આપણી તો કંઇ વેલ્યુ જ નથી !!


ભલે પધાર્યા વ્હાલા મિત્રો/ત્રીઓ. સૌ પ્રથમ તો લેખનાં શિર્ષકમાં ’આપણી’ લખ્યું તેથી કોઇએ માઠું લગાડવું નહીં. વાત શું છે કે અહીં કહેવાનું તો ’મારા’ વિશે જ છે,  અન્ય બાજુઓની તો બહુ ખબર નથી પરંતુ અમારી બાજુ પોતાની વાત પણ ’આપણી’ એવા ઉલ્લેખ શાથે જ થાય છે ! કદાચ ’सहनाववतु, सहनऊ भुनक्तु, सहवीर्यम करवावही’ની શાસ્ત્રભાવના કામ કરતી હશે ! અમારે ત્યાં બે મિત્રો રસ્તામાં મળે તો છુટા પડતી વખતે વિવેક કરે છે કે, આવો ક્યારેક આપણા ઘરે ! (અજાણ્યાને એમજ લાગે કે અન્યથાતો આ બંન્ને ક્યાંક ધર્મશાળામાં પડ્યા રહેતા હશે ?) કોઇ સંબંધીને જરૂર પડે તો વિવેકમાં કહેવાય છે કે, ’જરૂર હોય તો આપણી ગાડી લઇ જજો !’ (અહીં ગાડી એટલે સાયકલથી લઇ અને ટ્રક સુધીના તમામ વાહનો સમજવા !) અરે એ તો ઠીક, એક સ્નેહી પેંડા આપવા આવ્યા, પૂછ્યું કે, વાહ ! શેની ખુશાલી છે ? તો કહે: ’આપણો બાબો બારમા ધોરણમાં પાસ થયો.’ (આપણો ???)
કહેવાનું તાત્પર્ય કે અહીં વેલ્યુ ફક્ત અમારી જ નથી તેવું સમજવું, અને અન્ય કોઇએ ચિંતામાં પડવું નહીં !

તો હવે મુળ વાત, (અરેરે…! હજુ મુળ વાત બાકી છે ?) વાત એમ બની કે હમણા એક દહાડો ટ્રાફિક પોલિસે અમને (અહીં બધે મને સમજવું !) રોક્યા. શક્ય તેટલું દયામણું મોં કરી અને અમે તેમની સન્મુખ થયા.
’લાઇસન્સ ?’ (ડ્રાઇવિંગ લાઇસન્સ)
’છે ને સાહેબ, લો જુઓ’
’આ લાઇસન્સ તમારું નથી લાગતું, ફોટો મેચ થતો નથી !’
’અમારૂં જ છે, જો કે ફોટામાં અમે સુંદર અને હેન્ડસમ લાગીએ છીએ પરંતુ તે તો લગ્ન પહેલાનો છે !’
’સારૂં, (તે પણ પરણેલો જ હશે ને !) પી.યુ.સી. ?’  ’હોવે, છે ને. લો જુઓ’
હેડલાઇટ, ટેઇલલાઇટ,સાઇડ ઇન્ડિકેટર, અરીસાઓ, નંબરપ્લેટ બધું જ બરાબર !! કોઇ મોડિફિકેશન પણ નથી. (આમે આટલું મોંઘું બાઇક લીધા પછી પેટ્રોલ ભરાવવાના પણ માંડ બચ્યા છે ત્યાં તેમાં અન્ય સુધારો-વધારો તો શક્ય જ નથી !)
જમાદાર એકદમ નિરાશ થઇ ગયા ! પ્રથમ પ્રતિભાવ એ જ આવ્યો કે ’માસ્તર લાગો છો !’ ’નહીં સાહેબ, એવા સદ્‌ભાગ્ય ક્યાંથી ! નાનો નાનો વેપાર કરૂં છું અને મોટા મોટા લેખ (અને પ્રતિભાવો પણ) મફતના બ્લોગ પર ભરડું છું !’
’ઓહો ! લખાપટ્ટીનું કામ કરો છો ! ચાલો આગળ વધો ! આટલો સમય બગાડ્યો, આટલી વારમાં તો બીજા બે ને પકડ્યા હોત તો બે પહોંચ ફાટી જાત !’
અને ત્યારે અમને થયું કે ’આપણી તો કંઇ વેલ્યુ જ નથી !’
 

