મારા માસ્તર


 

तस्मे श्री गुरुवै नम:

આજે શિક્ષકદિન. અને આજે શિક્ષકદીન !! પરંતુ જવા દો, એ દીનતાની કથા આજે નથી કરવી. આ તો શ્રી મીતાબહેનનો એક સરસ લેખ હમણાં વાંચ્યો, તેના અમુક મુદ્દાઓને કારણે મન ઘમાસાણ વિચારોના ચક્રાવે ચઢ્યું, અને મને મારા થોડા શિક્ષકો અને તે શાથેની સ્મૃતિઓનું સંસ્મરણ થયું. યોગાનુયોગ આજે શિક્ષકદિન પણ છે, તો મારા સ્મરણમાં રહેલા એ ઉમદા શિક્ષકોને આ શાથે ભાવભરી અંજલી પણ અર્પણ કરી લઉં. અને આપ સૌ મિત્રોને પણ આવા ઉમદા શિક્ષકોનું સાનિધ્ય પ્રાપ્ત થયું હશે જ તેની યાદ પણ અપાવી દઉં. આજના વિદ્યાર્થીઓ તો આ બાબતે બહુ ભાગ્યશાળી જણાતા નથી, તેમને પણ જરા મારા એકાદ-બે શિક્ષકના પરિચયથી કશુંક નવું જાણવા પણ મળશે. આપણે ગામડાઓમાં શિક્ષકને માસ્તર કહે છે, “મા+સ્તર” = માતા જેટલું ઊંચુ જેનું સ્તર છે. ખરૂં છે કે હવે ભાગ્યે જ કોઇ શિક્ષકને “માસ્તર” કહી શકાય !!! (અંગ્રેજીમાં master શબ્દ પણ આ માસ્તર પરથી આવ્યો હોય તેવું લાગે છે.)

વાત એ સમયની છે જ્યારે હું પ્રાથમિકશાળામાં હતો, સૌરાષ્ટ્રનો એક નાનો કસ્બો, આમ તો જરા મોટા ગામડા જેવું નાનું શહેર હતું. (ભૂગોળ નથી લખવી !) તેની નાની પણ સુંદર સરકારી શાળા (ફક્ત કુમારો માટે, કન્યાશાળા અલગ હતી ! ત્યારે સહશિક્ષણ અમારા નસીબમાં ન હતું !) તેમાં અમે ભણવા જતા. મારા સૌથી પ્રિય અને વધુમા વધુ ગમેલા તેવા તે શિક્ષકનું નામ પરમાર સાહેબ. તેઓને (એ લાગવગ વિનાના સમયમાં) શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રપતિ ચંદ્રક પણ અર્પણ કરાયેલો. (મિત્રોના કહેવા પ્રમાણે એ મને અક્ષરજ્ઞાન આપવાના અથાક પ્રયત્નની કદરરૂપે જ અપાયો હતો 🙂 ) શરીરે ઉંચા, સપ્રમાણ દેહ અને બિલ્કુલ ક્લિનસેવ, હસમુખ ચહેરો. અવાજ એકદમ ઋજુ, જરા ઊંચો અવાજ કરે તો અવાજ તરડાઇ જાય, અને કદાચ એટલે જ કદી કોઇને ગુસ્સામાં ઊંચા અવાજે બોલ્યાનું સાંભરતું નથી. ગાયન-વાદન-નાટ્યકલાના શોખીન હતા. ખાસ તો હવેલી સંગીત, કિર્તન, રામલીલા વગેરેમાં રસવૃત્તિ ખરી. ત્યારે અત્યારની જેમ દરેક વિષયના અલગ શિક્ષક એવું નહોતું, એક જ વર્ગશિક્ષક અને બધા જ વિષયો તે ભણાવે. સાતમા ધોરણ સુધી આમ જ હતું, હા, અમારે છઠ્ઠા ધોરણથી ફરજીયાત અંગ્રજી શરૂ થયું ત્યારે એક અંગ્રેજીના નિષ્ણાત શિક્ષક મુકાયેલા જે વારાફરતી બધા ક્લાસમાં અંગ્રેજી ભણાવવા આવતા. તેમનું નામ વાઘેલા સાહેબ હતું, જે કડપદાર ચહેરો, કોઇ સૈન્યાધિકારી જેવી મુછો અને ખાસ તો ઇનશર્ટ કરીને શાળાએ આવતા. અને અંગ્રેજીના નિષ્ણાત એટલે શું તેનો માભો પડતો ! અમે તો ચલચિત્રોને બાદ કરતા પ્રથમ વખત રૂબરૂ કોઇને ઇનશર્ટ કરેલા જોયા !! પણ ત્યારે પ્રથમ વખત થયેલું કે સાલું અંગ્રેજી આવડી જાય તો વટ બહુ પડે !!

