વિજયા દશમી (દશેરા) – કયા દશ ?


મિત્રો, દશેરાની શુભકામના.

આપને લાગશે આજે દશેરાની એ જ જુનીપુરાણી કથા વાંચવા મળશે ! ના…ના…એવું કશું નથી લખવું. દશેરાનું ભારતિય સંસ્કૃતિમાં મહ્ત્વ અને મહાત્મય વગેરે બધા જાણે જ છે. અહીં માત્ર મારા માટે દશેરાનો અર્થ શું છે તે જ લખવું છે.

પ્રથમ તો, મારા માટે, દશેરા એટલે કોઇપણ જાતની ચિંતા-ફિકર કર્યા વગર, ખવાય તેટલી મિઠાઇ ખાવાનો દિવસ !! આખું વરસ જોખી જોખીને જમવાનું ભલે અપાય પરંતુ આ દિવસે મિષ્ટાન્ન ખાવા પર કોઇ રોકટોક નહીં. ખાવો-પીવો અને મોજ કરો !!!

દશેરા

દશેરાનો બીજો અર્થ, શૌર્ય ! આ દિવસે, ગમે તેમ હોય પણ, અમારી નસોમાં શૌર્ય ઉછાળા મારવા લાગે છે. દિવસભર અસ્ત્ર શસ્ત્રની વાતો જ ચાલે છે.  ખાસ કરીને અમારી (અણ)આવડત મુજબ તલવાર ફેરવવાની પ્રેક્ટિસ સારી એવી થઇ જાય છે. જો કે અમારા ઘણા મિત્રો એકશાથે બે તલવાર ફેરવી જાણે છે, આપણને હજુ તેમાં બહુ હથોટી બેઠી નથી. (આમે રામ અમારા આરાધ્યદેવ હોય અમે શક્ય ત્યાં સુધી એકથી જ સંતોષ રાખવામાં માનીએ છીએ 🙂 )

એમ તો રાવણના પુતળાનું દહન જોવાની પણ મજા આવે છે, છતાં ઊંડે ઊંડે ક્યાંક આ અણગમતું પણ લાગે છે. રાવણ જેવા જ્ઞાની પાત્રની આવી અવદશા દુઃખદાયી લાગે છે ! પછી જો કે થાય છે  કે આટલો જ્ઞાની, બળવાન અને દરેક રીતે સક્ષમ માણસ પણ અહંકાર અને પરસ્ત્રી પર કુદૃષ્ટિ કરવાની સજા આજે પણ  ભોગવે છે તો આપણે કઇ વાડીના મુળા !!!  આમ અંગત રીતે રામ કરતાં રાવણનું પાત્ર સુધરવા માટે વધુ ઉપયોગી ગણું છું. 

અને અંતે, વિજયા દશમી એટલે તો જાણે સમજણ પડી ! પરંતુ આ “દશેરા” એટલે શું ?  શબ્દને તોડતા મરોડતા અર્થ થાય છે  “દશ + હરા” . એટલે કે દશને હણવા કે હરાવવાની વાત છે. કોણ અને કયા દશને હરાવવાનાં છે ? લોકો ધડ દઇને કહેશે; રાવણનાં દશ મસ્તકને હણવાની વાત છે. સાચું ! પણ આ રાવણનાં દશ મસ્તક કયા ? આવો જોઇએ, આ દશ મસ્તક રાવણ જેવા મહાજ્ઞાની અને મહા બળવાનનો પણ નાશ કરે છે. આપણે આ દશને હરાવવાનાં છે. અને એને હરાવવાનો સંકલ્પ દ્ઢ કરવાનો દિવસ એટલે “દશેરા”.

(૧) કામ વાસના : જે સર્વાંશે ખરાબ નથી, આપણા કાબુમાં રહે તો, પરંતુ કાબુ બહાર જઇ અને ખુદ આપણા પર કાબુ કરી લે તે ખરાબ છે. અને પછી તો  ’કામાતુરાણાં ન ભયમ્ ન લજજા’ એ પ્રમાણે રાવણ બનતા વાર લાગતી નથી. 

(૨) ક્રોધ : અગ્નિની માફક ઊપયોગી રહે ત્યાં સુધી ઠીક છે પરંતુ દાવાનળની જેમ બેકાબુ બને ત્યારે બધું જ ભસ્મિભૂત કરી નાખે છે.

(૩) મોહ :  આંખે દેખતો રહે તો નુકશાન નથી કરતો, પરંતુ ધૃતરાષ્ટ્રની જેમ જ્યારે આંધળો બને છે ત્યારે હંમેશા મહાભારત સર્જે છે.

(૪) લોભ : જ્યારે અન્યના ભોગે પણ ભેગું કરવા પર આવે છે ત્યારે સારાસારનો વિવેક ભુલાવી દે છે.

(૫) મદ : આને અતિઅભિમાન કહી શકાય, અભિમાન ખરાબ નથી પરંતુ જ્યારે અતિ થાય છે ત્યારે તેને સાક્ષાત સુર્યના તેજમાં પણ કશું નજરે ચઢતું નથી.