એક પુરાણો કિસ્સો યાદ આવે છે, (થવા દો ! આટલું સહન કર્યું તો થોડું વધારે !!)
ત્યારે ટેલિફોન (દુરભાષયંત્ર ?) બહુ બધી મહેનતે અને વર્ષો સુધી પ્રતિક્ષા બાદ મળતા. કોઇએ કહ્યું કે હાર્ટના પેશન્ટને આ લોકો તત્કાલમાં ફોન મંજુર કરે છે. એટલે યાદ આવ્યું કે અમને પણ ક્યારેક ક્યારેક હ્રદયમાં દુખાવા જેવું તો થાય જ છે ! આથી ઉપડ્યા ટેલિફોન કચેરીએ સાંભળો ત્યાંનો સંવાદ:
’સાહેબ, હાર્ટના દર્દીને તુરંત ફોન મળે છે ?’
’હા, પણ એ માટે દાક્તરનું પ્રમાણપત્ર અને તત્કાલ સેવા માટેનું શુલ્ક રૂ. ૧૫૦૦૦ ભરવું પડશે’
’રૂ.૧૫૦૦૦ ?? પરંતુ એટલા બધા રૂપિયા ભરવાની તો મારી સગવડ નથી.’
અને એ સાહેબે મારી સામે તુચ્છતાપૂર્વક જોયું અને બોલ્યા: ’ખોટા બહાના હેઠળ ટેલિફોન લેવો છે ? પોલિસ ફરિયાદ થઇ જશે, ૧૫૦૦૦ રૂપરડી જેવી મામુલી રકમ પણ જેની પાસે ન હોય તેને કદી હાર્ટએટેક ન આવે !!’
અને અમને થયેલું કે ’આપણી તો કંઇ વેલ્યુ જ નથી !’
 

પણ હવે અત્યારે આ બધી પિસ્ટપિંજણ કેમ આદરી ? વાત એમ છે કે હવે રહી રહીને લાગ્યું કે ના ના ! આપણી પણ કોઇ કદર કરે છે ખરૂં ! હમણા એક દહાડો એક મેઇલ (ઈ) આવ્યો, જેમાં નાઇજીરીયાનાં ભુ.પૂ. પ્રથમ સન્નારીએ સ્વયં અમને ધંધામાં ભાગીદાર બનાવવાની ઓફર મોકલી !!! અમને પણ થયું કે ઓફર ખોટી તો નહીં જ હોય ! આપણો તો અનુભવ છે કે અહીં પાંચ વરસ સરપંચપદું કરનાર પણ ઇન્ડસ્ટ્રિઅલિસ્ટ બની શકે છે, તો આમના એ તો આખા રાષ્ટ્રના પ્રમુખ હતા !! દલ્લો તો બહુ મોટો હોવો જોઇએ ! આથી અમે તો ઘોડા ઘડી પણ નાખ્યા છે. પ્રથમ તો એક મોટી મોબાઇલ કંપની જ ખરીદી કાઢવી છે ! અને અમને ટેલિફોન જોડાણ ન આપનાર વ્યક્તિને તેમાં જ પટાવાળા તરીકે બેસાડીશું !!   રાષ્ટ્રનાં માનવંતા ઉદ્યોગપતિ તરીકે, આગળ પાયલટીંગ-એસ્કોર્ટીંગ શાથે, નિકળીશું ત્યારે પેલા ટ્રાફિક જમાદાર પાસે જ સલામ ઠોકાવીશું !! અને ભવિષ્યમાં અનેક ઉદ્યોગોના માલિક થશું ત્યારે આપણા આ બ્લોગનાં મિત્રો અને સ્વજનોને થોડા ભુલી જશું ? આથી અહીં જાહેર કરીએ છીએ કે આજનો આ લેખ વાંચનાર તમામ મિત્રોને આજીવન ફ્રી STD-ISD સગવડ શાથેનો એક મોબાઇલ ભેટ આપીશું ! અને આ લેખ પર પ્રતિભાવ આપનાર તમામ સ્નેહીઓને અમારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં મોભાયુક્ત સ્થાન આપીશું !!  🙂  (वचनेसु किम्‌ दरिद्रताम्‌!)

