પ્રિય મિત્રો, નમસ્કાર.
તા: ૩૦-૯-૨૦૧૦, રામ જન્મભૂમિ-બાબરી મસ્જીદ વિવાદ સંદર્ભે એક આવકારદાયક ચુકાદો આવ્યો. આજે ૨-૧૦-૨૦૧૦, ભારતનાં રાષ્ટ્રપિતા અને સમગ્ર વિશ્વએ જેને એકી અવાજે યુગપુરુષ માન્યા તે મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ. બે દિવસથી મોટા મોટા મહાનુભાવોથી માંડી અને નાનામાં નાનો માણસ ૩૦ સપ્ટેમ્બરનાં ચુકાદા બાબતે પોતાનું મંત્વ્ય રજુ કરે છે. અમને થયું કે ગાંધીજીએ આ બાબતે પોતાનું મંતવ્ય આપવાનું થયું હોત તો શું આપત ? અને દિવસભર ગાંધીજીના વિવિધ લખાણોના સુંદર સંગ્રહરૂપ પુસ્તક ” સત્ય એ જ ઈશ્વર છે” (નવજીવન પ્રકાશન – ૧૯૫૭) માંથી તારવેલા અને મને આ સંદર્ભે યોગ્ય લાગ્યા તેવા વિચારો અહીં રજુ કરૂં છું. કદાચ આ પરથી સૌ તારવી શકે કે ગાંધીજીનું મંતવ્ય શું રહ્યું હોત. આમ તો ગાંધીને સમુદ્ર ગણો તો અહીં રજુ થયું તે અમારા ખોબાની ક્ષમતા જેટલું જ સમજવું. આશય માત્ર આ બહાને ગાંધીજીના વિચારોનું ચિંતન કરવાનો અને સૌ દેશવાસીઓને સદ્ભાવના અને ભાઇચારાનો આ ગાંધીસંદેશ આપવાનો જ છે. આભાર.
# “જ્યારે જ્યારે કોઇ વાંધો ઉઠાવે છે કે રામનું નામ અથવા રામધૂનનું ગાયન તો ફક્ત હિંદુઓને સારુ છે એટલે મુસલમાનો તેમાં કેમ જોડાઇ શકે, ત્યારે મને મનમાં હસવું આવે છે. તો મુસલમાનોનો એક ખુદા છે અને હિંદુ, ખ્રિસ્તી કે પારસીનો બીજો છે ? ના, સર્વસમર્થ અને સર્વવ્યાપી ઈશ્વર એક જ છે. તેનાં નામો અનેક છે. આપણને જે સૌથી વધારે જાણીતું નામ હોય તે નામથી આપણે તેને ઓળખીએ છીએ.”
“મારો રામ, કે જે રામની આપણે સૌ પ્રાર્થના કરીએ છીએ તે રામ, અયોધ્યાના રાજા દશરથનો પુત્ર નથી કે ઈતિહાસમાં થઇ ગયેલો રાજા રામચંદ્ર નથી. મારો રામ તો સનાતન છે, તે કદી જન્મ લેતો નથી, અને તેના જેવો બીજો કોઇ નથી. હું એક તેને જ ભજું છું, એક તેની જ સહાય માગું છું. તમે પણ તેમ જ કરો. તે સૌનો છે. તેના પર સૌનો સરખો હક્ક છે. તેથી, તેનું નામ લેવામાં મુસલમાને કે કોઇએ શા સારૂ વાંધો ઉઠાવવો જોઇએ તે મારી સમજમાં આવતું નથી. પરંતુ બેશક, મુસલમાને કે બીજા કોઇએ માત્ર રામનામથી જ ઈશ્વરને ઓળખવો એવી જબરદસ્તી ન હોય. જેને જે રુચે તે નામ લે, અલ્લાનું નામ લે કે ખુદાનું નામ લે પણ ધૂનના સંગીતને કોઇ ન બગાડે.” (હરિજનબંધુ ૫-૫-૧૯૪૬)
