વિદાય વેળાએ (ધ પ્રોફેટ) (૪)-ખલિલ જિબ્રાન


નમસ્કાર,

“વિદાય વેળાએ” માંથી આજે એક વધુ વિષય પર, વિચાર યોગ્ય રત્નકણિકાઓ આપણે માણીયે. આગળ ત્રણ ભાગમાં આપણે  (પુસ્તકની પ્રસ્તાવના), (“પ્રેમ-લગ્ન-બાળકો“) અને  (“દાન-ખાનપાન”)  વિશે લેખકના સોનેરી વિચારો વાંચ્યા છે. આજે શ્રમ  વિશે મને ગમેલા એવા થોડા વિચારો.

શ્રમ

* જગત અને જગદાત્માની ચાલની શાથે શાથે તમારી ચાલ રાખવા તમે શ્રમ કરો છો.

* કારણ, આળસુ રહેવું એટલે ઋતુઓથી (કાળથી) અજ્ઞાન રહેવું, અને જે ગૌરવયુક્ત તથા અભિમાનયુક્ત પ્રપત્તિથી (શરણાભાવનાથી) ચૈતન્યનું સરઘસ અનંત પ્રત્યે કુચ કરે છે તેનાથી છૂટા પડી જવું.

* જ્યારે તમે કામ કરો છો ત્યારે તમે એક બંસી બનો છો; અને તેના અંતરમાં ઘડીઓ (કાળ) પોતાની ફૂંકો ચલાવી તેને સંગીતમય કરે છે.

* શ્રમ એ શાપ છે અને મજુરી મંદભાગ્ય છે, એવું તમને સદા શીખવવામાં આવે છે.

* પણ હું કહું છું કે જ્યારે તમે શ્રમ કરો છો ત્યારે તમે પૃથ્વીમાતાની ઊંડી ઊંડી આશાને સફળ કરો છો; જે આશા એણે તમારી પાસેથી આદિથી (જગતની શરૂઆતથી) જ રાખેલી હતી;

અને મજુરીને વળગી રહેવામાં તમે જીવનને સાચેસાચ ચાહો છો;

અને મજૂરી દ્વારા જીવનને ચાહવું એટલે જીવનના ગૂઢતમ રહસ્યની ગાઢ ઓળખાણ પામવી.

* જો તમે દુઃખના માર્યા જન્મને આપત્તિ અને દેહના પોષણને કપાળમાં લખેલો શાપ સમજતા હો, તો મારે તમને કહેવું જોઇએ કે કેવળ તમારા કપાળના પરસેવાથી જ તમે એ લેખ ધોઇ નાખી શકશો.

* વળી, તમને સમજાવવામાં આવ્યું છે કે, જીવન અંધકારમય છે; પણ એ થાકેલાના વિચારો છે, અને થાકની પીડામાં તમે એને સાચા માની લીધા છે.
અને હુંયે કહું છું કે જીવન સાચે જ અંધકારમય છે,— જો એ પ્રેરણાથી રહિત હોય તો;
અને પ્રેરણાયે આંધળી છે,— જો એ જ્ઞાનયુક્ત ન હોય તો;
અને જ્ઞાન પણ મિથ્યા છે,— જો એની પાછળ મહેનત ન હોય તો;
અને એ મહેનત નકામી છે,— જો એમાં પ્રેમ ન હોય તો.

* પ્રેમ ભરી મહેનત એટલે જે કાંઇ તમે સર્જો તેને તમારા પ્રાણથી પ્રાણવાન કરવું તે,

* વાયુ ઘાસના ક્ષુદ્ર તણખલા સાથે રમે છે તેના કરતાં વિશાળ વડ જોડે વધારે મધુરી વાતો નથી કરતો;

* અને તે જ શ્રેષ્ઠ છે જે વાયુના સુસવાટાને પોતાના પ્રેમ વડે સંગીતમય કરી વધારે મધુર બનાવે છે.

* શ્રમ એટલે પ્રેમનું સાકાર સ્વરૂપ.