જો કે અમુક મિત્રો કહે છે કે, બચજો, આ તો નાઇજીરીયન ફ્રોડ  છે. પરંતુ લાગે છે કે તેઓ અમારી (ભવિષ્યમાં થનાર) પ્રગતિથી બળે છે. અને અમારા આ ગુલાબી સ્વપ્નો પર પાણીઢોળ કરી અને અમને પણ સતત પોતાની શાથે જ રાખવા માંગે છે ! પરંતુ માંડ આજે અમારી આટલી વેલ્યુ થઇ છે ! એમ કંઇ પાછા થોડા હટીશું !!
તો લ્યો ત્યારે હવે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટિંગમાં જ (જે કદાચ સ્વિટ્ઝરલેન્ડ ખાતે યોજીશું) રૂબરૂ મળીશું ! ત્યાં સુધી શુભરાત્રી, Sweet Dreams.
(ખુલ્લી આંખે જોવાતા સ્વપ્નાઓ સાકાર થાય છે, પથારીમાં પડ્યે પડ્યે જોવાતા સ્વપ્નોને વિચારવાયુ કહેવાય ! જેનું શમન શંખવટી થી થઇ શકે છે !!)

Advertisements

27 responses to “આપણી તો કંઇ વેલ્યુ જ નથી !!

  1. શ્રી અશોકભાઈ,

    અમને બોર્ડ ઓફ ડીરેક્ટર્સ માં સ્થાન આપજો, અમે પ્રતિભાવ આપી દીધો છે. હમણાં બે દિવસ પહેલાં પોલીસે પકડ્યોતો ત્યારે ૫૦ રૂપિયા દેતા જીવ બળી ગયો હતો. વધારે માંગ્યા હોત આપણી (શોરી મારી) ક્યાં તેવડે ય હતી આપવાની. અને તમારી જાણ ખાતર કે અમને (મને) પ્રેમ બેમ માં રસ ઉડી ગયો છે અને હવે અમે (મે) શિક્ષણનું કાર્ય આદર્યું છે. અને ક્યારેક કશું શીખવા આવીએ (આવુ) તો ફી નહીં માંગતા. “નાઈ લે નહીં નાઈની કદી, આપણ ધંધા ભાઈ જી.”

    Like

  2. અશોકભાઈ

    તમે ઉપર જ કૉપિરાઈટનું કહ્યું ચે તો બૉસ, “આપણા” (?)પર તમે એકાધિકાર ન જમાવો. ‘આપણી’ પણ એવી જ (કુ)ટેવ છે.

    મારે પણ ટેલિફોન (સીસ્ટમ)નો ધંધો છે એટલે એ લોકોની તરફદારી કરૂ તો બાપુ, એ લોકો સાચા જ છે.. એટલા રૂપિયા ભરીયે એટલે હાર્ટ એટક[નો હુમલો
    ;)]આવી જ જાય ને?

    અને આમેય તમે સમાજ માટે ખતરા રૂપ કહેવાવ… તમે બધા પેપર્સ રેડી રાખો અને પૉલીસ પણ તમારામાં ‘કમાઈ’ ન શકે તો યાર એ તો જધન્ય અપરાધ જ ગણાવો જોઇએ. કેમ કે આપણા મહાન ભારતવર્ષમાં કસાબને “અતિથિ દેવો ભવ:” નો અહેસાસ કરાવી શકીયે તો તમે ખાલી આપણા દેશ બાંધવને ગલતો શોધવાનો મોકો પણ ન આપો?! અપશોચ અપશોચ ! !

    Like

    • રજનીભાઇ, આભાર, આપની નટખટ કોમેન્ટ બદલ !!
      અરે ભાઇ ’આપણો’ તો ધંધો પોલીસ પાસેથી કમાવાનો છે !!(અમે પોલીસના ઇલે.કોન્ટ્રાક્ટર છીએ) પોલીસ સામી આપણામાં કમાઇ જાય તે ગળે કેમ ઉતરે ?? છતાં પણ હવે ક્યારેક ઝડપાશું ત્યારે એકાદો ફોલ્ટ જાણીજોઇને રાખી દેશું ! ભલે બચાડા એ પણ ખુશ થતા 🙂 અને હા, લો આ ’આપણા’ પરથી ’આપણો’ એકાધિકાર હટાવીએ છીએ !
      આભાર.

