાં ઘરમાં બેઠેલા આ સુંદર મજાના પતંગીયાએ સ્વાગત કર્યું. ત્યાર પછી થોડો સમય ઝરૂખામાં (બાલ્કની યુ નો !) બેસી આસપાસનાં નયનરમ્ય વાતાવરણને આવડ્યું તેવું કેમેરામાં કંડાર્યું. એક વાત બહુ સરસ લાગી, બ્લોક મુખ્ય રસ્તાથી થોડો અંદર હોવાથી સાંજે વાહનોના ઘોંઘાટથી બચી શકાય છે. અમદાવાદ આવડું મોટું શહેર હોવા છતાં, સેટેલાઇટ જેવા ભરચક વિસ્તારમાં પણ, આપ સાંજે ગ્રામ્ય વિસ્તાર જેવી શાંતિ માણી શકો છો. (બસ યોગ્ય જગ્યાએ બેસતા આવડે તો !)  અમારે તો ત્યાં આસપાસના પડોશીઓ પણ સદ્‌ભાગ્યે બહુ શાંતિપ્રિય મળ્યા છે, કોઇના બ્લોકમાંથી ઉંચા વોલ્યુમે ટી.વી. કે મ્યુઝિક સિસ્ટમનો અવાજ પણ ન સંભળાય. જુનાગઢમાં તો પાંચમા ઘરે ખબર પડી જાય કે આજે આ લોકોને ત્યાં કોઇક મહેમાન આવ્યા છે !! દેશીમાં કહું તો અડધું ગામ સાંભળે તેમ અલક મલકનાં ગપાટા, શાથે ટી.વી.નાં ફુલ વોલ્યુમ અને ઘટતું હોય તેમ હવે તો 5 ch કે 7 ch હોમ થિએટરનું ધડામ ધડામ પણ ચાલુ હોય !

સવારે ઉઠી અને ખડકીમાંથી બહાર જોયું તો દિલ બગીચો બગીચો (બાગ બાગનું ગુજરાતી !) થઇ ગયું.  બાજુના ટેનામેન્ટની અગાસીએ બેઠેલો મોર અને હુંફાળો સૂર્ય, આ ચિત્ર જોઇને તમને આપણા દિવાળીબેન ભીલ (મારે ટોડલે બેઠો રે મોર…) યાદ ન આવે તો ફરી એકાદ વરસ ગુજરાતી માધ્યમની પ્રાથમિક શાળામાં ભરતી થઇ જવું. આ ફોટોસેશન ચાલુ હતું ત્યાં એક વિમાને પણ દર્શન આપ્યા. જો કે મારા કરતા વિમાનની ઝડપ વધુ હોવાથી લેવા ધારેલો શોટ લઇ ન શક્યો અને પછીની ફ્લાઇટ વીશેક મીનિટ બાદ હોય (અદિતનાં કહેવા મુજબ !) એટલો સમય ન હતો. ખેર પછી ક્યારેક વાત.
સવારે મોર તો એપાર્ટમેન્ટનાં બાગમાં પણ ટહેલતા જોવા મળ્યા.  આ મોર લોકોને જોકે અમે અહીં રહેવા આવ્યા ત્યારથી નિયમિત દરરોજ સવારે અહીં જોઇ શકાય છે. જાણે અમદાવાદ હવે (ભલે હાલ પુરતા અમુક વિસ્તારો જ) ખરે જ સુંદર અને પ્રદુષણરહીત શહેર થવા જાય છે તેનું પ્રમાણપત્ર આપવા ન આવતા હોય ! 
ચાલો ત્યારે આટલી સુંદર સવાર માણી અને પ્રવાસ આગળ વધારીએ, ગાંધીનગર, હિંમતનગર અને ઇડર વટાવ્યું ત્યારે ઇડરના ઓળખચિહ્ન સમાન થોડી ટેકરીઓના ચિત્ર પણ લીધા. આ ટેકરીઓ, અમારી ગીરની ટેકરીઓથી વિપરીત સાવ નાગી લાગી !  ખાસ કોઇ લીલોતરી નહીં અને માત્ર નાના નાના પથ્થરોનો મોટો બધો ઢગલો ગોઠવી દીધો હોય તેવું લાગે.  જો કે ધોવાણની પ્રક્રિયાને કારણે માટી હટતી જાય છે અને માત્ર ઉઘાડા પથ્થરો રહે છે. મને લાગે છે કુદરતમાં ઘસારો અને નવરચનાની પ્રક્રિયા કઇ રીતે ચાલે છે તે અહીં પ્રાયોગીક રીતે સમજવા મળે છે. કદાચ આવતા હજારો, લાખો વર્ષ પછી આ ટેકરીઓ પોતાનું અસ્તિત્વ ગુમાવે પણ ખરી. જો કે અત્યારે તો તેમાં ગોઠવાયેલા પથ્થરોની નયનરમ્ય ડિઝાઇન ફોટોજેનિક લાગે છે.  ગામ બહાર નિકળતા એક સુંદર મજાનું તળાવ પણ જોયું અને કદાચ આ ટેકરીઓ આવી કેમ છે તેનું કારણ પણ અહીં ચિત્રના ફોરગ્રાઉન્ડમાં દેખાય છે !! 

