“આઝાદી અમર રહો”


નમસ્કાર,
સૌ મિત્રોને સ્વતંત્રતા દિનની શુભકામનાઓ.
આજે ૧૫મી ઓગષ્ટ, અંગ્રજ શાસનકર્તાઓ પાસેથી આઝાદ થઇ અને દેશી શાસનકર્તાઓનું પ્રભુત્વ પામ્યા. આમ જોઇએ તો એક પડખે ઊંઘીને થાકીએ એટલે બીજીબાજુ પડખું ફેરવીએ તેવી આ વાત થઇ ! (અહીં ઊંઘનું દ્રષ્ટાંત એટલે જ રજુ કર્યું કે આપણે ફક્ત પડખું ફેરવ્યું, હજુ જાગ્યા તો નથી જ !)
છતાં પણ, જેવા થયા તેવા, આપણે સ્વતંત્રતો થયા જ. અને જે કંઇ ઉણપ રહી તે પ્રજા અને નેતાઓની રહી બાકી સ્વતંત્રતા અપાવવા માટે ન્યોછાવર થનાર વિરલાઓએ તો ઇમાનદારીપૂર્વક પોતાનો ધર્મ બજાવ્યો.
બીજા શબ્દોમાં એમ કહી શકાય કે ૧૫-ઓગષ્ટ-૧૯૪૭ના મધ્યરાત્રીએ આપણે પરતંત્રમાંથી સ્વતંત્ર થયા. ફક્ત તંત્રચાલનની બાબતે જ. અન્ય કંઇ કેટલાયે ક્ષેત્રોમાં હજુ આપણે ગુલામ તરીકે જ ફસાયેલા રહ્યા છીએ. આચાર, વિચાર, વ્યક્તિત્વ, સામાજીક, આર્થિક, શૈક્ષણિક, રાજકીય જેવા કેટલાયે ક્ષેત્રોમાં હજુ આપણે ભ્રષ્ટાચાર, કુરીવાજો, અંધશ્રદ્ધા, કામચોરી, વ્યક્તિપૂજા, સ્વાર્થ વગેરે જેવા કારણોસર પરતંત્ર દશામાં જ હોઇએ તેવું લાગે છે.

અને આ બધા નકારાત્મક પરીબળો હોવા છતાં આપણે, કે આપણામાંના કેટલાયે સ્વતંત્ર વિચાર અને વ્યક્તિત્વ ધરાવનારાઓએ, પ્રગતિના મુળ પણ નાખ્યા જ છે. દરેક વખતે, દરેક પ્રકારે, વ્યવશ્થાઓને ભાંડ્યા કરવાથી કંઇ વ્યવશ્થાઓ સુધરી જશે નહીં. જે છે તેની સામે માથું પછાડી અને આગળ વધવું તેનું નામ આવડત. આપણા સ્વાતંત્ર્યવીરોએ કંઇ એમ નહોતું વિચાર્યું કે હું ફાંસીએ લટકી જઇશ પછી સ્વતંત્રતા મળશે તો પણ મારે શું કામની !!

એક સ_રસ બોધકથા અહીં રજુ કરવાની ઇચ્છા થાય છે;
ગામના પાદરમાં કોઇ વૃદ્ધ માણસ કેરીનો ગોટલો રોપતો હતો, કોઇ અન્ય માણસ ત્યાંથી પસાર થયો તેણે તે જોયું અને વૃદ્ધને પુછ્યું કે,’ભલા આદમી, આ ગોટલામાંથી ક્યારે વૃક્ષ બનશે અને ક્યારે તેમાં ફળ આવશે ! ત્યાં સુધી તો તું જીવિત પણ નહીં રહે. તો શા માટે આ ઉંમરે આટલી મહેનત કરે છે ?’
ત્યારે પેલા વૃદ્ધે જવાબ આપ્યો કે, ’ભાઇ, મેં આખી જીંદગી જે ફળો ખાધા છે તેમાંનું એકે વૃક્ષ મેં રોપ્યું ન હતું, મારી આગળના શાણા માણસોએ વાવેલા વૃક્ષોના ફળ મેં ખાધા તેમ હવે આ મારા વાવેલા વૃક્ષના ફળ મારી પછીની પેઢીઓને તો ખાવા મળશેને !’
સમજવાની વાત આ છે. શાણપણ એને કહે છે જે બહુ લાંબુ જુએ ! ટુંકી દૃષ્ટિને તો સ્વાર્થ નામ અપાયું છે.
બહુધા શક્ય તો નથી પરંતુ સાવ અશક્ય પણ નથી કે આપણે પણ જ્યાં જ્યાં હજુ પરતંત્રતા છે ત્યાં ત્યાં, ક્રાંતિની મશાલ નહીં તો એક નાની ચિંગારી પણ પ્રજવલ્લિત કરીએ. એક દહાડો તે ચિંગારી પણ મશાલ પ્રગટાવનાર બનશે અને ભલે આપણે નહીં તો આપણા પછીની પેઢીઓને સ્વતંત્રતાનો અનુભવ થશે.

* ભ્રષ્ટાચારના મામલે જોઇએ તો, કામ ન થાય તો કંઇ નહીં, મોડું થાય તો વાંધો નહીં, બે ને બદલે ચાર ધક્કા ખાવા પડે તો ભલે ખાવા પડે (વિચારો, આઝાદીના જંગમાં તો કેટલાયે હંસતા હંસતા ફાંસીને માચડે ચઢી શહિદ થયેલા, આતો એથી ઘણું સહેલું છે !) પરંતુ ભ્રષ્ટાચારને પોષણ મળે તેવા ટુંકામાર્ગો પર તો નહીં જ ચાલીએ.
** હું ઘણા સરકારી ખાતાઓ શાથે કામ કરી અને મારું પેટીયું રળું છું, હજુ સુધી બીલ પાસ કરાવવા કે હલ્કું કામ કરી અને સારા કામના પૈસા લેવા જેવી બાબતોએ ક્યાંય લાંચ-રૂશ્વત આપી નથી. ક્યાંક લાંચ મંગાઇ હશે ત્યાંનું કામ જતું કર્યું છે, અને હવે તો કોઇ અમારી પાસે લાંચનું નામ પણ લેતું નથી !! અમે અત્યાર સુધીમાં જતા કરેલા કામની આવક પેલી માત્ર એક શહિદીના મુલ્ય કરતા પણ લાખો, બલ્કે કરોડો ગણી ઓછી જ હશે ને ?
** મારા એક કારીગરને કોઇ સરકારી કામ અર્થે જે તે કચેરીમાં જવાનું થયું, કચેરીના મુખ્ય અધિકારીશ્રીની સહી કરાવવાની હતી, બહુ લાંબી લાઇન હતી, કોઇ લાગતા વળગતાએ (કદાચ દલાલ કહેવાતો હશે) કહ્યું કે લાવો હું સહી કરાવી અને તમને પહોંચાડી આપીશ. ફક્ત ૧૦ રૂ. વધારાના આપવા પડશે !! પરંતુ લાંચ પ્રત્યેની સુગને કારણે જ કારીગરે પોતાની ૨૦૦ રૂ. ની આવક ગુમાવી અને જાતે કામ પુરૂં કર્યું. આ વધારાના ગુમાવાયેલા ૧૯૦ રૂ. ની રકમ પેલા ફાંસીના માચડે ચઢવા કરતા તો કરોડો ગણી હળવી કિંમત છે ને ?

અહીં આપણે ફક્ત એકાદ મુદ્દા પર જ વાત કરી, અને બે એક દૃષ્ટાંતો આપ્યા. આજુબાજુમાં આપને પણ આવા હજારો દૃષ્ટાંતો મળી આવશે, આપે પણ જાતે આવા અનુભવો કર્યા હશે. આવા અન્ય મુદ્દાઓ પર પણ આપણે આટલી સ્વતંત્રતાની ઇચ્છા અને તે માટે જરૂરી સાહસ તો કરી જ શકીએ.

તો આવો આપણે ભારતવાસીઓ, આપણને જેવો આ દેશ જોઇએ છે તેવો બનાવવાનાં કાર્યમાં, ભલે સેતુબંધની પેલી ખીસકોલી જેટલો, સહયોગ કરીએ અને તો જ આપણે હૃદયપૂર્વક કહી શકીશું,

 “આઝાદી અમર રહો”

 

*** વધુ વાંચન ***

(ભારતનો રાષ્ટ્રધ્વજ) – ગુજરાતી લેખ.

* (સ્વતંત્રતા સંગ્રામ: વિકિ પોર્ટલ)

20 responses to ““આઝાદી અમર રહો”

 1. ૬૪ માં સ્વાતંત્ર્ય દીવસના હાર્દીક અભીનંદન…

  Like

 2. શ્રી અશોક ભાઈ,
  બહુ સરસ!!”પડખું ફેરવ્યું છે,જગ્યા નથી”,ક્યા સુધી પડખા ફેરવ્યા કરશે?એક દિવસ તો જાગશે ખરા?શું ખાઈ ને આવો “હટાક્ષ”માર્યો?

  Like

 3. અશોકભાઇ ખૂબ જ સરસ લેખ.

