નીતિશતક (૪) – વિદ્યા


મિત્રો, નમસ્કાર.
’નીતિશતક’ શ્રેણીમાં આગળ આપણે મૂર્ખતાદુર્જનનિંદા અને સજ્જનતા  વિષયો પર શ્રી ભર્તુહરિજીનાં સુંદર મુક્તકો માણ્યા. આજે અહીં વિદ્યા કે જ્ઞાનૌપાર્જન વિષયે તેઓના કેટલાક મુક્તકો માણીશું. આશા છે ભારતવર્ષમાં વિદ્યાનું શું મહત્વ ગણાયું છે તેનો ખ્યાલ આ થોડા પ્રાચિન મુક્તકો દ્વારા પણ આવશે જ.

साहित्यसङ्गीतकलाविहीन: साक्षात्पशु: पुच्छविषाणहीन: ।
तृणं न खादन्नपि जीवमानस्तद्भागधेयं परमं पशूनाम् ।।१२।।

* સાહિત્ય, સંગીત અને કલા વગરનો માણસ પૂછડા અને શિંગડા વગરનું સાક્ષાત પશુ છે. ઘાસ ન ખાતો તે જીવે છે એ (બીજા) પશુઓનું પરમ સૌભાગ્ય છે.

જન્મ વખતે મનુષ્યબાળ અને પશુબાળમાં રૂપ, રંગ અને આકારનો જ ફેર હોય છે. બંન્ને જ્ઞાનહીન પશુ છે. મનુષ્ય વિદ્યાભ્યાસ કરે, સત્સંગત કરે ત્યારે તે હિતાહિત અને કર્તવ્યાકર્તવ્ય સમજી શકે છે. સાહિત્યની ઉપાસના, સંગીતની સાધના અને કલાની લગની તેનામાં સંસ્કાર સીંચે છે. સાહિત્ય જ્ઞાનચક્ષુ ખોલે છે. સંગીત અને અન્ય કલાઓ તેની દૃષ્ટિ સમભાવી અને સૌંદર્યલક્ષી બનાવે છે. વિદ્યા અને કલાઓ તેને વધુ ભવ્ય, સભ્ય, વિવેકી અને નમ્ર બનાવે છે. અહીં વિવિધ કલારૂપી વિદ્યાનું બહુમાન કરાયું છે.

येषां न विद्या न तपो न दानं ज्ञानं न शीलं न गुणो न धर्म: ।
ते मर्त्यलोके भुवि भारभूता मनुष्यरूपेण मृगाश्चरन्ति ।।१३।।

* જેઓની પાસે નથી વિદ્યા કે નથી તપઃ, નથી દાન (આપવાનું) કે નથી જ્ઞાન, નથી ચારિત્ર્ય, નથી સદ્‌ગુણ કે નથી ધર્મ – મૃત્યુલોકમાં ધરતી પર ભારરૂપ બનેલા તેઓ મનુષ્યના રૂપમાં પશુઓ (ની જેમ) ચરી ખાય છે.

અહીં જીવનમાં ઉતારવા જેવી, આચરવા જેવી મહત્વની બાબતો પરત્વે ધ્યાન દોરાયું છે. વિદ્યા, તપ, દાન, જ્ઞાન, ચારિત્ર્ય, ગુણ અને ધર્મ આ મહત્વની બાબતો છે. જેણે આનું ઉપાર્જન નથી કર્યું તેઓ આ ભુમિ પર ભારરૂપ છે, તેમની આકૃતિ તો મનુષ્યની છે પણ વ્યક્તિત્વ પશુનું છે. અહીં સદાચરણ અને સદ્‌ગુણ વિનાના મનુષ્યોની નિંદા કરાઇ છે.

शास्त्रोपस्कृतशब्दसुन्दरगिर: शिष्यप्रदेयागमा
विख्याता: कवयो वसन्ति विषये यस्य प्रभोर्निर्धना: ।
तज्जाड्यं वसुधाधिपस्य कवयोऽप्यर्थं विनापीश्वरा:
कुत्स्या: स्यु: कुपरीक्षका हि मणयो यैरर्घत: पातिता:  ।।१५।।

* શાસ્ત્રો વડે સંસ્કારી બનેલા શબ્દોની સુંદર વાણીવાળા, જેના ગ્રંથો શિષ્યોને ભણવા યોગ્ય છે, તેવા વિખ્યાત કવિઓ જે રાજાના રાજ્યમાં નિર્ધન બનીને વસે છે, તે તો એ ભૂપતિની જ જડતા ગણાય, કારણ કે વિદ્વાનો તો ધન વિના પણ મહાન છે. જે ઝવેરી મણિનું મૂલ્ય ઓછું આંકે તેઓ નિંદ્ય છે, મણિઓ નહીં.