 ઇડરથી આગળ એક કૌટુંબિક પ્રસંગમાં સામેલ થઇ અને રોંઢા ટાણે અંબાજી જવા નીકળ્યા. રસ્તામાં એક જગ્યાએ વાહન રોકી અને એકાદ કલાક ઢળતી બપોરના હુંફાળા વાતાવરણમાં પ્રકૃતિનો આનંદ લીધો. બહુ જ આનંદપ્રદ જગ્યા લાગી. સુંદર મજાનાં કુદરતી દૃશ્યો અહીં જોવા મળ્યા, એક તરફ ઢોળાવ લેતો લેન્ડસ્કેપ અને તે પર ક્યાંક પાંખા જંગલ, તળાવડીઓ, નાના વોંકળાઓ તથા ક્યાંક વચ્ચે આવેલાં નાના નાના ખેતરો નયનરમ્ય દૃષ્ય રજુ કરતા હતાં.  જો કે આ સ્થળની હું, કુદરતને બદલે, માત્ર મારા પરિવારજનોએ ત્યાં ગાળેલી થોડી પળો આપને બતાવીશ. (પ્રકૃતિને માણવા માટે તો આપે રૂબરૂ જ ત્યાં જવું રહ્યું)  બાપુજી,  નાનાભાઇ,  તેઓના ધર્મપત્નિ અને મારો ભત્રીજો,  અદિત. સૌએ આ ક્ષણોનો ભરપુર આનંદ માણ્યો અને તેઓના ચહેરા પર આ નાનકડો આનંદ જોઇ મને પણ આનંદ થયો.