* પણ જો તમે પ્રેમથી શ્રમ ન કરી શકતા હો, તો તો બહેતર છે કે તમે તમારું કામ છોડી દઇ, મંદિરનાં પગથિયાં પર બેસી, હર્ષપૂર્વક મહેનત કરનારાઓ પાસેથી ભીખને સ્વીકારી લો.

 

“શ્રમ”  ભારતમાં તો આ શબ્દ, હલ્કાપણા, તુચ્છતા, હીનતા, ગરીબી વગેરે શાથે સંકળાઇ ગયો જ છે. શ્રમજીવી એટલે મજુર, ગરીબ આવી એક ભાવના બંધાઇ ગઇ છે. દરેકને ઓછામાં ઓછી મહેનતે વધુને વધુ શ્રીમંત થવું છે. તેમાં શ્રમ વિશેનું જીબ્રાનનું આ ચિંતન શું કામ લાગશે તે તો ખબર નથી, પરંતુ આપણી તો આદત છે કે, ’એક પથ્થર તો તબીયત સે ઉછાલો યારો !’

અમારે એક શેઠાણી છે, મોટા અફસરના ધર્મપત્નિ છે. સવારે ઉઠે ત્યાં ત્રણ-ચાર નોકરોએ મેડમના કસરતના સાધનો તૈયાર કરી રાખ્યા હોય છે. જે પર અડધી-એક કલાક પરસેવો પાડી અને પછી અ..ધ…ધ…ધ નાસ્તો આરોગે છે. ત્યાર પછી નોકર-નોકરાણીઓને એકઠ્ઠા કરી અને ’આળસુના પીર બની પડ્યા રહો છો તેને બદલે થોડી કસરત કરતા હોવ તો આરોગ્ય સારૂં રહે’ તેવી શિખામણો સંભળાવે છે 🙂  ટુંકમાં, શ્રમિકોને શ્રમનો મહિમા સંભળાવી અને સમાજસેવાનું કાર્ય કરે છે !!

ગલીના નાકે પાન ખાવા માટે પણ બાઇક લઇને જનારા કેટલાયે મિત્રો સવારે વહેલા ’વોક’ કરવા જાય છે ! શું થાય, શ્રમ તો કરવો જ જોઇએને ?  ગાંધીજીએ કહેલું કે દરેકે પોતાનું રોજબરોજનું કામ જાતે જ કરવાની આદત કેળવવી જોઇએ. જો કે આ મુળ વિચાર ટોલસ્ટોયને સ્ફૂરેલો, જે તેણે ’What to Do’ માં બહુ સરસ રીતે વર્ણવેલો છે. તેમના કહેવા મુજબ કોઇ કવિ કવિતા કરે,  લેખક લેખ લખે, ચિત્રકાર ચિત્ર બનાવે તે તો તેમની કલા કે મગજને પોષવા માટે કરાય છે. બરાબર પણ છે. પરંતુ, તે કંઇ શ્રમ નથી ! શ્રમ તો કુદરતમાંથી પોતાનો રોટલો રળી લેવો તે છે.  જો કે તેમના કહ્યા મુજબ ચાલવું હવે તો વ્યવહારમાં શક્ય ન પણ બને. પરંતુ પોતાની નાની નાની જરૂરીયાતો પણ કોઇ પુરી પાડી દે તે કરતાં જાતે થોડું કામ કરવાની આદત પાડવી શું ખોટી ? એક તો અન્ય લોકો આપણી ગુલામમાંથી છૂટી પોતાને ગમતું કાર્ય કરી શકશે અને બીજું આપણે સ્વયં કોઇની ગુલામીમાંથી છૂટી સ્વતંત્રતાનો આનંદ માણી શકીશું. 