અહીંથી હવે વિદ્વાનોની પ્રશંસા કરાઇ છે. અહીં પોષણવૃતિ અને શોષણવૃતિની વાત કરાઇ છે, રાજા અને કવિ તો દૃષ્ટાંતરૂપ છે મુળ તો વૃતિવિશેષની વાત છે. કવિ એ વિદ્વાનનું પ્રતિક છે અને મણિ તેના મુલ્યને દર્શાવે છે, રાજા અને ઝવેરીને સમાજના દૃષ્ટાંતરૂપે સમજવા. 

हर्त्तुर्याति न गोचरं किमपि शं पुष्णाति यत्सर्वदा
ह्यर्थिभ्य: प्रतिपाद्यमानमनिशं प्राप्नोति वृद्धिं पराम् ।
कल्पान्तेष्वऽपि न प्रयाति निधनं विद्याख्यमन्तर्धनं
येषां तान्प्रति मानमुज्झत नृपा: कस्तै: सह स्पर्धते ।।१६।।

* જેને ચોરો જોઇ શકતા નથી, જે હંમેશા અનેરો આનંદ આપે છે, જેને રોજ રોજ યાચકોને આપવામાં આવે છતાં ખૂબ વૃદ્ધિ પામે છે અને યુગો પછી પણ જેનો વિનાશ નથી થતો એવું વિદ્યા નામનું ધન જેના અંતરમાં છે તેવા વિદ્વાનો તરફ હે રાજાઓ ! અભિમાન ન કરો. કારણ કે તેઓની સ્પર્ધા કોણ કરી શકે છે ?

અહીં ભૌતિક ધન કરતાં વિદ્યારૂપી ધનને શ્રેષ્ઠ ગણાવાયું છે, અને સત્તાધિશોને પણ વિદ્વાનોનું બહુમાન કરવા, તેઓને તુચ્છ ન સમજવાની સલાહ આપેલી છે.

अधिगतपरमार्थान्पण्डितान्मावमंस्था-
स्तृणमिव लघु लक्ष्मीर्नैव तान्संरुणद्धि ।
अभिनवमदलेखाश्यामगण्डस्थलानां
भवति न विसतन्तुर्वारणं वारणानाम् ।।१७।।

* જેણે સત્ય પ્રાપ્ત કરી લીધું છે તેવા વિદ્વાનોનું અપમાન ન કરો. કારણ કે તણખલા જેવી તુચ્છ લક્ષ્મી, તેઓને કદી રોકી જ શકતી નથી. તાજો મદ ઝરવાથી શ્યામ બનેલા ગંડસ્થળ વાળા હાથીઓને, કમલનું તંતુ બાંધી શકતું નથી.

આગલા શ્લોકના અનુસંધાને જ, વિદ્યા શાથે વિદ્વાનોની અહીં પ્રશંસા કરાઇ છે. તથા તેઓના મનોભાવનો, સ્વભાવનો આછેરો ખ્યાલ અહીં અપાયો છે. આ માટે સુંદર ઉદાહરણ અપાયું છે કે, જેમ મદમસ્ત હાથીને નજુક કમળતંતુ બાંધી રાખી ન શકે તેમ ધનસંપતિના લોભ લાલચ વિદ્વાનોને ડગાવી શકતા નથી. અહીં બીજા અર્થમાં વિદ્વાનોને પણ પોતાની વિદ્યા ધનિકોના ચરણોમાં વેંચવા સામે અને રાજાઓ (કે સત્તાધિશો)ને વિદ્યાનો આદર કરવાની ચેતવણી આપી છે તેમ કહી શકાય.   

अम्भोजिनीवननिवासविलासमेव
हंसस्य हन्ति नितरां कुपितो विधाता ।
न त्वस्य दुग्धजलभेदविधौ प्रसिद्धां
वैदग्ध्यकीर्तिमपहर्तुमसौ समर्थ:  ।।१८।।

* જો વિધાતા ખૂબ ગુસ્સે થાય, તો હંસને માટે કમલવનમાં વિહાર કરવાનો વૈભવ ઝૂંટવી લે. પરંતુ દુધ અને જળને જુદા કરવાની તેની જે ચતુરાઇ છે તેનો નાશ કરવાની તે (વિધાતા)માં શક્તિ નથી.