      Like

  3. આમ પણ લગ્ન અને નગ્ન [સોરી] સમાજ મા ખુલ્લા થાયા પછી કોઇ ની વેલ્યુ રહેતી નથી – હસવા માટે છે પણ છે સત્ય. – અશોક્મુની એક સારા [છે જ] હાસ્ય લેખક થવા ના તમામ ગુણ ધરા ઓ છો.
    આપણા ખાસ મિત્ર છે અશોકમુનિ આ નામ ખૂબ પ્રચલીત થયુ છે મારુ જ આપેલુ નામ છે.સ્કુલ કાળ મા આપણે તને નામ આપેલુ હરિશચન્દ્ર જે આપણા ગ્રુપમા ખૂબ પ્રચલીત છે આને આજ્થી બ્લોગ પર પણ પ્રચલીત થઇ જ્શે ! ગુસ્સે ન થા હરિશચન્દ્ર, આતો આપણે તારિ જેમ હાસ્ય લેખ તો લખી નથિ શક્તા એટ્લે આ વા પ્રતીભાવો આપિ યે છીયે [ગુસ્સો આવે તો બે રોટ્લી વધારે ખવાય]

    Like

    • મુન્શીજી !! વ્યાકરણની આટલી ભુલો ??? ગુજરાતીના તાસમાંથી ગુટલી મારી અને ગીતા (ટોકિઝ !!)માં ઘુસવાની આદતનું આ પરિણામ છે 😮
      ’લગ્ન અને નગ્ન થયા પછી કોઇની વેલ્યુ નથી રહેતી’ માં કદાચ લગ્ન બાબતે તારો અનુભવ સાચો હશે !!! પરંતુ ’નગ્ન’ બાબતે તો તું ખોટો ઠરે છે. આજે તો ’નાગાની પાંચશેરી ભારી’ કહેવાય છે. આપણે નાગાબાવાઓનાં ઘણા સરઘસ જોયા છે (શિવરાત્રી પર) હવે તો રાજધાનીઓમાં નાગાઓનાં સરકસ થાય છે !! નાગાઇ (નપાવટતા)એ પદ અને પ્રતિષ્ઠા મેળવવાની સૌથી મોટી લાયકાત ગણાય છે ! આજે તો તેમની જ વેલ્યુ સૌથી વધારે છે ભાઇ ! અને હરિશચંદ્રોનાં ભાગમાં તો આમેય બે રોટલી જ આવે છે !! આભાર.

      Like

  4. શ્રી અશોકભાઈ,ઘરના તથા મારા વિખરાઈ ગયેલા બજેટ વચ્ચે હળવો લેખ..રવિવારે સવારે વાંચવા જેવો લેખ હતો.
    ‘આપણા-આપણી’ શબ્દપ્રયોગ લોકો ખૂબ કરે.આપણી બેબી,આપણો બાબો વગેરે….. પણ આજ સુધી સાંભળ્યુ નથી કે ‘આપણી બૈરી’
    ’આપણી તો કંઇ વેલ્યુ જ નથી !’ 🙂

    Like

    • એકદમ સરસ પકડ્યું ! રાજનીભાઇ.
      ’ઘર આપણું ! બાળકો આપણાં ! દુકાન આપણી ! પણ બૈરી ?? “મારી” ’
      આ બાબતે તો સંપૂર્ણ એકાધિકાર (જો કે બંન્ને પક્ષે એમજ સમજવું) કદાચ, ’હાં યહી પ્યાર હૈ !’
      (અને આમાં ક્યાંય “આપણા”વાળી કરવા જવું પણ નહીં !! આમે ચોમાસાને કારણે હાડકાનાં દાક્તરો પાસે નવરાશ હોતી નથી 😉 ) આભાર.