જાતે જોડા પોલિશ કરવા કે કપડાને ઇસ્ત્રી કરવા જેવા નાના કામોથી શરૂ કરી શકાય. ટુંકા અંતરે અને સમયની બહુ મર્યાદા જેવું ન હોય તો વાહનને બદલે ચાલતા જવાની ટેવ પણ પાડી શકાય. પાંચ કીલો વજનની થેલી પણ ઘરે પહોંચાડવા માટે મજુર કરવો પડે તે સ્થિતિનો ઘણા, ’નહીં તો બીચારા આ ગરીબોને રોજી કેમ મળશે ?’ કહી અને બચાવ કરે છે. તે માટે તો આપે ટોલસ્ટોયનું ઉપર જણાવેલું પુસ્તક વાંચવું જ રહ્યું. (અહીં સામે ડા.લો. કરવાની સગવડ પણ રાખેલ છે.)  બહુ ઊંડાણપૂર્વક વિચારતા જણાશે કે તેઓ ગરીબ છે તેનું એક, અને કદાચ મુખ્ય, કારણ એ છે કે અન્ય ઘણા લોકો પોતાનું કામ જાતે નથી કરતા !! (ન સમજાયું હોય તો ચિંતા નહીં, અડધી કલાક લાકડા ફાડવાનો શ્રમ કર્યા પછી સ્વયં આપનું પરસેવે રેબઝેબ મન એ વાત સમજી જશે ! આ અખતરો મારો અજમાવાયેલો છે.) તો ચાલો આપણે પણ થોડો શ્રમ કરવાની આદત પાડી અને આ જીબ્રાનના આત્માને આનંદીત કરીએ. (અને એ શ્રમ પેલા શેઠાણી જેવો ન હોતા, ખુલ્લા આકાશ નીચે આનંદીત ચહેરે પરસેવો પાડતા પેલા શ્રમજીવી જેવો હોય ! અને આ ઉપદેશ પણ ફક્ત મારા જેવા આળસુના પીરો માટે જ છે,  ઉદ્યમી લોકોને તો અમારા વંદન છે.)   આભાર.

વધુ વાંચન માટે :

* ખલિલ જીબ્રાન- અંગ્રેજી વિકિપીડિયા પર  

* ધ પ્રોફેટ – અંગ્રેજી વિકિપીડિયા પર  (પુસ્તક વિશે માહિતી)  
* ધ પ્રોફેટ – અંગ્રેજી વિકિલિવર્સ પર  (સંપૂર્ણ પુસ્તક, અંગ્રેજીમાં)
* ધ પ્રોફેટ -લેબ.નેટ પર  (સંપૂર્ણ પુસ્તક, અંગ્રેજીમાં)

* ધ પ્રોફેટ (પુસ્તક, કલાત્મક લખાણમાં, અંગ્રેજીમાં)

* રીડ ગુજરાતી (’વિદાય વેળાએ’ નાં કેટલાક અંશો, ગુજરાતીમાં)

13 responses to “વિદાય વેળાએ (ધ પ્રોફેટ) (૪)-ખલિલ જિબ્રાન

 1. આ કોમેન્ટ દ્વારા હું સાબિત કરૂ છું કે જુવો સ્માર્ટ અને સમ્રાટ અશોકભાઈ, મેં પણ આટલો ઉદ્યમ (કે ઉદ્વેગ?)કર્યો! 😉

  Like

  • આટલા ઉદ્યમ બદલ આભાર. આવા ઉદ્યામા કરતા રહેશો 😉 કારણ કે,
   * ઉદ્યમ રાય ને કર્મ રંક = ઉદ્યોગ આગળ નસીબ પાણી ભરે છે.
   * ઉદ્યમ વગર ભાગ્ય-નસીબ લૂલું = ભાગ્ય ગમે તેટલું હોય તોપણ ઉદ્યમ કર્યા વગર કંઈ મળતું નથી.

   ઉદ્યમ = ઉદ્યોગ = મહેનત કરવી.
   ઉદ્યામા = કોઈ જાતની પ્રવૃત્તિ કરવાનો જુસ્સો; આવેશ; તાલાવેલી; પ્રકોપ,. (સૌ: ભ.ગો.મં.) આભાર, મીત્ર.

   Like

 2. અશોક્મુનિ [સોરી હરીશચન્દ્ર] ખૂબ સરસ લેખ [ઉપદેશ] righting table સામે અરીસો લગાડ્યો છે ?
  મે લેખ વાંચવા નો શ્રમ કર્યો !