આગળ રાજાઓને જ્ઞાનિ પ્રત્યે ઘમંડી ન બનવાનું જણાવ્યું છે, પરંતુ જ્ઞાનિ પોતે ગર્વિષ્ઠ હોય તો ? અહીં કહેવાયું છે કે તો પણ સ્વયં વિધાતા (અથવા તો કોઇપણ સર્વશક્તિમાન) તેમનું કશું જ બગાડી શકતા નથી ! મુળ વાત એ છે કે જ્ઞાનિનું ધન-વૈભવ વગેરે તો હજુ ઝુંટવી લઇ શકાય છે પરંતુ તેમનું જ્ઞાન, વિદ્યા ઝુંટવી લઇ શકાતા નથી. અહીં હંસમાં નિર-ક્ષિર વિવેકરૂપી વિદ્યા હોવાનું મનાતું તે ઉદાહરણરૂપે રજુ કરાયું છે. જો કે અન્ય સંદર્ભ મુજબ જ્ઞાનિ કદી ઘમંડી હોતો નથી, અને ઘમંડી હોવું તે અધૂરા જ્ઞાનની ઓળખ છે. છતાં પણ સુપાત્રને વિદ્યા આપવાનો સંકેત પણ અહીં દેખાય છે.

केयूराणि न भूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्ज्वला
न स्नानं न विलेपनं न कुसुमं नालङ्कृता मूर्धजा: ।
वाण्येका समलङ्करोति पुरुषं या संस्कृता धार्यते
क्षीयन्ते खलु भूषणानि सततं वाग्भूषणं भूषणम् ।।१९।।

* બાજુબંધ મનુષ્યને શોભા નથી આપતા. ચંદ્રના જેવા ઉજળા હાર પણ શોભા નથી આપતા. સ્નાન, ચંદનનો લેપ, પુષ્પો કે શણગારેલા વાળ પણ શોભા નથી આપતા. પરંતુ જે સંસ્કારી વાણી છે તે એક જ મનુષ્યને શોભાવે છે. બીજા ઘરેણાં તો સતત ઘસાયા કરે છે. વાણીનું આભૂષણ એ જ ખરું આભૂષણ છે.

અહીં બાહ્ય સૌંદર્ય કરતાં વિદ્યારૂપી આંતરિક વૈભવની મહત્તા વધુ છે તેમ જણાવાયું છે. શાથે વ્યક્તિનું મુલ્યાંકન બાહ્ય સૌંદર્યને આધારે નહીં પરતું તેમની વાણી અને વર્તનના આધારે કરવાનું પણ સુચવ્યું જણાય છે. શાથે સંસ્કારી વાણી વિદ્યાથી, જ્ઞાનથી જ મળે છે તેમ પણ અર્થ કરી શકાય. 

विद्या नाम नरस्य रूपमधिकं प्रच्छन्नगुप्तं धनं
विद्या भोगकरी यश:सुखकरी विद्या गुरूणां गुरु: ।
विद्या बन्धुजनो विदेशगमने विद्या परं दैवतं
विद्या राजसु पूजिता न तु धनं विद्या विहीन: पशु:  ।।२०।।

* વિદ્યા, ખરેખર મનુષ્યનું અધિક રૂપ છે. ઢંકાયેલું ગુપ્ત ધન છે. વિદ્યા તો વૈભવ, કીર્તિ અને સુઃખ આપનારી છે. વિદ્યા ગુરુની પણ ગુરુ છે. વિદેશગમન વખતે વિદ્યા સ્વજનના જેવી છે. વિદ્યા પરમ દેવતા છે. રાજાઓમાં વિદ્યા પૂજ્ય છે, ધન નહીં. વિદ્યા વિનાનો (મનુષ્ય) પશુ છે.

અહીં સામાન્ય દુન્યવી બાબતો કરતાં પણ વિદ્યાનું મહત્વ વિશેષ ગણાવાયું છે. વિદ્યા એટલે માત્ર અક્ષરજ્ઞાન લઇએ (હાલના સંદર્ભે ભણતર !) તો પણ તે જ્ઞાનપ્રાપ્તિનું પ્રથમ ચરણ હોવાથી તે વિનાના લોકો પશુતુલ્ય જ ગણાય તેમાં ખોટું શું છે ? મુળમાં તો ભર્તુહરિનો આશય લોકોને વિદ્યાપ્રાપ્તિ તરફ વાળવાનો છે, આ માટે ક્યાંક ચાબખા જેવા વેણ વાપરતા પણ તેઓ અચકાણા નથી.

क्षान्तिश्चेद्वचनेन किं किमरिभि: क्रोधोऽस्ति चेद्देहिनां
ज्ञातिश्चेदनलेन किं यदि सुहृद्दिव्यौषधै: किं फलम् ।
किं सर्पैर्यदि दुर्जना: किमु धनैर्विद्याऽनवद्या यदि व्रीडा
चेत्किमु भूषणै: सुकविता यद्यस्ति राज्येन किम्    ।।२१।।

* જો ક્ષમા હોય તો કવચનું શું કામ છે ? જો મનુષ્યોનો ક્રોધ હોય તો શત્રુઓની શું જરૂર છે ? જો જ્ઞાતિ છે તો અગ્નિનું શું કામ છે ? જો મિત્ર હોય તો દિવ્ય ઔષધથી શું ફળ મળે ? જો દુર્જન હોય તો સર્પની શું જરૂર છે ? જો પવિત્ર વિદ્યા હોય તો ધનથી શું ? જો લજ્જા હોય તો આભૂષણની શું જરૂર ? અને જો સરસ કવિતા હોય તો રાજ્યથી શું ?