      Like

  5. અશોકભાઇ હવે અમને પણ ખુલ્લી આંખે આજીવન ફ્રી STD-ISD મોબાઇલ અને સ્વિટ્ઝરલેન્ડ ના ગુલાબી સ્વપ્ન આવવા લાગ્યા છે.

    Like

  6. એટ્લે જ તો હાસ્ય લેખ લખતો નથી લેખ કર્તા ભુલો વાંચી ને તારા પેટ માં દુખાવો થાઇ જાય – આપણે પણ સાથે જ ગુટ્લી મારતા ને ?

    Like

  7. હાસ્ય ધુરંધર શ્રી ૧૦૦૮ શ્રી અશોક મુનીજી,
    બહુ મજા આવી.ભાઈ અમે તો અમારી રાઓલ અટક બોલી દેતા એટલે પોલીસ વાળો ઉપરથી સાહેબ જવાદ્યો તમને ના રોકાય એવી કહી જવા દેતો.લગભગ આખું ગામ અમારું પોલીસખાતા માં.વાઘેલા માં અમારું મોસાળ એટલે રાઓલસાહેબો અને વાઘેલા સાહેબો ના લીધે હજુ સુધી કોઈ પોલીસે રોક્યા નથી.લાયસન્સ ના હોય તો પણ ચાલે.મીતાબેન સપનાં માજ સ્વિટઝરલેન્ડ જઈ આવો તો સારું.અને ફોન બીલ તો તમારા વરજી ભરે એટલે આપને તો ફ્રી માં જ કહેવાય ને?

    Like

  8. I am in que to be partner(active)for nigirian business….even .Senegalis are also business men

    Like

  9. Priya Ashokbhai,

    bahu gamyu vanchine..lage che have tamrao jamano avi rahyo che. Ane sachu kahu to have free ISD/STD ni jarur vartay che :P….na bhenpani saathe gappa nathi marva pan aa to director na nate thodi global activities nu dhyan rakhva mate.

    baki to tame samajhdar cho…malie to pachi meeting ma.

    Jai Shri Krishan

    Like

  10. આપણી તો કંઇ વેલ્યુ જ નથી !!
    આવું કેમ કો છો ભલા માણસ? આ બ્લોગમાંય સમાતી નથી… પાછળ નજર તો કરો.. ઊભે રસ્તે વેરાતી આવી છે!!!

    Like

    • સારી ’હળી’ કરી 😮 ’હમ ભી યાદ રખ્ખેંગે ઠાકુર (ઠક્કુર !!)’ વાંચો બ્લોગાચાર્યજીની ’હળી’ સમજાવતી એક વાર્તા :
      એક દા‘ડો મોટુભા શિકારેથી પરત આવી પોતાની બહાદુરીભરી શિકારકથા વર્ણવતા હતા,
      ’આજે તો એક સિંહ પાછળ પડી ગયેલો, અને ટાણે આ બંદુક દગો દઇ ગઇ’
      સેવકે પુછ્યું : ’પછી શું થયું બાપુ ?’
      ’થાય શું ? ભારે હિંમત કરી અને ભાગ્યો, હું આગળ અને સિંહ પાછળ. એમ થયું કે સિંહ હમણાં આંબળી જાશે ત્યાં ભફ્ફ કરતોક ને સિંહ લપસી પડ્યો !’
      ’અરે વાહ, આપ પણ પુરા નસીબદાર હોં !! બીજો કોઇ હોય તો ચોયણી ભરી મેલે !!’
      અને મોટુભા બગડ્યા : ’ ગોલકીના !! તંયે ઇ સાવ કોરી કેડી ઉપર સિંહ કંઇ અમથો લપટ્યો હશે !!!’ 😮
      (આ ઉભે રસ્તે વેરાતી આવી કહેવાય !!)
      માન. યશવંતભાઇ, આપનો ખુબ ખુબ આભાર.

      Like

  11. Hasya Lekh !
    Nice !
    Comments so many !….Which are in the “Hasya tone (Bhav)”it sometimes difficult to know( but then, I am not mature to understand or my “Bhasha-Gyan of Gujarati is not OK )
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Ashokbhai..Thanks for your recent visit/comment on Chandrapukar !
    I thought, I was here 1st time…but I DID visit before& read your Profile !

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s