હાસ્યલેખ ! પણ લખવો કેમ ?


From Wiki

મિત્રો, નમસ્કાર.
આજે એક એવો લેખ જેનું કારણ આપ્યું શ્રી મીતાબહેને (મીતાનું મનોમંથન). તેઓને હાસ્યલેખ પર હાથ અજમાવવો છે પરંતુ લાગે છે કે ગભરાય છે !! (કે પછી આપણને સૌને ગભરાવે છે !! 🙂 )  એક આડવાત, આપણા ગુજરાતી સાહિત્યજગતમાં એક એકથી ચઢિયાતા હાસ્યલેખકો આપણને મળ્યા છે. પરંતુ હાસ્યલેખ કેમ લખવો તે બાબત પર કોઇએ ખાસ પ્રકાશ પાડ્યાનું જાણમાં નથી આવતું (એટલે કે મારી જાણમાં). આગળ તો આવી બ્લોગ વગેરેની સગવડ હતી નહીં અને હવેના આપણાં મહાન હાસ્યલેખકશ્રીઓ ભાગ્યે જ બ્લોગ પર પધારે છે. તો આપણે બ્લોગરોએ તો એકબીજાની મદદ દ્વારા જ બધું શીખવાનું રહે છે. આ એ જગત છે જ્યાં અન્ય માધ્યમોની માફક લેખક અને વાંચક એવો કોઇ સ્પષ્ટ વિભાગ નથી. અહીં તો આપણે સૌ લેખકો અને આપણે જ વાંચકો. અર્થાત અહીં તો સૌ મિત્રતાના ધોરણે કામ કરે છે, પછી ભલે આયુ, શિક્ષણ, જીવનધોરણ, આર્થિક, વિચારો વગેરે પાસાઓમાં ભિન્નતા હોય. તો અહીં આ લેખ માત્ર મિત્રતાના ધોરણે જ લખું છું, ઉપદેશ આપવાના આશયે નહીં ! આપ સૌ પણ સુધારા વધારા સુચવશો, વધુ માર્ગદર્શન આપશો, તેવી પ્રાર્થના.

અહીં અમને જે કંઇ હાસ્યજ્ઞાન મળેલું છે તે આપણાં મહાન હાસ્યલેખકો અને હાસ્યકલાકારો (એટલે કે લોકસાહિત્યના હાસ્યકારો ! જેમાનાં ઘણાં હાસ્યલેખકો પણ છે) ને વાંચવા સાંભળવા થકી જ પ્રાપ્ત થયેલું છે. મારા પરિચીત કલાકારોમાં જોઇએ તો, મારા નમ્ર મતે શ્રી કૃષ્ણ પ્રથમ કલાકાર છે જેણે વાણી દ્વારા હાસ્ય ઉપજાવ્યું !! (સાંભળો ગીતાજીનો ’સંભવામિ યુગે યુગે…’ શ્લોક, મારા મતે આ તેઓએ કરેલી એકમાત્ર એવી મજાક છે, જેને આપણે ગંભીરતાથી સાચી માની લીધી છે ! બતાવો, છે એવો કોઇ અન્ય હાસ્ય લેખક, જેનો વ્યંગ ૫૦૦૦ વર્ષ પછી પણ લોકો સમજ્યા ન હોય !) ત્યાર પછી શ્રી શાહબુદ્દિનભાઇ રાઠોડ, અમારા ગામના જ શ્રી ભીખુદાનભાઇ, અમારા પડોશી એવા શ્રી અમુદાનભાઇ, શ્રી ધીરૂભાઇ સરવૈયા વગેરેને અમે રાતરાતભર ઉજાગરા કરી અને સાંભળ્યા છે. આ ઉપરાંત પણ ઘણા ઉમદા કલાકારો છે જ, જેને સાંભળવા એ લહાવો ગણાય, પરંતુ અહીં અમને જેમનો લાભ વધુ મળ્યો તેનો ઉલ્લેખ માત્ર ઉદાહરણાર્થે કર્યો છે.