પણ આપણે વાત કરતા હતા પરમાર સાહેબની, તેઓ ત્યારે પણ ફક્ત પુસ્તકિયું જ્ઞાન જ ન આપતા પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં માનતા, ફૂલ-પર્ણ વિશે ભણવાનું હોય ત્યારે શાથે વિવિધ ફૂલ-પર્ણ લઇને આવતા. ભૂગોળની સમજ પોતાની રીતે નકશાઓ અને માટીના મોડેલો બનાવી અને આપતા. લેબોરેટરી જેવું તો કશું હતું નહીં પરંતુ જેટલું શક્ય બને તેટલું પ્રેક્ટિકલી સમજાવવાની કોશિશ કરતા. અને એ બધું પાછું પદરના ખર્ચે !! શાળાના સમય પછી પણ અડધા વિદ્યાર્થીઓ તો સાહેબના ઘરે જ પડ્યાપાથર્યા રહેતા. બહેન (સાહેબના પત્નિ) પણ બહુ સારા સ્વભાવના, નાસ્તો વગેરે પણ આપે અને સાહેબ જેને પણ જે વિષયમાં વધુ શીખવું હોય તે સત્તત શીખવ્યા કરે. (અને ટ્યુશન ફીમાં સામેથી નાસ્તો સાહેબના ઘરનો !!) સાંજે ગામ બહાર કોઇ વાડી-ખેતર કે વગડે ફરવા પણ જવાનું અને કુદરતના વિવિધ રૂપોનું પ્રત્યક્ષ જ્ઞાન ત્યાં મળતું રહે. બાવળના કેવા પરડા (શિંગો)નો સ્વાદ તૂરો હોય અને કેનો મીઠો તે આજે પણ યાદ છે. પોતે પણ કંઇ ધનિકતો નહીં જ પણ થોડામાં સંતોષ કેમ માનવો અને સૌના સુઃખમાં આપણું સુઃખ તેવા પાઠ તેમના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલી ભણાવ્યા કરે.

દર શરદપૂનમની રાત્રે બધા જ વિદ્યાર્થીઓને લઇ ૮-૧૦ કિ.મી. દુર કોઇ ખેડુતની વાડીએ ચાલતા જવાનું, રોટલી-શાક વગેરે સૌએ પોતપોતાને ઘરેથી લેવાના અને દૂધપાક તે ખેડુત હોંશે હોંશે પોતાના તરફથી ખવડાવે તેવી અમારા સાહેબો વ્યવસ્થા કરતા. આ અમારો મફત પ્રવાસ !

શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાય ત્યારે નાટક વગેરે તૈયાર કરાવવાનું કામ પરમાર સાહેબનું. તેઓની વાર્તા કહેવામાં જબરી હથોટી હતી, દરરોજ છેલ્લી અડધી કલાક કોઇને કોઇ વાર્તા તો માંડવાની જ. અન્ય ક્લાસના વિદ્યાર્થીઓ પણ સાંભળવા એકઠ્ઠા થાય. વાર્તા પણ પાછી સાહેબની પોતાની જ જોડી કાઢેલી હોય. ’ભગો મુંબઇ ગયો’ જેવા સાવ સામાન્ય વિષય પર એવી મઠારી મઠારીને, હાસ્યરસથી ભરપુર વાત માંડે કે શાળા છૂટવાની બેલ વેરણ જેવી લાગે !! અને પછી બાકીની વાત બીજે દિવસે. (આ હપ્તાવાર ટી.વી. શ્રેણીઓ તો બહુ પછીથી આવી !!) હું તેમની પાસે પાંચ વર્ષ ભણ્યો, પછી હાઇસ્કુલમાં ગયો. હવે તો તેઓ પણ નિવૃત થયા હશે, ઘણા વર્ષોથી સંપર્ક પણ નથી, પણ જ્યાં હશે ત્યાં હજુ વિદ્યાદેવીની ઉપાસના કરતા જ હશે તેવી ખાત્રી છે.

તો આપણે પણ અહીં હપ્તો પાડીએ, ઘણા શ્રેષ્ઠ શિક્ષકોની વાતો સ્મરણમાં છે, તે ફરી ક્યારેક વળી. આ તો બધી નાની નાની વાતો છે જે ક્યારેય ભુલાતી નથી, અને ક્યારેય ન ભુલાય તેવી બે વાત હોય છે. કાં તો વ્હાલપની અને કાં તો વેરની. વેર થાય તેવું કોઇ તો હજુ મળ્યું જ નથી, અને વ્હાલપનો કદી તોટો પડ્યો નથી. આજે શિક્ષકદિન નિમિત્તે શિક્ષકની વ્હાલપની થોડી વાત કરી.

સૌને જીવનમાં સારા શિક્ષક જરૂર મળે તેવી અભ્યર્થનાસહઃ આભાર.

13 responses to “મારા માસ્તર

 1. કાળના ખપ્પરમાં આ બધા શીક્ષકો ક્યાંક ચાલ્યા ગયા. હવે તો બધું બદલાઈ ગયું છે.