# “જગતમાં સ્થાઇ શાંતિ સ્થાપવી અશક્ય છે એમ માનવું એ મનુષ્ય સ્વભાવમાં દૈવી અંશ નથી એમ માનવા બરોબર છે. અત્યાર સુધી જે ઇલાજો અજમાવવામાં આવ્યા છે તે એળે ગયા છે એનું કારણ એ છે કે જેમણે પ્રયત્ન કર્યો છે તેમના મનમાં ઊંડી સાચી દાનતનો અભાવ રહ્યો છે. એ અભાવનું ભાન થયું નથી. જેમ સર્વ આવશ્યક તત્વો એકઠાં થયા સિવાય કોઇ રાસાયણિક સંયુક્ત દ્રવ્ય તૈયાર થઇ જ ન શકે, તેમ શાંતિને માટે આવશ્યક શરતોમાંની થોડીક જ પળાઇ હોય તો તેથી શાંતિની સ્થાપના ન થઇ શકે..” (હરિજનબંધુ ૧૯-૬-૧૯૩૮)
# “આપણે સર્વ મનુષ્યો તત્વચિંતક નથી હોતા. આપણે માટીના માનવી છીએ, ધરતી પર વસનારા રહ્યા એટલે આપણાં મન ધરતીમાં જ રમે છે, ને આપણને અદૃશ્ય ઈશ્વરનું ચિંતન કરીને સંતોષ નથી થતો. ગમે તેમ પણ આપણને એવું કંઇક જોઇએ છે જેનો આપણે સ્પર્શ કરી શકીએ, જેને આપણે નરી આંખે જોઈ શકીએ, જેની આગળ આપણે પગે પડી શકીએ. પછી ભલે એ વસ્તુ કોઇ ગ્રંથ હોય, કે એકાદ પથ્થરનું ખાલી મકાન હોય, કે અનેક મૂર્તિઓથી ભરેલું પથ્થરનું મકાન હોય. કોઇને ગ્રંથથી સમાધાન થશે, બીજા કોઇને ખાલી મકાનથી તૃપ્તિ થશે, તો વળી બીજા ઘણાં એ ખાલી મકાનોમાં કંઇક ચીજ સ્થપાયેલી નહીં જુએ ત્યાં લગી એમને સંતોષ નહીં થાય. વળી હું તમને કહું છું કે આ મંદિરો વહેમનાં ઘર છે એવો ભાવ મનમાં રાખીને તમે ત્યાં નહીં જતા. મનમાં શ્રદ્ધા રાખીને આ મંદિરમાં જશો તો તમને જણાશે કે તમે દરેક વખતે ત્યાં જઇ આવી શુદ્ધ થશો, ને જીવતાજાગતા ઈશ્વર પરની શ્રદ્ધા વધતી જશે.” (હરિજનબંધુ ૨૪-૧-૧૯૩૭)
# “બધા ધર્મો એક જ બિન્દુ તરફ દોરી જનારા જુદા જુદા રસ્તા જેવા છે. આપણે આખરે એક જ લક્ષ્ય પર પહોંચતા હોઇએ તો જુદા જુદા રસ્તા લઇએ તેથી શું? સાચું જોતાં જેટલા માણસો છે તેટલા ધર્મો છે.” (હિંદ સ્વરાજ (૧૯૪૬))
# “ધર્મ એક જ હોય એ વાતની આજે જરૂર નથી; આજે જરૂર એ વાતની છે કે જુદા જુદા ધર્મ પાળનારા પરસ્પર આદર રાખે ને સહિષ્ણુ થાય. આપણને મરણની જડ એકતા નથી જોઇતી, વિવિધતામાં એકતાની સ્થિતિને આપણે પહોંચવા માગીએ છીએ. જૂની પરંપરાઓને, વંશપરંપરાને, આબોહવાને અને આજુબાજુના સંજોગોને કારણે કેળવાયેલા ગુણોને જડમૂળથી ઉખેડી કાઢવાનો કોઇ પણ પ્રયાસ નિષ્ફળ નીવડ્યા વગર રહેશે નહીં એટલું જ નહીં, જાણીબૂજીને પવિત્ર વસ્તુ પર ઘા કરવા જેવું થશે. ધર્મમાત્રનો આત્મા એક જ છે પરંતુ તેણે અનેક રૂપ ધરેલાં છે. એ બધાંયે રૂપો કાળનાં અંત સુધી રહેવાના છે. ડાહ્યા માણસો આ બહારનાં આવરણને અવગણીને અનેકવિધ આવરણોમાં વસતા એક જ આત્માને ઓળખ્યા વગર રહેશે નહીં.” (યંગ ઇન્ડિયા ૨૫-૯-૧૯૨૫)
# “આપણે બધા કદી એકસરખી રીતે વિચાર કરવાના નથી અને જુદી જુદી બાજુએથી સત્યના કેવળ અંશોને જોવા પામીશું તેથી આચારનો સોનેરી નિયમ એવો હોય કે આપણે પરસ્પર સહિષ્ણુ થઇએ. દરેકને માટે અંતઃકરણ એક જ વસ્તુ નથી. એટલે અંતઃકરણનો અવાજ વ્યક્તિગત આચારને માટે સારો માર્ગદર્શક હોય પણ સૌ કોઇને માથે તેવો આચાર ફરજીયાત લાદવાથી બાકી હરેકની પોતાની અંતઃકરણના અવાજને અનુસરવાની સ્વતંત્રતામાં અસહ્ય જુલમી દખલ થયા વગર રહેતી નથી.” (યંગ ઇન્ડિયા ૨૩-૫-૧૯૨૬)
# “મૂર્તિપૂજક અને મૂર્તિભંજક એ બે શબ્દોનો સાચામાં સાચો અર્થ હું જે કલ્પું છું તે અર્થમાં હું તે બંને છું. મૂર્તિપૂજાના ભીતરમાં રહેલી ભાવનાની હું ભારે કિંમત આંકું છું. માણસજાતને ઊંચે ચડાવવામાં તે મહત્વનો ફાળો આપે છે. અને આપણી આ ભૂમિને પાવન કરનારાં હજારો મંદિરો વગેરે પુણ્યધામોને મારા જાનના જોખમે બચાવવાની શક્તિ મારામાં હોય એવું હું ઇચ્છું છું.”
“ઈશ્વરને ભજવાની પોતાની રીત સિવાયની બીજી કોઇ પણ રીતમાં કશીયે સાર્થકતા જોવાનો ઇન્કાર કરવાવાળા ધર્મઝનૂનના સૂક્ષ્મ સ્વરૂપની મૂર્તિપૂજાને હું તોડું છું તેટલા અર્થમાં હું મૂર્તિભંજક છું.” (યંગ ઇન્ડિયા ૨૮-૮-૧૯૨૪)
# “ઇસ્લામનો ’અલ્લા’, ખ્રિસ્તીઓનો ’ગોડ’ અને હિંદુઓનો ’ઈશ્વર’ એક જ છે. જેમ હિંદુ ધર્મમાં ઈશ્વરનાં સહસ્ત્રાવધિ નામ છે તેમ ઇસ્લામમાં પણ અલ્લાનાં અનેક નામ છે. એ નામો જુદા જુદા વ્યક્તિત્વનાં નહીં પણ જુદા જુદા ગુણનાં સૂચક છે, અને અલ્પ માનવીએ નમ્રભાવે ઈશ્વરમાં ગુણોનું આરોપણ કરીને તેનું વર્ણન કરવાનો પ્રયત્ન કર્યો છે. પણ ઈશ્વર તો ગુણદોષથી પર છે, અવર્ણનીય છે, અચિંત્ય છે, અપ્રમેય છે. આ ઈશ્વરને વિશે જીવતીજાગતી શ્રદ્ધા હોવી એનો અર્થ એ કે મનુષ્યમાત્રને ભાઇભાંડુ માનવાં. એનો અર્થ એ પણ થાય કે સર્વ ધર્મ વિશે સરખો આદર રાખવો.” (હરિજનબંધુ ૧૫-૫-૧૯૩૮)
વધુ વાંચન : સત્યના પ્રયોગો – પ્રસ્તાવના (વાંચનયાત્રા પરનો પ્રથમ લેખ)
વહાલા અશોકભાઈ અને અન્ય મહાનુભાવોને, ગાંધીજયંતિ નિમિત્તે હાર્દિક સુભેચ્છા !!
LikeLike
શ્રી અશોકભાઈ,
સરસ લેખ છે. મૂળભૂત વિચારો જ એટલા બધા શક્તિશાળી છે કે તેના પર મારી જેવા અલ્પ માનવી એ ટીપ્પણી કરવાની આવશ્યકતા જણાતી નથી. તમારા તરફથી હંમેશા અવનવા વિચારો મળતા રહે છે, આનંદ થાય છે.