લેખકોમાં નાનપણમાં શ્રી જ્યોતિન્દ્ર દવેના નિબંધો બહુ વાંચતા, હાસ્યનિબંધનાં, મારા મતે, તેઓ ધાંસુ ઉસ્તાદ ગણાય. ત્યાર પછી શ્રી તારક મહેતા, શ્રી વિનોદ ભટ્ટ, શ્રી અશોક દવે જેવા હાસ્યલેખકોને વાંચવાનો લહાવો હજુ મળે છે. આમાં પણ અન્ય લેખકશ્રીઓએ, ઉપર મુજબ જ, માઠું લગાવવું નહીં, આ તો માત્ર અમે જેમને વધુ વાંચ્યા છે તેમના નામો ઉદાહરણાર્થે રજુ કર્યા છે. હાલમાં બ્લોગ જગતમાં પણ ધાંસુ હાસ્યલેખકશ્રીઓને વાંચવાનો લહાવો મળ્યો છે, જેમાં ઉદાહરણાર્થે પણ કોઇના નામ નહીં આપું !!! (અરે ભાઇ કોઇ એકાદ નામ ભુલાઇ જાય તો ? આગળ યાદ કર્યા તે અને બાકી રહી ગયા તે બધા કંઇ અહીં વાંચવાના નથી ! પણ આ તો બ્લોગરો છે, યત્ર તત્ર સર્વત્ર ! અને પાછા મિત્રતાના વહેવાર વાળા ! કદાચ ઘરે, અને નહીં તો બ્લોગ પર, આવીને મિત્રદાવે બે ધોલ મારી પણ જાય !! 🙂 )   

તો, આ તો પ્રસ્તાવના થઇ, મુળ વાત હતી કે હાસ્યલેખ લખવો કેમ ? (બસ આમ !!! મુળ મુદ્દો છેક સુધી ન આવે અને પ્રસ્તાવના જ લેખ જેટલી લાંબી કરી દેવાની !) ભ.ગો.મં. મુજબ “હાસ્ય એ નવ માંહેનો એક રસ છે. હાસ્યની પરિપુષ્ટતાને હાસ્ય રસ કહે છે. એનો વર્ણ શ્વેત, દેવતા પ્રમથ, અનુપયુક્ત વચન તથા રૂપાદિક આલંબન અને ઉદ્દીપન તથા મુખ વિકાસાદિ અનુભાવ છે. તેના મંદ, મધ્યમ અને અતિ એમ ત્રણ ભેદ છે. સામાન્ય રીતે કટાક્ષ ( Satire ) મર્મહાસ્ય ( Wit ) અને હાસ્ય ( Humour ) એ હાસ્યરસનાં સાધનો છે..” તે ઉપરાંત “વિકૃત વેષ, વિકૃત વાણી, વિકૃત ચેષ્ટા, વગેરે જોવાથી દાંત દેખાય તેવી રીતે હસવું તે; ઠઠ્ઠા મશ્કરી” એવી વ્યાખ્યા પણ જાણવા મળે છે. ખાંખાખોળા કરતા જણાય છે કે ઇ.પૂ.૨૦૦ આસપાસ ભરતમુની રચિત ’નાટ્ય શાસ્ત્ર’માં હાસ્યને નવરસ માંહેનાં એક રસ તરીકે વર્ણવાયેલ છે.

હાસ્યનાં ઘણા પ્રકારો કહેવાય છે, જેમાં સ્થુળ હાસ્ય અને સુક્ષ્મ હાસ્ય તેવા બે અને તે ઉપરાંત ઘણાં પેટાપ્રકારો પણ દર્શાવાય છે. જેમાં મગજને બહુ તાણ્યા વગર સીધું હસવું આવે તે મોટાભાગે શ્થુળ હાસ્ય અને જેમાં મગજનું દહીં કર્યા પછી, માંડ માંડ સમજાય તે સુક્ષ્મ હાસ્ય ! હાસ્યકારોની ભાષામાં કહીએ તો અમુક વાત જેમ સ્વિચ દબાવો અને લેમ્પ ચાલુ થઇ જાય તેમ સમજાય અને અમુક ટ્યુબલાઇટની જેમ ઘણીબધી વાર સુધી ઝબક ઝબક થયા પછી સમજાય ! (સ્ટાર્ટર ખરાબ હોય તો ક્યારેક ન પણ સમજાય !!) એક વાત એ પણ છે કે કોઇને મનદુઃખ થાય તેવી વાત કરીને, કોઇની અંગત લાગણીને ઠેસ પહોંચાડીને કે કોઇની નબળાઇને વિષય બનાવીને મજા લેવી તે સૌથી કનિષ્ઠ હાસ્ય છે. શક્ય તેટલું આનાથી બચવું, એથી તો સારૂં છે કે સ્વયં પોતાની જાત પર હસવું. સૌને સરખો આનંદ આપે, કોઇને દુઃખ ન પહોંચાડે, તે જ નિર્દોષ હાસ્ય.  