  “કંઇ ઉણપ રહી તે પ્રજા અને નેતાઓની રહી બાકી સ્વતંત્રતા અપાવવા માટે ન્યોછાવર થનાર વિરલાઓએ તો ઇમાનદારીપૂર્વક પોતાનો ધર્મ બજાવ્યો જ છે.”

  અન્ય કંઇ કેટલાયે ક્ષેત્રોમાં હજુ આપણે ગુલામ તરીકે જ ફસાયેલા રહ્યા છીએ. આચાર, વિચાર, વ્યક્તિત્વ, સામાજીક, આર્થિક, શૈક્ષણિક, રાજકીય જેવા કેટલાયે ક્ષેત્રોમાં હજુ આપણે ભ્રષ્ટાચાર, કુરીવાજો, અંધશ્રદ્ધા, કામચોરી, વ્યક્તિપૂજા, સ્વાર્થ વગેરે જેવા કારણોસર પરતંત્ર દશામાં જ હોઇએ તેવું લાગે છે.

  તો આવો આપણે ભારતવાસીઓ, આપણને જેવો આ દેશ જોઇએ છે તેવો બનાવવાનાં કાર્યમાં, ભલે સેતુબંધની પેલી ખીસકોલી જેટલો, સહયોગ કરીએ અને તો જ આપણે હૃદયપૂર્વક કહી શકીશુ “આઝાદી અમર રહો”

  Like

 4. સાચી વાત અશોકભાઇ…

  પણ આજ-કાલ લાંચ આપ્યા વગર કામ સરળતાથી નીકળતુ તો નથી જ.
  હુ એમ નથી કહેતો કે આપણે લાંચ આપીને આપણુ કામ ઝડપથી પુરુ કરી લેવુ જોઇએ પણ આ આખુ તંત્ર જ લાંચશાહી છે કે જેમાં આપણે પણ “જેવા સાથે તેવા” બની જવુ પડે છે.

  આજથી લગભગ દસ વર્ષ પહેલા મારા પિતાજી એ એક પ્લોટ રાખ્યો અને એ વખતે તૈયાર મકાન લેવાની વાત તો દુર રહી…પણ ઘર બનાવવા માટેનો સામાન પણ અમારે જ લાવી આપવાનો(કોન્ટ્રાકટરના કહેવા મુજબ)…પિતાજી એક બાજુ નોકરી અને અહિં મોડાસા અમારુ કોઇ સગુ-વહાલુ નહિં.(બા-દાદા બધા અમદાવાદ રહેતા હતા) એટલે ચાલુ નોકરીએ એમણે જે ધમાલ કરીને અહિંથી ત્યાં અને ત્યાંથી અહિં દોડધામ કરી છે એ કદાચ હુ અત્યારે પણ ના કરી શકું. અને આવે વખતે સરકારી કચેરીઓમાં જે કડવા અનુભવ થયેલા એ તો જે જાય એને જ ખબર પડે…

  આપને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ…

  Like

  • શ્રી સોહમભાઇ, આપને પણ સ્વતંત્રતા દિનની હાર્દિક શુભકામના.
   આપ યુવાન છો, (મારા કરતા તો ખરા જ !) અને આપને કંઇ આ પ્રવચન નથી આપતો કારણ કે આજના યુવાનમાં મને જુની કોઇપણ પેઢી કરતા વધુ સાહસ અને આવડત દેખાય છે. એક સમય હતો જ્યારે મોટા ભાગના લોકો ’જેવા શાથે તેવા’ (ભ્રષ્ટાચારના સંદર્ભે) બની જતા. નિરાશ થઇ જતા. આજે વૈશ્વિકરણના સમયમાં યુવાનો ભ્રષ્ટશાસનના મોહતાજ રહ્યા નથી. પોતાના બળે, પોતાની આવડત અને મહેનત વડે, પોતાનો માર્ગ કંડારી લે છે. હમણા જ, ટી.વી. પર, સશસ્ત્ર સેનાના એક કાશ્મિરી વિરાંગના, કે જેને વિરતા પુરસ્કાર મળેલ છે, તેમને સાંભળ્યા. તેમણે ફક્ત એક શેર જ કહ્યો પણ સોનાનું મોલ પણ તે શબ્દો સામે, અને શબ્દો કહેનારની ખુમારી સામે, ધુળ જેવું લાગે તેવા શબ્દો હતા. તેમણે તો શાયરાના અંદાઝમાં કહ્યું પણ તેનો ભાવાર્થ અહીં આપું છું.
   ’જરૂર પડી તો અમારી નાવ ડુબાડી દઇશું પરંતુ ઝંઝાવાતો સામે ઘુંટણો ટેકવી અને તેને વિનંતીઓ (ભૈ-સાબ બાપા !) તો નહીં જ કરીએ’ આ જોશ જ્યારે જાગશે ત્યારે ભ્રષ્ટાચારીઓ ક્યાં ભાગશે ?? હા, થોડા દુઃખ, થોડી તકલીફો તો સહેવા પડશે, પરંતુ કહે છે ને કે; ગુલામીના પકવાન કરતાં આઝાદીનો ટાઢો રોટલો મીઠો હોય છે. વધુ શું લખું ? મારા કરતા આપના (આપ સમાન સૌ યુવાઓના) લોહીમાં ગરમી વધુ જ છે !! તો.. હો જાઓ તૈયાર શાથીઓ…. ! આભાર.