LikeLike
(એક નજર આ તરફ પણ )
૧ – હિંદુમુસલમાન વચ્ચે ખરી મિત્રાચારી નથી એ તો હું દક્ષિણ આફ્રિકામાં જ સમજી ગયો હતો. – સત્યના પ્રયોગો. (પ્રકરણ: ૨૬)
૨ – જો ૨૩ કરોડ હિંદુઓ ૭ કરોડ મુસલમાનો ની સામે પોતાનો બચાવ કરવાની તાકાત ન ધરવતા હોય તો કાંતો હિંદુ ધર્મ ખોટો છે કાંતો એમા માનનારા નામર્દ અને અધર્મી હોવા જોઇએ. હિંદુ મુસલમાનો વચ્ચે કૃત્રિમ સુલેહ પોતાની તલવાર વતી અંગ્રેજ સરકાર જાળવે તેના કરતા હિંદુ મુસલમાન તલવારથી મુકાબલો કરી હિસાબ ચોખ્ખો કરી લે એ હુ વધારે પસંદ કરુ. – ગાંધીજી (‘નવજીવન’ ૨૯ ઓગસ્ટ ૧૯૨૦)
LikeLike
આજે જ્યારે નીતનવા મંદિરો અબજો ના ખર્ચે બંધાતા જતા હોય છે ત્યારે જો આજે ગાંધીજી હોત તો ચોક્કસ વિરોધ કરત કે ઉપવાસ પર બેસી જાત.સુંદર લેખ આપ્યો.ગાંધીજી નાં વિચારો જાણવા મળ્યા.આભાર.
LikeLike
અશોકભાઈ, સવારે જ આ લેખ વાંચ્યો. વીજળી વેરણ થઈ એટલે પ્રતિભાવ બાકી રહી ગયો.
ખૂબ જ સરસ રજૂઆત છે. કેવું કેવું કહી ગયો છે આ માણસ!!! આજે પણ એટલું જ તાજું લાગે છે.. એટલું જ જરૂરી લાગે છે…
અફસોસ એ વાતનો છે કે: આપણે એની આવી વાતોથી સાવ અજાણ્યા રહીએ છીએ અને તકિયાકલામ જેવી વાતો: મજબૂરીકા નામ મહાત્મા ગાંધી .. ગાંધીછાપ લાવો … ગાંધીગીરી.. વગેરે વગેરે રટ્યા કરીએ છીએ.
લેવાદેવા વગર , ગાંધીજીના નામ માત્રથી ભડકતી બબ્બે પેઢીઓ મોટી થઈ ગઈ!!
પણ, સારી વાતો મૂકવાની તમારી આ રીત બરાબર લાગે છે.
આભાર.
LikeLike
મિત્રો, મારા મતે, “વૈષ્ણવજન તો તેને રે કહીએ….” અને અન્ય ભજનો ગાવા, ફુલમાળા ચડાવવી, દેશભક્તિના ગીતો ગાવા કરતા ગાંધીજી, “મહાત્મા ગાંધીજી” કેવી રીતે બન્યા એ વિષય નુ મુળીયુ શોધી અને એની ગોખણપટ્ટી ફરજીયાત લોકોને કરાવવામાં આવે તો જ ખરી ગાંધીસેવા થશે, કેમ કે એમ ગોખણપટ્ટી કરીને જ થોડાઘણા આત્મિક ગુણો તો લોકોના જીવનમાં ઉતરશે એવુ મારુ માનવુ છે. મારો ઉદ્દેશ લોકો આત્મિક દ્ર્ષ્ટી કેળવે એ જ છે.
LikeLike
૨જી ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતી મહાત્મા,રાષ્ટ્રપિતા,સ્વાતંત્ર્ય સેનાની,સત્ય અને અહિંસાના પૂજારક, ગરીબોના બેલી, વિશ્વમાનવ, પૂજનીય…..કેટકેટલા વિશેષણો છતાં પણ જે સદા દરેક ભારતીયોના દિલમાં અમર બનેલા મોહનદાસ કરમચંદ ગાંધીને Happy Birthday…
LikeLike
ગાંધીજીની મૂર્તિપૂજક/ભંજકવાળી વાત સરસ છે. ગાંધીજીના રામ અને એનો ભગવાન તો સમજની પેલી પારનો છે.