અહીં વિદ્યા હોય તો ધનનું શું કામ છે ? કહી અને વિદ્યાને ધનથી શ્રેષ્ઠ ગણાવી છે. શાથે શાથે કવિએ આપેલા અન્ય દાખલાઓ પણ ખાસ સમજવા જેવા છે, અન્ય તો સ્વયં સ્પષ્ટ છે, એક ’જો જ્ઞાતિ છે તો અગ્નિનું શું કામ છે ?’ નો અર્થ ખાસ સમજવા જેવો છે !  આ વાક્ય કહી અને આટલા કાળ પહેલાં પણ કવિએ જ્ઞાતિ, જાતિના ભેદભાવ પર કટાક્ષ કર્યો છે. અગ્નિ બાળે છે, જ્ઞાતિપ્રથા (અત્યારે અને તે સમયે પણ..)ને કારણે પડતી ફાટફૂટો પણ સમાજને બાળે જ છે. જો કે હાલ અહીં વિષયાંતર કરવું નથી, માત્ર વિદ્યાના વિષય પર જ ધ્યાન આપીશું.

આપને શ્રી ભર્તુહરિના વિદ્યા વિશેના વિચારો કેવા લાગ્યા ? એ યાદ રહે કે આ વિચારો અંદાજે ૧૬૦૦ વર્ષ પૂર્વે પ્રસ્તુત કરાયા છે. તેનાથી ભારતિય સંસ્કૃતિમાં વિદ્યાનું મહત્વ સદાકાળથી રહેલું હોવાનું જ્ઞાત થાય છે. આપને પણ આપના વિચારો જણાવવા સહર્ષ નિમંત્રણ છે. આભાર.

ભર્તુહરિ વિશે વધુ માહિતી માટે અહીં જુઓ:

ભરથરી-on wikipedia

* ભરથરી (કવિ)-on wikipedia

* ભરથરી (વ્યાકરણકાર)-on wikipedia

* નીતિશતક (સંસ્કૃતમાં) – વિકિસ્ત્રોત પર

9 responses to “નીતિશતક (૪) – વિદ્યા

  1. ખૂબ જ સુંદર રજુઆત,કોલેજ ના ક્લાસ માં સંસ્કૃત નો પિરીયિડ ચાલતો હોય એવો અનુભવ થયો ! એ અશોકહરી આપનો વાસ કયા વન માં છે? કે ગિરનારની કોઈ ગુફા માં છે, ક્લાસનો સમય શું છે જરા જ્ણાવશો ? આભાર.

    Like

  2. Wah Ashokbhai maja aavi gai wachi ne.. Balpan ma aa subhashito sambhaliya hata pan wachva pehli war maliya. .Sitaram

    Like

  3. પ્રિય મુનીસાહેબ, આટલી સુંદર રચના મારી સામે પડી હોય અને એની ચોરી ન કરુ તો મને ફટ છે, મે આખુએ પેજ સેવ કરી લીધુ એટલુ અમુલ્ય છે….ખુબ ખુબ ધન્યવાદ સરજી……!!

    Like

  4. અશોકભાઇ વિદ્યાનો મહિમા સરસ. વિદ્યા વિશેના આ વિચારોની આપે સુંદર રજૂઆત કરી. ૧૬૦૦ વર્ષ પહેલાં અને હવે આજના સમયમાં પણ જ્ઞાન-વિદ્યા ખૂબ જ મહત્વના છે.

    ચાણક્ય નીતિમાં પણ છે કે વિદ્યા મનુષ્યની સુગંધ અને શોભા છે જેમ સુગંધ વિનાનું ફૂલ કોઇને પસંદ ના આવે તેમ અશિક્ષિત વ્યક્તિનું પણ સમાજમાં માનપાન ના હોય. વિદ્યાથી જ જીવન મહેંકે છે. કદરૂપી વ્યક્તિ પણ તેની વિદ્યાને કારણે સમાજમાં માનપાન મેળવે છે.

    Like

  5. સીતારામ
    ખોબલે ખોબલે અભિનંદન,,” તુણે તો ભારે કરે નાખી ” વાહ અશોક્ ભાઈ વાહ બહુ સરસ અને ખુબ ખુબ શુભેછા મૂળ હું પર પોરબંદર નો છું અને હાલ મુંબઈ થી આ અભીનંદન પાઠવું છું.
    સીતારામ

    Like

  6. બહુંજ સુંદર

    Like

Leave a comment