વિકિપીડિયા જેવા માધ્યમને ફંફોળશો તો અંગ્રેજી સાહિત્યમાં હાસ્યના વિવિધ પ્રકારો વર્ણવાયા છે, જેમાંના કેટલાકને આપણે સમજવાની કોશિશ કરીએ તો;
** લાફ્ટર (Laughter) = હાસ્ય, (દેખીતું હાસ્ય, ખડખડાટ હાસ્ય) જેના મુખ્યત્વે બે પ્રકાર ગણાય છે. ગલગલિયાં (Tickling) અને ટુચકા (Joke). આ દરેકમાં પણ પાછું માથું ભમી જાય તેટલા વિવિધ પ્રકારો છે. પરંતુ આપણે વધુ વિગતમાં નથી જવું. માત્ર સામાન્ય સમજ પુરતું જ જાણીએ.
** હ્યુમર (Humour) = વિનોદ, મજાક, આમાં અંગ્રેજી શબ્દ ’હ્યુમર’ની ઉત્પત્તિ ખાસ સમજવા જેવી છે, પ્રાચિન ગ્રીક અને રોમન દાક્તરોની માન્યતા મુજબ શરીરના રસો (જીવન રસ !)નું સંતુલન  મનુષ્યનાં આરોગ્ય અને લાગણીઓને કંટ્રોલ કરે છે.  અને આ જીવનરસોને ’હ્યુમર્સ’ (Humours) કહે છે. જેમ આપણે આર્યુવેદમાં શરીરના ત્રણ રસ (કે દોષ) વાત, પિત્ત અને કફને નિયંત્રક ગણ્યા છે તેમ જ.  આ હ્યુમર્સ પરથી હ્યુમર શબ્દ આવ્યો છે. હવે આપણે આ હ્યુમરના કેટલાક પ્રકારો જોઇએ.
* સેટાયર (Satire) = ઉપહાસ, વક્રોક્તિ, કટાક્ષ, વ્યંગ.
* વિટ (Wit) = વિનોદ, મર્મ, હાજર જવાબી, સમજ શક્તિ.
* પેરોડિ (Parody) = અનુકરણ, વક્રોક્તિ, નકલ (એટલે કોપી-પેસ્ટ નહીં !).
* આર્યની (Irony) = વિપરીતતા, વક્રોક્તિ, ઉલ્ટું બોલવું.
* સાર્કેઝમ (Sarcasm) = મર્મવચન, કટાક્ષ, મહેણું.
* સ્લેપ સ્ટિક (Slapstick) = ભવાઇ, તમાશો, ઠીઠીયારો.
* કોમેડી (Comedy) = હાસ્યપ્રધાન કૃતિ, વિનોદી શૈલી, રમુજી.
* પંચ (Punch_line) = આમ તો પંચ એટલે મુક્કો, ઠોંસો થાય પરંતુ અહીંના અર્થમાં, મશ્કરી કે રમુજ ઉત્પન્ન કરતો શબ્દ કે વાક્ય (પંચ લાઇન) થાય છે. મુળ શબ્દ પન (Pun) = શબ્દશ્લેષ.

તો આ આપણે થોડો પ્રયત્ન કર્યો હાસ્યશાસ્ત્રને સમજવાનો, મિત્રોને માથું ન દુખ્યું હોય અને વધુ અભ્યાસ કરવો જ હોય તો દરેક શબ્દ પર લિંક્સ આપી જ છે. છતાં પાછી મુળ વાત તો બાકી જ રહી કે હાસ્યલેખ લખવો કઇ રીતે ?? બસ અહીં જ, મારા મતાનુસાર, ગોટાળો છે !! જેમ તરતા શીખવાના થોકબંધ પુસ્તકો લઇ આવી, કાંઠે બેઠા બેઠા વાંચી કાઢીએ તેથી કંઇ તરતા ન આવડી જાય, તે જ રીતે, અહીં પણ આવું બધું શાસ્ત્રજ્ઞાન જાણતા થવાથી સારો હાસ્યલેખ ન લખી શકાય ! (આ જુઓને મારો જ શિરદર્દક લેખ !) એ માટે તો ફક્ત આપણા સૌના જાણીતા,માનીતા કવિ નર્મદને જ યાદ રાખવા અને આજુબાજુ જોયા વગર, કોઇની દરકાર કર્યા વગર, “યાહોમ કરીને પડો, ફતેહ છે આગે”. અને વાંચનારાઓ બહુ બુદ્ધિમાન હોય છે, તેઓ લેખમાં ગમે ત્યાંથી (લખનારને પણ જાણબારૂં હોય તેવું !! 😉 ) હાસ્ય શોધી જ કાઢશે ! અને નહીં શોધી શકે તો આખા લેખને હાસ્યાસ્પદ ઠરાવી દેશે ! (ભલેને હાસ્યલેખ નહીં તો આવો હાસ્યાસ્પદ લેખ બને ! આપણે મુળ કામ તો હાસ્યનું છે ને !!)  આભાર.