  Like

  • you too brutus !!
   મને ખબર જ છે, પહેલું ખંજર મિત્રો જ મારશે !! મોટા,,, રોટલા શેકવા માટેના ચુલાના લાકડા હું જ ફાડું છું 😀 આથી તો ગાડાના પૈડા જેવો રોટલો પચે છે. બાકી તને તો સોંસરવો નીકળે !! (આ પાનને ગલ્લે પણ ગાડી લઇને જનાર તું તો નથી જ હોં 😉 ) તું તો હવે શ્રમ નહીં પણ શરમ કર !!
   Thanks ! Friend.

   Like

 3. અતિ સુંદર શ્રમ મહિમા, ખલિલ જીબ્રાન નો કોઈ જોડ મળવો મુશ્કેલ છે છ્તાંય અશોકભાઈ આપના વિચાર મને અતિ ઉત્તમ લાગ્યા. શ્રમ જ જીવન છે એમા કોઈ શક કરવા જેવુ છે જ નહિ.

  Like

  • ’શ્રમ જ જીવન છે’ — સુંદર વાક્ય.
   શ્રમજીવીઓ માટે તો તે જ સત્ય છે, અને સમૃધ્ધો માટે પણ ! (શ્રમ વિહીનતા જ તો સ્થુળતા, મધુપ્રમેહ, હૃદયરોગ અને અન્ય કેટલાયે સ્વરૂપે જીવનથી દુર થવાનું કારણ બને છે ને ?) આભાર, રાજેશભાઇ.

   Like

 4. અશોકભાઇ શ્રમના મહિમા વિશે સરસ લેખ. અડધો કલાક કસરતના સાધનો પર કસરત કરે કે બે પાંચ કિલોમીટર ચાલવાનો વ્યાયામ કરીને લોકો તેલ-ઘીની ચરબીથી લથબથ નાસ્તા પર તૂટી પડતા હોય તે કસરતનો કોઇ અર્થ ના રહે. એના કરતાં તો ઘરના થોડા કામ જાતે કરીને સ્વયંની ગુલામી અને બીજાની ગુલામીમાંથી છૂટવાનું વધુ યોગ્ય. મારા એક પાડોશી બહેન એમના ઘરે કામ કરવાવાળા બહેન ના આવે તો બે ત્રણ કલાક સુધી બીજા બહેનને શોધવા માટે ફર્યા કરે. પણ જાતે કામ ના કરાય એવા ખોટા સ્ટેટસમાં જીવવાનું પસંદ કરે.

  Like

  • આભાર, મીતાબહેન.
   અન્ય કામવાળા શોધવામાં જે સમય બગડે તેથી ઓછા સમયમાં તો, કરવા માંડે તો કામ પતી જાય. પરંતુ… આપે કહ્યું તે… મારી રફ ભાષામાં કહું તો.. પોઝીશનમાં પંચર પડી જાય !! આ સ્ટેટસનું ભૂત તો વળી પેલા ભૂત-પિશાચ વાળા ભૂત કરતાયે વધુ ઝડપથી માથા પર સવાર થાય છે.

   Like

 5. અરે વાહ, અહિયાં પણ ભુત (સ્ટેટસ ભુત)!! સાચ્ચુ માનો અત્યારે જ મને ખબર પડી કે આ તો ખરેખર શૈતાની ભુત છે. (પ્રેરણા !!) ઉંડાણમાં વિચાર કરતા “સ્ટેટસ ભુત” નો આખો લેખ મનમાં જ તૈયાર થઈ ગયો, પણ મારા કરતા વધારે સારી ફાવટ અશોક્ભાઈ આપને છે, લઈલો ચાબુક અને મંડી પડો નહિ તો આપણા ભાઈ શ્રી ભુપેન્દ્રસિહજી પણ સરસ ગરમાગરમ લખી શકશે….