આગળ વધ્યા ત્યારે પણ અમારા ’ડ્રાઇવર સાહેબ’  દ્વારા આ વિસ્તાર અને ઢોળાવ તથા તીવ્ર વળાંકોવાળા રસ્તાઓ પર વાહનચાલનની ખુબીઓ બાબતે અમને જ્ઞાની બનાવવાનું તો ચાલુ જ રહ્યું !!!
અંબાજી પહોંચીને સાનંદાશ્ચર્ય થયું !  કારણ કે ઘણા વર્ષ પછી હું ફરી અંબાજી આવ્યો. આ દરમિયાન ઘણો સુધારો થયેલો સ્પષ્ટ દેખાય છે. ક્યાં તે સંકડાશ, ઘોંઘાટ, અસગવડો અને ગંદકીભર્યું એક જાત્રાધામ અને ક્યાં આજનું આ સુંદર મજાનું, સગવડભરેલું અને વિકાસ પામેલું અંબાજી. સરકાર ધારે તો પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપી હજુ ઘણા સ્થળોની આ રીતે કાયાપલટ કરી શકે. ઈમાનદારીથી આ વિકાસની પ્રશંસા તો કરવી જ પડે. જો કે ત્યાં મંદિરમાં ફોટોગ્રાફી પ્રતિબંધીત છે તેથી અમે કેમેરાની ઝંઝટ વાહનમાં જ છોડી દીધી અને એકાદ કલાક દર્શન અને અહીંતહીં બજારો વગેરેમાં ફરવામાં ગાળ્યો.  એક ખોંચો પણ કાઢી લઉં !  (નહીંતો જમવાનું પચશે નહીં !!)  આપણા મોટાભાગનાં જાણીતા મંદિરોમાં હવે શ્રીફળ વધેરવા માટે એક અલાયદું સ્થાન નક્કિ કરી દેવાયું છે. (જેમાં સ્વચ્છતા કરતાં સલામતીનું કારણ વધુ છે !)  પરંતુ જ્યાં શ્રીફળ વધેરવાનું હોય છે ત્યાં પણ ભાગ્યે જ સ્વચ્છતા પ્રત્યે ધ્યાન રખાય છે,  તમારે અજાણ્યા હોવા છતાં એ સ્થાન શોધવા જવું પડતું નથી !  વાસે !  વાસે ! ચાલ્યા જાઓ તો પહોંચી જશો !  મારા મંતવ્ય અનુસાર તો હવે આ શ્રીફળ વધેરવાનો રિવાજ પડતો મુકવો જોઇએ.  તેને બદલે એ પૌષ્ટિક નાળીયેરપાણી અને કોપરૂં પેટમાં પધરાવવા પર વધુ ધ્યાન આપવું જોઇએ. ખેર જો કે આપણું આપણા ઘરનાં પણ નથી માનતા ત્યાં ગામને શું શિખામણ આપવી !
બીજું એક દૂષણ છેતરપીંડીનું પણ ધ્યાને આવ્યું !  (જો કે તે ત્યાં સામું હોવા છતાં નહીં અને પરત ઘરે આવ્યા પછી ધ્યાને આવ્યું !!)  અંબાજીમાં બહુપ્રખ્યાત રાજસ્થાની મહેંદી ઠેર ઠેર વેંચાતી જોવા મળી, અમે પણ થોડા પેકેટ ખરીદ્યા. એ તો ઘરે આવી પેકેટ તોડ્યા ત્યારે ખબર પડી કે પેકેટમાં મહેંદી પાવડરનો એક કણ પણ નહોતો !  માત્ર શુદ્ધ માટી !!  જો કે બધા જ આવું નહીં પણ કરતા હોય,  પરંતુ જે થોડાઘણા લોકો આવી છેતરપીંડી કરે છે તેમને વહીવટીતંત્ર અને અન્ય સ્થાનિક નિવાસીઓએ આકરો પાઠ ભણાવવો જોઇએ.  કારણ સરવાળે આવા સ્વાર્થી લોકોને કારણે સર્વત્ર બદનામી મળે છે.  તો હવે પછી અંબાજી જનારાઓ મહેંદી લેતી વખતે સાવધાન ! પેકેટ ત્યાં જ તોડી અને ખાત્રી કરી લેવી.
 
વળતો પ્રવાસ તો અંધારૂં થઇ જવાના ભયે (કારણ હવે ઘણા અંતર સુધી ઢોળાવવાળો રસ્તો ઉતરવાનો હોય બહુ આકરો પડે) ઝડપથી પસાર કર્યો. એક જગ્યાએ રસ્તા પરની નાની છાપરીએ થોડો વિરામ કર્યો અને ઢળતા સૂર્યનાં રતુમડા રંગને માણ્યો ત્યાં અંધારૂં ઉતરી આવ્યું. 
ગાંધીનગર પાસે એક હોટલમાં ગુજરાતી થાળીથી તૃપ્ત થઇ અને થોડી વાર ત્યાં જ સુંદર લોનમાં વિસામો લીધો. અને પછી મારે અન્ય કામસર જુનાગઢ પરત જવાનું હોવાથી એકલો જ જોધપુર ચાર રસ્તા રોકાઇ પડ્યો અને ત્યાંથી એક કોચ ઝાલ્યો. જેમાં મિત્રતાવશ ટ્રાવેલ એજન્સીએ સાવ છેલ્લી બેઠક પકડાવી ઉપકૃત કર્યો. હજુ છેલ્લી લાઇનમાં બાકીની બેઠકો ખાલી હતી અને ખાલી જ રહે તો લંબાવવામાં ઠીક રહેશે તે વિચારે હું પણ હરખાયો !
અને આ છેલ્લું ચિત્ર, જે  છેલ્લું થતાં થતાં રહી ગયું તે છે !!  ઇસ્કોનથી આગળ એસ.જી.હાઇવે પર પહોંચી અને થયું લાવ હવે બસમાંથી અમદાવાદનાં રળીયામણા ટ્રાફિકનાં થોડા ચિત્રો પણ લઇ લઉં. અને બસ આ ક્લિક કરી ત્યારે જ પાછળથી એક ટ્રકે આવી અને ઠોકી દીધી !!!  એ પણ એજ ખુણામાં જ્યાં હું બિરાજમાન હતો.  બસનાં અન્ય યાત્રીઓ અને ચાલકદળ કશાક તાજાખબરની અપેક્ષાએ દોડી આવ્યું ત્યારે પણ હું હજુ નવા દૃશ્યને ચિત્રાંકિત કરવા વિશે જ વિચારતો હતો !  એકાદ બે ક્ષણ બાદ મગજ ચાલ્યું કે અરે !  આ તો બાલબાલ બચી ગયો !!  થોડા પતરાઓ ચીરાયા પણ તે મારા સુધી પહોંચવા માટે ટુંકા પડ્યા.  આમ હું તો બચી ગયો અને આપ સૌ ફસાઇ ગયા 🙂  ( બાકી આ લેખ વાંચવાની તકલીફ આપને લેવી પડત નહીં ને ! )  બહુ વાંધાજનક ન હોવાથી ચાલકોએ કશીક સમજુતી કરી અને આગળનો પ્રવાસ યથાવત રખાયો. અને હું આખે રસ્તે, કદાચ પતરૂં ચાર ઈંચ વધુ આગળ વળ્યું હોત તો, મારા મિત્રો મને કેવી કેવી અદ્‌ભુત શ્રદ્ધાંજલિઓ વડે નવાજત તેના રળિયામણા વિચાર કરતો આવ્યો !!   જો કે સૌ ભલું જેનો અંત ભલો. આભાર. 