 

20 responses to “હાસ્યલેખ ! પણ લખવો કેમ ?

  1. વાહ વાહ અશોકભાઈ, આપે તો કમાલ જ કરી નાંખી હોં !!
    ખરેખર આપને હાસ્ય રસ ઉપર ઉત્તમ હથેટી તો છે જ, સાથે સાથે જ્ઞાન અને વિષયની ઉંડી સમજ, ખરેખર આપને અશોકમુનિ કહેવામાં જરાય ખોટુ નથી પણ witful છે. સરસ “હાસ્ય+જ્ઞાન” સભર લેખ મિતા બહેનને જરુરથી મદદરુપ થશે જ.

    Like

    • આભાર, રાજેશભાઇ.
      એવી કંઇ બહુ હથોટી તો નથી, પણ મને થયું કે બે હું જાણતો હોઉં અને બે આપ જાણતા હો તો બંન્ને એકબીજાને જાણકારી વહેંચીએ એટલે આપણે હવે ચાર-ચાર જાણતા થઇએ. બાકી તો આપનો પ્રેમ છે જે અમને ઉત્સાહ પુરો પાડે છે.

      Like

  2. હાસ્ય ઉપર હાસ્ય સાથે જ્ઞાનવર્ધક સુંદર માહિતી.હાસ્ય લેખ લખવો અઘરું કામ તો છેજ.પણ લખી શકાય છે.સામાન્ય પ્રસંગો માંથી હાસ્ય નીપજાવતા આવડવું જોઈએ.સારી હ્યુમર સેન્સ બધાના નસીબ માં હોતી નથી.ટ્યુબ લાઈટ નું સ્ટારટર બરોબર નાં હોય તો શું કરવાનું?
    સ્ત્રીઓને આકર્ષવા માટે પણ સારી હ્યુમર સેન્સ હોવી જરૂરી છે નહિ કે હાસ્યાસ્પદ હ્યુમર સેન્સ.ધન્યવાદ.

    Like

    • આભાર, ભુપેન્દ્રસિંહજી.
      આપનો પ્રશ્ન અમારી વ્યવસાઇક ગુપ્તતા ઉઘાડી પાડી દેશે ! પણ મિત્રતા સામે સઘળું ફોક ! સ્ટાર્ટર બરોબર કામ ન કરતું હોય તો જરા જોરથી ઠપકારવું, ૯૯ % ગેરંટી કે ટ્યુબલાઇટ ઉપડી જશે. અહીં પણ એજ સિદ્ધાંત, લમણે હાથ ઠપકારવો 🙂
      હ્યુમર સેન્સ અને હાસ્યાસ્પદ હ્યુમર સેન્સ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરતા એકાદ જ્ઞાનપ્રદ લેખની આપની પાસે મિત્રદાવે માગણી મુકીએ છીએ. આભાર.

      Like

  3. હાસ્ય કેટલા પ્રકારના છે તે વિષે સરસ માહિતી આપી. ધન્યવાદ ! એકાદ હાસ્ય લેખ પ્રાયોગિક ધોરણે બ્લોગર ઉપર જીકી દીધો હોત તો વધુ હાસ્ય નિસ્પન્ન થાત હો ! ખેર હવે પછી પ્રયોગ જરૂર કરશો !

    Like

  4. વાહ! સરસ હાસ્ય(ને લગતો)લેખ …. પણ યાર હાસ્યને લગતા લેખમાં ય તમે તો હાસ્ય મૂકીને રહ્યા નહી તો ઘણી વાર હાસ્યને બદલે હાય નીકળી જાય એવા લેખ લખવાની હિંમત કરનાર વિરલાઓની કમી ક્યાં છે?

    આમ ને આમ હસાવવાની (બે)જવાબદારી નિભાવતા રહેજો નહીં તો તમને ફસાવવાની જવાબદારી અમે નિભાવીને જ ઝંપશું એ યાદ રાખવું તમારી ફરજ છે,અમારી નહી ઓકે?