  હવે સિસ્ટર મીતાબેનની વાત, ધરમાં બેઠા બેઠા શેઠાણીઓ જેમાં સ્ટેટસનુ ભુત બેસીને ખોટા ઉધામા કરતુ હોય તેઓએ વધુ શ્રમ કરવો જોઈએ પણ નોકરી-અને બિઝી બહેનોને માટૅ તો ઘરકામ માટે સહાયક માટૅ તો પ્રભુના આશિર્વાદની જરુર હોય જ કેમ કે એ સહાયક પણ સારા મળે એની કોઈ ગેરેંટી નથી હોતી….

  Like

 6. શ્રી અશોકભાઈ,
  “ઉદ્યમો ભૈરવ”શ્રમ એજ ભૈરવ એટલે ભગવાન શિવ કે પછી વર્ક ઈઝ વર્શીપ જે ગણો તે.શ્રમ વગર બેસી રહેલા પેલા સાધુઓને ખખડાવો.આપણાં શ્રમ નું મફત નું ખાઈ જાય છે.અકર્મણ્યતા ભારત માટે મહાન શ્રાપ છે,પણ એને જ મહત્વ છે.રાજેશભાઈ ગભરાયા લાગે છે કે અશોકભાઈ સ્ટેટ્સ ભૂત પર સૌમ્ય ભાષામાં લેખ લખી નાખો નહીતો ભુપેન્દ્રસિંહ ના રોરિંગ ના સટાકા ચાબુક ના સણસણતા સહન નહિ થાય.મજાક કરુછું

  Like

  • બાપુ, આ અકર્મણ્યતાની ભાવના આવી ક્યાંથી ? આપ પણ કોઇ માર્ગદર્શન આપશો. અને ’સ્ટેટસ ભૂત’ ની ચોટલી મંતરવી એ આપણું કામ નહીં ! એ તો “સ્ટેટ”માં રહેનારા વધુ સારી રીતે કરી શકે 🙂 થાવા દેજો એકાદ લેખ ! હું તો પ્રથમ મનમાં એકાદ દિવો પ્રગટાવું છું, ભડકો તો જેમ ઈંધણ ભળતું જાય તેમ થતો જાય છે. હજારો વર્ષથી, ફક્ત “સરકસ”માં કામ કરવા ટેવાયેલા પ્રાણીઓ, ચાબુકના સટાકાની ભાષા જ સમજતા થઇ જાય છે. તે પાંજરૂં ખુલ્લું હોય તો પણ આપમેળે બહાર નથી નીકળતા, ચાબુકના સટાકાની રાહ જોવે છે !! આઝાદ થાય, જાતે વિચારતા થાય, સત્યનો પ્રકાશ થાય (સત્યાર્થ પ્રકાશ !) ત્યારે તેને ખબર પડે છે કે, ખરો રીંગમાસ્ટર કોણ છે, શું છે, કેવો છે ! આભાર.

   Like

 7. Good one.

  Do visit my blog too http://www.madhav.in

  Your comments and suggestions are most awaited.

  Like

 8. અશોક તે બહુ સરસ શ્રમનો મહિમા વર્ણવ્યો . હું પણ શ્રમમાં બહુ માનું છું .હાલ હું શ્રમથીજ કસરત મેળવું છું .શ્રમમાં પ્રેમ હોવો જરૂરી છે ખરું પ્રેમ વિનાનો શ્રમ વેઠ છે .બીજા માનતા હોય કે નમાને પણ હું તો માનું છું એક સુંદર સંસ્કૃત વાક્ય છે .એમાં પ્રથમ ઉદ્યમ એટલેકે શ્રમ આવે છે .
  ઉદ્યમ: સાહસમ, ધૈર્યમ ,બુદ્ધી ,શક્તિ પરાક્રમ:,
  ષડે તે યત્ર વર્તંતે દૈવો તત્ર સહાય કૃત મેં એક ઉર્દુ વાક્ય બનાવ્યું છે કે
  જબ તક રહે તું જિંદા કુછ કામ કરતે રેહના ઈતના ન કરના જ્યાદા ખુદ કામ તુજકો મારે

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s