17 responses to “ચિત્રકથા : અમદાવાદ થી અંબાજી

 1. ખૂબ સારું લાખો છો! મને મોર ના silhoutte વાળો photo ખૂબ ગમ્યો! આજથી આ blog ને google reader માં follow કરવાનું શરુ! મળતા રહીશું! અને હા, ચિત્રો માટે WordPress માં ઘણા Blog Templates છે તે અજમાવી જુઓ!

  Like

 2. શ્રી અશોકભાઈ,
  સરસ પ્રવાસવર્ણન અને ફોટોગ્રાફ્સ.
  વહેંચવા બદલ આભાર.
  તમે તો મારી સવાર સુધારી દીધી.

  Like

 3. અશોક સીર્ફ નામ હી કાફી હે,
  વાહ ભાઇ વાહ ! ખૂબ સરસ પ્રવાસ કરાવ્યો, સુંદર ફોટોગ્રાફ સાથે નો ખૂબ સુરત લેખ,

  Like

 4. સુંદર ફોટોગ્રાફી.સુંદર વર્ણન પણ છેલ્લે શુભ શુભ બોલવાનું યાર.

  Like

 5. અશોકભાઈ અમદાવાદમાં ઘણા બધા પ્રદુષણ અને ગીચતા વચ્ચે અમુક એરિયા જેમકે વસ્ત્રાપુર , ગુરુકુળ , સેટેલાઇટ , બોપલ , શીલજ , ઘાટલોડિયા જેવા વિસ્તારમાં પણ મોર અને કોયલ જેવા પક્ષીઓ મોટા શહેરમાં લુપ્ત થયા છતાં જોવા મળી જાય છે . અમદાવાદ ની મુલાકાત દરમ્યાન તમારે કાંકરિયા , બી આર ટી એસ ની સફર , ગાંધી આશ્રમ , સરખેજ રોજા , સાબરમતી રીવર ફ્રન્ટ , અડાલજની વાવ પણ જોવા જેવું હતું .

  Like

 6. તમારા પ્રવાસને સરસ રીતે કી-બોર્ડથી તમે અમારા સુધી પહોંચાડ્યો, જાણે હું પણ તમારી સાથે ફરતો હોવ તેવું લાગ્યું બસ કમી ખાલી અંબાજીના પ્રસાદની રહી..! keep it up and nice to visit your blog

  Like

 7. shree ashokbhai
  very very good experience …… remarkable style of writing …….. waiting for another trip…. i am not in a position to visit … but you have created a fantastic image ……
  thanks lot
  truly yours & waiting for another.
  jitubhai

  Like

 8. Dear Ashok,
  I was not aware you would be writing such wonderful article.
  Next time you come to Ahmedabad, we will visit many other beautiful places around.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s