    Like

  5. જેમ તરતા શીખવાના થોકબંધ પુસ્તકો લઇ આવી, કાંઠે બેઠા બેઠા વાંચી કાઢીએ તેથી કંઇ તરતા ન આવડી જાય, તે જ રીતે, અહીં પણ આવું બધું શાસ્ત્રજ્ઞાન જાણતા થવાથી સારો હાસ્યલેખ ન લખી શકાય.

    Very True…. and thanks for sharing some insight of Laughter/Humor…

    Like

  6. અશોકભાઇ હાસ્યશાસ્ત્ર વિશેનો ખૂબ જ સરસ લેખ.

    માત્ર શાસ્ત્રજ્ઞાન નહીં, તરતા શીખવા માટે કાંઠે બેસીને પુસ્તકો વાંચવાથી તરતા ના આવડે. આજુબાજુ જોયા વગર, કોઇની દરકાર કર્યા વગર, યા હોમ કરીને પડો ફતેહ છે આગે. હાસ્યલેખ લખવા માટે પ્રોત્સાહન મળ્યું. સાચી વાત મૂળ કામ તો હાસ્યનું જ છે.

    હાસ્યના પ્રકારના ફોટોગ્રાફ પણ સરસ. નિર્દોષ હાસ્ય, ખડખડાટ હાસ્ય, હાસ્યની સાથે ચહેરો અને આંખો પણ હસી પડે તેવું હાસ્ય.

    Like

    • શ્રી મીતાબહેન, આ આટલા ખાંખાખોળા કરી અને અમારા ખોબા જેટલા જ્ઞાનમાં પણ છાંટો બે છાંટા વધારો થયો તેનું શ્રેય આપને જ જાય છે. આપને અને સૌ મિત્રોને શુરાતન ચઢાવવા માટે (મિત્રો જો કે તેને માટે “ચણાના ઝાડે ચઢાવવા માટે” !! જેવા સમાનાર્થી પણ અલગ શબ્દોનો ઉપયોગ કરશે 🙂 ) આટલો પ્રયત્ન કર્યો. હવે પ્રયત્ન સફળ થયો કે નહીં તેની રાહ જોઇશું ! આભાર.

      Like

  7. હાસ્ય પર સુંદર અને માહિતીપૂર્ણ,
    ગંભીરતાપૂર્વક,
    ને છતાં હળવાશ સાથેનો તમારો લેખ બહુ ગમ્યો.

    જોવાની ખુબી એ છેકે અસરના ઓટલેથી હવેથી ગંભીર લેખો પણ આવવાના છે (હળવા લેખો પણ ચાલુ રહેશે એવી આશા)ને તમે અ–શોક નામ સાર્થક કરીને સૌને હાસ્યરસ શીખવાડવાના છો !!

    બન્ને લેખકોનો આભાર.

    Like

    • આભાર, જુગલકીશોરભાઇ. આપ સમા વડીલોની પ્રેરણા લઇને થોડું થોડું શીખવાનો પ્રયાસ કરીએ છીએ. જો કે ઘણી ક્ષતિઓ રહે જ છે, ક્યાંક માહિતીદોષ કે ખાસ તો જોડણીદોષ, પરંતુ આપ સૌ મોટું મન રાખી ચલાવી લો છો અને ઉત્સાહ વધારો છો. છતાં જરૂર જણાયે યોગ્ય માર્ગદર્શન પણ નિઃસંકોચ આપશો તેવી પ્રાર્થના છે. (અને યશવંતભાઇની ગંભીર લેખ લખવાની ધમકી પણ અત્યારે તો અમને ’હળવી’ જ લાગે છે ! જો કે તેઓનું કંઇ નક્કી નહીં, કલાના જીવ છે, તેને માટે અઘરૂં શું.)