(૬) મત્સર : ઈર્ષા,  મત્સર હકારાત્મક હોય તે વિકાસ માટે જરૂરી બને પરંતુ નકારાત્મક હોય ત્યારે અન્યની લીટી ભુંસી અને પોતાની મોટી બતાવવાનો ધંધો આદરે છે. ક્યારેક તો મત્સરના માર્યા લોકો પોતાનું નાક કપાવીને પણ બીજાને અપશુકન કરાવવા સુધી પહોંચે છે.

(૭) માનસ : મન,  મન મર્કટ જેવું હોય છે, ક્યાંક ડાળે વળગાડી રાખવું સારૂં !!

(૮) બુદ્ધિ : બુદ્ધિ સારૂં તત્વ જ છે, છતાં તેને કાબુમાં રાખવા પર અહીં ભાર મુકાયો છે. નહીં તો છેતરપીંડીથી લઇ અને કોઇકની તિજોરી તોડવા જેવાં નઠારાં કામો પણ બુદ્ધિ કરી શકે છે. 

(૯) ચિત્ત :  આને અંતરમન કહી શકાય ?  આત્મા કહી શકાય ? કારણ કે કાબુમાં ન રાખો તો તે દુષ્ટાત્મા બની પણ શકે છે.  આથી જ તો ચિત્તને શુદ્ધ રાખવા પર ભાર દેવાયો છે.  

(૧૦) અહંકાર :  ગર્વ, આમ તો યોગ્ય બાબતે ગર્વ સારો પણ હોય છે, જરૂરી પણ છે. પરંતુ પ્રમાણભાન ન રહે તો તે અહંકારમાં બદલાઇ જાય છે.  અને અહંકાર આગળ પછી કોઇ પણ ડહાપણ ચાલતું નથી.

આ દશ મસ્તકનું વર્ણન મેં મારી સમજણ મુજબ કર્યું છે, (જે વિકી પર લખવા માટે એક મીત્રએ સમજાવેલાં) આનો કોઇ આધાર નથી.  કોઇની માન્યતા ભિન્ન પણ હોઇ શકે છે. પરંતુ માત્ર પુતળાદહન કરતાં મને આટલું વિચારી અને જીવનમાં યોગ્ય સુધારાનો પ્રયાસ કરવો વધુ ઉત્તમ લાગ્યો તેથી આ બધા ગાંડાઘેલાં કાઢ્યા છે !! આપને પણ પોતપોતાના રાવણ અને તેના દશ મસ્તકો શોધી તેના પર વિજય મેળવવાનું બળ પ્રાપ્ત થાય તેવી શુભકામના શાથે, અસ્તુ.

11 responses to “વિજયા દશમી (દશેરા) – કયા દશ ?

 1. દશહરા = ગંગા નદી; “દસ પ્રકારના પાપોનો નાશ કરનારી” આવો અર્થ સંસ્કૃત કોશમાં આપ્યો છે. તમે સાવ સાચા છો. અભિનંદન.

  Like

 2. અશોકભાઇ
  વિજયા દશમી, દશેરાનો સુંદર લેખ લખ્યો છે. તથા ફોટો પણ સરસ મુકયો છે. 😉

  Like

 3. શ્રી અશોકભાઈ,
  દરેક વ્યક્તિ રામ અને રાવણનું મીશ્રણ છે. કોઈ સંપૂર્ણ પણે રામ કે સંપૂર્ણપણે રાવણ નથી હોતો. શ્રીમદ ભગવદ ગીતા કહે છે કે સત્વ ગુણ વધે તો વ્યક્તિ દેવ બને, રજો ગુણ વધે તો મનુષ્ય અને તમોગુણ વધે તો પશુ પક્ષી કીટક વગેરે.

  એક નાનક્ડી વાર્તા યાદ આવી.
  દાદા દાદા એક બાળક તેના ખેતરમાં કામ કરતાં દાદાને પુછે છે: હે દાદા આપણાં ખેતરમાં આ જંગલી વરૂઓ આવી ચડે છે અને રંજાડ કરે છે. ઘણી વાર તો બે બે વરુ આવી જાય છે અને એક બીજા સાથે ઝઘડો પણ કરે છે. તો દાદા આ બે વરુઓમાંથી કોણ જીતતું હશે?

  દાદા કહે: બેટા ખરેખર તો આપણાં જીવનમાં પણ બે વરુઓ હોય છે. ૧ ભલું વરુ, સારુ વરુ, પરીશ્રમી અને પરગજુ વરુ. અને ૨. ખરાબ વરુ, દુષ્ટ વરુ, લંપટ અને બીજાને ત્રાસ આપનાર વરુ.

  બાળક: હે દાદા સાચે જ આવું હોય છે. તો પછી તેમાંથી કોણ જીતશે?

  દાદા: આપણે જેને ખોરાક આપીએ તે.