  Like

  • સાચી વાત છે વોરાસાહેબ, હવે તો ઘણું બદલાઇ ગયું છે. જો કે આપણને વાંધો બદલાવ સામે નથી પણ બગાડ સામે છે. સૌની જેમ શિક્ષણ આપનાર પણ મહેનતાણું માગે તે વ્યાજબી જ છે, અને તેમને યોગ્ય મહેનતાણું મળે તે જોવાની સમાજની ફરજ છે સામે સમાજને અને વિદ્યાર્થીઓને સાચું અને સારૂં શિક્ષણ મળે તે પોતાની ફરજ સમજે તેણે જ ’માસ્તર’ કહેવડાવવાનો હક્ક રાખવો જોઇએ. (અને આવું જ અન્ય વ્યવસાઇકો માટે પણ કહી શકાય.)

   Like

 2. આવા શિક્ષક ખરેખરા ભાગ્યશાળીને જ મળે.

  Like

 3. અશોકભાઇ આપે સારા શિક્ષકોની અને શાળાજીવનની યાદ અપાવી. અનાયાસે આ શિક્ષકદિને જ મને મારા એક શિક્ષકને મળવાની ઇચ્છા થઇ હતી. જો કે મળી ના શકાયું તેઓ બહારગામ હોવાના કારણે. હવે તો આજનું શિક્ષણ માત્ર વ્યવસાય બની ગયું છે એટલે આજના વિદ્યાર્થીઓને તો સારા શિક્ષક મળવાની સંભાવના ખૂબ જ ઓછી. આપના શ્રેષ્ઠ શિક્ષકોના સ્મરણોની રાહ જોઇશું.

  Like

 4. અશોકભાઈ,
  એ જમાના માં શિક્ષકો માટે એક અહોભાવ ની લાગણી રહેતી હતી.જે આજે નથી.અમારા એક પુરાણી સાહેબ તો વહેલી સવારે દોડવા લઇ જતા,અને દંડ બેઠક કરાવતા,અને કુસ્તી નાં દાવ પણ શીખવતા,જે એમની નોકરી માં આવતું નાં હતું.કે એનો કોઈ પગાર પણ નાં મળતો એમને.ફક્ત એમના વિદ્યાર્થીઓ તંદુરસ્ત બને તેવો જ એમનો ખયાલ હતો.

  Like

 5. અશોકભાઈ,

  તમે પરમાર સાહેબની વાત કરીને શ્રી હરેશ ધોળકિયાની “અંગદ” નવલકથાનાં શિક્ષક (નામ ભૂલી ગયો!) યાદ કરાવી દીધા કે વાસ્તવમાં પણ આવા ગુરુજન હોય છે. મારા પણ એમને સાદર વંદન.

  બાકી તમે સંસ્મરણોની સંવેદનાં વચ્ચે પણ પોસ્ટને હાસ્યસભર બનાવી છે એ ગમ્યું.

  સાથે સાથે એક વધુ વાત ( જે મેં ફેસબુક પર લખેલી છે) શે’ર કરૂ તો –

  એકડો ઘૂંટાવ્યો એ શિક્ષકને માન સન્માન સહિત યાદ કરવાને બદલે તમાકુ ખાતા, ગાળો દેતા કે ઢીબી નાંખતા શિક્ષકોને જ શું યાદ રાખવા?

  ગુણવંત શાહની એ વાત સાથે સહમત કે દરેક શાળા-કોલેજમાં કમ સે કમ એક ઋષી જેવો શિક્ષક હોય જ છે, જરૂર છે એને ખોજવાની.

  Like

  • શ્રી રજનીભાઇ,
   “દરેક શાળા-કોલેજમાં કમ સે કમ એક ઋષી જેવો શિક્ષક હોય જ છે,” સાચું કહ્યું. આ આશાસ્પદ વાત કહી.
   આપે ઉલ્લેખ કર્યો તે નવલકથા ’અંગદનો પગ’ હોય તો તેમાં નાયકરૂપે શિક્ષક તરીકે જ્યોતીન્દ્ર શાહ નામનું પાત્ર હોવાનું યાદ છે.
   બસ લો ત્યારે એ કથા જેણે વાંચી હોય તેમને સારા શિક્ષક (ગુ.શા.ના શબ્દોમાં; ઋષી જેવો શિક્ષક)ની વ્યાખ્યા આપવાની રહે જ નહીં ને. આપનો ઘણો આભાર (આ નવલકથા યાદ કરાવવા બદલ જ સ્તો !).

   Like

 6. મજા આવી તમારી યાદોને વાચવાની અને મારે તમને કહેવું જ રહ્યું કે તમે બહુ નસીબદાર છો કે તમને આવા માસ્તર મળ્યા.

  Like

 7. શ્રી અશોક્ભાઇ
  હું જ્યારે સ્વામીજી(ત્રીભોવનદાસ ભવાન સ્માતક શાળા)માં ભણતો હતો ત્યારે અમારા શિક્ષક શ્રી જીતેન્દ્રરાય વોરા ગુજરાતી પાઠ્યપુસ્તક્માં આવતી બધી કવિતાઓ હલકથી ગાઇને શિખવાડતા અને ગવડાવતા આજે કેટલાને મંદ્રાક્રાંતા,
  શિખરણી,અનુષ્ટુપ કે વસંતતિલકા અથવા માલિની યાદ છે?

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s