      Like

  8. શ્રી અશોકભાઈ,તમારો આ આર્ટિકલ હું છેલ્લા બે દિવસથી વાંચુ છું.અહીં આપેલ દરેક લિંક પર ક્લિક કરતા ક્યાંય નિકળી જવાય છે. 🙂
    હાસ્યલેખ લખવો કઇ રીતે ????આ વિશે હું કહી ન શકુ.બાકી સૌરાષ્ટ્રના ઘણા હાસ્યકલાકારનો ફેન છું.કેટલાક નામ તમે આપ્યા છે અને કેટલાક આ રહ્યા – માયાભાઈ આહિર,સાંઈરામ દવે,વસંત પરેશ,જીતુભાઈ દ્વારકાવાળા
    આ લેખ દ્વારા ઘણુ જાણવા મળ્યુ.આભાર

    Like

    • શ્રી રાજનીભાઇ, આને કહેવાય જાતે પગ પર કુહાડો મારવો !! આટલી બધી લિંક્સ આપી દીધી હવે મારો લેખ પુરેપુરો વાંચશે કોણ ? તોય આપ મિત્રતાના નાતે ફરી ફરીને અહીં આવ્યા તે બદલ આભાર 😮 આપે ઉલ્લેખેલા સ_રસ કલાકારોને પણ સાંભળવાનો લ્હાવો મળેલ છે, જો કે તેમાંથી રૂબરૂ એક જીતુભાઇને જ સાંભળવાનો મોકો મળ્યો છે. (તેમની ’એક ગરીબ બ્રાહ્મણ હતો…. તે હું’ વાળી રચના રૂબરૂ તેમના હાવભાવ શાથે સાંભળી હોઇ, જોઇ હોઇ, એટલે કદી ન ભુલાય. આભાર.

      Like

  9. અશોકભાઈ,
    વ્યવસ્થિત માહિતી માટે સારી મહેનત કરો છો. સરસ જાણકારી મળી. રજૂઆત મુદ્દાસર હોવાથી ખૂબ જ રસપ્રદ લેખ બન્યો છે.
    આપણા કાથિયાવાડમાં આમ તો એકે એક માણસ અર્ધો હાસ્ય કલાકાર જ હોય છે. ભાષા,રીતભાત, વટ, વક્રોક્તિ, વ્યંગ વગેરે ક્યાંય શીખવા ન જાવા પડે!
    પડ્યા પછી પણ ઊભા થતાં થતાં “મારે હાળ્યે ભારે કરી ” એમ કાઠિયાવાડી જ બોલી શકે!
    ગામડું યાદ આવે છે. નાના છોકરાઓ લડતા ત્યારે આવા સંવાદો બોલાતા…
    — એય વાયડીનો થામા.
    –તને કીધુંને મા હામો જામા.
    — તું સું કર લેવાનો સો?
    — તો તુ સું કરી લેવાનો સો?
    — હવે રેવા દે! જોવા જેવી થાહે.
    — તારાથી થાય ઈ કર લેજે જા. … એલા હાલો હાલો. મારે હવે કીડીનું ભોણ ગોતવું પડશે!!
    … અશોકભાઈ, આ બ્લોગજગતમાં ક્યાંય કીડીનું ભોણ હોય તો કહેજો. સંતાવા માટે કામ લાગશે.

    Like

    • અરે વાહ ! આ બથંબથીનો સંવાદ આપને હજુ યાદ છે ? “થાય ઇ કરી લેજે જા…” આ સંવાદ વાંચીને મેઘાણીની ’માણસાઇના દીવા’ યાદ આવી. ’એક હવાઇએ જલાવેલી જિંદગી’ પ્રકરણના ઘટનાક્રમમાં આ સંવાદ પછી મેઘાણી લખે છે કે; ’ ….એ પોતાની સેંકડો ઓલાદો જે બોલીને પછી પસ્તાઇ છે તે જ બોલ કાઢી નાખ્યા.’ જો કે માણસાઇના દીવા તો મોડી વાંચી, એ પહેલાં અમે પણ આ સંવાદો બોલી અને પછી કાબરા થયેલા વાંસા ખંજવાળતા બહુ પસ્તાઇ લીધું છે !!! જો કે હવે તો આપણે સૌ સુધરી ગયા છીએ ! કટારો મેલી અને કલમ જાલી લીધી એ સારૂં કામ થયું.
      અને આટલા ભોરીયુ ભેગા હોય પછી કીડીનું ભોણ સું કામ ગોતવું પડે !!! મજા આવી. આભાર.

      Like

  10. અશોક ….. બસ એક્જ શબ્દ તારા લેખ માટે કાફી છે,
    (પ્રિય મિત્ર શકિલ. તારી કોમેન્ટનો એક શબ્દ રદ કરવા બદલ ક્ષમાપ્રાર્થના… સુધરી જા, સુધરી જા, ફઇ બા !!!)

    Like

  11. હાસ્યલેખ તો તમે પણ સારો એવો લખી શકો છો અશોકભાઇ… 🙂 😉

    Like

Leave a reply to યશવંત ઠક્કર જવાબ રદ કરો