તમે સમય પારખીને બાબરીચુકાદા નિમિત્તે યોગ્ય અવતરણો મૂક્યાં છે. શ્રી રાઓલે કહ્યું તે સાવ સચોટ છે. તમારા સવાલનો જવાબ એમાં આવી જ જાય છે.
ધન્યવાદ.
LikeLike
મિત્રો, નમસ્કાર.
અહીં પ્રતિભાવ આપનાર અને હવે પછી પણ પ્રતિભાવ આપનાર સૌ મિત્રો, સ્નેહીઓનો હાર્દિક આભાર. આ લેખ પર હું મારૂં વધુ ડહાપણ નહીં ડહોળું, કારણ અહીં સ્વયં ગાંધી જ બોલે છે. ગાંધીજીના વિચારની એ જ મહાનતા છે કે સૌને તે વિચાર પોતાનો લાગે છે, ભલે તેની વ્યાખ્યા સૌની અલગ અલગ હોય. જુગલકિશોરભાઇએ તેમના તાજા જ લેખમાં લખેલું છે તેમ, તમે ગાંધીને પ્રેમ કરો ચાહે નફરત, પણ તમે તેને અવગણી શકો તો નહીં જ. આપણે સૌએ એક ઘટનાને ગાંધીવિચારના સંદર્ભે મુલવવાનો પ્રયત્ન શરૂ કર્યો, હજુ પણ આ પ્રયાસ આગળ વધારવા વાંચનાર મિત્રોને વિનંતી.
અને આ અવતરણ તો ગાંધીજીએ કદાચ વર્ષો અગાઉ બ્લોગ જગતની પણ કલ્પના કરી અને કહ્યું હોય તેવું નથી લાગતું ? કે; ”આપણે બધા કદી એકસરખી રીતે વિચાર કરવાના નથી અને જુદી જુદી બાજુએથી સત્યના કેવળ અંશોને જોવા પામીશું તેથી આચારનો સોનેરી નિયમ એવો હોય કે આપણે પરસ્પર સહિષ્ણુ થઇએ.”
આપના સૌના સહકાર બદલ આભાર.
(અદાલતનો સંપૂર્ણ ચુકાદો વાંચવા માટે : http://www.rjbm.nic.in/ )
LikeLike
શ્રી અશોકભાઈ,સુંદર મજાના સંપાદન બદલ અભિનંદન.
ગાંધીજી એક એવુ નામ છે જ્યાં ભેદભાવ,નાતજાત,હિંદૂ-મુસલમાનને કોઈ જ સ્થાન નથી.ત્યાં માત્ર સત્યરૂપી ઈશ્વરને જ સ્થાન છે.ત્યાં હરિજન પણ આવે અને મુસલમાન પણ.2જી ઓક્ટોબરના રોજ દાંડી ગયો હતો.જો કે આ વખતે ગાંધી મેમૉરિઅલનું કામ ચાલે છે એટલે કોઇ આવ્યુ ન’હોતું.છતા ગાંધીજીના ચાહકોની અવરજવર ચાલુ જ હતી.ગયા વર્ષે પણ દાંડી ગયા હતા.વૈષ્ણવજન તો તેને રે કહીયે….ગાંધીજીને પ્રિય આ ભજન ત્યાં ઉપસ્થિત દરેક વ્યક્તિએ ગાયુ અને માણ્યુ હતું.ત્યાં મુસલમાનભાઈઓ પણ હાજર હતા.ત્યારે પાછો મુસલમાનો ‘વંદે માતરમ્ ….’ ન ગાય શકે ,તે મુદ્દો પણ જોરમાં હતો.પણ દરેકે મુસલમાનભાઈએ ‘વંદે માતરમ્’ ઉત્સાહથી ગાયુ હતું.બાકી રહી મુર્તિપૂજાની વાત.તો દરેક મુસલમાનભાઇએ ગાંધીજીની મુર્તિને ફૂલોથી ભાવાંજલિ અર્પિત કરી હતી.
‘ગાંધી કો રખના હૈ તો અપને દિલ મે રખો’…….એમય ગાંધી મેમૉરિઅલમાં કોઈ જતુ નથી.દાંડી આવતા લોકોમાંથી માત્ર ૧૦% લોકો મેમૉરિઅલમાં જાય છે.બાકીના ૯૦% લોકો બાયપાસ બિચ પર.
LikeLike