  Like

 4. દરેક વ્યક્તિની ભીતર રામ અને રાવણ જીવંત છે. ક્યારેક રામ તો ક્યારેક રાવણ કાર્યરત થઈ જાય તેની ખબર પણ પડતી નથી એવી બેહોશીમા આપણે બધા જીવી રહ્યા છીએ. દશેરા અસત્ય પર સત્ય ન વિજયનો તહેવાર છે અને કોઈ બહારના રાવણને મારવા કે દહન કરવાની વાત નથી. આપણી ભીતર રહેલા રાવણને મારવાની કે દહન કરવાની વાત છે. તમે દર્શાવેલા દશ રાવણના માથા તે આપણી અંદર રહેલા આ દસ દુર્ગુણો ના પ્રતિકરુપે છે. પણ આપણી ભીતરના આ રાવણ પ્રત્યે આપણું ધ્યાન ભાગ્યે જ જાય છે. ધન્યભાગીનું જ ધ્યાન તે તરફ જાય છે.

  Like

 5. પરંપરાને બાજુએ મુકીએ તો આપે કરેલ રજૂઆત ખરેખર સાચી છે. પોતામાં રહેલ આ રાવણના જ દસ માથા ને વાઢવાની જરૂરત છે અને જે વાધી શકાય તો સમજવું કે આપણામા રામ રૂપી કૃપા થઇ છે.

  અભિનંદન !

  અશોકકુમાર -‘દાદીમાની પોટલી ‘

  http://das.desais.net

  Like

 6. હું એક બીજો પણ અર્થ કરું છું. રામ એટલે ર બીજ + મ બીજ = બ્રહ્મ અને તેની મહામાયા. રામ કે રં બીજ મંત્ર એ અનાહત ચક્રનો કે અગ્નિ તત્વ નો મંત્ર છે. રાવણ એટલે જે દશ ગુણ (કે અવગુણ) જે કારણ શરીર કે સંકોચ શરીર છે અને જેનાથી જીવને જન્મ લીધા કરવા પડે છે. રં મંત્રથી આ કારણ શરીરનું દહન થઇ નાશ થાય છે. કદાચ રાવણનો રામ દ્વારા નાશ કે રાવણ દહન નો આ અર્થ હોઈ શકે.

  Like

 7. વાહ અશોક્ભાઈ વાહ,
  સુંદર અતિસુંદર દશેરા વિશ્લેશણ,
  ખરેખર અહિયા આવીને નવી અને ઉત્તમ રીતે દશેરા ઉજવાઈ ગઈ……
  અભિનંદન……

  Like

 8. અશોકભાઈ, અર્થઘટન તો ગળે ઊતરે એવું છે પણ બિચારા રાવણને આટલા બધા દુર્ગુણોના પ્રતીક જેવો કાં બનાવી દીધો? બિચારાએ પોતા તરફથી કઈં નહોતું કર્યું. એની બહેન રામ પર મોહી પડી તો રામે કહ્યું કે મારો ભાઈ કુંવારો છે, એની પાસે જા(જે સાચી વાત નહોતી) અને ભાઈએ એ બિચારીનાં નાકકાન કાપી નાખ્યાં!.સીતા તો મૃગને જોઇને એની ચામડીની કાંચળી પહેરવાની ઇચ્છાકરે ત્યારે રામ એને કહે નહીં, કે શ્રીમતીજી, આપણે વનમાં તપ કરવા આવ્યાં છીએ, મોજશોખ નહીં – અને અહીં તમારી પાસે ગજ-્કાતરણી પણ નથી તો કાંચળી કેમ બનાવશો? અને શિકાર કરવા નીકળી પડે. હરણ તો બાજુએ રહ્યું રસ્તામાં મારીચ મળ્યો તો એને મારી નાખ્યો! અને પાછા આવ્યા ત્યારે કમઠાણ થઈ ગયું હતું.. લેખક કહે છે કે રાવણ દુષ્ટ હતો, ઘમંડી હતો, વગેરે વગેરે,પણ કથામાંથી એવું ઘોર કર્મ એક પણ નથી દેખાતું. એમ તો વાલી પણ નાના ભાઈની પત્નીને રાખી બેઠો હતો. એને તો રામે પોતે જ ‘શિકાર’ કર્યો હતો અને પછી વાલીની પત્ની સુગ્રીવને ઘર્ઘી ગઈ, એમાં રામના આશીર્વાદ હતા જ. આ બધું જોતાં રાવણે એવું કયું કામ કર્યું કે એને આપણે બધા દુર્ગુણોનું પ્રતીક બનાવી દઈએ?એ સીતાજીને અશોકવાટિકામાં મળવા જતો પણ દૂરથી જ મળતો હતો લડાઈ થઈ ત્યારે પણ એણે સીતાજી પ્રત્યે તો એ જ સદ્‍વર્તન ચાલુ રાખ્યું. નહિતર એ બાર્ગેન કરી શકતો હતો કે લડાઈ બંધ કરો, નહિતર સીતા ઉપર ખતરો છે. પણ એણે એવું કઈં ન કર્યું. લડ્યો અને મરી ગયો. હા, એનો વાંક એટલો જ છે કે એ હારી ગયો.. બાકી દસ માથાં? એ તો રામની શક્તિ જેટલી હતી એના કરતાં દસગણી દેખાડવાનું ગણિત છે. .

  Like

 9. પિંગબેક: દશેરાનો ડાયરો | વાંચનયાત્રા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s