   Like

 5. અશોકભાઈ વૃદ્ધ માણસ કેરીનો ગોટલો રોપે છે તે બોધકથા ની જેમ આપણે આવતી ચૂંટણીમાં ભ્રષ્ટાચારી , બિનઉપયોગી નેતાઓને દુર કરી સમાજને ઉપયોગી અને યુવાન નેતાઓ ચૂંટી લાવીશું તો તેના ફળ સ્વરૂપે આવનાર પેઢીને કદાચ સારું ભારત જોવા મળશે . હવે RTI માં માહિતી કાયદા હેઠળ માહિતી માંગી ભ્રષ્ટાચાર દુર તો નહિ પણ હળવો જરૂર કરી શકાય તેવી વ્યવસ્થા છે તેનો ઉપયોગ કરવો જ જોઈએ . આપ લાંચ નથી આપતા કદાચ કામ માટે ધક્કા ખાય લો અથવા કામ જતુ શા માટે કરો છો . આપ RTI હેઠળ આપનું કામ સરળતાથી કરી શકો છો . RTI કાયદાની વધુ જાણકારી અને સમજ માટે ની લીંક http://rti.gov.in/

  Like

 6. શ્રી અશોકભાઈ,પહેલા તો પ્રેણાદાયી આર્ટિકલ બદલ આભાર અને અભિનંદન.તમારુ નામ પણ પાછુ ‘અશોક’ છે,અશોકની પાછળ ‘ચક્ર’ નથી લગાવ્યુ છતા તમે ગતિશીલ છો.ભારતના ધ્વજમાં અશોકચક્ર ૨૪ કલાક(૨૪ આરા) ગતિમાન રહેવાની પ્રેરણા આપે છે અને નરેન્દ્ર મોદીની વેબસાઈટ પણ વાંચ્યુ હતુ કે ‘જે ગતિશીલ છે તે પ્રગતિશીલ પણ છે. ઊર્જા સ્ત્રોત સૂર્ય ક્યારેય થંભે છે!માટે જ, સતત ગતિશીલ રહો!’

  Like

 7. વાહ ભાઇ વાહ ખૂબ જ ટુંક માં ઘણુ બધુ… .. . કાશ આ અઝાદી ની કિંમત આપણે શકિયે ?

  Like

 8. (આજે હવારથી જ મારુ કીબોર્ડ કોને ખબર અવળા હબ્દો ટાઈપ કરે છે એટલે ટાઈપીંગ ભુલ ને માફ કરજો !!)

  અહોકભાઈ આપને અને સૌ મિત્રોને સ્વતંત્રતા દિનની ખુબ ખુબ શુભકામનાઓ.

  હુ પણ ગુટલીઓ રોપી રહ્યો જ છુ, કોને ખબર કોને મારા ઝાડના ફળ ગમી જાય અને એનો ભવ કાઈક નવુ મેળવે.

  ભ્રહ્ટાચારે જ આ દેહને પાપી કરી નાંખ્યો જ છે, એનુ દુઃખ છે. કેટલા નહિબદાર છે એ લોકો જેઓ અંગ્રેજો વિરુધ્ધ લડ્યા હતા જ્યારે આપણે કેટલા કમભાગી લોકો છીએ પોતાના જ દેહવાહીઓ જોડે જ લડવુ પડે છે, ભ્રહટાચાર, અત્યાચાર, વ્યાભિચાર વગેરે વગેરે……

  છતાંપણ આવતુ વર્હ હૌ નુ અતિ ઉત્તમ ગુજરે એવી પ્રભુ પરમેહર યહોવા ને પ્રાર્થના………

  Like

 9. શ્રી અશોકભાઈ

  “આઝાદી અમર રહો” આ ભાવના અને સદભાવના સદૈવ સર્વ મનુષ્યોનો જ્યારે જીવનમંત્ર બનશે ત્યારે કોઈ ગુલામ બનશે નહીં અને કોઈને ગુલામ બનાવી નહીં શકાય.

  સ્વતંત્રતા દિવસના સહુને હાર્દિક વધામણા.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s